Ver virasat - 7 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 7

વેર વિરાસત

ભાગ - 7

'..બેટા, આંખો તો ખોલ ...જો તો ખરી ... કોણ તારી રાહ જુએ છે ? .......' બાળકીઓને જન્મ આપીને બેહોશીની આગોશમાં સરી ગયેલી માધવીને પૂરા છ કલાકે હોશ આવ્યા ત્યારે અર્ધબંધ આંખોએ માસીનો ચહેરો ઝળુંબી રહેલો જોયો. ચહેરો તો સ્પષ્ટ ન કળાયો પણ માસીના અવાજે કાનમાં મધ રેડ્યું હોય તેમ આંખો ખૂલી ગઈ .

' કોણ રાજ આવી ગયો ? મને હતું જ .... ' માધવીના ફિક્કા રુક્ષ હોઠ પર એક હળવી મુસ્કાન આવી.

માથે હાથ ફેરવી રહેલા આરતીમાસીનો હાથ હળવો કંપ્યો ને સ્થિર થઇ ગયો.

'કેમ શું થયું ? ... ક્યાં છે એ ? ' પ્રશ્ન તો કર્યો પણ માધવીની નજર તો ક્યારથી રૂમમાં ચારેબાજુ ફરી વળીને રાજાને શોધી રહી હતી.

' રાજા નથી આવ્યો , હું આ લક્ષ્મી ને સરસ્વતી જેવી તારી દીકરીઓની વાત કરતી હતી ....' આરતી હળવેકથી બોલી, એના મન પર તાજો થઇ રહ્યો હતો આરુષિ સાથે થયેલો સંવાદ.

'આરતી , આ છોકરીએ પોતાની તો જિંદગી બરબાદ કરી , પણ એને તો મને પણ ક્યાંય મોઢું દેખાડવાલાયક ન છોડી .બે બે દીકરીઓની મા , તે પણ કુંવારી !! ન જાણે હું પણ શું આ છોકરીની વાતમાં આવી ગઈ ? એના ડેડી બરાબર જ કહેતા હતા.....હું જ મૂર્ખી એમનું માની નહીં .' લંડનમાં બેઠેલી આરુષિ ફોન પર વાત કરતાં કરતાં ઘડીમાં ગુસ્સાથી રાતીપીળી થતી રહી ને ઘડીમાં નર્વસ થઇને હિબકાં ભરીને રડતી રહી હતી : એ તો બેન તું હતી કે પરિસ્થિતિ સચવાઈ ગઈ બાકી આ છોકરીએ તો મને ક્યાંયની ન રાખી ને .... પણ મને તો થાય છે હવે કરશું શું ?

'આરુષિ , જે થવાનું હતું તે તો થઇ જ ચુક્યું છે , હવે આમ આકળા થવાનો કોઈ અર્થ છે ખરો ? ' આરતી નાની બેનને સમજાવી રહી હતી.

'હા, વાત તો સાચી પણ , હવે તું જ રસ્તો કાઢ આનો , શું કરવું ? આરુષિ પોતે માધવીની મા હતી પણ જવાબદારી પોતાની બેન પર નાખી નિશ્ચિત થઇ જવા માંગતી હતી. : જો આરતી , તને તો ખબર છે ને વિશ્વનો સ્વભાવ? મને તો વિચારીને જ ગભરામણ થાય છે કે જો આ વાત એમને ખબર પડી તો શું થશે ? મને તો વિચારીને ધ્રૂજારી છૂટી જાય છે કે તો એ કરશે શું ?

આરતીએ એ વિષે કોઈ જવાબ ન આપવો હોય તેમ મૌન ધરી રાખ્યું : એક દિવસ તો વાત સામે આવીને ઉભી રહેવાની જ હતી, ગમે કે ન ગમે , સત્યથી આંખ મિંચામણાં ક્યાં સુધી ?

'તારી આ ચૂપકીદીનો અર્થ હું જાણું છું આરતી, પણ મને ડર ફક્ત એ વાતનો છે કે આ વાત જાણીને જો વિશ્વનું હાર્ટ બેસી પડ્યું ને એમને કંઇક થઇ ગયું તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું ... એના ડેડીથી છુપાવીને પણ આખરે માધવીને અજાણતાં જ પ્રોત્સાહન આપી દીધું એનું આ પરિણામ ... પણ , ત્યારે મને સ્વપ્ને થોડી કલ્પના હતી કે આ છોકરી મને ક્યાંય મોઢું બતાડવાલાયક નહીં રાખે? આરુષિનું ફરી એક દીર્ઘ ધ્રુસકું આરતીને કાને અથડાયું .

'આરુષિ , જરા શાંતિ રાખ, મને થોડું કંઈ વિચારવા તો દે ....' આરતીએ કોઈ ઉત્તર ન સૂઝતાં આરુષિને જે મળ્યો તે જવાબ આપી દીધો , બાકી પોતાની પાસે તે વળી કયો પ્લાન હતો ? આ બેઉ બાળકીને લઈને માધવી શું કરશે અને કેમ કરશે એ વિચાર તો પોતાને પણ ક્યાં નહોતો આવ્યો .

'માસી , રાજને તમે જ કોલ કરી દો , હું ચાલીને લાલ કોઠી સુધી જઈ શકું એટલી કાલ સવાર સુધી પણ રાહ નથી જોવી મારે . પ્લીઝ ...' માધવીની આંખોમાં આજીજીનો સૂર દેખાયો આરતીને. અને સાથે એક આશાનું કિરણ , જાણે દીકરીજન્મના સમાચાર સાંભળતાવેંત રાજા આવી પહોંચવાનો હોય.

