Ek patangiyane pankho aavi - 9 books and stories free download online pdf in Gujarati

એક પતંગિયાને પાંખો આવી Chapter-9

એક પતંગિયાને પાંખો આવી

પ્રકરણ 9

વ્રજેશ દવે “વેદ”

સૌના પગલાં પહાડની તળેટી તરફ જવા લાગ્યા. રસ્તામાં થોડી વાતો, હઁસી મજાક, નાસ્તો વગેરે ચાલતું રહ્યું. ક્યાંક સામા મળતા પ્રવાસીઓ સાથે અલપ ઝલપ સંકેતોની, તો કોઈક જોડે ખૂબ જ ટૂંકા શબ્દોની આપલે થતી રહી. કેટલાક લોકો પાછળથી આવીને આગળ નીકળી જતાં હતા,

પાછા ફરતા હવે તેઓ અંબાજી માતાના મંદિર વાળી ટોચ પર આવી ગયા. થોડી વાર વિશ્રામ કરવા બેઠા. આ વિશ્રામ ખૂબ જ ગમ્યો.

અચાનક જ ઠંડો પવન વહેવા લાગ્યો. પવનની ગતિ પણ થોડી વધી ગઈ. સુરજ ફરી કાળા વાદળો સાથે રમત રમવા લાગ્યો. પ્રકાશ થોડો ઘટી ગયો. સવારના 11 વાગ્યે પણ ઢળતી સાંજ જેવુ વાતાવરણ બની ગયું. સમય પારખી સૌ તળેટી તરફ ચાલવા લાગ્યા.

પવન વધુ તેજ થવા લાગ્યો. વાદળો આકાશની ઊંચાઈ છોડીને ખૂબ જ નીચે આવવા લાગ્યા. નીચે ઉતરી રહેલા લોકોએ અનુભવ્યું, કે વાદળો તેનાથી પણ વધુ ઝડપે નીચે ઉતરી રહ્યા હતા. વાદળોને પણ તળેટી પર પહોંચવાની જલ્દી હોય તેમ તે સડસડાટ નીચે ઉતરવા લાગ્યા.

વાદળોની ગતિ વધવા લાગી. હવે તે પહાડને અડવા લાગ્યા. એકાદ મિનિટમાં તો વાદળો માણસો સાથે જોડાઈ ગયા.

ચાલતા લોકો વાદળમાંથી પસાર થવા લાગ્યા. વાદળ ખૂબ ગાઢ હતા, એટલે એકાદ ફૂટથી આગળનો રસ્તો પણ જોઈ શકાતો ન હતો. દીપેને જયાનો અને જયાએ જીત, વ્યોમા અને નીરજાના હાથ પકડી લીધા. એકબીજાના હાથ પકડી ખૂબ જ ધીરે ધીરે ચાલવા લાગ્યા.

વાદળોની વચ્ચેથી પસાર થવાની મજા આવવા લાગી. તેના ઠંડા સ્પર્શથી સૌ રોમાંચિત થઈ ગયા. તેઓ માટે આ અનુભવ નવો હતો.

દૂરથી દેખાતા વાદળોને પકડવાનું, અડવાનું, તેની પર દોડી જવાનું સ્વપ્ન, હંમેશા મનમાં રમ્યા કરતું. વાદળોને જોઈને રોમાંચિત અને ઉત્સાહિત પણ થઈ જવાતું. દૂર દૂર ઊંચે ઉડતા વાદળોને હાથમાંથી સરકી જતાં જોયા કરવું. વાદળોના છૂટી જવાના અફસોસમાં ઊંડા નિઃસાસા નાંખવા. એવું તો ઘણી વાર કર્યું છે.

પણ, આજ કુદરતે એક અવસર આપ્યો હોય તેમ, વાદળો સામે ચાલીને તેના માર્ગમાં ગોઠવાઈ ગયા હતા. કહોને કે વાદળો પણ સાથે સાથે ચાલતા હતા, હમસફર બનીને .

વાદળો આજે કહી રહ્યા હતા,”દોસ્ત, વર્ષોથી તારી અધૂરી રહેલી ઇચ્છાઓને પૂરી કરવા, તને મળવા હું સામેથી આવ્યો છું. કરી લે પૂરી, જે ઈચ્છા હોય તે. રમી લે મારી સાથે, મને સ્પર્શી લે, અડી લે, પકડી લે, મને બાથમાં લઈ લે, મારા પર દોડી જા.... જે ઈચ્છા હોય તે કરી લે. આજ નહીં રોકું તને હું. કોઈ હાથતાળી આપી સરકી નહીં જાઉં. ...”

