Anyamanaskta - 2 books and stories free download online pdf in Gujarati

અન્યમનસ્કતા પ્રકરણ 2

અન્યમનસ્કતા

પ્રકરણ ૨

વહેલી સવારે સોનાલીએ એક જૂના બાંધકામવાળા એપાર્ટમેન્ટમાં બીજા માળના ફ્લેટ પર જઈ ડોરબેલનું બટન દબાવ્યું. બે-ત્રણ વાર લાંબી બેલ વાગ્યા બાદ દરવાજો ખૂલ્યો, ‘ઓહ વ્હોટ એ પ્લેઝન્ટ સરપ્રાઇઝ, સોનાલી પટેલ... કમ ઓન ઇન, માય બેબી...’

સોનાલી અંદર પ્રવેશી. રૂમમાં બધો સામાન અસ્તવ્યસ્ત પથરાયેલો પડ્યો હતો. ટેબલ પર છાપાં, દવાની ગોળીઓ, કાગળ-પેન પડ્યા હતા. ભીતના ઊખડતા પ્લાસ્ટર પર ઉડતા પક્ષીનાં ચિત્રોવાળી ફોટો ફ્રેમ હારબંધ રીતે ટિંગાડેલી હતી. શો-કેસમાં ડિગ્રી અને શિલ્ડ શોભી રહ્યાં હતાં. ખૂણામાં કેલેન્ડર પંખાની હવામાં ફફડી રહ્યું હતું. નીચે સોફાની બાજુમાં વેસ્ટ બાસ્કેટ કચરાથી ઢંકાઈ ગયેલું દેખાયું. બધે સાફસૂફી ન કરવાના કારણે થોડી થોડી ધૂળ વરસાદી હવાના ભેજમાં જામી ગઈ હતી.

‘કેમ છે તું સયુરી? મેં તારી સવાર-સવારમાં ઊંઘ બગાડી નહીં?’

છુટ્ટા વાળને ગોળગોળ વાળી અંબોડામાં લાંબી સોયા જેવી અણીદાર પીન ભરાવતા સયુરીએ અધખૂલી આંખે એક લાંબુ બગાસું ખાધું, ‘અરે, મારી સખી સારું થયું તું આવી તે મારી ઊંઘ ઊડી. નહીં તો આજે પણ ઓફિસ જવામાં મોડું થઈ જાત. અલાર્મ સમય પર વાગ્યો નહીં અને દૂધવાળો અહીં દૂધ વેચવાના નામ પર ઊઠાડવા આવતો નથી. હવે તું આવી છે માટે આજે ઓફિસમાં છુટ્ટી. ખરીદી કરવા, પાણીપુરી ખાવા જઈશું ને એય કૉલેજ લાઇફ જેવા જલસા કરીશું. રખડીશુ. બટ, બાય ધ વે ફસ્ટ ટેલ મી આમ અચાનક અહીં? ન કોઈ ફોન કોલ, ન કોઈ ફેસબુક સ્ટેટ્સ અપડેટ, મેસેજિસ..’ સયુરીએ કિચનમાં જઈને ફ્રિજમાંથી કાચની મિલ્ક બોટલ બહાર કાઢતા વાત આગળ ધપાવી, ‘શું ચા પીશ કે કોફી?’

‘હું હોટેલ પર બ્રેકફાસ્ટ કમ્પલિટ કરી આવી છું.’ સોનાલી જવાબ આપવા સાથે રસોડામાં પ્રવેશી.

‘વ્હોટ!’ સોનાલીની વાત પર સયુરીને આશ્ચર્ય થયું. ‘તું હોટેલમાં રહી છે? અહીં કેટલા સમયથી આવી છે?’ ગેસ ચાલુ કરી ચાનું પાણી ગરમ કરતાં વાત થતી ગઈ.

‘સયુરી, હું હજુ ગઈકાલે સાંજે જ અહીં આવી છું. આવીને સીધી વિવેકને મળી. પછી રાત પડી જતાં એક હોટલમાં ડિનર લઈ ત્યાં જ રોકાઈ ગઈ અને અહીંયા આવવા માટેના એક નહીં ઘણાં બધાં કારણો છે.’

‘તું વિવેકને મળી? એ આ શહેરમાં છે મને ખબર જ નથી!’ તપેલી ગરમ થઈ પાણી કથ્થઈ રંગનું થયું. તેમાં પરપોટેદાર ઊભરો આવતાં સયુરીએ દૂધ ઉમેર્યું, થોડી ખાંડ અને ટી-પાઉડર ઉમેર્યું, ‘આલોક જીજુના શું ન્યૂઝ છે? બે વર્ષ થઈ ગયા તેમને મળી નથી. મને તો ભૂલી પણ ગયા હશે.’

સોનાલી ચૂપ થઈ ગઈ. થોડીવાર બાદ ટ્રેમાં ચાની કિટલી તથા બે મગ ટીપોય પર મૂકી નજર સામે ચપટી વગાડતાં સયુરીએ સોનાલીનું ધ્યાનભંગ કર્યું. તેની નજીક બેસી ઉદાસીન આંખોમાં આંખ પરોવીને શાંત સ્વરે પૂછ્યું, ‘શું થયું છે?’

સયુરીના પ્રશ્ન પર સોનાલી ગમગીન બની તેને ભેટી પડી. આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. સોનાલીના માથામાં હાથ ફેરવતા સયુરીએ તેનું રડવાનું રોકતાં પૂછ્યું, ‘સોનાલી, પ્લિઝ તું રડ નહીં. હું તારી સાથે છું. તારી સાથે કંઈજ ખોટું નહીં થવા દઉં કે બનવા દઉં અને જો તારી સાથે કંઈપણ ખોટું થયું હશે તો આપણે તેનો ન્યાય મેળવીશું. જરૂર પડે બદલો લઈશું, પણ પહેલાં તું વાત જણાવ કે વ્હોટ હેપન?’

સોનાલી સયુરીથી દૂર ખસી. જાતને મજબૂત બનાવતા તેણે ઊંડો શ્વાસ લીધો, બંને હાથથી આંખમાં આવી ગયેલા આંસુ લૂછયા ને સયુરીનો હાથ કડક રીતે પકડી તેણે મક્કમતાથી ગમગીન સ્વરે સઘળું કહેવાનું શરૂ કર્યું.

‘આલોક સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયા બાદ જિંદગી હસીન રીતે ગુજરતી હતી. નામાંકિત પરિવાર, પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ બધા સાંસારિક સુખ. અપેક્ષા કરતાં પણ મને વધુ મળી રહ્યું હતું. દિલના કોઈ ખૂણે વિવેક સાથે જીવન પસાર ન કરી શકવાનો થોડો રંજ અને જૂની યાદો સિવાય બીજું કશું હતું નહીં. આલોક મને બહુ પ્રેમ કરતો હતો. વિવેક જેટલો નહીં, પણ વિવેકને ખ્યાલ આવે તો તેને જલન થાય એટલો બધો પ્રેમ. આલોકે એક પતિ તરીકેની બધી જવાબદારી નિભાવી જાણી. અત્યારે મારા પેટમાં દોઢ મહિનાનું ઉછરી રહેલું બાળક અમારા સુખી સંબધોની જ નિશાની છે. હું ખુશ હતી.’

‘આલોક જીજુ અત્યારે ક્યાં છે?’ સયુરીએ ટીપોઈના ખાનામાંથી એક પ્લાસ્ટિકનો નાસ્તા ભરેલો ડબ્બો અને પ્લેટ કાઢી ટેબલ ગોઠવ્યા. થોડા બિસ્કીટ પ્લેટમાં મૂકતાં સયુરીની આલોક વિશે જાણવાની ઉત્સુકતા વધી રહી હતી.

‘આલોક હવાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. એક મહિનો થયો...’ આટલું બોલી સોનાલી અટકી ગઈ. પછી હિંમતથી ઊમેર્યું, ‘ધંધાના કામથી યુ.એસ.એ ગયા હતા. પછી ના તો એ પાછા આવ્યા. ના તેમનું બોડી કે અસ્થિ. ફકત સમાચાર આવ્યા કે આલોક નથી રહ્યા. હું અમેરિકા ગઈ. ઇન્ડિયન એમ્બેસીમાં તપાસ કરી. ત્યાંની સરકારને વિનંતી કરી પણ આલોકના કોઈ ચોક્કસ ખબર ન મળ્યા.’

સયુરીએ સોનાલીના બંને હાથ પોતીકાપણાની હૂંફ સાથે દબાવ્યા.

આલોકના મૃત્યુ વિશે જાણી સયુરી હતપ્રભ થઇ ગઈ હતી. વાતાવરણમાં નિરવ શાંતિ પ્રસરી ચૂકી.

ચા હવે ઠંડી પડી તેની સતહ પર ચોકલેટી રંગની થર ઝામી ગઈ હતી. સયુરી અને સોનાલી બંને ચૂપ અને શાંત હતા. સયુરી આ ક્રમ તોડવા સોનાલીના ખભા પર હાથ રાખી બોલી, ‘ચા પીલે સોનાલી.’

સોનાલીએ ચાનો મગ ટેબલ પરથી ઊઠાવ્યો. એકવારમાં જ તે બધી ચા ગટગટાવી ગઈ. મગ ટેબલ પર રાખી તેણે સયુરી સામે સૂકું સ્મિત કર્યું. સયુરી તેને જોતાં જોતાં ચા પીતી રહી અને ટેબલ પર બિસ્કીટ ખાધા વિનાના પડ્યાં રહ્યાં.

‘અઢી વર્ષમાં માણસ પોતાની દુનિયા બદલતો રહે છે અને દુનિયા માણસને પણ બદલી નાંખતી હોય છે. વિવેક પૂરો બદલાઈ ચૂક્યો છે. તેણે મને પરણવાની સાફ ના પાડી દીધી છે. તેના ઈનકાર પર મેં હજુ સુધી તેની સાથે તકરાર કરી નથી. મેં જ તેને છોડ્યો હતો. તે બેકાર, ગરીબ હતો અને આજે...’

‘અને આજે એ તને અમીર લાગી રહ્યો હશે, રાઇટ?’

‘એ પૈસાદાર બની ગયો છે માટે નહીં. મનની એકલતા, ભડકતા શરીરની વેદનાભરી પ્યાસ અને મારા-અમારા અધૂરા અરમાનોની અતૃપ્તિનો ઈલાજ માત્ર વિવેક છે.’

‘તું સ્વયંના સ્વાર્થમાં અંધ બની રહી હોય એવું મને લાગી રહ્યું છે. તારી વાતોમાંથી જરૂરિયાતો સંતોષવા માટેનો એક ખોટો ખયાલ ટપકી રહ્યો છે સોનાલી. મરેલા પતિનું અસ્તિત્વ છૂટી જાય છે. તેના વ્યક્તિત્વની માલિકી છૂટતી નથી. તારા ગર્ભમાં રહેલું બાળક કોઈ અનમેરિડ પર્સન અપનાવી શકે તેવું તારી પાસે બચ્યું જ શું છે? પૈસા? ખૂબસૂરતી? કોઈ બીજી લાક્ષણિકતા? બધા જ જવાબોમાં ગુજરેલા સમયના ગર્ભમાં નિષ્પાપ બની ચૂકેલી ઘટનાઓનો અણસાર ધબકી રહ્યો છે. નકારાત્મકતા પ્રવેશી ચૂકી છે. એક એવી અસ્થિરતામાં તું ફસાઈ છે જે તારી આવનારી દરેક કાલને પરોપજીવી બનાવી મૂકશે.’

‘એક સ્ત્રીની ઇચ્છામાં તને સ્ત્રી થઈને કેટલો બધો દોષ છલકાતો દેખાય છે સયુરી! પતિ જીવતો હોય ત્યારની દગાબાજી અને પતિના મરી ગયા પછીની દગાબાજીમાં અને બેવફાઈની વ્યાખ્યામાં ઘણો તફાવત છે. બંને સ્થિતિની સમજ અલગ અલગ છે. હા, હું સ્વાર્થીપણું દાખવી રહી છું કારણ કે હવે બીજાના કહેવા પ્રમાણેની જિંદગી સમાપ્ત થઈ ચૂકી છે. એક વિધવા ઔરત એક અનાથની મા ન બનવા ઈચ્છે તો ખોટું શું છે? અને વિવેક... કૉલેજની ફી ભરવાના પૈસા પણ તેની પાસે ન હતા. મારા પૈસા પર તેણે તેના દોસ્તોને ત્રણ-ત્રણ વર્ષ સુધી પાર્ટીઓ આપી છે. પોકેટમનીથી લઈને પિક્ચરો જોવાની પાઈ-પાઈ મેં જૂઠના સહારે ભોગવી છે. પોતાનાઓથી ખોટું બોલી મેં તેની વ્યવસ્થાઓ સાચવી હતી.’ સોનાલીએ લાંબો શ્વાસ લીધો. ‘હું આ બધાનો ઉપકાર ગણાવી રહી નથી કે પછી ન કોઈ બદલાની આપેક્ષાઓ રાખી રહી છું. હું માત્ર એક દોસ્ત તરીકેની આશા જગાવી બેઠી છું. હમદર્દીનું બીજ રોપી બેઠી છું.’

સયુરી સોનાલીની સામે એકી નજરે જોઈ રહી. ‘સૌ કોઈએ પોતપોતાની જવાબદારીનો ધર્મ નિભાવવો પડે છે. બાળકનો ઉછેર કરવો માતા-પિતાનો ધર્મ છે. મરતાંને બચવાનો માનવતાનો, અન્યાયનો બદલો લેવાનો કાનૂનનો, વિગેરે વિગેરે.. એ રીતે બની શકે વિવેક તેના કોઈ ધર્મ આગળ ઝૂકેલો હોય અને તે હજુ સુધી તને જણાવી શકયો ના હોય અને હવે...’

સયુરીની વાત સોનાલીએ કાપી નાંખી, ‘...અને દોસ્તીનો ધર્મ, કરેલા વાયદાઓની કિંમત?’

ટેબલ પરથી ચાના મગ, બિસ્કીટ ભરેલી પ્લેટ ટ્રેમાં મૂકી સયુરીએ રસોડા તરફ જતા કહ્યું, ‘હવે તું શું ઇચ્છે છે આગળ? વિવેક ફરીથી તારો બની જાય?’

સોનાલીએ થોડું મૌન રહીને ભાવહીન રીતે કહ્યું, ‘ખબર નહીં હું ખરેખર શું ઈચ્છું છું. કદાચ...’

‘ઠીક છે. જ્યાં સુધી હું વિવેકને ઓળખતી હતી તેની એક ખરાબ સુટેવ છે. કોઈને પણ ના નહીં કહી શકવાની. પોતાનાથી નિરાશ ન બનવા દેવાની. તેનો એ માઈનસ પોઈન્ટ વિવેકને ફરી તારો બનાવી શકે છે. તે પૂરો ના બદલાયો હોય, આઇ હોપ સો. મને તેનો મોબાઈલ નંબર આપ. હું તેની સાથ વાત કરી મળવા માટે કહું છું.’

બારીના પડદા હટાવતાં સયુરીએ વિવેકને ફોન જોડ્યો. બારીના સળિયા પરથી કબૂતરો ફફડીને ઊડ્યા, સૂર્યનો પ્રકાશ રૂમમાં પથરાઈ ગયો. વિવેક સાથે સયુરીની વાત થઈ. મુલાકાત માટેનો સમય અને સ્થળ નક્કી થયાં. સયુરી શાવર લઈને કામ પતાવીને તૈયાર થઈ અને બંને બજારમાં જવા નીકળી પડ્યા.

*

સવાર-સવારમાં સૂર્યોદય પછી વાતાવરણ અને બજાર ગરમ થઈ ખૂલવા લાગ્યા હતા. ભીડને ચીરીને સોનાલી અને સયુરી કોફી-ડે-કાફે હાઉસમાં ગયા. બેરર વિવિધ કોફી, શેઈક, બ્રાઉની, મોકટેલ, સેન્ડવિચ, મોકટેલનું મેનૂ કાર્ડ આપીને ત્યાં જ ઓર્ડર લેવા માટે ઊભો રહી ગયો. સયુરીએ ઝડપથી નજર ફેરવીને બે કોલ્ડ કોફી લઈ આવવા સૂચવ્યું. સામેની બાજુના દરવાજામાંથી વિવેકને અંદર આવતા દેખી સયુરી ચેર પરથી ઊછળીને ઊભી થઈ ગઈ, ‘અરે! કેટલો બદલાઈ ગયો છે યાર તું વિવેક, પહેલાં કરતાં વધારે હેન્ડસમ લાગે છે ને... ક્યા બાત હૈ?’ સયુરીની વાતમાં મધૂરતાભરી મસ્તી આવી ગઈ. 'સાલા, તું કહેતો પણ નથી કે આ શહેરમાં છે.'

વિવેક ખુરશી ખેંચીનો બેઠો અને ટેબલ પર રૂઆબથી કારની ચાવી અને મોબાઈલ રાખ્યો, ‘બસ... બસ...’ સોનાલીએ પાણીનો ગ્લાસ વિવેકને આપ્યો... ‘તું હંમેશની જેમ હોટ કોફી પીશ ને?’

‘એક્સક્યુઝ મી,’

‘એક રેગ્યુલર હોટ કોફી વિથ ક્રિમ.’

થોડા સમયમાં કોફી આવી. ઔપચારિક વાતો થતી ગઈ. સયુરી પ્રથમ મુલાકાતે વિવેકની જરા વધુ નજદીક આવતી રહી હોય તેવું સોનાલીને લાગી રહ્યું હતું. તે ખૂલી રહી હતી અને ખીલી પણ રહી હતી. આફ્ટરઓલ વિવેક હવે પહેલાંનો વિવેક નહોતો. તેની પાસે શું ન હતું? બધું જ તો હતું. એક સ્ત્રી આકર્ષિત થઈ શકે એવું બધું જ... શું ખોયું હતું? શું મળી રહ્યું હતું? ગુમાવ્યા કરતાં પામ્યું વધુ હતું.

‘તું કેમ કંઈ બોલતી નથી સોનાલી?’ વિવેકે કોફીનો કપ હાથમાં લીધો, ‘આજે તારે જે કહેવું છે તે કહી આપ. સમયની સાથે સયુરી પણ છે.’

‘યા, મિસ્ટર વિવેક અને સોનાલી શું કહેશે? હું જ કહી આપું છું કે શી વોન્ટસ યુ.’

વિવેક ખડખડાટ હસવા લાગ્યો. પછી એકાએક ગંભીર થયો, ‘સયુરી, હજી સોનાલી કાલે જ અહીં આવી છે. મેં તેને મારી મજબૂરી જણાવી આપી છે. અત્યારે હું કોઈ મોટા નિર્ણયો લઈ શકાય એ અવસ્થામાં નથી. સોનાલી પર ફાટી પડેલાં વેદનાના વાદળો હટાવી શકું તેમ વાત નથી યાર. આ દુ:ખદ સમયમાં હું તેનો સાથ ચોક્કસ આપીશ. મતલબ કે હું તેના પ્રેમી તરીકે નહીં, પરંતુ એક દોસ્ત તરીકે હર હાલતમાં સાથ આપવા તૈયાર છું.’

સોનાલી વિવેકનું ડાબા હાથનું ઘડિયાળ પહેરેલું કાંડું પકડી થોડું ઝૂકી. થોડું શરમાઈ. તેણે થોડું સ્મિત આપીને પૂછ્યું, ‘હકીકતમાં?’

‘હરદમ, હકીકતમાં... હંમેશા...’

‘ઉહુહહ ઉહુહૂ... ’ સયુરીએ કૃત્રિમ ઉધરસ ખાધી. ‘હવે સોનાલી થોડાં દિવસ અહીં જ રહેશે. મારા ફ્લેટ પર. હોટેલ પરથી સામાન મારે ત્યાં શિફ્ટ થઈ જશે. બીજી જરૂરી ચીજોનું શોપિંગ આજે જ થઈ જશે અને હા, વિવેક તું સોનાલીને તારાથી બનતો સમય ફાળવીશ. તેને ફેરવીશ અને પછી ફન હી ફન...’

ત્રણેયના ચેહરા પર હાસ્ય છલકાઈ ગયું.

‘નાઉ લેટ્સ ગો... વી વીલ વોચ મૂવી ઇન પીવીઆર.’

‘હું એક કોલ કરી અને બિલ ચૂકવી આપું. તમે બંને મારી ગાડીમાં જઈને બેસો. આઇ એમ કમિંગ.’

‘ઓહ, મિસ્ટર... હેલ્લો અમારી પાસે મારું ટુ-વ્હીલર છે. તું તારા જે કંઈ કોલ્સ કે કામ હોય તે પતાવી જલ્દીથી ગ્રાન્ડમોલ પહોંચ.’ સયુરીની વાત પર વિવેકે સંમતિ દર્શાવી. જરૂરી ફોનકોલ્સ પતાવીને વિવેક સોનાલી અને સયુરી જોડે પિક્ચર જોઈ બપોરે મોડું લંચ લઈ બંનેથી છૂટો પડ્યો... ગાડીમાં ઓફિસ જતાં જતાં તેને જાત જાતના વિચારો આવવા લાગ્યા.

‘આજે જિંદગીથી ખરા અર્થમાં મહોબ્બત થઈ રહી છે. ખુદા છપ્પર ફાડીને કર્મોનું બોનસ આપી રહ્યો છે. ધન-દૌલત, પત્ની, રોટી, ઇજ્જત, ફાઇવસ્ટાર લાઇફસ્ટાઈલ. શું બાકી રહ્યું હતું? સોનાલીના પરિઘમાંથી બહાર નીકળી ખંજન મળી. તેની પ્રીત, તેનો પૈસો, નવા સંબંધો, ચહેરાઓ, એક નવી મનગમતી દુનિયા... જૂની પ્રેમિકા પણ અધૂરો પ્રેમ લુંટાવા આવી ગઈ. બસ હવે એક જૂઠ ખંજનથી છુપાવાનું છે અને એક જ જૂઠ સોનાલીથી પણ... પતિ અને દોસ્ત બની બે સ્ત્રી સાથે થોડું જીવી લેવાનું છે અને જ્યારે ઠગાઈનો, અન્યાયનો અહેસાસ થશે ત્યારે? ત્યારે એ નફરત પણ નહીં રહે. ઠગાઈ કરવામાં કોઈ વીરતા નથી. થોડી સલામતીની ભાવના છે. કોઈનો ઉપયોગ કે ફાયદો ઊઠાવવાનું મકસદ નથી. કોઈ માટે થોડી અસત્યભરી આહુતિ આપવાની છે. મહાન કે તુચ્છ બનવાનું નથી. પેટમાં ગર્ભ લઈ આવેલી વિધવા ઔરતને પત્નીથી છુપાઈ જરા લાગણી વહેંચી અંતરાત્માને સ્વચ્છ કરી હર્ષ આપવાની સારાઈ છે અને સારાઈ માટે કરવી પડતી બુરાઈ છે?

હું હંમેશા ભૂતકાળથી ભાગીને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમાં, આજમાં જીવ્યો છું. કદાચ મારી આજની સફળતાનું આ રહસ્ય હશે. કદાચ દુનિયામાં ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચે આપણી આજ જ સૌથી વધુ સુખદાયી, જીવંત અને અનુભવથી છલોછલ હશે. ગઈકાલ અને આવનારી કાલ વચ્ચે વર્ષો સુધી વર્તમાન પાણીની સપાટી પર તૂટતી-ઢળતી ચાંદનીની માફક લહેરાયા કરતો હશે. અંધકારમાંથી ઉજાસ તરફ સીધી રેખામાં પસાર થતી આજની ક્ષણોનું અભિમાન નથી, ગર્વ છે. હવે ટ્રાફિક સિગ્નલ જેવા સદવિચારોની લાલબત્તી સિવાય જીવનસફરમાં બ્રેક નથી. હવે જીવન રફતારથી દોડશે, ભાગશે. કારણકે સુખની સ્થિતિ ચરમસીમાએ પહોંચવાની છે. અને પછી? દુ:ખ આવશે, દુ:ખની મજા, વેદનાની જલન અને પછી? પછી ફરીથી આજની પળ જેટલું સુખ. અને પછી?’ ઝપાટાબંધ વહેતા વિચારોમાં ઓફિસ આવી ગઈ. કાર સાથે વિચારોને હલકી બ્રેક લાગી ગઈ, પોતાની કેબિનમાં આવીને વિવેકનું ઓફિસવર્ક શરૂ થઈ ગયું.

દિવસ ગુજરતો ગયો.

સાંજને ઝુકાવી ઘેરાતા પાણી ભરેલાં વાદળોવાળી રાત પડી ને આસમાન ફાડીને જોરદાર પવન સાથે ગતિથી વરસાદ વરસી પડ્યો. ઠંડક પેદા કરે તેવો. રંગીનિયત ઉપજાવે તેવો. રાતને ભયાનક અને બીજા દિવસની સવારને સ્વચ્છ કરી મૂકે તેવો, વંટોળ, વીજળી, વેગવાળો વરસાદ. સોનાલી ચાહતી હતી તેવી મૌસમની પહેલી બારીશ. પરંતુ શહેર માથે થતી આ પહેલી કુદરતી મહેર ન હતી. વિવેકે હજુ કાલે જ કહ્યું હતું, અહીં ચોમાસું વહેલું આવી જાય છે. બારી બહાર હાથ કાઢીને પાણીની બૌછારને સ્પર્શી હાથ બારીની અંદર લઈ તેના પર જામીને સરકતી, ટપકતી પાણીની બુંદોને એ જોવા લાગી. સયુરી તેના કામ પરથી હજુ હમણાં જ બહાર ગઈ હતી. સોનાલીને વરસતો વરસાદ જોતાં થયું કે, ‘સયુરીના માતા-પિતા ગામડે એકલાં રહે છે. તે અહીં ઘરથી દૂર છેલ્લાં પાંચ વર્ષથી મહેનત, મશક્કતથી ભણીને, કમાઈને ઘરે પૈસા મોકલાવી તેના નિરાધાર કુટુંબીજનોને મદદરૂપ થાય છે. મોટા શહેરમાં અજાણ લોકો વચ્ચે જે રીતે એ જીવી રહી છે તે પરથી તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ. જીવનસાથી વિનાની જિંદગી રેતમાં ઊગેલા ગુલાબ જેવી હોય છે. પરણી જવા માટે આ સાચો સમય છે. સયુરી જેવી સ્ત્રી જીવનભર એકલી રહી શકે પણ સોનાલી જેવી નહીં.’ આ કેવો વિચાર વીજળી સાથે ઝબકી ગયો? આકાશમાં પ્રચંડ અવાજ વચ્ચે પ્રકાશ ઝબૂકયો. સોનાલી ફરી વિચારોમાં ખોવાઈ, ‘જવાબદારીના બોજા વેંઢારતી વ્યક્તિએ જીવનની બીજી દિશાઓ પણ જોવી જોઈએ. ઘણાંની નજર જીવનની એક જ દિશામાં આવીને અટકી જતી હોય છે. કદાચ સયુરીની નજર પણ સીમીત સીમામાંથી બહાર જોઈ નહીં શકતી હોય. તેને ખ્યાલ પણ નહીં હોય કે દરેકની હિંમત નથી હોતી ભૂતકાળ સામે બાથ ભીડવાની. સ્મૃતિઓના તણખા બુજાવવાના બદલે રહી રહીને તરફડતા હોય છે. બેમતલબ રીતે ઝગમગતા રહે છે અને જીવનમાં કશી કરવા માટે પ્રવૃત્તિ ન રહે ત્યારે જિંદગી સમાપ્ત થઈ ગઈ હોય તેવું લાગ્યા કરે છે. મારા શરીરમાં પણ એક બીજી જિંદગી વિકસી રહી છે. જેની જિંદગી હજુ શરૂ નથી થઈ એનો અંત આવી જશે? હું એ કરી શકીશ?’

વરસાદના પાણીમાં ભીંજાયેલા હાથને પેટ પર ફેરવતાં સોનાલીએ એક આકરો નિર્ણય કરી લીધો. ‘આલોક સાથે બે વર્ષની અતૃપ્તિ. વિવેક સાથે બે પળની તૃપ્તિ. દુ:ખની સ્થિતિમાંથી બહાર નીકળી સુખી થવાની તૈયારી કરવી પડશે. જીવન એક રૂપક છે. દગાબાજી ને બેવફાઈ વચ્ચેની ભેદરેખા હજુ સુધી ધુમ્મસી છે. મારા અને વિવેકના અમર સંબંધની જેમ. આલોકના આભાસી અસ્તિત્વને ગર્ભમાંથી કાઢી ફરીથી એ બધું હાંસલ કરવા, જીવવા, મેળવવા માટે એક નાનું જૂઠ, છૂપું ફરેબ કરવું પડશે. જીવનરાહની અસ્થિરતામાં સંતુલન સાધવા સત્યને અનિચ્છાએ પ્રયાસપૂર્વક દૂર કરી જૂઠને જીવન પસાર કરવાનું બૂઠ્ઠું હથિયાર બનાવવું પડશે. ખુદ કે બીજાને ઘાયલ ના કરી મૂકે તેવા અસત્યને ઈમાનદારીથી પેશ કરી સહાનુભૂતિ મેળવવા હવે ગર્ભ સાથે અંત લાવવો પડશે અન્યમનસ્કતાનો...’

ક્રમશ: