Password - 25 books and stories free download online pdf in Gujarati

પાસવર્ડ - 25

પ્રકરણ નં.૨૫

રાજેશ્વર અને તેના મિત્ર કે જેને સૌ એડવોકેટ તરીકે ઓળખતા હતાં તે કાર્તિક પાટનગરમાં આવી ચુક્યા હતાં. વતન પરત ફર્યા બાદ તેઓ સીધા જ એક ખુફિયા સ્થળે પહોંચી ગયા. આ સ્થળે પહોંચવા માટે લાંબા સમયથી ઝઝૂમી રહેલી પોલીસ કેમેય ફાવી ન્હોતી. આજે આ પ્રકરણનો ખુલાસો થવાનો હતો.

આ એ ભેદી પ્રકરણ છે જેમાં મલ્ટીનેશનલ પી.આર. કન્સલ્ટન્સી કંપનીના ચેરમેન અશ્વિનીકુમાર અને એમ.ડી. મયુરકુમારનાં અપહરણ કેસની છેલ્લા કેટલાય મહિનાઓથી તપાસ કરી રહેલી પોલીસને આજ દિન સુધી કશી જ સફળતા મળી ન્હોતી. પોલીસે કેટલાક સાંયોગિક પુરાવા અને શંકાના આધાર પર આ કંપનીના જ ચીફ પર્સોનલ એક્ઝિક્યુટિવ રાજેશ્વરની ધરપકડ કરી તેને જેલહવાલે કર્યો હતો, પરંતુ અદાલતમાં પોલીસ પોતાની નક્કર રજૂઆત કરી નહી શકતા કોર્ટે રાજેશ્વરને જામીન પર મુક્ત કર્યો હતો. આટઆટલા સમય પછી પણ પોલીસ અશ્વિનીકુમાર અને મયુરકુમારને શોધી શકી ન્હોતી.

રાજેશ્વર અને કાર્તિક એક આલીશાન બંગલામાં આવી પહોંચ્યા હતાં. તેઓને સીધા જ એક વિશેષ કક્ષમાં લઇ જવાયા, જ્યાં અશ્વિનીકુમાર અને મયુરકુમારને રાખવામાં આવ્યા હતાં. દરવાજો ખુલ્યો. રૂમમાં પ્રવેશેલા રાજેશ્વરને નિહાળતા વેંત જ અશ્વિનીકુમાર અને મયુરકુમાર ડઘાઈ ગયા.

" અરે રાજેશ્વર તમે અહીં કેવી રીતે આવ્યા? તમોને અહીં કોણ લઇ આવ્યું? શા માટે? શું તમારે પણ અહીં અમારી જેમ બંદીવાન બનીને રહેવાનું છે?" અશ્વિનીકુમાર ઉત્સુકતાવશ એક પછી એક સવાલ પૂછવા લાગ્યા હતાં.

રાજેશ્વર કશો જ જવાબ આપે એ પહેલા જ રૂમમાં ફીટ કરી રખાયેલા સ્પીકરમાં ભારેખમ અવાજમાં એક ઘોષણા થઇ. " અશ્વિનીકુમાર તમે કોઈ ચિંતા નાં કરો. હવે આખું પ્રકરણ પુરૂ થઇ ચૂક્યું છે. તમે અને મયુરકુમાર હવે અત્યારથી જ મુક્ત છો. બહાર તમારી ઉપર કોઈ પ્રકારનું જોખમ નથી. રાજેશ્વર અને કાર્તિક તમને બંનેને લેવા આવ્યા છે. હવે આપ સૌ જઈ શકો છો." અશ્વિનીકુમાર અને મયુરકુમાર કશું જ સમજી નાં શક્યા.