સૌએ વાદળોની આ વાત સાંભળી હોય તેમ એકબીજાનો હાથ પકડીને, પણ પોતપોતાના વાદળને વ્હાલ કરીને, તેની સાથે રમવા લાગ્યા. વાદળો પણ તેના મિત્ર બનીને તેના લાડ અને નખરાંને વધારતા રહ્યા. સૌને લાગ્યું કે તેઓ વાદળોના નગરમાં આવી પહોંચ્યા હતા.

વાદળના નગરમાં ફરતા સૌને, વરસાદના બિંદુઓએ સ્વપ્નમાંથી જગાડી દીધા. એક તંદ્રા તૂટી ગઈ. વરસાદ ચાલુ થઈ ગયો. ધીમા પણ મજબૂત વર્ષા બિંદુઓ વરસવા લાગ્યા.

શ્રમથી થાકેલા શરીર પર પડી રહેલા વર્ષાના ધીમા ધીમા ટીપાંઓ આહ્લાદક આનંદ આપવા લાગ્યા. વર્ષાના બિંદુઓ, ઠંડો પવન અને વાદળનું નગર ! અદભૂત રોમાંચ પ્રવર્તવા લાગ્યો.

પ્રારંભની ક્ષણોમાં ક્ષણિક લગતા પવન અને વર્ષાબિન્દુ ધીરે ધીરે સ્થાયી થવા લાગ્યા. વર્ષાની ગતિ વધવા લાગી. પવન મંદ પડવા લાગ્યો.

અચાનક એક વાદળ પહાડની દૂરની ચોટીને અથડાઇ ગયું. ભયંકર ધ્વનિ શાંત પહાડની ખીણોમાં ફેલાઈ ગયો. ખીણોમાં અથડાઈને વધુ તિવ્ર બનવા લાગ્યો. પડઘાવા લાગ્યો.

વાદળ ફાટી ગયું. નાનકડું વાદળ, વર્ષાથી ભરેલું વાદળ, નીચે ઉતરતું ગયું, પહાડ સાથે ટકરાઈને ફાટી ગયું. તેમાંથી ધોધમાર વરસાદ વરસવા લાગ્યો.

ક્ષણ પહેલાં જ આનંદ આપતા વરસાદ અને વાદળ, હવે ભય પમાડવા લાગ્યા. વરસાદનું જોર તિવ્ર હતું. નીચે જવા પગથિયાં ઉતરી રહેલા સૌ માટે તે જોખમી હતું.

દીપેને ઊંચાઈ વાળી અને સલામત જગ્યા શોધવા નજર કરી. એવી જગ્યા કે જ્યાં વરસાદના પ્રભાવથી બચી શકાય. પણ એવી જગ્યા ત્યાં હતી જ નહીં. તેણે ઉપર અને નીચે પણ નજર કરી, તો તેને ખ્યાલ આવ્યો કે આસપાસ કોઈ જ નથી, કે જે તેઓને જરૂર પડ્યે મદદ કરી શકે. ત્યાં તો તેઓ પાંચ જ માત્ર છે. સાવ એકલા.

વરસાદ વધવા લાગ્યો. હવે વરસાદનું પાણી પગથિયાં પરથી નીચે વહેવા લાગ્યું. ધીરે ધીરે વહેતું પાણી વધુ ઝડપે અને વધુ માત્રામાં પગથિયાં ઉતરવા લાગ્યું.

તેઓ જ્યાં ઊભા હતા ત્યાં ઉપરની બાજુએથી ધસમસતું પાણી નીચે તરફ આવી રહ્યું હતું- અવિરતપણે.

તેની ગતિ તેજ હતી. તેથી પગથિયાં પર ઊભા રહેવું પણ અઘરું થવા લાગ્યું. પગ નીચેથી જમીન સરકવા લાગી. પગ સંતુલન ગુમાવી રહ્યા હતા. સૌએ એકબીજાની સામે નજર કરી. સૌની આંખમાં એક સરખા ભય અને પ્રશ્નાર્થ જોવા મળ્યા. સૌએ એકબીજાના ચહેરાને વાંચ્યા, ઉકેલ્યા. એકસાથે એકબીજાના હાથ ખૂબ જ મજબૂત રીતે પકડી લીધા.

