Abhishaap (Part-5) books and stories free download online pdf in Gujarati

Abhishaap (Part-5)

“અભિશાપ” ભાગ-5

દરવાજા પાસે સુરેશને ઉભેલો જોઇને શ્રુતિ અને માધવી હવે શું કરવું એ વિચારવા લાગી, અલબત માધવીનો પ્લાન તો ત્યાંથી ભાગવાનો જ હતો પરંતુ તેણી શ્રુતિને એકલી મુકીને જવા નહતી માંગતી. મહેશભાઈએ તરત જ સુરેશનો કોલર પકડીને ઘરની અંદર ધકેલ્યો અને દરવાજો બંધ કરી દીધો. તેનો દિકરો પણ દોડીને સુરેશ પાસે આવ્યો અને તેનો કોલર પકડી લીધો. શ્રુતિ અને માધવી તો બીક ની મારી ચુપ ચાપ એક ખૂણા માં જઈને ઉભી રહી ગઈ. મહેશભાઈએ તેના દીકરાના હાથમાંથી સુરેશને છોડાવ્યો અને તેને બે લાફા જીકી દીધા. તેનો દીકરો સુરેશને મુક્કા મારવા લાગ્યો, સુરેશે તેને રોક્યો અને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ એટલા માં મહેશભાઈએ તેનો કોલર પકડ્યો અને દિવાલ સાથે પછાડયો અને બોલ્યા, "શું બગાડ્યું હતું મારી માહી એ તારું હે? બોલ, જવાબ દે. કેમ કર્યું તે આવું તેની સાથે? બોલ હરામખોર, નાલાયક,...... બોલ" તેઓ સુરેશને સતત લાફા મારી રહ્યા હતા. સુરેશ તેમને કંઈક કહેવા માંગતો હતો પરંતુ મહેશભાઈના ગુસ્સા માં તેનો અવાજ દબાઈ ગયો હતો. મહેશભાઈ અને તેનો દિકરો સુરેશની એક વાત સાંભળવા નહતા માંગતા. સુરેશે મહેશભાઈને જોરથી ધકો માર્યો અને દોડીને ડાઈનીંગ ટેબલ પરથી ચાકુ ઉપાડી ને મહેશભાઈની પત્નીના ગળા પર મૂકી દીધું અને બોલ્યો, "એક પગલું પણ આગળ ના આવતા નહીતર આનું ગળું કાપી નાખીશ". આ સંભાળીને મહેશભાઈ અને તેનો દિકરો અટકી ગયા. માધવી તો આ જોઇને બેહોશ થતા થતા બચી. શ્રુતિને પણ પરસેવો વળી ગયો, તેણીને લાગવા લાગ્યું કે તેણી માધવીને લઈને નીકળી ગઈ હોત તો સારું હોત પરંતુ હવે તે વિચારવાનો કોઈ મતલબ નહતો.

"મમ્મીને છોડ સાલા હરામી અને મારી સામે આવ, તને જીવતો નહિ મુકું હું" મહેશભાઈનો દીકરો ગુસ્સામાં બોલ્યો. આ સાંભળીને સુરેશ જાણે તેની સામે જ જોઈ રહ્યો, તે સ્તબ્ધ જ રહી ગયો હતો કેમ કે કાલ સુધી જે છોકરો તેને તૂ કહીને પણ નહતો બોલાવતો તે આજે ગાળ દઈને બાજવા માટે આવકારી રહ્યો હતો.

"તેને છોડી દે સુરેશ નહીતર સારું નહિ થાય" મહેશભાઈ ઊંચા અવાજ માં બોલ્યા.

"તો શું આ જે થઇ રહ્યું છે એ સારું છે?" સુરેશ ગુસ્સામાં બોલ્યો.

"એ તો તારે કરતા પહેલા વિચારવું જોઈતું હતું" મહેશભાઈ બોલ્યા.

"તમને કઈ ખબર પણ છે માહી સાથે શું થયું હતું?" સુરેશ વધુ ગુસ્સામાં આવીને જોરથી બોલ્યો અને ચાકુ નીચે ફેકી દીધું. આ જોઇને મહેશભાઈ અને તેનો દીકરો બંને ચુપ થઇ ગયા. શ્રુતિ અને માધવી પણ ચોંકી ગઈ.

"શું?......તું કહેવા શું માંગે છે?" મહેશભાઈ સહેજ અટકીને બોલ્યા.

"તમે મારા પર આવો આરોપ લગાવી રહ્યા છો કે મેં માહી સાથે,............. અરે તમે એવું વિચારી પણ કેમ શકો?............હું મારી દિકરી સમાન ભત્રીજી સાથે આવું કરી જ કેમ શકું?,.....હહહ..."સુરેશ બોલ્યો અને જોરથી ટેબલ પર હાથ પછાડ્યો. બધા આશ્ચર્યથી સુરેશને જોઈ રહ્યા અને સમજવાનો પ્રયન્ત કરવા લાગ્યા કે આ થઈ શું રહ્યું હતું?

