Tal in Gujarati Comedy stories by Nipun Choksi books and stories PDF | ટાલ - હાસ્યલેખ

Featured Books
Categories
Share

ટાલ - હાસ્યલેખ

નિપુણ. સી ચોકસી

પ્લોટ નં-૯૮૨/૨,સેક્ટર-૪ ડી.

ગાંધીનગર..૩૮૨૦૦૪.

મો.-૯૩૨૭૦૮૮૮૭૪.

email:nipunchoksi@gmail.com

ટાલ -હાસ્યલેખ

“ દુર હટો એ બાલ વાલો ..ટાલીસ્તાન હમારા હૈ “

મને કોઈએ પૂછ્યું સ્ત્રી અને પુરુષમાં ફર્ક શું....મેં કહ્યું આમ તો ઘણા પણ મુખ્ય એક..”પુરુષોને ટાલ પડે છે અને સ્ત્રીઓને પડતી નથી..”

સંસ્ક્રુત માં એક કહેવત છે....અથવા તો હશે ચલોને ના હોય તો હુ કહી દઉં ..टाल पुरुषस्य भूषणम.....એટલે કે ટાલ એ પુરુષોનું આભૂષણ છે...ટાલનું સુખ ભગવાને માનવ માત્રને આપેલ છે ફરક એટલો જ છે કે કેટલાક ને ટાલની ઉપર વાળ પણ હોય છે..જે ટાલની સુંદરતાને ઢાંકી રાખે છે..ટાલ જીવનભર સાથ નિભાવે છે જ્યારે બાલ મરજી મુજબ આવે છે ને જાય છે....એટલે માત્ર ‘ટાલ જ સત્ય છે...બાલ મિથ્યા છે..’

ટાલ હંમેશા સ્ત્રીઓ માટે ઈર્ષાપાત્ર રહેલ છે....આ ટાલ નો વૈભવ પુરુષોને જ શા માટે ? અમે શું ગુનો કર્યો તો અમને ભગવાને લાંબા વાળ આપ્યા ? લાંબા વાળ એટલે ધોવાની માથાકૂટ...એમાં વારે તહેવારે માથા માં મંહેંદી લગાવવાની...શેમ્પૂ અને કંડીશનર પણ કેટલા બધા વપરાય ? શેમ્પૂ ય પાછા કેટલા બધા મોંઘા થઈ ગયા છે. ધોયા પછી ય ઓછી માથાકૂટ છે ? ટુવાલનો મોટો અંબોડો બાંધવાનો ને જાણે મુગટ પહેર્યો હોય એમ આખા ઘર માં ઝાંસીની રાણીની જેમ ઘર માં ફરવાનુ...પછી એ ખોલી ને વાળને ઝાટકા મારી મારીને સૂકવવાના...એમાં વચ્ચે પતિ અડફેટે ચડે તો એનેય ઝાટકો આપી દેવાનો...અને આજુબાજુ ઉભા હોય એ બધ્ધાને એના અમીછાંટણાનો અનુભવ કરાવવાનો….

કવિઓ પાછા આ બાબત માં કવિતાઓ કરે રાખે..!

“ગોરી તારા વાળ માંથી વરસતા ઝાકળબિંદુ..

જાણે મારી ટાલ માં ચમકતા પ્રસ્વેદબિંદુ...”

અને બે જણ ભેગા થઈને આવા માથાઓ ઓળીયે તો જ ઓળાય .. તેલ પણ દુનિયાભરનું નાખવાનુ ત્યારે માણ વાળ ઓળાય....લાંબા વાળ માં જૂ ની જમાવટ થાય,લીખો ની લાઈન થાય અને ખોડો નો ત્રાસ પણ મોટો...અને ટાલ વાળા પુરુષોને કંઈ માથાકૂટ તો નહી...

ચંદ્રની જે ઉપમા કવિઓ સુંદરીના ચહેરા માટે લખે રાખે છે તે ખરેખર મને લાગે છે કે ટાલ માટે લખાઈ છે.....ટાલ સાથે નો પુરુષનો ચહેરો ખરેખર પૂનમ ના ચાંદ જેવો લાગે છે લીસી,ચળકતી અને સ્નિગ્ધ સપાટી જોઈને જ ટાલ પર હાથ ફેરવવાનુ મન થાય...નાના બાળકોને લપસણી ખાવાનું મન થાય..કોઈ સંગીતપ્રેમીને વળી તબલા વગાડવાનું મન થાય...હવે કઈ સ્ત્રીનો ચહેરો આવો હોય...?ચહેરા પર તો ખિલ ખિલેલા હોય અને આવા ગોળ ચહેરા કેટલી સ્ત્રીઓના હોય..? એટલે મને લાગે છે કે પુરુષોની ટાલ જેવી જગત માં બીજી કોઈ સુંદર વસ્તુ નથી....એ તો જોવાની દ્રષ્ટી કેળવવી પડે ભાઈ...કહ્યું છે ને કે સૌંદર્ય તો જોનારની આંખો માં હોય છે....!

ટાલના આમ જોવા જઈએ તો ઘણા ફાયદા છે...

સૂર્ય ના સીધા કિરણો ટાલ પર પડવાથી વિટામીન ડી વધુ પ્રમાણ માં મળે છે અને સીધુ જ મગજ માં પહોંચે છે એટલે મગજ નો વિકાસ પણ સારો થાય છે... સૂર્યના સીધા કિરણો ટાલની લીસી સપાટી પર થી પરાવર્તિત થાય છે એટલે ગરમી વધુ ટ્રાન્સફર ન થાય વચ્ચે બિનજરુરી વાળ નુ આવરણ નહી એટલે કુદરતી સંપતિ નો બગાડ પણ થયો ન કહેવાય..ટાલ જોઈને સામા માણસને હંમેશા આનંદની જ લાગણી થાય છે...કેટલાક તો ખુશ થઈને ખડખડાટ હશે છે...એટલે ટાલ હમેશા બીજાને દુ:ખ નહી પણ સુખ જ આપે છે...

માથામાં તેલ નાખવાની વાત હોય તો આ ટાલ બધુ તેલ પી જાય છે વાળ હોય તો મોંઘા ભાવનુ તેલ વાળ કેટલું બધુ પી જાય...આમ જો બધા ટાલની ફેશન રાખે તો તેલનો કેટલો બધો બગાડ બંધ થાય...તેલ પણ સસ્તુ થઈ જાય.

લોકો એવું ખોટી રીતે માને છે કે પુરુષોને ટાલ પત્નીઓને કારણે પડે છે...એમ તો કુંવારા લોકોને પણ ટાલ પડે જ છે ને...! ખરેખર તો પતિ કરતાય પત્ની, પતિની ટાલનું વધારે ધ્યાન રાખે અને ચિંતા કરે છે...અને રોકવાના ઘણા પ્રયાસ કરે છે...પણ અંતે તો ધાર્યુ તો ધણીનું જ થાય છે.....ખરેખર તો માથા પર ના વાળ કોઈને નડતા નથી પણ છતાંય સાથ છોડી દે છે જ્યારે દાઢીના વાળ ઘણાને નડતા હોવા છતા જવાનું નામ લેતા નથી..આખી જિંદગી દાઢી છોલ છોલ કરવી પડે..ઘણા એમ પણ માને છે કે ટાલ વાળા પુરુષો ધનવાન હોય છે કારણ કે એમને વાળ કપાવાનો, વાળને કલર કે ડાય કરવાનો ખર્ચો બચે છે..

ટાલ ના ઘણા પ્રકાર છે. કેટલીક ટાલ કપાળ થી શરુ કરી પાછળ તરફ ગતિ કરે છે તો કેટલીક ટાલ પાછળ થી આગળ તરફ.....બંન્નેનો ધ્યેય એક જ છે સરજમીન માંથી વાળરુપી દુશ્મનોનો ખાતમો બોલવવો...... બરાબર વચ્ચે ટાલ અને આજુબાજુ વાળ હોય તો ટાલ ને તોરણ લટકાવ્યુ હોય એવુ લાગે છે. તો માત્ર પાછળ જ વાળ હોય અને અને આગળ ટાલ કપાળ માં એકરસ થઈ ગઈ હોય તો કપાળ મોટું છે એટલે બુધ્ધીશાળી માં ખપી શકાય....પુરુષનો રંગ શ્યામ હોય તો તેની ટાલ અડધા કાપેલા તડબૂચ ને ચહેરા પર ઉંધુ ગોઠવીએ તેની સાથે સરખાવી શકાય.....અને પુરુષનો રંગ ઘઉંવર્ણો હોય તો ચહેરા પર ઉંધી સક્કરટેટી કાપીને મૂકી હોય એવું લાગે..

સામાન્ય અભ્યાસ પર થી માલૂમ પડેલ છે કે ટાલ વાળા વ્યક્તિ એક નહી પણ બબ્બે કાંસકા રાખે છે.....તો રાખે જ ને.....જઈ રહેલા વાળ ને એમને એમ વિદાય થોડી અપાય.....આખરે વાળને ગણી ગણી ને ઑળીયે તો વી.વી.આઈ.પી વાળને કેવુ સારુ લાગે.... અને એ પણ ગીત ગાતા ઓળવાનું

“ હો જાને વાલે હો શકે તો લોટ કે આ....”....અને

“ઓ લોટકે આજા મેરે બાલ તુજે મેરી ટાલ બુલાતી હૈ..”
ટાલ પર રહ્યા સહ્યા વાળને ગોઠવવાની ઘણી બધી પધ્ધ્તી ગહેરા સંશોધન ને અંતે કોઈ પુસ્તક માં ન હોવા છતાં પ્રસિધ્ધ છે...અડધી ટાલ પરથી વાળ ને ગણીને, એક એક કરી ને આગળ કપાળ સુધી ગોઠવવામાં આવે છે....અને આમ અર્ધચંદ્રાકાર ટાલ ને બાલમાં ખપાવવામાં આવે છે...આમ કરવાથી ટાલ ઢંક્કાય છે કે નહી તે મહત્વનુ નથી પણ ટાલ ને છુપાવ્યાનો સંતોષ લેવાનો છે..અને જિવનનું સાચુ સુખ સંતોષમાં જ છે એવું આપણ ને ટાલ જ શિખવે છે...

.”વહી ગયેલો સમય,સ્ટેશન પરથી જતી રહેલી ટ્રેન,અને ટાલ પરથી ખરી પડેલા વાળ ક્યારેય પાછા આવતા નથી” એવું જ્ઞાન આપણને ટાલ તો શીખવે છે...! અને આપણા પોતાના જ આપણને છોડીને જાય તો એનો અફસોસ કરવો નહી એવું પણ ટાલ જ શીખવે છે....”અહીં કોઈ કોઈનું નથી રે...કોઈ કોઈનું નથી રે..”

જો કે ટાલ પર બાલ ઉગાડવાની બાબતમાં પુરુષોના રહ્યા-સહયા વાળ પણ ઉતરી જાય એવી ઉંચી ફી લઈને બાલની ખેતી કરી આપનારાનો રાફડો ફાટ્યો છે....’હેર-વીવીંગ કહે છે”ઘણા ફિલ્મી સિતારાઓએ એનો લાભ લીધો છે...બાકી જેની પાસે પૈસા નથી એ લોકો જડીબુટ્ટીવાળા ચમત્કારીક તેલ ટાલમાં ઘસી ઘસી ટાલને ચમકાયે રાખે છે..... એ આશાએ કે આ વેરાન જમીન માં ક્યારેક તો કૂંપળો ફૂટશે..

.”વો સુબહા કભી તો આએગી....યે મેરા ખેત પાક સે લહેરાએગા..” તો છાપા માં પહેલા પાને ટાલ પર બાલ ઉગાડવાના જાત જાત ના નુસ્ખા બતાવી ટાલ માંથી પણ પૈસા મળે એવો ધંધો લોકો શોધી કાઢે છે...

પહેલા જૂની હિન્દી ફિલ્મોમાં વિલન ના માથે હંમેશા ટાલ બતાવાતી જ અને હિરોના માથે વાળ...એટલે જોતાજ પબ્લીકને ખબર પડી જ જાય કે કોણ હિરો અને કોણ વિલન.....અને હંમેશા ટાલવાળો વિલનભાઈ મસલ્સવાળો હોય...તોય અદકપાંસળી હિરોના હાથે માર ખાય...હવે પરિસ્થિતી જો કે સુધરી છે...
કોઈ પણ દેશના લોકો માથાને હંમેશા ઢાંકતા. હેટ,ટોપી,પાઘડી,ફાળીયું વગેરે. એની પાછળ ટાલને ઢાંકવાનું જ કારણ હશે.. દરેક મહાનપુરુષો ટાલ વાળા જ હોય છે એટલે પુરુષોને પોતાની સુંદર ટાલ નું ગૌરવ હોવુ ઘટે.. ટાલ હોવાથી રિસ્પેક્ટ પણ મળે છે પછી એ ગમે તે ઉંમરે કેમ ન હોય.....!
બાળક જન્મે છે ત્યારે ટાલ સાથે જન્મે છે.વાળ તો પાછળથી આવે છે અને સાથે જવાબદારી લાવે છે..એટલે વાળ ઓછા થતા જાય એમ જવાબદારી પણ ઘટતી જ જાય ને...એટલે ટાલ એ જવાબદારી ઓછી થયાનું પ્રતીક છે...ફરી બાળક જેવા બનવાનું સિગ્નલ છે. એટલે ટાલનો તો ઉત્સવ જ મનાવવાનો હોય...

અને ટાલ એ પુરુષોનું આંતરરાષ્ટ્રીય પ્રતીક છે. એટલે એનું દરેકને ગૌરવ હોવું ઘટે..

-નિપુણ ચોકસી.