Ver Virasat - 1 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 1

વેર વિરાસત - 1

‘ગુલબી , જો આ બિયાસની સાખે કહું છું કે તને નહીં પામી શકું ને તો આ ઝીલમાં કૂદીને જાન દઈ દઈશ પણ તારા વિના નહીં જીવી શકું ….. બસ, હવે વધુ નહીં … ‘

‘ ….. તો રોકે છે કોણ ? લઇ જા મને !! સૂરજ , હવે આડે છે માત્ર એક રાત …. કાલે તો લગ્ન છે , હું પરાઈ થઇ જઈશ ….. પ્રેમિકાએ એક ઊંડો નિશ્વાસ મુક્યો, તેની આંખોમાં તગતગી રહેલાં આંસુએ બાકીની વાત પૂરી કરી : તો ક્યારે લઇ જઈશ મને ?

પ્રેમિકાની આંખોમાં ધસી આવેલા આંસુ પોતાના મેલા શર્ટની બાંયથી લૂછી નાખ્યા પ્રેમીએ , ને એક ઉંડો શ્વાસ ભર્યો : …. એમ હું તને મારાથી દૂર નહીં થવા દઉં , જોઉં છું કોણ મને રોકે છે !!.. એટલું બોલતાં પ્રેમીએ એટલી જોરથી બાથ ભરી કે માધવીને લાગ્યું કે નક્કી એકાદી પાંસળી તો તૂટી જ ગઈ છે : આહહહ …. , છોડ, યુ ઇડીયટ ….માધવીએ રીતસરનો હડસેલો માર્યો ને તે સાથે જ પ્રેમીની ભૂમિકા ભજવી રહેલો હીરો સંતુલન ગુમાવતો હોય તેમ નીચે પટકાઈ પડ્યો ને સાથે પ્રેમિકા બનેલી માધવી પણ .

વસંતનું આગમન થઇ રહ્યું હતું છતાં વાતાવરણમાં ચીલ ઠંડક હતી, ક્યાંક ક્યાંક જામેલો હિમ રહી રહીને પીગળી રહ્યો હતો એવો જ એક એક બર્ફીલા પથ્થરની તીક્ષ્ણ ધાર હીરો અમન ખાનને કપાળને છરકો કરી ગઈ. એક લાલ ટશર ફૂટી આવી .

‘બ્લડી બીચ , કમિની …. સમજતી હૈ ક્યા અપને આપ કો ?’ દાંત ભીંસીને બોલાયેલા હીરોના શબ્દો કોઈએ સાંભળ્યા નહોતા , બાજુમાં જ વહેતી બિયાસ નદીનો ખળખળ અવાજ જ એટલો ઉંચો હતો , ને સંભળાઈ માત્ર સહાયક ડિરેક્ટરની વ્હીસલ : કટ … કટ …

‘ માધવી , વોટ્સ યોર પ્રોબ્લેમ ? ‘ ડિરેક્ટર રાજા પાસે આવી સામે જરા રોષથી જોતો રહ્યો . માધવી વધુ કંઈ બોલ્યા વિના પોતાના હાથ પર થયેલાં ઘસરકા પર લાગેલી માટી સાફ કરી રહી હતી.

‘ સોરી સોરી , જ્યાદા તો લગી નહીં ?? …. ‘ માધવીને મૂકીને રાજા હીરો પાસે પહોંચ્યો .

‘ ક્યા આપ લોગ ભી ના …. ન જાને કહાં કહાં સે ઉઠા લે આતે હો ? ……બદતમીઝ લડકી ….ન જાને અપને આપ કો સમજ ક્યા રહી હૈ , જરા શકલ તો દેખે આઈને મેં …..’ હીરો અમન ખાનનો ચહેરો તપીને લાલઘૂમ થઇ ગયો હતો.
એ જાણતો હતો કે જે વાત બની હતી એ તો આખા યુનિટે નજરોનજર નિહાળી હતી. સુંદર , નવી છોકરી અમનખાનની કમજોરી રહી હતી. નવી કોઈ છોકરી જોતાં જ અમન આઈસક્રીમની જેમ પીગળી જતો. અમનખાનની આ લિફ્ટથી ઘણી છોકરીઓએ કારકિર્દી બનાવી લીધી હતી ને અમનખાનની ઈચ્છા ને તાબે ન થનાર છોકરીઓ કાયમ માટે ગુમનામીની ગર્તામાં ગુમાઈ પણ ગઈ હતી.

માધવી ભલે કરતી હતી સાઈડ કેરેક્ટરનો રોલ પણ હતી તો હિરોઈન મટીરીયલ, આજે કે કાલે ચમકશે તો ખરી એવું તો પારખુઓ જોતાવેંત સમજી જતાં ને અમન ખાન તો સ્ટાર હતો , એના નામના સિક્કા પડતા, ને માધવી , ઇન્ડસ્ટરીમાં સંઘર્ષ કરી રહેલી નવીસવી છોકરી ….એ બધાને સાફ સાફ કહે કે અમનખાન મારી સાથે ગેરવર્તન કરી રહ્યો હતો તો પણ હીરો વિરુદ્ધ કોઈ હરફ સુધ્ધાં ન કાઢી શકે …

પોતાનો વાંક નહોતો છતાં ઘડીભર માટે ઓછપાઈ ગયેલી માધવી હવે રડું રડું થઇ રહી હતી. પોતે હીરોનું આલિંગન ન સમજી શકે એટલી અબુધ નહોતી . અમન ખાનને એ બધું કંઈ સ્પર્શતું જ ન હોય તેમ નિસ્પૃહતાથી સાઈડ પર રખાયેલી ચેર પર બેસીને સિગરેટ ફૂંકી રહ્યો હતો.

