Avani - 6 books and stories free download online pdf in Gujarati

અવની - 6 ( છેલ્લું પ્રકરણ)

અવની

ભાગ 6

અંકલ 65-70 ના પારસી સજ્જન હતા. પપ્પાએ તેમને અવની ના ફોન થી કે માના ફોન સુધી બધી વાત કરી. ને અમે કેમ આવ્યા છે તે કહ્યું. માં એ તેમને ફોન પર વિશ્વાસમાં લીધા હતા, તેથી તે અમને શંકાથી જોતા નહોતા કે કઈંક ખોટું કરવા આવ્યા છે તેવું માનતા નહોતા. અને તેથી જ તેઓ અમારી વાત શાંતિથી સાંભળતા પણ હતા. મને બોલવાની મનાઈ હતી, તેથી હું કશું બોલ્યો નહિ. અંકલ અકળામણથી બોલ્યા ''હું શું કરી શકું?'' તે પળોજણમાં પડવા માંગતા નહોતા. પપ્પા બોલ્યા ''તમારે કશું નથી કરવાનું, બસ બાજુના રૂમ માં જઈ ને છોકરીને કહેવાનું છે કે અમે રાહ જોઈએ છીએ, અને તેને લઇ ને અમે જે હોટલ બતાવીએ ત્યાં લઇ આવવાની છે.''

પપ્પા પ્રેશર ટેક્ટિક્સ વાપરી રહ્યા હતા, અંકલ ને તે ખૂબ જ અઘરું કામ બતાવી રહ્યા હતા. અને અમને જે અપેક્ષિત હતું તે જ સાંભળવા મળ્યું. ''ના, ના ના, ના, ગાંડા થયા છો? તમે જાવ...મને માફ કરો, હું આ ઉંમરે કોઈ લફરામાં પડવા માંગતો નથી...'' થોડીવારે સ્વગત બબડતા હોય તેમ બોલ્યા ''ઠીક છે, ફોન-બોન કરવા આપી દઈએ કે મેસેજ આપી દઈએ, એ પણ મને છોકરીની દયા આવે છે, એટલે, પણ તમે તો છોકરી જ ઉપાડી ને તમારે ઘેર સુધી પહોંચાડવા જ ગળે પડી ગયા...''

બસ પપ્પા આ જ ચાહતા હતા.

તે બોલ્યા ''પુણ્યનું કામ છે મુરબ્બી, અજાણ્યું શહેર છે, ને અમે બહુ દૂરથી આવ્યા છે, જો તે માસુમ છોકરી બારીમાંથી કૂદી પડશે તો ? તમારે પસ્તાવો નહિ થાય? ''

અને ખુબ જ મજબૂરીથી સ્વીકારી લેતા હોય તેમ બોલ્યા ''ભલે, તમારી ઈચ્છા, ફોન પર વાત કરાવી દેશો તો પણ ચાલશે, બાકીનું અમે કઈ રીતે પણ ગોઠવી લઈશું, છૂટકો જ નથી, અમે તમને ફરજ તો પાડી શકતા નથી...'' ને મને કહ્યું ''ટેક્સી લાય, મુરબ્બી અવનીને ફોન આપવા તૈયાર થયા છે તે જ બહુ મોટી વાત છે, બાકી આ જમાનામાં કોણ અજાણ્યાની મદદ કરવા ધંધો છોડીને સાથે આવે છે....''

અંકલ બોલ્યા ''હું ફોન કરાવીશ, પણ હમણાં નહિ, તમે જાવ, હું ઘેર જઈશ ને મોકો મળશે તો તેને ફોન આપીશ.''

હું રડમસ અવાજે પપ્પા તરફ જોઈને બોલ્યો ''અવની કૂદી પડશે તો??''

અંકલ મને તાકવા લાગ્યા ને બોલ્યા કે ''હું હમણાં પણ ઘેર જાઉં તો મને એ સમજાતું નથી કે તેને કેવી રીતે વાત કરીશ ને ફોન આપીશ?''

