Seven Day, Six Night - 4 books and stories free download online pdf in Gujarati

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪

સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૪

કેરળની કુલ વિસ્તારની ૩૮ ટકા જમીન ઉપર નાળિયેરીના ઝાડ ઊભાં છે અને કેરળના અર્થ તંત્રમાં નાળિયેરના ઉત્પાદન નો બહુજ મોટો હિસ્સો હોવો સ્વાભાવિક છે, એટલે અમે પરત આવ્યા પછી અમેને જે સવાલ વારં વાર પૂછવામાં આવ્યો એ એ હતો કે તમે કેરલમાં નાળિયેર બહુ પીધાં હશે. આમાંથી કેટલાકનો ખ્યાલ તો એવો હતો કે કેરલામાં જ્યારે પણ તરસ લાગે ત્યારે પાણીને બદલે નાળિયેર પાણી પીવા મળતું હશે! પણ ગમે તે કારણ હોય, કદાચ ટુરીસ્ટ્સ ના કારણે હોય પણ અહીં નાળિયેર રાજકોટ (કે જે ભારતના મોંઘામાં મોઘા શહેરોમાં ક્યાંક ઉચ્ચ સ્થાને હોવાની બાદશાહી ભોગવે છે) કરતાંયે મોંઘાં હતાં. અમને હાઉસબોટમાં પણ અમે ૪+૧ હોવા છતાં ચાર જ નાળિયેર વેલકમ ડ્રિંક તરીકે આપવામાં આવેલાં!

કેરળ પહોંચ્યાના બીજા દિવસની બપોરે એક વાગ્યાની આસપાસ અમારી હાઉસબોટે કિનારો છોડ્યો ત્યારે વેમ્બનાડુ લેઇક ના શાંત જળ ઉપર અમારી હાઉસ બોટ એકલી નહોતી, એની આસપાસ બીજી અનેક હાઉસ બોટ તરતી દેખાતી હતી જાણે જળ ઉપર તરતું ગામ જોઈ લ્યો. ઠેકઠેકાણેથી આવી પડેલાં યાયાવર ટોળાંઓ પોતપોતાની હાઉસબોટમાં ઘુસીને જળવિહાર કરતાં હતાં અને એમનો આ જળવિહાર આ લેઇકના મૂળ માલિકીહક્ક ધરાવતાં બગલા, જલકૂકડી,બતક વગેરેના રોજીંદા કાર્યમાં વિક્ષેપરૂપ હતો પરંતુ બિચારાં કરે પણ શું? જેવો આ યાંત્રીક જળ રાક્ષસ એની બાજુમાં આવે એટલે ઊડી જઈને માર્ગ આપવા સિવાય બીજો માર્ગ ક્યાં હતો એમની પાસે? આ સરોવરમાં બગલાની અનેક પ્રજાતીઓ અને જાત જાતનાં બતક થાય છે ઉપરાંત (આપણે જેનું અત્યારે લગભગ વાર્તામાં જ અસ્તીત્વ રહેવા દીધું છે એ) ઘર ચક્લી અને એવાં બીજાં અનેક પક્ષીઓ અહીં છે પણ આપણે એને એના કુદરતી નિવાસમાં પણ ક્યાં શાંતિથી રહેવા દઈએ છીએ?


અમારૂં આજનું લંચ, ડીનર અને બીજા દિવસ સવારનો (હા ભૈ સવારનો જ!) બ્રેકફાસ્ટ આ બધું હાઉસબોટમાં જ. અમે હાઉસબોટના કૂકને સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું કે અમે શુધ્ધ શાકાહારી છીએ, અમારા હાઉસબોટના કેરાલીયન કૂકે બપોરની રસોઇ ખરેખર ખૂબજ સ્વાદિષ્ટ બનાવી હતી, પણ જ્યારે રસોઇ બનતી હતી ત્યારે હું રસોડામાં આંટો મારવા ગયેલો ત્યારે જે દ્ર્શ્ય જોયેલું એથી વધુ પડતા ચોખલિયાવેડા ધરાવતા શાકાહારી લોકોને એક વણમાગી સલાહ આપવાની ઇચ્છા થાય છે કે હાઉસબોટના રસોડામાં ક્યારેય જતા નહીં! કારણ કે અમે શાકાહારી હતા પણ એ હાઉસબોટ વાળા ત્રણેય જણ શાકાહારી નહોતા અને એ લોકોને પણ ત્યાં હાઉસબોટના રસોડામાં જ રાંધીને ખાવાનું હતું!