'માધવી જીદ ન કર, હું ફોન કરું તે યોગ્ય નહીં , તું જરા હરતીફરતી થઇ જા પછી લાલ કોઠી પર જઈ તું જ ફોન પર વાત કરજે ....' આરતીએ માથે હાથ પસવારતાં કહેલું : જો પેલો રોમિયો ફોન ન ઉપાડે કે દીકરીના જન્મની વાત સાંભળીને પોબારા ગણી જાય તો આ સુવાવડીની માનસિક હાલત ક્યાંક બગડી ન જાય ..

નવજાત દીકરીઓના જન્મ પછી એમને પડખામાં લેવાને બદલે માધવીનો જીવ રાજામાં હતો એ વાત આરતીને ગંભીર લાગી : એ બાળકીઓના પ્રેમમાં પલોટાઈ ને દીકરીઓ માટે જીવવાનું મન બનાવી લે તો પછી રાજાનું ગમેતેવું નિસ્પૃહ વર્તન જીરવી જઈ શકે અન્યથા તો ...... આરતી આગળ વધુ વિચારી ન શકી.

માધવી યુવતી મટીને મા બની ગઈ હોવાની પ્રતીતિ આરતીને બે ચાર દિવસમાં જ થવા લાગી હતી. છતાં રોજ સવારે લાલ કોઠીમાં જવાનું ચૂકતી નહીં . ત્યાં જઈ ફોનલાઈન ચાલુ હોય તો રાજાના ઘરે ફોન લગાવવો માધવીનું એક માત્ર મુખ્ય કામ હતું . ફોનની રીંગ પણ વાગતી ને કોઈ ફોન રીસીવ જ નહોતું કરતું : એનો અર્થ કે રાજા હજી ગામમાંથી પાછો નહોતો ફર્યો . એક દિવસ અબીરને ફોન કરીને પણ રાજાના ખબરઅંતર પૂછ્યા હતા પણ એને તો એ પણ ખબર નહોતી કે રાજા ક્યાં છે , તો વધુ વાત તો શું કરવી. ?

હવે આ આખી વાત ડરામણી લાગી રહી હતી : એવું તો નહીં હોય ને ક્યાંક રાજને જ કોઈ અકસ્માત કે પછી? એથી વધુ અમંગળ વિચાર માધવી કરી ન શકી. આમ જોવા જાવ તો બધું વિના કોઈ વિઘ્ને પાર પડ્યું હતું પણ દિવસે દિવસે ગહેરી થતી જતી હતી માધવીના ચહેરાની ઉદાસી. બાળકીઓ સવા મહિનાની થવા આવી હતી છતાં રાજા સાથે કોઈ સંપર્ક જ થઇ નહોતો શકતો એ કદાચ કારણ હતું ઉદાસીનું.

બાળકીઓના નામકરણ વિષે પણ માધવીએ આમ જ મૌનવ્રત ધારણ કરી રાખ્યું હતું .

'મધુદી , બોલો તો ખરાં , નામ શું રાખીશું ? ' બે સાધિકા કુસુમ ને ગૌરી માટે આ સહુથી વધુ રસનો વિષય હતો . ત્યારે પણ કોઈ ઉત્સાહ માધવીના ચહેરા પર નહોતો .

' રિદ્ધિ ને સિદ્ધિ ' કુસુમે આરતી દીદીને ગમે એવા જ નામ સૂચવ્યા હતા.

'ના, એના કરતાં રિયા ને રોમા .. ' કુસુમ કંઇક વિચારીને બોલી . નામ સાંભળીને આરતી કે માધવીના ચહેરા પર કોઈ ખાસ ભાવ ન બદલાયા એટલે પછી પ્રસ્તાવ ઉડાવી દેતી હોય તેમ મત ફેરવ્યો :એમ કરીએ એકનું નામ અનુરાધા , નક્ષત્ર તો એ જ હતુંને બંનેના જન્મ સમયનું....

' કુસુમ દી , તે વખતે અનુરાધા નક્ષત્ર નહોતું , મૂળ નક્ષત્ર હતું ....કેમ દીદીએ જ તો ત્યારે કહ્યું હતુંને કે મૂળ નક્ષત્ર સારું નહીં, પિતાનો વિયોગ .......' ગૌરી તો હજુ વધુ બોલતે પણ આરતીની આંખો જોઇને સહેમી ને ચુપ થઇ ગઈ, પણ એ વાત તારાના ધ્યાન બહાર નહોતી .

આરતીએ જ નામ નક્કી કર્યું : ' એકનું નામ તો અનુરાધા ..'

'તો બીજીનું નામ ?' નાની ગૌરી કુતુહલતાથી તરત બોલી ઉઠેલી .

'એક અનુરાધા હોય તો બીજી અનુપમા , કેમ દીદી , બરાબર ને ? પ્રાસ બેસે છે ને ? ' ગૌરી કરતાં થોડી મોટી કુસુમ બોલી .

આરતીએ સસ્મિત ચહેરે બંને નામને મંજૂરી આપી દીધી હોય તેમ લાગ્યું પણ માધવી મૂક રહી જોતી જ રહી.

