Premnu Pramoshan books and stories free download online pdf in Gujarati

પ્રેમનું પ્રમોશન

પ્રેમનું પ્રમોશન

(મર્દને પણ દર્દ થાય છે)

વિરાજગીરી ગોસાઈ

ઋણ સ્વીકાર...

મારી કુલ નવમી અને પ્રથમ વ્યંગ “ઈ-બૂક” ડાઉનલોડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી પ્રથમ બંને ઈ-બૂક “નાનો અમથો ઈગો” અને “અભિશાપ” વાર્તાને બિરદાવવા અને સફળ બનાવવા માટે પણ આપ સૌનો આભાર. પ્રથમ બંને ઈ-બૂક ગંભીર અને સંવેદનશીલ વિષય પર લખાયેલી હતી જયારે વ્યંગ વિષય પસંદ કરીને કઈક લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ છે. આશા છે કે આપને આ ઇ-બૂક ચહેરા પર સ્મિત લાવવામાં મદદ કરશે. મારી આગળ આવનારી ઈ-બૂકો પણ આપ અપનાવસો અને અમૂલ્ય પ્રતિભાવો આગળ પણ મળતા રહેશે એવી આશા સાથે...

વિરાજગીરી ગોસાઈ

ઈ-મેઈલ –

WhatsApp - +91 99099 02743

પ્રસ્તાવના

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ કર્મચારી તેના પ્રમોશન મળવાથી દુઃખી હોય? મોટાભાગના લોકોનો જવાબ હશે ના. આખરે પ્રમોશન તો કારકિર્દી નો એક મહત્વનું પગથીયું હોય છે જે દરેક વ્યક્તિ શક્ય એટલી ઝડપે ચડવા માંગતા હોય છે. તો પછી કેમ એક છોકરો તેના કારકિર્દી ના અતિ મહત્વના એવા તેના પ્રમોશન મળ્યાના પ્રસંગ પર દુઃખી છે? આપનું સ્વાગત છે મારા પ્રથમ વ્યંગ ઈ-પુસ્તક “પ્રેમનું પ્રમોશન” માં. આ પુસ્તક આધારિત છે એક છોકરા અથવા એ દરેક છોકરાના જીવનના એક એવા તબ્બકા પર કે જયારે તેઓ એકસાથે એક કરતા વધારે ઘટનાનો ભોગ બને છે. ઘટના જેવી કે તેની પ્રેમિકા દ્વારા પૂછવામાં આવતા લાક્ષણિક પ્રશ્નો, તેનું નવું નવું થયેલું પ્રમોશન વગેરે વગેરે.... હા, ભોગ એટલા માટે કે જયારે તમને ના ગમતા પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે તો તેને ભોગ જ બન્યો કહેવાય. આ વાત છે ભૌતિક નામના એક છોકરાની કે જે તેના જીવનના બે અલગ અલગ પ્રસંગોની વાત તેના ત્રણ મિત્રોને કહે છે અને જુઓ શું થાય છે આ વાતમાં....

ઓફિસમાં સવારે આશરે દશેક વાગ્યે ભૌતિક તેના ડેસ્ક પર બેઠો બેઠો રોજનું કામ કરી રહ્યો હતો. અને અચાનક તેનો ફોન વાગ્યો. મોબાઈલની સ્ક્રીનમાં જે નામ આવી રહ્યું હતું તે જોઇને તે માથા પર હાથ દઈ બેસી ગયો. તે ફોન તેની ગર્લફ્રેન્ડ એટલે કે ભાર્ગવી નો હતો ! આમ તો તે છેલ્લા બે વર્ષથી એકબીજાને પ્રેમ કરતા હતા પરંતુ ગઈકાલે સાંજે ભાર્ગવીએ તેને એ જ રાબેતા મુજબનો પ્રશ્ન કર્યો હતો જેનો જવાબ લગભગ દરેક છોકરા લાંબા ગાળાના પ્રેમ પછી આપવાનું ટાળતા હોય છે. સાંજે તેઓ ગાર્ડનમાં બેઠા હતા ત્યારે ભાર્ગવીએ પૂછ્યું હતું કે “તું મને પ્રેમ કરે છે કે નહિ?” ભૌતિક ફોનની સ્ક્રીન સામે જોઈ રહ્યો અને તેને ગઈ કાલ સાંજનો એ કિસ્સો ફરી દિમાગમાં તાજો થઇ ગયો.