‘ એ રાજા , આજ પેક અપ કર દે યાર, મૂડ હી નહીં બનતા….. ‘ હીરોએ ફરમાન બહાર પાડ્યું એ માન્ય રાખવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો .

બે કલાક પછી સહેમી ગયેલી માધવીના ગુલાબી ચહેરાની રોનક હળવે હળવે પછી ફરી રહી હતી. જેનું કારણ હતો ફિલ્મનો ફર્સ્ટ આસિસ્ટંટ ડિરેક્ટર રાજા , ડિરેક્ટર તો પછી પણ, પ્રેમી પહેલા હતો. શુટિંગ આમ અણધાર્યું પેકઅપ થઇ જવાથી થોડો અપસેટ તો જરૂર થઇ ગયેલો . નામાંકિત ડિરેક્ટર આશિષ ધવનના આસિસ્ટંટ તરીકે કામ કરવા મળે એ જ કેટલી મોટી વાત પણ એનો મિજાજ સંભાળતા આવડે એ તો તો પછી ક્યા બાત….

પણ, બોસ બે દિવસ માટે મુંબઈ શું ગયા ને આ ગફલો …. મનમાં હળવો ડર હાવી થઇ રહ્યો હતો : પેકઅપની વાત બોસ સુધી પહોંચી નથી લાગતી બાકી એનો ફોન આવ્યા વિના ન રહે!! માધવી જ્યાં ઉતરી હતી તે થ્રી સ્ટાર હોટલ સ્નોલાઈનના રૂમમાં આવ્યા પછી પણ રાજાનું મગજ અમન ખાન જ્યાં ઉતર્યો હતો તે સ્પાન રિસોર્ટમાં હતું : અમનને જરા સાંભળી લેવાય તો ધવન આપોઆપ હેન્ડલ થઇ જાય ….

‘ રાજ, તને ખબર છે ને એ હલકટ શું કરી રહ્યો હતો ? ‘ માધવીને લાગ્યું કે રાજાનું મગજ હજી પેલી જ સવારની વાત પર છે. હોય જ ને , આખરે પોતે એની ગર્લફ્રેન્ડ હતી ને લગભગ બધાને ખબર હતી કે વાત કેટલી સિરિયસ છે, લગ્ન સુધી પહોંચી ગઈ છે છતાંય અમનખાને આવી ગંદી હરકત કરી.

‘ સ્વીટી , મને આંખો છે , બટાટા નહીં … ને આખા યુનિટના સ્ટાફર્સને પણ આંખો છે ,પણ સામે અમન ખાન હોય ને ત્યારે આંખોએ બટાટા બની જવું પડે , સમજી ને ? ‘ રાજાએ માધવીના ચહેરા પર આવી રહેલી લટને કાન પાછળ સરખી ગોઠવી.

‘રાજ , પણ આજે જે થયું …. માધવી અટકી અટકીને બોલી, જાણે કોઈક ગંભીર વિચાર કરી રહી હતી : આજની વાત ને છેલ્લાં થોડા સમયથી જે રીતે આ અમન ખાન વર્તી રહ્યો છે એ પછી ખબર નહીં મને હવે રહી રહીને લાગે છે કે ડેડી ખોટાં નહોતા, ખોટી તો હું હતી કે એમની ભાવના સમજી જ ન શકી …’

‘…….હમ્મ , તો એ કહે કે હવે આ ડેડીની ડાહી દીકરી એટલે કે અચાનક ડાહી થઇ ગયેલી દીકરી કરવા શું ધારે છે ? ….. રાજાએ પોકેટમાંથી પેક કાઢી હોઠ વચ્ચે દબાવી સિગરેટ જલાવતાં માધવી સામે જોયું. એના ચહેરા પરના હાવભાવ જોઈ માધવી એટલું તો સમજી શકતી હતી કે એ કોઈ મજાકમાં નહોતો બોલી રહ્યો .

‘રાજ , આર યુ સિરિયસ ? …. તો કહું !! ‘ માધવી વિચારી રહી હોય તેમ બોલી .

‘હા, એકદમ સિરિયસ …. બોલ…’ રાજાએ એક ઉંડો કશ લીધો . અણગમતી વાત સાંભળવા પોતાની જાતને તૈયાર કરતો હોય તેમ : નક્કી માધવીએ વિદેશમાં રહેતા પોતાના મમ્મીપપ્પા પાસે જવાનું મન બનાવી જ લીધું હશે , તો હવે એને રોકવાનો કોઈ અર્થ પણ નથી.

