Prem Jagat no Sar in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | પ્રેમ જગતનો સાર

Featured Books
Categories
Share

પ્રેમ જગતનો સાર

પ્રેમ જગતનો સાર...

વૃંદાવનની શેરીઓની સુંદરતા અને યમુના તટે પથરાયેલી નીરવ શાંતિ આજે પણ યથાવત પ્રેમના સુરો રેલાવી રહી હતી. કૃષ્ણ અને રાધા જ્યા બેસતા એ પથ્થરના આડછે, જ્યા બેસવાથી પગને યમુનાના પાણી સાથેનો સ્પર્શમય આનંદ મળતો. એ ભાગનો કિનારો જાણે રાધા કૃષ્ણના ત્યાં બેસવાથી પૃથ્વી પર સ્વર્ગની શેરીઓ જેવો અનહદ આનંદ મેળવતો ભાગ બની ચુક્યો હતો. યમુના પોતે પણ હવે જાણે આ બંનેની ગેરહાજરીમાં પોતાના પ્રિયતમ પ્રભુના ન હોવાના કારણે વિરહમાં આંસુઓ વહાવ્યા કરતી હતી. આજ ફરી રાધા અને કાનાએ મળવા એજ કિનારો પસંદ કર્યો હતો. આ કિનારો રાધા કૃષ્ણની આવી કેટલીયે મુલાકાતોનો સાક્ષી પહેલા પણ બની ચુક્યો હતો. પાછલા લાંબા સમયથી બંને જણા યમુનાના ખળખળ વહેતા પ્રવાહને જોઈ રહ્યા હતા. ક્યારના એકમેકના હાથમાં હાથ પરોવીને સમયની પરવા કર્યા સિવાય પ્રેમ તત્વમાં ખોવાઈને બેસી રહ્યા હતા.

‘મને મોરલી વગાડતા શીખવી દે ને કાના.’ રાધાએ હાથમાંથી હાથ છોડાવતા યમુના તટે બેઠેલા કૃષ્ણના ધ્યાનમાં ભંગ પડે અને એમની તરફ ધ્યાન પડે એમ પૂછ્યું. સહજ રીતે રાધાનો સવાલ સાંભળ્યા પછી કૃષ્ણના ચહેરે હમેશની જેમ એક ગુઢ સ્મિત વહેવા લાગ્યું હતું.

યમુના નદીનો પ્રવાહ ઊંચોનીચો લહેરાઈને કાના અને રાધાના ચરણ પખાળી રહ્યો હતો. આજ પણ કિનારો રાધા કૃષ્ણના પવિત્ર પેમના અમુલ્ય સંવાદની સાક્ષી બનવાનો હતો અને પ્રેમના સાતત્યની વાસ્તવિકતા વિશે જાણવાનો હતો. સામાન્ય રીતે કૃષ્ણ જીવન પોતે એક અદ્ભુત રહસ્યોના ખજાના જેવું છે પણ એમાંય રાધા સાથેની એમની લીલા એટલે પ્રેમ સ્વરૂપ માટે કોહીનુર રત્ન સમી અણમોલ સૌગાત.

‘વાંસળી વગાડતા! પણ કેમ...?’ કાનાએ પોતાના ખોળામાં સુતેલી રાધાને ઉભી થતા જોઈ અને રાધાની આંખોમાં લહેરાતા એ વિચિત્ર ભાવોને જોયા પછી સહર્ષ પૂછ્યું. એ આજે પણ એજ ઉત્સુકતાથી રાધાના રૂપને જોઈ રહ્યા, જાણે આજે પ્રથમ વખત જ એમણે રાધાને જોઈ હોય.

‘બસ કાના, મારે પણ તારી જેમ નિશ્ચિંત થઇ ને વૃંદાવનના કોઈક વૃક્ષ નીચે બેસી વાંસળીના સુરોને છેડતા જ રહેવું છે.’ રાધા ફરી કાનાના મુખ સામે જોઈ રહી.

‘નિશ્ચિંત થવા વાંસળી જરૂરી નથી.’

‘મને તો લાગે છે.’

‘કેમ, અચાનક!! આજે તને વાંસળી વગાડવા અંગે વિચાર અવ્યો.’ કાનાએ નજર રાધા સાથે મેળવી. રાધાનો હાથ હજુ કાનાના હાથમાં હતો. લગભગ કેટલાય સમયની શાંત બેઠેલી રાધાની આંખોમાં ભાવનાનો વહેતો વહાવ સડસડાટ બમણી ગતિએ વહી રહ્યો હતો.