રવિવાર હોવાથી અને શહેરના લગભગ કોઈ જ સ્થળ ફરવા માટે બાકી ના રાખ્યા હોવાથી આજે ભાર્ગવી અને ભૌતિક શહેરના બીજા વિસ્તારમાં આવેલા એક ગાર્ડનમાં બેઠા હતા. નાના છોકરાઓ આમતેમ રમી રહ્યા હતા. કેટલાય પરિવારો સાથે બેસીને ગપ્પા મારી રહ્યા હતા. ભૌતિક અને ભાર્ગવીએ ખૂણાનો એક બાકડો પસંદ કર્યો હતો બેસવા માટે.

“તું મને પ્રેમ કરે છે ને ભૌતિક?” ભાર્ગવીએ અચાનક પૂછ્યું.

“અરે બેબી, એ પણ કાઈ પૂછવાની વાત છે” ભૌતિકે કહ્યું.

“ના એમ નહિ, હા કે ના”

“આજે વળી અચાનક શું થયું?” ભૌતિક બોલ્યો.

“ના, થયું કઈ નથી. બસ તું મને કહે કે તું મને પ્રેમ કરે છે કે નહિ” તેણીએ જીદ પકડી.

“આપણે બે વર્ષથી પ્રેમમાં છીએ અને આજે અચાનક.....” ભૌતિક વાક્ય પૂરું કરે એ પહેલા જ ભાર્ગવીએ તેને રોક્યો અને બોલી, ”બે વર્ષનું છોડ, તું અત્યારે મને કહે. તું મને પ્રેમ કરે છે કે નહિ?”

“હા ભાર્ગવી, હું તને પ્રેમ કરું જ છું” ભૌતિકે વાત ટુંકાવવા માટે ચહેરા પર હળવા સ્મિત સાથે કહ્યું. આ સાંભળીને ભાર્ગવીના ચહેરા પર પણ સ્મિત ફરક્યું. આમ તો આ કઈ પહેલી વાર નહતું બન્યું કે ભૌતીકને તેના પ્રેમની સાબિતી આપવી પડી હોય. તે અવારનવાર જે દરેક છોકરીઓને પૂછવાની આદત હોય એવા ભાર્ગવીના આ પ્રશ્નોથી હવે કંટાળ્યો હતો પણ તેને કહી નહતો શકતો.

“અચ્છા? કેટલો પ્રેમ કરે છે?” ભાર્ગવીએ જેવો આ પ્રશ્ન કર્યો એટલે ભૌતિકના ચહેરા પર આવેલુ થોડુંઘણું સ્મિત પણ ફરી સમેટાઈ ગયું. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તે હંમેશાથી આપવી પડતી આવી સાબિતીઓથી ચિડાઈ જતો. તે માનતો કે પ્રેમને સાબિત ના કરવાનો હોય અને જો સાબિત કરવો પડે તો એ પ્રેમ ના હોય.

“નથી કરતો” તે ચિડાઈને બોલ્યો.

“શું?” ભાર્ગવીને અણધાર્યો જવાબ મળતા તે ચોંકી.

“હું તને પ્રેમ નથી કરતો” ભૌતિક ગુસ્સામાં બોલ્યો. આ જોઇને ભાર્ગવી સમજી ગઈ કે તેને આ પૂછીને ભૂલ કરી હતી પણ હવે ભૌતીકનો દિમાગ હટી ગયો હતો.