તેઓ સૌ બહાર આવ્યા અને એક લક્ઝરી કારમાં બેસી ઘેર જવા નીકળી ગયા. કાર્તિક કાર ડ્રાઈવ કરી રહયો હતો. રાજેશ્વરે અશ્વિનીકુમાર અને મયુરકુમારનાં મનમાં ઉભા થઇ રહેલા સવાલોનું સમાધાન કરતા કહ્યું... " તમને બંનેને લઇ જવા માટે અમોને અધિરાજ નામક કોઈ અજાણ્યા શખસનો સંદેશો મળ્યો હતો. એટલે હું અને કાર્તિક તમને તેડવા આવ્યા." રાજેશ્વરની વાત પરથી અશ્વિનીકુમાર અને મયુરકુમારને હવે છેક એ ખબર પડી કે તેમનું અપહરણ અધિરાજે કરાવ્યું હતું. જોકે રાજેશ્વરે ભલે અધિરાજનું નામ જાહેર કર્યું હોય પરંતુ ખરેખર તે અધિરાજ માટે કામ કરે છે કે પછી બીજા જ કોઈ માટે એ કોઈ ન્હોતું જાણતું!!!

***

સરહદની પેલે પાર....

રાજેશ્વર અને કાર્તિક રાજવી પરિવારના વૈભવી મહેલમાંથી રવાના થયા બાદ થોડી વાર પછી મુકેશ અને વિજય તેમજ અનંતરાયના મિત્રો ઉપરાંત પોતાની ઓળખ છુપાવીને અનંતરાયના ગ્રુપમાં ઘુસેલા બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો પણ વતન પરત ફરવા રવાના થયા બાદ રાજવી આદિત્યરાજસિંહે એક એક હજારની ચલણી નોટોના બંડલથી છલોછલ ભરાયેલા સ્ટીલના પાંચ બોક્સ ખોલ્યા. રૂપિયાના બંડલ એક ખાસ પ્રકારના સફેદ કાગળથી ઢાંકી રાખવામાં આવ્યા હતાં. પોતાના વફાદાર લડાકુઓની મદદ સાથે એક ગુપ્ત મિશન ચલાવી રહેલા આદિત્યરાજસિંહે સ્ટીલના એક બોક્સમાંથી તમામ રૂપિયા અલગ અલગ થેલીઓમાં ભરાવી દઈ એ થેલીઓ જુદા જુદા લડાકુઓને પહોંચતી કરી દીધી. સરકારને એ ખબર ન્હોતી કે, આ લડાકુઓ આદિત્યરાજસિંહ વતી કામ કરી રહયા છે. સરકાર લડાકુઓને કટ્ટર આતંકી અને બળવાખોર તરીકે ઓળખતી હતી. આદિત્યરાજસિંહે સ્ટીલના રૂપિયા ભરેલા અન્ય ચાર બોક્સ તથા સ્ટેમ્પ પેપર પર લખાયેલા જમીન મકાનના દસ્તાવેજ જેવા કાગળોનો થપ્પો, એક લેપટોપ અને એક નકશો રાખવામાં આવ્યા હતાં તે સ્ટીલનું છઠ્ઠું બોક્સ પૂન: પોતાના મહેલના તહેખાનામાં ખાસ ગુપ્ત રીતે બનાવેલ લોકરમાં સાચવીને મુકી દીધા.

***

પોતાના ઇન્ટેલિજન્સ ઓફિસરોના ફોન કોલનો ઇંતેજાર કરી રહેલા ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાની આતુરતાનો આખરે અંત આવ્યો. અધિરાજના ગ્રુપમાં સામેલ થઇ ચુકેલા તેના બંને ઇન્ટેલિજન્સ ઓફિસરો અને તેમને સુરક્ષા કવચ આપી રહેલા અન્ય ત્રણ ઇન્ટેલિજન્સ ઓફિસરો સરહદ પારથી પાટનગર આવી પહોંચ્યા હતાં. તેઓએ ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાને રિપોર્ટ આપી દીધો. જ્યોર્જ ડિસોઝા એ વાતને લઈને ખુશ હતાં કે, તેમના બે ઓફિસરો અધિરાજનાં ગ્રુપમાં ચુપચાપ સામેલ થવામાં સફળ થયા હતાં અને ભવિષ્યમાં પણ આ બાબત ખુબ ઉપયોગી થશે.