‘રાજ , હવે મને પણ રહી રહી ને થાય છે કે આ ફિલ્મચિલમ કરવી નથી…. આઈ વોન્ટ ટુ ક્વીટ એવરીથિંગ ….. બસ, ઈનફ ઈઝ ઈનફ ….’ એક જ શ્વાસમાં માધવીએ જે કહેવાનું હતું કહી દીધું . રાજા થોડા હેરત સાથે માધવીના ચહેરા સામે તાકી રહ્યો . જો કે આ સંભાવના તો પોતે ધારી જ લીધી હતી. અત્યંત સુખી અને સુશિક્ષિત પરિવારમાંથી આવતી આ છોકરી સ્ટ્રગલ તો શું કરવાની એવું તો એને જોતાંવેંત જ સમજાઈ ગયેલું , પણ ઠીક છે , નહીવત સમયમાં જ શોખ પૂરો થઇ જશે અને એક્ટિંગનો નશો ઉતરી જશે એટલે બોરિયા બિસ્તર લઇ ઇન્ડસ્ટ્રીને બાય બાય કરી જશે એવી ધારણા પોતે બાંધી લીધી હતી પણ નીકળી તો જુદી માટીની ….

‘ હા, મને હતું જ માધવી ,તું નહીં જ કામ કરે, આખરે સંઘર્ષ કરવો સહુ કોઈના હાથની વાત નથી , ને આમ પણ તારા ડેડી તો ઈચ્છે જ છે કે આ એક્ટિંગનું ભૂત જેટલું જલ્દી ચઢ્યું છે ઉતરી જવાનું છે. તો હવે એમની મરજીને માન આપ, સિવિલ સર્વિસ એક્ઝામ આપશે એમ ને ? ‘

‘રાજ, આ તારો મોટામાં મોટો પ્રોબ્લેમ, પોતે જ બધું ધારી લેવાનું, પોતે જ પ્રશ્ન પૂછવાના , પોતે જ જવાબ આપવાના … અરે !! આખી વાત જરા મને પૂછ તો ખરો !! ‘ માધવી જરા અકળાઈને બોલી.એ રાજાના ગળાડૂબ પ્રેમમાં હતી એની ના નહીં પણ રાજાના આ મનસ્વીપણું અને અધીરાઈ એને અકળાવી નાખતા .

‘રાજ , મેં કહ્યું કે મારે હવે આ બધું નથી કરવું , પણ મેં એમ નથી કહ્યું કે મારે મારા મમ્મીડેડી પાસે પાછા જવું છે…. ‘ માધવી શાંતિથી રાજાનો ચહેરો જોતી રહી. ચહેરાના ભાવ નિર્દેશ કરી રહ્યા હતા જાણે કે તેના મનમાં કોઈક પઝલનો જવાબ મળી ગયો હોય.

‘ તો પછી શું ? તારે કામ કરવું નથી , તારે આગળ સ્ટડીઝ માટે જવું નથી , તારે મમ્મીડેડી પાસે જવું નથી !! , તો પછી કરવું છે શું ? ‘રાજાના અવાજમાં અધીરાઈ હતી કે અકળામણ એ તો માધવી ન પારખી શકી , પણ રાજાની આ વ્યગ્રતાથી ખુશ થઈ હોય તેમ મરકતી રહી.

‘હવે બોલ, કહી દે, વાત શું છે …..?? ‘ પૂરી થયેલી સિગરેટ રાજાએ એશ ટ્રેમાં જોરથી દબાવીને બુઝાવી જાણે અધીરાઈનું પ્રેશર એ સિગરેટના બટ પર ઉતારતો હોય.

‘રાજ, મારી ઈચ્છા છે કે હું હોમ મિનિસ્ટર બનું ..’ માધવી હળવું હસી રહી હતી. એની આંખો રાજાની આંખો પર સ્થિર હતી. રાજાના ચહેરા પર એક જ ક્ષણમાં કેટકેટલાં પ્રતિભાવ આવીને વિલીન થઇ ગયા ; કંઇક સમજાય એવું બોલીશ પ્લીઝ ?

‘રાજ ….. શું થઇ ગયું તને ? ‘ રાજાના આવા પ્રત્યાઘાતથી ડઘાઈ ગયેલી માધવીએ કુનેહથી બાજી સંભાળવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો પણ, કામિયાબ ન રહી.

‘મધુ , પ્લીઝ બી સિરિયસ , આમ પણ મારું મગજ ઠેકાણે નથી. તું સમય જોઇને મજાક કરતી હો તો ?’ રાજા ખરેખર કોઈ રીતે મૂડમાં નહોતો .

‘રાજ , પ્લીઝ …’ માધવીનો અવાજ વધુ ક્ષીણ થયો જાણે ઘાયલ થયેલી બિલાડી : હું મજાક નહોતી કરતી , મારે તને કહેવાનું જ હતું …..

‘કહી દે , શું કહેવાનું હતું ? કે તું મને અલવિદા કહેવાની છે ? કે પછી તારા ડેડીએ સારો ભણેલો ગણેલો કોઈક મોટો ઓફિસર મુરતિયો શોધી લીધો છે ? જેની સાથે તું પરણી જવાની છે ? રાજાના અવાજમાં કોઈ ભાવ નહોતો .

‘રાજ , આપણે મમ્મી ડેડી બનવાના છીએ ને તું મને મારા ડેડીને ત્યાં જવાનું કહે છે ? ‘ માધવી બેઠી હતી ત્યાંથી સરકીને રાજાની નજદીક આવી અને તેના કાળા વાંકડિયા વાળ આંગળીથી પસવારતી રહી . તેનું ધ્યાન હતું રાજાના વાળ પસવારી રહેલી પોતાની આંગળીઓ પર.