“અરે જાનું હું તો મજાક......” તેણી વાક્ય પૂરું કરે એ પહેલા જ ભૌતિક બોલ્યો, “પણ હું મજાક નથી કરી રહ્યો. હું તને પ્રેમ નથી કરતો”

ભાર્ગવીને લાગ્યું કે પરિસ્થિતિ વધુ બગડે એ પહેલા વાત ફેરવી નાખવી જોઈએ પરંતુ ત્યાં તો ભૌતિક ત્યાંથી ઉભો થઈને ચાલવા લાગ્યો અને સીધો જ ગાર્ડનની બહાર નીકળી ગયો.

ભૌતિકનો ફોન ફરી વાગ્યો અને તે તેના વિચારોમાંથી બહાર આવ્યો. તેને ભાન થયું કે તે ઓફીસમાં છે. તેનો ફોન વાગતો બંધ થયો એટલે તેને જોયું તો તે ભાર્ગવીનો સત્તરમો ફોન હતો જે હવે મીસ્સકોલ બની ચુક્યો હતો. તેને ફોન બાજુમાં મૂક્યો અને ફરી કામમાં લાગી ગયો.

“ચલ ઓય ભૌતિક, તારા પપ્પા બોલાવે છે અંદર” તેનો જ એક સહકર્મી રાહુલ તેના ડેસ્ક પર આવ્યો અને બોલ્યો, “મેં કહ્યું તું ને કે આજે તો પ્રમોશન લેટર આવી જ જશે. તારા ભાઈના ન્યૂઝ ક્યારેય ખોટા હોય જ નહિ” ઓફિસમાં તેઓ પોતપોતાના બોસને પપ્પા કહીને બોલાવતા પણ ફક્ત નીચેના સ્તર પર જ, આ વાત તેઓના બોસને ખબર નહતી.

“શું વાત છે... લાઈવો બાકી તું તો. અને ઇન્ક્રીમેન્ટ કેટલું છે?” ભૌતિકે ઉત્સુકતાથી પૂછ્યું.

“મીનીમમ પંદર ટકા. લખી લેજે” રાહુલ આત્મવિશ્વાસથી બોલ્યો, “ચલ ચલ જઈએ નહીતો વળી પાછો તે સૂતળી બોમ્બની જેમ ફૂટશે”

“તું જા, હું આ ફોન અટેન્ડ કરીને આવ્યો” ભૌતીકનાં લેન્ડલાઇન ટેલીફોનમાં એક ફોન આવતા તેને વાત કરીને પછી જવાનું નક્કી કર્યું.

તે આશરે દસેક મિનીટ પછી અંદર ગયો અને જોયું તો તેના બોસ રાહુલ સાથે હાથ મિલાવી રહ્યા હતા અને એક એન્વેલોપ રાહુલને આપી રહ્યા હતા. રાહુલ તે લઈને એકબાજુ ઉભો રહ્યો. રાહુલના ચહેરા પર પ્લાસ્ટિક જેવી એટલે કે ડુપ્લીકેટ સ્માઈલ હતી, નિરાશા વાળી.

“મે આઈ કમ ઇન સર?” ભૌતિકે દરવાજા પાસે ઉભા રહીને પૂછ્યું.

“ઓહ, ભૌતિક. અંદર આવ” બોસ બોલ્યા.

“થેંક યૂ સર. ગૂડ મોર્નિંગ”

“વેરી ગૂડ મોર્નિંગ. બેસ બેસ” બોસે ખુરશી તરફ ઈશારો કર્યો, “વેલ, ભૌતિક આજે મેનેજમેન્ટ તરફથી પ્રમોશન લેટર્સ આવી ગયા છે અને તેઓએ તને પ્રમોશન આપવાનું નક્કી કર્યું છે”

“થેંક યૂ વેરી મચ સર” ભૌતિક ખુશ થતા બોલ્યો.

