Anyamanaskta - 14 books and stories free download online pdf in Gujarati

Anyamanaskta - 14

અન્યમનસ્કતા

પ્રકરણ - ૧૪

લેખક : ભવ્ય રાવલ

ravalbhavya7@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


લેખકનો પરિચય

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકાથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ... જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ / મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.


અન્યમનસ્કતા : પ્રકરણ ૧૪

મુંબઈના દરિયાના કિનારે હવામાં ન વરસેલા વરસાદની શીતળતા હતી. અરબસાગરના મોજાં ઊછળીને દરિયાને કંઈક વધુ ગાંડાતૂર બન્યાં જવાનો સંકેત આપી રહ્યાં હતાં. કિનારાથી થોડે દૂર એક પથ્થર પર બેઠાં બેઠાં વિવેક વિચારી રહ્યો હતો. ‘શું જણાવવું હશે સોનાલીને? પોતાને સોનાલી પાસે બોલવું ફાવશે નહીં તો? સંવાદ ગોઠવવાનો પ્રયત્ન કરવો જોઈએ. કઈ રીતે વાત શરૂ કરીને એક પછી એક બાબત જણાવતા જવી? ક્યા પ્રકારે વર્તવું?’ થોડીવાર મગજ ચકરાવે ચડયું, પછી કશું સૂઝયું નહીં. તેણે ઊતાવળે એક સિગારેટ પી લીધી.

ગગનમાંથી નીતરતા પાણીની સપાટી પર પરિવર્તિત થઈને આંખોને આંજી નાંખે તેવો પ્રકાશ ભારેખમ કાળા વાદળોના સમૂહ પાછળ છુપાઈ ગયો. અંધારૂં થયું.

સોનાલીએ પાછળથી આવીને દરિયા તરફ મો રાખીને બેઠેલા વિવેકને અવાજ લગાવ્યો. વિવેક પાછળ ફરી થોડીવાર માટે સોનાલીને જોઈ જ રહ્યો. ઊંચા કાપેલાં પથ્થરો પર ચડીને તેનો એકધારો ચાલતો શ્વાસ ફુલાઈ ગયો હતો. ઠંડા પવનની સુસવાટા મારતી લહેરખી તેના લાંબા વાળને વિખરાઈને કપાળ, પીઠ અને ખભા પર ફેલાવતા જતાં હતાં.

‘અરે, તું તો એકદમ બદલાઈ ગયેલી દેખાઈ છે. ઓળખાતી પણ નથી.’ વિવેકે છેલ્લાં એક વર્ષમાં જે સોનાલીને જોઈ હતી એ ગર્ભવતી સ્ત્રી હતી અને આજે જે સોનાલીને જોઈ રહ્યો હતો એ સમતોલ ભરાવદાર બાંધાવાળી એક બાળકની મા હતી. જોકે બંનેમાં ખાસ ફર્ક ન હતો. સોનાલીનું પ્રસવ પહેલાંથી બ્લડ પ્રેશર નોર્મલ રહેતું ન હતું અને ડિલેવરી બાદથી હાર્ટ-બીટ્‌સ ઈરરેગ્યુલર થઈ ગયાં છે. તેની શ્વસનપ્રક્રિયા પરથી ખ્યાલ આવ્યો.

‘ના વિવેક. હું એ જ સોનાલી છું જે આજથી પાંચ વર્ષ પહેલાં આપણે પ્રથમ વખત કોલેજના ક્લાસમા રૂમમાં મળ્યા હતા તે સમયે હતી. તારી નજર સમક્ષ એ જ સોનાલી ઊભી છે જે આજથી ત્રણ વર્ષ પહેલાં તને છોડી ને જતી રહી હતી. જે સોનાલી તને એક વર્ષ પહેલાં ફરી મળી હતી અને પછી જેને તું છોડીને ચાલ્યો ગયો હતો અને આજ આ સોનાલી જે તારી સામે ઊભી છે તે એ જ સોનાલી છે જે એક બાળકની મમ્મી છે. તારી દોસ્ત છે. પ્રેમિકા છે અને પત્ની...’

