Pin code - 101 - 70 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 70

પિન કોડ - 101

પ્રકરણ-70

આશુ પટેલ

મૉડલ કો-ઑર્ડિનેટર ઓમર હાશમીએ પોલીસ લોકઅપમાં આત્મહત્યાની કોશિશ કરી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને બચાવી લેવાયો છે, પણ તેની હાલત હજી ગંભીર છે. આ મુદ્દે મુંબઇ પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ છે. ઓમર હાશમીની ધરપકડ ર્ક્યા વિના જ તેને તેની ઑફિસમાંથી પોલીસે ઊંચકી લીધો હતો. દર્શકોને કહી દઇએ કે ઓમર હાશમી એક નામાંકિત મૉડલ કો-ઑર્ડિનેટિંગ એજન્સી ચલાવે છે. આજ સુધી તેની સામે કોઇ ગુનો નોંધાયો નથી અને ક્યારેય કોઇ વિવાદમાં પણ તેનું નામ ખરડાયું નથી. પણ મુંબઇ પોલીસના અધિકારીઓએ એવી શંકા પરથી તેને ઊંચકી લીધો હતો કે તે નતાશા નાણાવટી નામની એક નવીસવી મૉડલ અને હિન્દી ફિલ્મ્સમાં રોલ મેળવવા માટે સંઘર્ષ કરતી યુવતીના અપહરણનું કાવતરું ઘડી રહ્યો હતો. નતાશા નાણાવટી સાથે તેણે મૉડલિંગ માટે કોન્ટ્રેક્ટ ર્ક્યો હતો. પણ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે કુખ્યાત સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દત્તાત્રેય વાઘમારેને પસંદ નહોતું કે તે એ મૉડલિંગ કોન્ટ્રેક્ટ સાઇન કરે. એટલે વાઘમારેએ સામ, દામ, દંડ અને ભેદ અજમાવીને તે મૉડલને ઓમર હાશમી સાથે કોન્ટ્રેક્ટ સાઇન કરતા અટકાવવાની કોશિશ કરી હતી. એમ છતાં તે મૉડલે કોન્ટ્રેક્ટ સાઇન કરવા માટે નિર્ણય ર્ક્યો ત્યારે વાઘમારેએ પોતાના માણસ દ્વારા એ છોકરીને ધમકાવી હતી. વાઘમારેના ડરને કારણે તે યુવતી અજ્ઞાત સ્થળે જતી રહી છે. હવે તેના અપહરણના કેસમાં ઓમર હાશમીને ફસાવવાની કોશિશ થઇ રહી છે. મજાની વાત એ છે કે નતાશા નાણાવટીનું અપહરણ થયું છે એવી કોઇ જ ફરિયાદ આખા મુંબઇના એક પણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ નથી. પણ વાઘમારે અને તેમના કેટલાક અધિકારીઓએ તે છોકરીના અપહરણ માટે ઓમર હાશમીને ઊંચકી લીધો હતો અને એ પણ તેની ધરપકડ ર્ક્યા વિના જ! જો કે મીડિયા સુધી એ વાત પહોંચી એ પછી પોલીસે ઓમર હાશમીને અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો આરોપ મૂકીને તેની ધરપકડ કરી હતી. વિચાર કરો, મુંબઇ પોલીસ કેટલી સક્રિય બની ગઇ છે, ગુનો થયા પછી પણ ફરિયાદ નોંધવામાં ગલ્લાં-તલ્લાં કરતી પોલીસ જ્યારે કોઇ ફરિયાદ વિના આટલી દોડધામ કરી મૂકે ત્યારે સહેજ પણ શંકા પેદા થયા વિના ના રહે. અત્યંત આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે કે મુંબઈના એક હાઈ પ્રોફાઈલ આઇપીએસ અધિકારીને પણ નતાશા નાણાવટી નામની એ મૉડલમાં રસ પડ્યો હતો!...’
સાહિલનો દોસ્ત રાહુલ તેના ભાડાના ફ્લેટમા સોફા પર બેઠો બેઠો મુંબઈ ટાઈમ્સ’ અખબારના અન્દરના પાને ડબલ કોલમમા છપાયેલા ન્યૂઝ વાંચી રહ્યો હતો. આતંકવાદી હુમલા પછી મુંબઈની સ્થિતિ વિશે ટીવી પર ન્યૂઝ જોઈને તે થાક્યો હતો. બધા મુંબઈગરાઓની જેમ તે પણ બે દિવસથી ટીવી પર સતત ન્યૂઝ જોતો રહ્યો હતો. અત્યારે પણ તેનું ટીવી ચાલુ હતું અને એના પર એક ન્યૂઝ ચેનલનું પ્રસારણ થઈ રહ્યું હતું.
મુંબઈ પર આતંકવાદી હુમલાઓ થયા એ પછી અડતાલીસ કલાક પસાર થઈ ગયા હતા, પણ પ્રશાસન માટે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી હાલત હતી. અધૂરામાં પૂરું, શહેરના ઘણા વિસ્તારોમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં અને એ રમખાણો કાબૂમાં લેવા માટે પોલીસ સક્ષમ નહોતી એથી લશ્કરની મદદ લેવાઈ હતી. ખોફનાક આતંકવાદી હુમલાઓને કારણે રાહુલ પણ બધા મુમ્બઈગરાઓની જેમ અસલામતીનો અહેસાસ કરી રહ્યો હતો. જો કે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓ કરતા પણ વધુ ચિંતા તેને સાહિલની થઈ રહી હતી. પોતાના સમાજ, શહેર કે દેશ પર આફત આવી પડી હોય એ સંજોગોમાં કોઈ સામાન્ય માણસની નજીકની અને પ્રિય વ્યક્તિ મુસીબતમાં ફસાય ત્યારે તે માણસ સમાજ, શહેર કે દેશ પર આવી પડેલી મુશ્કેલી કરતા પોતાની નજીકની વ્યક્તિ વિશે વધુ વિચારતો હોય છે. રાહુલની પણ એ જ સ્થિતિ હતી.
ઝોન અગિયારના ડેપ્યુટી પોલીસ કમિશનર મિલિન્દ સાવંતને મળ્યા પછી તેમણે તેની સાથે સારી રીતે વાત કરી એથી થોડી વાર માટે રાહુલને ધરપત થઈ હતી. પણ ડેપ્યુટી કમિશનર સાવંતે તેના મોઢેથી સાહિલની ફ્રેંડ નતાશાનું નામ સાંભળ્યું એ પછી પોલીસ કમિશનરને ફોન લગાવ્યો એથી તે મૂંઝવણમાં પણ મુકાયો હતો. સાવંતે પોલીસ કમિશનરને કહ્યું હતું કે સર, પેલી મૉડલ નતાશા નાણાવટીની સાથે તેનો બોયફ્રેંડ પણ ગાયબ છે!
રાહુલને ડેપ્યુટી કમિશનર સાવંત પાસેથી તેને જાણવા મળ્યું હતું કે સાહિલની ફ્રેન્ડ નતાશા ઓમર હાશમી નામના કોઈ મૉડલ કો-ઑર્ડિનેટરને કારણે મુશ્કેલીમા મુકાઈ હતી અને કેટલાક ગુંડાઓ પોલીસ અધિકારી હોવાનો ડોળ કરીને અંધેરીની ‘ગ્રેસ રેસિડેંસી’ હૉટેલમાંથી તેનું અપહરણ કરી ગયા હતા અને નતાશાને છોડાવવા ગયેલી પોલીસ ટીમને સ્થાનિક લોકોએ હુમલો કરીને ભગાવી મૂકી હતી. પછી તેણે એ ન્યૂઝ ટીવી ચેનલ્સ પર પણ જોયા હતા. તેણે એ ન્યૂઝ પણ જોયા હતા કે ઓમર હાશમીને પોલીસે પકડ્યો એના કારણે ભારે વિવાદ સર્જાઈ ગયો હતો.
રાહુલ ડેપ્યુટી કમિશનર સાવંતને મળ્યો પછી ગોરાઈ પોલીસ સ્ટેશનના પેલા ઉદ્ધત પોલીસ અધિકારીનો પણ તેના પર સામેથી કોલ આવી ગયો હતો અને તેણે તેને સાહિલના ગૂમ થવા વિશે ફરિયાદ લખાવવા સામેથી બોલાવી લીધો હતો. રાહુલ બીજી વાર તેની પાસે ગયો ત્યારે તેણે રાહુલને ચાપાણી-નાસ્તાની ઓફર કરી હતી અને કહ્યું હતું કે ભલા માણસ તમારે પહેલા કહેવું જોઈતું હતું ને કે તમે સાહેબના પરિચિત છો!
