Avni - 4 books and stories free download online pdf in Gujarati

અવની - 4

અવની

ભાગ 4

પાછલી શીટ પર હું તેના ખોળામાં સૂતો હતો, કાલે હું કામસર લુધિયાણા જવાનો હતો,

''બોલ તારે માટે શું લાવું?''

''જલ્દી આવજે... ખરીદી પતાવીને,

''ત્રણેક દિવસ થશે, બોલ તારે માટે શું લાવું?''

''જાંઘીયા-ગંજી તો બરાબર, પણ લેડીસ અંડર ગાર્મેન્ટમાં તને સમજ પડે?''''

'' તું મળી પછી ને ખાસ તો આજે મારો અનુભવ વધ્યો છે, તે ખરીદીમાં કામ લાગશે.''

''હા, નહિ તો હમણાં સુધી મેની-કવીન જ પંપાળતો હોત....''

''સાલી નફ્ફટ..બોલ ને તારે માટે શું લાવું?''

''કઈ પણ..''

''ના, મારાથી એવી આશા રાખીશ નહિ, હું આ બાબતમાં ડોબો છું, તું કહીશ એ વસ્તુ હું ગમે ત્યાંથી ને સારામાં સારી શોધી લાવીશ, પણ મારા પર છોડીશ તો મારુ દિમાગ જરાય ચાલતું નથી, એટલે કશું નહિ લાવું અથવા એવું લાવીશ કે જે તને પસંદ નહિ પડે.''

''ના, તું જ લાવજે, મારે પણ ખબર તો પડે કે તું કેટલો ડોબો છે.''

હું મારા ઘરવાળાઓને કહેવા ઉતાવળો થયો હતો, ખાસ તો માં, ભાભી અને બહેનો ને...

પણ પહેલા ઓફિસ આવતી હતી એટલે અમે ઓફિસ આવ્યા. આમ તો તે લગભગ રોજ આવે છે, પણ આજે શરમાતી હતી. મેં તેનો હાથ પકડીને ખેંચતો ઓફિસમાં લઇ ગયો, ભાઈ અને પપ્પા બેઠા હતા, મને શું ને કેવી રીતે કહેવું તે સૂઝ્યું નહિ, બોલ્યો ''જુઓ..વાત સાંભળો... આ અવની છે..''

''ઓહો, એમ? સારું થયું કહી દીધું, મને તો ખબર જ નહોતી.''

''એમ નહિ, સાંભળો તો ખરા...અમે શાદી કરવાના છીએ.''

પપ્પા ઉભા થઇ ને અવની પાસે આવીને તેને ખભે હાથ નાખીને પોતાના ખભા સાથે સહેજ ભીંસી ને બોલ્યા ''નવું કઈંક બોલો, ક્યારે કરવાના છો તે કહો. ''

તેને મારે ઘેરે પણ લઇ જવી હતી, પણ તેના ઘેરથી ફોન આવતા હતા, ને હમણાં અમે તેનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું ના થાય ત્યાં સુધી કોઈ ડખો ઉભો થાય એવું કશું કરવા માંગતા નહોતા. ને આમ જ જ્યાં સુધી ખેંચાય, ખેંચવા માંગતા હતા.

અમે રોજ મળતા, ફોન પર વાતો કરતા, તે ઓફિસ તેમ ઘરે આવતી, બધાએ તેને અમારી ફેમિલી મેમ્બર તરીકે સ્વીકારી લીધી હતી. તે બિન્દાસ, ગમે ત્યારે ને પોતાનું ઘર હોય તેમ નોક કર્યા વગર આવી જતી. કિચનમાં કામે લાગી જતી, ને આગ્રહ વગર તે જમવા પણ બેસી જતી. ઘેર કોઈ નવી વાનગી બને કે કઈ પણ બહારથી લાવીએ ત્યારે અવની હાજર ના હોય તો પણ તેનો ભાગ કાઢવામાં આવતો, અને તે જયારે આવતી ત્યારે માં આપતી કે ફ્રીઝ-કિચનમાંથી લઇ લેવાનું કહેતી.

કોઈ દિવસ અવની ઓફિસ પર ના આવતી તો મને ભાઈ ને પપ્પા પૂછતાં, અથવા તેને ફોન કરતા કે ''કેમ જોવાઈ નહિ?''

અવનીની વાતોથી મને લાગતું હતું કે તેના ઘરવાળા મને સ્વીકારવાના જ નથી. અવનીં મારી સાથે દોસ્તી તો દૂર પણ વાત-ચિત ના પણ સબંધ રાખે તે તેમને મંજુર નહોતું. અવની પણ ભણવાનું પૂરું ન થાય ત્યાં સુધી કે લગન માટે કે સગાઇ માટે દબાણ ન કરે ત્યાં સુધી કશો ઉહાપોહ કરવા માંગતી નહોતી. પણ તે ગમે તે રીતે ટાઈમ ચોરીને કે લેક્ચર બંક કરીને પણ મારા ઘેરે કે ઓફિસે આવી જ જતી. અમે ખુબ ફરતા, ખાતા-પીતા ખુબ મજા કરતા હતા.

હું અવનીના મોઢે મારા વખાણ, મારી તારીફ સાંભળવા માંગતો હતો, ને તે સાંભળવા માટે તેને હું ફેરવી ફેરવી ને પૂછ્યા કરતો કે '' કેમ મને પસંદ કર્યો?'' ''તને મારા માં શું ગમે છે?'' પણ તે હસી કાઢતી, ને કહેતી ''તને શાદીનો અનુભવ છે, તે સિવાય કશું જ ખાસ નથી...મને આમ તો સહેજ ક્રેક અને સ્ક્રુ ઢીલો હોય એવા ખુબ ગમે...''

તેને મારા ઘેરે સારું ફાવતું, આઝાદ, ખુલ્લું... કોઈ જ નિયમ- કાયદો નહિ, કશી પાબંદી કે રોક-ટોક નહિ, મજા આવે તે બધું જ કરવાનું....

અને અમે જેને ટાળતા હતા તે દિવસ પણ આવી જ ગયો.

અવની બોલી ''આવતા મહિને ડોક્ટર અને તેની ફેમિલી આવે છે. આમ તો બધું ફિક્સ જ છે, ફક્ત ઔપચારિક મુલાકાત બાકી છે.''

''વાંધો નહિ, મળજે ને ના પાડી દેજે ..એમાં શું?''

''ના, ના જ પાડવી છે તો પુરી ફેમિલી ખર્ચો કરીને ઇન્ડિયા આવે તે મને ગમતું નથી.''

''સારું, તે પહેલા આપણે કશો રસ્તો કાઢી લઈશું.''

હું તેને મારે ઘેર લઇ ગયો, ને બધાને વાત કરી, માં એ ભાભીને કહ્યું ''કાલે વહેલી સવારે તું માંગુ કરવા જજે.''

અવની બોલી ''ભાભી તમે ના આવશો, કોઈ બીજા કે વચેટિયાને મોકલજો.''

''કેમ?"

"એમ જ,મને ડર છે કે કદાચ તમારું અપમાન ના થઇ જાય...."

"ભલે અપમાન કરે, પણ જઈશ તો હું જ" ભાભીએ વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું.

ભાભી માંગુ કરવા ગઈ, ને પાછી ના આવી ત્યાં સુધી હું ઉચાટમાં આંટા-ફેરા કરતો રહ્યો. ઘણીવાર થઇ ગઈ...તે આવી તો અમે બધા તેને ઘેરી વળ્યાં, માએ કહ્યું '' બોલ, તારું અપમાન તો નથી કર્યું ને?''

''ના, એવું કશું નહિ, પણ તેમની વાતો પરથી મને એવું લાગ્યું કે આપણે ભોળી છોકરીને ફસાવી છે, કહ્યું કે શું છોકરીમાં કશી ખોડ છે? સંસ્કારી, ભણેલી, સુંદર છે, મોટા મોટા અને ડોક્ટરો, એન્જીનીયરો ના કહેણ આવતા હોય, તો શું તમે તમારી દીકરીને એક છૂટાછેડાવાળા બીજવરથી પરણાવશો? એ પણ એવો કે જેણે પોતે કશું કર્યું નથી, બાપ-દાદાના જમાવેલા ધંધા પર તાગડ ધીન્ના કરતો હોય? મેં કહ્યું કે તમારી વાત સાચી છે, આ બધું જોવું જોઈએ, પણ તે બે પરિવાર રિશ્તો જોડતા હોય ત્યારે...પણ જો છોકરા-છોકરી પ્રેમ કરતા હોય તો આ બધી વાતો ગૌણ છે. તો બોલ્યા કે પ્રેમ નહિ, આ તો થોડા સમયનો ઉન્માદ છે, નશો છે, અને હજુ પણ જો હશે તો અમારી દીકરીનો નશો ઉતારવા માટે બે ઝાપટ જ કાફી છે, તમારા દીકરાને કઈ રીતે કાબુ કરવો તે તમારો વિષય છે. પછી મેં ખુબ વિનંતી ને આજીજીઓ કરી ..''

મેં તેની વાત વચ્ચેથી કાપીને બોલ્યો 'આજીજી? તું ભીખ માંગવા ગઈ હતી??''

''બકા, જરૂરિયાત લાગતી તો હું તેમના પગે પણ પડી જતી...''''

''એ બધું છોડ, છેલ્લે શું થયું તે કહેને...''

''હા તો નથી પાડી... પણ ખુબ વિનંતી ને આજીજી કરી ને ઘણું કહ્યું કે બે ગરીબડા છોકરાઓ કેટલા ખુશ છે, તેમને સાથે રહેવા દો, તેમને છુટા ના પાડો. અને અમારા ઘરમાં અવનીને જરાય તકલીફ નહિ પડે, જો તેને નહિ ફાવે તો અમે તેમને જુદું ઘર આપીશું, અને અમારો દીકરો અવનીને ખુશ રાખશે, વગેરે ખુબ કહ્યું તો મને ટાળવા માટે જ કરીને જોઈશું, વિચારીને જવાબ આપીશું, એવું કહ્યું છે.''

''અવની શું કરતી હતી?''

''તે તો મને જોવા જ નથી મળી.''

મેં ખિસ્સામાંથી ફોન કાઢ્યો, ભાભીએ મને રોક્યો, બોલી '' તું હડબડાટી ના કર, હમણાં તે એકલી નહિ હોય, શાંતિ રાખ ને ચોખ્ખી ના ના પાડે ત્યાં સુધી રાહ જો, પછી તમારે જે કરવું હોય તે કરજો.''

માં અને બહેનોએ પણ ભાભીની વાતનું સમર્થન કર્યું.

આ છૂટાછેડા...અવની મને પહેલા કેમ મળી નહિ?? હમણાં પણ છૂટાછેડા સિવાયની બધી વાતો મારી તરફેણમાં જ હતી. બેવકૂફો, અમેરિકાના ડોક્ટરમાં શું દાટ્યું છે? અમેય કઈ ભિખારી નથી, આર્થિક રીતે સધ્ધર છે, 80 વરસ જૂની પેઢી અને ધંધો છે, બજારમાં અમારી શાખ અને નામ છે.

શું કોઈ કુંવારી છોકરી છૂટાછેડા વાળા સાથે લગન કરે તો સમાજમાં ઈજ્જત જાય?? ને જતી હોય તો પણ શું પોતાની દીકરીની ખુશીની કોઈ કિંમત નહિ?? શું તેઓ કહે છે એમ બે ઝાપટ માં ઉતરી જાય એવો નશો હતો? અવનીનો નશો ઉતારવા માટે તેને કેટલો માર્યો હશે? મને ખરેખર હવે તેની ચિંતા થવા લાગી, હું અધીરો થઇ ગયો. અવની કહે છે કે બધું રાજી-ખુશી થી અને મન મેળ થી પતાવવાની કોશિશ કરશે, તે કહે છે એટલેજ હું ધીરજ રાખી રહ્યો છું.

આમને આમ ત્રણ દિવસ નીકળી ગયા, મને અવની પર વિશ્વાસ હતો કે તે બધું ફોડી લેશે. તે ગમે તેટલી સમજાવટ કે શારીરિક ત્રાસ સામે મક્કમ રહેશે, ને તેની મક્કમતા જોઈને છેવટે તેના ઘરવાળા પીગળી જશે. ત્રણ દિવસથી તેનો એક પણ ફોન નહોતો, મેં જયારે પણ કર્યો ત્યારે સ્વીચ ઓફ હતો. મને અવનીની ચિંતા થવા લાગી, તેની પર શું વીતતું હશે તે વિચારી ને જ મારુ દિમાગ ફાટતું હતું.

હું ફોન કરતો જ રહેતો હતો, ને રિંગ વાગી...હાશ..પણ તેના ભાઈએ ઉપાડ્યો ને બોલ્યો

''હવેથી ફોન કરવાની કે મળવાની કોશિશ કરીશ નહિ, નહીતો પરિણામ સારું નહિ આવે. અને અવની પણ હવે તારી સાથે સબંધ રાખવા માંગતી નથી, તેની આંખો ખુલી ગઈ છે. ને તમારા કાવતરાઓ સમજી ગઈ છે.''

તેનો મતલબ સાફ હતો, મને જવાબ મળી ગયો હતો. મેં કહ્યું ''અવનીને ફોન આપ, તે જો ના પાડશે તો તને કશી મહેનત નહિ કરવી પડે. અને અવનીને તું જેટલી ઓળખે છે, તેનાથી વધારે હું ઓળખું છું.''

''ઓકાત માં રહેજે, જરાપણ ડહાપણ કરી છે તો ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ.''

હું હસ્યો ને કહ્યું ''ભૈલા,બોલવામાં સંયમ રાખ, એવું કશું ના બોલ કે ભવિષ્યમાં તું મારાથી આંખ ન મેળવી શકે, તને શરમ આવે, કે બનેવીને મેં આવું કહ્યું હતું?''

''તમે લોકો તો હલકટ છો જ, ને તે આખું ગામ જાણે છે, પણ મજબુર કરીશ તો અમે તમારાથી પણ વધારે હલકટ થઈને બતાવીશું.'' ને તેણે ફોન કાપી નાખ્યો.

બસ, હવે એક્શન લેવાનો સમય હતો, એક ઘા ને બે કટકા... સમજાવટ કે રાજી-ખુશી નો અવકાશ જ નહોતો. અવની પાસેથી ફોન લઇ લેવામાં આવ્યો હતો, ત્રણ દિવસથી તેને કોલેજ કે ઘરની બહાર જવા દેતા નહોતા, એનો અર્થ કે તે ખુબ ઝીંક ઝીલી રહી હતી, મારા ભાગની લડાઈ તે લડી બતાવતી હતી. હું જાણતો હતો કે તે ખુબ જ મક્કમ મનોબળવાળી હતી, પણ ઊંડે ઊંડે ચિંતા થતી હતી કે જો હું ઉતાવળ નહિ કરું, ને અવની વધારે પડતા દબાણ કે ત્રાસ ને લીધે ક્યાંક કોઈ અજુગતું પગલું ન લઇ લે.... મને ખરેખર તેની ખુબ જ ચિંતા હતી, તે સાજી-સમી હોય, બસ...

ભાઈને કહ્યું ''બસ, બધું પત્યું...કાલે વહેલી સવારે હું ગમે તે રીતે અવનીને લઇ આવું કે તરત જ કલાકમાં જ લગન પતી જવા જોઈએ, બધી તૈયારી કરી રાખ, હવે મને અવની આપણા ઘરમાં જોઈએ ને જોઈએ જ... ''

''તેને ઘેરે લગન કર્યા પછી જ લાવીશું, એ બધું તું મારા પર છોડ, હવે આપણે એ વિચારવાનું છે કે અવનીને તેને ઘેરથી લાવવી કઈ રીતે?''

''હું તેના પુરા મહોલ્લાને આગ લગાડી દઈશ....'' હું પેનિક થયો હતો.

''ફાલતુ વાતો ના કર, ને શાંતિથી વિચાર અને મને પણ વિચારવા દે.''

મને ભાઈ પર વિશ્વાસ હતો, તે જરૂર કોઈ રસ્તો શોધી કાઢશે. અને હું એ પણ મારા ખાસ દોસ્તો ને કહી દીધું હતું, તે બધા જ કામે લાગ્યા હતા. મોડી સાંજે એક દોસ્ત આવ્યો ને બોલ્યો ''ખરાબ સમાચાર છે.''