Dilma chhupayeli vato books and stories free download online pdf in Gujarati

દિલમાં છુપાયેલી વાતો

સવારની એક સાંજ

શિયાળાની ઠંડી હવાઓ હવે ધીમે-ધીમે ઓછી થઈ રહી હતી. પક્ષીઓનાં કલરવ, ફૂલોનાં રંગો અને ઊગતાં સૂર્યનાં કિરણ સુરત શહેરને વસંત આવી રહી છે એનાં એંધાણા આપતાં હતાં. શહેરનાં રસ્તાઓ પણ માનસની જેમ ધુમ્મસની આળસ મરડીને ધીમે ધીમે જાગતા થયાં. તાપી નદી પણ સૂર્યનાં કિરણોથી સજ્જ બની. સુરત શહેરનું વાતાવરણ જાણે અધીરું બનીને વસંત ઋતુની રાહ જોતું હતું. પક્ષીઓ પણ માળામાંથી બહાર નીકળીને ઊગતી સવાર સાથે હાથ મિલાવીને કલરવ કરતાં કરતાં ખોરાકની શોધમાં સૂર્ય ભણી જવા લાગ્યાં. સુરત શહેર પણ હવે ધીમે-ધીમે જાગવા લાગ્યું.

'પરી ' પણ આજ રોજ કરતા વહેલી ઉઠીને ઘરની બાલ્કનીમાં આવીને ઊભી રહી. આવનારી વસંતઋતુ તેના માટે શું નવું લાવશે?? તેના માટે તે ઉત્સુક બની. તે બારીની બહાર થઇ રહેલી પક્ષીઓની ચહલપહલને ધ્યાનથી સાંભળવા લાગી. તે આ વખતે વસંતને લઈને અધીરી બની હતી. ના જાણે એને આ વખતે શું થયું હતું!! આજે તેને પહેલી વખત સવારની મીઠી મોજ માની હતી. આંખો બંધ કરીને તે સૂર્યનાં કિરણોને પોતાની અંદર બોલાવી રહી હતી. તે આજે કંઈક અલગ જ અનુભવતી હતી. તે શાંતીથી ઊભી રહીને દિલની ધડકનોને ધ્યાનથી સાંભળી રહી હતી. તે કોઈની રાહ જોઈ રહી હતી તેવું તેનાં અટ્ટહાસ્ય પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું. ત્યાંજ એક ઝાકળબિંદુ તેના હોઠો પર પડ્યું અને તે શરમાઈ ગઈ. તેના કાન આજે રોજ કરતાં વધારે અધીરા બન્યા હતાં.

" રોજ સવારે ૭ વાગ્યાનાં ટકોરે મોબાઈલમાં રિંગ વાગે છે પણ આજે તો ૭:૩૦ થવા આવ્યાં છતાં કેમ તેનો ફોન ન આવ્યો ?? ". આવું તે પોતાના હૃદયને પૂછવા લાગી. મન તો જાણે તેનો અવાજ સાંભળવા માટે અધીરું બની ગયું. ત્યાં જ તેની મમ્મીનીબૂમ પડી :

" બેટા પરી!! ચા-નાસ્તો તૈયાર થવા આવ્યો છે. જરા નાહીધોઈને આવી જા બેટા. નહિંતર કોલેજ જવાનું મોડું થઇ જશે! "

આ સાંભળી તે એકાએક સજ્જ બની. પરંતુ તેનું મન હજુ પણ મોબાઈલની રીંગ સાંભળવા માટે અધીરું બન્યું હતું.

ફ્રેશ થઈને તે બ્રેકફાસ્ટ કરવા માટે બેઠી. ત્યાં જ તેના પપ્પાએ તેને પૂછ્યું : " બેટા ! તારું ભણવાનું કેમ ચાલે છે? કોલેજનું પહેલું વર્ષ કેમનું પસાર થઇ રહ્યું છે?? અને તારા મિત્રો કેમ છે?? "

પરીએ કહ્યું : " પપ્પા ! મારા બધા મિત્રો તો મજામાં જ છે. અને ભણવાનું પણ સરસ ચાલે છે. પપ્પા તમને ખબર છે?? મારા પહેલા સેમેસ્ટરમાં ૭૫ % ટકા આવેલાં!! ત્યારે તમે કેટલા ખુશ થઈ ગયેલાં."

પરી તો બોલતી હતી પણ મન હજુ ફોનની રીંગ માટે આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું.

પરીના પપ્પા : " હાં બેટા!! મને યાદ છે તે દિવસ... તું કેટલી બધી ખુશ હતી '?? તે તારા બધા મિત્રોને ઘરે બોલાવેલા જમવા માટે એ પણ મને યાદ છે. મને એ પણ ખબર છે જાન ! કે તું તારા ફ્રેન્ડ સર્કલમાં સૌથી હોશિયાર છે. "

પરી : " હાં પપ્પા..!! તે વાત તો ખરી તમારી હો..."