‘વેઇટ હની ..’ અચાનક જ જૂદા પરિમાણમાં આવી ચુક્યો હોય તેમ રાજાએ માધવીનો પોતાના વાળ પસવારી રહેલો હાથ પકડી લીધો અને માધવીને પોતાની સામે ચહેરો રહે એમ આગળ પોતાની તરફ ખેંચી. રાજાનો ચહેરો એકદમ ગંભીર હતો : તું શું કહી રહી છે ? તને કોઈ આઈડિયા પણ છે ?

‘ અરે, હા, સિરિયસલી કહું છું…. નો જોક્સ , તારા સમ …. ‘ માધવીને પોતે ભૂતકાળમાં કરેલી મજાક તાજી થઇ આવી : એકવાર કેટલો ભડકી ગયેલો રાજા , ને પછી આ યુનિક જોક પર કલાકો સુધી હસી રહેલો રાજા બીજીવાર હસવાને બદલે કેવો સીરીયસ થઇ ગયેલો : આમે ગમે ત્યારે તો ફેમિલી પ્લાન કરવાનું જ છે , તો વ્હાય નોટ નાઉ ?

‘ માધવી , એકનો એક જોક વારે વારે થાયને તો એની અસર ગરીબડાં સ્ટેન્ડઅપ કોમેડિયનના કંગાળ પરફોરમન્સ જેવી થઇ જાય …. સ્ટોપ ઇટ યાર, આજે આમ પણ મારો મૂડ નથી….’
ના, રાજ, આ વખતે કોઈ જોકના મૂડમાં હું પણ નથી. આઈ હેવ મિસ્ડ પીરીયડ્સ , પહેલા થયું કે શક્ય છે કે મેં ડેટ્સ ગણવામાં ભૂલ કરી હશે પણ બીજે મહિને પણ…. એટલે પછી ખાતરી થઇ ગઈ….

માધવી બોલતી રહી ને તે સાથે રાજાના ચહેરાનો રંગ ઝાંખો પડતો ચાલ્યો :ને આ વાત તું છેક અત્યારે કહે છે ? જયારે ત્રીજો મહિનો અડધો નીકળી ચુક્યો છે ?

‘રાજ, છેલ્લી વખતે મેં તો માત્ર મજાક કરી હતી પણ ત્યારે તેં જ તો સિરિયસ થઇ કહેલું કે ફેમિલી પ્લાન કરવામાં વાંધો પણ શું છે ? , ને જો ને આમ તો હવે તું પગભર છે. મેરીડ લાઈફના ખર્ચ ઉઠાવી શકે તેવો , એ વાત જુદી છે કે હું કામ નહીં કરું એટલે કદાચ હાથ થોડો તંગ રહે પણ હવે માલિકીનું ઘર છે, મોટાભાગના હપ્તા લગભગ ચૂકવાઈ ગયા છે ….
તો હવે …..’

‘ બસ કર માધવી ,પ્લીઝ ……’ રાજા એટલી નિર્લેપતાથી બોલ્યો કે માધવી થયું કે આ રાજા પોતાનો રાજ હતો કે બીજું કોઈ? ક્યાંક એનો વિચાર તો …..’ માધવીએ પોતાના અમંગળ વિચાર પર બ્રેક મારવી હોય તેમ એ રાજનો ચહેરો તાકી રહી .

રાજા જાણે પોતાના મનોભાવ પર કાબૂ લઇ રહ્યો હોય તેમ નહીવત સમયમાં જ સ્વસ્થ થઇ ગયો : જો મધુ, એ વાત સાચી કે મેં તને કહેલું કે હવે આપણે પોતાના પગભર છીએ ને પરણીને ફેમિલી પણ પ્લાન કરી શકીએ ,પણ એ કેટલા મહિના પહેલાની વાત…..?

‘લગભગ છ એક મહિના પહેલાની ….. ‘ પોતાની યાદશક્તિ પર જોર નાખતી હોય તેમ માધવી યાદ કરી રહી.

‘હા, બરાબર??. છ મહિના પહેલા મેં તને કહેલું , ત્યારે મારા હાથમાં હતો શક્તિ નંદા પ્રોડક્શનનો ચાર્જ .. અને પછી શું થયું ? પછી અચાનક જ એમણે કોસ્ટ કટિંગનો વિચાર અમલમાં મૂક્યો , મારું કામ તો ગયું ને હાથમાંથી , એ તો એમ કહે કે આ નવું બધું ગોઠવાઈ ગયું નહીતર પરિસ્થિતિ શું થઈ હોત એ તો તું કલ્પી શકે છે ને !! ‘ રાજાએ પોતાના અવાજમાં શક્ય એટલો લાગણીનો ડોઝ ઠાલવ્યો .

‘ ….. એટલે મારે શું સમજવું ? ‘ આખી પરિસ્થિતિ પામી ગયેલી માધવી રાજાના બોલવાનો અર્થ તારવી ન શકે એવી અબુધ તો નહોતી પણ દિલ રહી રહી ને કહેતું હતું કે પોતે જ અર્થના અનર્થ કરી નાખે છે. બાકી રાજ તો …..

‘સમજાવવાનું શું ? એ તો સમજવાનું હોય તારે !! તને એવું ગમે કે સાવ મધ્યમવર્ગીય લોકાલીટીના એક બેડરૂમ ફ્લેટમાં આપણો સંસાર શરુ થાય ને પછી જિંદગી પણ ત્યાં નીકળે? ?’