"તો? તારો ફોન......પેલા ભાઈએ ઉપાડ્યો અને મને તારા વિશે જે કીધું એ....... એ બધું શું હતું? એ દિવસે થયું શું હતું સુરેશ? જવાબ દે મને...બોલ" મહેશભાઈની ધીરજ જાણે હવે ખૂટી ગઈ હોય તેમ તેઓ જોરથી બોલ્યા.

"એ ફોન તે માણસે જ ઉપાડ્યો હતો જેણે માહી સાથે આ બધું કર્યું હતું" સુરેશ જોરથી બોલ્યો અને બધાની આંખો પહોળી થઇ ગઈ. તેને બોલવાનું શરુ કર્યું.

"એ સાંજે માહી મારી સાથે બજારમાં આવી હતી. તેણીએ મને તેડીબીઅર અપાવવા ની જીદ કરી હતી અને હું તેને ના નહતો પાડી શક્યો. ના પાડું પણ કેવી રીતે? માહીને આજ સુધી કોઈ વસ્તુની નાં નહતી પાડી મેં, એ મારી દીકરી જેવી જ હતી." સુરેશે નિસાસો નાખ્યો અને બોલવાનું ચાલુ રાખ્યું, "ગીફ્ટ આર્ટીકલની દુકાનેથી નીકળીને અમે ઘરે જવા નીકળ્યા પરંતુ દુકાનની બહાર મને કંઈક અજીબ લાગ્યું જયારે મેં એક વ્યક્તિને અમારા તરફ નિહાળતા જોયો, તે સતત અમને લોકોને ઓબ્સર્વ કરી રહ્યો હતો. મને કંઈક ગડબડ લાગી એટલે હું માહી ને લઈને ત્યાંથી નીકળી ગયો. અમે ઘરે આવી ગયા એને લગભગ અડધો કલાક થઇ ગયો હશે અને મારો ફોન રણક્યો, તે ફોન માહીની કાકી નો હતો કે જે તેણીના પિયર ગઈ હતી. હું તેની સાથે બહાર બાલ્કનીમાં ઉભો ઉભો વાત કરી રહ્યો હતો. મેં બાલ્કની નો દરવાજો બંધ કરી દીધો હતો કેમ કે માહી ટીવીમાં ફૂલ વોલ્યુમ રાખીને ગીતો સાંભળી રહી હતી જેના કારણે મને ફોનમાં અવાજ સંભળાઈ નહતો રહ્યો. અચાનક ટીવીનું વોલ્યુમ ખુબ જ વધી ગયું એટલે મને ગુસ્સો આવ્યો, મેં તેણીને ઠપકો આપવા નક્કી કર્યું એટલે ફોનમાં વાત પૂરી કરી તો પણ આશરે દશેક મિનીટ લાગી ગઈ અને પછી મેં ફોન મૂકી દીધો અને દરવાજો ખોલીને રૂમમાં ગયો. અંદરનું દ્રશ્ય જોઇને મારા તો પગ તળેથી જમીન ખસી ગઈ. એક વ્યક્તિ ત્યાં હાથમાં ફૂલદાની રાખીને ઉભો હતો અને જોતજોતામાં જ તેને એ ફૂલદાની માહીના માથા માં મારી દીધી. માહી નીચે ઢળી પડી, તેણીના કપડા ફાટી ગયા હતા તેમજ લોહીલુહાણ હતા અને હવે તેણીના માથા માંથી પણ લોહી વહેવા લાગ્યું હતું. તે વ્યક્તિ પેલો જ હતો જે અમને ગીફ્ટ આર્ટીકલ ની દુકાન બહાર દેખાયો હતો. તે નરાધમેં મારી માંહી સાથે બળાત્કાર કર્યો હતો અને માહીએ તેનો સામનો કર્યો એટલે તેને માહીને આખા શરીરે માર માર્યો હતો. એટલું ઓછુ હતું કે તેને માહીના માથામાં ફૂલદાની મારી દીધી. ટીવીનું વોલ્યુમ પણ તે વ્યક્તિએ જ વધાર્યું હતું. હું સીધો જ તે વ્યક્તિ સાથે બાજી પડ્યો. મેં તેના પેટમાં જોરથી લાત મારી અને તે નીચે ગબડી પડ્યો. હું દોડીને માહી પાસે ગયો અને તેણીનું લોહી વહેતું રોકવા પ્રયન્ત કરવા લાગ્યો. મેં મારા ખીચામાંથી રૂમાલ કાઢ્યો અને માહીના માથામાં કે જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં દબાવી દીધો , એવામાં અચાનક મારા માથામાં પાછળથી તિક્ષ્ણ હથિયાર વડે ઘા થયો અને હું નીચે ઢળી પડ્યો. મેં જોરથી જોરથી બૂમો પાડી પરંતુ ટીવીનો અવાજ એટલો વધુ હતો કે ઘરની બહાર મારો અવાજ પહોચે એમ નહતું. તે ઘા એટલો તીવ્ર હતો કે હું લગભગ બેહોશ થવા આવેલો. હું અને માહી રૂમમાં અલગ અલગ જગ્યાએ લગભગ બેભાન થવાની પરિસ્થિતિમાં પડ્યા હતા. માહી મારી સામે જ તળફડી રહી હતી અને હું કઈ નહતો કરી શકતો. એવામાં મારો ફોન વાગ્યો એટલે પેલા વ્યક્તિએ મારો ફોન મારા ખીચામાંથી કાઢ્યો અને ફોનમાં એવું કહેવા લાગ્યો કે આ બધું મેં જ કર્યું છે અને અત્યારે હું ફરાર થઇ ગયો છું. મને પાછળથી ખબર પડી કે એ ફોન તમેં જ કરેલો હતો. તેણે મને ઉચકીને ઘરની પાછળની બાજુના ભાગમાં નાખી દીધો. હું લગભગ બીજા દિવસે હોશમાં આવ્યો અને ત્યારે મને ખબર પડી કે બધે એવા સમાચાર ફેલાઈ ગયા છે એક કાકાએ તેની બાર વર્ષની ભત્રીજી સાથે બળાત્કાર કર્યો છે.. મને જયારે સમાચાર મળ્યા કે માહી પણ હવે નથી રહી ત્યારે તો મારું હૃદય ધબકવાનું બંધ થઇ ગયું. મને આ વાત માનવામાં જ નહતી આવી રહી. હું મારી માંહીને નહતો બચાવી શક્યો. હું બધાની સામે આવીને સાચું કહેવા માંગતો હતો પરંતુ જેના પર મને સૌથી વધારે વિશ્વાસ હતો એવા તમે જ મિડિયા ને કહી રહ્યા હતા કે આ બધું મારા નાના ભાઈએ કર્યું છે......તમે......તમે પણ બીજાની વાત માની લીધી મોટાભાઈ ?" સુરેશ લગભગ રડવા લાગ્યો હતો. મહેશભાઈ તો સ્તબ્ધ જ રહી ગયા. તેનાથી જાણે ખુબ મોટી ભૂલ થઇ ગયી હોય તેવું તેને લાગવા લાગ્યું. હવે શું કહેવું એ તેઓને સમજમાં નહતું આવી રહ્યું. તેઓ ઢીંચળ ભર બેસી ગયા અને પછી ઘણીવાર સુધી બેસી જ રહ્યા. મહેશભાઈ, તેની પત્ની, તેનો દીકરો, શ્રુતિ અને માધવી, બધા જ ચુપચાપ બેસી રહ્યા. કોઈ પાસે જાણે કહેવા માટે કઈ નહતું. અચાનક મહેશભાઈ જઈને સુરેશને વળગી પડ્યા અને બંને ભાઈ જોર જોરથી રડવા લાગ્યા. મહેશભાઈ ના પત્ની પણ રડવા લાગ્યા અને સાથે શ્રુતિ અને માધવી પણ.

