pincode - 101 - 81 books and stories free download online pdf in Gujarati

પિન કોડ - 101 - 81

પિન કોડ - 101

પ્રકરણ-81

આશુ પટેલ

મુંબઈ પોલીસનું ધ્યાન ફરી વાર સાહિલ અને નતાશા પર કેન્દ્રિત થયું હતું.
જે મોડેલનું અપહરણ થયું હતું તે નતાશા નાણાવટી જેની પ્રેમિકા હતી એ યુવાન સાહિલ પણ નતાશાના અપહરણના દિવસથી જ ગાયબ હતો એવી માહિતી સાહિલના દોસ્ત રાહુલ પાસેથી સાવંતને મળી હતી. પણ મુંબઈ પર આતંકવાદી હુમલાઓને કારણે સાહિલના ગાયબ થવાનો અને નતાશાના અપહરણનો મુદ્દો કોરાણે મુકાઈ ગયો હતો. પરંતુ, બિઝનેસ ટાઈકૂન રાજ મલ્હોત્રાએ જાહેર કર્યું કે આવી ફ્લાઈંગ કાર બનાવી રહેલા સાહિલ સગપરિયા નામના ઓટોમોબાઈલ એંજિનિયરે મારો સમ્પર્ક કર્યો હતો અને ફ્લાઈંગ કાર બનાવવા માટે મેં તેની સાથે કોંટ્રેક્ટ પણ કર્યો હતો એટલે પોલીસ ચોંકી ઊઠી હતી. પણ વળી ચેન્નાઈ પોલીસ તરફથી મુંબઈ પોલીસને એવી માહિતી મળી કે ચેન્નાઈના વૈજ્ઞાનિક મોહિની મેનને આવી ફ્લાઈંગ કાર વિશે સંશોધન કર્યું હતું અને તેઓ ઘણા દિવસો અગાઉ મુંબઈમાં એક સેમિનારમાં હાજરી આપવા ગયા પછી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદ સાથે તેમના સહાયકો જયા વાસુદેવન અને બાલક્રિશ્ર્ન પિલ્લાઈ ચેન્નાઈના ડોક્ટર રાધાક્રિશનનનગર પોલીસ સ્ટેશનમાં ગયા હતા, એટલે મુંબઈ પોલીસે એ દિશામા પણ તપાસ હાથ ધરી હતી.
જોકે મોહિની મેનનનો પત્તો લાગે એ પહેલાં મુંબઈ પોલીસે બનાવેલા સ્કેચ અને ફોટોને કારણે મુંબઈ પોલીસ વધુ ગૂંચવાઈ ગઈ હતી. આતંકવાદી હુમલામા જે કારનો ઉપયોગ થયો હતો એ કાર ચલાવનારી છોકરીનો સ્કેચ અને કોમ્પ્યુટરની મદદથી બનાવેલો ફોટો ચેન્નાઈ પોલીસે વૈજ્ઞાનિક મોહિની મેનનનો જે ફોટો મોકલ્યો હતો એની સાથે મેચ થતા હતા!
એ દરમિયાન વળી એક નવાઈજનક વાત બહાર આવી હતી. આતંકવાદી હુમલામાં જે કારનો ઉપયોગ થયો હતો એ કાર ચલાવનારી છોકરીનો સ્કેચ અને કોમ્પ્યુટરની મદદથી બનાવેલો ફોટો જાહેર થયા પછી સાહિલના દોસ્ત રાહુલે ડીસીપી સાવંતનો સંપર્ક કરીને કહ્યું હતું કે એ સ્કેચ અને ફોટો તો સાહિલની પ્રેમિકા નતાશાના છે! એ માહિતી મળી એટલે ડીસીપી સાવંત ચોંકી ઊઠ્યા હતા.
શેખ અને સાવંતને આશ્ર્ચર્ય થયું હતું કે બે દિવસ માટે પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવનારા આઈપીએસ ઓ. પી. શ્રીવાસ્તવને સાહિલ અને નતાશાનું બેકગ્રાઉન્ડ ચેક કરવાનો વિચાર કેમ નહીં આવ્યો હોય!