કેરાલા જવાનું હતું ત્યારે અમને સૌથી વધારે ચિંતા ખાવા બાબતની જ હતી, એક તો શાકાહારી ભોજન સહેલાઇથી મળશે કે નહીં અને મળશે તો આપણને ફાવે એવું હશે કે નહી, કેમ કે આપણે સિંગતેલમાં રાંધનારા જ્યારે એવું સાંભળેલું કે કેરાલામાં રસોઇમાં કોપરેલ તેલ વપરાય છે. આપણે રોજબરોજના જીવનમાં જાત જાતની માન્યતાનાં કેટકેટલાં બિનજરૂરી પોટલાં ઊંચકી ને ફરતા હોઇએ છીએ! રસોઇ તો અમુક તેલમાં જ થાય, અમુક ખોરાક ભારે કહેવાય અને અમુક હલકો, અમુક વાયડું પડે તો અમુક પચે નહી! અને આ બધીજ આપણી ધારણાઓને આપણે યુનિવર્સલ સત્ય ગણીને ચાલતા હોઈએ છીએ, પણ જો ખુલ્લા મને બહારની દુનિયામાં પગ મૂકીએ તો ઘણા બધાં પોટલાં નો બોજ( જો આપણી તૈયારી હોય તો) હલકો થઈ જાય છે, એક વરસ પહેલાંની એક વાત યાદ આવે છે હું જવાહર નવોદયમાં તાલિમ માટે ઓરિસ્સા ગયેલો. ત્યાં લોકોનો મુખ્ય ખોરાક ચોખા, ત્યાંના પ્રિન્સીપાલ જે મારી સાથે જમવા બેસતા તે બપોરના ભોજન માં રોટલી ખાય નહીં પણ રાત્રે રોટલી ખાય એટલે મેં એમને કારણ પૂછ્યું તો કહે કે ચોખા એ ભારે ખોરાક કહેવાય અને ઘઊં એ હળવો ખોરાક એટલે રાત્રે હળવે ખોરાક લેવાય એ સારૂં! જ્યારે અહીં આપણે શું માનીએ છીએ? આનાથી બિલકુલ ઉલ્ટું, ચાલો અત્યારે કંઇક ભાત-ખિચડી એવું હલકું કરી નાખોને, રાત્રે સારૂં રહેશે! ( આ કિસ્સો મેં અહીં આવીને વડિલોને કહ્યો તો પણ એ લોકો હજુ પણ એમની વાત ઉપર અડગ છે કે ઘઊં એટલે ભારે ખોરાક અને ચોખા એટલે હળવો!)

આ હાઉસબોટમાં એક સારી હોટલમાં હોય એવી તમામ સવલતો હતી. આપણે રૂમમાં હોઈએ તો બિલકુલ એવું ના લાગે કે પાણી ઉપર હાઉસબોટમાં છીએ. રૂમ પણ એકદમ સ્વચ્છ અને સુંદર રાચરચીલું, બેડશીટ, બારીના પરદા, એ.સી. ફેન કોઈ વાતની કમી નહોતી. હાઉસબોટના આગળના ભાગમાં ડાયનિંગ ટેબલ, એનાથી આગળ આરામદાયક સોફા અને ટિપોય, બન્ને સાઇડ ઉપર જેના ઉપર બેસીને અમે કુદરતને માણતા હતા, પાણીમાં વચ્ચે વચ્ચે ઉગેલી તરતી વનસ્પતિ અને એના ઉપર માછલીનો શિકાર કરવા માટે ધ્યાનસ્થ થઈને બેઠેલા બગલાઓ, કિનારા ઉપરથી પાણીમાં ઝૂકીને પોતાનું પ્રતિબિંબ નિહાળતાં નાળિયેરીનાં વૃક્ષોનાં ઝૂંડ અને એ ઝૂંડની વચ્ચે સાવ કિનારે આવેલાં ગ્રામ્ય મકાનો જેના ઘરના ઊંબરાને આ પાણી પખાળતું હોય અને ત્યાં બેસીને જ આરામથી બહેનો કપડાં ધોતી દેખાય. ઘરનાં આંગણાં ને અડીને પાણીમાં એક નાનકડી હોડી પાર્ક કરેલી દેખાય જે આ લોકોને માટે અવર-જવરનું એક માત્ર સાધન છે. વચ્ચે વચ્ચે હલેસા વાળી હોડીમાં કોઈ માછીમાર માછલી લઈને જતાં દેખાય તો કોઇ હોડી કાચાં કેળાંની લૂમથી કે કંદથી ભરેલી દેખાય. બંગાળના ભાગલા માટે બદનામ લોર્ડ કર્ઝને આ વિસ્તારને પૂર્વનું વેનિસ કહીને કોઇ જ અતિશયોક્તિ નથી કરી! પરંતુ જો તમારે તમે જે આ હાઉસબોટ માટે આઠ-નવ હજાર ખર્ચ્યા છે એને બેક વોટરને બદલે ’પાણી’માં જવા દેવા હોય તો બોટમાં ઈડિયટ બોક્ષ પણ ડીશ કનેક્શન સાથે હાજર હોય જ છે!

હાઉસબોટના યાદગાર ૨૧ કલાક પછી બીજા દિવસની સવારે ફરીથી પાછા કિનારે આવ્યા ત્યારે અમારૂં સ્વાગત કરવા માટે અમારા સેલ્વમભાઇ રાહ જોઇને બેઠા હતા. ફરી પાછી એજ ઈન્ડિકાની સફર અને ઈન્ડિકા દોડવા લાગી ૧૪૧ કિલોમીટર દૂર આવલા મુન્નાર તરફ, મુન્નારમાં અમારા બે દિવસ પ્લાન કરેલા હતા એટલે એક નિંરાંત હતી કે ચાલો બધું શાંતિથી જોવાશે અને આરામ પણ થશે, પણ ત્યારે ક્યાં ખબર હતી કે મુન્નારમાં એકજ રાત શાંતિથી જવાની હતી અને બીજા દિવસે અરધી રાત્રેજ ઉચાળા ભરવા પડશે!

Share

NEW REALESED