જીવન ખજાનો

જીવન ખજાનો-૧

રાકેશ ઠક્કર

જ્ઞાનની કોઈ સીમા નથી

યૂનાની દાર્શનિક અફલાતૂન પાસે દરરોજ અનેક વિદ્વાન આવતા અને જ્ઞાનની ચર્ચા કરતા હતા. બધા જ તેમની પાસે કંઈક ને કંઈક જ્ઞાન મેળવીને જતા હતા. તેમની પાસે જાણે જ્ઞાનનો અખૂટ ભંડાર હતો. છતાં તેઓ પોતાને કયારેય જ્ઞાની માનતા ન હતા. કે તેમને પોતાના જ્ઞાનનું અભિમાન ન હતું. અને સામાન્ય વ્યક્તિ પાસેથી પણ તે કંઈક શીખવાનો પ્રયત્ન કરતા.

એક દિવસ એક મિત્રએ તેમને કહ્યું,'આપની પાસે દુનિયાના મોટા મોટા જ્ઞાનીઓ કંઈક ને કંઈક શીખીને જાય છે. અને જ્ઞાન મેળવીને પોતાને ધન્ય માને છે. પણ આપની એક વાત મારી સમજમાં આવતી નથી.. મને પૂછવામાં જરા સંકોચ થાય છે...'

અફલાતૂને તરત જ કહ્યું, 'તારા મનમાં જે શંકા હોય તે વ્યકત કરી દે. મને ખોટું નહિ લાગે.'

મિત્રએ કહ્યું, 'તમે પોતે એક મોટા દાર્શનિક અને વિદ્વાન છો. તમારી સાથે કોઈની તુલના થઈ શકે એમ નથી. તમારી પાસે આવીને મોટા વિદ્વાનો અને વક્તાઓ જ્ઞાન મેળવે છે. છતાં તમે બીજા પાસેથી જ્ઞાન મેળવવા હંમેશા તત્પર રહો છો, અને તે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે એક વિદ્યાર્થીની જેમ. એમાં પણ મોટી વાત એ છે કે તમને સામાન્ય વ્યક્તિ પાસેથી શીખવામાં કોઈ ખચકાટ કે શરમ રોકતા નથી. તમારે હવે કંઈ શીખવાની શું જરૂર છે. તમે પોતે જ મોટા જ્ઞાની છો. તમારા જેટલું જ્ઞાન તો કોઈ પાસે નહિ હોય...'

આટલું કહીને મિત્રએ ક્ષણ માટે અટકીને પૂછયું, 'એવું તો નથી ને કે લોકોને ખુશ કરવા માટે તમે તેમની પાસેથી કંઈક શીખવાનો દેખાડો કરો છો..?'

મિત્રની વાત સાંભળી અફલાતૂન જોરથી હસી પડયા અને પછી શાંતિથી બોલ્યા, 'દરેક વ્યક્તિ પાસે કોઈ એવી વસ્તુ છે જે બીજાની પાસે નથી. એટલે દરેક વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે. કોઈ વ્યક્તિ કયારેય સંપૂર્ણ જ્ઞાની બની શકે નહિ. જ્ઞાન અનંત છે. તેની કોઈ સીમા નથી. એટલે હું હંમેશા શીખતો રહું છું.'

અફલાતૂનની વાત સાંભળી મિત્રને સમજાઈ ગયું કે પોતાની પાસે જ્ઞાન હોવા છતાં જેને તેનું અભિમાન નથી એ જ સાચો જ્ઞાની છે.

*
શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે,
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે.
-ખલીલ ધનતેજવી

*
દુનિયામાં ત્રણ રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
-    પહેલું મનનથી, જે સર્વશ્રેષ્ઠ છે.
-    બીજું અનુકરણથી, જે સૌથી સરળ છે.
-    ત્રીજું અનુભવથી, જે અત્યંત કડવું છે.

**************************************

સંતોષ સાચું ધન

પંડિત શ્રીરામનાથ નગરની બહાર એક ઝૂંપડીમાં પોતાની પત્ની સાથે રહેતા હતા.

એક દિવસ પંડિતજી જયારે પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ આવીને પૂછયું,'આજે ભોજનમાં શું બનાવું? એક મુઠ્ઠી ચોખા જ છે.' પંડિતજીએ એક પળ માટે પત્ની તરફ જોયું અને પછી પોતાના કામમાં લાગી ગયા. 
સાંજે તેઓ ભોજન કરવા બેઠા ત્યારે થાળીમાં ચોખા સાથે બાફેલા પાનનું શાક જોયું અને થોડું ખાઈને પત્નીને પૂછયું, 'આજે શાક સ્વાદિષ્ટ બન્યું છે? આ શાક શેનું છે?' પત્નીએ જવાબ આપતાં કહ્યું,'મેં તમને જયારે ભોજન બાબતે પૂછયું ત્યારે તમારી નજર આમલીના ઝાડ તરફ ગઈ હતી. એટલે મેં તેના જ પાનનું શાક બનાવ્યું છે.'

પંડિતજીએ શાંતિપૂર્ણ  સ્વરમાં આનંદ સાથે કહ્યું, 'ખરેખર, આમલીના પાનનું શાક પણ આટલું સ્વાદિષ્ટ હોય છે એની આજે જ ખબર પડી. હવે તો આપણે ભોજનની કોઈ ચિંતા જ ના રહી.'

જ્યારે નગરના રાજાને પંડિતજીની આવી ગરીબીની ખબર પડી ત્યારે તે દોડતા તેમની ઝૂંપડીએ આવ્યા. અને પંડિતજીને કહ્યું કે તમે નગરમાં આવીને રહો. ત્યાં બધી જ વ્યવસ્થા કરી આપવામાં આવશે. પણ પંડિતજીએ ના પાડી દીધી. ત્યારે રાજાએ તેમને પૂછયું કે તમને કોઈ વાતનો અભાવ નથી ?'

પંડિતજીએ જવાબમાં હસીને કહ્યું, 'એ તો મારી પત્ની જ જાણે.' એટલે રાજાએ એ જ વાત પંડિતજીની પત્નીને પૂછી.

પત્ની બોલ્યા, 'મહારાજ, અમારી ઝૂંપડીમાં કોઈ વાતનો અભાવ નથી. મારું પહેરવાનું વસ્ત્ર હજુ એટલું ફાટયું નથી કે તે ઉપયોગમાં લઈ ના શકાય. પાણીનું માટલું હજુ કયાંયથી જરા પણ તૂટયું નથી. અને મારા હાથમાં જયાં સુધી આ બંગડીઓ છે ત્યાં સુધી મને શેનો અભાવ હોય શકે? સાચું કહું? મર્યાદિત સાધનોમાં જ સંતોષનો અનુભવ થતો હોય તો જીવન આનંદમય બની જાય છે.'

 પંડિતજીની પત્નીની આ વાત સાંભળી રાજાનું મસ્તક તેમની સામે શ્રધ્ધાથી ઝૂકી ગયું. અને તેમણે પણ સંતોષને જ સાચું ધન માનવાનો સંકલ્પ કર્યો.

*
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,

સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે.

-બરકત વિરાણી 'બેફામ'

*
જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. સંતોષ કુદરતી દોલત છે, જયારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.

*****************

પ્રાર્થનાની વચ્ચે કોઈ નહિ

એક શેઠ સંતને મળવા ગયા. સંતને પ્રણામ કરીને પૂછયું,‘મહારાજ, હું પ્રાર્થના કરવા ઈચ્છું છું પણ તમામ પ્રયત્નો પછી પણ હું કરી શકતો નથી. મારું ધ્યાન લાગતું નથી. જ્યારે પણ હું ધ્યાન લગાવવાની કોશિષ કરું છું ત્યારે મારી સામે દુન્યવી વસ્તુઓ આવી જાય છે. પૈસા કમાવવા બાબતે અને પરિવારની સમસ્યાઓ વિશે વિચારવા લાગું છું. તમે જ મને પ્રાર્થનામાં મન લગાવવાનો કોઈ ઉપાય બતાવો. ’

શેઠની વાત સાંભળી સંત તેમની સાથે ઘરે ગયા. અને એક એવા ઓરડામાં લઈ ગયા જ્યાં બારીઓમાં કાચ લગાવવામાં આવ્યા હતા. સંતે શેઠને કાચની બહારના દ્રશ્યો જોવા કહ્યું.

કાચની બહાર ઠેર ઠેર હરિયાળી જોવા મળી. પક્ષીઓ આમથી તેમ ઉડાઉડ કરી રહ્યા હતા. મનોહર દ્રશ્ય જોઈને શેઠનું મન પુલકિત થઈ ગયું. પછી સંત તેમને બીજા એક ઓરડામાં લઈ ગયા. જ્યાં બારીઓ પર ચાંદીનું આવરણ હતું. અને તેના પર સુંદર કલાકારીગીરી કરવામાં આવી હતી. તેને બતાવી સંતે કહ્યું,‘શેઠજી, આ ચમકતી ચાંદીના આવરણની પેલે પાર તમને શું દેખાય છે?’

શેઠે નજીક જઈને જોયું તો પોતાના ચહેરા સિવાય કંઈ જોઈ શક્યા નહિ. બહારના મનોહર કુદરતી દ્રશ્ય એમાં ખોવાઈ ગયા હતા.

શેઠ બોલ્યા,‘મહારાજ, અહીં તો બહારની દુનિયા જ ગાયબ છે. કાચમાંથી તો મને સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા હતા.’

સંત કહે,‘સાચું કહ્યું તમે, આ જ રીતે તમે પણ પ્રાર્થના કરતી વખતે પોતાની ઉપર ચાંદીનું આવરણ ચઢાવીને રાખો છો. એટલે તમને તમારો ચહેરો અને અભિમાન સિવાય કંઈ જ દેખાતું નથી. જો તમે પોતાને કાચની જેમ પારદર્શક અને સ્વચ્છ બનાવશો તો તમારું ધ્યાન સહજ રીતે પ્રાર્થનામાં લાગી જશે.

’શેઠને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે એ જ ક્ષણથી નિશ્ચય કર્યો કે પ્રાર્થના વખતે તે કોઈ પણ વસ્તુને વચ્ચે આવવા દેશે નહિ. 

*   
હે પ્રભુ,

સંજોગો વિકટ હો ત્યારે સુંદર કેમ જીવવું તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે શાંતિ કેમ રાખવી તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે, ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું તે મને શીખવ.

કઠોર ટીકા અને નિંદાનો વરસાદ વરસે ત્યારે,

તેમાંથી મારા ખપનું ગ્રહણ કેમ કરી લેવું તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.

ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે, શ્રધ્ધા ડગુમગુ થઈ જાય,

નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય,

ત્યારે ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતિક્ષા કેમ કરવી, તે મને શીખવ.

-કુન્દનિકા કાપડિયા

*   
આપણી અંદરની ગંદકીને આપણે બહાર ના કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને હક્ક નથી.
*   
**********************

ક્રોધનું કારણ જ ના રાખો

વિશ્વ પ્રસિધ્ધ રોમન સમ્રાટ જુલિયસ સીઝરની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ યોધ્ધાઓમાં કરવામાં આવે છે. જુલિયસે જીવનમાં અનેક યુધ્ધો લડયા હતા. તેના મિત્રોની સંખ્યા ઘણી હતી. તો દુશ્મનો પણ અનેક હતા. જે તેના વિરૂધ્ધ જાતજાતના ષડયંત્ર રચતા રહેતા હતા. અને તેને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હતા. તે માનતો હતો કે જીવનની દરેક પળને ભરપૂર માણવામાં જ સાચું સુખ છે. એટલે ગમે તેટલી મોટી વિપત્તિમાં તે પરેશાન થતો ન હતો. તેનામાં કામ કરવાની એક ધૂન હતી. જુલિયસ માટે કહેવાય છે કે તે એક જ સમયે ત્રણ કામ કરતો હતો.

એક દિવસ જુલિયસ પોતાના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે તેમનો માણસ પત્રોનો મોટો ઢગલો લઈને આવ્યો. તેને જણાવવામાં આવ્યું કે આ બધા પત્રો તમારા વિરોધીઓએ લખ્યા છે. જુલિયસે એક પણ પત્રને વાંચવાનું યોગ્ય ના સમજ્યું. અને નજીકમાં સળગતી આગમાં બધા જ પત્રો સળગાવી દીધા. આ જોઈને તેના મિત્રોને નવાઈ લાગી.

એક મિત્રએ કહ્યું,‘તમે આ યોગ્ય કર્યું નથી. આ પત્રો તમારા દુશ્મનો વિરૂધ્ધ મોટા પુરાવા સાબિત થઈ શકે એમ હતા. આનાથી આપણે એમના ષડયંત્રોનો પર્દાફાશ કરી શકીએ એમ હતા.’

પોતાના હિતેચ્છુ મિત્રને સલાહ બદલ ધન્યવાદ આપીને જુલિયસ સીઝરે બહુ સરળ અંદાજમાં કહ્યું,‘હું ક્રોધ પ્રત્યે બહુ સાવધાન રહું છું. પણ તેના કરતાં વધુ જરૂરી પગલું એ છે કે ક્રોધના કારણનો જ નાશ કરી દેવામાં આવે. ક્રોધને આપણે જીવનમાં જગ્યા શા માટે આપવી જોઈએ? ક્રોધ ક્ષણિક ગાંડપણ છે. તેને આપણા પર હાવી થવા દેવું ન જોઈએ.’

જુલિયસની વાત સાભળીને મિત્રો તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા. 

*
વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં, તેને ત્યજી દેજે,

ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે!

- બાલાશંકર કંથારીયા

*

જો તમે ક્રોધની એક ક્ષણ શાંત રહો તો કેટલાંય વર્ષો સુધીના દુઃખથી દૂર રહી શકો છો.

*


***

Rate & Review

Verified icon

Bharat Saspara 2 months ago

Verified icon

Ajay 4 months ago

Verified icon

Ajit Shah 4 months ago

Verified icon

ATULCHADANIYA 4 months ago

Verified icon

Devang Shah 5 months ago