પોલીસ કમિશનર ઇલ્યાસ શેખ સાથે ઓટોમોબાઈલ એંજિનિયર સાહિલ સગપરિયા અને સંઘર્ષરત મોડેલ નતાશા નાણાવટી વિશે વાત કરીને કોલ ડિસ્કનેક્ટ કર્યા પછી ડીસીપી સાવંતે પોતાના મોબાઈલ ફોનથી આઈપીએસ આઈ. જે. સવાનીના નંબર પર કોલ કર્યો. એકાદ વર્ષ પહેલા બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા હૈદરાબાદમાં ઓર્ગેનાઇઝડ ક્રાઇમ વિષે યોજાયેલા સેમિનારમાં તેમની મુલાકાત અમદાવાદના રેન્જ આઇજીપી આઇ. જે. સવાની સાથે થઇ હતી અને તેમણે એકબીજાને ફોન નંબર આપ્યા હતા.
ડીસીપી સાવંતે આઇજીપી સવાનીના નંબર પર બીજી રિંગ વાગી ત્યાં જ આઇજીપી સવાનીએ કોલ રિસિવ કરતા કહ્યું: ‘હલ્લો મિલિન્દ.’
સાવંતે તરત મુદ્દાની વાત કરી: ‘સર, તમારું એક અર્જન્ટ કામ પડ્યું છે.’
આઇજીપી સવાની મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓથી સ્વાભાવિક રીતે વાકેફ હતા. તેમણે કહ્યું: ‘યસ મિલિન્દ, ટેલ મી, હું શું મદદ કરી શકું?’
સાવંતે કહ્યું: ‘સર, અમદાવાદમાં અને અમદાવાદ નજીકના એક ગામડામાં બે વ્યક્તિ વિશે તપાસ કરાવવી છે, શક્ય એટલી ઝડપથી. મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાઓ સાથે સંબંધિત મામલો છે. તે બન્ને વિશે ઉપરછલ્લી માહિતી અમને મળી છે.’
‘શ્યોર, મિલિન્દ.’ બોલતા બોલતા આઇજીપી સવાનીએ તેમના ટેબલ પર પડેલું પેડ નજીક લીધું અને પેન સ્ટેન્ડમાંથી એક પેન હાથમાં લીધી.
‘નતાશા નાણાવટી નામની એનઆરઆઇ યુવતી અમદાવાદના પાલડી વિસ્તારમા નારાયણનગર મેઇન રોડની એક સોસાઈટીમાં તેના મામાને ત્યાં રહીને ભણતી હતી. તેની સાથે સાહિલ સગપરિયા નામનો યુવક ભણતો હતો. તે અમદાવાદની નજીકના ખોડા ગામનો વતની છે. તેના ભાઇનું કુટુંબ હજી એ ગામમાં જ રહે છે. તે યુવાન મુંબઈમાં તેના એક મિત્ર સાથે રહેતો હતો. તેની પાસેથી એટલી માહિતી મળી છે કે...’ સાવંતે પોતાની પાસે હતી એ બધી માહિતી ઉતાવળે આપી દીધી.
આઇજીપી સવાનીએ બધી માહિતી કાગળ પર ટપકાવી લીધી.
સાવંતે વાત પૂરી કરી એટલે તેમણે કહ્યું, ‘એક કલાકમાં જ તે બન્ને વિશે બધી માહિતી મળી જશે.’
‘થેંક્સ અ લોટ, સર.’ ડીસીપી સાવંતે કહ્યું.
‘યુ આર ઓલવેઝ વેલકમ.’ કહીને આઈજીપી સવાનીએ કોલ ડિસકનેક્ટ કર્યો.
* * *
ઈકબાલ કાણિયાની મદદે ધસી આવેલા બદમાશોમાંથી એક બદમાશે છોડેલી ગોળી ઇમ્તિયાઝની આંખમાં વાગી અને તેના મસ્તકમાંથી સોંસરવી નીકળીને નતાશાને નિશાન બનાવી ગઈ. જોકે સદનસીબે એ ગોળી નતાશાના ડાબા ખભા પર છરકો કરીને પસાર થઈ ગઈ. દર્દ અને એથી પણ વધુ તો ડરને કારણે ફરી એક વાર નતાશા ચીસ પાડી ઊઠી.