‘સાચું કહું કાના, રાત રાતભર આંખોમાં હવે ઊંઘ નથી દેખાતી, મનમાં હર પળ તારો જ ચહેરો આંખો દિવસ ઘૂમ્યા કરે છે, ક્યારેક ઉઠીને રાત રાત ભર ખડકી અને ડેલા પરથી ચંદ્રની આભામાં તને શોધ્યા કરું છું, તારી સાથે વિતાવેલ એક-એક પળ મને આંખો સામે જીવંત અનુભવાય છે.’ રાધા જાણે અત્યારે પણ એજ જીવંત ક્ષણો માણી રહી હોય એમ બોલી રહી હતી.

‘પછી...’ કાનાને રાધાની આંખોમાં ભાવોના લીસોટા દેખાયા.

‘મને ઊંઘ પણ નથી આવતી.’

‘કેમ...?’

‘તું રાધા હોય ને તો તને સમજાય કાના કે પ્રેમ, શું હોય.’

‘હા. એ પણ છે.’

‘ખબર છે તને, ક્યારેક જ્યારે થોડી પણ ઊંઘ આવવાની હોય ત્યારે તું વૃંદાવનમાં બેસી વાંસળીના સુર છેડી દે છે અને પછી... પછી તારી આ રાધાની રાતોની રાતો તારા આભાસી અહેસાસમાં જ વીતી જાય છે. નથી તારી પાસે આવી શકાતું કે નથી તારા વગર રહી શકાતું.’

‘પણ... એમાં તું વાંસળીનું શું કરીશ રાધા.’

‘વગાડીશ...’

‘વગાડીશ...!!’

‘હા, જ્યારે મને વાંસળી વગાડતા આવડી જશે ત્યારે હું પણ તારી જેમ જ કરીશ. જ્યા સુધી જાગીશ વાંસળીના સુરો છેડ્યા કરીશ અને નહિ પોતે સુવું કે નઈ તને સુવા દઉં.’ રાધાના ચહેરા પર એક સંતોષની લાગણી દેખાવા લાગી હતી.

‘તો પછી હું તારા વગર તડપીશ એ ગમશે તને એમ?’ કાનાના ચહેરા પર હજુય એ સ્મિત એમજ અવિરત પણે વહી રહ્યું હતું.

‘હા કેમ ના ગમે, હું તડપું એ તને ગમે છે તો પછી મારા વિરહમાં તારી તડપ પણ હું સહી લઈશ.’ રાધા અટકી અને થોડીક વાર કઈક વિચાર કર્યા પછી ફરી બોલી. ‘પણ વાસ્તવિકતા તો એ છે કાના, કે મારાથી તો તારી તડપ પણ નહિ જ જોઈ શકાય.’

‘અને તને એમ લાગે મને તારી તડપ જોઈ આનંદ થતો હશે ?’

‘ભલે જે હોય એ, મને તો બસ વાંસળી વગાડતા શીખવું છે.’

‘સારું, તો કાલે હું તારા માટે એક વાંસળી લઇ આવીશ અને પછી યમુનાના તટ પર બેસીને તને આ ખળખળ વહેતા પાણીના અદભુત સુરોની મોહિની સાથે વાંસળીના સુરોને છેડતા પણ શીખવી દઈશ.’ કાનાએ ફરી રાધાના બંને હાથ પોતાના હાથમાં લઇ મજબુતીથી પકડી રાખ્યા. એણે આકાશ તરફ નજર કરી જાણે ભવિષ્યની અભાશી ઘટનાને અનુભવી લીધી. એમણે પોતાના જ અવતાર ચૈતન્ય મહાપ્રભુ જેવી હરી પ્રેમની રાધા દિલે ઉભરાતી તડપ અનુભવી અને મનોમન હસી પડ્યા.

‘કાલે કેમ, આજે જ કેમ નહિ કાના?’ રાધા ફરી કાનાની દિવ્ય દ્રષ્ટિમાં ખલેલ કરતા બોલી ઉઠી.

‘વાંસળી લઇ આવીસ કાલે તારા માટે રાધા અને પછી તને શીખવીશ ને? અત્યારે તો વાંસળી ક્યાં છે?’ કાનાએ હાથને ફરી હળવેકથી દબાવતી વખતે કહ્યું. એમના ચહેરા પર નિખાલસતા પથરાયેલી હતી ભવિષ્ય અંગે જાણકરી હોવાની એ નિખાલસતા હતી.