પપ્પાએ કહ્યું કે ''સહેલું છે, તમે તેના પાડોશી છો, હું હોઉં તો ટીવીની ચેનલ ટ્યુન કરી આપવા વિનંતી કરું, સાથે માં પણ આવશે, બીજી વાર પણ બોલાવું, ત્યારે પણ માં ભલે સાથે આવે, ત્રીજીવાર તો લગભગ તે એકલીને જ મોકલશે, ના મોકલે તો પણ એકાદવાર તો મેસેજ કે ચિઠ્ઠી આપવાનો મોકો તમે મેળવી જ લેશો. વધારે તો શું કહું, તમે વધારે અનુભવી છો.''

અંકલ ઉભા થયા ''પુણ્ય-બુણ્ય તો ઠીક છે, પણ છોકરીએ તમને ફોન કરીને બોલાવ્યા છે, તેનો અર્થ કે તેને તમારા પર વિશ્વાસ છે, ને તમે લોકો સારા જ હશો, ને છોકરીને કોઈ તકલીફ નહિ જ આપો તેમ માનીને મદદ કરું છું, કોશિશ કરીશ, પણ ગેરંટી નથી આપતો.''

મેં તેમના બંને હાથ પકડી લીધા ને ચાર-પાંચ વાર આભાર માન્યો. પપ્પાએ વોલેટમાંથી હજારની દસ નોટો કાઢીને અંકલને આપી. તેમણે લેવાની ના પાડી તો પપ્પાએ જબરદસ્તી તેમના શર્ટના ખિસ્સામાં નાખી દીધી ને બોલ્યા ''મુરબ્બી, આ તો તમારા ધંધાની નુકશાની છે, બાકી તમે અમને જે મદદ કરો છો તે માટે તો કશું આપતો જ નથી, તેની કિંમત રૂપિયામાં થઇ શકે તેમ જ નથી.''

''અવની'' ભાગ 7

અમે ટેક્સીમાં મુમ્બ્રા આવ્યા, ને ભાઈ વાટ જોતો હતો તે હોટલ પર ગયા. અંકલને રૂમ બતાવ્યો ને મોકો મળે તો અવનીને હોટલ, રૂમ ક્યાં છે તે સમજાવી દેવાનું કહ્યું. અંકલ ચાલીને પોતાને ઘેર ગયા, ને અમે નવરા પડ્યા. હવે વાટ જોવા સિવાય કશું કામ નહોતું. અમારે ત્રણે માટે મુંબઈ જરાય અજાણ્યું નહોતું. ને અહીં અમારા ઘણા ધંધાદારી સબંધો હતા.

મોકો મળશે કે ગમે તે ક્ષણે અવની અહીં આવી શકે છે, કે ફોન આવી શકે છે. પપ્પા ''હું બે-ત્રણ કલાકમાં પાછો આવું છું, કોઈએ રૂમ છોડવાનો નથી, અને તારે ફોન બિલકુલ ફ્રી રાખવો, એવું ના થાય કે તે બચારી માંડ માંડ તને ફોન કરે ને તે એંગેજ બતાવે.'' કહીને જતા રહ્યા. જતા જતા ભાઈને કહેતા ગયા ''મારી ગેરહાજરીમાં કશું બને તો તને કહ્યું તે પ્રમાણે કરજે.''

કલાક, બે કલાક, ત્રણ કલાક.... હું અધીરો થતો હતો ને ભાઈ-પપ્પા પર ગુસ્સો આવતો હતો. ચાર કદમ દૂર અવની છે, ને હું અહીં ઝખ મારી રહ્યો છું?? કેમ આટલી ઢીલાશ કરતા હતા? હું તો પહેલે થી જ બીજા પ્લાન ની તરફદારી કરતો હતો, પણ પપ્પા-ભાઈ જાણે શું વિચારતા હતા...સિમ્પલ વસ્તુને જાણે કેમ આ લોકો લંબાવી રહ્યા હતા, રૂમ ખખડાવવો, કોઈ પણ માં કે બાપ ખોલે તેને પેટમાં કિક મારવી, અવનીને બહાર કાઢી ને રૂમ બહારથી લોક કરીને નીકળી જવું, રડ્યા કરો, ચીલ્લાઓ, બારણાં પીટો ...ત્યાં સુધી તો અમે ક્યાંય નીકળી ગયા હોય....

પપ્પા આવ્યા, કશું બોલ્યા કે પૂછ્યું નહિ, ને બેડ પર લંબાવી દીધું, ગજબનાક ધીરજ અને ઠંડા લોહીના છે. મેં પૂછ્યું ''અંકલને ફોન કરું?''

''ના, થોડી રાહ જો'' ને ભાઈને પૂછ્યું ''તારી માંને બધું કહી દીધું ને?, તેણે કશું કહ્યું છે?''

''ના, તમે બધું નક્કી કરી આવ્યા ને??''

''હા.''

આમ ને આમ ઉચાટમાં સાંજના છ વાગ્યા ને મારો ફોન વાગ્યો, ''અંકલનો નંબર છે.''

''જલ્દી ઉપાડ, અવનીનો જ હશે, ને વેવલાવેડા કર્યા વગર ફટાફટ કામની વાત જ કરજે..''

મેં ફોન ઉપાડ્યો, અવની જ હતી, તેનો અવાજ સાંભળીને હું ઈમોશનલ થઇ ગયો. ''સાલી ચુડેલ, તું ક્યાં છે? આખો દિવસ થઇ ગયો, આવી કેમ નહિ?''

''ડોમ્બિવલીથી બધા સગાઓ આવ્યા છે, જરાય મોકો નહોતો''

''તૈયાર રહે હું આવું છું, તારા માં-બાપને કહે તાકાત હોય તો રોકી લે મને...કોઈ વચ્ચે આવશે તો હું ખૂન કરતા પણ અચકાઈશ નહિ...''

''ગધેડા, કામની વાત કરને...'' કહીને ભાઈએ મારા હાથમાંથી ફોન ઝુંટવી લીધો, ને બોલ્યો ''સાંભળ અવની, કાલે સવારે શાર્પ પાંચ વાગ્યે તારે ગમે તે રીતે આવવાનું છે, અમે નીચે ઉભા હોઈશું, સમજી કે નહિ?'' ને અવનીની વાત સાંભળીને બોલ્યો ''હા, હા, તું ચિંતા ના કર, એટલે જ હું સાથે આવ્યો છું, તું પણ કોઈને શંકા થાય એવું કશું કરીશ નહિ, બાય..'' કહીને ફોન કાપી નાખ્યો.

ફરી મારામાં ઉર્જાનો સંચાર થયો, હવે મને સખ્ત ભૂખ પણ લાગી હતી, સવારથી મેં કશું ખાધું નહોતું, પપ્પાએ કહ્યું કે ''જાવ ફરો, જમો ને સેલિબ્રેટ કરો.. ને મજા કરો. આવતી વખતે શેરવાની લેતા આવજો, ને અવની માટે પણ બે-ત્રણ ડ્રેસ ને લાલ સાડી લાવજો, હું અહીં જ છું, ને ફોન આપ મને અંકલનો આભાર માનવો છે.''

મેં ફોન આપ્યો, ને બોલ્યો '' શેરવાની ને લાલ સાડી કેમ?''

''ગધેડા લગન નથી કરવા?''

''તો શું તમે અમને પરણાવીને લઇ જશો? મને માં, બહેનો અને ભાભી વગર લગન નથી કરવા.''

''હમણાં કાયદેસર પરણી લેજો, ઘેર જઈને ફરીથી એવા લગન કરીશું કે આખું ગામ જોશે...ને તારી ચાંચ ડૂબે એટલું જ દિમાગ ચલાવ,''

ભાઈ મને ખેંચી ને લઇ ગયો.

અમે રાત્રે હોટલ પર આવ્યા, પપ્પા બેઠા હતા. ભાઈ ને પપ્પા લોબીમાં જઈને સિગારેટ પીવા અને વાતો કરવા લાગ્યા. હું ફરીથી નર્વસ થતો હતો. જો બધું બરાબર રહે તો 7 કલાક પછી હું અવનીની સાથે હોઈશ.

હું ખુરશીમાં બેઠા બેઠા ઝોકા ખાતો હતો.

સાંજે હું દુકાનથી આવ્યો ને મને ઘરમાં અવની જોવાઈ નહિ, હું નીચે અને ઉપરના બંને માળ હાંફળો-ફાંફળો થઈને અવની અવની બૂમો પાડતો ફરી વળ્યો.

ભાઈએ મને ઝકઝોડ્યો, હું ઉભો થઇ ગયો, તંદ્રાવસ્થામાં હું અવની અવની બૂમો પાડતો હતો તે સાંભળીને તેઓ અંદર આવ્યા હતા, મને શરમ આવી, બંને મને તાકી રહ્યા હતા. ''ગધેડાને એક ક્વાર્ટર લાવી આપ, ક્યાંક સવાર સુધી ગાંડો ના થઇ જાય...'' પપ્પા ભાઈને કહી રહ્યા હતા.

''હું બરાબર છું, ફિકર ના કરો હું ગાંડો નહિ થાઉં.''

ભાઈ હસ્યો, ને કહ્યું ''આદત પાડી લો ગાંડાને ઝીલવાની...કેમકે આજે તે અવની નથી એટલે ગાંડો થયો છે, ને કાલથી તે અવની પાછળ ગાંડો થવાનો છે.''

સવારના ચાર થયા ને એલાર્મ વાગ્યું. ભાઈ ને પપ્પા ઉઠી ને તૈયાર થવા લાગ્યા, હું તો જાગતો જ બેઠો હતો. હોટલનો હિસાબ તો રાતે જ પતાવી દીધો હતો. બહાર ટેક્સી પણ મંગાવી રાખી હતી. અમે અવનીની બિલ્ડીંગ નીચે ટેક્સીમાં રાહ જોવા લાગ્યા. એક-એક મિનિટ મને કલાક જેવી લગતી હતી.હવે હું ટેક્સીમાંથી ઉતરીને ખખડધજ બિલ્ડિંગના દાદર પાસે આવીને ઉભો, પોણા પાંચ થયા છે. જેમ જેમ સમય જવા લાગ્યો તેમ તેમ મને પેટમાં ચૂંક ને ગોટા વળવા મંડ્યા. સવા પાંચ થઇ ગયા, હજુ અવની આવી નહિ, શું થયું હશે? હવે મારી ધીરજ જવાબ દઈ ગઈ હતી, હું ટેક્સી પાસે આવ્યો, ને ઝૂકી ને બોલ્યો, ''ભાડમાં ગઈ તમારી ગણતરીઓ, ભાડમાં ગઈ તમારી ધીરજ, ને ભાડમાં ગયા તમારા પ્લાન, હું જાઉં છું.. હવે હું તમારા કહ્યે ચાલવાનો નથી...''

પપ્પા એ ભાઈને ઈશારો કર્યો, તે પણ બહાર આવી ગયો, પપ્પા બોલ્યા ''જાવ તમે, ને અવનીને લાવો, જે કઈ કરવું પડે તે કરી નાખો.''

હું ભાગ્યો, ને તૂટેલા, સડેલા પાટિયાંની દાદરો ચાર ચાર કુદાવી ને ચડવા લાગ્યો, ભાઈ મારી પાછળ હતો.

ત્રીજા માળ ના લેન્ડિંગ પર હું હાથ ફેલાવીને ઉભો રહી ગયો....., ઉપરથી અવની આવતી હતી, તેણે મને જોયો, 5-7 પગથિયાં બાકી હતા ને મારા ઉપર કૂદી પડી, મેં તેને ઝીલી લીધી, તે મારા ગળામાં હાથ ભીડાવીને લટકી રહી હતી. મેં તેને સખત ભીંસતો હતો ને અમારા બંનેના હોંઠ એક-બીજાના ચહેરા પર આડે-ધડ ફરી રહ્યા હતા. તે હાંફી રહી હતી.

પાછળ મારો ભાઈ આવીને દબાયેલા અવાજે બોલ્યો '' જલ્દી, જલ્દી, ભાગો...''

અમે બે બે દાદર કુદતા નીચે આવ્યા ને ટેક્સીમાં ઘુસ્યા. પપ્પાએ ટેક્સી થાણે રેલવે સ્ટેશન લેવડાવી, મને આશ્ચર્ય થયું, પણ કઈ બોલ્યો નહિ. અવની વચ્ચે બેઠી હતી, તેણે નાઈટ ડ્રેસ અને રબરની સ્લીપર પહેર્યા હતા. તેના હાથમાં એક મોટું એન્વેલોપ હતું.

અવની પપ્પાને જોઈને ચોંકી ગઈ, ''અંકલ તમે પણ આવ્યા??''

''હા, તારું કન્યાદાન તો હું જ કરીશ ને...'' ને મારી સામે જોઈને બોલ્યા, ''તારી માં એ તેની માં છે, ને તારો બાપ તેના માટે અંકલ છે, આ કેવું??''

મેં ખિસ્સા માંથી માં એ આપેલ બંગડીઓ કાઢતા બોલ્યો '' કહેશે, તમને ય પપ્પા કહેશે, કહેવા લાયક લાગવા તો જોઈએ ને??''

તે બોલી ''ના, ના હું પપ્પા નહિ કહું, હું તો ડેડી જ કહીશ''

મેં તેને બંગડીઓ પહેરાવી દીધી, તેના હાથ કરતા મોટી ને ઢીલી હતી. મેં તેની કોણી સુધી બંગડીઓ ચડાવીને ફિટ કરી દીધી. તે એન્વેલોપ પકડીને બેઠી હતી, ભાઈ બોલ્યો ''આ શું છે?''

''હા, જો હું ભૂલી જ ગઈ, આ પારસી અંકલે તને આપવાનું કહ્યું છે.'' ને મને પકડાવ્યું.

એન્વેલોપ ચોંટાડેલું હતું, મેં ફાડ્યું, બધા ની નજર તેની તરફ જ હતી, અંદર હજાર હજારની નવ નોટ હતી.

પપ્પા અને ભાઈ ફોન પર સતત વાતો કરતા હતા, કોની સાથે અને શું? તેની મને કોઈ પડી નહોતી. હું તો અવનીની આંખોમાં ડૂબી ગયો હતો, અમે બંને આંગળીઓના અંકોડા ભીડાવીને એક-મેકની આંખોમાં તાકતા હતા. કેટલા વરસો પછી તેને જોઈ રહ્યો હતો?? તેના મોં પર એ જ રમતિયાળ હાસ્ય હતું, પણ તેનું દિલ જોરથી ધડકતું હતું તે મને તેની ઊંચી-નીચી થતી છાતી પરથી ખબર પડતી હતી, તેણે સખત મારો હાથ જકડી રાખ્યો હતો. તેના હાથની ભીંસ મારા હાથ પર વધતી જતી હતી, તેના નખ મારી હથેળીના પાછળ ખૂંપી ગયા હતા. મેં જમણા હાથે તેના વીંખાયેલાં વાળ બરાબર કર્યા, ને તેનો ગાલ થપથપાવીને હિમ્મત આપી.

થાણે રેલવે પર ટેક્સી છોડી, ને રોડ ક્રોસ કરીને અમે બીજી ટેક્સી પકડી, જે પપ્પાએ એક હોટલ પર લેવડાવી. ત્યાં તેઓ એ ગઈકાલના બે રૂમ બુક રાખ્યા હતા.

''જલ્દી તમે બંને તૈયાર થઇ જાવ, આપણે તાત્કાલિક નીકળવું છે, સાડા સાતે તમારા લગન છે.''

અમે બંને રૂમમાં આવ્યા, ઘણી વાતો કરવી હતી...પણ ટાઈમ નહોતો.. હું બાથરૂમના દરવાજા પાસે જઈ ને બોલ્યો ''હેં અવની, તું સાચે જ બારીમાંથી કૂદી પડતી??''

''હા, પણ તે તારે માટે નહિ.''

''એટલે??''

''ડોક્ટર સાથે લગ્ન ના કરવા પડે તે માટે...તારી સાથે નહિ થઇ શકે તે માટે નહિ, સમજ્યો?''

''ડોક્ટર તો આમેય તારી સાથે લગન ના કરતો, જો તું હમણાં છે એમ વગર મેકઅપે તેની સામે જતી તો....તે જાતે જ ડરી ને ભાગી જતો, એ તો હું હિમ્મતવાળો છું, તું ઉતરીને નીચે આવતી હતી ત્યારે હું પણ તને અંધારામાં જોઈને એકદમ ડરી ગયો હતો ને સ્ટેચ્યુ થઇ ગયો હતો, પણ તારા પગના પંજા સીધા જોયા ત્યારે જાન માં જાન આવી કે અરે આ તો તું છે..''''

'' તું પણ ખોટા વહેમમાં ના રહેતો કે હું તારા માટે ભાગી આવી છું, તારા કરતા કેટલાયે ગણા સારા મારી પાછળ ફરે છે, આ તો મને તારી ફેમિલી ગમે છે, ને મને તેમની સાથે રહેવું છે, એટલે જ તને પણ સહન કરી લઈશ.''

''કોણ કોને સહન કરશે, એ તો ખબર પડશે..દોઢ ડાહી, કેવી રીતે આવી તે કહેને..''

''બંને સુતા હતા, મેં ધીરેથી બંનેના ફોન ની બેટરી કાઢી લીધી ને ફોન કિચનમાં છુપાવી આવી. પછી માં ને ઉઠાડી કે ટોયલેટ જવું છે. તેણે જેવું તાળું ખોલ્યું કે હું તેને અંદર ધકેલીને બહાર આવી ગઈ ને બહારથી દરવાજાની સાંકળ મારી દીધી, અંકલ બચારા ચાર વાગ્યાના લોબીમાં એન્વેલોપ લઈને મારી વાટ જોતા હતા.''

''સરસ, તારામાં દિમાગ પણ છે, પણ તું હમણાં સુધી તેમના ફોનનો ઉપયોગ કેમ નહોતી કરતી? ને આટલી મોડી કેમ આવી?''

''તારામાં કેટલું દિમાગ છે, તેની મને હવે ખાતરી થઇ ગઈ છે, ડોબા પાસવર્ડથી લોક રાખતા હતા, ને મોડું તો મેં જાણીને કર્યું, આમ તો હું આખી રાત જાગતી જ હતી, પણ મને ડર હતો કે હું ભાગીને નીચે આવું, ને તું મોડો પડે ને નીચે ના હોય તો હું ક્યાં જાઉં? એટલે જ હું પાંચ પછી જ ઉઠી.''

બોલતી-બોલતી તે બાથરૂમ માંથી બહાર આવી, તેને જીન્સ-ટીશર્ટ પહેર્યા હતા, તે ફ્રેશ અને હંમેશ જેવી જ હસતી, જીવંત લગતી હતી. તે મારી બિલકુલ નજીક આવી ને બંને હાથનો ગાળિયો બનાવીને મારા ગળામાં નાખી દીધો. મારા એક હાથે તેની કમર પકડી હતી ને બીજો હાથ તેના નિતંબો પર ફરતો હતો, અને અમારા બંનેની જીભ એકબીજામાં ગૂંથાતી હતી. હું કોઈ ઔલોકિક દુનિયામાં પહોંચી ને દિવ્ય અનુભૂતિ કરતો હતો. અવનીએ મને ધકેલીને દૂર કર્યો, મેં કહ્યું ''અવની, મને તારા ખોળામાં સૂવું છે...''

''સુજે ને....મારો ભાઈ તને ફટકારશે પછી તો આમેય તું બે-ત્રણ દિવસ બેડમાં જ રહેવાનો છે ને...''

''હા હા હા !!! જો તું મને ત્રણ દિવસ ખોળામાં સુવડાવતી હોય તો હું તારા ભાઈનો માર પણ ખાઈ લઈશ.''

''ચાપલુસી ના કર, હેર ડ્રાયર નથી? જલ્દી મારા વાળ સુકવી આપ, મોડું થાય છે, હમણાં મારા લગન છે, તને પણ આવવું હોય તો તૈયાર થઇ જા.''

હું ટુવાલથી તેના વાળ ઘસવા લાગ્યો, તે બોલી ''ને આ સાડી કોણ લાવ્યું છે??''

''કેમ?''

''ચણીયો ને બ્લાઉસ વગર શેના પર લપેટું? ને સ્લીપર પહેરીને લગન કરીશ?''

''ખોટું દિમાગ ના ફેરવ ...જે છે એમાં ચલવી લે, માંડ માંડ તો બધું ગોઠવ્યું છે.... પપ્પા એ ફક્ત સાડીનું કહ્યું હતું, જે અમે લઇ આવ્યા...ને જૂતાની તો જરૂર જ નથી, ઉઘાડા પગે જ ફેરા ફરવાના છે. ને તને ખબર છે, અન્ડર ગાર્મેન્ટ સિવાય બીજા કશામાં મારુ દિમાગ ચાલતું નથી.''

ભાઈ રૂમમાં આવ્યો ને હસતા હસતા બોલ્યો '' જલ્દી કરો, હજુ તમારા લગન થયા નથી, મેં તો વાત સાંભળી છે કે ઝઘડવાનો રિવાજ નોર્મલી લગ્ન પછી પાળવામાં આવે છે, નહિ??''

  • End.