“ડોન્ટ થેંક મેં ભૌતિક, આ તારી જ મહેનત છે” તે બોલ્યા અને ડ્રોવરમાંથી એક એન્વેલોપ કવર કાઢીને તેના હાથ માં આપ્યું, “અને આ રહ્યો તારો પ્રમોશન લેટર”

“થેંક યૂ સર... થેન્ક્સ અ લોટ” તે ખૂશી ખૂશી તેના બોસનો આભાર માનવા જઈ રહ્યો હતો ત્યાં જ બોસ બોલ્યા, “ઇન્ક્રીમેન્ટ લેટર પણ સાથે જ છે”

આ સાંભળી ભૌતિક અટક્યો અને તેને કવર ખોલ્યું. અંદરથી ઇન્ક્રીમેન્ટ લેટર કાઢ્યો અને સૌથી પેલા કેટલું ઇન્ક્રીમેન્ટ છે એ જોયું. આગલી જ ક્ષણે તેનું મોઢું કરમાઈ ગયું અને તેના બોસની સામે જોવા લાગ્યો. તેનું ઇન્ક્રીમેન્ટ ફક્ત પાંચ ટકા હતું.

“સર......ફક્ત પાંચ ટકા?” ભૌતિક લેટરને ઉચો કરીને તેના બોસને બતાવવા લાગ્યો.

“મારું પણ એટલું જ છે” બોસ એક જ વાક્ય બોલ્યા અને થોડીવાર માટે કેબીનમાં સન્નાટો છવાઈ ગયો. ભૌતિકે ગુસ્સાથી રાહુલ સામે જોયું પણ તેને પણ પોતાની પાંચેય આંગળીઓ બતાવીને કહ્યું કે તેનું પણ પાંચ ટકા જ છે. રાહુલ અને ભૌતિક બંને ઉતરેલા ચહેરે કેબીનની બહાર નીકળી ગયા.

*****

સતત બે દિવસથી તેની સાથે જે બની રહ્યું હતું તેનાથી ભૌતિક દુઃખી હતો અને બપોરે ફ્લેટના હોલમાં રાખેલા સોફા પર બેઠો હતો. ભૌતિક, કિશન, પ્રિન્સ અને પ્રગ્નેશ ચારેય એક ફ્લેટ ભાડે રાખીને રહેતા હતા તેમજ અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા.

અચાનક ફલેટનો મુખ્ય દરવાજો જોરથી ખુલ્યો અને કિશન અને પ્રિન્સ અંદર આવ્યા. તેની સાથે એક બેંકનો કર્મચારી પણ હતો.

“ભાઈ ભૌતિક, બે કપ ચા તો મુક યાર. થોડી સ્ટ્રોંગ બનાજવે” કિશન બોલ્યો અને સોફા પર બેઠો, “તમારે ચા ચાલશે ને?” તેને બેન્કના કર્મચારીને પણ પૂછ્યું.

“ચાલસે સર” તે બોલ્યો. ભૌતીકનો દિમાગ તો આમય હટેલો જ હતો અને એમાં પણ કિશનના આ ઓર્ડરથી તે વધુ ચિડાયો. તે ઉભો થઇને બેંકના કર્મચારી પાસે ગયો અને શાંતિથી બોલ્યો, “એક પચીસ રૂપિયા આપસો? દૂધ નથી ઘરમાં. લેવા જાઉં છું”

“શું સર” તેને અજીબ લગતા તે બોલ્યો.

“બહેરો છે? સંભળાતું નથી દૂધના પૈસા માંગું છું” ભૌતિક જોરથી બોલ્યો. બેંકનો ઓફિસર કિશન સામે જોવા લાગ્યો. કિશન અને પ્રિન્સ પણ ભૌતિકને જોઈ રહ્યા.

“ચા પીવી છે હે તારે? એય તે પાછી મફતમાં? નીકળ સાલા” ભૌતિકે તેને બહાર કાઢી મુક્યો. કિશન અને પ્રિન્સ તો જોતા જ રહી ગયા. પેલો કર્મચારી આખા રસ્તે એ જ વિચાર કરતો રહ્યો કે તેની ભૂલ શું હતી?

“અલા, શું છે આ બધું? મેં તેને ક્રેડીટ કાર્ડ માટે બોલાવ્યો હતો?” કિશન બોલ્યો.

“ક્રેડીટ કાર્ડ? અહિયાં લોકોના જીવનમાંથી બધું ડેબીટ થતું જાય છે અને તારે ક્રેડીટ કાર્ડ જોઈએ છે?” ભૌતિક અકળાયો.

“અરે પણ થયું શું છે? કેમ એંગ્રી યંગ મેન બનીને ફરે છે?” પ્રિન્સ બોલ્યો.

“કેમ કે મારું પ્રમોશન આવ્યું છે” ભૌતિક જોરથી બોલ્યો.

“એય ટોપા, આતો સારા સમાચાર છે. તો પછી આ બગડેલા બટેકા જેવું મોઢું કરીને કેમ બેઠો છે?” કિશન બોલ્યો.

“સારા સમાચાર? પ્રમોશનની લોલીપોપ આપીને ફક્ત પાંચ ટકા ઇન્ક્રીમેન્ટ આપે તો એને કંકોડા સારા સમાચાર કહેવાય?” ભૌતિક બબડ્યો.

“શું? ફક્ત પાંચ ટકા?” કિશન અને પ્રિન્સ એકસાથે બોલ્યા.

“હા અને હવે ઓફિસમાં બધાને પાર્ટી આપવાની, પિઝ્ઝા ખવડાવવાના, બોસ લોકોને કાજુકતરીના ડબ્બા પધરાવવાના, તમારા જેવા લૂખ્ખાઓને રેસ્ટોરન્ટમાં લઇ જઈને જમાડવાના અને ગર્લફ્રેન્ડને તો વળી જાણે તે બિલગેટ્સ ની ઓલાદ હોય તેમ અલગથી સ્પેસ્યલ પાર્ટી આપવાની. અરે આખા વર્ષમાં જેટલું ઇન્ક્રીમેન્ટ નથી આવતું એટલું તો ખર્ચાય જાય છે આ પ્રમોશનના ચક્કરમાં પણ લોકોને શું? એતો કોન્ગ્રેટ્સ કોન્ગ્રેટ્સ કહીને ચાલતા બને છે અને હમણાં તો ઓલું નવું આવ્યું છે “કોન્ગો કોન્ગો”……સાલું કોન્ગ્રેચ્યુલેશન પૂરું બોલવું નથી અને પાર્ટી જોઈએ છે” ભૌતિક સોફાની સામે આમતેમ આંટા મારતો બોલવા લાગ્યો.

હજી તો કિશન કઈ બોલવા જાય એ પહેલા જ ભૌતિકે ફરી બોલવાનું ચાલુ કર્યું, “એવામાં જીવ તો ત્યાં બળી જાય જયારે કોઈ જાણીતા ઓછુ ભણેલા સબંધી આવીને કહે કે તારે શું છે ભૌતિક? તારે તો એક-બે વર્ષમાં સીધો ૭૦-૮૦ પગાર થઇ જશે. સબંધીઓને લાગે છે કે ભૌતિક તો ટાઈ પહેરીને નોકરીએ જાય છે એટલે મહિનાના ૬૦-૭૦ હજાર છાપતો હશે, કોલેજ ફ્રેન્ડસને લાગે છે ભૌતિક તો મલ્ટી નેશનલ કંપનીમાં નોકરી કરે છે એટલે તેને તો પૈસાની જાણે રેલમછેલ હશે. હમણાં થોડા દિવસો પેલા મારા એક ફ્રેન્ડના બાઈકના શોરૂમમાં જઈને બાઈક માટે લોનનું પૂછ્યું તો કહે કે શા માટે મજાક કરે છે ભૌતિક, રોકડા આપીને છુટું કરી લે ને બાઈક” ભૌતિકે થોડો શ્વાસ લીધો અને ફરી બોલ્યો, “કોણ બાકી રહ્યું હવે? હા, અમારા ઓફીસના પટ્ટાવાળા ભાઈસાહેબ, હજી તો પ્રમોશનનો લેટર લઈને મારી જગ્યા પર પહોચ્યો પણ નહતો અને મને આવીને કહે કે ભૌતિક સર, પ્રોમોશન માટે અભિનંદન. ચા પાણીનું કઈક.......... અરે ભૌતિક શું તેના ઘરે નોટ છાપે છે?”

ભૌતિકનો આ ભયાનક ગુસ્સો જોઇને કિશન અને પ્રિન્સ તો જાણે અવાચક જ બની ગયા. તે બંનેના મો ખુલાના ખુલા જ રહી ગયા.

“યાર તું એક વાત કહે મને, આપણે છોકરાઓને આટલી ઉપાધી શું ઓછી હોય છે કે આ પોઈરીઓ રોજ રોજ નવા પ્રમાણપત્રોની ડીમાંડ કર્યા કરે છે?” ભૌતિક ફરી બોલ્યો.

“ભાર્ગવી જોડે બબાલ થઇ કે શું?” પ્રિન્સે પૂછ્યું.

“બબાલ? અરે બે વર્ષના સમયમાં બસ્સો ને બાવન વખત મને પૂછ્યું હશે કે હું તેને પ્રેમ કરું છું કે નહિ? અને હું હા પાડુ પછી પણ બીજો પ્રશ્ન તો તૈયાર જ હોય..........કેટલો પ્રેમ કરે છે? હવે અહીંથી ચાલુ થાય છે સન્ની દેઓલની તારીખ પે તારીખ વાળી કોર્ટની ટ્રાયલ કરતા પણ અઘરી ગર્લફ્રેન્ડની કોર્ટની ટ્રાયલ, હું એમ કહું કે દરિયામાં જેટલું પાણી છે એટલો પ્રેમ કરું છું તો કહેશે દરિયાનું પાણી તો ખારું છે, એમા મિઠાસ ના હોય મતલબ તું મને સાચો પ્રેમ નથી કરતો. પછી હું કહું કે નદીના પાણી જેવો સાચો પ્રેમ કરું છું તો કહેશે કે નદી તો દરિયામાં મળી જાય અને દરિયાનું પાણી તો ખારું છે મતલબ તું મને સાચો પ્રેમ નથી કરતો. વળી પાછો તેને મનાવવા હું એમ કહું કે સરોવરનું પાણી જેટલું મીઠું હોય એટલો સાચો પ્રેમ કરૂ છું તો કહેશે કે એ પાણી તો ઉનાળામાં સુકાઈ જાય મતલબ તારો પ્રેમ પણ આગળ જઈને ઓછો થઇ જશે, મતલબ તું મને સાચો પ્રેમ નથી કરતો. હજી હું પરિસ્થિતિ સંભાળવા માટે એક ડીપ્લોમેટીક જવાબ આપુ છે કે આં આકાશની જેટલી લીમીટ છે એટલો પ્રેમ તને હું કરું છું પણ પણ પણ.......ફીલોસોફી ઠોકવામાં દુનિયાનો કોઈ છોકરો છોકરી સામે ના જીતી શકે એની ખબર મને ત્યારે પડી જયારે તેને મને જવાબ આપ્યો. એ કહે કે આકાશ કોઈ એક માટે ના હોય એટલે આગળ જઈને તું પણ મારો નહિ રહે મતલબ કે તું મને સાચો પ્રેમ નથી કરતો. એની જાત ને જો હું તેને પ્રેમ જ ના કરતો હોવ તો શું તેની આરતી ઉતારવા એની સાથે ફરતો હોઈશ? એની માને ખબર જ નથી પડતી કે છોકરીઓ આવું કરીને સાબિત શું કરવા માંગતી હોય છે? ક્યારેક ક્યારેક તો એવું લાગે કે આ પ્રેમ નથી કોઈ સોફ્ટવેર છે..... એક કે વધીને બે મહિના થયા નથી કે અપડેટ કરો. યાર, આ લવ-ફવ માટે પણ એક ક્રાઈટેરીયા હોવો જોઈએ જેથી દર થોડા સમયે ઓટોમેટીક સાબિત થઈ જાય કે આપણે તેને પ્રેમ કરીએ છીએ. એક ચેકલીસ્ટ હોવું જોઈએ, દિવસના મીનીમમ ત્રણ ફોન, પંદર મેસેજ, અઠવાડિયામાં એકવાર સી.સી.ડી ની કોફી, અને આખા દિવસમાં ટોટલ એક કલાક ફોનમાં વાત કરવાથી એવું સાબિત થઇ જવું જોઈએ કે આપણે તેને પ્રેમ કરીએ છીએ. બાકી તો જેટલા સમય સુધી લોકો રિલેશનશિપમાં રહે એમાં અડધો સમયતો છોકરાઓને તેના પ્રેમની સાબિતી આપવામાં જ જતો રહે” ભૌતિક આટલું બોલીને અટક્યો. તેના ચહેરો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો હતો.

ભૌતિકે ટેબલ પર રાખેલી બોટલ હાથમાં લીધી, થોડું પાણી પીધું અને ફરી બોલ્યો, “યાર.....મતલબ....ખરેખર?....આકાશ કોઈ એક નું ના હોય મતલબ હું પણ તેનો નહિ રહું....... આ કોઈ જવાબ થયો? ફિલોસોફીની પણ એક હદ હોય યાર....ક્યારેક તો એમ થાયને કે આ બધી છોકરીઓની એક સ્ટ્રેટજી હશે, બોયફ્રેન્ડ ચેન્જ કરવાની. પહેલા તમારા મગજની પથારી ફેરવીને પછી તમારા મોઢે જ એમ કહેડાવસે કે તમે તેને પ્રેમ નથી કરતા અને પછી......પછી તો તમે બોલેલા શબ્દો જાણે સોનાના અક્ષરે લખી ગયા હોય તેમ જિંદગીભર તમારે સાંભળવાના... તે જ કીધું હતું કે તું મને પ્રેમ નથી કરતો વગેરે વગેરે..... ”

કિશન અને પ્રિન્સ વિચારી જ રહ્યા હતા કે ભૌતિકનો ગુસ્સો કેમ શાંત કરવો અને એવામાં જ પ્રગ્નેશ ઘરમાં આવ્યો અને ભૌતીકને જોઇને બોલ્યો, “શું થયું ભૌતિક? આટલો ગુસ્સામાં કેમ છે?” આ સાંભળીને કિશન અને પ્રિન્સ ઉભા થઈને ચુપચાપ તેઓના રૂમ તરફ ચાલવા લાગ્યા અને હવે વારો હતો પ્રગ્નેશનો...........

કિશને ચાલતા ચાલતા પ્રિન્સને કહ્યું, “પેલો ડાઈલોગ ખોટો છે યાર”

“કયો ડાઈલોગ?” પ્રિન્સ બોલ્યો.

“એજ હવે, મર્દ કો કભી દર્દ નહિ હોતા” કિશન બોલ્યો.

“બઉ દુખે ભાઈ. આવું થાય ત્યારે મર્દને પણ દર્દ થાય” પ્રિન્સ બોલ્યો અને તે બને હસતા હસતા તેના રૂમમાં પ્રવેશ્યા. હોલમાંથી હવે ગરમ ચા ની જેમ ઉકળતા ભૌતિકનો અવાજ આવી રહ્યો હતો જેને સાંભળનારો પ્રગ્નેશ હતો.