'અરે મધુ , દીકરીઓ તારી છે, તું તો કંઈ બોલ.... ' પણ માધવી એક શબ્દ પણ ન બોલી તે ન જ બોલી.

'દીદી , આપણે તો રિયા ને રોમા જ કહીશું ને !! ' નાની ગૌરી મળેલી નાની નાની ઢીંગલીસખીઓના આગમનથી ખુશખુશાલ હતી.

ચાલીસ દિવસ પૂરાં થયા એટલે આરતીએ નામકરણ સંસ્કાર વિધિ આશ્રમમાં ગોઠવી હતી. એક પંડિત , બે સેવિકાઓ , આશ્રમની ગૌશાળા સંભાળતો પરિવાર હતા આ સમાંરભના સાક્ષી , મહેમાનમાં હાજર રહ્યા હતા ડોક્ટર વિદ્યાવતી.લાંબી ચાલેલી નામકરણ વિધિ સંસ્કાર તો થઇ ગઈ , આશ્રમ જંપી ગયો એટલે માધવી પોતાના કોટેજની બહાર ખુલ્લા મેદાનમાં ખુરશી નાખીને ક્ષિતિજ સુધી વિસ્તરેલાં આકાશને તાકી રહી હતી. : ગમે એટલું સુંદર, ગમે એટલું વિશાળ પણ એકાકી તો પોતાના જેવું જ ને !!

'શું વિચારે છે મધુ ? ' પાછળ આવીને ઉભા રહી ગયેલા આરતી માસીના પ્રશ્ને સમાધિ તોડી .

'ના, કંઈ નહીં , એમ જ ....' માધવીએ જવાબ ચાતરી જવાનો પ્રયત્ન કર્યો , પણ આજે માસી કોઈક જુદા મૂડમાં હતા, આજે એમ સહેલાઇથી બક્ષી દે તેમ લાગતું નહોતું . ગૌરી વરંડામાં પડેલી એક કેનની ખુરશી લઈને આવતી દેખાઈ :માસી હવે અહીં જ બેઠક જમાવવાના એ તો નક્કી .

'પોતાની જાત ને ક્યાં સુધી છેતરતી રહીશ માધવી ?' ખુરશી મુકીને પાછી ફરી રહેલી ગૌરીના કાને વાત ન પડે એવા સલામત અંતરે પહોંચી એટલે આરતીએ વાત છેડી .

ઉત્તરમાં માધવીએ એ જ મૌન સેવી રાખ્યું , હવે તો એ આદત થઇ ગઈ હતી.

બંનેમાંથી કોઈ કંઇ ન બોલ્યું . રાતના અંધારા આશ્રમ પર ઉતરી રહ્યા હતા અને વાતાવરણમાં રહેલો પંખીઓનો કલરવ પણ શમી ચૂક્યો હતો. જાણે સહુ પોતપોતાના માળામાં ગોઠવાઈ ચૂક્યા હતા ને પોતે? આ પ્રશ્ન માધવીને છેલ્લાં થોડા દિવસોમાં કેટલીયવાર થયો હતો ને અનુત્તર જ રહ્યો હતો.

' એમ પ્રશ્નના ઉત્તર ગળી જવાથી જો સમસ્યાનું નિરાકરણ આવી જતું હોય ને તો દુનિયામાં કોઈ સમસ્યા જ ન રહે ...' ક્યારેય મન પરનો કાબૂ ન ગુમાવતી આરતીને માધવીનું આ વર્તન હવે અકળાવી રહ્યું હતું .

માધવીએ એક ઊંડો શ્વાસ લીધો, કોઈક અણગમતી વાત માસીને જણાવવી હોય તેમ. આખરે એક સમયે તો આ વાત સામે આવીને ઉભી જ રહેવાની હતી ને !!

' માસી , મને થાય છે કે ક્યાં સુધી હવે અહીં રહું ? થાય છે કે મુંબઈ જઈ રાજાને રૂબરૂ જ મળું , એ ત્યાં ન હોય તો ગમે તે રીતે એને શોધી કાઢું ,પણ કઈ રીતે ? આ બંને ને લઈને ....' ઉદાસીનું આવરણ છેદાઈ રહ્યું હોય અને નિસહાયતા ખુલ્લી પડી જતી હોય તેમ માધવીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા : હવે દિલ ગભરાય છે કોઈક અમંગળ એંધાણથી. ખબર નહીં મારું મન કહે છે કંઇક ન બનવાકાળ બન્યું છે રાજ સાથે , નહીં તો ...' બાકીના શબ્દો એમ જ વહી ગયા.

મન મૂકીને રડવા દેવી હોય તેમ આરતી ચૂપચાપ માધવીને જોતી રહી.રડવાથી લાંબા સમયથી ભરી રાખેલો ધૂંધવાટ ને તેનાથી સર્જાયેલો હૃદયનો ભાર થોડો હળવો થયો હોય તેમ માધવી વધુ સ્વસ્થ લાગતી હતી પણ ધરતીકંપ પછી આવતા રહેતાં આફ્ટરશોકની જેમ વચ્ચે ક્યારેક ક્યારેક એકાદ બે હીબકાં આવી જતા હતા.

'હવે હું જે કહું તે શાંતિથી સાંભળીશ ? ' આરતીએ પાસે આવીને માધવીની હથેળી પોતાના હાથમાં લઈને થપથપાવી : મામલો ધાર્યો હતો તેવો નાજુક તો હતો જ પણ એક મોટી અડચણ એ હતી કે આ પાગલ છોકરી . એના પગ ધરતીને અડતાં નહોતા, હજી પણ એ એ જ દીવાસ્વપ્નમાં રાચી રહી હતી એ જયારે ભંગ થશે ત્યારે શું એ ચિંતા મુખ્ય હતી.

'જો, રાજા સુધી પહોંચવામાં તેં તો યથાશક્તિ પ્રયત્નો તો કર્યા , બરાબર ને ? '

જવાબમાં માધવીએ ડોકું ધુણાવ્યું ; હાસ્તો વળી , પણ ..

'હું એ વાત પર જ આવું છું ... ' અધીરી થઇ રહેલી માધવીને સમજાતું નહોતું કે માસી એવો તો કયો હલ શોધી કાઢશે કે રાજાનો ઠેકાણું મળી જાય.

'મારે તને એ કહેવું છે કે રાજા આમ તને મળી રહ્યો .... ' આરતીના બોલવા પાછળનો અર્થ માધવી સમજી નહીં .

' તારે મુંબઈ જઈને જ એને મળવું પડશે નહિ તો ....' આરતી આગળ બોલવાને બદલે ચૂપ થઇ ગઈ.

'અરે માસી , તમે આ કહો છો ? ગઈકાલ સુધી કહેતા હતા કે આ બંનેને લઈને હું બધું મેનેજ કઈ રીતે કરીશ અને આજે આમ અચાનક ? ' માધવીનું આશ્ચર્ય બેવડાયું હતું.

'હા ,પણ હવે મને લાગે છે કે તારું મુંબઈ જવું જરૂરી જ નહીં અત્યંત જરૂરી છે ... એ વાત જુદી છે કે ....' આરતી ચૂપ થઇ ગઈ , એ કઈ રીતે માધવીને કહે કે પોતાની પૂજામાં મળેલ એંધાણ તો કોઈ જુદી જ દિશા નિર્દેશ કરી રહ્યા હતા.

'કંઈ સમજાય તેવું તો બોલો માસી , મને તમે જયારે આમ બોલો છો તેનાથી ડર લાગે છે.' માધવીને લાગ્યું કે પોતાના મનમાં ઘૂમરાતાં ફફડાટનો વાતના પડઘા જેવી જ વાત માસી ન ઉચ્ચારી દે.

' એ બધું તો થઇ પડશે, અત્યારે જો કોઈ સૌથી જરૂરી વાત હોય તે છે તું મુંબઈ જઈને રાજાને મળી લઇ વાત કરે.'

'......પણ માસી , એ જ તો વાત છે ને !! રાજા મુંબઈમાં જ નથી ને જો એ હોત તો મને સંપર્ક કયા વિના રહેતે ખરો ? ' માધવીની મોટી મોટી આંખોમાં ભોળપણ તરતું હતું .

કોણ સમજાવે આ છોકરી ને ? કે .... માસીનો વિચાર માધવીને હોય તેમ એ જ બોલી : તમને લાગે છે કે રાજ મુંબઈમાં હશે ?

આરતીએ એક વેધક નજર નાખી . થોડું દુ:ખ તો જરૂર થશે પણ હવે આ વાતનો નિવેડો જરૂરી હતો. એકવાર જે પરિસ્થતિ છે તે સામે આવી જાય.

'એ રાજા મુંબઈમાં હશે એવું મારું અનુમાન નથી, એ મુંબઈમાં જ છે, અને એટલે જ હું ઈચ્છું છું તું ત્યાં જાય ને તેને પરિસ્થતિથી વાકેફ કરે.'

'પણ માસી , ...તમે સાથે આવશો ને ??.' માધવી જે રીતે અચકાઈ રહી હતી તેના પરથી સ્પષ્ટ થઇ રહ્યું હતું કે કુંવારી માતા તરીકે વગોવાઇ જવાની ભીતિ પણ એને અંદરોદર કોરી ખાતી હશે.

'ના , તું એકલી જશે , હું તો નહીં આવું પણ બેબીઓ પણ સાથે નહીં જાય .....એ લોકો અહીં રહેશે મારી પાસે ....' આરતી કોઈ મક્કમ નિર્ણય લઇ ચુકી હોય તેમ બોલી : પહેલા તું મુંબઈ જા , ઘર સેટ કર, છેલ્લા કેટલાય મહિનાથી બંધ પડ્યું છે. રાજાનો સંપર્ક કર. એ શું કહે છે એ જાણ્યા પછી જે કંઇક નિર્ણય લેવાનો હોય તે લઈશું ને !! '

માસીની વાત વ્યાજબી લાગી હોય તેમ માધવી નતમસ્તકે વાત સાંભળતી રહી.

માસી ભાણેજની વાત થયાના ત્રણ જ દિવસમાં વિદાયનો દિવસ આવી ગયો. બંને દીકરીઓને પોતાની મા મૂકીને બહાર જવાની હોય તેવી ધનક આવી ગઈ તેમ સવારથી રડવાનું શરુ કરી દીધું હતું .

'માસી , આ બંનેને તમે એકલે હાથે કઈ રીતે સાંભળશો ? ' માધવીને ચિંતા થઇ આવી , એમાં માત્ર ચાર મિનીટ મોટી રિયા તો એવી ચીસો પાડીને રડી રહી હતી કે માધવીના દિલમાં ચાસ પડી ગયા.

'તું તારે જા , અહીં બધું થઇ પડશે ...માસીએ હિંમત તો બંધાવી પણ બંનેની ભેંકડાબાજીથી પરેશાની તો થઇ જ રહી હતી.

'કુસુમ, ગૌરી .... થાળી તૈયાર છે ને ? '

'જી દીદી, કુસુમ ઝડપભેર થાળી લઈને આગળ વધી. આરતીમાસીએ થાળીમાં રહેલા કંકુનો ચાંદલો કર્યો : મધુ ,આ લાલ ધાગો તારા જમણે હાથે બાંધુ છું એ તારી રક્ષા કરશે અને આ છે બીજોરું , સાત દિવસ સુધી પાણીમાં નાખીને એ પાણીથી સ્નાન કરજે ,આ છે કંકુ , જયારે તું રાજાને મળવા જાય ત્યારે યાદ રહે કે આ કંકુનો ચાંદલો તું કરશે , એમાં કોઈ ગફલત ન થાય .. સમજી ? આરતીએ બધો સામાન જાળવીને એક પેપરમાં વીંટાળી પ્લાસ્ટીકની કોથળીમાં મૂકી માધવીના હાથમાં મુક્યો , જે આજ્ઞાકિંત બાળકીની જેમ માધવીએ લઈને પોતાને ખભે રાખેલાં ખલતામાં મૂકી દીધું .

માધવીના ગળે ડૂમો બાઝ્યો હતો. ખબર નહીં કેમ પણ માસીને આ બધી વિધિ કરતાં જોઇને મન શંકાઓથી ભરાઈ ગયું હતું . કંઇક અમંગળ એંધાણ પારખીને આ બધું કર્યું હશે ?

માધવીની આંખોમાં રહેલી પ્રશ્નોની હારમાળા માસી વાંચી ન શકે એ શક્ય નહોતું પણ કદાચ એમને એ વિષે ખુલીને વાત નહોતી કરવી .

'કુસુમ, ગૌરી ... તમે લોકો અરુણની જીપમાં જાવ ને માધવીને બૈજનાથ મૂકી આવો , હું અહીં જ રહીશ . બૈજનાથથી દિલ્હી જતી બસ મળી જશે , અને મધુ , આ રૂટ કદાચ લાંબો છે પણ તારું મુંબઈ પહોંચવું પણ એટલું જ જરૂરી છે. દિલ્હીથી તું ફ્લાઈટ લઇ લેજે .... ' આરતીમાસીએ સૂચના સાથે એક નાનું પરબીડિયું હાથમાં થમાવી દીધું : થોડી રોકડ રકમ છે. જરૂર પડશે .

'માસી ...એક વાર અંદર જઈને બંનેને મનભરી જોઈ તો લઉં .... ' માધવી માસીના જવાબની રાહ જોયા વિના અંદર ધસી ગઈ. લાકડાના ચોરસ પારણામાં બે નાની સરખી ઢીંગલીઓ ઊંઘી રહી હતી, આ દુનિયાની દુનિયાદારીથી પર. માધવીએ એક સંતોષનો શ્વાસ લીધો , જ્યાં સુધી આ બંને માસીની છત્રછાયામાં છે ત્યાં સુધી ફિકર કરવાનો પ્રશ્ન નથી.

'માધવી, હવે મોડું થઇ રહ્યું છે .... ' બહારથી માસીનો સાદ કાને પડ્યો . એ સાથે બાળકીઓના માથાં ચૂમી રહેલી માધવી ચમકી , માસીને તો શુકનનું તિલક કર્યા પછી આમ પાછું રૂમમાં જવું પણ અશુભ લાગ્યું હોય પણ વાત્સલ્યને વ્હેમની છાયા થોડી નડે ?

'બસ, આ આવી ....' માધવી ઉતાવળે બહાર આવી. માસીની આંખમાં થોડી નારાજગી તો દેખાઈ પણ હવે એ વિષે ચર્ચા કરવાનો અર્થ પણ નહોતો અને સમય પણ. માધવીએ માસીને પગે લાગીને આશીર્વાદ લીધા .

' દીકરા, મા જગદંબા તારી સાથે હો , હવે મોડું થાય તે પહેલા નીકળો.'

માધવી , કુસુમ અને ગૌરી ખખડધજ જીપમાં ગોઠવાયા, ગૌશાળામાં કામ કરતા અરુણની જીપ ચાર દાયકા બૂઢી હતી. બે પાંચ ઘરઘરાટી કર્યા પછી સ્ટાર્ટ થઇ ને આશ્રમના ગેટની બહાર નીકળી. ડ્રાઈવર સીટની બાજુમાં બેઠેલી માધવી હાથ હલાવીને માસીને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી એક વળાંક સાથે આશ્રમ નજરે ચઢતો બંધ થઇ ગયો.

આરતી ક્યાં સુધી વરંડામાં ઉભી રહી. તેની નજરમાંથી ન હટ્યા છેલ્લે છેલ્લે હવામાં ફરકી રહેલો માધવીનો લાલ બાંધણીનો દુપ્પટો અને રડી રડીને થાકીને ઊંઘમાં સરી પડ્યા પછી મરક મરક હસી રહેલી બે બાળકીઓ , હવે આ કઈ નવી પરીક્ષા શરુ કરી હતી જિંદગીએ ?

***

'માધવીદી , બૈજનાથ તો વીસ મિનિટમાં પહોંચી જઈશું .... ' જીપ ચલાવનાર અરુણ રસ્તાનો જાણકાર હતો. : બસ કેટલા વાગ્યાની છે?

'અરે , બસ તો દર બે કલાકે ઉપડે છે , પણ પેસેન્જર ન ભરાય તો ત્રણ કે ચાર કલાકે પણ ઉપડે ... અરુણ ગાડી તેજ ચલાવ ... જો ચૂકી જઈશું તો બે કલાક નક્કી બગડી જશે. ' માધવીની બદલે કુસુમે જવાબ વાળતી હોય તેમ ચેતવણી આપી.

માટીવાળા પથરાળ રસ્તા પર દોડી રહેલી જીપને બૈજનાથ સુધીનો વીસ મિનીટનો રસ્તો કાપતાં તો પણ અડધો કલાક તો સહેજે થઇ ગયો.

બૈજનાથ બસ ડેપો પર પહોંચ્યા ત્યારે દિલ્હી જતી બસ ઉપડવાની જ તૈયારીમાં હતી.

માધવી ઝડપભેર ટિકીટબારી તરફ દોડી : એક ટિકટ , દિલ્હી ...

'અરે , બહેનજી, તીસ રૂપિયે છુટ્ટે નહીં ...આપ દીજિયે, સત્તર રૂપિયે ....' માધવીએ આપેલી સોની નોટ પાછી આપતાં બારી પર બેઠેલો કેશિયર બોલ્યો.

ઓહ ભગવાન , આ નવી મુસીબત .... માધવીએ પર્સમાં છુટ્ટા પૈસા શોધવાનો પ્રયત્ન કર્યો , કદાચ માસીએ આપેલા પરબિડિયામાં દસ દસની નોટ હોય તો ....

ટૂંક સમયમાં જ માસીની માનસિકતાથી અવગત થઇ ચૂકેલી માધવીનું અનુમાન સાચું હતું . સહુથી ઉપર જ દસ દસની નોટની થપ્પી હતી. એમાંથી એ ગણીને સાત નોટ ખેંચી કાઢે એ પહેલા જ ક્યાંકથી ચીલ ઝડપે એક હાથ આવ્યો અને પરબીડિયું આંચક્યું .

'ઓહ!! ચોર ચોર ......' ક્ષણવાર માટે તો માધવીને શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ સુધ્ધાં ન આવ્યો અને જે ક્ષણે આવ્યો કે તે સાથે ટીકીટબારી પર ઉભેલા કુસુમ અને ગૌરીએ જોરજોરથી બૂમરાણ મચાવી દેકારો કરી દીધો : ચોર ચોર, પકડો પકડો .....

તફડંચીકાર તો ચીલ ઝડપે આવ્યો એ જ રીતે નાસી રહ્યો હતો. માધવીમાં ન જાણે ક્યાંથી સવાર થઇ ગયું કે એણે ચોરની પાછળ દોડી શર્ટના કોલરને પાછળથી પકડ્યો અને ધક્કો માર્યો . આવો કોઈ પ્રતિકાર થશે એવી ધારણા નહોતી રાખી એ તફડંચીકારે , એ ઉઠીને નાસવાનો પ્રયત્ન કરવાની ફિરાકમાં હતો પણ માધવી એને બક્ષવાના મૂડમાં નહોતી, આ પરબીડિયું જ તો લાઈફલાઈન હતું. માધવી પરબીડિયું ખેંચી લઇ પોતાના પેટ પાસે હાથ રાખી બેવડ વળી ગઈ. હવે પેલા ચોરની પક્કડમાંથી બચી ગયેલું પરબીડિયું તો સલામત હતું. ખેલ તો માત્ર થોડી સેકંડનો હતો પણ એટલીવારમાં તો કુસુમ ને ગૌરીના દેકારાએ લોક ભેગું કરી દીધું અને લોકોએ ચોરને ઝબ્બે કરી મારવા લીધો .

'કુસુમ , ગૌરી .... આપણે અહીંથી ખસી જઈએ , પોલીસ આવશે તો નકામી બબાલ.... ને મારી બસ ઉપડી જશે... માધવીએ જલ્દીથી દસ દસની સાત નોટ કેશિયરના હાથમાં થમાવી ને દોટ મૂકી .

'મધુદી , જલ્દી બેસી જાવ, બસ ઉપાડવાની તૈયારીમાં છે ...... ' કુસુમ બસને થોભવાની સંજ્ઞા દેખાડતી બોલી.

ત્યાં સુધીમાં તો માધવી બસમાં ચઢી ચુકી હતી ને તે સાથે જ બસ એક ઘરઘરાટી સાથે સ્ટાર્ટ થઇ ને ધૂળ ઉડાડતી ગતિ પકડી રહી.

'કુસુમદી ..... આ જુઓ ....' ગૌરીએ નીચે વળી ધૂળમાં પડેલો લાલ ધાગો ઉઠાવ્યો .

ચોર સાથેની ઝપાઝપીમાં માધવીના ખલતામાં મુકેલા પેકેટમાં , આરતીએ તાકીદ કરીને આપેલી કંકુની પડીકી , બીજોરુંવાળું પેકેટ અને માસીએ બાંધેલી રક્ષાનો લાલ દોરો ધૂળમાં રગદોળાઈને પડ્યા હતા. કુસુમે તમામ ચીજો સંભાળીને એક એક કરી એકથી કરી સાથે લઇ લીધી, આ બધું દીદીને તો કહેવું પડશે ને !!

હિમાચલ સ્ટેટ ટ્રાન્સપોર્ટની જેમ જ ચાલતી ખાનગી સેવાની બસ ધમધમાટ દિલ્હી તરફ દોડી રહી હતી. જો એથી વધુ તેજ દોડી રહ્યું હોય તો તે હતું માધવીનું મન. ખુલ્લી બારીમાંથી આવી રહેલી ઠંડી હવામાં તાજી વનરાજીની ખુશ્બુ હતી પણ એ બધું માણવાના હોશ ક્યાં હતા. પાછળની સીટ પર કોઈક નાનું બાળક જોર જોરથી રડી રહ્યું હતું . કદાચ ભૂખ્યું થયું હશે ... માધવીનો જમણો હાથ અનાયસે છાતીસરસો ચંપાઈ ગયો : બંનેને બહારનું દૂધ ફાવશે કે નહીં ? નહીં સદે તો ભૂખી રહેશે ? પણ હવે આ બધા વિચારો કરવાનો કોઈ અર્થ નહોતો . માધવીએ મન મનાવ્યું : એક વાર રાજ સાથે વાત થઇ જાય તો પછી ક્યારે આમ આ બેબીઓને એકલી મુકવાનો વારો આવવાનો ? પછી વિચાર ફંગોળી નાખવા હોય તેમ એક નજર બહાર નાખી , મન ભરાય જાય એવી ખુબસુરત વાદીઓમાંથી રસ્તો પસાર થઇ રહ્યો હતો પણ એ જોવામાં પણ રસ ન પડ્યો . જલ્દી આવે દિલ્હી ને જલ્દી આવે મુંબઈ . હવે એક એક મિનીટ કાપે કપાતી નહોતી . માધવીએ ફાટી ગયેલી સીટમાંથી બહાર નીકળતાં લોખંડના હેન્ડલ પર સાચવીને માથું ટેકવતાં આંખો બંધ કરી દીધી .

'દીદી .... ઓ દીદી .....' ધ્યાનમાં બેઠેલી આરતીનું ધ્યાનભંગ કર્યું ગૌરીએ .

'ગૌરી ... કેટલીવાર કહેવાનું આમ બૂમો ન મારવી .... કોઈ અતિથિ સાધકની સાધનામાં ભંગ પડે ને ? ' આરતી બહાર આવતા બોલી .

' ક્ષમા દીદી, ભૂલી ગઈ ... પણ આ બતાવવાનું હતું તમને ......' ગૌરીએ પોતાના હાથમાં રહેલું પેકેટ આગળ કર્યું .

'શું છે ? આ તારી પાસે કઈ રીતે આવ્યું ? આ તો માધવીને આપ્યું હતું ને ? ' પેકેટ જોતાં જ આરતીની આંખો પહોળી થઇ ગઈ : ખરી છોકરી છે !! આટઆટલી તાકીદ કરી છતાં સાથે લઇ ન ગઈ ? ને તમને પકડાવી દીધું ?

'ના ના દીદી, એમને તો ખબર પણ નહોતી ....' કુસુમે પેલી તફડંચીકારવાળી ઘટના કહી વર્ણવી : આ બધી બબાલમાં ખલતામાંથી આ પડી ગયું ....

આરતીના ચહેરાનો રંગ ધોળી પૂણી જેવો થઇ ગયો : ગુરુજી હમેશા કહેતા , જે નિર્મિત છે તે કદી મિથ્યા નથી હોતું. તો પછી .......???

***

દિલ્હીથી ઉપડેલી પશ્ચિમ એક્સપ્રેસ બોમ્બે સેન્ટ્રલ પહોંચી ત્યારે માધવીને આશ્રમ છોડે બે દિવસ થઇ ચુક્યા હતા. બે દિવસ દરમિયાન ન તો માસી સાથે વાત થઇ શકી હતી ન મનનો ઉત્પાત શાંત પડ્યો હતો. લેચ કીથી ફ્લેટનું બારણું ખોલતી વખતે કોઈક વિચિત્ર લાગણી ઘેરી વળતી રહી. ઘરમાં ચારે બાજુ ધૂળનું સામ્રાજ્ય હતું . કશું સૂઝતું નહોતું છતાં સહુથી પહેલી નજર ફોન પર પડી. છેલ્લાં છ મહિનાનું બિલ ભરાયું નહોતું એટલે ડેડ હોવાનો , અને એમ જ હતું . એનો શક બિલકુલ સાચો હતો . થોડાં કલાકમાં સાફસફાઈ પતી એટલે ઘર તો થોડું રહેવાલાયક બની ગયું પણ ન જાણે કેમ પોતાનું ઘર જ અજાણ્યું લાગી રહ્યું હતું. રહી રહીને પ્રિયા જ યાદ આવતી રહી , એના વિના જાણે આખા મુંબઈમાં કોઈ વસ્તી જ નહોતી . જાણે કે કોઈ ટાપુ પર ભટકી ગયેલો એકલો મુસાફર.

માધવી નીચે ઉતરી , ફોન ચાલુ થાય પછી આ દુનિયાથી વિખૂટાં પડી જવાની લાગણી લાંબી નહીં ટકવાની, પણ અત્યારે તો પબ્લિક કોલમાંથી પણ થોડાં ફોન કરવા જરૂરી હતા.

