Diwal books and stories free download online pdf in Gujarati

દીવાલ

દીવાલ

સોલી ફીટર

હવાનાં જોરદાર ઝોંકાથી દરવાજો દિવાલ સાથે ભટકાયો, અશોકનું ધ્યાન પળવાર માટે એ અવાજ પર ગયું અને ફરી રમીલાની સેવામાં લાગી ગયો. રમીલાની આંખોમાંથી ઝીણી અશ્રુધારા વહીને તકીયાને ભીંજવી રહી હતી, પરંતુ અશોકને એ જોવાનો સમય ક્યાં હતો? એ તો બસ પથારીવશ પત્નીની સેવા કરવાનો જિંદગીનો એકમાત્ર ધ્યેય હોય તેમ કર્યે જતો હતો. એક હાથે ચમચીમાં પ્રવાહી ભરી રમીલાનાં મોંઢામાં નાખી બીજા હાથમાં રહેલ કટકો એનાં મોંઢાનાં જમણી બાજુ રાખ્યો, ફરી ખખડધજ દરવાજો સજીવ થઈ દીવાલને ભેટ્યો. અશોકે અણગમાથી દરવાજા સામે એ રીતે જોયું, જાણે એ એનાં કર્તવ્યથી એને વિમુખ કરી રહ્યો હોય! ન બોલી શકતી લાચાર પત્નીનાં ઈશારાથી કમને ઊભો થઈ એણે વિધ્નકર્તા દરવાજાને બંધ કરી આંગળો લગાવી દીધો. આજે હવાનું જોર વધુ હતું, ભરશિયાળે કમોસમી વરસાદનાં એંધાણ વર્તાઈ રહ્યા હતાં. હવામાન વિભાગે પણ અડતાલીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

વલસાડ પાસેનાં ધરમપુર નામનાં નગરમાં અત્યંત ગરીબીની હાલતમાં આ પરિવાર લૂખો-સૂકો રોટલો ખાઈ જીવન નિર્વાહ કરી રહ્યો હતો. બે દીકરીનાં લગ્ન સાદાઈથી કરાવ્યાં હતાંઅને એક વાપીનાં છોકરા સાથે ભાગી ગઈ હતી! જો કે એ છોકરો સારો કમાતો-ધમાતો હોય, દીકરી ફરી ઘરે આવતી-જતી થઈ ગઈ હતી. એક દીકરો હતો રાકેશ, હાયર સેકન્ડરી હાલ જ પૂરી કરી નોકરીએ લાગ્યો હતો. એનાં ટૂંકા પગારથી ઘરનિર્વાહ અને રમીલાની માંદગીમાં અશોકને થોડો સહારો મળ્યો હતો. રાકેશ હોંશિયાર હતો પરંતુ ઘરની આર્થિક હાલતને કારણે ભણતર છોડવું પડ્યું હતું. એને બાર સુધી ભણાવવાં માટે પણ અશોકે ખૂબ મહેનત કરી હતી, પરંતુ હવે રમીલાની માંદગી ચરમસીમાએ પહોંચી હતી. જડબાનું કેન્સર છેલ્લાં સ્ટેજ પર પહોંચી ગયું હતું, ડોક્ટરો તો ઘણા સમયથી જવાબ આપી ચૂક્યા હતાં. એ બોલી શકતી નહોતી પણ રડીને ઈશારાથી મોત માંગતી હતી, પરંતુ મોત એમ માંગવાથી મળી જતું હોત તો આ જગતમાં કોઈ નિરાશ વ્યક્તિ જીવિત જ ન રહેત!