માધવી હેરતથી રાજા સામે જોતી રહી ગઈ : રાજ, દુનિયામાં લાખો કરોડો લોકો આમ રહે છે, હા, નસીબે યારી આપી તો એક દિવસ પાલી હિલ પર બંગલામાં રહીશું પણ એનો અર્થ ……

‘ મધુ , આ ફિલ્મના ડાયલોગ શેને માટે હોય એ તો ખબર છે ને તને ? રાજાએ માધવીની વાત સાંભળ્યા વિના જ કાપી નાખી : ગમે તે પરિસ્થિતિમાં જીવતો માણસ પોતાના ગમ , દુઃખ ,દર્દ બધું ત્રણ કલાક માટે વિસરી જાય. …. બાકી તું ય સમજે છે ને કે આ બધું રીયલ લાઈફમાં હોતું નથી …. રાજા માધવીના વાળ પસવારી રહ્યો હતો : એના મનના શકને દૂર કરવા જરૂરી હતો અન્યથા ..

‘રાજ, તો શું કરું ? હું એવા જ ખ્યાલમાં રહી કે તને આ પરિસ્થિતિ કહીશ કે તું એનો નિવેડો લાવશે , લગ્ન કરીને …. તેની બદલે તે તો મને રીતસર ડરાવી દીધી … ‘એટલું બોલતા તો માધવીની આંખોમાં ઝળઝળિયાં ધસી આવ્યા.

‘ હું બધું સહન કરી શકું છું પણ તારી આંખોમાં આંસુ નહીં , મધુ …. કેટલીવાર મેં કહ્યું તને ? જો તું કહેશે તો છેલ્લે તો એ જ કરીશું જે તારું મન કહે પણ મેં ફક્ત તને એક ચેતવણી આપી, આ જે લાઈફ છે તે સદંતર બદલાઈ જશે , તું જેને અત્યારે જે વસ્તુને ગળાનો હાર માને છે ને તે પગની બેડી લાગશે …..’ રાજા સમજાવટના સૂરે બોલ્યો .પોતાના શબ્દોની અસર માધવી પર થઇ રહી છે તેની ખાતરી થતાં એ પાસે આવ્યો ને તેના કપાળ અને આંખો ચૂમી લીધા : માધવી , આપણે સર્જાયા છીએ જ એકબીજા માટે પણ , આ એક નવી જિંદગીને આવકારવાની વાત છે. એ માટે આપણે માનસિક રીતે તૈયાર છીએ ખરા? તે એ પ્રશ્ન પોતાની જાતને પૂછ્યો છે ? રાજાએ બરાબર નિશાન સાધ્યું હતું .

‘હા, એ વાત પણ બરાબર છે….. ‘ વિચારતી હોય એમ માધવીએ નીચું જોઇને માથું ધુણાવ્યું : એ વિષે મેં ખરેખર વિચાર નહોતો કર્યો પણ …..’માધવીને બોલવા જ ન દેવી એવું કૈંક નક્કી કર્યું હોય તેમ અધવચ્ચેથી જ આંતરતાં રાજાએ તેને પોતાની પાસે ખેંચીને તેના મોઢા આડે હાથ રાખી દીધો : મધુ , કંઈ બોલતી પણ નહીં, માત્ર બોમ્બે જઈને આઈના સામે ઉભી રહી પોતાની જાત ને પૂછી લેજે …. ઉત્તર જે હોય તે આપણે એ જ કરીશું જે તારું દિલ ચાહે …..

માધવીના દિલમાં ફરી એકવાર આનંદની હેલી ચઢી રહી હતી. પોતાના પ્રેમ પર વિશ્વાસ ન કરીને પોતે હમેશ ખોટી પડી હતી ને , ડેડીની ફિલ્મજગત અને ફિલ્મી લોકો માટેની ચીડ મનમાં ધરબાયેલા તે આમ નીકળતાં , એટલે સહુ કોઈ તકસાધુ જ લાગતાં …

મનાલીની ઠંડી ગુલાબીમાં આખી રાત જલતી રહેલી ફાયરપ્લેસની આગ બંને પ્રેમીઓના મનનું સમાધાન થઇ ગયું હોય તેમ એ ઘડીની સાક્ષી બની રહી . બસ, પોતાનું કામ તો પતી ગયું હતું, મનાલીની ખૂબસૂરત વાદીની આ છેલ્લી રાત. પ્રેમી તરીકેનું આ આખરી સાનિધ્ય પછી તો પતિપત્ની બની જવાનું હતું , પછી ઉન્માદમાં આ કસક ક્યાંથી હોવાની ?

બોમ્બે આવ્યાને દિવસો વીતી ગયા, દિવસો થાય અઠવાડિયામાં , ને રાજાના મનાલીથી આવવાના શિડ્યુલમાં થતો વિલંબ માધવીની ગભરામણ વધારી દેતો રહ્યો .

‘ રાજ, હજી કેટલા દિવસ લાગશે ? તે કહ્યું હતું કે વધુમાં વધુ એક વીક …. અઠવાડિયામાં તો તું આવી જશે , આ તો વીસ દિવસ થઇ ગયા ….. હું તારા વિના અબોર્શન કરાવવા નહીં જ જાઉં , હમણાથી કહી દઉં છું હં !! ‘

લગભગ રોજ એકવાર આ સંવાદ ફોનથી થતો , અને સામેથી મળતા જવાબમાં પણ લેશમાત્રનો ફર્ક ન વર્તાતો. : પ્લીઝ , હની , જીદ ન કર, તું જાણે છે ને કે અહીં શું ગરબડ થઇ ગઈ છે ? તારા છેલ્લાં સીન માટે જ આ બબાલ થઇ છે, એ ફરીથી શૂટ કરવા પડશે ને , બોડી ડબલ વાપરી ને કે પછી કોઈક ટ્રીક સીન્સથી ….

