અમદાવાદની એક મધ્યમવર્ગીય સોસાયટીમાં મહેશભાઈ અને કોકિલાબેન રહે છે. ઉંમર છપ્પન અને ત્રેપન વર્ષની. એમનું ઘર બહુ મોટું નથી, પણ એ ઘરની દરેક વસ્તુમાં વર્ષોની મહેનત અને યાદો વસેલી છે.
દિવાલ પર દીકરા જયના ગ્રેજ્યુએશનનો ફોટો છે. એની બાજુમાં દીકરી રિવાના લગ્નનો મોટો ફોટો. શોકેસમાં દીકરાને પહેલી નોકરી મળી ત્યારે મીઠાઈ વહેંચી હતી એ દિવસની તસવીર છે. ઘરના દરેક ખૂણે એમના સંતાનોના બાળપણની કોઈ ને કોઈ યાદ સચવાયેલી છે.
જય હવે બીજા શહેરમાં પત્ની અને બાળકો સાથે રહે છે. સારી નોકરી છે, સરસ ઘર છે અને પોતાની જવાબદારીઓ છે. રિવાના લગ્ન થઈ ગયાં છે. એ પણ પોતાના સંસારમાં ખુશ છે.
મહેશભાઈ અને કોકિલાબેનને સંતાનોની પ્રગતિ જોઈને આનંદ થાય છે. તેઓ ક્યારેય સંતાનોને પોતાની તકલીફનો ભાર આપવા માગતાં નથી.
મહેશભાઈના જીવનનો એક જ સિદ્ધાંત છે — એમને જે સુખ નથી મળ્યું, એ સુખ એમનાં સંતાનોને મળવું જોઈએ.
પરંતુ આ જ સિદ્ધાંતના કારણે તેઓ પોતાની જિંદગીની ઘણી ઇચ્છાઓ પાછળ મૂકી ચૂક્યા છે.
મહેશભાઈએ આખી જિંદગી નોકરી અને નાના વ્યવસાય વચ્ચે સંતુલન રાખીને પરિવારને ઊભો કર્યો હતો. એમનું પોતાનું એક સપનું હતું — એક દિવસ પોતાનો વ્યવસાય મોટો બનાવવો, પોતાની ઓળખ ઊભી કરવી અને ઉંમર વધે ત્યારે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું.
દીકરો મોટો થયો ત્યારે એને સારી નોકરી મળે, એ માટે મહેશભાઈએ પોતાની બચતનો મોટો ભાગ એના ભણતર અને કારકિર્દી પાછળ ખર્ચ્યો. દીકરીનાં લગ્ન વખતે પણ તેમણે કોઈ કસર બાકી રાખી નહોતી.
બંને સંતાનો પોતપોતાના જીવનમાં સ્થિર થયા પછી મહેશભાઈએ વિચાર્યું કે હવે થોડું પોતાના માટે પણ કરી શકાય.
તેમણે વ્યવસાયમાં વધુ પૈસા રોક્યા. શરૂઆત સારી રહી. ધંધો વધવા લાગ્યો. એમને લાગ્યું કે વર્ષોની મહેનત હવે રંગ લાવશે. પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ.
એક મોટા સોદામાં નુકસાન થયું. જે પૈસા પાછા આવવાના હતા, તે અટવાઈ ગયા. થોડા વ્યવસાયિક નિર્ણયો ખોટા પડ્યા અને બજારમાંથી મળવાના પૈસા સમયસર ન મળતાં વ્યવસાયની ગાડી ખોરવાઈ ગઈ. મહેશભાઈએ શરૂઆતમાં પોતાની બચત વાપરી. પછી બેંકમાંથી લોન લીધી. એમને વિશ્વાસ હતો કે થોડા મહિનામાં બધું સરખું થઈ જશે. પરંતુ સમય જતાં નુકસાન વધતું ગયું. ધંધો બચાવવા તેમણે વધુ ઉધાર લીધું. જૂની લોનના હપ્તા ભરવા નવી લોન લેવી પડી. પછી વ્યાજ, પછી બીજો હપ્તો, પછી રોજના ખર્ચા.
હવે મહેશભાઈને પહેલી વાર સમજાયું કે માણસ પોતાની મહેનતથી ઘર બનાવી શકે છે, પણ એમનો એક ખોટો નિર્ણય અને ખોટો સમય એની આખી જિંદગીનું ગણિત બદલી શકે છે.
એક રાતે ઘડિયાળમાં સાડા અગિયાર વાગ્યા છે. મહેશભાઈ ડાઇનિંગ ટેબલ પર બેઠા છે. સામે બેંકનાં કાગળો, લોનના હપ્તાની વિગતો અને કેલ્ક્યુલેટર પડ્યાં છે. તેઓ વારંવાર આંકડા સરવાળે છે, પણ દર વખતે જવાબ એક જ આવે છે — પૈસા ઓછા છે.
કોકિલાબેન રસોડામાંથી પાણીનો ગ્લાસ લઈને આવે છે.
“કેટલા ઓછા પડે છે?” એ ધીમેથી પૂછે છે.
મહેશભાઈ જવાબ આપતા નથી. થોડી વાર પછી કહે છે, “કોકિલા, લાગે છે કે હવે મારાથી નહીં થાય.”
કોકિલાબેન પતિની સામે બેસે છે. પહેલી વાર તેઓ મહેશભાઈની આંખોમાં એવો માણસ જુએ છે, જે આખી જિંદગી બધાને હિંમત આપતો આવ્યો હતો, પણ આજે પોતાની જાતને હિંમત આપી શકતો નથી.
બીજા દિવસે સવારે કોકિલાબેન પોતાની તિજોરી ખોલે છે. લગ્ન વખતે મળેલાં ઘરેણાં બહાર કાઢે છે. એક પછી એક ઘરેણાં હાથમાં લઈને જુએ છે. દરેક ઘરેણા સાથે કોઈ ને કોઈ યાદ જોડાયેલી છે. એ ઘરેણાં માત્ર સોનું નથી. એ એમની જિંદગીનાં વર્ષો છે.
સાંજે મહેશભાઈ ઘરે આવે છે ત્યારે કોકિલાબેન ટેબલ પર એક નાની થેલી મૂકે છે.
“આ શું છે?” મહેશભાઈ પૂછે છે.
“તમારી મુશ્કેલીનો થોડો જવાબ.”
થેલી ખોલતાં મહેશભાઈને અંદર પૈસા દેખાય છે. એમને તરત સમજાઈ જાય છે કે કોકિલાબેને શું કર્યું છે.
“તેં તારા ઘરેણાં વેચી દીધાં?”
કોકિલાબેન શાંત અવાજે કહે છે, “હા.”
“મને પૂછ્યું પણ નહીં?”
“પૂછ્યું હોત તો તમે ના પાડી હોત.”
મહેશભાઈની આંખો ભરાઈ આવે છે.
“આ તારું સ્ત્રી ધન ઘરેણાં તારી આખી જિંદગીની યાદો હતી, કોકિલા.”
કોકિલાબેન થોડું સ્મિત કરે છે.
“અને તમે મારી આખી જિંદગી છો, મહેશ. ઘરેણાં ફરી આવી જશે કે નહીં એ ખબર નથી, પણ અત્યારે તમે હિંમત હારી જશો તો હું કોના ભરોસે ઊભી રહીશ?”
મહેશભાઈ રડતી આંખે પત્ની સામે માથું ઝુકાવી દે છે.
“કેટલીક વાર પતિ-પત્ની વચ્ચે પ્રેમનો અર્થ શબ્દોમાં નથી હોતો. એકબીજાનું દુઃખ વહન કરવામાં હોય છે.”
પરંતુ ઘરેણાં વેચીને મળેલી રકમ પણ દેવાનો માત્ર એક નાનો ભાગ ચૂકવી શકે છે. થોડા દિવસ રાહત મળે છે, પછી ફરી એ જ ફોન, એ જ હપ્તા અને એ જ ચિંતા.
બીજી તરફ જયની જિંદગી એની ગતિએ આગળ વધી રહી છે. ઓફિસની મીટિંગ, બાળકોની સ્કૂલ, ઘરનાં ખર્ચા અને ભવિષ્યની યોજનાઓ.
મહેશભાઈ રોજ સવારે પરિવારના વૉટ્સએપ ગ્રુપમાં એક સારો વિચાર મોકલે છે.
“સંબંધોને સમય આપો, કારણ કે સમય પાછો આવતો નથી.” ક્યારેક જૂનો ફોટો મોકલે છે. ક્યારેક લખે છે, “આજે તારી બહુ યાદ આવી, બેટા.”
જય મેસેજ વાંચે છે, પણ જવાબ આપવાનું રહી જાય છે.
રિવા હાર્ટની ઇમોજી મોકલે છે. પછી એ પણ પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે.
મહેશભાઈને એ બધું દેખાય છે. તેઓ કોઈને દોષ આપતા નથી. પોતાની જાતને સમજાવે છે કે આજના સમયમાં બધાની જિંદગી વ્યસ્ત છે.
એક દિવસ જયનો ફોન આવે છે.
“પપ્પા, કેમ છો?”
“મજામાં, બેટા. તું કેમ છે?”
“બસ, પપ્પા, કામ બહુ છે. આ મહિને કદાચ આવવાનું નહીં થાય. આવતા મહિને આવી જઈશ.”
“કોઈ વાંધો નહીં. તું તારું કામ કર.”
થોડી ક્ષણ માટે મહેશભાઈને મન થાય છે કે કહી દે — “બેટા, આ વખતે થોડો સમય કાઢીને આવી જા. તારી સાથે વાત કરવી છે.”
પણ એ શબ્દો હોઠ સુધી આવીને અટકી જાય છે.
“સારું, બેટા. બાળકોને વહાલ આપજે.” ફોન કપાઈ જાય છે.
કોકિલાબેન દૂરથી બધું સાંભળે છે. તેઓ જાણે છે કે મહેશભાઈને દીકરાની કેટલી યાદ આવે છે. એ પણ કશું કહેતાં નથી. કારણ કે બંનેએ હવે પોતાનું દુઃખ એકબીજાની હાજરીમાં શાંતિથી સહન કરવાનું શીખી લીધું છે.
મહેશભાઈને એક દિવસ નક્કીકરે છે કે તેમના મોટા ભાઈ પાસે મદદ માગવાથી કદાચ આર્થિક સંકટનો થોડો ઉકેલ આવી શકે. મોટા ભાઈ કરોડપતિ છે. એમની પાસે સંપત્તિ છે, વ્યવસાય છે અને સમાજમાં માન પણ છે. મહેશભાઈ ફોન હાથમાં લે છે. ભાઈનો નંબર ખોલે છે. ફોન કરવા માટે આંગળી આગળ વધે છે, પણ અટકી જાય છે. એમની ભાભીના સ્વભાવને કારણે તેઓ ફોન કરતા નથી.
કોકિલાબેન પૂછે છે, “ભાઈને વાત કરી?”
મહેશભાઈ કહે છે, “રહેવા દે. જેને મદદ કરવાની ઇચ્છા હોય, એને આપણી હાલત સમજાવવા માટે શબ્દોની જરૂર ન પડે.”
કોકિલાબેન ચૂપ થઈ જાય છે.
તેમને ખબર છે કે મહેશભાઈ ખોટું બોલે છે. તેમને મદદની જરૂર છે. પણ સ્વાભિમાન અને સંબંધોમાં થયેલા ઘા માણસને ક્યારેક મદદ માગવા કરતાં દુઃખ સહન કરવાનું વધુ સહેલું બનાવી દે છે.
દેવું વધતું જાય છે. હવે બેંકના ફોન રોજ આવે છે. મહેશભાઈ ફોન સાઇલન્ટ પર મૂકી દે છે. દરવાજાની ઘંટડી વાગે ત્યારે બંને એકબીજાની સામે જુએ છે. ઘરમાં વાતો પણ ઓછી થઈ ગઈ છે.
કોકિલાબેન ક્યારેક કહે છે, “આપણે જયને વાત કરી દઈએ?”
મહેશભાઈ તરત જવાબ આપે છે, “ના. એની પોતાની જવાબદારીઓ છે. બાળકો મોટાં થાય છે. ઘરનાં ખર્ચા છે. આપણે એને શા માટે ચિંતામાં મૂકીએ?”
“પણ એ આપણો દીકરો છે.”
“એટલે જ તો નથી કહેતો. આખી જિંદગી એની ચિંતા કરી છે. હવે એને શાંતિથી જીવવા દઈએ.”
કોકિલાબેન પાસે જવાબ નથી.
બંને જાણે છે કે તેઓ એકબીજાને બચાવવા માગે છે, પણ કોઈ પાસે હવે આ સંકટમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી.
એક રવિવારે મહેશભાઈ જયને વીડિયો કૉલ કરે છે.
સ્ક્રીન પર જય, એની પત્ની અને બાળકો દેખાય છે. ઘરમાં હાસ્ય છે, બાળકો રમે છે, ટીવી ચાલે છે.
“પપ્પા! અત્યારે કૉલ કર્યો? અમે બહાર જવાની તૈયારી કરીએ છીએ,” જય કહે છે.
“હા, બેટા. બસ, એમ જ. બધાને જોવાનું મન થયું.”
“સાંજે વાત કરું છું, પપ્પા.”
કૉલ પૂરો થઈ જાય છે. મહેશભાઈ થોડી વાર ફોન સામે જોતાં રહે છે.
કોકિલાબેન પૂછે છે, “વાત થઈ?”
“હા. બધા મજામાં છે.” અને એ હસવાનો પ્રયત્ન કરે છે.
પણ એ દિવસ પછી કંઈક બદલાય છે. મહેશભાઈ હવે સવારે વૉટ્સએપ પર મેસેજ મોકલતા નથી. જૂના ફોટા પણ મોકલતા નથી. કોઈને ફોન કરીને વાત શરૂ કરતા નથી.
સવારની ચા પીધા પછી બારી પાસે બેસી રહે છે. કોકિલાબેન સાથે વાત કરે છે, પણ પહેલાં જેટલું હસતા નથી. જયને શરૂઆતમાં ધ્યાન જતું નથી. પછી એક દિવસ તેને ખ્યાલ આવે છે કે પપ્પાના મેસેજ ઘણા દિવસથી આવ્યા નથી. એ મમ્મીને ફોન કરે છે.
“મમ્મી, પપ્પા કેમ છે? આજકાલ મેસેજ નથી કરતા.”
કોકિલાબેન થોડી ક્ષણ ચૂપ રહે છે.
“બધું બરાબર છે, બેટા.”
“કોઈ વાત થઈ છે એમની સાથે?”
“ના. બસ, થોડા શાંત થઈ ગયા છે.”
જયને લાગે છે કે કદાચ પપ્પા કોઈ વાતથી નારાજ હશે.
“મમ્મી, પપ્પાને કહેજો કે હું રવિવારે ફોન કરીશ.”
કોકિલાબેન ફોન મૂકે છે. એમને ખબર છે કે મહેશભાઈને માત્ર ફોનની રાહ નથી. તેમને એ દિવસની રાહ છે જ્યારે કોઈ એમને પૂછશે — “પપ્પા, ખરેખર તમે કેમ છો?”
એક બપોરે કોકિલાબેન ઘરની સફાઈ કરતાં સ્ટોરરૂમમાં જૂની ફાઇલો ગોઠવી રહ્યાં છે. એક લાકડાની પેટીમાં એમને કેટલીક જૂની રસીદો, વ્યવસાયના કાગળો અને એક વાદળી રંગની ફાઇલ મળે છે. ફાઇલ પર મહેશભાઈના હાથે લખેલું છે — “મારું સપનું.”
કોકિલાબેન ફાઇલ ખોલે છે. અંદર જૂના હિસાબ છે, થોડાં નકશા છે અને એક કાગળ પર નાનકડા વ્યવસાયનું આયોજન લખેલું છે. આ મહેશભાઈનો વર્ષો જૂનો વિચાર હતો. તેઓ એવું કામ ઊભું કરવા માગતા હતા, જેમાં મોટી મૂડીની જરૂર ન પડે, થોડા લોકોને રોજગાર મળે અને ઉંમર વધે ત્યારે પણ તેઓ પોતાની મહેનતથી કમાઈ શકે.
ફાઇલની છેલ્લી પાને એક વાક્ય લખેલું છે:
“જય અને રિવા પોતપોતાની જિંદગીમાં સેટ થઈ જાય પછી આ કામ શરૂ કરીશ. આ વખતે જે કમાઈશ, એ મારા પોતાના સપના માટે હશે.”
કોકિલાબેનની આંખો ભીની થઈ જાય છે. તેમને યાદ આવે છે કે આ જ ફાઇલ મહેશભાઈએ વર્ષો પહેલાં ઉત્સાહથી બતાવી હતી. ત્યારે તેમણે કહ્યું હતું, “કોકિલા, એક દિવસ આપણે બંને સાથે બેસીને આ કામ કરીશું.” પણ પછી દીકરાનું ભણતર, દીકરીનાં લગ્ન અને વ્યવસાયનું નુકસાન… એ દિવસ ક્યારેય આવ્યો જ નહીં.
કોકિલાબેન ફાઇલ બંધ કરે છે. તેઓ મહેશભાઈને આ વિશે પૂછવા માગે છે, પણ અટકી જાય છે. ક્યારેક માણસની અધૂરી ઇચ્છા વિશે પૂછવું પણ મુશ્કેલ હોય છે, કારણ કે જવાબમાં વર્ષોનું દુઃખ બહાર આવી શકે છે. થોડા દિવસ પછી મહેશભાઈનો જન્મદિવસ આવે છે.
કોકિલાબેન સવારે વહેલા ઊઠીને એમની મનપસંદ મીઠાઈ બનાવે છે. ઘરમાં મોટો ઉત્સવ નથી, પણ બંને નક્કી કરે છે કે આજે સાંજે બેસીને ચા પીશે. મહેશભાઈ દીકરા અને દીકરીને ફોન નથી કરતા. તેઓ મનમાં વિચારે છે કે કદાચ સંતાનોને યાદ હશે.
બપોરે જયનો એક મેસેજ આવે છે:
“Happy Birthday Papa ❤️”
થોડી વાર પછી રિવાનો ફોન આવે છે. તે પ્રેમથી વાત કરે છે, પણ વાત ટૂંકી છે. એને સાસરીમાં એક પ્રસંગે જવાનું છે. મહેશભાઈ બંનેને આશીર્વાદ આપે છે. કોઈ ફરિયાદ નથી કરતા.
સાંજે કોકિલાબેન બે કપ ચા મૂકે છે. ટેબલ પર નાની થાળીમાં મીઠાઈ છે.
“આજે કંઈક ખાસ કરીએ?” કોકિલાબેન પૂછે છે.
મહેશભાઈ હસે છે.
“આપણે બંને સાથે છીએ એ જ ખાસ છે.”
કોકિલાબેન પણ હસે છે, પણ એમને પતિની આંખોમાં છુપાયેલી ખાલી જગ્યા દેખાય છે. રાત્રે મહેશભાઈ પોતાના ફોનમાં જૂના ફોટા જુએ છે. જયનો બાળપણનો ફોટો, રિવાના લગ્નનો ફોટો, પરિવાર સાથેની એક જૂની દિવાળી. એ એક ફોટો જોયા કરે છે. એમાં આખો પરિવાર સાથે છે અને મહેશભાઈ વચ્ચે ઊભા છે.
તેઓ ધીમેથી કહે છે, “કોકિલા, એ દિવસોમાં આપણે કેટલા ગરીબ હતા, છતાં કેટલા શ્રીમંત હતા, નહીં?”
કોકિલાબેન પાસે જવાબ નથી.
બીજા અઠવાડિયે મહેશભાઈને બેંક તરફથી એક ગંભીર નોટિસ મળે છે. લોનના હપ્તા લાંબા સમયથી બાકી છે. હવે માત્ર ફોન ટાળવાથી કે થોડા પૈસા ભેગા કરવાથી સમસ્યા ઉકેલાવાની નથી.
મહેશભાઈ નોટિસ હાથમાં લઈને ઘણો સમય બેસી રહે છે.
કોકિલાબેન પૂછે છે, “શું થયું?”
મહેશભાઈ પહેલી વાર સ્પષ્ટ રીતે કહે છે, “કોકિલા, હવે મારી પાસે રસ્તો નથી દેખાતો.”
કોકિલાબેન પતિની બાજુમાં બેસે છે.
“રસ્તો નહીં દેખાતો હોય તો આપણે સાથે મળીને શોધીશું.”
“કેટલું વેચીશું, કોકિલા? તારા ઘરેણાં વેચી નાખ્યાં. બચત ખતમ થઈ ગઈ. હવે તારી પાસે આપવા માટે કંઈ નથી.”
કોકિલાબેનની આંખોમાં આંસુ આવે છે, પણ અવાજ મક્કમ છે.
“મારી પાસે આપવા માટે હજી હું છું. અને તારી પાસે હું છું. પણ હવે આપણે બધું એકલા સહન કરવાનું બંધ કરવું પડશે.”
મહેશભાઈ કંઈ બોલતા નથી.
કોકિલાબેન ધીમેથી કહે છે, “જયને કહીએ. રિવાને કહીએ. એમને સત્ય જાણવાનો અધિકાર છે.”
મહેશભાઈની આંખોમાં ભય દેખાય છે.
“એમને શું કહું? કે એમના પપ્પા નિષ્ફળ ગયા? કે જે માણસે આખી જિંદગી એમને સુરક્ષિત રાખ્યાં, એ આજે પોતાનું ઘર બચાવી શકતો નથી?”
કોકિલાબેન એમનો હાથ પકડી લે છે.
“નિષ્ફળતા ધંધામાં ગઈ છે, મહેશ. તમે પિતા તરીકે નિષ્ફળ નથી ગયા. બંને વચ્ચેનો ફરક ભૂલશો નહીં.”
આ શબ્દો મહેશભાઈના મનમાં ઊંડે ઊતરી જાય છે. બીજા દિવસે સવારે મહેશભાઈ જયનો નંબર ખોલે છે.
આ વખતે તેઓ નક્કી કરે છે કે દીકરાને બધું કહી દેશે. તેઓ જયને ફોન કરે છે. જય ફોન ઉપાડે છે, પણ પાછળથી ઓફિસના અવાજો આવે છે.
“પપ્પા, હું હમણાં મીટિંગમાં છું. સાંજે ફોન કરું?”
મહેશભાઈ થોડી ક્ષણ ચૂપ રહે છે.
પછી કહે છે, “સારું બેટા. સાંજે વાત કરજે.”
ફોન કપાઈ જાય છે. મહેશભાઈ ફોન ટેબલ પર મૂકી દે છે.
કોકિલાબેન બધું જોઈ રહ્યાં છે. એ દિવસે પહેલી વાર મહેશભાઈને દીકરાની વ્યસ્તતા કરતાં પોતાની અંદરની હિંમત ઓછી પડતી હોય એવું લાગે છે. તેમને ગુસ્સો નથી આવતો. તેઓ જાણે છે કે જય ખરાબ દીકરો નથી. પરંતુ વર્ષોથી બધું છુપાવતા છુપાવતા હવે સત્ય બોલવાની શક્તિ પણ જાણે ખોવાઈ ગઈ છે.
સાંજે જયનો ફોન આવે છે.
“હા પપ્પા, બોલો. સવારે કંઈ કામ હતું?”
મહેશભાઈ કહેવા જાય છે, “બેટા, મારે તને એક વાત કહેવી છે…”
એ જ સમયે જયનો દીકરો પાછળથી બૂમ પાડે છે, “પપ્પા, આવો ને! મારે તમને કંઈક બતાવવું છે!”
જય કહે છે, “પપ્પા, એક મિનિટ…”
મહેશભાઈ હળવેથી હસે છે.
“જા બેટા, પહેલાં એને સાંભળ. આપણે પછી વાત કરીશું.”
ફોન કપાઈ જાય છે. મહેશભાઈની સામે કોકિલાબેન ઊભાં છે. બંને એકબીજાને જુએ છે. એમની વચ્ચે કોઈ ફરિયાદ નથી, કોઈ આરોપ નથી.
માત્ર એક સવાલ છે — શું પોતાના જ સંતાનો સામે પોતાની મુશ્કેલી કહેવા માટે પણ હવે યોગ્ય સમય શોધવો પડશે?
સાંજનો સમય છે. મહેશભાઈ અને કોકિલાબેન ઘરમાં બેઠાં છે. ટેબલ પર લોનની નોટિસ પડી છે. બંને વચ્ચે વાતચીત નથી. ટીવી ચાલુ છે, પણ કોઈનું ધ્યાન એમાં નથી.
અચાનક દરવાજાની ઘંટડી વાગે છે. મહેશભાઈ દરવાજો ખોલે છે. બહાર બેંકનો એક કર્મચારી છે. તે બાકી હપ્તા અને લોનના કાગળો વિશે વાત કરવા આવ્યો છે.
મહેશભાઈ શાંતિથી તેની વાત સાંભળે છે. તેઓ કોઈ દલીલ કરતા નથી. માત્ર એટલું કહે છે, “મને થોડો સમય આપો. હું વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરું છું.”
દરવાજો બંધ થાય છે. કોકિલાબેન પતિની સામે જુએ છે. આજે પહેલી વાર તેમને ડર લાગે છે કે આર્થિક મુશ્કેલી હવે માત્ર કાગળો અને ફોન પૂરતી મર્યાદિત રહી નથી. એ એમના ઘરની શાંતિ સુધી આવી પહોંચી છે.
મહેશભાઈ ધીમેથી કહે છે, “કોકિલા, હવે કદાચ જયને કહેવું જ પડશે.”
કોકિલાબેન માથું હલાવે છે. “હા. પણ આ વખતે વાત અધૂરી નહીં છોડતા.”
બીજા દિવસે સવારે જય ઓફિસ જવા તૈયાર થાય છે. એને પપ્પાની વાત યાદ આવે છે. એ ફોન કરે છે.
“પપ્પા, ગઈ કાલે તમે કંઈ કહેવા માગતા હતા ને?”
મહેશભાઈ થોડી ક્ષણ ચૂપ રહે છે.
“હા બેટા. એક વાત છે. ધંધામાં થોડું નુકસાન થયું છે.”
“કેટલું નુકસાન?”
“થોડું વધારે છે.”
જયના અવાજમાં ચિંતા આવે છે.
“પપ્પા, તમે મને પહેલાં કેમ ન કહ્યું?”
મહેશભાઈ પાસે એનો સીધો જવાબ નથી.
“તારી પોતાની જવાબદારીઓ છે, બેટા. તને ચિંતામાં મૂકવા નહોતો માગતો.”
જય હવે ગંભીર થઈ જાય છે.
“પપ્પા, હું આ રવિવારે આવું છું. આપણે બેસીને વાત કરીશું.”
ફોન મૂક્યા પછી મહેશભાઈ કોકિલાબેનને કહે છે, “જય રવિવારે આવશે.”
કોકિલાબેનના ચહેરા પર ઘણા દિવસો પછી થોડી રાહત દેખાય છે. પરંતુ મહેશભાઈના મનમાં હજુ પણ એક ડર છે. દીકરાને જ્યારે આખા દેવાની ખબર પડશે, ત્યારે એની નજરમાં પિતાની છબી બદલાઈ જશે?
રવિવારે જય એકલો આવે છે. એની પત્ની અને બાળકો બીજા કામમાં હોવાથી સાથે આવી શકતાં નથી. ઘરમાં ચા બને છે. થોડા સમય સુધી સામાન્ય વાતો થાય છે. જય ઓફિસ, બાળકો અને પોતાના શહેર વિશે કહે છે. મહેશભાઈ સાંભળે છે.
પછી જય પૂછે છે, “પપ્પા, હવે મને બધું કહો.”
મહેશભાઈ એક પછી એક કાગળો ટેબલ પર મૂકે છે. વ્યવસાયમાં થયેલું નુકસાન, લોન, બાકી હપ્તા, વ્યાજ—બધી વિગતો સમજાવે છે.
જયના ચહેરા પર આશ્ચર્ય અને ચિંતા છે.
“આટલું બધું થઈ ગયું અને તમે અમને કંઈ જ ન કહ્યું?”
મહેશભાઈ નજર નીચે રાખીને કહે છે, “મને લાગ્યું હતું કે હું બધું સંભાળી લઈશ.”
જય થોડો સમય કશું બોલતો નથી.
પછી તેની નજર ટેબલ પરના એક કાગળ પર પડે છે. એ લોનની રકમની વિગતો છે. એની બાજુમાં જૂની ફાઇલ પડી છે, જેના ઉપર લખેલું છે — “મારું સપનું.”
જય ફાઇલ ખોલે છે. એમાં પપ્પાએ વર્ષો પહેલાં બનાવેલું વ્યવસાયનું આયોજન છે. સાથે એક જૂની નોંધ છે કે સંતાનો પોતપોતાની જિંદગીમાં સ્થિર થઈ જાય પછી તેઓ ફરીથી પોતાનું કામ શરૂ કરશે. જય પાનાં ફેરવતો રહે છે.
“પપ્પા, આ શું છે?”
મહેશભાઈ થોડું સ્મિત કરે છે.
“કંઈ નહીં. મારો બહુ જૂનો વિચાર.....”
“તમે આ કામ કરવા માગતા હતા?”
“હા. પણ પછી તમારું ભણતર, રિવાનાં લગ્ન, ધંધામાં નુકસાન… પછી સમય જ ન મળ્યો.”
જય પહેલી વાર પિતાને માત્ર પોતાના માટે બધું કરનાર માણસ તરીકે નહીં, પણ પોતાની ઇચ્છાઓ ધરાવતા માણસ તરીકે જુએ છે.
એ ધીમેથી પૂછે છે, “પપ્પા, તમે ક્યારેય તમારા માટે વિચાર્યું જ નહીં?”
મહેશભાઈ હળવેથી હસે છે. “વિચાર્યું તો હતું, બેટા. પણ દરેક વખતે પહેલાં તમારો વિચાર આવી ગયો.”
આ વાક્ય પછી ઓરડામાં મૌન છવાઈ જાય છે. જય ઘરે પાછો જાય છે. આખી રાત એને ઊંઘ આવતી નથી. પપ્પાની ફાઇલ અને એમના શબ્દો મનમાં ફરી ફરીને આવે છે.
બીજા દિવસે એ રિવાને ફોન કરે છે અને આખી વાત કહે છે. રિવા સ્તબ્ધ થઈ જાય છે.
“ભાઈ, મમ્મી-પપ્પાએ આપણને ક્યારેય કંઈ કહ્યું જ નહીં!”
જય કહે છે, “આપણે પણ ક્યારેય પૂછ્યું નહીં કે એમની જિંદગીમાં શું ચાલી રહ્યું છે.”
રિવાની આંખો ભરાઈ આવે છે. એને યાદ આવે છે કે છેલ્લે પિયર જઈને પપ્પા સાથે શાંતિથી ક્યારે બેઠી હતી એ પણ એને યાદ નથી. એ તરત મમ્મીને ફોન કરે છે.
“મમ્મી, તમે મને કેમ ન કહ્યું?”
કોકિલાબેન ધીમેથી કહે છે, “બેટા, તને તારા સંસારમાં સુખી જોઈને અમને આનંદ થતો હતો. તને ચિંતામાં મૂકવાનું મન નહોતું થતું.”
રિવા રડી પડે છે.
“મમ્મી, હું તમારી દીકરી છું. તમારી ખુશીમાં જ નહીં, તમારા દુઃખમાં પણ મારો હક છે.”
કોકિલાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે. ઘણા સમયથી બંને માતા-પિતા જે વાત કહેવા માગતાં હતાં, એ આજે સંતાનો પોતે સમજવા લાગ્યાં છે.
બીજા અઠવાડિયે જય અને રિવા બંને માતા-પિતાના ઘરે આવે છે.
આ વખતે કોઈ ઉતાવળ નથી. કોઈને ઓફિસની મીટિંગમાં જવાનું નથી. કોઈને ફોનમાં વ્યસ્ત રહેવાનું નથી. બધા સાથે બેસે છે.
જય કહે છે, “પપ્પા, આપણે પહેલાં આખા દેવાનો હિસાબ વ્યવસ્થિત કરીશું. કઈ લોન પર કેટલું વ્યાજ છે, કઈ ચુકવણી તાત્કાલિક જરૂરી છે—એ બધું સમજીને નક્કી કરીશું. જરૂર પડે તો નાણાકીય સલાહ પણ લઈશું.”
રિવા કહે છે, “અને મમ્મી, હવે તમે બંને કોઈ વાત એકલા સહન નહીં કરો.”
મહેશભાઈ સંતાનો સામે જુએ છે. તેમના ચહેરા પર રાહત છે, પણ સ્વાભિમાન પણ છે.
“બેટા, મને તમારી મદદથી વાંધો નથી. પણ હું નથી ઇચ્છતો કે તમે તમારી જિંદગી બગાડીને મારું દેવું ચૂકવો.”
જય પિતાનો હાથ પકડી લે છે.
“પપ્પા, તમારી જિંદગી બચાવવા માટે અમારે અમારી જિંદગી બગાડવાની નથી. અમારે તમારી સાથે ઊભા રહેવાનું છે. બંને વચ્ચે ફરક છે.”
મહેશભાઈની આંખો ભીની થઈ જાય છે. આ પહેલી વાર છે જ્યારે દીકરો પિતાને માત્ર જવાબદારી તરીકે નહીં, પણ પોતાના પરિવારના એક સભ્ય તરીકે સમજે છે, જેને પણ સાથની જરૂર છે.
રવિવારની સાંજ છે. મહેશભાઈના ઘરમાં આખો પરિવાર એકસાથે બેઠો છે. ઘણા સમય પછી ઘરમાં ફરી હાસ્ય સંભળાય છે. જય, રિવા, કોકિલાબેન અને મહેશભાઈ—બધા એક જ ટેબલ પર છે. જયે વ્યવસાયના નુકસાન અને બાકી લોનનો હિસાબ વ્યવસ્થિત કર્યો છે. રિવા પણ પોતાના પતિ સાથે ચર્ચા કરીને શક્ય હોય એટલો સહયોગ આપવા તૈયાર છે. બંને સંતાનો નક્કી કરે છે કે માતા-પિતાને મદદ કરવી એ કોઈ ઉપકાર નથી, પરંતુ પરિવારની સહિયારી જવાબદારી છે.
જય કહે છે, “પપ્પા, અત્યાર સુધી તમે અમારા ભવિષ્ય માટે એકલા લડ્યા. હવે આ લડાઈ આપણે બધા સાથે મળીને લડીશું.”
મહેશભાઈ તરત કહે છે, “પણ બેટા, તમારાં પોતાનાં ઘરખર્ચ અને જવાબદારીઓ છે.”
રિવા પિતાની બાજુમાં બેસે છે.
“પપ્પા, તમે અમને જીવનમાં ઊભા કર્યા ત્યારે ક્યારેય હિસાબ કર્યો હતો કે અમારા માટે કેટલો ખર્ચ થયો? તો પછી આજે અમે તમારી સાથે ઊભાં રહીએ એનો હિસાબ શા માટે?”
કોકિલાબેનની આંખોમાં આંસુ આવી જાય છે. મહેશભાઈ કંઈ બોલી શકતા નથી.
એમને પહેલી વાર અનુભવ થાય છે કે સંતાનો મોટાં થઈને પોતપોતાના ઘરે રહેવા જાય છે, પણ એનો અર્થ એ નથી કે માતા-પિતાની જવાબદારી પૂરી થઈ જાય છે. સંબંધોનું ઘર તો બંને બાજુથી સંભાળવું પડે છે. બીજા જ દિવસથી પરિવાર કામે લાગી જાય છે. જય અને મહેશભાઈ તમામ લોન, વ્યાજ, બાકી હપ્તા અને વ્યવસાયના હિસાબની વિગતો ભેગી કરે છે. તેઓ યોગ્ય નાણાકીય સલાહ લે છે, જેથી કઈ ચુકવણી પહેલાં કરવી, ક્યાં ખર્ચ ઘટાડવો અને કઈ રીતે કાયદેસર રીતે લેણદારો સાથે વ્યવસ્થા કરવી એ નક્કી કરી શકાય.
રિવા અને કોકિલાબેન ઘરખર્ચનું બજેટ બનાવે છે. બિનજરૂરી ખર્ચ ઘટાડે છે. જય અને રિવા પોતાની ક્ષમતા મુજબ સહયોગ આપે છે, પરંતુ પોતાના પરિવારોને આર્થિક સંકટમાં નાખ્યા વિના.
મહેશભાઈ ફરી કામમાં સક્રિય બને છે. તેઓ જૂના વ્યવસાયના સંપર્કો તપાસે છે, બાકી લેણાં વસૂલવાના પ્રયત્નો કરે છે અને જે કામમાં નુકસાન થયું હતું, એની ભૂલો સમજે છે.
આ વખતે તેઓ ઉતાવળ કરતા નથી. કોઈ મોટું જોખમ લેતા નથી. દરેક નિર્ણય પરિવાર સાથે ચર્ચા કરીને લે છે. દેવું એક જ દિવસમાં પૂરું થતું નથી. વચ્ચે મુશ્કેલ દિવસો પણ આવે છે. ક્યારેક આવક ઓછી પડે છે, ક્યારેક જૂની ચિંતા ફરી માથું ઊંચકે છે.
પણ હવે એક મોટો ફરક છે. પહેલાં મહેશભાઈ અને કોકિલાબેન રાત્રે એકલા બેસીને ચિંતા કરતા હતા. હવે પરિવાર સાથે બેસીને રસ્તો શોધે છે. ક્યારેક જય વીડિયો કૉલ પર હિસાબ તપાસે છે. રિવા જરૂરી દસ્તાવેજો ગોઠવવામાં મદદ કરે છે. કોકિલાબેન દરેક નાની બચતનો હિસાબ રાખે છે. મહેશભાઈ હવે પરિવારના ગ્રુપમાં માત્ર સારા વિચારો મોકલતા નથી. તેઓ પોતાની મુશ્કેલી, પોતાના વિચારો અને પોતાની પ્રગતિ વિશે પણ વાત કરે છે.
ધીમે ધીમે લોનનો બોજ ઘટવા લાગે છે. મહિનાઓની મહેનત પછી એક દિવસ એવો આવે છે જ્યારે છેલ્લી બાકી રકમની ચુકવણી પણ પૂર્ણ થાય છે.
મહેશભાઈ બેંકમાંથી મળેલી ચુકવણી પૂર્ણ થયાની પુષ્ટિ હાથમાં લઈને ઘરે આવે છે.
કોકિલાબેન દરવાજો ખોલે છે. મહેશભાઈ કશું બોલ્યા વિના કાગળ તેમની સામે મૂકે છે.
કોકિલાબેન કાગળ વાંચે છે. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે.
“મહેશ… આપણું દેવું પૂરું થઈ ગયું?”
મહેશભાઈ માથું હલાવે છે.
“હા, કોકિલા. હવે આપણે દેવામાંથી મુક્ત છીએ.”
કોકિલાબેન પતિનો હાથ પકડીને રડી પડે છે. આંસુમાં વર્ષોની ચિંતા છે, ઘરેણાં વેચવાની પીડા છે, રાતોની ઊંઘ છે અને આખરે મળેલી રાહત છે.
મહેશભાઈ પત્નીને કહે છે:
“તારા ઘરેણાં તો પાછાં લાવી શકીશ કે નહીં એ ખબર નથી… પણ તેં જે હિંમત મને આપી છે, એનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું.”
કોકિલાબેન હળવેથી હસે છે.
“મને ઘરેણાં કરતાં તમે વધારે વહાલા છો. હવે એક વચન આપો—આગળથી કોઈ મુશ્કેલી આવે તો આપણે એકલા નહીં લડીએ.”
મહેશભાઈ એમનો હાથ મજબૂતીથી પકડી લે છે.
“વચન.”
દેવું ચૂકવાઈ ગયું છે. ઘરમાં શાંતિ પાછી ફરી છે. પરંતુ મહેશભાઈની જૂની ફાઇલ હજી પણ કબાટમાં છે. એક દિવસ જય એ ફાઇલ બહાર કાઢે છે અને પિતાની સામે મૂકે છે.
“પપ્પા, હવે આનું શું?”
મહેશભાઈ ફાઇલ ખોલે છે. વર્ષો પહેલાંનું આયોજન જુએ છે.
“હવે આ ઉંમરે નવો ધંધો શરૂ કરવાનો શું અર્થ? આટલી મુશ્કેલીઓ પછી ફરી જોખમ લેવું નથી.”
જય કહે છે, “પપ્પા, અમે તમને ફરી કોઈ મોટું જોખમ લેવા નથી કહેતા. પણ તમારું સપનું ફક્ત એટલા માટે છોડી દો કે તમે પરિવાર માટે ઘણું કર્યું છે—એ યોગ્ય નથી.”
રિવા પણ કહે છે, “પપ્પા, તમે આખી જિંદગી અમને અમારા પગ પર ઊભાં રહેવાનું શીખવ્યું. હવે તમારો વારો છે.”
મહેશભાઈ સંતાનો તરફ જુએ છે.
“પણ મારી પાસે હવે પહેલાં જેવી મૂડી નથી.”
જય સ્મિત કરે છે.
“તો પહેલાં જેવો મોટો ધંધો નહીં કરીએ. નાનકડી શરૂઆત કરીશું. તમારી આવડત, તમારા અનુભવ અને તમારા સંપર્કોનો ઉપયોગ કરીશું. ધીમે ધીમે આગળ વધીશું.”
કોકિલાબેન જૂની ફાઇલના પાનાં સરખાં કરે છે.
“યાદ છે, મહેશ? તમે કહેતા હતા કે એક દિવસ આપણે બંને સાથે કામ કરીશું.”
મહેશભાઈ પત્ની સામે જુએ છે. વર્ષો પહેલાંનું એ વાક્ય આજે ફરી જીવંત થઈ ઊઠે છે. આ વખતે તેઓ ફાઇલ બંધ કરતા નથી.
તેઓ એના પર હાથ રાખીને કહે છે:
“ચાલો, ફરીથી શરૂ કરીએ.”
થોડા સમય પછી મહેશભાઈ પોતાના અનુભવને અનુરૂપ નાના પાયે કામ શરૂ કરે છે. તેઓ પોતાની જૂની કુશળતા અને સંપર્કોના આધારે ધીમે ધીમે ગ્રાહકો મેળવે છે. આ વખતે તેઓ મોટું જોખમ લેતા નથી, ઉધાર લઈને વિસ્તાર કરતા નથી અને દરેક ખર્ચનો હિસાબ રાખે છે.
કોકિલાબેન એમની સાથે જોડાય છે. બંને સાથે બેસીને કામની યોજના બનાવે છે. જય વ્યવસાયના ડિજિટલ હિસાબ અને ઑનલાઇન વ્યવહાર ગોઠવવામાં મદદ કરે છે. રિવા ગ્રાહકો સુધી પહોંચવા અને વ્યવસાયને ઓળખ અપાવવા પોતાના વિચારો આપે છે.
પરિવાર હવે માત્ર મુશ્કેલીના સમયે ભેગો થતો નથી. તેઓ એકબીજાના જીવનમાં નિયમિત રીતે હાજર રહે છે.
રવિવારે જય અને તેનો પરિવાર ઘરે આવે છે. રિવા પણ પોતાના પતિ સાથે આવે છે. બધા સાથે બેસીને જમે છે. બાળકો દાદા-દાદી પાસે વાર્તાઓ સાંભળે છે.
મહેશભાઈ હવે પોતાના ફોનમાં પરિવારના ફોટા જોઈને એકલા નથી હસતા. એ ફોટા હવે એમની સામે જીવંત છે.
અને સૌથી સુંદર વાત—કોકિલાબેન પોતાના ઘરેણાં પાછાં મેળવવા માટે ઉતાવળ કરતી નથી. તેઓ જાણે છે કે હવે ઘરેણાં કરતાં પણ મોટી સંપત્તિ એમની પાસે છે: પતિની શાંતિ, પરિવારનો સાથ અને ફરી જીવતું થયેલું સપનું.
એક સાંજે મહેશભાઈ પોતાના કામની નાની ઓફિસમાં બેઠા છે. ટેબલ પર એ જ જૂની ફાઇલ છે, પણ હવે એની બાજુમાં નવા કામની પહેલી રસીદ છે.
કોકિલાબેન ચા લઈને આવે છે.
“શું વિચારો છો?”
મહેશભાઈ સ્મિત કરે છે.
“વિચારું છું કે સપનું પૂરું થવામાં આટલી વાર કેમ લાગી.”
કોકિલાબેન કહે છે:
“સપનું પૂરું થવામાં વાર નથી લાગી, મહેશ. આપણે બધાને ખુશ કરવામાં પોતાની જાતને ભૂલી ગયા હતા. હવે પોતાને પણ થોડો સમય આપજો.”
મહેશભાઈ હસે છે.
“હવે આપણે બંને સાથે છીએ ને. મોડું થયું છે, પણ હવે રસ્તો સાચો છે.”
રવિવારની સાંજ છે.
મહેશભાઈ ઘરના આંગણામાં બેઠા છે. આસપાસ પૌત્ર-પૌત્રીઓ રમે છે. કોકિલાબેન રસોડામાંથી બધાને બોલાવે છે. જય અને રિવા પિતાની બાજુમાં બેસે છે.
જય પોતાનો ફોન બહાર કાઢે છે.
“પપ્પા, એક ફોટો લઈએ?”
મહેશભાઈ હસીને કહે છે, “ફોટો તો રોજ લઈએ છીએ. આજે બધા ફોન મૂકી દો. થોડી વાર વાતો કરીએ.”
બધા હસી પડે છે.
જય ફોન ટેબલ પર મૂકી દે છે. રિવા પણ પોતાનો ફોન બાજુમાં મૂકે છે.
બધા સાથે બેસીને જૂની યાદો વાગોળે છે. મહેશભાઈ પોતાના વ્યવસાયના શરૂઆતના દિવસોની વાત કરે છે. કોકિલાબેન વચ્ચે વચ્ચે એમની મજાક કરે છે. બાળકો હસે છે.
થોડી વાર પછી જય પિતાનો હાથ પકડીને કહે છે:
“પપ્પા, તમે અમને આખી જિંદગી આપતા રહ્યા. અમે તમને સમજવામાં બહુ મોડું કરી દીધું.”
મહેશભાઈ દીકરાના ખભા પર હાથ મૂકે છે.
“મોડું થયું, બેટા. પણ હવે આપણે સાથે છીએ. બસ, એ જ બહુ છે.”
રિવા પિતાને ભેટી પડે છે. કોકિલાબેન પરિવારને જોઈને સંતોષથી સ્મિત કરે છે.
ટેબલ પર બધા ફોન પડ્યા છે. મોબાઇલ સ્ક્રીન પર પરિવારના વૉટ્સએપ ગ્રુપમાં એક નવો મેસેજ દેખાય છે. આ વખતે મેસેજ મહેશભાઈનો નથી. જયનો છે:
“આપણે એકબીજાને માત્ર મેસેજ નહીં કરીએ… એકબીજા માટે સમય પણ કાઢીશું.”
મહેશભાઈનો અવાજ સાંભળાય છે:
“જિંદગીમાં પૈસા કમાવા જરૂરી છે. સપનાં પૂરાં કરવા પણ જરૂરી છે. પણ આ બધાની વચ્ચે જો પોતાના માણસો માટે સમય જ ન રહે… તો પછી કમાવાનું કોના માટે?”
બધા એકબીજાની નજીક બેઠા છે. હાસ્ય છે, વાતો છે, પ્રેમ છે.....