અધૂરી વાત કહીને સોનાલી ચૂપ થઈ ગઈ. લાગણીના તંતુની ધારદાર દોરીથી કપાયેલી સ્ત્રી સોનાલી હવે આલોકની પત્ની મટી ત્યક્તા બની ચૂકી હતી. અને જો આજ વિવેક પણ તેને તરછોડી દેશે તો તેની પરિસ્થિતિ ખરડાયેલા ભૂતકાળથી વધુ વિપરીત સદા શોકાતુર બનવાની નિશ્ચિત હતી.

‘આપણે બંને એકબીજાને ઘણાં સમયથી કેટલીક વાતો કહેવા ઇચ્છીએ છીએ. સોનાલી ક્યારેક સમય તો ક્યારેક સંજોગ સાથે ન હતા. ક્યારેક માન્યતાભેદનો ડર હતો તો ક્યારેક અસમંજસ હતું. આખરે કઈ રીતે ક્યાંથી શું કહેવું ન કહેવું. આજ સુધીના હદયબોજની કહાનીની શરૂઆત કેમ કરવી તે હજુ સુધી સમજાતું નથી. દુનિયા આપણી વાત સમજતી કે સાંભળતી નથી એવો ખ્યાલ સૌના મનમાં છે. આપણે કેટલાંને સમજીને સાંભળી શકીએ છીએ એની ખબર નથી હોતી.’

‘વિવેક, જીવનમાં જેમ ન કરવાનું બધું કરી લીધું હોય તેમ ન સહેવાનું બધું સહન કરી લીધું છે. આલોકના ગયા બાદના તારા સાથ, સહવાસ અને સંવનનના કારણે આજે મારો પતિ હોવા છતાં હું વિધવા છું કે ડાયવોર્સી તે નક્કી થતું નથી. મેં જે સંતાનને જન્મ આપ્યો છે તે સંતાનના પિતાને ખબર નથી કે તેનું બાળક ક્યાં છે.’

‘મતલબ?’ વિવેકે કહ્યું, ‘તારે જે કહેવું હોય તે સ્પષ્ટપણે સરળતાથી જણાવી આપ. મને દુઃખ નહીં થાય. હું આશ્ચર્ય જરૂર પામીશ. રહસ્ય પરથી પરદો હટે છે ત્યારે જ તો સત્ય સામે આવે છે.’

‘હા, પણ બની શકે એ સત્ય એટલું વિચિત્ર હોય કે નાટક લાગે. મને રજૂઆત કરતાં નહીં ફાવે. દંભ અને બનાવટને દૂર કરી તિલાંજલી આપી વાસ્તવિક્તા જ્યારે રજૂ કરવામાં આવે છે ત્યારે તે આપોઆપ સત્યનું સ્વરૂપ લે છે. જીવનમાં એટલી બધી પેચીદગી, ગૂંચવણો વ્યાપી ગઈ છે જેમાં કશી સમજ-ભાન નથી પડતી.’

‘મને જાણ છે. સત્યના આધારે ટકી રહેવું બહુ કઠિન છે. ઘણાં ઓછાં વ્યક્તિઓ માટે સત્યની ધાર પર ચાલવું આસાન હોય છે. માત્ર સત્યના સહારે કંઈપણ પામી શકવું એ તારા-મારા જેવા માણસોનું કામ નથી. જ્યારે વાસ્તવિક્તાથી દૂર ભાગીએ ત્યારે માનવસમાજના નિયમો પાળવા પડતા નથી. પછીથી સ્વયંના ભૂલની સજા વીરત્વના અંતિમ લક્ષણની જેમ સ્વયંમને જ આપવાની હોય છે.’

‘વિવેક...’ ક્ષણાર્ધ શબ્દોમાં ખાલી જગ્યા પ્રસરી. ‘સાચું કહીશ તો સત્ય સાંભળીને સ્વીકારી નહીં શકે અને જુઠઠું હવે હું વધુ બોલવા માગતી નથી.’

સોનાલીએ થોડાં સમય સુધી ચૂપ રહી પછી એક પછી એક બધું જ કહેવાનું શરૂ કર્યું.