આખરે તે વ્યક્તિ હતું કોણ જેને માહી સાથે આવું કર્યું હતું? જેને જાણી જોઇને આવું દુષ્કર્મ કરીને પછી સુરેશને ફસાવવાનું કાવતરું કર્યું હતું? જેને માનવ સમાજના પવિત્ર એવા કાકા-ભત્રીજી ના સબંધ પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો હતો? શ્રુતિના મનમાં અત્યારે આ બધા પ્રશ્નો ઘૂમી રહ્યા હતા. શ્રુતિ મનોમન વિચારવા લાગી કે જો પોતે અહી ના આવી હોત તો દુનિયાની જેમ તેના માટે પણ સુરેશ એક ગુન્હેગાર જ હોત. તેણીએ ઊંડો શ્વાસ લીધો અને પછી માધવી સામે જોયું. માધવી પણ તેણીને જ જોઈ રહી હતી, તે જાણતી હતી કે હવે અસલી ગુન્હેગાર જ્યાં સુધી નહિ પકડાઈ જાય ત્યાં સુધી શ્રુતિ શાંતિથી બેસશે નહિ એટલે તેણીએ માંથું હલાવીને હા પાડી કે તેણી તેની સાથે જ છે.

આગળની વાર્તા "અભિશાપ" ભાગ-6 માં...

વિરાજગીરી ગોસાઈ