તમામની આંખોમાં ભય સ્પષ્ટ રીતે આસન જમાવી બેઠો હતો. સૌએ તે ભયને પિછાણી લીધો હતો.

સ્થિતિ એ હતી કે પાણી સતત વરસી રહ્યું હતું, આકાશમાંથી. પણ પગથિયાં પર તે જ પાણી પગને સ્થિર થવા દેતું ન હતું. પહાડી રસ્તો, પગથિયાં, નીચે દેખાતી ઊંડી અને ડરામણી ખીણો.

જરા પણ પગને હલાવ્યા તો તરત જ સંતુલન ગુમાવી બેસાય અને વહેતું પાણી તેની પૂરી તાકાતથી સૌને ખેંચી જાય ખીણમાં. સૌએ જરા પણ ન હલવું એવું નક્કી કરી લીધું. અને એકબીજાને મજબૂત રીતે પકડી સંગઠનથી જ વહેતા પ્રવાહને ટક્કર આપવી. સૌ જાણતા હતા કે જરા પણ ચૂક થઈ તો જીવન ખતમ. સામે નિશ્ચિત મૃત્યુ.

દીપેન. એક માત્ર પુરુષ અને જવાબદાર માણસ. તેના મનમાં આ સ્થિતિને લીધે અનેક પ્રશ્નો ચાલવા લાગ્યા. શું થશે? શું બધા જ પાણીમાં તણાઇ જઇશું? શું આ અંતિમ ક્ષણો છે? જો કોઈને પણ કાંઇ થયું તો? તે આગળ વિચારી ના શક્યો. તેણે માત્ર પ્રતિક્ષા કરવાનું અને સૌના હાથ પકડી રાખી સમયને વિતવા દેવાનું મનોમન નક્કી કરી લીધું.

જયા. સ્ત્રી સહજ ભયગ્રસ્ત. તે અચાનક જ રડવા લાગી. ખૂબ જ ડરી ગઈ હતી એ. તેના રડવાનો અવાજ વરસતા વરસાદ અને વહી જતાં પ્રચંડ પ્રવાહમાં ભલે કોઈને ના સંભળાતો હોય, પણ નીરજાએ તેને પારખી લીધો હતો.

નીરજા. આ સ્થિતિમાં પણ લગભગ સ્થિર હતી. તેના મનમાં અનેક વિકલ્પો દોડી રહ્યા હતા. તેણે તેની મમ્મીના ડૂસ્કાને અનુભવી લીધા હતા. પણ તે તેની સામે નજર મિલાવી તેને વધુ કમજોર, નિર્બળ બનાવવા નહોતી માંગતી. તેણે ધરાર અવગણના કરી.

તેણે દૂર નજર દોડાવવા માંડી. પાણી ખૂબ જ તિવ્રતાથી વરસતું અને વહેતું હતું. પગ તરફ નજર કરી. પાણીના વહેતા પ્રવાહને એકધારી જોતી રહી.

મનમાં વિચારો, વિકલ્પો અને પગ નીચે પાણી, સતત વહી રહ્યા હતા. તેણે વહેતા પાણીને સમજવાની કોશિશ કરી. તેણે જજાણી લીધું કે વહેતા પાણીની ઊંડાઈ 9 ઇંચ જેટલી છે. પગથીયાની એક તરફ ઊંડી ખીણ છે, તો બીજી તરફ પહાડના ઊંચા ખડકો. પગથિયાંના ખીણ તરફના ભાગે ઇંટોની દીવાલ છે. તે દીવાલમાં બે ત્રણ ઇંચનું કાણું છે. ધસમસતું પાણી તે કાણાંમાંથી પણ થોડું થોડું નીચે ખીણમાં વહી રહ્યું છે. જ્યારે મોટાભાગનું પાણી પગથિયાં પરથી જ વહી રહ્યું છે.

તેના મનમાં યોજના વહેવા લાગી. અચાનક જ પાણીનો મોટો પ્રવાહ ખૂબ જ ગતિથી, ઉપરની બાજુએથી નીચે આવી ગયો. પાંચેય જણને તેણે તિવ્ર ધક્કો માર્યો. સૌનું સંતુલન હલી ગયું. સૌ પહેલાં વ્યોમાના પગ લથડિયા અને તે પડી ગઈ. એક પછી એક બધા લથડવા લાગ્યા અને વહેતા પાણીમાં પેલી ઈંટની દીવાલ જોડે પછડાઈ ગયા.