સમયના ધોધમાર ઊઠતાં જુવાળ વચ્ચે માનવસહજ નબળાઈના કારણોસર મૂલ્યો તૂટતાં ગયા. આલોકનો હવાઈ અકસ્માત થઈ ભટકીને ગુમ થયા પછી લાંબી સારવાર બાદ ક્યા પ્રકારે પાછા ફર્યા.

સમયનું વહેણ છલકાતી નદીના ધસમસતા પ્રવાહની જેમ આનંદ અને ગમની ઓટ લઈ આવ્યો છે.

આલોકના પરત ફર્યાના દિવસે જ તેને ગર્ભાવસ્થાનો દર્દ ઉપડયો. તે મા બની.

મનની વ્યગ્રતા, વ્યતિરેક, વ્યથા, વ્યાધિ બધું જ એક સાથે ભેગું થઈ વિધિની વક્રતાનું વમળ રચી તેને જીવલેણ રીતે કોતરી રહ્યું છે.

આલોકે તેનો પર્સનલ મોબાઈલ ફોન ચેક કર્યો, જૂના ફોટો-મેસેજીસ જોયા. અધૂરી કસર ડૉક્ટરે પૂરી કરી આપી.

શોખ, સ્વભાવ અને જીવનશૈલીથી વિપરીત સ્વરૂપે એકલવાઈ જિંદગીથી ટેવાઈ જવાનું છે. આલોકે મને ઘરમાંથી કાઢી મૂકી છે. હવે તે ડિવોર્સ આપી દેશે. બધા બંધનોથી સ્વતંત્ર થઈ છૂટાછેડા થઈ જવાના.

માત્ર હવે કોઈ સાથે લગ્નનાં બંધનમાં જોડાઈ જવું પર્યાપ્ત નથી. બાળકના ઉછેર, સંસ્કાર, એના વિકાસની તમામ જરૂરિયાતના સાધન સંતોષવાનાં છે.

‘આપણા વિશે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે અને એક વાત એ પણ છે જે વાતનો તને ખ્યાલ નથી. જે વાત બહુ ગંભીર છે. જે વાત કરવા માટે છેલ્લાં કેટલાંક મહિનાથી હું તડફડી રહી છું.’

આશ્ચર્ય કરતાં વધુ આઘાત પામેલા વિવેકે અચકાતા પૂછ્‌યું, ‘કઈ વાત સોનાલી?’ તેના ચહેરા પર ચોંકવાનો ભાવ તરવરતો સાફપણે જોઈ શકાતો હતો...

‘વિવેક.... મેં જે બાળકને જન્મ આપ્યો છે તે આલોકનું નહીં તારૂં છે, આપણું છે.’

સમુદ્રની ગરજતી લહેરો વચ્ચે કિનારાના પથ્થરો પર બેઠેલા વિવેકના પગ નીચેથી જમીન સરકી ગઈ.

‘શું વાત કરે છે સોનાલી?’ વિવેકના ચહેરા પરથી રંગ ઊડી ચૂક્યો. ‘વર્તમાન, વાતાવરણ, વ્યવહાર બધા વિશે સભાન રહી તે આવું કેમ કર્યું? હર મહિને સ્ત્રી માસિકમાં આવે છે સોનાલી. શું કામ? કેમ કે તે ગર્ભવતી છે કે નહીં તેની તેને પોતાને ખબર પડતી રહે. તું ઇચ્છતી તો આ બધું થતાં રોકી શકતી હતી. મને જણાવી શકતી હતી. તે સત્ય છુપાવી મને છેતર્યો છે. મારી જાણ બહાર આલોકનું સંતાન પડાવી નાંખી આલોકને ઠેસ આપી છે.’

‘મારો આશય કોઈને અન્યાય કરવાનો કે ઠગવાનો ન હતો. સત્યને છૂપાવવું એ જૂઠ નથી વિવેક.’

‘તે સંબંધોની ફરજ, દોસ્તીની કરજ જેવા શબ્દોમાં ફસાવી કોણ જાણે કેમ આવું ક્રુર કાવતરૂં ઘડયું?’

‘મેં મારા સ્નેહ અને જરૂરિયાતના નામે કોઈને દગો આપ્યો નથી. મેં તો બસ થોડી ખુશી ઈચ્છી હતી.’