પરીના પપ્પા : " અરે હા બેટા.. પેલો તારો ફ્રેન્ડ 'રીધમ' શું કરે છે?? (પરીના કાને 'રીધમ'નુ નામ પડતાં તે મનમાં મલકાઈ પડી. ) હમણાંનો તો તે આપના ઘરે આવ્યો જ નથી. મારે થોડું કામ હતું એનું. કાલે રવિવારે તેની રાહ જોઈને મેં બહાર જવાનું પણ મુલતવી રાખ્યું. સવારની સાંજ થઈ પણ તે ના દેખાયો. તેને લીધે હું સવારમાં વહેલો ઊઠીને ગરમા ગરમ ખમણ પણ લઈ આવ્યો હતો. પરંતુ તે દેખાયો જ નહીં. તેણે રાહ જોતા જોતા તેના ભાગના ખમણ પણ હું ખાઈ ગયો બોલો !! "

પરીના મમ્મી જરા હસ્યા...પરી પણ મનમાં ને મનમાં હસી...

પરીના મમ્મી બોલ્યા : " શું તમે પણ....!!"

પરી પણ બોલી : " હા પપ્પા શું તમે પણ.....!! અરે !એક ફોન કરી દીધો હોત તો પણ તે આવી જાત યાર."

પરીના પપ્પા : " અરે બેટા!! હું તે પણ કરી ચૂક્યો છું. પણ તેનો ફોન કવરેજ ક્ષેત્રની બહાર જ બતાવતો હતો. તારી કોઈ વાત થઈ હતી એની સાથે ?? "

પરી : " અરે હા પપ્પા !! હવે મને યાદ આવ્યું. તે તેનાં ગામ તેનાં મમ્મી-પપ્પાને મળવા ગયો છે. હું તમને કહેવાનું જ ભુલી ગઇ. કાલે રાતે જ તેની સાથે થોડી વાત કરી હતી. "

પરીના પપ્પા : " ખંભાત ગયો છે એમ જ ને !! તેને કહેજે બેટા કે આવતા સુતરફેની અને હલવાસન લેતો આવે."

પરી : " અરે પપ્પા..!! તેને ખબર છે કે તમને ખંભાતની મીઠાઈ બહુ ભાવે છે અને મમ્મીને ટમટમ. તમે નહીં કહો તો પણ તે લેતો જ આવશે. પણ પપ્પા તેનું શું કામ હતું એ તો મને જણાવો?? મને તે કોલેજમાં મળશે ને તો હું કહી દઈશ."

પરીના પપ્પા : " બેટા હું જ્યાં હીરાની ઓફિસમાં કામ કરું છું ને! ત્યાં શેઠનાં કાકાનો છોકરો એક નવી લેડીઝ ફેશનની દુકાન ખોલવાનો છે. તેમને મને પૂછેલું કે 'કોઈ સારો છોકરો હોય તો કહેજો.' તો મને થયું કે આ આપણો રીધમ આમ પણ પાર્ટ ટાઇમ જોબ કરે જ છે'ને, તો લાવ એને આમાં બેસાડી દઉં!! એ છોકરાને કાપડનું સારુંએવું નોલેજ પણ છે. બસ, તેના માટે આ એક નોકરીની વાત હતી. "

પરીના મમ્મી બોલ્યા : " આ છોકરો બહુ મહેનતુ છે. ભલેને તે તેના મામા મામી સાથે અને તેના મમ્મી-પપ્પા વગર સુરતમાં રહેતો હોય!! પણ ક્યારેય તે કોઈનો ઓશીયાળો નથી થયો. પોતાની જાતે કમાઇને આગળ વધે છે. ખરું કહું તો !! તે સમજદાર છે. "

પરી મનમાં મલકાઈ અને થોડું હસીને તેણે મમ્મીને કહ્યું ;

" મમ્મી તારી વાત બિલકુલ સાચી છે."

પરીના પપ્પા : " તે ખરેખર બહુ મહેનત કરે છે. ભગવાન તેને ખુશાલીભર્યું જીવન આપે!! હું તો બસ એમને એ જ પ્રાર્થના કરું છું. પણ પરી તું પેલી વાત ભૂલતી નહિ એને કહેવાનું હો'ને."

પરી : " હા પપ્પા તે મળશે'ને તો હું જરૂર જણાવી દઈશ એને ઓ.કે."

પરીના પપ્પા : " ઓ.કે. !! તો ચાલો હું જાઉં હવે કામ પર બાય !! બાય... જય અંબે !!"

પરી : " આવજો પપ્પા! જયઅંબે.. જેશી કૃષ્ણ.."

પરી પાછી વિચારમાં પડી ગઇ કે હજુ રીધમ નો ફોન કેમ ન આવ્યો...

પરીની મમ્મી : " એય પરી !! શું વિચાર કરે છે બેટા ?? ચલ જા જલ્દી જઇને તૈયાર થઈ જા. હમણા તારી બહેનપણી આવીને બૂમ પાડશે!! જા ઝટ કર બેટા..!! "

પરી : " ઓ.કે. ! મમ્મી હું જાઉં છું બસ. "

પરી તેના રૂમમાં ગઈ. મનમાં તો હજુ પેલો સવાલ ડોકિયાં કરતો હતો કે " આજે રીધમનો ફોન કેમ ન આવ્યો ??", અને પાછી મનમાં ને મનમાં મલકાતા મલકાતા પોતાને કહેતી હતી. " આજે મળવા દે તે ગધેડાને કોલેજમાં. જો ! પછી કેવી એની ખેર લઉં છું. સવારમાં મને આટલી બધી હેરાન કરી દીધી." પછી તેને ફોન લગાડ્યો રીધમને. એક લાંબી રીંગ વાગી અને ફોન સામેથી ઉપાડીને કોઈએ કટ કરી નાખ્યો. પરીએ બીજી વખત રીંગ મારી પણ " તમે જે વ્યક્તિનો સંપર્ક સાધવા માંગો છો તે વ્યક્તિ હાલમાં વ્યસ્ત છે. કૃપયા ક.. " પરીએ બે મિનીટ રહીને ફરી વખત ફોન લગાડ્યો પણ આ વખતે ફોન સ્વીચ ઑફ બતાવતો હતો. તે પોતે જ બોલી ઊઠી " અરે ગાંડા! મારો ફોન કટ કેમ કરી નાંખ્યો?? અને પાછો switched off પણ કરી નાંખ્યો.!! રીધમ....હું શું કરુંને તારું એ જ ખબર નથી પડતી!!".

