have tame aavo books and stories free download online pdf in Gujarati

હવે તમે આવો

નિબંધ

હવે તમે આવો

હરીશ મહુવાકર

તરુણી કન્યાની જેમ મારી નાની શી આશા મનમાં વિકસતી જતી હતી. બહાર નીકળી પડ્યો બાઈક લઇને. શહેરને વીંધીને આગળ નીકળતો રહ્યો અને આખરે છૂટાછવાયા મકાનો પણ પાછળ રહી જતા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મની જેમ છૂટી ગયા. ખુલ્લી ધરતી નજરે આવવા માંડી. મારો રંગ અસલ હતો તે બદલાયો. મારામાંથી જાણે સ્વયં હું જ છૂટી રહ્યો. પીંછાઓ હવામાં તરતા જોયેલા કદાચ એવું જ. ઊડતી રસમધુર હવા તે હું. ગુલમહોરની રતાશ અને ગરમાળાની પીળાશ હું. સામેના ખેતરના મધ્યે ઊભેલા ચાડીયાનો ફરફરતો સાફો તે હું. દેવચકલીની નાની શી ઉડાન તે હું. હું હું થઇ રહ્યો ને હું ‘હું’માંથી વછૂટી રહ્યો.

આગળ જતી બૂરખાધારી એક્ટીવા ચલાવ્યે જતી કોઇ યુવાન શિક્ષિકા કે યૌવનાને મારી હળવી હળવી ચાલી જતી બાઈકને લઇને લાગ્યું કે હું એનો પીછો કરી રહ્યો છું. ખબર નહિ એ મને ક્યારની એના સાઈડ મિરરમાં જોતી હશે એટલે હું નજીક પહોંચવા આવ્યો કે એણે અચાનક ગતિ પકડી લીધી. સામેથી આવતા વાહનધારી મારી ઝડપ અને મારી સ્થિતપ્રજ્ઞસમ અદા જોઇ કોઇ મોં મચકોડતું, કોઇ નવાઇ પામતું, કોઇ મરકતું ને કોઇ અવગણીને ચાલી જતું. મને ક્યાં કોઇની પરવા હતી ! આછા આછા સ્નિગ્ધ શ્વેત વાદળો મહીથી કોઇ પરીકથાના કિલ્લે લઇ જતા માર્ગ ઉપર બસ ચાલ્યે જ જવાનું હતું.

ખુલ્લા ખેતરો ગરીબ સ્ત્રીની દરિદ્રાઇ વ્યક્ત કરતા હોય એમ ઉભા હતા. મેલાભઠ કપડાવાળું યુગલ ખંપાળી લઇ ક્યારા બનાવતું હતું. બાજુના ખેતરનો ખેડૂત જાણે કોઇ નડતાં માણસની ઉપર વાર કરતો હોય તેમ કુહાડી લઇ બાવળના ઝૂંડ ઉપર ઘા ઉપર ઘા ઝીંક્યે જતો હતો. ઊંઘને લઇ મોડો જાગ્યો હોય એમ હવે રહી રહીને કોઇ ખેડૂત બળદ લઇ ખેડતો હતો. કોઇ ક્યારા બનાવતા હતા. કોઇ જગ્યાએ માણસના મનના મેલ જેવા કાઢી નાખેલા ભૂથાની ઢગલીઓ દેખાઇ આવતી હતી. હરકોઇ ગ્રામીણ પ્રજા ‘રાજાના રાજા’ને વધાવવા તૈયારીમાં લાગી ગયા હતા. એક નવરો હું આ બધું જોઇને હાલ્યે જતો હતો. રસ્તા ઉપર ખટારાઓના વિરામ સ્થળ જેવા કોઇક કોઇ ધાબા આવ્યા. નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ્સ આવ્યા. ભરવાડના દાતરડાથી સોરાઇ ગયેલા લીમડાના ઝાડની ડાળીઓ જેવા થોડા મકાનો આવ્યા.

આવીશ હું તારી પાસે કોઇ એક દિવસ એમ મેં એણે કહી રાખેલું. ભાવનગર-મહુવા આવતા-જતા મારી નજર ચોંટી રહેતી અને તે આમંત્રણ આપતી ઊભી હોય. એના પર અત્યારે વાદળો ઘેરાયા. ચોમાસું બેસવાની એંધાણી મળવા લાગી. મારે કંઇ ખાસ કરવાનું હતું નહિ. આજે રૂટીન કામનો બંધ છૂટી ગયો. પડેલી સ્થિર હવા જોઇને હું નીકળી પડ્યો મળવા એને. ભાવનગરથી બુધેલ ઘોઘાના માર્ગે પંદર કી.મી. દૂર GMDC પાસે એનો વસવાટ. એવી ખાસ્સી તો શું જરાય રૂપાળી નહિ પણ મન વારી જાય તે કાંઇ રૂપ ઉપર જ વારી જાય એવું થોડું હોય છે ! શેક્સપિયરની પ્રિયતમા ક્યાં વળી રૂડી રૂપાળી હતી ! ઠઠ્ઠા મશ્કરી કોઇ બી કરી શકે એવો એનો જોબનવંતો દેહ પણ માટીડાને એ કાંઇ ધ્યાનમાં નો’તું. એ યૌવના રૂમઝૂમ પગલે હાલતી ને તંયે આકાશની અપ્સરાયું એની મોર્ય પાણી ભારે. એની આ બાબત ઉપર એ લટુ ગઇ ગયેલો. આપણે કાંઇ શેક્સપિયર નથી. એને અને આપણને જોજનો માઈલની વેળા. દેશ નોખો, રીતભાત નોખી ને એનો સમો નોખો પણ એનું તીર આપણને કામમાં આવી પડ્યું એટલી એની હાર્યે લેવા દેવા.

ભાઇ, આ કાંઇ કો’ બાઇ, છોડી કે લલનાની વાત નથી. સાવ ઉજ્જડ બોડી, બામણી, ચારેબાજુથી બાવળોને ઉજ્જડ ખારાપાટ જેવા ખેતરોથી ઘેરાયેલી ટેણી એવી ટેકરીની વાત છે ! પણ મને ગમી ગઇ તે ગમી ગઇ. રાજાને ગમતી રાણી છાણા વીણતી આણી. આ વાક્યમાં રાજા હું છું સમજ્યા ? નીલા આકાશમાં ઘટ્ટ ઘેરુ રૂપ મને સાદ પડતું. એ બાજુ ઊડી જતા પંખીઓ મને મારગ ચીંધતા. વચમાં રહેલું કોઇ મંદિર તેની ભગવી ધજા ફરકાવતું મનને હલાવી દેતું. જાડી, કાજલરંગેરી કોઇ બાઈના હાથ જેવો પાક્કો મારગ મારા પગને કીડિયું ચડાવતો. સમય વીતતો જાય એમ બંધન મેનકા-વિશ્વામિત્ર જેવું પાક્કું થતું ગયું ને બસ નીકળી પડ્યો એને ભેટવા.

માળાના મણકા ખસતા જાય એમ વિધવિધ દ્રશ્યાવલી ખસવા લાગી. રંગબેરંગી ચિત્તભ્રામક જાહેરખબરોના જંગલમાંથી સરકવા લાગ્યો. વૃદ્ધાવસ્થામાં થઇ જતા વાળ સમી પાતળી ભીડ થવા લાગી. શહેરની ભાગોળે નાનું શું ગામ આવ્યું તગડી. કો’ક બાવાની મઢી આવી. પછવાડે એની, માઈલેક આઘે હતી મારી ઝંખેલી ટેકરી.

બેસીશ એના ખોળામાં તો કેવું લાગશે ? લે એ માટે તો ત્યાં જઉં છું : એના ચરણોમાં પહોંચીશ કે તરવરાટ જીવતો થશે. એની ભૂજાઓને મારામાં મીલાવીશ કે દોસ્તીની નદી વહેતી થશે. એના શિરે પહોંચીશ તો કો’ વિજેતા જેવું લાગશે, કાં આસમાનમાં હોઉં એવું લાગશે, કાં દેવચકલીની પાંખે ચડી ગયો હોઉં એવું લાગશે, કાં કોઇ જય ગિરનારી બાવાઓ જેવો ભાવ જાગશે. બસ આ રહી – હાથવેંતમાં.

કબ્રસ્તાનમાં કોઇકની સ્મૃતિમાં રચાયેલા પથ્થરોના સ્તંભની હારમાળા જાણે આ ટેકરી ઉપર કંઇ રીતે આવી પડી ? ઐરાવત સાપ આ ટેકરીને ભરડો લઇ શું કરી રહ્યો છે ? સેનાના ટ્રક અને ફેઇન અહીંથી કૂચ કરીને ક્યાં જાય છે ? પહેલા વરસાદમાં અંકુરિત થતા શત શત ઘાંસલિયા છોડ સમ પ્રશ્નો મારા મનમાં ઉગી નીકળવા માંડ્યા. અરે ચિત્તભ્રમ તો નથી ને ! ઝંખેલી છોકરીની સમક્ષ મૂકાયેલી દરખાસ્ત ઠેલાઈ જાય તેવી હાલત ઘડીભર થઇ રહી. પથ્થરો નીચેથી દબાયેલા કાન-ખજૂરા વીંછી નીકળે ને ચરચરાટી થઇ રહે, ઘૃણા થઇ રહે તેવું મારા હૃદયને થયું.

ટેકરીને સિમેન્ટના થાંભલાઓ અને કાંટાળા તારનો નવલખો હર પહેરાવાયો હતો. GMDCના ટ્રક અને ક્રેઇન ઉથલપાથલ કરી નાખવાના ઇરાદે માઈનીંગ માટે ઉપર ચડી રહ્યાં હતા. કપાઇ-કપાઇને કરાયેલો રસ્તો પછવાડેની બાજુ લઇ જતો હતો. ખાલી ટ્રક માટેની લાઈન અને ભરેલા ટ્રક માટેની લાઈન એવા બે રસ્તાના ભેટે આવીને હું ઊભો મને સમજણ ન પડી મારો માનવદેહ સમ ટ્રક ખાલી હતો કે ભરેલો ! ને મારે ક્યા કેડે જવું ? થંભી ગયો. મા વરુવડીએ કચ્છના દરિયાની સોંતા મારગ કરી આપતા ઊંચા ઉછળેલા મોજા અચાનક જ થંભી ગયા ને રા’નવઘણની સેના પછી સિંધમાં આગળ વધી ગઇ પણ મારો રથ પાછો પડ્યો.

બહારના લોકો માટે આગળ જવાની મનાઈ હતી. ઉપર જવા માટે કોઇ રજા નહોતી અને હું ક્યારનો બહારનો થઇ ગયો તે સમજાયું નહિ. ધરતી મારી, ટેકરી મારી, આ ઝૂકેલું આભ તે મારું, તનને-મનને પોંખતી હવા તે મારી. દેવચકલીનો કાજલ ભર્યો રંગ તે મારો ને હાથ લંબાવી દોસ્તી કરવા તત્પર મંડાયેલા આ વાદળાય મારા ને આ લોકો કે’ય કે હું બહારનો, મને કોઇ હક નહિ !

હું કૃષ્ણ નહિ ને એ લોકો શિશુપાલ નહિ, નહીતર તો નવ્વાણું ગુના થઇ ગયા હતા. વીજળીનો સબાકો ખમી ખાધેલા ઝાડવા જેવો હું જડાઈ રહ્યો – કેટલીય વાર ટેકરી સામે જોતો. એ તો મને આમંત્રિત કરતી હતી એવું લાગતું હતું પણ મૂરખ હું હતો. એ બિચ્ચારી તો પોકારતી હતી, આર્તનાદ કરતી હતી. અરવ જંગલનો કો બાહુબલી દાનવ એનું અપહરણ કરવા જંગે ચડ્યો હતો. લક્ષ્મણ જતાને રાવણ આવતા મા જાનકી એકલવાયી અબળા નિ:સહાય થઇ પડી હતી તેમ આ અબળા ! હે રામ, આવો. ઝટ આવો, ઝટ આવો.

ડગમગાતા ચરણો પીધેલાના હોય એવું કાયમ ન હોય. મને જોયો હોત આવી ઘડીએ તો તમે આ સાક્ષીભાવ કોઇ પણને આપત. મેરુ ડગી જાય તોય મનડા ન ડગે એ પાનબાઇ માટે. અહીં મેરુ હતો નહિ અને હું પાનબાઇનું અડગ શ્રદ્ધાબળ ધરાવતો નહોતો. મારા માટે તો ટેકરી ભાંગી પડી. ભરમાંડ ભાંગી પડ્યું. ઝંખના મરી જાયે રંગરંગીલા ભરમાંડને શું કરવું ?

જતા વાર લાગી એનાથી ડબ્બલ વાર ઘરે પહોંચતા થઇ. મનમાં એમ કે Far From the Madding Crowd જઇએ. આ કાળીનાગની ચૂડ જેવા રોજીંદાપણાથી વેગળા થઇએ. વેણુનાદ નહિ તો અવનીનાદ પામીએ. કંઇ નહિ તો સ્વનાદ ઓળખીએ, પામીએ ને હરખાઇએ. પણ હે નાથ, હેઠા ઉતરો હવે. મારી ટેકરી નહિ તો કાંઇ નહી. પણ આ તમારી ને મારી વચ્ચે વધતી જતી વેળા ઘટે એવું કાંઇક તો કરો ! હે ફણીધર તમારો પર ટકેલી આ ધરાને બચાવવા નીંદરને ત્યજો. હે મારા ધરણીધર હવે વખત છે રાક્ષસો પાસેથી પૂન: તારા હાથમાં ગોવર્ધન લઇ લેવાનો ! આવો છો ને?

...........................................................................................