રાજાની દલીલ સાંભળીને માધવીનો અવાજ બોદો થઇ ગયો, એ વાત તો સાચી જ હતી ને , પોતે પેલા લંપટ હીરોની મનમાની ન થવા દીધી એ માટે પરિણામ તો ભોગવવાનું જ હતું, પોતે અહીં આવી ગઈ પણ રાજા ? એને તો પરિસ્થિતિ સાચવવી જ પડે ને !! ; ઓકે , જોઈ લે પછી … હું રાહ જઈશ બીજું તો શું ?

‘નો મધુ ,સવાલ જ નથી રાહ જોવાનો …..’ સામેથી રાજા અકળાયો : એમાં રાહ શું જોવાની, જસ્ટ ગેટ ઈટ ડન …. પછી ક્યાંક મોડું થઇ જાય ને સિચ્યુએશન તારા માટે જોખમી બની જાય ….

‘હં ….’ માધવી વિચારમાં પડી સંભાળતી રહી . રાજાની વાત ખોટી તો નહોતી . ફોન મુક્યા પછી પણ એ ક્યાંય સુધી વિચારતી રહી.

શરીર વિના કોઈ કારણ કળી રહ્યું હતું જાણે વર્ષોનો થાક અણુએ અણુમાં વ્યાપી રહ્યો હોય. કદાચ પ્રેગ્નન્સીમાં આવું પણ થતું હશે ?માધવી કંઇક વિચાર કરીને ઉઠી . એને ફોન લગાવ્યો : હલો પ્રિયા , ક્યાં છે તું ?

મુંબઈમાં ગ્લેમરવર્લ્ડમાં પોતાનું નસીબ અજમાવવા આવેલી આ પ્રિયા અને માધવી , બંને વચ્ચે ખરેખર તો હોવી તો જોઈએ જાની દુશ્મની પણ બંને વચ્ચે સખીપણાં એવા જામી ગયા હતા કે એકબીજાના સુખ ને દુઃખમાં ખભો ધરીને ઉભા રહેવાનો શિરસ્તો બની ગયેલો. તેમાં પણ માધવીને પહેલો બ્રેક મળ્યો ને સાથે સાથે મળ્યો રાજાનો સાથ. પેઇંગ ગેસ્ટ અકોમોડેશનમાંથી સીધો વન બીએચકે ફ્લેટ નસીબ થઇ ગયો પણ પ્રિયાની સ્ટ્રગલ તો કેમે કરીને રંગ નહોતી લાવી રહી. છેલ્લે છેલ્લે કોઈ એક પંજાબી ફિલ્મમાં મેઈન રોલ મળેલો , હિરોઈનનો … પણ આખરે તો લેન્ગવેજ ફિલ્મ . પ્રિયા ધીરે ધીરે ડીપ્રેશનની ખાઈમાં ઘસડાઈ રહી હતી એવામાં પોતે પોતાના પ્રોબ્લેમ કહેવા એટલે એના ભારનો ગુણાકાર કરવો .

‘સોરી , પ્રિયા તને પરેશાન કરી રહી છું પણ પ્લીઝ તું ઘરે આવી શકે ?? પ્લીઝ ? ‘ માધવીના સ્વરમાં વિનંતીનો પાશ ભાળ્યો હોય તેવું પ્રિયાને લાગ્યું .

‘મધુ … ઈઝ એવરીથિંગ ઓલરાઈટ ? તું આમ લો કેમ સાઉન્ડ થાય છે ?’ પ્રિયાના અવાજમાં ફિકર છતી થતી હતી.

‘પ્રિયા, જો તું આવી શકે તો આવ, હું બહુ મૂંઝાઈ ગઈ છું ….કંઈ સમજાતું નથી , કંઈ ગમતું નથી…..’ ક્યારનું દાબી રાખેલું એક ધ્રુસકું પ્રિયાના કાને પડ્યું .

‘મધુ … સાંભળ , હમણાં તો હું ડીનર પર જઈ છું …’ હળવો દબાયેલો સ્વર એ તો નિર્દેશ કરી જ રહ્યો હતો કે એની સાથે કોઈક તો હોવું જોઈએ : ઈમરજન્સી હોય તો એ કેન્સલ કરી તારી પાસે આવું નહીં તો પછી કાલે … પણ જો તું કહેતી હો તો …..’

‘ના ના , પ્લીઝ ….’ માધવીએ પોતાની ભાવના પર તરત જ કાબૂ મેળવી લીધો હોય તેમ સ્વસ્થ થઇને બોલી : મારે લીધે તારા કોઈ પ્લાન ન બગાડીશ . તું ડીનર પર જા પ્લીઝ , પણ કાલે જો શક્ય હોય તો આવ, મારે એક અત્યંત જરૂરી વાત કરવી છે…..’ માધવીએ વધુ બોલ્યા વિના ફોન કટ તો કરી નાખ્યો પણ પ્રિયા સાથે વાત કર્યા પછી મનમાં થોડી હાશ અનુભવી રહી.