પરીની મમ્મી બોલી : " પરી... બેટા તૈયાર થઈ કે ન'ઇ..?? આ રેશ્મા આવીને તારી રાહ જુએ છે..."

પરી : " એ..!! આવી મમ્મી... બસ પાંચ જ મિનિટ."

પરી તેના પલંગ પરથી ઉભી થઇ અને કપડાંની અલમારી ખોલી. તેને એક મસ્ત ગુલાબી રંગનો ડ્રેસ કાઢ્યો અને બોલી;

" આજે પેન્ટ ટી-શર્ટ નથી પહેરવાં. આજે હું ડ્રેસ પહેરું. આજે તો રીધમ મને આ લૂકમાં જોઈને એકદમ દંગ જ રહી જશે. આજે તો હું એને ડબલ નહીં પણ ત્રીપલ સરપ્રાઇઝ આપીશ.." તે મનમાં ધીમેથી હસી.

તે ડ્રેસ પહેરીને અરીસા સામે બેઠી. સોનેરી રંગનો ચળકતો એક નાનો ચાંદલો તેને કપાળે લગાયો. તેને આજે પહેલી વખત બફવાળ-વાળી હેર સ્ટાઇલ કરી. માથામાં ગુલાબી રંગની રીબીન નાખી અને દુપટ્ટો નાખીને, ઓરડાનો દરવાજો ખોલી બહાર આવી. તેની બહેનપણી રેશ્મા તેને એકીટશે જોઈ રહી.

પરી : " આમ કેમ મને તું ટગર ટગર જોઈ રહી છે?? રેશ્મા!! "

રેશ્મા બોલી : " કાંઈ ન‌ય.. હું તો એ વિચારતી હતી કે કે પેન્ટ શર્ટ પહેરવાં વાળી છોકરી.. આજે ડ્રેસ પહેરીને કોલેજ આવે છે !! હંમ્.. કંઈક તો નવા-જૂની લાગે છે?? "

પરી : " એવું કંઈ પણ નથી.... ચલ હવે જલ્દી મોડું થાય છે. "

રેશ્મા : " હાં.. ચલ..!! " જતા જતા તેને પરીના કાનમાં કીધું.. "કોઈ હોય તો મને કહેજે પરી...."

પરી : " જા'ને અવે.. એવું કંઈ જ નથી."

" હું જાઉં છું મમ્મી.!! જયઅંબે જેસી ક્રિષ્ના."

" હા બેટા સાચવીને જાજે ... હો.. જયઅંબે !"

પરી અને રેશ્મા બંને કોલેજ જવા માટે ઘરેથી નીકળ્યા.

વાગી ગયા હતાં. હજુ પણ રીધમનો ફોન કેમ ના આવ્યો!! ?? એવા સવાલો હજુ પણ પરી પોતાને પૂછતી હતી. બંને જણા રિક્ષામાં બેઠા અને કૉલેજ જવા માટે નીકળી પડ્યા.

૯:૩૦ વાગ્યે એ લોકો કોલેજમાં એન્ટર થયા.

રેશ્મા બોલી : " અરે પરી જરા જલ્દી કર.. નહિંતર એકાઉન્ટનો લેક્ચર ચાલુ થઇ જશે.!!"

પરી : " અરે હા યાર!! ૧૦ વાગ્વા આવ્યાં ન'??"

રેશ્મા : " હા મારી બેન... ચાલ હવે જલ્દી બધા ફ્રેન્ડ આપની રાહ જોતા હશે.!!"

પરીને બધાં ફ્રેન્ડ્સને મળવાની ઇચ્છા નહોતી. બસ તેને તો માત્ર રીધમને જ મળવું હતું. તે બીજા કોઇ માટે નહીં પણ રીધમ માટે ઉતાવળી થતી હતી.

પરી : "હા રેશ્મા ચલ જલ્દી ચાલ.. ફટોફટ... બહુ મોડું થાય છે...... (રીધમને મળવાનું..)

પરીને મન આજે એકાઉન્ટના લેક્ચરનું નહીં પણ રીધમનું મહત્વ હતું. પરી અને રેશ્મા પોતાનાં ક્લાસમાં એન્ટર થયાં. આજે પરીને ક્લાસની પહેલી બેન્ચીસની જગ્યાએ છેલ્લી બેંચ પર બેસવાનું મન થયું રીધમ જ્યાં બેસે છે ત્યાં તેની સામેની બેન્ચ પર. તે રેશ્માનો હાથ પકડીને છેલ્લી બેંચ પર લઈ ગઈ. અને બન્ને જણાં બેઠાં.

રેશ્માને નવાઈ લાગી.તેણે પૂછ્યું; " કેમ આજે પાછળની બેંચ પર???"

