" ઓળી ઝોળી પીપળ પાન ...... ફોઇ એ પાડ્યું હરિણી નામ ......" અને ઘરના બધા સભ્યોએ તાળી
પાડીને હરિણી નામ હર્ષ થી વધાવી લીધું ....કુટુંબ ના સભ્યો ની છત્રછાયા હેઠળ ખૂબ જ લાડકોડ થી હરિણી નું બાળપણ વીતવા માંડ્યું .... જેમ જેમ મોટી થતી ગઈ .... જાણે ફોઇએ પાડેલા
નામ ને સાર્થક કરતી ગઈ ..... અણિયારી છતાં નિર્દોષ આંખો ....વલ્લરી જેવી નાજુક કાયા ..... ચહેરા ઉપર હમેશા ફરકી રહેતું સ્મિત .....ચંચળ , તેજસ્વી અને આકર્ષક વ્યક્તિત્વ પારકા ને
પોતાના કરી લેવા ની ક્ષમતા ધરાવતું હતું ......!!! નાજુક નમણી હરિણી નાનપણ થી જ ખૂબ લાગણીશીલ ...... ઘર માં કોઈ ગુસ્સો કરે , તો પણ રડી પડે ....અને જો કોઈ એને મોટે થી કઈં
કહે તો પણ એની આંખો માં ઝળઝળિયા આવી જાય .... ! ફિલ્મો જોતાં પણ રડી પડે અને નવલકથા માં આવતા કરુણ પ્રસંગ વાંચતાં પણ ભાવ વિભોર થઈ જતી .....!! એની મમ્મી ઘણીવાર
મજાક માં કહેતી , " આ આટલી બધી ઢીલી રહીશ તો જિંદગી નો ભાર શેં વેંઢારીશ ?? "
હરિણી ને કલા , પુસ્તક અને પ્રકૃતિ સાથે અનહદ પ્રેમ ...... કોઈપણ કલાત્મક કૃતિ જોઈને એની આંખોમાં અનેરી ચમક ઉપસી આવતી ......પ્રકૃતિ ના બદલાતા રંગો ને આંખોમાં સમાવી લેવા એ હમેશા આતુર રહેતી .......રંગબેરંગી ફૂલો , ઝળઝળ વહેતા ઝરણા , સૂર્યોદય સમય ની આકાશ ની ગરિમા ...... સૂર્યાસ્ત સમયે ફેલાઈ રહેલા સંધ્યા ના શ્યામ ગુલાબી રંગો થી શોભી ઊઠતું આસમાન ....... સમુદ્ર નો કિનારો .......ઉછળતા મોજામાં સલવાર ઊંચો કરી , હાથમાં સેન્ડલ પકડીને , ભીની રેતીનો મૃદુ સ્પર્શ અનુભવતા .......ડૂબતાં સૂરજને જોવાનો અનેરો આનંદ ...... મોસમનો પહેલો વરસાદ ...... ઝરમર વરસતા વરસાદ માં પલળવાની મજા ......માટીની ભીની ભીની સુગંધ ...... આ બધું જ શ્વાસો માં ભરીને એ પ્રકૃતિમય બની જતી .......!!!
હરિણી ને કલા અને પુસ્તકો પ્રત્યે અતિ પ્રેમ .....નવલકથા ના પાત્રો સાથે ઓતપ્રોત થઈ જતી ....વાર્તાઓ માં આવતું હોય એમ એણે પોતાના મન માં જ સપનાંની એક નાની દુનિયા રચી દીધી હતી . એક નાનું મજાનું ઘર હશે ...... જેને એ પોતાની ઈચ્છા મુજબ કલાત્મક રીતે સજાવશે ......ઘર ના વરંડા માં એક હિંચકો હશે .....અને તેની આગળ નાનકડો બાગ ......તેમાં અનેક જાત ના ફૂલ ઝાડ રોપીશ .....અને હું જાતે જ એનું જતન કરીશ .....વગેરે કેટલાયે સપના ના મહેલ તેણે પોતાના મન માં જ રચી રાખ્યાં હતા ......પરિણામે આ કાલ્પનિક વિચારો જ કલમ બનીને ટપકી પડ્યા ...... એ નાની મોટી વાર્તાઓ , લેખો , નિબંધો વગેરે લખતી થઈ ગઈ ......રસ્તા માં જતાં આવતા ક્યારેક કઇંક જુએ કે સાંભળે .....તરત એના મગજ માં વિચારો નો પ્રવાહ શરૂ થઈ જાય ...... અને એના આ જ વિચારો એક કલાત્મક કૃતિ બની ને મેગેઝીન અને અખબારો માં છપાવા માંડ્યા .......ભણવામાં પણ તેજસ્વી હરિણી એ ગુજરાતી લિટરેચર માં માસ્ટર્સ ની ડિગ્રી લીધી .....અને શહેરની પ્રખ્યાત કૉલેજ માં સાહિત્ય ની પ્રોફેસર તરીકે તેની નિમણૂક થઈ ....સરળ અને હસમુખા સ્વભાવ ને કારણે થોડા જ વખત માં એ વિધ્યાર્થીઓ અને બીજા સ્ટાફ મેમ્બર્સ માં પણ પ્રિય થઈ પડી ....!!
કૉલેજ ના એક ફંકશન માં હરિણી ની મુલાકાત અર્ણવ દેસાઇ સાથે થઈ .. સહુ પ્રથમ તો એને અર્ણવ નામ સાથે જ પ્રેમ થઈ ગયો .....wow ..! શું સુંદર નામ છે ....અર્ણવ એટલેતો મહાસાગર .......!!ફાઇનાન્સિયલ એનાલિસ્ટ તરીકે મલ્ટી નેશનલ કંપની માં જોબ કરતાં અર્ણવ નું વ્યક્તિત્વ અસાધારણ હતું .... છ ફૂટ ઊંચી પાતળી પણ કસાયેલી આકર્ષક કાયા ......દેખાવે ખૂબ જ શાંત અને ઓછાબોલા જણાતા અર્ણવ ના શબ્દો ખૂબ ધારદાર રહેતા , એ હરિણી ની નજર બહાર ના રહ્યું .. થોડી જ મુલાકાતો માં બંને એકબીજાની નજીક આવી ગયા .....અને એક દિવસ .. કઈં કેટલાયે અરમાનો અને સપનાઓ ની ગઠરી બાંધી હરિણી એ અર્ણવ સાથે પ્રભુતા માં પગલાં પાડ્યા ......!! લગ્નના શરૂઆત ના દિવસો એકબીજા ના સાંનિધ્ય માં ખૂબજ આનંદ થી પસાર થવા માંડ્યા .....હરિણી ક્યારેક વાંચેલી હ્રદય સ્પર્શી વાર્તાની , તો ક્યારેક કોઈ સુંદર કૃતિની ચર્ચા કરવા જતી , પણ અર્ણવ તરફથી કોઈ ખાસ પ્રતિભાવ મળતો નહીં ....એને આવા બધામાં રસ નહોતો ...."હશે ......એ આંકડાનો માણસ છે .....એને મારી જેમ સાહિત્ય કે વાર્તાઓ માં ક્યાંથી રુચિ હોય ......"!! હરિણી એ મન મનાવી લીધું ....અને .ધીમે ધીમે એણે ઘરમાં આવી કોઈપણ પ્રકાર ની ચર્ચા કરવાનું ટાળવા માંડ્યું ....એકબીજાને સમજવાની પ્રક્રિયા માં દિવસો પસાર થવા લાગ્યાં .....
અષાઢ મહિના ની મેઘલી સાંજ હતી..... આકાશ માં કાળા ડિબાંગ વાદળો એ એમનું વર્ચસ્વ જમાવવા માંડ્યું હતું.... ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ..... મોસમનો પહેલો વરસાદ..... જેઠ મહિનાની અસહ્ય ગરમી થી ત્રાહિમામ થયેલ ધરતી ની ગોદમાં થી ફોરી ઉઠેલી ભીની માટીની સુગંધ થી વાતાવરણ મહોરી ઊઠ્યું હતું.... હરિણી નું પ્રક્રૃતિ મય મન નાચી ઉઠયુ ... તે અર્ણવ ની અનિચ્છા હોવા છતાં તેને બાવડેથી ખેંચીને ઉપર ટેરેસ પર લઈ ગઈ..... હરિણી ને તો અર્ણવ સાથે ભીંજાવું હતું.... નાચવું હતું.... ગાવું હતું.... મન ભરીને પહેલા વરસાદ નો આનંદ માણવો હતો ..... એ આંખો બંધ કરીને .... ઝરમર વરસતા વરસાદ ને માણતી ... એની સપનાઓ ની દુનિયા માં સરી પડી ..... હમણાં અર્ણવ પાછળ થી આવીને એને પ્રેમ થી બાથ માં ભીડી લેશે .... અને ચુંબનો થી નવડાવી દેશે...... અને પોતે શરમાઈને , વેલી જેમ વૃક્ષને વળગે એમ અર્ણવ ની બાહોમાં જકડાઈ જશે..,,,, હરિણી તેની રંગીન દુનિયા માં રાચી રહી હતી...,,!! ત્યાંજ અર્ણવ નો જોરથી છીંકવાનો અવાજ સાંભળી ને હરિણી ચમકી ગઈ...,,, આંખો ખોલીને જોયું તો અર્ણવ અંદર ના દરવાજા ની બારસાખ પકડીને ઊભો હતો...., તેના મોં પર ચીઢ દેખાઈ આવતી હતી... " આ શું ચાઇલ્ડઇશ પણું છે ? મને આ બધું નથી ગમતું ......grown up હરિણી ....." અને ગુસ્સામાં અંદર જતો રહ્યો .....હરિણી તો હેબતાઈ જ ગઈ ..... કોઈએ જાણે ધક્કો માર્યો હોય એમ ફર્શ પર ફસડાઈ પડી ......આંખમાં આવેલા આંસુ ધોધ બનીને વરસાદ ના પાણીની સાથે વહી ગયાં ......થોડીવારે કળ વળતાં એ ઘરમાં જઈને મૂંગે મોઢે કામ કરવા લાગી .... એને હજુ આશા હતી કે ગુસ્સો ઉતરી જતાં હમણાં અર્ણવ એની પાસે આવીને પ્રેમ થી એની માફી માંગશે .....એને મનાવવાના પ્રયત્ન કરશે ......પણ એવું કઈં જ ના થયું .. એણે તો હરિણી સાથે વાત જ ના કરી .....!! આ હરિણી માટે અકલ્પનીય હતું ..... એ સહેમી ઉઠી ....કેટલાયે દિવસો સુધી એના મગજ પર આ વાત ઘૂમરાતી રહી .... એ યંત્રવત ઘરનું બધું કામ કરતી ..... નિરર્થક ચર્ચાઓ કરીને ઘરનો માહોલ ખરાબ ના થાય એનું સતત ધ્યાન રાખતી ..... પણ .....જ્યારે જ્યારે આ પ્રસંગ એના મન પર ઊભરી આવતો , ત્યારે એક ધીમી ટીસ નીકળી જતી અને આંખના ખૂણા ભીના થઈ જતાં ...... પણ એણે જોયું કે અર્ણવ બહુજ નોર્મલ હતો .....જાણે કઈં થયું જ નથી ...... આ બધું હરિણી માટે બહુ જ અજુગતું હતું ..!!
એ પછી તો આવા નાના - મોટા પ્રસંગ બનતા જ રહેતા ......એકવાર અર્ણવ ને ઓફિસ ના કામે મુંબઈ જવાનું થયું . એણે હરિણી ને પણ સાથે લીધી . રવિવાર ની સાંજે બંને જૂહુ ફરવા ગયા . હરિણી તો દરિયો જોઈને હરખઘેલી થઈ ગઈ ....એણે તો સલવાર ઊંચો કરીને પાણી માં જવાની તૈયારી કરી ......અર્ણવ સામે હાથ લંબાવ્યો .......પણ ....અર્ણવ તો કિનારા ઉપર જ ઊભો રહી ગયો ....." તું જા .....મને નહીં ફાવે ......"
હરિણી ખચકાઈ ગઈ .....એનો હાથ નિસ્તેજ થઈને લટકી પડ્યો .... પાણીમાં જવું કે ના જવું .....? એ દુવિધા માં ત્યાંજ ઊભી રહી ગઈ ....!! એકવાર તો થયું , ' જવા દે .. નથી જવું ..' પણ સામે ઘૂઘવતાં સમુદ્ર ના મોજા એને પોતાની તરફ ખેંચી રહ્યા હતા ......ત્યાં જ અર્ણવે કહ્યું , " તારે જવું હોય તો જા ને .....હું કઈં તને રોકતો નથી .." હરિણી પાણી માં પગ બોળીને ઊભી રહી ...ઠંડા પાણીની વાછટો એના શરીર ને તો સ્પર્શી રહી હતી ......પણ એનું મન આજે સાવ જ કોરું ધાકોર રહ્યું ......! બીજા યુગલોને મસ્તી કરતાં જોઈને એનાથી નિશ્વાસ નંખાઈ ગયો .... !!થોડી જ વાર માં એ કિનારા પર પાછી આવી ગઈ .... મોં પર બનાવટી હાસ્ય નું મોહરું પહેરીને દરિયા કિનારાની એક એવી સાંજ નો અફસોસ કર્યો , જેની એણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી ......!!!
હરિણી અને અર્ણવ ના સ્વભાવ માં ઘણો વિરોધાભાસ હતો ....એકને પ્રકૃતિ અને પુસ્તક માં રુચિ હતી , તો બીજાને કેલક્યુલેશન અને આંકડાઓ માં .....હરિણી ના દિલમાં તો " જોવીતી કોતરો અને જોવીતી કંદરા ...." નો ભાવ હતો , નદી , પર્વત અને જંગલો માં મુક્તમને ભટકવું હતું ..... જ્યારે અર્ણવ ને મોટા શહેરો , ઊંચી ઇમારતો અને મોડર્ન ટેક્નોલોજી માં રસ હતો .. એકને સોશિયલ ,ઇમોશનલ અને આર્ટ ફિલ્મો જોવી પસંદ હતી ..... જ્યારે બીજાને તો ફિલ્મો નો કોઈ શોખ જ નહોતો .....!! હરિણી ખૂબ સોશિયલ હતી .....લોકો સાથે હસી ખુશી થી હળવું મળવું એને ખૂબ ગમતું .....જ્યારે અર્ણવ અતડો અને આછાબોલો હતો ..... એ જલ્દી થી કોઇની સાથે મિક્સ નહોતો થઈ શકતો ......કોઈને મિત્ર પણ બનાવી નહોતો શકતો .....આવા તો કઈં કેટલાયે દાખલા છે ......બંનેની વિચાર ધારા માં ધરમૂળ થી વિસંવાદિતા હતી ....... છતાં એમનું જીવન સરળ રીતે વહ્યું જતું હતું ......અથવા કહો કે ખેંચાઇ રહ્યું હતું ...!!!
આમ ને આમ મન ને મનાવતા , મારતા અને ફોસલાવતા સમય પસાર થતો રહ્યો .... હવે તો હરિણી બે બાળકો ની માતા બની ચૂકી હતી .. અને તેણે સંપૂર્ણ ધ્યાન બાળકોના ઉછેર ઉપર કેન્દ્રિત કર્યું ....બાળકોને ઉછેરવાની , ભણાવવાની અને ઈતર પ્રવૃતિ માટે એક ક્લાસ માંથી બીજા ક્લાસ માં દોડાદોડ કરવાની , બધાના મૂડ અને સમય સાચવવાના , સમાજ માં વ્યવહાર સાચવવાના , વગેરે સંપૂર્ણ જવાબદારી હરિણીએ હસતાં મોં એ સ્વીકારી લીધી હતી ......સમાજ અને કુટુંબ પ્રત્યેની ફરજો નિભાવતા નિભાવતા બે - અઢી દાયકા ક્યાં વહી ગયા , તેની ખબર જ ના પડી ......ક્યારેક કઠિન સંજોગો નો પણ સામનો કરવો પડ્યો હતો .. પણ આ કાળ દરમ્યાન બાળકો અને પતિ ની આસપાસ જ તેનું વિશ્વ સમાયેલું હતું ......!!
આજે હરિણી ના બંને સંતાનો પોતાનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવા અને જોયેલા સપનાઓ ને પૂરા કરવા ઘર થી દૂર જઈને વસ્યા છે ..!! જિંદગીના કપરા ચઢાવ - ઉતરાવ નો મક્કમ પણે સામનો કરીને હરિણીએ બધીજ જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી એનો એને સંતોષ હતો ....અને ગર્વ પણ હતો .....! પણ ..... આ દરમ્યાન હરિણી પોતાની જાતને , પોતાની ઓળખ ને સાવ જ વિસરી ગઈ હતી ...... કેટલાક કડવા અને કપરા પ્રસંગો એ તેને અંદરથી ખૂબ મજબૂત બનાવી દીધી હતી ...... નાની નાની વાતોમાં વારંવાર રડી પડતી હરિણી ના આંસુ જાણે સુકાઈ ગયા હતા ......ઘણીવાર અર્ણવ સાથેના વાદ વિવાદ ને અંતે ભાંગી પડેલી હરિણી ને જોરથી રડી લેવાનું મન થતું .. પણ કોણ જાણે કેમ , હવે તેને રડવું જ નહોતું આવતું ......!!ઇમોશનલ હરિણી ને સંજોગો એ સ્ટ્રોંગ બનાવી દીધી હતી .... એના સપનાઓ ની , એની વાર્તાઓ ની દુનિયા એનાથી ખૂબ દૂર ચાલી ગઈ હતી .......એને ઘણું બધું કરવું હતું .. ઘણું બધું લખવું હતું ...... કાશ ....!! હરિણી ને ખુલ્લા આસમાન માં ઉડવા માટે પાંખો મળી હોત ........!!
સમાજ ની અને દુનિયા ની દ્રષ્ટિએ જોઈએ તો હરિણી પાસે બધું જ છે .....સુંદર મજાનું ઘર છે ...બધી જ જવાબદારીઓ નિભાવતો પતિ છે ....પ્રેમાળ સંતાનો છે ....સમાજ માં આગવું સ્થાન પામે એવું શિક્ષિત કુટુંબ છે ...... છતાં ....આજે હરિણી એકલતા અનુભવી રહી છે .....પોતાના બાળપણ અને યુવાની ના દિવસો યાદ કરતાં એના મનમાં પ્રશ્ન થાય છે .....ખરેખર આજે હું એ જ હરિણી છું ??? ક્યાં ગઈ પેલી ચંચળ , ઉછળતી - કૂદતી હરિણી ?? પુસ્તક અને પ્રકૃતિ ના સાંનિધ્ય માં સમય નું ભાન ભૂલી જતી હરિણી ને આજે યાદ પણ નથી કે છેલ્લે એણે કયું પુસ્તક હાથ માં લીધું હતું ....!! શું સંજોગો માણસ માં આટલો બધો બદલાવ લાવી શકે છે ? ? આટલી વિસંવાદિતા ........??!! પોતાની ઈચ્છાઓ ને બાજુ પર મૂકીને એણે કુટુંબ ને , લગ્ન જીવન ને પ્રાધાન્ય આપ્યું .....આમાં પોતાને શું મળ્યું ?? હરિણી થી એક આછો નિશ્વાસ નંખાઈ ગયો .....!!
આજે લગ્ન ના પાંત્રીસ વર્ષ વિતાવી ચૂકેલી ....એના લગ્ન જીવન ના લેખા - જોખાં વિચારતી હરિણી ના તાર્કિક મગજ માં એક પ્રશ્ન ઉઠ્યો ......શારીરિક દ્રષ્ટિએ અમારી ગણના એક સુખદ્ દંપતી તરીકે થતી હતી ...... પણ .. માનસિક દ્રષ્ટિએ અમારા વિચારો ક્યારેય એક નહોતા થઈ શકયા .......છતાં અમારું જીવન સરળ રીતે વહી રહ્યું હતું ....... મારા અને અર્ણવ ના આ સંબંધ ને શું નામ અપાય ?? ઇમોશનલી ડિવોર્સડ ....?? !!! હરિણી મનમાં જ હસી પડી .......!! આંખના ખૂણે બાઝેલું આંસુ નું ટપકું મૂક સંમતિ આપતું ધીરે રહીને ગાલ ઉપર સરકી પાડ્યું .........!!!
---- પ્રતિભા જોષી