થોડો સમય માંડ વીત્યો હશે અને ડોરબેલ રણકી : નક્કી પ્રિયા જ …

માધવીનું અનુમાન સાચું પડતું હોય તેમ બારણું ખોલતાની સાથે જ પ્રિયા વાવાઝોડાની જેમ અંદર ધસી આવી : તેં તો મને ચિંતા કરાવી દીધી , શું થયું ? અચાનક આમ કેમ ફોન કર્યો ? એકસાથે અનેક પ્રશ્નોની ઝડી વરસાવી દીધી .

‘ અરે !! આમ અત્યારે શું કામ દોડતી આવી પ્રિયા ? આપણે વાત તો થઇ ને કે કાલે મળીશું !! ‘ માધવી સાહજીકતાથી બોલી . બે સખીઓ વચ્ચે પારદર્શક વ્યવહાર જ કારણ હતો તેમની મિત્રતાની નક્કરતાનો.

‘એમ ? મધુ , તું સાચે એવું માને છે કે તારા આ ફોન પછી હું ચેનથી ડીનર પર જઈ શકીશ ? અને મેડમ , તમે એ પણ જાણી લે કે તમારા માટે હું જેવું તેવું નહીં પણ મારી જિંદગીનું સહુથી મહત્વ ડીનર કેન્સલ કરીને આવી છું……’ પ્રિયાના ચહેરા પર હળવું સ્મિત ફરકી રહ્યું હતું પણ એનો પડઘો આંખમાં પડતો હતો.

‘એટલે ?? ….’ માધવી કંઈ સમજી ન હોય તેમ પાસે આવી, એના ચહેરા પર પ્રશ્નાર્થ તોળાઈ રહ્યો હતો.

‘એટલે એ કે મેડમ માધવી જી ….. તમારી આ સખી મિસ પ્રિયા માથુર હવે ટૂંક સમયમાં મિસિસ વિર્ક બની રહી છે ……’ પ્રિયા હળવાશથી બોલી , એનો માત્ર ચહેરો જ નહીં કાન પણ હળવી રતાશ પકડી રહ્યા હતા.

‘ વોટ? એટલે કે તું પેલા પ્રોડ્યુસર અજિત વિર્ક સાથે ?? ……ને તે અત્યાર સુધી મને કોઈ વાત પણ ન કરી ?? ‘ પ્રિયાની વાત સાંભળીને માધવીને ઝટકો લાગ્યો હતો.’

‘અરે સાંભળ , તું માને તેવું કંઈ નહોતું ….. પણ થયું શું કે શૂટિંગ કરવા પંજાબના ઇન્ટિરીયર વિસ્તારમાં ગયા હતા ને , ત્યાં એને જાણવા સમજવાનો એક મોકો મળ્યો . ત્યારે મને સમજાયું કે આવા સીધા સરળ માણસો સાથે જિંદગી જીવવા નસીબ હોય તો જ મળે. ….. અને હા, એને તો આડીતેડી વાત વિના સીધું જ પ્રપોઝ કરી દીધું, લગ્ન માટે ….

‘…..અને તે હા પણ પાડી દીધી ?? એને જાણ્યા પહેચાણ્યા વિના જ ……કમાલની મૂર્ખ છે તું …..’ માધવી ઘડીભર માટે પોતાની સમસ્યા વિસરી ગઈ , હવે એને ચિંતા થઇ રહી હતી પ્રિયાની .

‘માધવી , આ વાત છે ગયા મહિનાની , હું મુંબઈ પાછી આવી ને એના પર જ વિચારતી રહી ….. તું તો મનાલીમાં હતી, પહેલાં મને થયું કે ફોન પર તો જણાવું પણ પછી ખ્યાલ આવ્યો કે એક તરફ શૂટિંગ અને બીજી બાજુ રાજા , તને સમય જ ક્યાં હશે ? …..’ પ્રિયાએ સૂચક રીતે જોયું . એની વાત ખોટી તો નહોતી જ. માધવી પોતાની સાથે હોય ત્યારે રાજાને એ કોઈની પણ સાથે વધુ સમય વિતાવે નહોતું ગમતું ને .

‘ હમમ…., એટલે તે ફાઈનલ નિર્ણય લઇ જ લીધો છે એમ ને ? ‘ જવાબ ખબર હોવા છતાં જાણવા માંગતી હોય તેમ માધવી પ્રિયા સામે જોઈ રહી.

‘ હા , બિલકુલ …..’ પ્રિયાના અવાજમાં મક્કમતા હતી : અત્યાર સુધી થોડી અવઢવમાં પણ એટલે હતી કે એની એક શરત છે તે માનવી કે નહીં તે વિષે વિચારતી રહી હતી પણ પછી લાગ્યું એ પણ મંજૂર છે…..

‘શરત ? લગ્નમાં શરત? ‘ માધવીની આંખો અચંબાથી પહોળી થઇ ગઈ.