પરી : " બસ એમ જ... મન થયું એટલે!! "

એવામાં રીધમનો ફ્રેંન્ડ ખુશાલ આવ્યોં. પરીને જોઇને ખુશાલ બોલ્યો ;

“ ઓહો મેડમ !! આજે તમે છેલ્લી બેંચ પર......!! આજે સુર્ય પચ્છિમમાંથી કેમનો ઉગ્યો.??

પરી બોલી : “ બસ મન થયું એટલે... “

તેની આંખો રીધમને શોધતી હતીં. કેમ કે રીધમ અને ખુશાલ બન્ને સાથે આવતાં હતાં.આજે તેને ખુશાલની સાથે રીધમને ના જોતા નવાઇ લાગી. તેને ખુશાલને પુછ્યું :

“ ખુશાલ !! આજે રીધમ કેમ નથી આવ્યો.??”

ખુશાલ બોલ્યો : “ ખબર નઇ યાર ! આજે સવારે તેનાં મામાનાં ઘરે એને બોલાવા ગયો હતો પણ ત્યાં તાળું હતું. અને આવતાં આવતાં ફોન કર્યો હતોં. પણ તેનો પણ સ્વિચ ઓફ બતાવે છે.”

પરી : “ હાં યાર ... મેં પણ તેને સવારે ફોન કર્યો હતો ત્યારે પણ સ્વિચ ઓફ જ બતાવતો હતોં.”

ખુશાલ : “ કંઇ વાંધો નઇ !! હમણાં આવશે. રસ્તામાં જ હશે. અને હાં પરી ! તું ડ્રેસમાં જ્ બ’વ મસ્ત લાગે છે આજે !! બર્થ ડૅ છે કે શું તારો આજે ??”

પરી : “ ના હવે !! અવું કંઇ જ નથી યાર.. આ તો મન થયું એટલે પહેરી લીધો.”

એકાઉન્ટના સર લેકચર લેવા આવ્યા. પરંતુ પરીનું મન તો તેના રીધમને શોધતું હતું. જેના માટે થઈને તે આજે તૈયાર થઈ હતી તે રીધમ હજુ દેખાયો નોહતો. "ક્યાં રહ્યો હજુ આ છોકરો???" તેવું વારંવાર ભગવાનને પૂછતી હતી. એક બાજુ લેકચર ચાલતો હતો પણ પરીની આંખો બ્લેકબોર્ડને બદલે ક્લાસના દરવાજા સામે મંડાઈ હતી. તેણે લાગતું હતું કે હમણાં રીધમ આવશે અને આવીને સામેની પાટલી પર બેસશે.

"પણ ના જાણે હજુ એ ક્યાં રહ્યોં !! " પાછું તેને તેના દિલને કહ્યું. તેનું ધ્યાન આજે ભણવામાં નહોતું લાગતું. તેના દિલની ધડકન પણ રીધમ...રીધમ... કરી રહીં હતી. તેને બેગમાંથી ફોન કાઢીને ચેક કર્યો, કે ક્યાંક રીધમે ફોનતો નથી કર્યો'ને, ફોનમાં મેસેજ તો નથી કર્યો'ને!! પરંતુ આજે ના તો તેનો કોઈ ફોન હતો કે ના કોઈ મેસેજ. પરીએ મોબાઇલની ફોટોગેલેરી ઓપન કરી અને રિધમ નો ફોટો જોયો. અને મનમાં બોલવા લાગી; '' રીધમ ક્યાં છે તું યાર ?? જલદી આવી જા'ને !!! મારે તને આજે મારા દિલની વાત કહેવી છે. પ્લીઝ યાર તું જ્યાં હોય ત્યાંથી જલદી આવી જા'નેે. તારા વગર મને ક્લાસમાં નથી ગમતું....."

રેશ્મા બોલી : “ અલી પરી. પાગલ થઇ છે કે શું ?? શું બબ્ડ્યાં કરે છેં !! આ જો લેક્ચર પણ પુરું થઇ ગયું. ક્યાં ધ્યાન છે તારું ??”

પરી : “ કંઇ જ નથી થયું યાર. મન બેચેન છે..... (રેધમ માટે). એટલે જ તો તને આજે છેલ્લીં બેંચ પર લાવીને બેસાડી છેં.”

આમ ને આમ બીજો લેકચર પણ પુરો થઇ ગયો. કોલેજનો અડધો દિવસ પૂરો થયો. રિશેષ પડી અડધા કલાકની પણ તે જેની રાહ જોતી હતી તે તો ના જ દેખાયો.

રેશ્મા : " ચાલ પરી હવે ઘરે જઈએ. "

પરી તેનાં વિચારોમાં ખોવાયેલી હતી. પરી કંઈ બોલી ન’ઈ એટલે રેશ્માએ તેને ધીમેથી ધક્કો માર્યો અને બોલી :

“ અરે ઓ પરી કોના વિચરોમાં ખોવાઈ ગઈ પાછી !! ચાલ હવે ઘરે. મારે મોડું થાય છે. ઘરે મહેમાન આવવાનાં છે.

પરી : “ હં.... શું?? કોન આવવાનું છે !!”

રેશ્મા : “ અરે યાર... મારી ઘરે મહેમાન આવવાનાં છે, તો હું ઘરે જાવ છું તો તું પણ ચાલ સાથે.”

પરી : " ના યાર !! તું જા મારે એક કામ છે."‌‌

રેશ્મા : " શું કામ છે?? તો મને જણાવ.!!"

પરી : " ટૂંકમાં કહું તો હું રીધમની રાહ જોઉં છું. પપ્પાને એક અગત્યનું કામ છે. તેથી હું એની રાહ જોઉં છું. તારે જવું હોય તો જા. હું રીધમ સાથે ઘરે જતી રહીશ. તું ચિંતા ના કર."

વાત તેના પપ્પાની નહિં પણ વાત તેનાં પ્રેમની હતી.

રેશ્મા : " Okay dear bye bye. Take care. જયઅંબે !"

પરી : " જયઅંબે! આપણે કાલે મળીશું. Ok. "

રેશ્મા તો જતી રહી રિક્ષામાં બેસીને પણ પરી તો રિધમની રાહ જોવા પાછી ક્લાસમાં ગઈ. ત્રીજો લેક્ચર ચાલુ થવાનો હતો. પરી પાછી રાહ જોઇને બેઠી કે ' હમણાં રીધમ આવશે. કદાચ એવું પણ બને કે આજે તેને દુકાનમાં કામ વધુ હોય?? હા એવું જ હશે!! પણ એક ફોન કરી દીધો હોત તો એનું શું જતું રહેતું હતું.' પરી હવે થોડી અકળાઇ પણ પાછી શાંત પડી અને રાહ જોવા લાગી. ત્રીજો લેકચર પણ પૂરો થયો. હવે પરીથી ના રહેવાયું કે ન સહેવાયું. તે ઉતાવળથી ક્લાસની બહાર નીકળી ગઈ. તેનું મન હવે બેબાકળું બની ગયું હતું રીધમ માટે. તેને થયું કદાચ રીધમ લાયબ્રેરીમાં આવીને બેઠો હશે.

"અરે હાં..!! યાદ આવ્યું. તેણે story વાંચવાનો શોખ છે. તે અત્યારે બેઠો બેઠો ત્યાં કોઈ નવલકથા જ વાંચતો હશે.!!" તે અધીરી બની અને લાયબ્રેરીમાં ગઈ. લાઈબ્રેરીમાં જઈને તેને માત્ર ને માત્ર રીધમને જ શોધ્યો.

"ક્યાં ગયો તે અહિયાં પણ નથી ???"

૪ વાગી ગયા હતાં. કોલેજના સ્ટુડન્ટ્સ હવે પોતપોતાને ઘરે જવા નીકળ્યા. તે જે લાયબ્રેરીમાં રીધમને શોધતી હતી તે પણ હવે બંધ થવાની હતી. સાંજના ૫ વાગ્યા અને લાયબ્રેરી બંધ થઈ ગઈ. તે પણ કોલેજ કેમ્પસમાંથી બહાર નીકળી. કોલેજની સામે આવેલી ચોપાટી બાગ પાસેની કેન્ટીનમાં જઇને બેઠી. એક આખી ચાનો ઓર્ડર આપ્યો. પરી અને રિધમ અહીંયા આવીને રોજ એક આખી ચા અડ્ધી કરીને પીતા. પરંતુ આજે તે પહેલી વખત એકલી આવી. ચા પણ આવી ગઈ, પરંતુ તે ચાના બે ભાગ કરીને પીવડાવનાર તેનો રીધમ સાથે નહોતો. "આ ચાના અડધા ભાગ કરવા મારો રીધમ જરૂર આવશે." તેવું તે તેના હૃદયને વારેઘડીએ કહેતી હતી.

રીધમ... હાં..! પરીનો રીધમ. તેના હૈયાનો હાર... તેના દિલની ધડકન... તેના શ્વાસનો પણ શ્વાસ. એટલે રીધમ. પણ તે આજે ક્યાં છે?? એ દેખાતો કેમ નથી?? આવું તે પોતાને પૂછતી પૂછતી એક ઊંડો વિચાર કરવા લાગી. તેની ચા પણ તેનાં સવાલો સાથે ઠંડી થઈ ગઈ.

પરી અને રીધમ બંને પહેલી વખત ૧૧મા ધોરણમાં મળ્યાં હતા. બન્નેની પહેલી મુલાકાત તો ઝઘડાથી થઈ હતી. પરંતુ સમય જતાં બંને વચ્ચે પાક્કી મિત્રતા બંધાઈ. ૧૨મા ધોરણમાં તે રીધમને બહુ સારી રીતે જાણવા અને સમજવા લાગી. તેને લાગતું હતું કે રીધમ તેને ચાહે છે. પરંતુ તેને જણાવી નથી શકતો. પરીના મનમાં તેના પ્રત્યે પ્રેમ હતો પણ તે રાહ જોતી હતી કે રીધમ તેને પ્રપોઝ કરે. પણ બન્ને જણાંએ એક બીજાની રાહ જોયા કરી. અને ક્યારેય એકબીજાને પ્રેમ વિશે જણાવ્યું નહિ.

પરીને એકાએક યાદ આવ્યું. છેલ્લાં બે વર્ષથી તે રીધમને સારી રીતે જાણતી થઈ ગઈ હતી. તેને ખ્યાલ આવ્યો કે રીધમ બીજે ક્યાંય નહીં મળે તો, તો તે બે જ જગ્યાએ મળે. એક બાગમાં અને બીજે પ્રકૃતિના ખોળે. તેણે રીધમ વગરની ચા પણ બેસ્વાદ લાગી અને ઠંડી ચા પીને તે અંદર બાગમાં ગઈ અને બધી જગ્યાએ રીધમને શોધી વળી. તેણે રીધમ બાગમાં પણ ન મળ્યો. ૫:૩૦ થવાં આવ્યાં હતાં. ઢળતા સુરજની જેમ તેની આશાઓ પણ ધીમે ધીમે સમી રહીં હતી. તેને થયું કે રીધમ જે શો રુમમાં કામ કરે છે તે ત્યાં જ હશે.!! તને શો રુમમાં ફોન લગાડ્યો ત્યાંથી પણ તેને નકારમાં જવાબ મળ્યો. તેનું મન ઓર બેચેન થવાં લાગ્યું. હવે ધીમે ધીમે થોડું ટેંશન પણ થવાં લાગ્યું કે ;

“ ક્યાં હશે આ છોકરો?? કંઈ દુનિયામાં જઈને બેઠો છે..!! તેને ભાન-બાન છે કે નહિં?? ખબર ન’ઈ ક્યાં છે આ છોકરો...!! હેં ભગવાન હવે તું કંઈક કર.... મારો રીધમ જ્યાં પણ હોય ત્યાંથી પાછો આવી જાય... એવું કંઈક કર ભગવાન તું એવું કંઈક કર.... હવે મારાથી રાહ નથી જોવાતી. મારા હૈયાનો હાર, મારા દિલની ધડકન, મારા મનનો મીત, મારા જીવનનું સંગીત, મને મારા રીધમ સાથે ભેટો કરાવી દે, મારી અરજી સ્વીકારી લે મારા ભોળાનાથ.”

તેની આ બેચેનીએ તેનાં દિલની ધડકનને વધારી દીધી હતી. તે પાસે આવેલા બાકડા પર બેસી ગઈ. તેની સામે રહેલો સુરજ ધીમે ધીમે તાપી નદીમાં સમાતો હતો. તેને હવે થોડી ગભરામણ પણ થવા લાગી. તેનાં મન આવેલાં વિચારથી તે જાણે કમકમી ઊઠી: “ ખંભાત થી આવતાં આવતાં રસ્તામાં ક્યાંક તેનો અકસ્માત તો...” આ વિચારે તેની ગભરામણને ઓર વધારી દીધી. તેનાં દિલની ધડકનો જોર જોરથી ધડકવા લાગી. તેને તેની ધડકનોનો અવાજ સંભળાવા લાગ્યો : “ ધક..(રીધમ) ધક.... (રીધમ)ધક... (રીધમ).....” તે ઢળતા સુર્યને પ્રાર્થના કરવા લાગી., તાપીનાં વહેતાં નીરને એકીટશે જોવાં લાગી. સમયનું ભાન પણ તે જાણે ભૂલી ચૂકી હતી.

૬:૩૦નો સમય થવાં આવ્યો. પરીનાં મુખે ઉદાસીનતાની કળચલીઓ ફરતી હતી. તેની છેલ્લી આશા બાગની પાછળ આવેલા તાપી રિવરફ્રન્ટ પર રહી હતી. આજુબાજુ બધે નજર કરી પણ રીધમ ના દેખાયો. ઢળતા સૂર્યની સાથે સાથે તેની આશાઓ પણ જાણે ડૂબી રહી હતી. તાપી નદીનાં પાણી પણ તેની આશાઓને પોતાના વહેણમાં ખેંચી જતા લાગ્યાં. સોમવારનો દિવસ હોવાથી ચોપાટી બાગમાં ચહલપહલ ઓછી હતી. તેનું હ્ર્દય અને તેની ધડકનો વારેગઘડીયે કહેતાં હતાં કે “ રીધમ અહિંયા જ છે....”

“પણ ક્યાં છે...??” તેવો પ્રશ્ન તેનાં હ્ર્દયને પૂછ્યો. તેનાં મનની બેચેનીએ તેના પગને હવે ઘર તરફ જવા માટે એક ડગલું પાછળ ખેંચ્યાં. ત્યારે તેના દિલમાંથી એક અવાજ આવ્યો; "પરી હજુ થોડી વાર જોઇલે.. બહું નહિ બસ ૨ જ મિનિટ..." પરંતુ હવે એનું મન રોકાવા માટે તૈયાર ન હતું. તે સારી રીતે જણતી હતી કે તેનો રીધમ ક્યાંય ના મળે તો તે બે જ જગ્યાયે મળે. તે જાણતી હતી કે રીધમને સૂર્યને પાણીમાં ઢળતો જોવાનું ગમે છે અને બીજી વાત એ કે તેને પાણીને નિરંતર વહેતું જોવું ગમે છે. પરીની નજર સામે ઢળતો સુરજ પણ હતો અને વહેતાં પાણી પણ હતાં. તેની નજર સામે એકમાત્ર રીધમ જ નહોતો. તે તાપી મૈયાને કહેવા લાગી:

“ હેં....માં !! મારો રીધમ જ્યાં પણ હોય ત્યાં હેમખેમ રાખજે.”

તે જેવી પાછી ફરી તેણે એક જાણી છતાં અજાણી વાંસળીની ધુન સંભળાવા લાગી. તેની સાથે તેને પોતાના શબ્દ પરોવ્યા અને તે ગાવા લાગી;

‌‌ ‌‌ " એક પ્યાર કા નગ્માં હૈ..... મૌજો કી રવાની હૈં..... જીંદગી ઓર કુછ ભી નહી.... તેરી મેરી કહાની હૈં..... "

તેને યાદ આવ્યું કે; "આ તો મારા રીધમનું ફેવરિટ ગીત છે. તે કહેતો હતો કે તે જયારે એકલો મહેસૂસ કરે ત્યારે તે આ ગીત ગાય છે. લાગે છે એને મારી જરૂરત છે." જ્યાંથી વાંસળીની ધુન આવતી હતી તે દિશામાં દોડી. તેને એક છોકરો દેખાયો. તે જેમ જેમ આગળ જતી હતી તેમ તેમ એ છોકરો તેને સ્પષ્ટ દેખાતો હતો. તેણે જોયું કે એક છોકરો બાંકડા પર બેઠો છે. તે છોકરાની આંખમાંથી આંસુ નીકળતા હતા અને તે સૂર્યના કિરણોથી ચળકતા હતા. તે એકદમ પાસે પહોંચી ગઇ અને બોલી :

" રીધમ.... !!"

તે છોકરાએ આંખો ખોલી અને બોલ્યો : "પરી તું.!!! તું અહિયાં શું કરે છે ??" રીધમ ઉભો થયો.

પરી : "એ જ તો હું તને પૂછું છું.રીધમ તું અહીંયાં?? શું કરે છે?? અને રડે છે કેમ?? "

રીધમ : "એ બધું જવા દે'ને તું. એ બધું તું નહીં સમજે. મને જણાવ કે તુ અહિયાં શું કરે છે?? ઘરે કેમ ના ગઈ? તને ખબર છે તારા મમ્મી કેટલી ચિંતા કરતા હશે....."

પરીને ખબરના પડે એમ રીધમે પોતાના આંસુ આંખોમાં પાછા લેવાનો પ્રયત્ન કર્યો.

પરી એ તેનો હાથ પકડીને બાંકડે બેસાડ્યો ને પોતે એની બાજુમાં બેઠી અને બોલી.

પરી : "તને મારી બહુ પડેલી છે નહીં... મને શું થશે અને શું નહીં થાય એની પણ તને ચિંતા છે. પણ જરા વિચાર કર.!!! હું સવારથી તારી રાહ જોઉં છું. તારા એક ફોનની, તારા એક મેસેજની રાહ જોઉં છું. તું સવારનો ક્યાંય દેખાયો નહીં. તારા પપ્પા પર ફોન કરેલો..!! તો એમને કીધું કે તું સુરત આવવા માટે નીકળી ગયો છે. અને તું અહી આવીને મને મળ્યો પણ નહીં. તો મને કેટલું દુઃખ થતું હશે. બસ તને જ ચિંતા કરતા આવડે છે?? શું મને તારી પડેલી નથી. સવારથી માંડીને સાંજ સુધી તને શોધવા માટે હું લાયબ્રેરીમાં ગઈ, આખા કોલેજ કેમ્પસમાં ફરીવળી અને આખો ચોપાટી બાગ હું જોઈ વળી. અને એક તું છે..!! અહીંયા હોવા છતાં પણ મને એક ફોન ના કર્યો.... અને તને વાંસળી વગાડતાં પણ આવડે છે એ પણ તે મને ક્યારેય નથી કહ્યું કેમ..... ?? જવાબ આપ મને !! "

પરી એક જ શ્વાસમાં આટલું બધું બોલી ગઈ અને તેની ધડકન તો જોર-જોરથી ધડકવા લાગી હતી. તેની આંખમાં આંસુ ની લહેરખી પણ આવી ગઈ.

રીધમ : " મેં મારો ફોન બંધ રાખ્યો હતો. વાંસળી વગાડતાં તો મને ખાસ્સાં ટાઈમથી આવડે છે પણ બ’વ દિવસ પછી વગાડી’ને એટલે તને આજે ખબર પડી. સોરી... યાર!! "

પરી : " ફોન કેમ બંધ રાખ્યો હતો મને જણાવ?? તું મારાથી આંસુ છુપાવવાનો ખોટો પ્રયત્ન ના કર. મનમાં જે હોય તે બધું મને કહી દે. મારી લાગણીઓની પરીક્ષા લેવાનું બંધ કર. પ્લીઝ.. રીધમ જે હોય તે મને કહી દે."