‘તું મારી દોસ્ત છે સોનાલી. દુશ્મન દગાખોરી કરી શકે, દોસ્ત નહીં. જ્યારે દોસ્ત દગો આપે છે ત્યારે દોસ્તી તૂટી શત્રુતા જન્મે છે. તું આટલી સ્વાર્થી ક્યારથી અને કેમ બની? તેં ઊઠાવેલા કદમો બુઘ્ધિપૂર્વકના નિર્ણયો ન હતા. નાદાનીઓ કરવાની તારી આ ઉંમર નથી.’ વિવેક ગુસ્સે થયો.

‘હું સ્વાર્થી નથી. કદાચ લોભી જરૂર બની ગઈ હતી. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે વિવેક. એક સજા મને આલોક આપી ચૂક્યા છે. તું પણ સજા આપ મને. સ્વીકારવા તૈયાર છું. હું દિલગીર છું.’

હળવો વરસાદ શરૂ થયો. વિવેક અને સોનાલી વરસાદથી ન પલળવા નાળિયેરના વૃક્ષ નીચે આવી ગયા. સોનાલીએ રૂદનને દબાવી ફફડતા દર્દભર્‌યા મનને કઠણ કરી લીધું.

‘મા બનવા માટે પતિ નહીં પુરૂષની જરૂર પડતી હોય છે. હું તારા સંતાનની મા બનવાની ઈચ્છુક હતી.’

‘મારા સંતાનની મા બનવાની ઈચ્છા? પ્રેમસંબંધ અને હમદર્દીનો સંબંધ ભિન્ન હોય છે સોનાલી. અલગ હોય છે. જુદા હોય છે. પ્રેમ થનાર, કરનાર અને પતિ અથવા પત્ની બનનાર બંને પાત્રો અલગ હોવા જોઈએ. જઝબાતોમાં જિસ્મ ટકરાવી હકીકતમાં તારે મારા થકી બાળક નહીં પરંતુ મારા બાળક થકી મને પામવો હતો.’

‘ના વિવેક... ના...’

‘ગમે તેની દીકરી કે દીકરા સાથે પરણીને જીવી લેવું એ દાંપત્ય જીવન નથી. જે ગમે છે તેની સાથે પ્રેમ થઈ શકે. ગમે છે તેની સાથે લગ્ન ન પણ થઈ શકે.’

દરિયાની છોળોનો કિનારા પરના પથ્થરો પર પછડાવવાના ઘેરા આવજોમાં, વીજળીના ગડગડાટમાં શબ્દોને ક્યાંય સુધી અવકાશ ન મળ્યો. દરિયામાં ગરકાવ થતો સૂર્ય આથમતો જતો હતો. એક તરફ મુલાયમ આચ્છો ગુલાબી કલરનો પ્રકાશ વરસતા વાદળ ચીરતો ફેલાઈ સંધ્યાને ખીલવતો હતો. બીજી તરફ ઘેરાતી કાલીમા હતી.

ઉચાટ અનુભવતા વિવેક પૂછ્‌યું, ‘મારૂં બાળક ક્યાં છે?’

‘હું તેને ઘર સૂવાડીને આવી છું.’

‘ચાલ... મને તેની પાસે લઈ જા.’

સોનાલીને ખુશી થઈ આવી. તેનો હાથ પકડી દોડતાં પગલે કારમાં બેસી વિવેકે સોનાલીના ઘર તરફ ગાડી દોડાવી મૂકી. સાંજ પડી વરસાદની તીવ્રતા ધીમે ધીમે વધી રહી હતી. મુંબઈના રસ્તા પર ટ્રાફિકજામ અને પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ચૂકી.

સોનાલીના વ્યક્તિત્વમાં કાંઈક તો એવું હતું જે વિવેક જેવા પુરૂષના કોમળ હદયને જીતવા-જકડવા સમર્થ હતું. તેથી જ વિવેક કાયમ સોનાલીની હરકતો પર ગુસ્સો કે નારાજ થવાને બદલે તેનાં નામની માફક વર્તન કરી રહ્યો હતો. અથવા તે ગતિથી પસાર થતી ઘટના સાથે તાલ મેળવતા અચકાતો હતો.

સોનાલીના ઘરે આવી મેચ્યોર, સેન્સિટીવ, બ્રોડમાઈન્ડેડ વિવેક કદાચ એ માનવા તૈયાર ન હતો જે કમળ જેવુ કૂણું ધવલ-ગુલાબી બાળક તેનાં નજર સમક્ષ જ છે તે તેનું લોહી છે. મુગ્ધપણે જોતાં-જોતાં વિવેક પોતાના સંતાન પાસે જઈ તેને ઊંચકીને વળગી પડયો. બાળક રડવા લાગ્યું.

સોનાલી પાંપણ ઝબકાવ્યા વિના એક નજરે પિતા-પુત્ર મિલનનાં દૃશ્યને નિહાળી રહી.

લાગણીના પ્રવાહોની અભિવ્યક્તિ પ્રકાશના પ્રતિબિંબ જેટલી જ વાસ્તવિક્તાભરી હતી.

વિવેક પાસેથી બાળકને લઈ શાંત રાખતા સોનાલી બોલી, ‘એકદમ તારા પર ગયો છે.’

સોનાલીની વાત પર વિવેકે પ્રતિભાવ ન આપ્યો. વરસાદ ધીમે ધીમે રૌદ્ર રૂપ લઈ રહ્યો હતો. સોનાલીએ અર્ધનિંદ્રામાંથી ઊઠેલા બાળકને સૂવાડીને વિવેકને બહારના રૂમમાં બેસવા કહ્યું.

‘ચા પીશ?’

વિવેકે ચા પીવાની ના પાડવા છતાં સોનાલીએ તેના માટે ચા બનાવી. સોનાલીની મરજી વિવેકને પોતાની પાસે રોકી લેવાની હતી. તે ચાહતી હતી કે વિવેક હવે ક્યારેય તેનાથી દૂર ન જાય.

‘બોલ વિવેક, તારે શું કહેવું હતું? મેં મારી વાત જણાવી આપી. હવે તારો વારો છે.’

‘સોનાલી તારી દુનિયા અને મારી દુનિયા એ બંને જુદી દુનિયા બની ગઈ છે. જે મુજબ તે મારાથી આપણે મળ્યા તે દિવસથી લઈ આજ દિવસ સુધી એક હકીકત છુપાવી તે મુજબ મેં પણ એક સચ્ચાઈ ફક્ત તને ખુશી આપવા માટે છુપાવી હતી. જે સમયે અને સ્થિતિમાં તું આશા-અપેક્ષા સાથે આલોકનું સંતાન પેટમાં લઈને મારી પાસે આવી હતી તે સમયે તને મારા વિશે હું સાચેસાચું જણાવતો તો તું દુઃખી થાત. હું તારો સાથ આપી તારી ઈચ્છા સંતોષી ન શકત. આ માટે એક નાનકડું જૂઠ મેં પણ...’

‘આશાઓ મરી જાય ત્યારે મોહતાજી નિભાવી લેવાની હોય છે. હજુ ઘણી આકાંક્ષાઓ વધી છે. વધતી જાય છે જીવનમાં વિવેક... કેટલી સંતોષી શકાશે? તને તારી ભૂલ જાણ્‌યાં પહેલાં જ માફ કર્યો. હવે બોલ હજુ પણ સાચું કહેવું છે?’

‘હા.’

‘હું ના કહું તો પણ?’

‘સોનાલી તું સમજતી નથી.’ સોનાલીએ દાંત કાઢ્‌યા. ‘તો મને સમજાવ વિવેક.’

‘હું પરણિત છું.’ પવનનો જોરદાર પ્રવાહ આવી બારીઓ ભટકાઈ. ‘મારાં લગ્નજીવનને એક વર્ષ ઉપર થઈ ગયું છે.’ ભયાનક ગડગડાટ થઈ પ્રચંડ વીજળી ચમકી. વૃક્ષોના મૂળ જમીનમાંથી ઊખડી ફેંકાયા. ‘મારી પત્ની ખંજન ગમે ત્યારે અમારા બાળકને જન્મ આપી શકે તેમ છે.’

વિનાશક તોફાન આવ્યું.

ક્રમશઃ