કદાચ પહેલીવાર બની રહ્યું હતું કે માધવીમાં રહેલી મા જીતી અને પ્રેમિકા હારી. પહેલા જ પ્રયત્નમાં આશ્રમનો ફોન લાગી ગયો.

'માસી , હું તો પહોંચી ગઈ પણ ત્યાં બધું બરાબર તો છે ને ? બેબીઓએ તમને પરેશાન કરી નાખ્યા હશે ને ? '

'મધુ , સારું કર્યું ફોન કરી દીધો, હું અહીંથી ખસી જ નથી. ને જો , અહીંની ચિંતા ન કરીશ . બેબલીઓ એકદમ ઠીક છે. તારી જવાબદારીઓ કુસુમ અને ગૌરીએ મનથી પોતાની સમજી છે. પણ ....' માસીના અધૂરાં મુકાયેલા પ્રશ્નને માધવી સમજી રહી હતી.

'માસી , ફોન ચાલુ નથી , કાલ સુધીમાં થઇ જાય પછી કંઇક વાત બને ...' માધવીના અવાજમાં ઠોસ રણકો ન સંભળાયો . કદાચ પેલા અપશુકન ... આરતીના મન પર કુસુમે હાથમાં આપેલો માધવીના ખલતામાંથી પડી ગયેલો સામાન તાદશ થઇ આવ્યો : હવે તો જે લખાયેલું હશે તે જ થઈને રહેશે ને !!

માધવીના આશ્ચર્ય વચ્ચે બીજે દિવસે તો ડેડ થયેલો ફોન ચાલુ થઇ ગયો. પણ આશ્ચર્ય સુખદાયી ન નીવડ્યું . રાજાને ત્યાં માત્ર રીંગ જ વાગતી રહી: એવું તો ન બને કે રાજા છ મહિના સુધી ગામમાં જ બેસી રહે. હવે અબીરને ફોન કરવો જરૂરી હતો.

પરંતુ, માધવી અબીરને ફોન કરે એ પહેલા જ તો ફોન રણક્યો .

'હલો માધવી !! તું છે ક્યાં? ઠીક તો છે ને ? ' સામે છેડે શશી હતો. રાજાનો જૂનો આસિસ્ટન્ટ .

'અરે મને શું થવાનું હતું ? કેમ એમ પૂછે છે શશી ? ' માધવીને નવાઈ લાગી રહી : એમ કહે કે તું હવે કેમ છે ? નવું કોઈ કામ લીધું ?

'હા, મારું તો સેટ થતું જાય છે , પણ મને તારા માટે ખરેખર બહુ દુખ થયું . યુ ડીડન્ટ ડિઝર્વ ધીસ .....' શશીના સૂરમાં ભારોભાર સહાનુભૂતિ હતી.

' એય શશી , તું શું વાત કરે છે ? શેની વાત કરે છે ? ' માધવીનું હૃદય એક સેકંડ માટે ધબકાર ચૂકી ગયું : પોતાની પ્રેગ્નન્સી ને બાળકીઓના જન્મની વાત શશીને થઇ ગઈ હશે ? તો એનો અર્થ કે આ જાણ તો સહુકોઈને હોવાની .....

' રાજા તો પછી આવ્યો પણ માધવી , આપણે મિત્રો તો એ પહેલેથી રહ્યા છીએ ..' શશી આગળ બોલવા જતો હતો ને માધવીના મગજમાં ફ્લેશ થયો :'ઓહ આ શશી તો કોઈ બીજી જ વાત કરતો હતો, પોતાની પ્રેગ્નન્સીની નહીં ....

'શશી, મારા એક આંટીની તબિયત નરમગરમ હતી એટલે હું તો ત્યાં હતી , હમણાં જ તો આવી છું , શું થયું કે તું શેની વાત કરે છે મને તો ખબર જ નથી.' માધવીના શરીરમાંથી આછેરી ધ્રુજારી ફરી વળી , કશુંક અઘટિત ચોક્કસ બની ગયું હતું .

' એટલે તું એમ કહે છે કે તું મુંબઈમાં જ નહોતી ? ' હવે શશીને એ જવાબથી નવાઈ લાગી હોય તેમ લાગ્યું .

'હા , પરમ દિવસે જ તો આવી પાછી , હિમાચલ હતી મારા આંટી પાસે , એમની તબિયત .....' માધવીને થયું આથી વધુ જૂઠાણું બોલી તો પકડાઈ જશે પણ શશીનું ધ્યાન એ બધી વાતો પર નહોતું , એ કદાચ કશુંક વિચારી રહ્યો હતો .

' ........... મને સમજ નથી પડતી કે હું કઈ રીતે કહું પણ તને ખબર છે કે રાજા પેલા પ્રભાત મહેરાની દીકરીને પરણી ગયો છે ? છેલ્લાં એક મહિનાથી હનીમૂન પર છે ...

' માધવી , તું સાંભળે છે ? ' જવાબ ન મળવાથી શશી ગભરાયો : સમાચાર સાંભળીને માધવીનો પ્રતિભાવ શું હોય શકે ?

શશી સાચો હતો. ફોનનું રીસીવર માધવીના હાથમાં રહી ગયું હતું ને એ નીચે ફર્શ પર પટકાઈ ચૂકી હતી.

ક્રમશ :

Pinki Dalal