અશોકને પણ ખબર હતી કે રમીલા હવે થોડા દિવસોની જ મહેમાન છે, પતિથી વધુ એક દોસ્તની જેમ એ એની કાળજી રાખતો, અને આ કાળજી અત્યારથી નહિ, જ્યારથી એ પરણીને આવી ત્યારથી રાખતો. ઈવન કે બળવંત સાથે એ રંગે હાથ બે વાર પકડાઈ હોવા છતાં એની લાગણીમાં કોઈ ફરક નહોતો આવ્યો! એ બધું કર્યાનો અફસોસ હવે થઈ રહ્યો હતો, આ આંસુ એનાં કારણે જ તો વહી રહ્યા હતાં! એ ખરા હ્રદયથી માફી માંગવા ઈચ્છતી હતી, પરંતુ હવે વાચાએ સાથ છોડી દીધો હતો. છોકરીઓ માંથી ત્રિશા અને રાઈમા તો એને ધિક્કારતી હતી, જયારે રાકેશ લાગણીહીન હતો અથવા એવો બનવાનો ઢોંગ કરતો! લગભગ દોસ્તોનાં મહેણા-ટોંણા સાંભળી-સાંભળીને એ એવો થઈ ગયો હતો. ઘરમાં જમવા અને સૂવા પુરતો જ આવતો, પગાર આવ્યે પાંચસો પોતાની પાસે રાખી બાકી અશોકનાં હાથમાં આપી પોતાની જવાબદારી પૂરી સમજતો, કેટલાં સમયથી એણે મા સામે નજર સુદ્ધાં નહોતી કરી! હોસ્પિટલ લઈ જવાં-લાવવા પૂરતો સાથ જરૂર આપતો, હવે તો હોસ્પિટલનાં ચક્કર પર પણ પૂર્ણવિરામ લાગી ગયો હતો.

ત્રીજી દીકરી લાગણી નામ પ્રમાણે લાગણીશીલ હતી, એણે કોઈ દિવસ એની સાથે આજસુધી ખરાબ વ્યવહાર કર્યો નહોતો. પરંતુ એ પણ હવેથી દૂર રહેતી! કેન્સરનાં કારણે જમણી તરફનું આખું જડબું ખવાઈ ગયું હતું, અરે મોટું કાણું જ પડી ગયું હતું, એ કાણું વધતું જતું હતું અને એમાંની જીવાત પણ! અશોક એને જમાડતી વેળા પોતાનાં હાથોથી સાફ કરતો. બીજા બધાં તો દૂરથી જ જોઈને મોં બગાડતા! લાગણી દૂરથી કંઈ ન કરી શકવાની લાચારી દર્શાવતી! ત્રિશા અને રાઈમા તો કહેતી પણ ખરી, “ મમ્મી , ભગવાને તને આ સજા આપી છે, હવે ભોગવ!" આમ તો કાયમ માટે એને ભૂતકાળ ડંખ્યાં જ કરતો, પણ આ બંને આવતી ત્યારે એ વધી જતો.

‘ધડામ’નાં જોરદાર અવાજ સાથે દીવાલ પડી, એક કલાકથી મૂશળાધાર વરસાદ અવિરત વરસતો હતો, પવન સાથેનાં વરસાદે આ પરિવાર માટે મોટી આફત ઊભી કરી. અશોક હજી હમણાં જ સૂતો હતો, અવાજ સાંભળીને સફાળો બેઠો થઈ ગયો. બે ઘડી તો કંઈ સમજ ન પડી, થોડીવારે કળ વળી, કે પોતાનાં ખખડધજ મકાનની પોણાભાગની દિવાલ જમીનદોસ્ત થઈ હતી. એ તો સારૂં હતું કે બંને પલંગ બીજી દિવાલ સાથે હતાં અને દિવાલનો મોટો ભાગ બહારની તરફ પડ્યો હતો. અંદર પણ થોડાક અવશેષોએ દેખા તો દીધી જ હતી, મેઘરાજા ઘરમાં રજા વિનાં આગમન પધારી ચૂક્યાં હતાં! ઘરમાંથી જલ્દી બહાર નીકળવું જરૂરી હતું, નહિતર ખખડધજ દિવાલને સહારે ટકેલ છાપરૂં પોતાની સાથી ઈંટોને મળવા નીચે આવશે તેવી પૂરેપૂરી શક્યતા હતી!

પડોશીઓ દિવાલનાં ધમાકાથી પડોશીધર્મ બજાવવાં આવી ચૂક્યા હતાં, કેટલાંક અંતર્યામી આત્માઓ ભૂતકાળમાં ન કરેલ ભવિષ્યવાણીઓ હવે ઉચ્ચારી રહ્યાં હતાં! જુવાનિયાઓ ઘરમાં પેસી સામાન બાજુનાં ઘરનાં ઓટલે શિફ્ટ કરવા માંડ્યાં. અશોકે બે-ત્રણ યુવાનોને પહેલાં રમીલાનાં ખાટલાને ઊંચકી બહાર લેવાની આજીજી કરી. ખાટલો ઊંચકાયો એટલામાં થોડે દૂર રહેતાં અશોકનાં સગાવાળા પણ આવી ગયાં. અશોકની કાકીએ બરાડો પાડ્યો, “ હવે તો પડતી મેલ એ રાંડને!”

એમનાં પતિએ પણ એમાં સૂર પુરાવ્યો, “ હા, છોડી દે એને, છો મરી જતી! આમ પણ મરવાની જ છે ને! એ છપ્પરપગીને લીધે જ તારી પનોતી બેઠી છે!” બધાં સગાઓ એ કાકા-કાકીનાં સાથે થઈ ગયા.

બીજા એક કાકી બોલ્યા, “ જેની પડખે ભરાતી’તી, એ એનો સગો કોઈ દિ’ ખબર લેવા આવ્યો? એ મુઆને કે’ હવે ચાટ આ તારી રાંડને!”

વરસાદનાં ફોરાં ધીમાં પડી ગયા, અને પવન પણ બેસી ગયો, પરંતુ આ અણધાર્યા વાવાઝોડાથી ફળિયામાં સન્નાટો છવાઈ ગયો. યુવાનો અવઢવમાં પડી ગયાં કે સગા-વ્હાલાઓની વાત માનવી કે અશોકની મદદ કરવી? અશોક પોતે હેબતાઈ ગયો, રમીલાની કથળતી જતી તબિયત, ડોક્ટરોની નિષ્ફળતા, ખરા ટાણે દિવાલે સાથ છોડ્યો અને ઉપરથી આ નામનાં સગાઓનાં અણધાર્યા આક્ષેપો! આક્ષેપ ખોટા ન હતાં, પણ સમય યોગ્ય ન હતો. થોડો સ્વસ્થ થઈ ધીમે રહીને આગળ આવ્યો, પેલા કાકા પાસે હાથ જોડી વિનંતી કરી, “ વડીલ, એનો ભૂતકાળ ઉખેડવાનો આ સમય યોગ્ય નથી, ભગવાને એની સજા પણ એને આપી દીધી છે. ચાર વર્ષથી એ ખાટલે છે અને આ સમયે એને મારી સખત જરૂર છે. ગમે તેવી પણ એ મારી પત્ની છે, એ કંઈ ન હોત તો પણ આવા સમયે માનવતાને નાતે હું એને છોડી ન શકું.”

“ સાલો બાયડીનું પૂંછડુ, નપુંસક, બાયલો” એવાં ડઝનબંધ વિશેષણોનાં લેબલ લગાવી સગાઓ પોતાની ફરજ પૂર્ણ કરી મોં ચઢાવી રવાના થઈ ગયાં! એમનાં યુવાન છોકરાઓ જે અશોક પ્રત્યે સહાનુભૂતિ ધરાવતાં હતાં, તે આ વિપદામાં મદદ કરવાં રોકાયાં. આ તરફ જુવાનોએ પોતાનું કામ શરૂ કર્યું. પડોશનાં એક વડીલ કાકીએ પોતાનાં બંધ પડેલ ઘરની ચાવી આપી, ત્યાં રમીલાનાં ખાટલા સહિત બધો સામાન પણ સગેવગે કરવામાં આવ્યો. જો કે વાચારહિત રમીલાએ ઈશારાથી અને રડીરડીને આ છાપરા નીચે દબાઈ જવાની અદમ્ય ઈચ્છા પૂર્ણ કરવાં માટે ઘણાં ધમપછાડાં કર્યા, પરંતુ અશોક ન માન્યો. ધૂળ જામેલાં એ ઘરનાં એક ખૂણામાં રમીલાનો ખાટલો મૂકાયો, બારીમાંથી બળવંતનું ધર સામે જ દેખાતું હતું. અશોક સહિત બધાં સાફસૂફી કરવા મંડ્યાં, અને રમીલા હંમેશની જેમ અર્ધબેહોશ અવસ્થામાં અતીતને સાફ કરવા મથી રહી!

***

“ હવે દસમાં ધોરણમાં આવી છો, તારૂં આ ઉછાંછળાપણું બંધ કર અને વ્યવસ્થિત રહેતાં શીખ. કાલે ઊઠીને આ લખ્ખણ લઈ સાસરે જશે તો પાંચ જણમાં મારૂં નામ ખરાબ કરશે. કિચનમાં જા, કઢી બનાવવાની બાકી છે. ” બોર્ડની પરીક્ષા પૂર્ણ થઈ, હું ટેન્શન ફ્રી થઈ ઉછળતી કૂદતી ઘરમાં દાખલ થઈ એ સાથે મા નો કકળાટ શરૂ થયો, મોં વાંકુ કરી હું કિચનમાં ગઈ.

ચાર બહેનો અને ત્રણ ભાઈઓનું અમારૂં વિશાળ કુટુંબ ગરીબીરેખાની નીચે આવતું હતું. પિતાજી ગણોતે જમીન ખેડી માંડ ઘર ચલાવતાં, મારાથી મોટી બે બહેનો સમયાંતરે પરણી ચૂકી હતી, એક બહેન અને ત્રણે ભાઈઓ મારાથી નાના હતાં. ઘરમાં સહુથી વધુ હું ભણી હતી, અને ચંચળ પણ! આર્થિક સંકડામણને કારણે આગળ ભણવાની શક્યતા નહિવત હતી. કોઈક સારા છોકરાની વાત આવે તેની જ વાર જોવાતી હતી! મારી વિદાયથી પિતાજીનો થોડો બોજ તો ઓછો થાય!

***

“ તમને હું ગમતો હોઉં તો જ “હા” પાડજો, મને તો તમે ખૂ…બ જ ગમો છો.” દેખાવે ઠીકઠાક, શરીર થોડું ભારે, બેઠી દડીનો અશોક ભોળપણથી બોલ્યો, બીજું કંઈ નહિ તો એનાં બાળક જેવાં ભોળપણ પર હું વારી ગઈ. ગમવા લાયક તો હું હતી જ, વખાણ કોને ન ગમે? અને મારા હકારનું મુખ્ય કારણ હતું, આ છોકરો મારા રમતિયાળપણાને સહન કરી લેશે. ધીરગંભીર માણસો મને દીઠા ન ગમતા! આમ પણ મોડા વહેલાં આ ઘર છોડી ગમે ત્યાં જવાનું તો હતું જ, તો અશોક શું ખોટો? વીસની તો હું થઈ હતી, અમારી નાતમાં તે સમયે અઢાર વર્ષે તો છોકરી પરણી જતી. ખેર, બે મહિના પછી અશોક સાથે મારા લગ્ન લેવાયા. એ અત્યંત ખુશ હતો અને હું પણ.

મારૂં સાસરૂં અમારા ઘરથી ઘણું વધુ સધ્ધર હતું, બે ભાઈ-એક બહેનનો નાનકડો પરિવાર હતો. નણંદ પરણી ગઈ હતી. ભાઈ અશોકથી ત્રણ વર્ષ મોટો હતો. પરણીને અલગ રસોડું કર્યું હતું, પણ ધંધામાં સાથે હતાં. લુમ્સનું નાનું એવું કારખાનું હતું, આવક બંને ભાઈઓ વચ્ચે સરખી વહેંચાતી. સાસુમાંને સ્વર્ગ સિધાવવાને દસ વર્ષ વીતી ચૂક્યાં હતાં, સસરાને ચાર. અત્યાર સુધી અશોક મારા જેઠને ત્યાં જમતો, પરંતુ હવે હું આવી ગઈ હતી. હરવા-ફરવામાં દિવસો અને મહિનાઓ વીતવાં લાગ્યા, વીસ વર્ષની ઉંમરે દુનિયાનું બધું સુખ મારી ઝોળીમાં આવી ગયું હતું.

લગ્નનાં આઠ મહિનાં વીતી ગયાં પછી પણ અશોક મને હાથ પર જ રાખતો, મારી દરેક ઈચ્છાને માન આપતો. સમયાંતરે એક એક કરી હું ત્રણ દીકરી અને એક દીકરાની માં બની, તે સમયે કુટુંબ નિયોજન જેવું કંઈ હતું નહિ! મારા ભાઈઓ અને બહેન પણ બધા પરણીને પોતપોતાના સંસારમાં વ્યસ્ત થઈ ગયાં હતાં, પિતાજી સ્વર્ગવાસ પામ્યાં, માં આજકાલ બીમાર ચાલતી હતી, એક વાતનો સંતોષ હતો એને કે અમે બધી બહેનો સુખી હતી, અને ભાઈઓ પણ ધીમે ધીમે આર્થિક રીતે સધ્ધર થઈ રહ્યાં હતાં.

બધું સમૂસુતરૂં ચાલતું હતું ત્યાં કોઈની ખરાબ નજરે ફરી અમને મધ્યમ વર્ગ માંથી ગરીબ બનાવી દીધાં! કારખાનામાં ભયંકર આગ લાગી, લાખો રૂપિયાનાં તાકા એક કલાકમાં સળગી ગયાં, બે કારીગર સળગીને મૃત્યુ પામ્યાં, બીજા ત્રણ-ચાર પણ ઇજાગ્રસ્ત હતાં, જેઠ સખત રીતે દાઝી ગયાં અને એમને બચાવવા જતાં અશોક પણ થોડોક દાઝ્યો. આગ કેવી રીતે લાગી, એ એક કોયડો જ રહ્યો! અશોકને એ વિશે વિચારવાનો સમય પણ ન હતો, મોટાભાઈની અને બીજા બે કારીગરની હાલત ગંભીર હતી, એ જબરી દોડધામમાં લાગ્યો હતો. તે સમયે એને વિમા વિશે ઝાઝી ગતાગમ પડતી નહોતી અને આવું કંઈ થશે એવી આશંકા પણ નહોતી. હોસ્પિટલનો ખર્ચ, દવા-દારૂ અને વેપારીઓનાં પૈસા ચૂક્તે કરવા માટે કારખાનાવાળી મિલકત વેચવી પડી, જેઠજીની બચત અને ઘરનાં સમારકામ માટે અશોકે ભેગી કરેલ રકમ પણ હાથ માંથી નીકળી ગઈ.

છઠ્ઠે દિવસે જેઠાણીને વિધવા બનાવી જેઠજી દેહાંત પામ્યાં, અશોક પોતાની જાતને અનાથ સમજવા લાગ્યો, એક હું જ સ્વસ્થતાથી બધાને સાચવી રહી હતી. બંને કારીગરોનો જીવ બચી ગયો હતો, પરંતુ રૂપિયા પાણીની જેમ વપરાઈ ગયાં હતાં.

સમય પોતાનું ચક્ર ફેરવીને નાના-મોટા દરેક ઘા નામશેષ કરી નાંખે છે, જેઠાણી સિલાઈકામમાં નિપુણ હોઈ બે બાળકો સાથે એમનો નિર્વાહ સરળ બન્યો, પરંતુ અમારૂં અઘરું થઈ ગયું! મને રસોઈ સિવાય કંઈ આવડતું નહિ અને અશોકનું ભણતર નહિવત હોવાથી હવે આ ઉંમરે તેને કોઈ નોકરી મળે તેમ નહોતી, પાસેનાં રેલ્વે પ્લેટફોર્મ પર નાની મોટી હમાલી કરતો, ત્યારે ઘરમાં ખાવાનું બનતું, સંજોગોએ એને સૂનો અને મને ચિડિયલ બનાવી દીધાં! હું છોકરાઓને સૂવડાવી સૂઈ જતી, એ રાત્રે મોડેથી થાકીને આવી ચૂપચાપ સૂઈ જતો, મારૂં મન એની પરિસ્થિતિ સમજવાની કોશિશ કરતું, પરંતુ મારૂં શરીર એ સમજવા માટે અસમર્થ હતું, કેટલીવાર મેં એને કામક્રિડા માટે તૈયાર કરવાની કોશિશ કરી, પરંતુ એ આઘાતમાંથી બહાર નીકળવા જ નહોતો માંગતો. કંઈ કેટલી વાર એ નાના બાળકની જેમ રડવા બેસી જતો. આખરે શરીરની નાલાયક ભૂખ મારા ચંચળ મનને વિદ્રોહી બનાવીને જ જંપી!

છોકરાઓ સ્કૂલ ગયાં હતાં, બપોરનાં સમયે હું ઘરમાં એકલી જ હોઉં, થોડા દિવસોથી બળવંત બપોરનાં સમયે ઘરની સામેનાં ઓટલે બેસી રહેતો હતો, હું જ્યારે પણ કોઈ કામ માટે નીકળું, એકધારી ટીકી-ટીકીને મને જોયા જ કરતો, કદાચ એને મારી માનસિક હાલતનો અંદાજો આવી ગયો હશે! પુરૂષોમાં પણ છઠ્ઠી ઇન્દ્રિય હોતી હશે? હોય કે ન હોય, મારે શું? મારે મારા કામથી મતલબ હતો, મારા એક જ ઈશારે એ ફટાક દઈને સીધો અંદર ઘરમાં જ આવી ગયો, જાણે ઈશારાની વાટ જ જોઈ રહ્યો હતો!

આડત્રીસ વર્ષની મારી જિંદગીમાં બળવંત નામનો એક નવો અધ્યાય શરૂ થયો. એ સેક્સકળામાં નિપુણ હતો, એ જે રીતે મારા શરીર સાથે રમતો, બિલકુલ નવો અનુભવ હતો મારા માટે! આવું તો કોઈ દી’ મેં અનુભવ્યું જ નો’તુ! કામક્રિડા બાબતે અશોક એની સામે બબૂચક જ કહેવાય! રોજનાં અડધા-પોણા કલાકનાં સહવાસે મને આકાશમાં વિહરતી કરી દીધી! એ મારી ભૂખ સંતોષતો અને હું એનું રમકડું બનતી ગઈ! પરંતુ કહેવાય છે ને ચોરી અને છીનાળું ઊઘાડું પડી જ જાય છે! આ ઘરની દીવાલ તો આજે પડી, મારા દાંપત્યજીવનની દીવાલને તો મેં કયારની તહસનહસ કરી નાખી હતી! ફરક બસ એટલો હતો કે એ દિવાલનાં અવશેષો દેખાતાં નો'તા!

અશોક અચાનક આવી ચડ્યો, કાથીનાં ખાટલા પર ચાલતું યુદ્ધ જોઈ એની આંખો ફાટી ગઈ! બળવંત ફટાફટ કપડા પહેરીને એની બાજુમાંથી રહી કંઈ પણ બોલ્યા વિના બહાર નીકળી ગયો, મને કંઈ સુજતું નો’તુ કે શું કરૂં? નીચી મૂંડી કરી મેં પણ વસ્ત્રો ધારણ કર્યા અને ધીમેથી “સોરી” કહ્યું! એની આંખો હજુ પણ અવિશ્વાસથી પહોળી હતી!

“ પણ કેમ? શું કામ?” બસ બે વાક્યો બોલી એ રડવા લાગ્યો. મને પણ અફસોસ થયો, મારા નિર્દોષ પતિને મેં છેતર્યો હતો!

“ હું પણ શું કરૂં? મેં તને કેટલી વાર બોલાવ્યો-સમજાવ્યો. પણ તું તો જેઠજીનાં આઘાત માંથી ઉંચો જ નથી આવતો! તો પણ સોરી, હવે એવું નહિ કરૂં.” એ માની ગયો, મને હાશ થઈ. મેં પણ નક્કી કર્યું, હવે બળવંત સાથે સંબધ નથી રાખવો. પરંતુ મારી પ્રતિજ્ઞાનાં ત્રણ દિવસમાં જ ચીંથરા ઊડી ગયાં. તે રાત્રે અશોક જલ્દી આવ્યો. છોકરાઓ સૂઈ ગયાની ખાતરી કરી અમે સહવાસ માણ્યો, પરંતુ મારી કામશકિત સામે એ હારી ગયો! હું અતૃપ્ત રહી. કંઈ વાંધો નહિ, બળવંત જેવું બધું એને હું શીખવાડી દઈશ, એમ માની મેં મન મનાવ્યું. સતત ત્રણ રાતનાં મારા પ્રયાસો નિષ્ફળ સાબિત થયાં, અશોક મન અને તન બંનેથી તૂટી ચૂક્યો હતો, અથવા મારી કામેચ્છા વધી ગઈ હતી, જે પૂરી કરી શકવા માટે અશોક નમાલો સાબિત થયો! ચોથા દિવસની બપોરથી ફરી એક વાર વાસનાનો ખેલ શરૂ થયો, ખેલનું ઠેકાણું બદલાઈ ગયું, હવે હું બળવંતનાં ગેરેજમાં જતી. વાસનાનાં અતિરેકમાં હું આંધળી અને નફ્ફટ બની ચૂકી હતી!

મને એમ હતું કે કોઈ જોતું નથી, પરંતુ સતત કેટલાય દિવસોથી બે આંખો સતત મારી પાછળ લાગેલી જ હતી! બાજુવાળા જમનાબાએ તો રીતસરનું ટોળું જ કરી નાખ્યું, અશોકનાં સગાઓને પણ બોલાવી લીધાં. એ કરતા મારૂં ઘર શું ખોટું હતું? પકડાઈ જાત તો અશોક બિચારો રડતે, બીજું તો શું કરી શકવાનો હતો એ? એકવારનો અનુભવ મને થઈ ચૂક્યો હતો ને! કોઈ જઈને અશોકને પણ બોલાવી લાવ્યું! નવાઈની વાત એ બની કે અશોકે મારી વહાર તાણી, બધાને એમ કહી છૂટા પાડ્યા, “ આ અમારો મામલો છે!”અને મને હાથ પકડીને ઘરમાં લઈ જઈ દરવાજો વાસી દીધો! તે દિવસથી બધાએ એને ભડવો, બાયલો, નપુસંક જેવા ઉપનામ ભેટ આપ્યા! અરે, હવે તો હું પણ મનમાં એને એ વિશેષણોથી નવાજતી! ઘરની અંદર પણ એણે મને કંઈ જ ન કહ્યું, ન પૂછ્યું, ન રડ્યો! કદાચ એને પોતાનાં પૌરૂષ પ્રત્યે લઘુતાની ગ્રંથિ બંધાઈ ગઈ હતી, હવે તો હું બેફામ બની ગઈ હતી!

પાપનો ઘડો આપોઆપ ભરાઈ છલકાવાં લાગે છે, અથવા મારા આ કર્મોની સજા મને દુનિયામાં જ આપવાની ભગવાન નક્કી કરી ચૂકયો હતો કદાચ! તેની પ્રતીતિ રૂપે મારા જમણા જડબામાં દુખાવો શરૂ થયો, દુખાવો વધતો જતાં કેન્સરનું નિદાન થયું, તે દિવસથી બળવંત ગાયબ થઈ ગયો! એનો કંઈ વાંક પણ નહોતો, વાસનાની રમતમાં મારો ભાગ વધુ હતો. લગભગ ચાર વર્ષથી આ સજા ભોગવી રહી છું, મોત માંગું છું પણ મળતું નથી. મારા સંતાનો મારી પાસે નથી આવતાં, મોઢામાં પડેલ કાણાંની જીવાત પોતાને લાગી જશે, તે બીકે અથવા મારા કર્મોનાં ફળરૂપે મને ધિક્કારતા હતાં, કદાચ બંને! એકમાત્ર અશોક તદ્દન નિસ્વાર્થ ભાવે ચાર વર્ષથી લગાતાર મારૂં મોઢું અને શરીર સાફ કરે છે, જીવડાઓને જોઈ કદી મોં ચઢાવ્યું નથી, જમવાનું પણ કેટલાં સંયમથી ખવડાવે છે! જ્યારે કે હવે હું તેને કંઈ આપી શકું તેમ નથી! મારી આંખો હવે મીંચાઈ રહી છે, મરતા પહેલાં એકવાર મારા ભોળા પતિની માફી માંગવા ઈચ્છું છું. એની સાથે મેં ખુલ્લંખુલ્લા દગો કર્યો છે, બેશરમ બની રંગરેલિયા મનાવી ફળિયાવાળા અને સગાઓની સામે એની ઈજજતનો કચરો કરી નાખ્યો, છતાં એ મારી સેવા કર્યે જાય છે. કયા ભાવથી? એ તો એને જ ખબર! લોકોએ(મેં પણ) એને નપુંસક, બાયલો જેવાં વિશેષણો આપ્યા હતાં, પરંતુ ખરા અર્થમાં જોઉં તો, હું અશોકને ઓળખી જ ન શકી, તો લોકો કેવી રીતે એને ઓળખી શકે? હું વાસનાની પૂજારણ, મારૂં સ્થાન એનાં ચરણોમાં ન હતું, એણે હ્દયમાં આપ્યું! મારી તોડેલ દીવાલને એ હંમેશા જોડતો આવ્યો છે, મકાનની પણ અને પ્રેમની પણ...!

સમાપ્ત