પોલીસે સાહિલના મોબાઈલ ફોન નંબર પરથી લોકેશન જાણવાની કોશિશ કરી હતી, પણ સાહિલનો મોબાઈલ ફોન મધ્ય રેલવેની એક ટ્રેનમાંથી કોઈને મળી આવ્યો હતો અને તે માણસે નાગપુર રેલવે સ્ટેશન મેનેજરની ઓફિસમાં એ ફોન જમા કરાવ્યો હતો. ગોરાઈ પોલીસના પેલા અધિકારીએ રાહુલને કોલ કરીને એ માહિતી આપી એના કારણે તો રાહુલ ઓર ગૂંચવાયો હતો.
જો કે પોલીસ સાહિલને શોધી શકે એ પહેલા તો મુંબઈ પર આતંકવાદી હુમલાઓ થઈ ગયા હતા અને આખા મુંબઈની પોલીસ દોડતી થઈ ગઈ હતી.
રાહુલને રહી રહીને નતાશા પર ગુસ્સો આવી જતો હતો. સાહિલ એ છોકરીના ચક્કરમાં ભેરવાયો એને કારણે જ તે મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. રાહુલે તે છોકરીને પોતાના ફ્લેટમાં જોઈ ત્યારથી જ તેને તે છોકરી માટે અણગમો થઈ આવ્યો હતો. તેને એ સમજાતુ નહોતુ કે સાહિલ એ છોકરી પાછળ કેમ ગાંડો થઈ ગયો હતો. રાહુલ એક કૉલ સેંટરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો એટલે દરરોજ તે સિગારેટ ફૂંકતી અને છૂટથી ગાળો બોલતી ઘણી છોકરીઓને જોતો હતો. તેને એવી છોકરીઓના આકર્ષક દેહ જોવાનું ગમતું, પણ તેને અંદરથી એવી છોકરીઓ માટે અણગમો હતો. તે પણ સાહિલની જેમ ગામડાંમાં ઉછર્યો હતો એટલે તેને છોકરીઓ વધુ પડતી છૂટછાટ સાથે જીવે એ પસંદ નહોતું. કૉલ સેંટરમાં નોકરી કરતી એક છોકરી સાથે તે પ્રેમમાં પડ્યો હતો અને તેની સાથે તેના સેક્સ્યુઅલ સંબંધ પણ બંધાયા હતા. પરંતુ થોડા દિવસોમાં જ તેને ખબર પડી હતી કે તે છોકરીના બીજા એક યુવાન સાથે પણ શારીરિક સંબંધ હતા અને ઘણી વાર તો તે છોકરી એક જ દિવસમાં રાહુલ અને તે યુવાન બંને સાથે સેક્સ માણતી હતી! રાહુલે એ છોકરી સાથે ઝઘડો કર્યો ત્યારે પેલીએ નફ્ફટાઈથી કહ્યું હતું કે તું મારો પતિ નથી, ઓકે? એ દિવસથી તો રાહુલને આધુનિક દેખાતી છોકરીઓ માટે નફરત થઈ ગઈ હતી. તેને થયેલા કડવા અનુભવને કારણે તે દોસ્તો સાથે વાતચીત દરમિયાન બધી આધુનિક છોકરીઓ માટે અપમાનજનક શબ્દો વાપરતો થઈ ગયો હતો. સાહિલ તેને કહેતો કે આ તારી સામાન્ય ભારતીય પુરુષો જેવી હલકી વિચારસરણી બદલ. એ મુદ્દે ઘણી વાર સાહિલ સાથે તેનો ઝઘડો પણ થઈ જતો.
અખબાર વાંચતા વાંચતા સાહિલના વિચારોમા ખોવાઈ ગયેલા રાહુલના કાને અચાનક સાહિલ શબ્દ પડ્યો. એક ક્ષણ માટે તેને થયું કે સતત સાહિલ વિશે વિચારવાને કારણે પોતાને ભ્રમ થયો છે. પણ ફરી વાર ઓટોમોબાઈલ એંજિનિયર સાહિલ સગપરિયા એવા શબ્દો તેના કાને પડ્યા. તેણે ટીવી સામે જોયુ. ટીવી પર સાહિલના ફોટો સાથે બ્રેકિંગ ન્યૂઝ દર્શાવાઈ રહ્યા હતા એ બ્રેકિંગ ન્યઝ જોઈને રાહુલના મોતિયા મરી ગયા!

(ક્રમશ:)