***

સરહદની પેલે પાર..

પડોશી દેશની સરકારે તેના ઇન્ટેલિજન્સ ચીફ અબ્રાહમ ક્રિસ્ટોફર અને સુરક્ષા દળના વડાને તાબડતોબ મિટિંગ માટે બોલાવ્યા હતાં અને તેમાં સચિવાલય પર બળવાખોરો તેમજ કેટલાક સુરક્ષા કર્મીઓ દ્વારા થયેલા ખોફનાક હુમલા અંગે ચર્ચા કરી હતી. જોકે આ મિટિંગમાં કેટલાક પ્રશ્નો અનુત્તર જ રહી ગયા હતાં.

પોતાના જાસૂસોએ આપેલી માહિતી પરથી અબ્રાહમ ક્રિસ્ટોફરે સરકારને એવો રીપોર્ટ આપેલો કે, તેમના ગૃહ મંત્રી પોતે જ પડોશી દેશના પી. આર. કન્સલ્ટન્સી કંપનીના હોદેદારોના અપહરણ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડમાં સંડોવાયેલ છે. આ આખો મામલો ત્યાં બનાવટી ચલણી નોટ છાપવા અંગેના કોઈ ગુપ્ત કાવતરાને લીધે રચવામાં આવ્યો હતો. ગૃહ મંત્રીને એ જાણવું હતું કે, પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી કાઢી છે?

અબ્રાહમ ક્રિસ્ટોફરે રીપોર્ટ આપી દીધો. સુરક્ષા દળના વડાએ સરકારને એવો રીપોર્ટ રજુ કરીને પોતાનો બચાવ કર્યો કે, સચિવાલય પર હુમલો કરનાર બળવાખોરોની સાથે સુરક્ષા કર્મીઓ હતાં જ નહી. ખરેખર તો સુરક્ષા કર્મીની નકલી વર્દીમાં કેટલાક બળવાખોરો જ હતાં.

પડોશી દેશની સરકારે તેના ટોચના બે અફસરો પાસેથી રીપોર્ટ મેળવી લીધો પરંતુ તેમાં રાજવી પરિવારના મોભી મહારાજ આદિત્યરાજસિંહ વિશે કોઈ જ જાણકારી ન્હોતી. સરકારને એ પણ ખબર નથી કે આદિત્યરાજસિંહ અત્યંત ખાનગી રાહે પડોશી દેશ સાથે મળીને એક ભયાનક ષડયંત્રને અંજામ આપવા ખુફિયા પ્રવૃતિઓ કરી રહયા હતાં. આમ પણ આદિત્યરાજસિંહ તેમના દેશની સરકારમાં ખુબ જ માન-પાન ધરાવતા હતાં. સરકાર એમ જ માનતી હતી કે, આદિત્યરાજસિંહ તો તેમના વિશ્વાસુ છે. સરકારના ઇશારે કેટલાક એવા કામો આદિત્યરાજસિંહે પાર પાડી આપ્યા હતાં કે, તેમની ઉપર સ્વપ્નેય શંકા કરવાનું સરકાર માટે સંભવ ન્હોતું.

જોકે સરકારને એ સવાલો મૂંઝવતા હતાં કે, પડોશી દેશની પી. આર. કન્સલ્ટન્સી કંપનીએ એવી તે કઈ ગુપ્ત યોજના ઘડી હશે જે વિશે ગૃહ મંત્રી માહિતી મેળવવા ઇચ્છતા હતાં? ખરેખર શું એવી કોઈ યોજના ઘડાઈ હશે ખરી કે પછી વાત બીજી જ કાંઈક હશે ? ગૃહ મંત્રીની હત્યા થઇ જતા હવે આ ભેદી રહસ્ય કાયમને માટે એક રહસ્ય જ બની રહેશે. એ રહસ્ય ગૃહ મંત્રીની સાથે જ ઉપર ચાલ્યું ગયું હતું. અલબત્ત સરકાર એવી કલ્પના કરી શકે એમ ન્હોતી કે, માત્ર બંને દેશના રાજકારણને અને લોકોને જ નહી પરંતુ સમગ્ર વિશ્વના રાજકારણમાં જોરદાર ચર્ચા જગાવે એવા એક ખોફનાક ષડયંત્રની આ તો કદાચ હજુ શરૂઆત માત્ર હતી.

પડોશી દેશની સરકાર એ હકિકતથી કદાચ અજાણ હતી કે, તેમના ગૃહ મંત્રીની ઓફિસમાં રહેલા કોમ્પ્યુટરોમાંથી બળવાખોર હુમલાખોરો કશી માહિતી કે ઈલેક્ટ્રોનિક ડિવાઇઝ ઉઠાવી ગયા છે કે કેમ?

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ આ મિશનમાં ખાનગી ડિટેકટીવ સત્યપ્રકાશની મદદ લીધી હતી. સત્યપ્રકાશે તેમના વિશ્વાસુ અને વફાદાર એવા બે એજન્ટ મુકેશ અને વિજય સ્વદેશ પરત આવી ચુક્યા હતાં અને તેઓ સત્યપ્રકાશના ઘેર બેઠા હતાં. સત્યપ્રકાશ એ જાણવા માંગતા હતાં કે, સચિવાલય પરના હુમલા બાદ શું થયું? મુકેશ અને વિજયે સચિવાલય પરના હુમલા બાદ રાજવી આદિત્યરાજસિંહનાં મહેલમાં સ્ટીલના છ બોક્સ ખોલવાથી માંડીને લાઈટ ગુલ થઇ ગઈ ત્યાં સુધીની રોચક વાત કરી દીધી.

જે સમયે લાઈટ ગુલ થઇ એ વખતે મુકેશ અને વિજયે સ્ટીલના બોક્સમાંથી રૂપિયાનું એક બંડલ, એક દસ્તાવેજ તથા રૂપિયા ઢાંકવા માટે ઉપયોગમાં લેવાયેલા મોટા કદના સફેદ કાગળનો એક નાનકડો કટકો ફાડીને પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા. આ તમામ વસ્તુઓ સત્યજીત સમક્ષ રજુ કરતા મુકેશ અને વિજયે એટલું જ કહ્યું કે, આ રૂપિયાનું બંડલ બરોબર ધ્યાનથી નિહાળો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, ઓરીજીનલ કરન્સી પેપર પર છાપવામાં આવેલી આ ડુપ્લીકેટ ચલણી નોટો છે. નોટનો કાગળ અસલી છે પરંતુ આ કાગળ પર નોટનું છાપકામ સરકાર દ્વારા નહી પરંતુ ક્યાંક કોઈ ખાનગી વ્યક્તિએ કરેલું છે. મતલબ કે, આપણા દેશમાં કેટલાક ભેદી લોકો અસલ કાગળ પર નકલી ચલણી નોટ છાપવાનું ભયાનક કામ કરી રહયા છે. સફેદ કાગળનો એક નાનકડો કટકો ફાડીને પોતાની સાથે લાવેલા મુકેશ અને વિજયે એ ચબરખી સત્યપ્રકાશને બતાવી. આ એ જ કરન્સી પેપર હતો જેનો ઉપયોગ નોટ છાપવા માટે કરવામાં આવી રહયો છે.

મુકેશ અને વિજયે સ્ટીલના બોક્સમાંથી ચુપચાપ ઉઠાવી લીધેલ એક દસ્તાવેજની નકલ સત્યપ્રકાશને બતાવતા જ તે અવાચક બની ગયા. તેના પગ તળેથી ધરતી ખસી ગઈ. તે થોડો સમય મૌન થઇ ગયા.

"પી. આર. કન્સલ્ટન્સીનું અપહરણ કાંડ અને સેન્ટ્રલ જેલના હત્યા કાંડ બાદ આપણે મેદાનમાં આવ્યા ને પછી પોલીસ કમિશનર અને આપણા ગૃહ મંત્રીને ધમકીઓ આપીને ડરાવ્યા એ બધું તો ઠીક છે પરંતુ આ આખા મામલા પાછળ ખરૂ કારણ માત્ર બોગસ ચલણી નોટ નહી પરંતુ એક એવું મહાભયાનક અને સૌને હચમચાવી નાંખે તેવું ષડયંત્ર છે કે, એ વિશે જાણીને સૌ સ્તબ્ધ બની જશે ...." સત્યપ્રકાશનું દિમાગ અનેક પ્રકારના વિચારોથી વલોવાઈ રહયું હતું. જોકે તેની સૌથી મોટી મુશ્કેલી એ હતી કે, આ ષડયંત્ર વિશે તે કોઈની સાથે પણ ચર્ચા કરી શકે એમ ન્હોતા. આ ષડયંત્ર વિશે દેશ આખામાં માત્ર મુકેશ, વિજય અને સત્યપ્રકાશને અનાયાસે જ જાણકારી પ્રાપ્ત થઇ ગઈ હતી.

" આપણને ત્રણેયને આ કાવતરાની આપણને ખબર પડી ગઈ છે એ વિશે હવે કોઈને પણ ગંધ આવવી ના જોઈએ અન્યથા તેના ભયાનક પરિણામોનો આપણે સામનો કરવો પડી શકે છે. આપણા ત્રણ સિવાય એ વાત ચોથા કોઈ માણસ પાસે ના જાય એ આપણા દેશના હિતમાં છે." સત્યપ્રકાશે સાવચેતીના સૂરમાં બંનેને ચેતવ્યા.

" જી સર.."

" એટલું તો સ્પષ્ટ છે કે, આ ષડયંત્રમાં પડોશી દેશના રાજવી આદિત્યરાજસિંહ મુખ્ય ભૂમિકામાં રહેલા હોઈ શકે છે. તે કદાચ એક મહોરૂ પણ બની ગયા હોય એવી શક્યતા પણ નકારી શકાય નહી. " સત્યપ્રકાશે પોતાના મનમાં રહેલી વાત કરી.

" સર, આદિત્યરાજસિંહની સાથે જ આપણા નાણા મંત્રી અનંતરાય પણ આ કાવતરામાં સામેલ છે કે પછી તેને એ કાવતરાની ખબર જ નથી એ સ્પષ્ટ કરવું ખુબ જ જરૂરી છે. કદાચ અનંતરાય આદિત્યરાજસિંહને માત્ર નાણાકીય અને અન્ય સાધન સરંજામ પુરતી જ મદદ કરતા હોય તે શક્ય છે. માત્ર અનંતરાય જ નહીં પરંતુ અધિરાજ નામનો કોઈ માણસ પણ આદિત્યરાજસિંહ સાથે સંકળાયેલો છે. શું અધિરાજ આ આખા કાવતરામાં સામેલ છે કે પછી આદિત્યરાજસિંહને ફક્ત અનંતરાયની જેમ જ મેનપાવર સપ્લાય તેમજ અન્ય કેટલીક મદદ કરે છે તે પણ તપાસનો વિષય બની રહે છે." મુકેશ અને વિજયે પોતપોતાના વિચારો રજુ કર્યા.

" તમે હજુ એક મુખ્ય પાત્રને તો ભૂલી જ ગયા." સત્યપ્રકાશે કહ્યું.

" કોણ સર?"

" રાજેશ્વર અને કાર્તિક "

" ઓહ યસ...યસ...., આદિત્યરાજસિંહનાં મહેલનાં તહેખાના સ્ટીલના બોક્સ ખોલવા માટે જે પાસવર્ડની જરૂર હતી તે તો રાજેશ્વરે એન્ટર કર્યો હતો." મુકેશે મહત્વની વાત યાદ કરતા કહ્યું.

" આ બાબતનો મતલબ એવો થાય કે, આદિત્યરાજસિંહનાં કાવતરામાં રાજેશ્વર પણ ભેદી ભૂમિકા ભજવી રહયો છે. તેની સાથે રહેલો તેનો મિત્ર કાર્તિક આ મામલામાં કેટલા અંશે સંકળાયેલો છે તે હજુ અસ્પષ્ટ છે. તેની તપાસ કરવાની રહે."

" જી...સર..."

" રાજેશ્વર અને કાર્તિક કોના કહેવાથી આ મિશનમાં જોડાયા હતાં તેનો ખ્યાલ આવ્યો ખરો?" સત્યપ્રકાશે સવાલ કર્યો.

" ના....સર.......સંભાવના એવી છે કે, રાજેશ્વર અને કાર્તિક આ કાવતરામાં કાં તો ડાયરેક્ટ આદિત્યરાજસિંહ સાથે સંકળાયેલા હોય અથવા તો અધિરાજનાં કહેવાથી આ કામમાં જોડાયા હોય, ને કદાચ અનંતરાયના કહેવાથી પણ તે બંને મદદરૂપ થતા હોય તે પણ સંભવ છે."

"રાજેશ્વરે સ્ટીલના બોક્સ ખોલવા માટે જે પાસવર્ડ એન્ટર કર્યો હતો તે વિશે કશો અંદાજ છે ખરો?"

" ચોક્કસપણે તો નહી, પરંતુ પડોશી દેશના ગૃહ મંત્રીનાં એક કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્કનો ડેટા ચકાસતા તેમાંથી અમોને સ્કેન કરેલા કાગળની એક ચબરખી મળી આવી છે અને તેમાં કોડવર્ડ આધારિત એક મેસેજ લખાયેલો છે. સંભવ છે કે તે પાસવર્ડ હોઈ શકે. આ મેસેજમાં કાંઈક એવું લખવામાં આવેલું છે કે તેને ઉકેલવા થોડો અઘરો છે.

" શું લખ્યું છે એ કોડેડ મેસેજમાં?" સત્યપ્રકાશે પુછ્યું.

"સર, એમાં EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD લખવામાં આવેલું છે." વિજયે કહ્યું.

" એટલે શું રાજેશ્વરે સ્ટીલના બોક્સ ખોલવા માટે આ મેસેજ પરથી તારવવામાં આવેલો પાસવર્ડ એન્ટર કર્યો હોય તે શક્ય જણાય છે ખરૂ?" સત્યપ્રકાશે વધુ એક સવાલ ઉઠાવ્યો.

" એ તો ચોકસાઈપૂર્વક તો કેવી રીતે કહી શકાય સર? અને એ ચબરખીમાં લખાયેલા મેસેજમાં જ પાસવર્ડ છુપાયેલો હશે કે કેમ એ વિશે પણ ખાતરીપૂર્વક કહી ના શકાય."

" નો પ્રોબ્લેમ....લેટ્સ સી વ્હોટ ધ કોડેડ મેસેજ સેયઝ ? કાંઈ વાંધો નહીં, આપણે મગજ દોદાવિશું અને એ ભેદી મેસેજ શું કહેવા માંગે છે તે જોઈશું. ખરેખર એ પાસવર્ડ જ છે કે બીજું કાંઈ છે અને આ મેસેજમાં અન્ય કોઈ વ્યક્તિ માટે તો કશો ખાસ સંદેશો છુપાયેલો નથી ને એ સ્પષ્ટ કરવું પડે એમ છે. અહીં આપણે એ હકીકત પણ ધ્યાનમાં રાખવી પડે એમ છે કે, આ કોડેડ મેસેહ તમને બંનેને પડોશી દેશના ગૃહ મંત્રીનાં કોમ્પ્યુટરમાંથી મળ્યો છે. તેનો મતલબ એવો થાય કે, ગૃહ મંત્રી સાથે સંકળાયેલ તેની કોઈ અતિ ખાસ વ્યક્તિ પણ આ મેસેજની જાણકારી ધરાવતી હોય એવી શક્યતા નકારી શકાય નહી."

" આપની વાત સો ટક્કા સાચી છે સર. આ બાબત વિશે તો અમોને બંનેને અત્યાર સુધી કોઈ વિચાર જ નથી આવ્યો."

" ગૃહ મંત્રી પાસે આ મેસેજ ક્યાંથી આવ્યો એ પણ એક રહસ્ય છે અને તેનો તાગ મેળવવો હવે ખુબ જ મુશ્કેલ જણાય છે કેમ કે ગૃહ મંત્રી તો હવે આ દુનિયામાં હયાત નથી રહયા."

" હવે પછી આપણે ત્રણેયે આ એક એવા મિશનને અંજામ આપવાનો છે જેમાં આ તમામ સવાલો અને શંકાઓનો ઉકેલ મળે. ઉપરાંત આ ષડયંત્રનાં મૂળ સુધી પણ પહોંચી શકીએ."

" યસ સર."

" હવે આપણે શું કરવાનું છે એ વિશે હું તમને બંનેને થોડા દિવસોમાં જ આખો પ્લાન સમજાવી દઈશ." સત્યપ્રકાશે મુકેશ અને વિજયને ભાવિ પ્લાન માટે તૈયાર રહેવા સૂચના આપી રવાના કર્યા અને પોતે એક ખાસ વ્યક્તિની મુલાકાત કરવા માટે રવાના થઇ ગયા."

એક ખાનગી સ્થળે સત્યપ્રકાશ અને કોઈ એક મોટી હસ્તિ વચ્ચે થયેલી વાતચીતમાં સત્યપ્રકાશે તેમને એ હકીકતથી વાકેફ કર્યા હતાં કે, દેશના ટુકડે ટુકડા કરવાનું એક મહાભયાનક ષડયંત્ર ઘડાઈ ચૂક્યું છે. હવે એ દેશ આપણો છે કે પડોશી દેશ છે એ સ્પષ્ટ થયું નથી.......!!!!!!!

***

ઇન્ટેલિજન્સ ચીફ જ્યોર્જ ડિસોઝાએ પોતાની એક ખુફિયા ઓફિસમાં રાજેશ્વરને બોલાવ્યો હતો. તે સમગ્ર પ્રકરણ વિશે ચર્ચા કરવા માંગતા હતાં. રાજેશ્વરે જ્યોર્જ ડિસોઝાને તમામ માહિતી આપી પણ દીધી હતી. જોકે જ્યોર્જ ડિસોઝાનાં મનમાં એક સવાલ હજુ રમતો જ હતો કે, આદિત્યરાજસિંહને મોકલવામાં આવેલા સ્ટીલના બોક્સ ખોલવા માટે રાજેશ્વરે કયો પાસવર્ડ એન્ટર કર્યો હતો? જ્યોર્જ ડિસોઝાએ આખરે રાજેશ્વરને એ સવાલ પૂછી જ લીધો અને રાજેશ્વરે જે જવાબ આપ્યો તે સાંભળીને જ્યોર્જ ડિસોઝા ખડખડાટ હસવા લાગ્યા.

રાજેશ્વરે કહ્યું કે, " પોલીસને પી.આર. કન્સલ્ટન્સી કંપનીના કોમ્પ્યુટરમાંથી કોડવર્ડ આધારિત જે એક ભેદી મેસેજ મળ્યો તે મેસેજ કાંઈક આ રીતે લખાયો છે. EATWHY1029384756DPRLOEWASSSEALPODCNKACEOD.

.....અને આ કોડેડ મેસેજમાં જ સ્ટીલના બોક્સ ખોલવાનો પાસવર્ડ છુપાયેલો હતો, અને આ પાસવર્ડ છે " PLEASE LOCK CODE AND PASSWORD " !!!!!!!!!

( સમાપ્ત – COMING SOON " PAASWORD -2" )

*******************************