‘હા શરત … તું નહીં માને મધુ પણ હું તો એની ખૂબીઓથી ઈમ્પ્રેસ થયા પછી ખરેખર એનામાં શું ખામી છે તે શોધતી રહી. ત્યારે મને લાગ્યું કે એ ભલે દેખાતો હોય મોડર્ન પણ એના વિચાર થોડા જુનવાણી છે. જો હું એને હા પાડું તો એની એક માત્ર શરત એ છે કે મારે આ ગ્લેમર ઇન્ડસ્ટ્રી છોડી દેવાની રહેશે . પોતાની પત્ની આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી હોય એ એને મંજૂર નથી ……’ પ્રિયા હજી બોલવાનું પૂરું નહોતી કરી શકી ને માધવીનું મગજ વિફર્યું : વોટ નોનસેન્સ , ખરો મેલ શોવેનિસ્ટ , આ શબ્દ સાથે બોલતો પિગ શબ્દ એ જાણી જોઇને ગળી ગઈ : હવે આ જાણ્યા પછી પણ જયારે પ્રિયાએ એની સાથે લગ્ન કરવાનું નક્કી કરી જ નાખ્યું છે પછી તો …..

‘મધુ , તે હજી આખી વાત સાંભળી નહીં મારી …..’ પ્રિયાની આંખોમાં એક ચમક હતી : એને મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાથી રોકી છે , બીજા કોઈ કામથી નહીં …. ચાહું તો હું સ્ત્રીઓના હક્ક માટે કામ કરું , ગરીબ અનાથ બાળકોના કલ્યાણ માટે કરું , વૃધ્ધજનો માટે કરું કે કોઈ પણ જરૂરિયાતમંદ માટે કરું ….’ આંખમાંથી ડોકાઈ રહેલી આશંકાને અણુએ અણુ ખતમ કરી નાખવી હોય સ્પષ્ટતા કરી રહી હતી : ને હા, એટલે નહીં કે હું આર્થિક રીતે એમની પર નિર્ભર રહું , સ્વતંત્ર બિઝનેસ કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા ચાહું તો એ માટે પણ કોઈ બંધન નથી પણ અજિત માને છે કે જ્યાં સ્ત્રી એક કોમોડીટી તરીકે મુલવાતી હોય એવા ફિલ્ડમાં એ પોતાની પત્નીને હરગીઝ નહીં કામ કરવા દે…. અને સાચું કહું આ તેની કહેવાતી જુનવાણી વિચારશૈલી ખરેખર તો મને ઈમ્પ્રેસ કરી ગઈ. એના મતે પત્નીને હૂંફ થી સુરક્ષા પૂરી પાડીને પતિ કોઈ મહાન કામ નથી કરતો , એ તો એની ડ્યૂટી કરે છે. ..
પ્રિયાની વાત માધવીને વિચાર કરતી મૂકી ગઈ.

‘ ને મધુ , મને શું એનામાં ગમ્યું તને ખબર છે ?….. ‘પ્રિયાએ સોફા પર આરામથી લંબાવતા કહ્યું : આ એની ક્લેરિટી કરવાની વાત. કંઈ ગોળગોળ નહીં , કંઈ વધુ નહીં, જે છે તે કહેવાની નીતિ … વર્ષોથી વિદેશમાં રહે છે પણ દિલથી ટીપીકલ ઇન્ડિયન છે, એ જ ઇમોશનલ આઉટલૂક ,ન કોઈ ખોટાં વાયદા , ન કોઈ ખોટી વાતો ……

‘હ્મ્મમ ‘ પ્રિયાની વાતમાં માધવીએ હોંકારો ભણ્યો પણ એ કેટલો બોદો હતો એ તો એનું દિલ જ જાણતું હતું : ન ખોટા વાયદા, ન વચન …. એ શબ્દ ન જાણે કેમ સોંસરવા ઉતરી ગયા.

તો રાજા મારી સાથે …. માધવી એ વિષે હજી વધુ વિચારે એ પહેલા જ પ્રિયાએ ચડપ કરીને બેઠી થઇ : અરે યાર, હું અહીં આવી તારી સમસ્યા જાણવા ને શરુ થઇ ગઈ મારી કહાણી …. એ તો કહે કે એવું તો શું થઇ ગયું કે તે મને આમ દોડાવી મારી ??

માધવી ક્ષણભર વિચારતી રહી , પ્રિયાનું આ નવું ડેવલપમેન્ટ તો પોતાની હતાશા બેવડાવી રહ્યું હોય તેમ લાગ્યું .

‘પ્રિયા, મારે તને કહેવું હતું કે ……’ માધવી શબ્દો ગોઠવી રહી હતી.

‘હા , મને ખબર છે , કદાચ તારા કાને પણ એ વાત આવી લાગે છે !! ‘ પ્રિયા જરા ગંભીર થઈને બોલી .

હવે આશ્ચર્ય પામવાનો વારો માધવીનો હતો : કઈ વાત ?

‘ અરે એ જ કે તારું ને રાજાનું બ્રેકઅપ ….’ પ્રિયા હજી બોલી રહે તે પહેલા જ માધવી તાડૂકી : શટ અપ પ્રિયા …. એવું કંઈ જ નથી …

‘ એવું કંઈ નથી એટલે ? ‘ પ્રિયા કંઇક મૂંઝાઈ રહી : એવું કંઈ નહીં એટલે શું મધુ ? અરે !! અફવા તો માત્ર તમારા બ્રેક અપ સુધીની નથી બલકે એ છે કે રાજા પ્રભાત ફિલ્મ્સવાળા પ્રભાત મહેરાનો જમાઈ બની રહ્યો છે …..

‘શું ? ‘ માધવીના ગળામાંથી પ્રશ્ન બહાર પણ ન આવી શક્યો ને એની આંખો સામે એક કાળું વાદળ જામી રહ્યું .

ક્રમશ: