Anyamanaskta - 11 books and stories free download online pdf in Gujarati

Anyamanaskta - 11

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૧

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

અન્યમનસ્કતા : પ્રકરણ ૧૧

અમેરિકાનું ન્યૂયોર્ક શહેર, જે.એફ.કે - જોન એફ કેનેડી એરપોર્ટ.

એક દેશથી બીજા દેશ જવા માગતા મુસાફરોની ભીડમાં ડાર્ક બ્રાઉન કલરનું સ્વેટર અને બ્લૂ જીન્સ પહેરેલો, જમણા હાથમાં ફેકચરના કારણે પ્લાસ્ટરનો પાટો બાંધેલો વધેલી દાઢીવાળો શ્યામવર્ણ ભારતીય માણસ લોકલ અમેરિકન પોલીસના કાફલા સાથે એરપોર્ટ પર પ્રવેશ્યો. તેના ડાબા હાથમાં નાનકડી બ્લેક બેગ હતી. વાંકડિયા નાના વાળને વ્યવસ્થિત રીતે તેણે હોળ્યા હતા. એરએજન્સીની વેબસાઈટ પર ઓનલાઇન નોંધાવેલી ટિકિટની પ્રિન્ટ એરપોર્ટના કાઉન્ટર પર તેણે બતાવી. બોર્ડીંગ પાસ અને જરૂરી દસ્તાવેજ મેળવી લીધા.

ગેટ નંબર ચાર તરફ તે ત્રણ પોલીસકર્મી સાથે સિક્યોરિટી ચેકઅપ માટે ઉતાવળા કદમે ઝપાટાબંધ રવાના થયો. ત્યાં યાત્રીઓની અલગ-અલગ કક્ષામાં મોટી લાઈન લાગી હતી. તે લાંબી કતારમાં ઊભો રહીને સામાન-બેગ જમા કરાવવા માટેની વિધિ કરવા લાગ્યો. આગળ નાની ટ્રે જેવી પ્લાસ્ટિકની છાબડીમાં તેણે પોતાનો પટ્ટો, પાકીટ, ઘડિયાળ, અને જૂતાં મૂકી દીધાં. બધું મશીનમાં સ્કેન થઈ આવ્યા બાદ તેણે બધી વસ્તુઓ પહેરી લીધી. હાથમાં ફેક્ચર હોવાના કારણે તેને થોડી તકલીફ પડી. વાર લાગી. સફેદ યુનિફોર્મ પહેરેલો એક એરપોર્ટ ગ્રાઉન્ડ ઓફિસર કેટલાંક કાગળોમાં તેની સહી કરાવીને એરોબ્રિજ સુધી ચેકપોસ્ટ વટાવી છોડી ગયો.

અમેરિકામાં ન્યુજર્સી - ન્યૂયોર્કના ગુજરાતીઓ ન્યૂયોર્કના એરપોર્ટ પરથી મોટા ભાગે ભારત આવતાં અને જતાં હોય છે. ત્યાં ભારણ વધી જતાં ન્યૂયોર્ક નજીક આવેલાં નુવાર્કના એરપોર્ટને પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દીધું છે. જેથી મુસાફરોને અવરજવરમાં વધુ સમય અને સમસ્યા ઊભી ન થાય. તે પ્રથમવાર આવ્યો ત્યારે લીબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યો હતો અને વિમાન બ્રિટિશ એરવેઝનું હતું. યાદો ઘસાયેલી ધૂંધળી હતી. મગજ પર ભાર પડતો હતો.

એરપોર્ટ પર બટકા, ખેંચાયેલી આંખ, ટૂંકા વાળ અને ભૂખરા રંગના ચહેરાવાળા યાત્રીઓનો સમૂહ ધસી આવ્યો. આ વખતે ચાઈનીઝ લોકો વધુ દેખાઈ રહ્યાં હતાં. થોડીવાર બાદ ચાઇના માટે ફ્લાઈટ રવાના થવાની હશે અથવા આવી હશે તેવું તેણે વિચાર્યું. બધા ચેકપોસ્ટ પાર કરી એ ચાલવા લાગ્યો. હવે તેની જોડે કોઈ પોલીસ અધિકારી કે સુરક્ષા વ્યવસ્થા ન હતી.

ટર્મેક પર એર ઈન્ડિયાનું ઘટ્ટ સફેદ મહાકાય હવાઈ જહાજ ૩૬૭ ઊભું હતું. તે અરોબ્રિજમાં થઈ પગથિયાં ચડીને પ્લેનમાં પ્રવેશ્યો. ટિકિટમાં જોયું. પોતાનું નામ વાંચ્યું. ફ્લાઈટ નંબર એ.આઈ (એર ઈન્ડિયા) પચ્ચીસ ૨૫, ન્યૂયોર્ક ટુ બોમ્બે. યૂ.એસ.એ-ઈન્ડિયા સીટ નંબર બી. છત્રીસ ૩૬. ફર્સ્ટ-ક્લાસ. તે પોતાની સીટ ગોતીને બેસી ગયો. એની બાજુની સીટ હજુ ખાલી હતી. બારીમાંથી રન-વે દેખાઈ તેની બંને બાજુ બત્તીઓ જલતી દેખાઈ રહી હતી. યાત્રીઓ હજુ પોતપોતાની જગ્યા પર ગોઠવાઈ રહ્યા હતા.

વિમાનમાં ખાસ ગર્દી ન હતી.

ટૂંક સમયમાં પ્લેન ઉપડયાનું રેવિંગ શરૂ થઈ ગયું. પ્રચંડ અવાજ થયો. હવાઈ મુસાફરો સીટમાં સીધા ટટ્ટાર બેસી પોતપોતાના સીટબેલ્ટ વધુ મજબૂત રીતે બાંધવા લાગ્યા. ગતિ પકડતાં વિમાને ન્યૂયોર્ક એરપોર્ટની જમીનને અલવિદા કરતાં આકાશમાં ઉડાન કરવાની શરૂ કરી.

અમેરિકન એરલાઈન્સ તરફથી હવાઈ યાત્રીઓને શુભ અને સફળ યાત્રાની શુભકામના આપવામાં આવી. પ્લેન ટેક-ઓફ થઈ ચૂક્યું. ફ્લાઈટ થ્રી-સિક્સ-સેવન હિંદુસ્તાનની દિશામાં આકાશના વાદળો ચીરતી, ગર્જના કરતી ઊડી.

મુંબઈ-ન્યૂયોર્કના સમયમાં સાડા નવ કલાકનો તફાવત હતો. કાપવાનું અંતર આશરે બાર હજાર પાંચસો પચાસ કિલોમીટર જેટલું હતું. લગભગ સાત હજાર આઠસો માઈલ્સ. તે માટે જોઈતો સમય પંદર કલાક સોળ મિનિટ હતો. સ્પીકરમાંથી મધુર અવાજે અંગ્રેજીમાં કહેવાયું.

પ્લેન ઉપડયાની થોડી જ મિનિટોમાં એક એર-હોસ્ટેસ ટ્રૉલી લઈને તેની પાસે આવી. તેણે એક સોફ્ટ ડરિન્ક લઈ નેવી બ્લૂ અને બ્લેક યુનિફોર્મ પહેરેલી બ્રિટીશ અંગ્રેજી બોલતી ભારતીય યુવતિનો આભાર વ્યક્ત કર્યો. થોડીવાર બાદ એક જાપાની જેવી લાગતી એર-હૉસ્ટેસ બ્લેંકેટ આપી ગઈ.

પ્લેને ઊંચાઈ અને સ્થિરતા પ્રાપ્ત કરતાં સીટબેલ્ટ્‌સ ખૂલવા લાગી. હવે યાત્રીઓ ટોઇલેટ અને સ્મોકિંગ ચેમ્બર તરફ આવનજાવન કરી રહ્યાં હતાં. અમુક વચ્ચે સરળ વાતો થતી હતી. કેટલાંક ન્યૂઝ પેપર અને બુક્સ વાંચી રહ્યાં હતાં. તેણે આંખો બંધ કરી પગ થોડાં લંબાવ્યા. મીચેલી આંખો સમક્ષ જીવન રી-રન થવા લાગ્યું.

જ્યારે એ મુંબઈથી નીકળ્યો હતો ત્યારે ૨૦૧૩ની સાલના અંતિમ મહિના ચાલતા હતા. આજે ૨૦૧૪ની સાલ અડધી ગુજરી ચૂકી હતી. રાત્રિના થોડાં કલાકોની ઊંઘ બાદ સવારે આંખો ખૂલે છે. રાત્રે સૂઈ જાય છે ત્યારે આંખો બંધ થઈ જાય છે. અને એક સમય એવો આવે છે જ્યારે આંખો કાયમ માટે બંધ થઈ ફરી ક્યારેય ખૂલતી નથી અને બધા મૃત માની બેસે છે. તેણે વિચાર્યું પોતાની પત્નીએ પણ તેને મૃત સમજી કંકુની ડબ્બી, કાજળની પેટી, મેકઅપ બોક્સ, તેના ગોળ મોટા ઈયરરિંગ્સ અને કાચની બંગળીઓને કબાટની તીજોરીમાં મૂકીને લોક મારી દીધું હશે. કે પછી કોઈ બીજા? ના... ના...

પર્મ કરેલા વાળવાળી, મગરૂર ચહેરાવાળી રસિક મિજાજી પોતાની વાઇફના હોઠ પર રમતું સ્વીટ સ્મિત દૃશ્ય બનીને તેની બંધ નજર સમક્ષ અંકાઈ ગયું. પોતાની જીવનસાથી તરફ લગભગ અનાયાસે, અકારણ ખૂલી જતું તંદુરસ્ત હાસ્ય બાદ એ હાસ્યના પ્રતિસાદરૂપે તેની પત્નીનું હાથથી મોઢું ઢાંકી શરમાવું. ખડખડાટ હાસ્યને દબાવવું. પોતાનો બધો પ્રેમાળ રોષ ઠાલવતાં દમકદાર જવાન જિજ્ઞાસુ નયનમાંથી મૌન બંનેલા શબ્દોનું છલકાવું. ક્યારેક રડવું, રિસાવું, મલકવું...

પોપચાં પાછળ રચાતાં ફ્લેશબેકના અમુક પિકચર જોઈને તેની બંધ આંખો ભારેખમ થઈ ગઈ.

તેણે મગજને બીજા વિચારમાં, અલગ દિશામાં વાળવાનો પ્રયત્ન કર્યો. એક રેગ્યુલર કોફી અને ગાર્લિક ટોસ્ટનો ઓર્ડર કર્યો. થોડાં સમય બાદ ટ્રૉલી આવી. એલ્યુમિનિયમ ફોઈલમાં ટોસ્ટ અને પેપર ગ્લાસમાં કોફી તેની સીટ પાસે મૂકી એર-હોસ્ટેસ ચાલી ગઈ. તેણે થેંક્યુ કહ્યું, યુવતિ ઝૂકીને મુસ્કુરાઈ આગળ ચાલી.

‘હલ્લો...’

‘એક વર્ષ થયું ઘરનું જમવાનું જમ્યો નથી! મમ્મીના હાથનો સ્વાદ જીભને સ્પર્શ્યો નથી. પત્નીના હાથની મનગમતી અવનવી વાનગીઓ જમી નથી. પપ્પા સાથે સાંજના સમયે ડાઈનિંગટેબલ પર જમતાં-જમતાં કોઈ મુદ્દાઓ પર ગપસપ થઈ નથી.’

તેણે વિમાનમાં નાસ્તો કરતાં-કરતાં વિચાર્યું, ‘ઘણાં દિવસે વિચારો ઝડપથી વહ્યાં. તૂટી ગયા અને ફરી વેગથી વહ્યાં. આજે એ પોતાની પત્ની, માતા-પિતા, ઘર-પરિવાર, દોસ્તો પાસે પાછો ફરી રહ્યો છું. કારમી કિસ્મતને, અકારણ પામેલા મોતને માત આપીને સૈનિકની જેમ યુદ્ધમાં ફતેહ મેળવીને પોતાના વતન જઈ રહ્યો છું’ તેણે પોતાને સવાલ કર્યો. ‘કેવું અનુભવાઈ રહ્યું છે? મનોમન ચિંતા કરતી, અકળાતી, પાછા આવવાની આશામાં બાધાઆખડી રાખીને ઈશ્વરની સાથે દરરોજ મંદિરે જઈ ઝઘડતી પત્નીની સામે જશે ત્યારે શું થશે? હે પ્રભુ...

જીવનમાં અતૃપ્તિ રહી જાય છે ત્યારે ઈશ્વરના નિયત કરેલા મૃત્યુ સમયે તેડવા આવેલા યમરાજને પણ પાછા જવું પડે છે. જિંદગીમાં તૃપ્તિ નથી, પણ જવાબદારી અદા કરવા કદાચ મને ભગવાને બીજી જિંદગી આપી છે. પોતાની પ્રેગનેન્ટ વાઇફ માટે, આવનાર સંતાન માટે, ઘરમાં રહેલાં વૃદ્ધ મા-બાપ માટે મને આ તક મળી છે. મેં મેળવી છે. સૌને આઘાત લાગશે. જેવો આઘાત મારા આજ સુધી મૃત બની બેખબર રહ્યાનો લાગ્યો છે એવો જ આઘાત મારા જીવંત બની પાછા ફરવાથી લાગશે.

જોડે હોવાની, જીવન જીવવાની મજા અને જીવન જીવતા-જીવતા દૂર થઈ જવાનું દુઃખ અને ફરી પાછા મળવાનો આનંદ. માણસ લાગણીશીલ છે એટલે ખુદ કરતાં બીજાનાં મૃત્યુ વિશે જાણીને વધુ બેચેન બની જાય છે. એકલા રહેવાનો વિચાર હલબલાવી નાંખે છે. આપણે જીવંત છીએ એટલે અચેતન વસ્તુ સાથે થોડો સમય પસાર કરી શકીએ છીએ. આખી જિંદગી એકલા જીવવા માટે પણ કોઈ એકનો સાથ જોઈએ. માણસને માણસની જરૂર છે એટલે આપણે બધા જીવી શકીએ છીએ.’ તેની આંખો આપોઆપ મિંચાઈ ગઈ.

એરહોસ્ટેસે ‘વૉટર સર...’ કહ્યું ત્યારે તેણે આંખો ઉઘાડી. નાસ્તો પતાવી વ્હાઇટ કડક પેપર નેપ્કિનથી મોઢું સાફ કરી તેનો ડૂચો વાળ્યો, બોટલમાંથી પાણી ગ્લાસમાં કાઢ્‌યા વિના સીધું જ પી લીધું. ટોઇલેટ જઈ આવ્યો. બ્લેન્કેટ ઓઢી સીટ પાછળ કરી થોડાં પગ લાંબા કર્યાં. પોતાની બાજુની સીટ પર બેઠેલા મહેંદી કલરના વાળ વાળા એક નેપાળી બુઝુર્ગને અકારણ એક્સક્યુસ મી કહેવાઈ ગયું. બંને વચ્ચે ઔપચારિક વાતચીતનો દોર ચાલ્યો. તૂટક-તૂટક નબળી હિન્દી અંગ્રેજી ભાષામાં બંનેએ થોડી વાતો કરી.

મનમાં જૂનાં-નવાં સંવાદો ચાલતા રહેતાં અને વચ્ચે-વચ્ચે તંદ્રામાંથી જાગી જતાં ઊંઘવામાં ખલેલ પડતી હતી. આજે તેણે મગજ પર ખૂબ દબાણ આપ્યું હતું. એકભાગમાં દર્દ થતું હતું. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ફરી જાગ્યો. ગોળી લેવાનું રહી ગયું હતું. પોકેટમાંથી ટેબ્લેટ કાઢી પાણી સાથે ગટગટાવી ગયો.

અમેરિકાના ન્યૂયોર્ક સીટીથી મુંબઈ જતું પ્લેન ત્રીસ હજાર ફીટની ઊંચાઈ પર સ્થિર આસમાનમાં ઊડી રહ્યું હતું. પ્લેનની ગતિ કલાકના નવસો કિલોમીટર હતી. વિવિધ મહાકાય શહેરોની ખબરો, ભૌગોલિક અંતરો, હવામાનની માહિતી ટી.વી. સ્ક્રીન પર ફ્લેશ થતી હતી તેનાં પર અધખુલ્લી આંખે નજર પડી. દુનિયામાં ખાસ બનાવો બન્યાં ન હતાં. વાતાવરણ સ્વચ્છ હતું. તેની નજર બારીની બહાર ગઈ. વાદળો ધૂમાડાની જેમ ઊડી જતાં દેખાયા. નીચે ધરતી પર પાણીમાં પડેલા ઓઈલના બુંદોની જેમ શહેરોના રસ્તા, ઈમારતો ઝળહળી રહ્યાં હતાં. દવાની અસર થવા લાગી. ઘેન ચડયું. એ સૂઈ ગયો.

ઘર સુધી પહોંચવાના અધરસ્તે અકળામણ શરૂ થઈ પોતાની મંજિલ જેમ જેમ નજીક આવી રહી હતી તેમ તેમ ધડકનો વધતી જતી હતી. સંયમ હવે જળવાતો ન હતો. પોતાના પર કાબૂ કરવો કપરો બની રહ્યો હતો. એ થોડીવારમાં જાગી ગયો.

અમેરિકાથી ઊડીને આવેલા વિમાને ભારત દેશની ભૂમિ પર ઊતરતી વખતે ફરી પ્રચંડ અવાજ કર્યો. પ્લેનના પૈડાં રન-વે પર આવીને ઢસડાયાં. એક ધક્કો લાગી વાગ્યો. દરવાજો બહારની તરફ ખૂલ્યો. મુસાફરો કતારબંધ એક પછી એક વિમાનની બહાર નીકળતા ગયા.

મુંબઈ આવી ગયું.

મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પર કોઈ લેવા આવવાનું ન હતું. કોઈને ખબર જ ક્યાં હતી કે એ આવવાનો છે. આવી ગયો છે. તે ઘર તરફ ધસવા ઉતાવળો બન્યો બન્યો. એરપોર્ટ પરની જરૂરી વિધિ ફરજિયાતપણે પતાવીને તે રસ્તા પર આવ્યો. બે હાથ ફેલાવ્યા. જમણો હાથ થોડો ખેંચાયો. થોડી વેદના થઈ પણ પોતાના શહેર પાછા આવવાની ખુશી પાસે આ દર્દ કંઈજ ન હતું. અસલી વેદના સાથે તો હવે તેનો સામનો થવાનો હતો અને એ વેદનાને દૂર કરવા જ એ પરત આવ્યો હતો. તે થોડીવાર ફૂટપાથ પર ચાલ્યો. મુંબઈની સડકો પર, દરિયાની હવામાં, ભાગતાં-દોડતાં લોકો વચ્ચે તેને અજબની શાંતિ મળી.

જિંદગી, માણસો, સબંધો બધાં સાથે એક ખૂટ-અખૂટ અંજળ હોય છે. એક આબોદાના હોય છે. માણસ માણસની વચ્ચે એક ૠણાનુબંધ હોય છે. આ બધા માટે જીવતા રહેવું પડે છે. મરીને પણ ફરી જન્મી સદગુણ-સ્વાર્થ, સારાઈ-ખરાબ, નીતિ-અનીતિ, કુટુંબપ્રેમ આદિતત્વોના નાના-મોટા પાસાને પૂરાં કરવાં આ ધરતી પર વારંવાર પૈદા થતું રહેવું પડે છે.

ઊંચી-ઊંચી આલીશાન હાઈ-રાઈઝ ઇમારતો જોઈ. બજારમાં ટહલતા હાથ ઊંચો કરી એક કાળી-પીળી કાર રોકી, ટેક્સી કરી ઘર ગયો. રસ્તામાં ટેક્સી ડરાઇવરને મુંબઈના હાલચાલ પૂછ્‌યા. ઘણાં દિવસે મરાઠીમાં વાતો થઈ. કશું બદલાયું ન હતું.

પોતાનાં ઘરે આવી દરવાજાને હાથથી ઠપકારતા તેણે બેલ મારી. થોડી જ ક્ષણોમાં દરવાજો ખૂલ્યો અને દરવાજો ખોલનાર સ્ત્રી સોનાલી હતી. તેની આંખો ફાટીને સ્તબ્ધ બની ગઈ. પાંપણ ઝબકાવ્યા વિના એકીટસે તે દરવાજા પર ઊભેલી વ્યક્તિને જોઈ રહી. તેનાથી આલોક નામ બોલાયું, પણ અવાજ ગાળામાં જ બેસી ગયો. માત્ર હોઠ ફફડયાં. મૂગી થઈ ગયેલી સોનાલીને આંચકો લાગી આવ્યો. નસેનસમાં, રોમેરોમમાં એક કમકમી પસાર થઈ ગઈ. પોતાના મૃત પતિને દસ-અગિયાર મહિના બાદ જીવંત નિહાળી તે માટીના પૂતળા જેવી અચેતન જડ જેવી અન્યમનસ્ક બની ગઈ.

ક્રમશઃ...