‘અને આ શું છે કાના.’ રાધાએ કાનાના હાથમાંથી પોતાના હાથ છોડાવ્યા અને પાસે પડેલી વાંસળી કાનાના હાથમાં આપી દીધી. રાધાએ એ વાંસળી કાના સામે ધરી ત્યારે એની આંખોમાં ડોકાતા પ્રશ્નો કાનો જોઈ રહ્યો. એમણે થોડીક ક્ષણો એમજ રહસ્યમયી રીતે સ્મિત વેર્યું અને રાધાની આંખોમાં જોઈ જવાબ આપ્યો ‘આતો કૃષ્ણની વાંસળી છે. જ્યારે તારે તો એવી વાંસળી જોઈએ છે જે માત્ર કાના ને જગાડે.’

‘અને આ?’

‘આ વાંસળીના સુરો તો આખી સૃષ્ટિને જગાડી દેશે. આખા બ્રહ્માંડને પોતાના પ્રેમમાં અને એની મોહધૂનમાં બાંધી લેશે.’

‘બહાના ન બનાવ કાના મારે બસ વાંસળી વગાડતા શીખવું છે.’ રાધાએ મક્કમતા પૂર્વક જવાબ આપ્યો. અને રિસામણે બેઠી હોય એમ એણે મો ફેરવી લીધું.

“સાચું કહું છું રાધા, તને હું કાલે જ્યારે બીજી વાંસળી લઇ આવીશ ત્યારે શીખવિશ.”

“વાંસળીમાં વળી સંસાર ક્યાંથી તારી તરફ ખેંચાઈ આવતો હોય. એ તો હું જ એક એવી ઘેલી છું કે આમ પાગલ બની ગઈ છું અને તારા વાંસળીના સુરે ખેંચાઈ આવું છું. અને ક્યારેક ન આવી શકું તો તડપ્યા કરું છું એકલી.”

“પણ રાધા આ વાંસળી તો સાચે જ માત્ર તું નહિ પણ તારા જેવી કેટલીયે પ્રેમની તરસે ઝૂરતી પ્રિયતમાઓને મારી તરફ ખેંચી લાવશે. આ વાંસળીના સૂરથી તું મને તો તારા તરફ વિચલિત નહિ કરી શકે પણ મને ચાહતી એવી મારા પ્રેમમાં ડૂબેલી અગણિત પ્રેમ તત્વની આધીન પ્રિયતમાઓ તારી તરફ ખેંચાઈ આવશે જે તારી જેમજ મને અનહદ પણે ચાહે છે. આ માત્ર વૃંદાવન નહિ પણ સંપૂર્ણ સંસારમાં એની ધૂન ગુંજી ઉઠસે. એ બધુંય કેમ સાંભળી શકશે એટલે આ વાંસળી વગાડવાની જીદ છોડી દે રાધા. આ તારા કામની નથી.”

“આ તો તારો અહમ છે કાના...”

“અહમ...?”

“હા કાના અહમ... એટલે તું મારા પ્રેમને સાવ ઓછો આંકી રહ્યો છે. નહિ તો રાધા જેટલો પ્રેમ બીજું તને કરી જ કોણ શકે...” રાધા કાના પાસેથી ઉભા થઇ ગઈ હતી. “કે જે સમાજની શરમ સૂરોના પાછળ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર દોડી આવે છે. અને આમ તારા હાથમાં હાથ નાખી ઘર પરિવારની ચિંતા કર્યા વગર તારી પાસે બેસી રહે છે.”

“રાધાની વાત સાંભળ્યા છતાં કાનાના ચહેરા પર મોહક સ્મિત વહી રહ્યું હતું. યમુના પરનો વહેતો પવન એના ચહેરા પર મીઠો સપર્શ કરી કાનાના ચહેરે સ્મિતની રેખાઓ ઉપસાવી રહ્યો હતો.

“તું હશે છે કાના...”

“મને દેખાય છે રાધા હવે...”

“શું દેખાય છે કાના...”

“અહમ... અહમ તો હવે તારામાં અને તારા આ શબ્દોમાં વર્તાઈ રહ્યો છે.”

“પણ યાદ રાખ રાધા અહમ હંમેશા પ્રેમનો દુશ્મન બની જ જાય છે.” કૃષ્ણએ રાધાને જવાબ આપ્યો.

“આજ અહમ પ્રેમમા અધિકાર પણ કહેવાય છે કાના. તને ખબર ન હોય તો સાંભળ જે વધુ પ્રેમ કરશે એતો પોતાનો હક મંગાશે જ ને...”

“પ્રેમમાં લેન-દેન કે હક માંગવાની વાત ક્યાંથી હોય. પ્રેમ કઈ માંગવાની વસ્તુ નથી...?’

“આ બધી વેદો અને શાસ્ત્રોની વાતો છે કાના. મને એવી વાતોમાં ન ફસાવ..” રાધા ઉઠીને થોડીક દુર ચાલી ગઈ અને કહ્યું “એક કામ કર કાના તને એટલો જ અહમ હોય ને તારી બીજી પ્રિયતમાઓ પર, તને એમ હશે કે આ રાધાથી વધુ તને કોઈ પ્રેમ કરી શકે તો એક કામ કર હું જોઇશ ચલ. તું વગાડ તારી આ વાંસળી અને વહાવ તારી વાંસળીના એ સુર હું જોઉં છું કોણ મારા પ્રેમની એ રેખાને વટાવી શકે છે... આજે થઇ જાય તારી બધી પ્રિયતમાઓની પ્રેમની પરીક્ષા.’ રાધાએ મનોમન કઈક બોલ્યા પછી પાસે પડેલા પથ્થર વડે કાનો જ્યા બેઠો હતો ત્યા આસપાસ એક રેખા બનાવી દીધી અને કાના સામે જોઈને ઉભી રહી. એની આંખો અત્યારે કાનાને કહી રહી હતી જાણે કે વગાડ કાના, વગાડ તારી મોરલી જોઉં કઈ પ્રિયતમાઓ દ્દોડી આવે છે.

કૃષ્ણ હસી પડ્યા હતા. એમણે જાણે ભવિષ્યને આંખો સામે ભજવતો જોયો હોય એમ એ થોડીક વાર રાધાના ચહેરાને જોઈ ને ફરી બોલ્યા. ‘વિચારી લેજે રાધા...’ પણ રાધાની આંખોમાં તરવળતી મક્કમતા જોઈ કાનાએ વાંસળીના સુરો રેલાવાના શરુ કરી દીધા. આખાય સંસારની ગલીઓમાં કાનાની વાંસળીના એ સુરો ગણગણી ઉઠ્યા અને જાણે સુતેલો સંસાર જીવંત બનીને મધમધી ઉઠ્યો, ફૂલો મહેકવા લાગ્યા, વૃક્ષો પોતાની રીતે ખીલી ઉઠ્યા, યમુનાનો કિનારો પણ એના મોહમાં શાંત બની ગયો હતો, સુરજ અને ચંદ્ર જાણે સાથેજ ધરતી પર એ સૂરોમાં મોહિત થઇ ને આવી ચડ્યા હતા. ચારે તરફ પશુ, પંખી અને જીવજંતુ પણ એ મોહક સુરમાં જાણે ઝૂમી ઉઠ્યા હતા. સંસારની તમામ સ્ત્રીઓમાં એક વિચિત્ર સંવેદનાના તાર છેડાવા લાગ્યા હોય એમ વિહ્વળ બની ગઈ હતી. દરેકમાં પડેલ પ્રેમતત્વ જીવંત બની એ સુરો તરફ ખેંચાઈ રહ્યો હતો.

લગભગ થોડાક જ સમયમાં રાધાના ચહેરા પરના હાવભાવ બદલાવા લાગ્યા હતા. કાનાની વાંસળીના સુર વાસ્તવમાં હજારો જીવને પોતાની તરફ આકર્ષી રહ્યા હતા એ રાધા જોઈ રહી હતી. પણ જ્યારે એ રાધા દ્વારા દોરેલ રેખા પાસે આવીને બધું અટકી ગયું અને રેખા અગ્નિ બનીને સળગવા લાગી હતી. રાધાનો અહમ ફરી એને એવું વિચારવા પ્રેરતો હતો કે એના જેટલો પ્રેમ કોઈ પણ જો કરી શકતું હોત તો એ રેખા જરૂર પાર કરી શકત. પણ એના મનના તર્ક નિર્ણયમાં બદલાઈ જાય એ પહેલા એ રેખા પણ પાર થઇ ગઈ હતી. કેટલીયે પ્રેમ દીવાની આત્માઓ કાના તરફ ખેંચાઈ આવતી હતી. છેવટે કાનાએ વાંસળી વગાડવનું પાસે મૂકી અને રાધા સામે એજ મોહિની સ્મિત વેર્યું.

એ ભીડમાં અસંખ્ય સ્ત્રીઓ હતી જેમાં કેટલીક વૃદ્ધા, કેટલીક સુંદર સ્ત્રીઓ, કેટલીક અપ્સરા, કેટલીક દેવીઓ, અને કેટલીક શક્તિઓ પણ હતી. એ દરેકે દરેકે સહજતાથી રાધાની રેખા પાર કરી લીધી હતી. રાધા હજુય ફાટી આંખે આ બધું જોઈ જ રહી હતી. એનો અહમ એની ઉભરાતી આંખોમાં આંસુઓ દ્વારા હવે વહી રહ્યો હતો. પણ કાનાના ચહેરા પર હજુય એજ સ્મિત અકબંધ રીતે જળવાયું હતું. એમની આંખો હજુય રાધાની આંખોમાં છલકાતા આંસુઓ નિહાળી રહી હતી. એમના ચહેરાના ભાવ એટલે શાંત હતા કારણ એમણે ભવિષ્ય પહેલા જ જોઈ લીધું હતું. એ જાણતા જ હતા જે થવાનું હતું.

‘મને માફ કરી દે કાના, હું કેટલી મૂર્ખ છું કે મેં તારા પર માત્ર મારો જ હક માન્યો હતો. પણ તું તો આ સંસારનો છે. અત્યાર સુધી જેને હું મારો અધિકાર સમજતી હતી એ બંધ પણ આજે મારામાંથી તૂટી ગયો છે.’ રાધા કાનાના ચરણો પાસે બેસી ગઈ હતી, એમની સામે બેય હાથ જોડતા કહ્યું ‘તારી રાધા આજે હારી ગઈ કાના, તારી રાધા આજે હારી ગઈ.’

‘તું હજુય ભૂલ કરી રહી છે.’ કાનાએ રાધાની જુકેલી ગરદનને એની હડપચી પર હાથ મૂકી પોતાની સામે જોવડાવ્યું. કાનાના ચહેરા પર હજુય એજ સ્મિતની ધારા વહી રહી હતી. રાધા એમ જ કાનાના ચહેરાને જોઈ રહી હતી જાણે એ હજુ કઈ સમજી જ ના શકતી હોય.

‘પ્રેમ ક્યારેય હારી શકે ખરા? તું ક્યારેય હારી જ ન શકે રાધા.’ કાનાએ ફરી રાધાના ચહેરા સામે સ્મિત વેરતા કહ્યું. રાધા કહી રહી હતી કે પ્રભુ મારી હાર મારી આંખો સામે હજારોની સંખ્યામાં ઉભી છે. ત્યારે કાનાએ એજ સ્મિત સાથે ફરી રાધાને જવાબ આપ્યો. ‘આ બધી સ્ત્રીઓને જરા ધ્યાનથી જો રાધા, તને ખબર છે આ બધી પણ પોતાને મારી પ્રેમિકા જ કહે છે. અને આ બધી પોતપોતાને કેટલાય અલગઅલગ નામોથી ઓળખાવે છે. પણ જ્યારે એમને ખબર પડી કે હું તને પ્રેમ કરું છું ત્યારે એમણે પોતાના પ્રેમનું બલિદાન આપી દીધું. આ બધી પોત પોતાને સીતા, ગીતા, આરતી, પ્રાથના, શાંતિ, શ્યામા જેવા ઘણા નામે ઓળખાવે છે જરા જો આ બધી વાસ્તવમાં કોણ છે.’ કાનાએ ફરી આંગણી એ ટોળા તરફ ચિંધતા રાધાને જોવા કહ્યું ત્યારે રાધાને એ દરેક દરેક ચહેરામાં જાણે સાક્ષાત પોતે જ હોય એવો આભાસ થયો. ત્યારે કાનાએ ફરી પોતાની વાતનો દોર જોડ્યો.’ આ બધી સ્ત્રીઓ જે તને જુદી જુદી ભલે દેખાતી હોય પણ મને તો માત્ર એમાં જળહળતો પ્રેમ દેખાય છે. મને તો આ બધા જ ચહેરામાં મારી રાધા દેખાય છે. હવે તું જ કે એમનો પ્રેમ મારા માટે તારા કરતા ઓછો કેવી રીતે હોઈ શકે...?’ રાધા કાનાના શબ્દો સાંભળ્યા પછી ફરી ફરીને એ ટોળા તરફ જોઈ રહી હતી.

‘આ બધો જ માયાનો ખેલ છે રાધા. પણ તું જાણે છે એમ હું તો સ્વયં પ્રકૃતિ છું. માયા મને નથી ભરમાવી શકતી એટલે મને તો દરેક સ્ત્રી સ્વરૂપમાં માત્ર અને માત્ર મારી રાધા જ દેખાય છે. મારા પર માત્ર અને માત્ર પ્રેમ તત્વનો અધિકાર છે એ રીતે જોતા આ દરેકનો મારા પર પૂર્ણ અધિકાર છે. એટલે તું ભલે ગમેં તે સ્વરૂપમાં રહીને મને પ્રેમ કરે મારા પર તારો પુરો અધિકાર છે.’ કાનાના શબ્દો જાણે રાધાના અહમના સાગરને સુકવી રહ્યા હતા. એની આંખો સતત વહેતી જઈ રહી હતી.

‘એટલે એનો અર્થ એમ જ ને કાના કે, તારી દ્વારા રચાયેલી માયા જ તારી આ રાધાને અલગ અલગ રૂપોમાં ભટકાવે છે.’ રાધાએ છેવટે સહેજ શાંત થતા કાનાને પૂછ્યું.

‘આજ તો રહસ્ય છે.’ કાનાના ચહેરા પર હજુય એમજ સ્મિત લહેરાતું હતું. ‘સૃષ્ટિની આજ તો નિયતી છે અને સાર્થકતા પણ. એમાં હું છું, તું છે અને આ પ્રેમ પણ છે. વ્યક્તિ અને ધર્મના ભેદ વગેરે મારા માટે નથી. આ ભેદ ભુલાવીશ ત્યારે તું પણ માયાના પરભાવથી ઉપર ઉઠી જઈશ. પછી તને આ સૃષ્ટિની માયા ક્યારેય છળી નહિ શકે.’

‘હું રહી સીધી સાદી ગોવાલણ આટલી ઊંડી ગહેરી વાતો હું ક્યાંથી સમજી શકું.’ રાધાએ ફરી યમુનાના ખળખળ વહેતા પાણી તરફ નજર નાખીને કહ્યું.

‘ગહેરી તો છે પણ એનો મતલબ સીધો છે. માયાથી જે ચારે બાજુ અલગ ચહેરા, અલગ પશુ-પક્ષી, અલગ રંગ, અને અલગ અલગ પ્રકારના સ્વરૂપો રચાય છે મૂળ તો એ પ્રકૃતિમાં એક જ છે. રાધા અને કૃષ્ણ પણ મૂળ તો એક જ છે કોઈ વસ્તુ પ્રકૃતિથી અલગ તો નથી જ.’ કાનાએ ફરી ઊંડો સાર જણાવ્યો.

‘એક વસ્તુ છે કાના...’ રાધાએ જરાક વિચાર કરતા કરતા જવાબ આપ્યો.

‘એ શું રાધા..’ કાનાએ ફરી એના હાથને પોતાના હાથમાં મુકતા પૂછ્યું.

‘પ્રેમ... કાના... પ્રેમ... રાધા ને કૃષ્ણનો પ્રેમ.’ રાધા કાનાની આંખોમાં જોઈ રહી હતી.

‘વાહ, સાચી અને સુંદર વાત છે. એક તર્કમાં આખેઆખો પ્રાસંગિક ભાવ સમજી ગયા તમે. આજ અમે ફરી હારી ગયા તમારી સમજ અને સુઝબુઝ આગળ.’ કાનાએ ફરી સ્મિત વેર્યું. અને ફરી એમણે પોતાના ચરણો આગળ સહેજ સરકાવી યમુનાના જળમાં ડૂબાડ્યા.

‘તો પ્રભુએ હાર સ્વીકારી લીધી એમ ને...?’ રાધા પણ સહસ્મિત કાના સાથે યમુનાના ખળખળ વહેતા પાણીમાં પગને ભીંજવવા લાગ્યા હતા.

‘શ્યામા તમે તો જાણો જ છો ને કે પ્રેમ આગળ જ તો ભાગવાન હારી જાય છે. પ્રેમ વગર આ સંસારમાં કઈ જ નથી, પ્રેમ વગર સંસાર ઉજડી જશે. પ્રેમ જ તો સંસારનો સાર માત્ર છે.’ છેવટે કાનાએ વાત પતાવી અને ખુલા આકાશમાં જોઈ રહ્યો.

The End