રીધમ : " પરી તું મારી આટલી બધી ચિંતા કેમ કરે છે !! તને આ હક કોણે આપ્યો. અને વાત મારા દુઃખી થવાની છે તો હું દુઃખી જ બરાબર છું. કેમકે મારા નસીબમાં સુખ નથી, ખુશી નથી.. છે તો બસ માત્રને માત્ર દર્દ. અને મને દુઃખ એ વાતનું થાય છે પરી કે જેને હું કાકા કાકા કરતો હતો. જેને હું મારા પપ્પા કરતાં પણ વધારે માનતો હતો. જ્યારે હું ખંભાત ગયો ને ત્યારે મને ખબર પડી કે મારા મમ્મી-પપ્પા ત્યાં પણ દુખી જ છે. મને એમ કે મારા મોટા કાકા મમ્મી-પપ્પાનું ધ્યાન રાખશે એટલે મેં જાતે જ તેમને મોકલી દીધા. અને જાતે કમાઈને જાતે આગળ વધવાનું વિચાર્યું. કેમ કે પપ્પાને હીરા માં બહુ કામ થતું ન હતું અને દેવું દિવસેને દિવસે વધતું હતું. પણ જ્યારે ખંભાત જઈને મેં જોયું, મારા કાકા મારા પપ્પાના અને સાથે અમને પણ ઘરમાંથી બહાર કાઢવાની વાત કરતા હતાં. કેમકે તેમના બંને છોકરા મોટા થઈ ગયા છે. અને અમે લોકો ઉપર નીચે રહીએ છીએ બે જ માળનું મકાન છે અમારે ત્યાં. ઘર પણ સાંકડું છે અને એટલે અમે ઘરમાં રહીએ એ હવે કાકાને ગમતું નથી.. હવે મને ખબર પડી પરી: કે મારા પપ્પા કેમ મને જલ્દી પૈસા કમાવવાનું કહેતાં હતાં. પરી ! હવે મારું બસ એક જ સપનું છે કે મારા મમ્મી પપ્પાને ખુશ રાખું અને એમનાં માટે ઘર બનાવું. કહેવાનું બસ એટલું જ છે કે જેને અમે દિલથી માન આપ્યું જેને પ્રેમ કર્યો એ જ લોકોએ અમને દગો આપ્યો..."

‌‌‌ આટલું બોલતાં બોલતાં રીધમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રીધમ પરીના ખંભે માથું મૂકી ને રડવા લાગ્યો. પરીએ પહેલી વખત રીધમને આટલો બધો રડતો જોયો અને તે પણ પોતાના આંસુ રોકી ના શકી. તે રીધમના માથે હાથ ફેરવતા બોલી :

" રીધમ મને તારી ચિંતા કરવાનો હક કોઈએ પણ નથી આપ્યો. પણ હું તારી ચિંતા કરું છું કેમકે હું તને ચાહું છું. તારું દુ:ખ મારાથી નથી જોવાતું. તું એક પળ માટે પણ મારી નજરથી દૂર થાય તે મને નથી ગમતું. અને મને પાછો પૂછે છે કે મને તારી ચિંતા શું કામ થાય છે!!. તો સાંભળ આજે કહું છું કે 'હું તને પ્રેમ કરું છું. આઈ લવ યુ'....!!"

રીધમને પરીના આંખમાંથી નીકળતા આંસુ જોવાયા નહિ અને પરીના આંસુ લૂછતાં બોલ્યો:

" પરી... આઈ લવ યુ ટુ.... હું પણ તને પ્રેમ કરું છું પણ....."

પરી : " પણ શું રીધમ..??. "

રીધમ : " પણ હું તને એ કહેવા માંગુ છું કે મારુ જીવન સંઘર્ષથી ભરેલું છે. દુ:ખ મારા મિત્ર બનીને મારી સાથે જ ચાલે છે અને ખુશીઓ મારાથી તો ઘણી દૂર જ રહે છે. આ‌ કારણોથી મેં પ્રેમનો એકરાર તારી સાથે ના કર્યો. શું કામ હું તને મારા દુખની ભાગીદાર બનાવીને તારી જિંદગીને જોખમમાં નાખું. મને માફ કરી દે."

પરી રીધમનું માથું પોતાના ખોળામાં લીધું અને બોલી :

" રીધમ મેં તને પ્રેમ કર્યો છે. અને મેં એવું ક્યારેય નથી વિચાર્યું કે પ્રેમ સુખ , ખુશીઓ અને પૈસા જોઈને જ થાય. હું તને ૧૨મા ધોરણથી પ્રેમ કરું છું. હું તારી દરેક પરિસ્થિતિ, તારી વ્યથા અને તને સારી રીતે જાણું છું. તારા દુ:ખ દર્દને પોતાના માનું છું. પ્રેમમાં ખુશી જ મળવી જોઇએ એ જરૂરી નથી. પરંતુ તમે જેને પ્રેમ કરતાં હોવ તેના દુઃખને પોતાનું માની લેવું, મારા મતે તો એ જ પ્રેમ છે. પ્રેમ એટલે એકબીજા માટે નહીં, પણ એકબીજાની અંદર રહીને જીવાય. તું પોતાને ક્યારેય એકલો ના માનતો. હું છું ને તારી સાથે પછી તારે શેનું ટેન્શન અને શેનું દુઃખ અને વાત રહી ખુશીઓની તો આપણે બંને એને શોધી લઈશું. હું તારા સપનાંનું ઘર બનાવવામાં તારી સહભાગી થવા માંગુ છું. "

રીધમ બોલ્યો : " પરંતુ પરી હું સુખનાં સવારની એક દુખિયારી સાંજ છું..."

પરીએ રીધમના મુખ ઉપર પોતાના દુપટ્ટો ઓઢાડીને તેના હોઠો પર એક હળવું ચુંબન કરીને હસતાં હસતાં બોલી : " અને હું દુખિયારી સાંજની ખુશીયોથી ઊગતી, તારા જીવનની એક નવી સવાર છું."

બંને એકબીજાની આંખોમાં ખોવાઈ ગયાં. સૂર્ય તાપી નદીમાં સમાઈ ગયો હતો. સવારના ગયેલાં પક્ષીઓ પણ ગીતો ગાતાં પોતાના માળામાં પાછા ફરી રહ્યાં હતાં. પરી અને રીધમના પ્રેમાલાપથી જાણે વસંતઋતુની શરૂઆત થવા લાગી.

- રવિકુમાર આર. રાણા "ઈશ"