મૌત દેખાવા લાગ્યું. સૌને લાગ્યું કે બસ, હવે ખેલ ખતમ. પણ પેલી દીવાલ આજે તેની અને મૌત વચ્ચે અડીખમ ઊભી રહી ગઈ. તેઓએ દીવાલને પકડી લીધી. થોડી સ્થિરતા મળી. દીવાલને અડીને ઊભા થવા પ્રયાસ કર્યો. સફળ ના થયા. દીવાલને પકડીને બેસી ગયા.

હવે દીવાલનું કાણું સાવ નજીક હતું. લગભગ સાતેક ફૂટનું અંતર. નીરજા ફરી તે કાણાંને જોવા લાગી. વહેતા પાણીના ધક્કાએ તેને કાણાંની નજદીક લાવી દીધા હતા. તેણે યોજના બનાવી. જો આ કાણાંને મોટું કરી શકાય, તો ખીણમાં વહી જતાં પાણીની માત્રા વધારી શકાય. તો પગથિયાં પર વહેતું પાણી ઓછું થઈ જાય. પાણીનો પ્રવાહ અને તેની દિશા બદલી શકાય. તેના જોરને પણ ઘટાડી શકાય. જો તેમ થઈ શકે તો જિંદગી બચાવી શકાય.

વિચાર તો ખૂબ જ અસરકારક હતો. પણ તેના અમલમાં ઘણી અડચણો હતી. સૌ પહેલાં તો, તે કાણાંની નજીક જવું પડે. તે માટે વહેતા પાણીના સામે પ્રવાહે સાતેક ફૂટ જેટલું અંતર કાપવું પડે. તેનો અર્થ એ છે કે જ્યાં છે, ત્યાંથી ઊભા થવું પડે, ચાલવું પડે. જે તિવ્ર પ્રવાહમાં શક્ય ન હતું. ત્યાં પહોંચી શકાય તેવી સ્થિતિ જ ન હતી. જરા પણ પગ હલાવ્યા કે વહેતા પાણી સાથે વહી જવાનું, છેક નીચે સુધી. પછી તો મૃત્યુ જ નક્કી.

બીજી મુશ્કેલી એ હતી કે કોઈપણ રીતે ત્યાં પહોંચી ગયા બાદ, થોડું જોર કરી દીવાલની બે ત્રણ ઈંટને તોડી પાડી શકાય. પણ તેના તૂટવાની સાથે જ પાણીનો પ્રવાહ તેની દિશા બદલી નાંખશે, અને શક્ય છે કે આખે આખી દીવાલ જ તૂટી પડે. અને જો તેમ થાય તો તે પ્રવાહની સાથે સૌ સીધા જ ઊંડી ખીણમાં જઇ પડે. તો? તો પણ બધું જ ખતમ !

દીવાલના પેલા કાણાંમાં જીવન પણ છે, મૌત પણ. બંને એક સાથે.

વ્યોમા અને જીત માટે તો ખાસ વિચારવા જેવુ હતું જ નહીં. તે માત્ર સમગ્ર સ્થિતિને જોતાં જ રહ્યા. તેઓ એટલી હદે ભયગ્રસ્ત હતા કે સાવ મૂઢ થઈ ગયા હતા. તેણે બસ જોયા જ કર્યું.

નીરજા ખૂબ જ ઝડપથી ઉકેલ તરફ વિચારી રહી હતી. તેણે પહોંચે ત્યાં સુધી નજર કરી. તેને દૂર એક લાકડી પડેલી દેખાઈ. પાણીના પ્રવાહમાં તણાઈને દીવાલને ચોંટીને પડેલી હતી તે. કદાચ કોઈ પ્રવાસીના હાથમાંથી છટકી ગઈ હશે. તે લાકડી થોડી થોડી સરકી રહી હતી. પાણી તેને નીચે તરફ લઈ જવા મથતું હતું, પણ દીવાલમાં તે ફસાઈ ગયેલી હતી એટલે હજુ પણ તે ત્યાં જ હતી.

લાકડી જીતથી એકાદ ફૂટ દૂર હતી. તેણે જીતને ઈશારો કરી તે લાકડી સુધી પહોંચીને લાકડી લઈ લેવા કહ્યું. જીતે એક હાથથી દીવાલને પકડી હતી તો બીજો હાથ દીપેનના હાથમાં હતો. ડાબા હાથે દીવાલ પકડી હતી. લાકડી પણ તે તરફ જ હતી. જો તે ડાબો હાથ છોડે તો જ લાકડી સુધી પહોંચી શકાય. દીપેને તેનો જમણો હાથ ખૂબ જ તાકાતથી પકડી રાખ્યો અને ડાબો હાથ છોડી લાકડી લેવા ઈશારો કર્યો. જીતે દીવાલ પરથી હાથ છોડ્યો. નીચે નમ્યો. લાકડી સુધી પહોંચી ગયો, પણ લાકડી હાથમાં નહોતી આવતી. તે થોડું વધુ નમી શકે તે રીતે દીપેને તેના હાથને થોડો ઢીલો કર્યો. બે ત્રણ પ્રયાસ બાદ લાકડી તેના હાથમાં આવી ગઈ. પાંચેક ફૂટ લાંબી લાકડી. વાંસની પણ મજબૂત લાકડી.

નીરજા કાણાંની સૌથી નજીક હતી. લાકડી હવે નીરજાના હાથમાં હતી. તેણે ત્યાં ઊભા ઊભા જ દીવાલ પર લાકડીથી પ્રહાર કર્યો. દીવાલ પર કોઈ જ અસર ન થઈ. તેણે પ્રહાર ચાલુ રાખ્યા.

વરસતા અને વહેતા પાણીમાં ઠંડા થઈ ગયેલા હાથોથી થતાં નીરજાના પ્રહારો, ખાસ અસર બતાવતા ન હતા. દીવાલ હજુ પણ ખાસ કોઈ પ્રતિભાવ નહોતી આપતી.

દીવાલ ખરી ને? એટલે જ !

હવે તેના આ પ્રયાસોમાં દીપેન અને જીત પણ જોડાયા. થોડા પ્રહારો બાદ એકાદ ઈંટ થોડી હલી, નમી અને તૂટી ગઈ. ઊંડી ખીણમાં પાણી સાથે વહી ગઈ. સુએ તૂટીને ખીણમાં પડતી ઇંટને, તેને લીધે ખીણમાં વહી જતાં પાણીને નજરે જોયું. એક થડકો ચૂકી ગયું, સૌનું હ્રદય.

થોડા વધુ પ્રયાસો થયા. બીજી થોડી ઈંટોને તોડવામાં સફળતા મળી. કાણું મોટું થવા લાગ્યું. તેનો વ્યાસ દોઢ થી બે ફૂટ થઈ ગયો. ઉપરથી વહેતા પાણીએ હવે તેની દિશા અને માત્રા બદલી લીધી. નવા રચાયેલા કાણાંમાંથી વધુ પાણી, હવે ખીણમાં વહેવા લાગ્યું. પાણીના પ્રવાહની ગતિથી વધુ ઈંટો નબળી પડવા લાગી. દીવાલ હલવા લાગી. પગથિયાં પર પાણી ઘટવા લાગ્યું, તેનું જોર પણ. સૌ હવે દીવાલને છોડીને બીજી દિશા તરફ જવા લાગ્યા. પાણીના પ્રવાહમાં દીવાલ તૂટી ગઈ. હવે બધું જ પાણી પગથિયાં વડે નીચે ઉતરવાને બદલે તૂટેલી દીવાલના માર્ગે ગતિ સાથે ઊંડી ખીણમાં પડવા લાગ્યું.

જો ક્ષણ ભર પહેલાં જ દીવાલ છોડી ન હોત, તો બધા જ પાણી સાથે ઊંડી ખીણમાં વહી ગયા હોત.

તેઓ જ્યાં ઊભા હતા ત્યાં પાણી ઘટવા લાગ્યું. તો નવું પાણી આવવાનું પણ બંધ થઈ ગયું.

ભય હવે પસાર થઈ ગયો હતો. સૌ જમીન પર સ્થિર ઊભી શકતા હતા. માત્ર વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો. સૌએ હાશ અનુભવી. સાક્ષાત મૃત્યુને મળીને હવે ફરી જિંદગીનું આલિંગન ! કોઈ નવી જ અનુભૂતિ માણી રહ્યા સૌ.

વરસતો વરસાદ, ભયને બદલે ફરી આનંદ લઈ આવ્યો. સૌ તળેટી પર આવી ગયા.

********

સાંજના છએક વાગે સુરજ, ધીરે ધીરે સમુદ્રમાં પોતાના અસ્તિત્વને ઓગાળવા તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે, સૌ ભગવાન સોમનાથ મહાદેવના વિશાળ મંદિર પાસે આવી પહોંચ્યા.

વિશાળ અને ભવ્ય મંદિર ! તેમાં પ્રવેશતા જ અદભૂત આનંદની અનુભૂતિ સૌએ અનુભવી.

ભગવાનને નતમસ્તક કરી, પોતપોતાની રીતે પ્રાર્થના કરી, સૌ દરિયા કિનારે આવી ગયા.

મંદિરના પાછળના ભાગમાં, મંદિરને અડીને, સતત ઊછળતો રહેતો અરબી સમુદ્ર ખૂબ જ મનમોહાક લાગતો હતો. તેના અવિરત ઊછળતા મોજાઓ કિનારે આવીને શાંત થઈ જતાં હતા. મંદિરને અડીને બાંધેલી દીવાલ પર સતત અથડાયા કરતા હતા. ભગવાન સોમનાથના ચરણોમાં પોતાને સમર્પિત કરીને ધન્યતા અનુભવતા હતા.

આજે ચંદ્રની આઠમી તિથી હતી. શુક્લ પક્ષની આઠમનો ચંદ્રમા, હવે લગભગ ડૂબી ગયેલા સૂરજનું સ્થાન લેવા, આકાશમાં પ્રવેશી રહ્યો હતો. સૂરજના અસ્ત થવાની ઘટના, ઉછળતા સમુદ્રના મોજા, દૂર દૂર ક્ષિતિજમાં ભળી જતાં આકાશ અને દરિયો, પશ્ચિમ આકાશના વાદળોમાં અનાયાસ પુરાયેલા સંધ્યાના નારંગી અને ગુલાબી રંગ ! સમગ્ર બાબતો તત્ક્ષણને અદભૂત બનાવતી હતી.

જયા અને દીપેન માટે આ ક્ષણો નવી નહોતી જ. આવી અનેક સંધ્યાઓ તેઓએ સાથે ગાળી હતી.

ઢળતા સૂરજને, આકાશની લાલીમાને, ઊગતા ચંદ્રને, અંધકારના અને અજવાળાના સંક્રાંતિ કાળને, તેઓ અનેક વખત માણી ચૂક્યા હતા. પણ આજે આમ ઉછળતા સમુદ્રની હાજરીમાં આ બધું, વર્ષો બાદ માણવાનો અનુભવ તેઓ માટે પણ નવો જ હતો- રોચક પણ. એક સમુદ્ર તેઓની અંદર પણ ઊછળવા લાગ્યો.

બંનેની નજરોએ એક સેતુ રચ્યો. બંને કિનારેથી કશુંક વહેવા લાગ્યું, જે સામે કિનારે ઊભેલી આંખના દરિયામાં સમાઈ ગયું. કળવું કઠિન હતું કે ઊછળતો અરબી સમુદ્ર વધુ તોફાની બની ગયો હતો, કે ચાર આંખોમાં વહેતા ભાવનો દરિયો વધુ મિજાજી હતો.

ઉછળતા, વહેતા, તોફાની અને મિજાજી બંને દરિયામાં, દીપેન અને જયાની નાવ વહેતી રહી.

વ્યોમા અને જીત માટે દરિયાને જોવો એ નવી વાત હતી. જીવંત દરિયાને ક્યારેય જોયો ન હતો. દરિયાને સાક્ષાત રૂબરૂ જોઈને, તેઓના મનમાં પણ દરિયો ઉછાળા મારવા લાગ્યો. તેઓ દોડી ગયા કિનારા પર અને મોજાઓને સ્પર્શવા લાગ્યા. તેનો સ્પર્શ ખૂબ જ મજાનો લાગ્યો. તેઓ રમતા રહ્યા દરિયા સાથે.

દરિયાની રેત પર નામ લખતા ગયા, આકૃતિઓ દોરતા ગયા, કાંઇ કેટલા ય ઢાંચાઓ બનાવતા ગયા. અને પેલો દરિયો? તે મસ્તીખોર થઈ ગયો. બધા જ નામ, આકૃતિઓ અને ઢાંચાઓને મિટાવતો રહ્યો.

તેઓને દરિયા સાથે હવે બરોબર ફાવી ગયું હતું, જામી ગયું હતું. એક નવી દુનિયા બનાવી લીધી હતી જેમાં વ્યોમા, જીત અને દરિયો, દરિયાની રેતી. બસ આટલા જ નાગરિકો.

અંધારું હવે ધરતી પર ઉતરી ગયું હતું. આકાશમાં આઠમનો અર્ધ ખીલેલ ચંદ્રમા તેની મધ્યમ ચાંદની વરસાવી રહ્યો હતો. વ્યાપી રહેલા અંધકારને તેની નાજુક ચાંદની હંફાવી રહી હતી.

ચંદ્રની કળા અને તિથિને આધારે આજે દરિયાની પુર્ણ ભરતીનો સમય હતો સાંજના છ વાગ્યાનો. અને અત્યારે સમય થયો હતો સાડા સાત. સમુદ્ર તેની પુર્ણ ભરતી પર, પૂરા યૌવન પર હતો. ઉછળતા સમુદ્રના ઉત્તુંગ મોજા, દરિયાની સફેદ રેતી અને રેતી તથા સમુદ્ર પર છવાયેલી ચાંદનીની આછેરી સફેદ ચાદર ! એક મધુરું દ્રશ્ય, પોતાનું અસ્તિત્વ લઈને આવી ગયું.

યૌવન પર ચડેલો દરિયો અને અર્ધ ખીલેલી ચાંદની વચ્ચે રોમાન્સ થતો હોય તેવું દ્રશ્ય સર્જાઈ ગયું. ચાંદની અત્યારે યૌવન પર પગ માંડવા મથતી કન્યા જેવી લાગતી હતી. જયારે સમુદ્ર, યૌવનને પામેલો પૂર્ણ પુરુષ. સમુદ્ર પોતાની યુવા ચેષ્ટાઓથી ચાંદનીને છેડી રહ્યો હતો. તો ચાંદની, દુવિધામાં પડેલી મુગ્ધ પ્રેમ કન્યા જેવી, સંપૂર્ણ મુગ્ધા.

પુર્ણ યુવાન અને અર્ધયૌવના, મુગ્ધા વચ્ચેનો પ્રણય, નીરજા નિહાળી રહી હતી. તેને લાગ્યું કે પોતે પેલી અર્ધયૌવના, મુગ્ધા ચાંદની છે.

‘હા. હું પણ ક્યાં યૌવનમાં પ્રવેશી છું? હું પણ અર્ધ ખીલેલી ચાંદનીની જેમ મુગ્ધા જ છૂ ને ! 16 17 વર્ષની ઉંમર. ન બાળપણ, ન યૌવન ! કેટલી મીઠી છે આ મુગ્ધાવસ્થા?’ તે મનોમન બોલી.

મુગ્ધા અને યુવાનની પ્રણય લીલા જોતી રહી, અનુભવતી રહી. ચાંદની નીતરતો આખે આખો દરિયો તેના તન-મનમાંથી પસાર થઈ ગયો. મૌન બનીને કાલ્પનિક પ્રણયના દરિયામાં ડૂબતી રહી, દરિયો તેનામાં જીવતો હતો કે તે દરિયામાં. તેને માટે તે ગૌણ બની ગયું.

સૌ પોતપોતાની રીતે સાંજને માણતા રહ્યા. સમયનો ઘણો દરિયો ઘૂઘવી ગયો.

જયાએ જોયું કે ખૂબ મોડુ થઈ ગયું છે. સાંજ જામી ગઈ હતી અને રાત્રિ તરફ યાત્રા પર નીકળી ગઈ હતી. “આપણે હવે જવું જોઈએ.” જયાએ દીપેનની તંદ્રા તોડી. દીપેને જીત, વ્યોમા અને નીરજાની તંદ્રા તોડી. સૌએ દરિયાને વિદાય કરી. પણ નીરજાએ જાણે દીપેનનો અવાજ સાંભળ્યો જ ન હોય તેમ હજુ પણ પોતાના દરિયામાં જ હતી.

જીત તેની પાસે ગયો. તેની કલ્પનામાં ભંગ પડ્યો. પોતાના ભાવ જગતમાંથી જાગી ગઈ. તેણે દરિયા તરફ, આકાશ તરફ, ચંદ્ર તરફ, રેતી પર રેલાયેલી ચાંદની તરફ, ચાંદનીમાં નહાતા દરિયાના મોજા તરફ અને ખડક તરફ, તૃષ્ણા ભરી નજર કરી. સમયનો ખડક વધુ કઠોર લાગ્યો. ઊંડો શ્વાસ લીધો. શ્વાસની લંબાઈ નિ:સાસા જેટલી લંબાઈ ગઈ.

અરબી સમુદ્રને એક સ્મિત આપી ત્યાંથી ચાલી નીકળી. પાછળ રહી ગયો તૃષ્ણાનો, અધૂરી તૃષ્ણાનો આખો દરિયો. સાથે લઈ ગઈ એક પ્યાસો દરિયો.

********

વહેલી સવારે સૌની ગાડી સડસડાટ જઇ રહી હતી, અમદાવાદ તરફ. સૌએ સ્વીકારી લીધું હતું કે હવે આ ટૂંકો પ્રવાસ, આ યાત્રા પૂરી થઈ ગઈ છે. પણ, નીરજા માટે તે સ્વીકારવું કઠિન હતું.

તેના માટે આ યાત્રા એક એવો અનુભવ હતો, કે જેણે પ્રવાસના સંતોષને બદલે પ્રવાસની પ્યાસ, તરસ વધારી દીધી હતી. તેની યાત્રા હજુ પણ મનોમન ચાલુ જ હતી. યાત્રા પૂર્ણ થવાની વાત તો અલગ જ છે. અહીં તો તેને લાગી રહ્યું હતું કે યાત્રા તો હજુ શરૂ જ ક્યાં થઈ છે?

તેની નજર સામે યાત્રાની પહેલી ઘડીથી અત્યાર સુધીની ઘટનાઓની ફિલ્મ ચાલવા લાગી. દરેક ઘટનાઓએ તેને વધુ તરસી બનાવી હતી. જયારે જયારે તેને કશુંક ગમવા લાગતું, કે તરત જ તે તેના હાથમાંથી છૂટવા લાગતું. મન તૃપ્ત થવાને બદલે વધુ તરસ્યું બનતું જતું. દરેક ઘટના તેની અંદર રહેલી વૃત્તિઓને, ભૂખને જાગૃત કરતી જતી હતી. પણ તૃપ્તિ મળે તે પહેલાં તો તે અદ્રશ્ય થઈ જતી. અને રહી જતી એક અધૂરપ. દરેક વખતે ઉમેરતી જતી એક નવી અધૂરપ !

આ તે કેવી અધૂરપ? તેને અધૂરપ પર ગુસ્સો આવતો હતો, તો બીજી બાજુ આ અધૂરપ જ તેની ભૂખને વધુ તિવ્ર બનાવતી હતી. એટલે તો આ અધૂરપ તેને મીઠી પણ લાગતી હતી, ગમતી પણ હતી. ગુસ્સો અને પ્રેમ એકસાથે વહેતો રહ્યો.

જંગલમાં રસ્તો રોકીને ઉભેલા સિંહ, ગિરનાર પર્વતના શિખર પર નજરે ચડેલા કુદરતી દ્રશ્યો, મોતને નજદીકથી મેળવી આપનારો વરસાદ, અને છેલ્લે અધૂરી ચાંદનીમાં ભીનો ભીનો ચમકતો દરિયો...

દરેક ક્ષણ, દરેક ઘટના તેને સ્પર્શીને નીકળી ગઈ હતી. તરસ વધારીને ગઈ હતી. શું તેની યાત્રા પણ હંમેશા અર્ધ ખીલેલા ચંદ્રની ચાંદનીની જેમ અધૂરી જ રહેશે? કે ક્યારેય પૂર્ણ ખીલેલા પૂનમના ચંદ્રની ચાંદનીની જેમ, સોળે કળાએ ખીલીને તરસને તૃપ્ત કરશે?

તે કશું જ નથી જાણતી. તેને કશી જ ખબર નથી. પણ તેને એટલી ખબર હતી કે આ યાત્રાના અનુભવોથી જન્મેલી અને માણેલી અધૂરપને તે જરૂર પુર્ણ કરશે, પુનમનો પુર્ણ ચંદ્ર જરૂર ખીલશે.

તેણે યોજના બનાવી લીધી. હવે તે એવી યાત્રા કરશે, કે જ્યાં તે પહાડને, જંગલને, ચાંદનીને, વરસાદને, દરિયાને, વહેતા ઝરણાંને કે પછડાતા ધોધને મણીને જ રહેશે, પુર્ણ રૂપે.

આ પ્રવાસે તેને નવી દિશા આપી છે. તેને તે ક્યારેય નહીં ભૂલે. યોગ્ય સમયની પ્રતિક્ષામાં, અધૂરી તરસને, મન અને હ્રદયના કોઈ અજ્ઞાત ખૂણે ગોઠવી દીધી.

ઘરના ગેરેજમાં ગાડી ગોઠવાઈ ગઈ. સૌની જિંદગી પણ, એ જ ઘરેડમાં. બધું જ રાબેતા મુજબ ગોઠવાઈ ગયું.