prutha part -3 in Gujarati Moral Stories by Purvi Shukla books and stories PDF | પૃથા - 3

Featured Books
Categories
Share

પૃથા - 3

પૃથા Part 3: ગોરમા પૂજન

બધી છોકરીઓએ નક્કી કરેલ કે સાડી પહેરીને સવારે ગોરમા પૂજવા જઈશું. એટલે બધી છોકરીઓ ઘરે તૈયાર થતી હતી. તેમ પૃથા પણ ખૂબ ઉત્સાહિત થઈને મમ્મીની ગમતી સાડી કાઢી હાથમાં પકડીને બેઠી હતી.

_પૃથાના મમ્મી:_ "અલી! કૅમ બેઠી? તૈયાર થવા લાગ."  
_પૃથા:_ "કેવી રીતે? મને ક્યાં સાડી પહેરતા આવડે છે? તમે પહેરાવી દો."  
_મમ્મી:_ "હવે સાડીમાં તો મેચિંગ ચણિયો અને બ્લાઉઝ જોઈએ. હવે એ અત્યારે તાત્કાલિક ક્યાં તારાં માપના ગોતવા જાઉં? ને વળી આ પાતળી કમરમાં સાડી રહેશે પણ નહિ. નીકળી જશે ને તું પડીશ એ ઉપરથી. છાનીમાની ઝૂલ વાળું પેલું લાલ ફ્રોક પહેરી લે. એ મેં મારી સાડીમાંથી જ કરાવેલ છે."  

પૃથા મોઢું ચડાવી બેઠી. વિચારવા લાગી, બધી સાડીમાં અને હું ફ્રોકમાં કેવી નોખી લાગીશ!  

કાકી અને મમ્મી તેને સમજાવવા લાગ્યા કે શું પહેર્યું એના કરતા પૂજા કરવી એ મહત્વનું છે. એટલામાં તેની બહેનપણીઓએ બહારથી બૂમ પાડી, "પૃથા!"  

ઉતાવળમાં મન કમને પેલું ફ્રોક પહેરી પૂજાની થાળી લઈ તે ભાગી. એ થાળીમાં નાગલા મૂકવાનું પૃથા ભૂલી ગયેલ. એટલે તેના મમ્મી નાગલા આપવા તેની પાછળ-પાછળ ગયા. 

ગામની બીજી સ્ત્રીઓ પણ આ વર્ષનું ગોરમા પૂજન જોવા ભેગી થયેલ. પૃથાને પૂજામાં માર્ગદર્શન આપવા તેના મમ્મી પણ ત્યાં જ બેસી રહ્યા.

પૂજન શરૂ થયું. વચ્ચે ગોરમા સામે લાઈનમાં વર્તુળાકારે છોકરીઓ. ગંગુ _કાકી_ કહે તેમ પૂજા કરતી જાય. "ફૂલ ચડાવો, જળ ચડાવો, હવે ગોરમાનું ગીત ગાઓ."  

ત્યાં જ તરત હરખમાં _પૃથાએ ગીત ઉપાડ્યું_  
_પૃથા:_ "ગોરમા ને પાંચે આંગળીએ પૂજ્યા, કે નાગલા ઓછા પડ્યા રે લોલ"  

_ગંગુ કાકી અને બીજી સ્ત્રીઓ:_ "અલી એય! ઈ ગીત નો ગવાય. ઓલું ગાવ - ગોરમા ગોરમા રે કંથ દેજો કહ્યાગરો..."  
બધાએ ઝીલ્યું.

_પૃથા_ મનમાં વિચારવા લાગી, "કૅમ ઓલું ગીત નો ગવાય?" એને ક્યાં ખબર હતી કે જાણ્યે-અજાણ્યે એણે પોતાનું જ ભાવી ભાખી લીધું હતું!

પૂજા પૂરી થયા પછી સહુ પોતપોતાને ઘરે.

પૃથાના ઘરનું દ્રશ્ય...  
કાકી અને મમ્મી રસોઈની તૈયારીમાં લાગી ગયા. પણ પૃથાનું મન હજુ ગોરમા ની પૂજામાં જ હતું. 'અલી એ ગીત ન ગવાય' એ વાક્ય ગૂંજ્યા કરતું હતું.  

આદતથી મજબૂર તેણે તરત જ મમ્મી અને કાકી ઉપર કાયમની જેમ પ્રશ્નોની ઝડી વરસાવી.  
_પૃથા:_ "કેમ મને એ ગીત ગાવાની ના પાડી? શું એ ગોરમા નું નથી?"  
_કાકી:_ "ગોરમાનું જ છે. પણ દીકરીઓ ગોરમા પૂજન મનગમતો પતિ મેળવવા કરે. તેં જે ગીત ગાયું એ ગીત એવી સ્ત્રીઓ માટે છે જેના લગ્ન થઈ ગયાં છે પણ સારો પતિ મળ્યો નથી અથવા પતિ ગુજરી ગયો છે. એના દુઃખનું વર્ણન છે તેમાં. માટે આ શુભ સમયમાં એ ન ગવાય."  
 પૃથાએ મનમાં વિચાર્યુ લે એમ કાઇ ગીત ગાવાથી શુભ અશુભ થોડું થાય!

કાકી "હાલ હવે તારું ફરાળ તૈયાર છે. થોડું ખાઈ લે અને થોડું ટિફિનમાં લઈ જા. નિશાળે જવાનો ટાઈમ થાય છે. છાનીમાની યુનિફોર્મ પહેર, બેગ ભર લે. આ લન્ચ બોક્સ... અને ઉપડ. હમણાં કાકી પણ તૈયાર થઈ શાળાએ જશે. તેમની જોડે ન જવાય, એ તો શિક્ષિકા તારાં. ત્યાં કાકી નહિ."  

ધોરણ 1થી 4 સુધીની શાળા અમીરપુરમાં જ. એ પણ પૃથાના ઘરની પડખે. પૃથાનું ઘર શાળાની બારીમાંથી ચોખ્ખું દેખાય. બન્ને વચ્ચે સરસ મજાની બોરડી. શિયાળામાં તાજા ઉગેલા બોર તોડવા શાળાએ આવજા કરતાં વિદ્યાર્થીઓ બોરડી પાસે વહેલા આવી ઊભા રહી જતા. પણ પૃથાના ઘરની બાજુમાં બોરડી હતી એટલે ત્યાં કોઈને એ બોર ના તોડવા દે,આજે પણ કાંઈક એવુજ બનવાનું હતું, પૃથાને પોતાની વસ્તુઓ પ્રત્યે ભારે મોહ હતો.
શું પૃથા બીજાને ઍની બોરડીથી બોર તોડવા દેશે? તમારી કમેન્ટમાં જણાવો....., 
આપની પ્રતિક્રિયાની રાહે......


વધુ આવતા પ્રકરણમાં વાંચો