Ekbandh Rahashy - 27 books and stories free download online pdf in Gujarati

અકબંધ રહસ્ય - 27

એકબંધ રહસ્ય

ભાગ - 27

Ganesh Sindhav (Badal)

જયાના માર્મિક વાક્યને વિરમ પામી ગયો. એ બોલ્યો, ‘તને ડોકટરે બોલવાની મનાઈ કરી છે. તું સંપૂર્ણ આરામ કર.’

સુમનને મમ્મીનું આ વાક્ય ગૂઢાર્થયુક્ત લાગ્યું. હાલ એની સાથે ચર્ચા થઈ શકે તેમ નહોતું.

ધીરે-ધીરે જયાની તબિયત સુધરી રહી હતી. સુમને વિભાને પત્ર લખીને રતનપર બોલાવી લીધી. એણે રમેશભાઈ અને મધુના ચરણ સ્પર્શ કર્યા. એ જયાના પગે નમી. જયાએ એના માથે હાથ મૂક્યો. વિભાએ જયાની સુશ્રુષા શરૂ કરી. સમયસર દવા આપે, પગ દબાવે, સ્નાન કરાવે, કપડાં ધૂવે. આથી જયા વિભા પર પ્રસન્ન હતી.

રતનપર નાનું ગામ હોવાથી વિભાને જોઇને જયાને ગામના લોકો કહેતાં, “તમારા સુમનની વહુના રૂપ જેવા જ એના ગુણ છે. તમારું નસીબ ઉઘડી ગયું છે. વિભાનું રૂપ ઇન્દ્રની અપ્સરા જેવું છે. એને એના રૂપનો એ ભણતરનો તોર નથી. તમારું ઘર શોભી ઊઠે એવી વહુ સુમન લાવ્યો છે.” લોકમુખે વહુના વખાણ સાંભળીને જયા મનોમન હરખાતી હતી.

જયાએ માંદગીની રજા લીધી હતી. એ હવે પૂરી થઈ હતી. સુમન અને વિભાની રજાઓ પણ પૂરી થતી હતી. તેથી સુમન કહે, “અમારે નોકરી પર હાજર થવું જરૂરી છે. તું શાળામાં રાજીનામું મૂકીને અમારી સાથે રહેવા આવી જા. અમે તને અહીં એકલી રહેવા દઈશું નહીં.” જયા કહે, “મને ત્યાં ન ફાવે. તારા પપ્પાએ હંમેશ માટે મારો તિરસ્કાર કર્યો છે. એમની સંસ્થામાં જઈને રહેવું એ નાલેશી છે. મેં તારા પપ્પા પર બે પત્ની રાખવાનો કેસ કર્યો. એનો ફેંસલો મારી વિરુદ્ધ આવ્યો. હવે હું નાકલીટી તાણીને એમની પાસે અરેવા જાઉં એવી હું નાદાન નથી.”

વિભા કહે, “તમારે આપણા ઘરે રહેવાનું છે. તમને ફાવે ત્યાં સુધી રહેજો. ન ફાવે તો પાછા જતા રહેજો.”

જયા કહે, “સુમુ, તમારા બંનેના આગ્રહથી હું ત્યાં રહેવા આવું. પણ મારી એક શરત છે. મને તેડવા માટે વિઠ્ઠલદાદા આવે. હાલ તમે બંને જાવ ને દાદાને મોકલજો.”

સુમન અને વિભા સંસ્થાએ પહોંચી ગયા. એમણે જયાની વાત વિઠ્ઠલભાઈને કહી. એ રતનપર ગયા. એમની સાથે જયા સંસ્થાએ પહોંચી.

જયાની સારવાર માટે એક બહેન રાખ્યા હતા. એનું નામ વેલી. એ દિવસભર જયાની પાસે રહે. એની સેવા કરે. ઘરનું કામ પણ એ કરતી. એણે જયાને કહ્યું,

“બુનબા, ઘણા સમયથી તમારો રોગ મટતો નથી. તમે બાપજીના થાનકની બધા રાખો. ભૂવો તમને મંતરેલો દોરો આપશે એ બાંધવાથી તમારો રોગ મટી જહે, તમે વિશ્વાસ રાખો તો ઠીક થાહે ! અહીં એ ભૂવો નહીં આવે. તમે કે ‘તા હો તો હું મંતરેલો દોરો લેતી આવું. તમારે પચાસ રૂપિયા આપવા પડહે.” જયાએ એણે રૂપિયા આપીને દોરો મંગાવી લીધો. જમણા હાથની કોણીથી ઉપરના ભાગે વેલીએ દોરો બાંધી દીધો.

જયાના હાથે બાંધેલો દોરો વિભાએ જોયો. એણે સુમનને બતાવ્યો. જયા ઉંઘતી હતી. સુમને ધીરેથી એ દોરો છોડી નાખ્યો. પોતાના હાથે બાંધેલો દોરો ગુમ થવાથી જયા બેચેન બની. કંઈક અશુભ થવાની એણે દહેશત લાગી. એને ઉંઘ ન આવી. સવારે વેલી આવી. જયાએ દોરો ગુમ થયાની વાત એને કહી. વેલી કહે, “બુનબા, દોરો ગુમ થવાથી બાપજી કોપાયમાન થહે, તમારે બાપજીના થાનકે જવું પડહે, ભૂવાની માફી માંગવી પડહે. હું તમારી ભેગી આવીશ.”

સુમન અને વિભા લેબોરેટરીએ ગયા હતા. જયા અને વેલી બાપજીના થાનકે પહોંચ્યા. જયાએ ભૂવાની માફી માંગી. બાપજીના થાનકે માથું નમાવ્યું. થાનક આગળ સો રૂપિયાની નોટ મૂકી. ભૂવાએ ધૂપ કર્યો. ખીલીએ લટકતી ઝોળીમાંથી દોરો કાઢ્યો, એ દોરને ધૂપાણાં પર ફેરવીને સિદ્ધ કર્યો ને ભૂવાએ જયાને હાથે દોરો બાંધી દીધો.

આ ઘટનાની જાણ સુમનને થઈ. એણે એની મમ્મીને કહ્યું, એ ભૂવા પાસે જવાની તારે શી જરૂર હતી ? એણે વેલીને બોલાવીને કહી દીધું, તમારે કાલથી અહીં આવવાનું નથી. સુમનના આ વર્તનથી જયા ક્રોધિત બની. એણે કહ્યું, “મારે રતનપર જવું છે. હું એકલી ત્યાં રહીશ.” એ જ ઘડીએ એણે છાતીમાં દુઃખાવો શરૂ થયો. આ આંચકા એના માટે જીવલેણ હતા.

રતનપરથી રમેશભાઈ અને મધુ આવ્યા. વિરમ અને ચતુરભાઈ આવ્યા. સુરેશ, રઝિયા, વિઠ્ઠલભાઈ અને રેવા પણ હાજર થયા. રમેશભાઈએ જયાને પૂછ્યું, “તને શું થાય છે ?”

ધીમેથી એ બોલી, ‘હાથના કર્યા હૈયે વાગ્યાં’. જયાના આ વાક્યનો અર્થ જાણકાર હતા એ જાણી ગયા. સુમને આ વાક્ય મમ્મીના મોઢેથી બીજીવાર સાંભળ્યું. એના માટે એ અકબંધ રહસ્ય બની ગયું.

જયા આ માયાવી દુનિયા છોડીને ચાલી ગઈ.

વેલીએ ગામમાં વાત ફેલાવી, “નેહાળના સા’બે બાપજીના દોરાનું અપમાન કર્યું હતું તેથી એની મા મારી ગઈ.”