Empty Sky – A Voice That Resounded - 2 in Gujarati Motivational Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | ખાલી આકાશ – એક અવાજ જે ગુંજતો રહ્યો - 2

Featured Books
Categories
Share

ખાલી આકાશ – એક અવાજ જે ગુંજતો રહ્યો - 2

પ્રકરણ - ૨
નિષ્ફળતાનો ઈતિહાસ

કુર્લાની એ સાંકડી ગલીઓમાં રાતનો સન્નાટો પ્રસરેલો હતો, પણ આર્યનના મગજમાં વિચારોનું તોફાન શમવાનું નામ નહોતું લેતું. બહાર રિક્ષાઓના એન્જિન ઠંડા પડી ગયા હતા, પણ આર્યનની ખોલીમાં લાગેલી બેચેનીની આગ વધુ પ્રજ્વલિત થઈ રહી હતી. તેની ખોલીના એક ખૂણામાં એક જૂનું, લાકડાનું ટેબલ હતું જેના પાયા ક્યારનાય ભેજને કારણે સડી ગયા હતા. એ ટેબલના ખાનામાં એક જાડી, કાળા રંગની ફાઈલ દબાયેલી પડી હતી. તેણે આ ફાઈલ લીધી અને એ લઈને તે પોતાના પલંગ પર નિરાશ વદને બેસી ગયો.

આર્યનની આ ફાઈલ કોઈ ડિગ્રીઓ કે મોટી સિદ્ધિઓનો દસ્તાવેજ નહોતી, પણ આર્યનના જીવનની હારનો એક જીવંત અને ક્રૂર પુરાવો હતી. જો કોઈ એ ફાઈલ ખોલે, તો તેને અંદરથી નોકરીના અસ્વીકાર પત્રો (Rejection Letters), અધૂરા રહી ગયેલા પ્રોજેક્ટ્સની નોંધ અને કેટલીક એવી યાદો મળે જે આર્યન ક્યારનોય ભૂલી જવા માંગતો હતો.

આર્યન પલંગ પર બેસીને લાંબો સમય એ ફાઈલ સામે તાકી રહ્યો. અંતે, તેણે હિંમત ભેગી કરી અને ધ્રૂજતા હાથે એ ફાઈલનું પહેલું પાનું ખોલ્યું. વર્ષોથી જામી ગયેલી ધૂળની એક ડમરી ઉડી અને આર્યનના ચહેરા પર ફરી વળી.

'નસીબ પર પણ આટલી જ ધૂળ જામી ગઈ છે!' તે સ્વગત બબડ્યો અને ઉધરસ ખાતા ખાતા ફાઈલ બહાર કાઢી.

તેણે પહેલું પાનું ફેરવ્યું. સામે જ તેનો ગ્રેજ્યુએશનનો ફોટો હતો. પદવીદાન સમારોહ વખતે પહેરેલો એ કાળો ગાઉન અને હાથમાં રહેલી ડિગ્રી. એ ફોટામાં તેની આંખોમાં જે તેજ હતું, તે જોઈને અત્યારનો આર્યન હસી પડ્યો. એક એવું હાસ્ય જેમાં માત્ર પીડા હતી. તેને યાદ આવ્યું કે, નાનપણથી જ તે પોતાના વિધાર્થીકાળમાં હંમેશાથી 'એવરેજ' જ રહ્યો હતો. ન તો તે ક્યારેય ક્લાસમાં પ્રથમ આવ્યો હતો, ન તો રમતગમતમાં કોઈ મેડલ જીત્યો હતો. તે હંમેશા એ ભીડનો હિસ્સો રહ્યો હતો જે સ્ટેજ પર બેઠેલા વિજેતાઓ માટે માત્ર તાળીઓ જ પાડે છે.

'તે દિવસે જ્યારે હું મુંબઈ આવવા માટે ઘરેથી નીકળ્યો હતો ત્યારે લાગતું હતું કે, મુંબઈ જઈને હું આ 'સરેરાશ' હોવાનું લેબલ ભૂંસી નાખીશ.' તેણે ફોટા પર હાથ ફેરવતા મનોમન વિચાર્યું.

પરંતુ મુંબઈ આવ્યા પછી જ એને સમજાયું કે, મુંબઈની હકીકત તો કંઈક અલગ જ હતી. અહીં આવીને એણે સમજાયું કે,.અહીં 'એવરેજ' હોવું એ કોઈ શ્રાપથી ઓછું નહોતું. તેણે ફાઈલના પાના ફેરવ્યા. 

એક પછી એક રિજેક્શન લેટર્સ લાઈનમાં ગોઠવાયેલા હતા. તેને યાદ આવ્યો એણે આપેલો એ પહેલો ઈન્ટરવ્યુ! તે પૂરા ઉત્સાહ સાથે, ઈસ્ત્રી કરેલા શર્ટ અને ટાઈ પહેરીને નરીમાન પોઈન્ટની એક કાચની બિલ્ડિંગમાં તે ગયો હતો.

"મિસ્ટર આર્યન! તમારી પ્રોફાઇલ સારી છે, પણ અમને 'એક્સ્ટ્રા ઓર્ડિનરી' ટેલેન્ટ જોઈએ છે. We will get back to you." એચ.આર. મેનેજરે સ્મિત સાથે કહ્યું હતું.

એ 'સ્મિત' પાછળ રહેલો ધિક્કાર આર્યન ત્યારે નહોતો સમજી શક્યો. એ પછી તો આ વાક્ય તેના જીવનનો જાણે કાયમી હિસ્સો બની ગયું!

"અમે તમને જણાવીશું. "આ શબ્દો હવે તેને કોઈ શ્રાપ જેવા લાગતા હતા.

ઘણી મહેનત પછી તેને એક માર્કેટિંગ કંપનીમાં નોકરી મળી હતી પણ ત્યાં પણ એ વધુ સમય ન ટકી શક્યો. એણે ફાઈના થોડાં વધુ પાનાં ફેરવ્યા. 

થોડા પાના નીચે તેને એક કાગળ મળ્યો જેના પર લોહીના ડાઘ જેવી લાલ શાહીથી 'Terminated' એવું લખેલું હતું. હા! આ તેની માર્કેટિંગ કંપનીની એ જ નોકરી હતી જ્યાંથી તેને કાઢી મૂકવામાં આવ્યો હતો.

તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેના બોસે આખી ઓફિસ વચ્ચે તેનો કોલર પકડ્યો હતો અને કહ્યું હતું, "આર્યન! તારું કામ શું છે? સેલ્સ વધારવાનું! તું કેમ જૂઠું નથી બોલી શકતો? ગ્રાહકને ફસાવતા તને કેમ નથી આવડતું?" એના બોસ એકદમ લાલચોળ આંખે ગર્જ્યા હતા.

આર્યને ત્યારે નીચું જોઈને કહ્યું હતું, "સર! મને માફ કરો પરંતુ આપણી પ્રોડક્ટમાં જે ખામી છે તે હું છુપાવી નથી શકતો. એ નૈતિક રીતે ખોટું છે. મારાથી ખોટું નહીં બોલી શકાય."

"નૈતિકતા? તારી નૈતિકતા તારું પેટ ભરશે? આર્યન! તારા જેવા લાખો લોકો રસ્તા પર ફરે છે, જો કામ ન કરી શકતો હોય ને તો અત્યારે જ આ ઓફિસમાંથી બહાર નીકળી જા!"

એ દિવસે આર્યન રડ્યો નહોતો, પણ તેની અંદર રહેલો આત્મવિશ્વાસ કાયમ માટે કચડાઈ ગયો હતો. તેની નૈતિકતા કોર્પોરેટ જગત માટે 'નબળાઈ' બની ગઈ હતી.

સંબંધોના મોરચે પણ તેનું આકાશ ખાલી જ હતું. ફાઈલના છેલ્લા ખાનામાં એક ગુલાબી રંગનું કવર હતું. 

એ પાયલનો પત્ર હતો. કોલેજ સમયની એ મિત્ર, જેણે એક સમયે આખી જિંદગી સાથે રહેવાના વાયદા કર્યા હતા!

પણ જ્યારે માણસ પાસે સંપત્તિ નથી હોતી ત્યારે આખી દુનિયા એનો સાથ છોડી દે છે. પાયલ પણ આવી જ એક વ્યક્તિ હતી જે આર્યનને એમ કહીને એના જીવનમાંથી ચાલી ગઈ હતી કે, "પ્રેમથી પેટ નથી ભરાતું આર્યન! મારે એક સુરક્ષિત ભવિષ્ય જોઈએ છે." તેના આ છેલ્લા શબ્દો આજે પણ આર્યનના કાનમાં ગુંજતા હતા.

તેને યાદ આવ્યું. પાયલ સાથેની એ છેલ્લી મુલાકાત..!

પાયલે તેને કહ્યું હતું, "આર્યન! તું ક્યાં સુધી આ સંઘર્ષ કરતો રહીશ? તારા જેવી ડિગ્રીવાળા મુંબઈમાં ટેક્સી ચલાવે છે. તું ક્યારેય સફળ નહીં થાય." પાયલે તેના મોઢા પર કહી દીધું હતું.

આર્યને પૂછ્યું હતું, "શું સફળતાનો માપદંડ માત્ર પૈસા જ છે?"

"હા, આ દુનિયામાં તો એમ જ છે." એમ કહીને તે ચાલી ગઈ હતી.

આર્યને ફાઈલ બંધ કરી અને જોરથી ટેબલ પર પછાડી. ધૂળ ફરી ઉડી. તેને લાગ્યું કે, આ ધૂળ જ તેનું નસીબ છે. તે પલંગ પર આડો પડ્યો. તેના પડોશમાં રહેતા લોકોના ટોણા તેને યાદ આવ્યા.

"જુઓ, ભણી-ગણીને રખડે છે. મોટો સાહેબ બનવા નીકળ્યો હતો."  ગલીના નાકે ઉભા રહેતા પાનવાળા કાકાએ ગઈકાલે જ કોઈને કહ્યું હતું.

આર્યન પાસે કોઈ જવાબ નહોતો. જ્યારે તમે સફળ હોવ ત્યારે તમારું મૌન 'શાલીનતા' ગણાય છે, પણ જ્યારે તમે નિષ્ફળ હોવ ત્યારે તમારું મૌન 'લાચારી' બની જાય છે.

રાતના બે વાગ્યા હતા. આખી ચાલીમાં નસકોરાંના અવાજો અને ક્યાંક દૂર કોઈ બાળકના રડવાનો અવાજ સંભળાતો હતો, પણ આર્યનની આંખોમાં ઊંઘ નહોતી. તેને સતત એ વિચાર આવતો કે, શું તેના જીવનનો કોઈ અર્થ છે? શું તે માત્ર પૃથ્વી પર બોજ બનવા માટે જ જન્મ્યો છે?

તે પોતાની નિષ્ફળતાઓને ગણવા બેસતો તો રાત ટૂંકી પડતી. શાળામાં ઓછા માર્કસ...,કોલેજમાં અધૂરા સપના..., નોકરીમાં રિજેક્શન... અને પ્રેમમાં દગો....તેને હવે લાગવા લાગ્યું હતું કે, તેનું આખું જીવન જાણે એક ભૂલ હતી!

ભીંત પરના પેલા ભેજવાળા નકશામાં હવે તેને પોતાની જિંદગીની તિરાડો દેખાતી હતી. તે વિચારતો રહ્યો કે, શું ક્યારેય આ કાળી રાતનો અંત આવશે? શું ક્યારેય એવું આકાશ મળશે જે ખાલી ન હોય?

તેની અંદરથી એક કરુણ અવાજ ઉઠ્યો, "આર્યન! તારું ભાગ્ય આ સાંકડી ગલીઓમાં જ દટાઈ જવાનું લખાયેલું છે. તું માત્ર એક આંકડો છે, એક એવી નિષ્ફળતા જેની કોઈ નોંધ લેવાનું નથી."

તેણે આંખો મીંચી દીધી. નિષ્ફળતાનો આ અસહ્ય ભાર લઈને તે ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ બંધ આંખે પણ તેને પેલા 'Rejection Letters' ના સફેદ કાગળો જ દેખાતા હતા. તેની આ સફર હવે એક એવા મોડ પર હતી જ્યાંથી પાછા વળવા માટે ઘરના ઉંબરા પર શરમ નડતી હતી અને આગળ વધવા માટે હિંમત બચી નહોતી.

અંધકાર ઘેરો હતો, પણ કદાચ આ જ અંધકારની ગર્ભમાં કોઈ વણલખેલી વાર્તા આકાર લઈ રહી હતી.