એકદમ નજીકથી છૂટેલી ગોળીને કારણે ઇમ્તિયાઝ્ના મસ્તકમાંથી લોહી અને માંસના લોચા ઉડ્યા એ સાહિલને પાછળથી વળગીને ઊભેલી નતાશાના વાળ અને તેની પીઠ પર ઉડ્યા. પેલા બદમાશે ઇમ્તિયાઝને ગોળી મારી એ દરમિયાન ઈશ્તિયાકે સાહિલની પકડમાંથી છૂટવાની કોશિશ કરી હતી, એટલે તેને કાબૂમાં લેવાની અને પાછળ શું ચાલી રહ્યું છે એ જોવાની મથામણમાં સાહિલ તેની જગ્યાએથી સહેજ હલ્યો હતો એટલે નતાશા પણ તેની સાથે થોડા ઈંચ જમણી બાજુ આવી ગઈ હતી. નહીં તો એ ગોળી નતાશાની પીઠમાં વાગી હોત!
ઇમ્તિયાઝની અને નતાશાની ચીસ સાંભળીને સાહિલ એટલી નાની જગ્યામાં પણ ઇશ્તિયાક સાથે ઉતાવળે ફર્યો. ઇમ્તિયાઝને નીચે પડતો જોઈને તેના મનમાં ફાળ પડી. આ દરમિયાન એ બદમાશોની પાછળ પણ બેકરીની ભઠ્ઠીમાં કામ કરતા માણસો આવી ચડ્યા હતા એ તેણે જોયું એટલે તેને ધ્રાસ્કો પડ્યો કે તેની હાલત કાંઠે આવીને ડૂબવા જેવી ના થાય. તેણે ઇશ્તિયાકના ગળા ફરતે વીંટાળેલા હાથથી તેના ગળા પર વધુ ભીંસ આપી એટલે ઈશ્તિયાકે છૂટવાનો પ્રયાસ પડતો મૂક્યો અને બન્ને હાથથી તેણે સાહિલના હાથની પકડ ઢીલી કરવાની કોશિશ કરી. એ દરમિયાન સાહિલે તેને પેલા બદમાશો સામે ધરી દીધો, જેથી પેલા બદમાશો ગોળી ચલાવવાની હિંમત ના કરે.
હવે સાહિલ ઇશ્તિયાકની પાછળ હતો અને નાના બાળકની જેમ રડી રહેલી નતાશા તેની પાછળ હતી. સાહિલ અવળા પગલે ઇશ્તિયાક અને નતાશા સાથે દુકાનમાંથી બહાર નીકળ્યો. તેને ડર હતો કે બહાર પણ આ બદમાશોના સાથીદારો ના હોય. દુકાનની બહાર રસ્તા ઉપર બે રિક્ષા ઊભી હતી એમાંથી એક રિક્ષા પાસે જઇને તેણે નતાશાને રિક્ષામાં બેસવા કહ્યું.
રિક્ષાવાળો હાથમાં પિસ્તોલ સાથે ધસી આવેલા સાહિલને જોઇને ડઘાઇ ગયો. નતાશા રિક્ષામાં બેઠી એ પહેલા તો તેણે રિક્ષાનું એન્જિન ચાલુ કરી દીધું હતું. સાહિલ પેલા બદમાશના લમણામાં પિસ્તોલનો પાછળનો ભાગ ફટકારવા જતો હતો, પણ દુકાનમાંથી તેમના તરફ ધસી રહેલા પેલા બદમાશોને જોઇને તેણે એ વિચાર માંડી વાળ્યો. તેણે તે બદમાશને જોરથી હડસેલો મારીને પાડી નાખ્યો અને તે રિક્ષામાં ઘુસ્યો.
‘ભગાવ રિક્ષા!’ તેણે બૂમ મારી.
જોકે એ પહેલાં જ ગભરાયેલા રિક્ષાચાલકે રિક્ષા મારી મૂકી હતી. સાહિલ અને નતાશા છુટકારાનો શ્ર્વાસ લે એ પહેલા તો પાછળથી એક ગોળી આવી. એ ગોળી નતાશાની વચ્ચેથી પસાર થઇને રિક્ષાચાલકના કાનને ઘસરકો કરીને રિક્ષાના આગળના કાચને તોડીને બહાર નીકળી ગઇ. ડઘાઇ ગયેલા રિક્ષાવાળાએ રિક્ષા વધુ ઝડપથી ભગાવી મૂકી.
‘વર્સોવા પોલીસ સ્ટેશન લે લે.’ સાહિલે બરાડો પાડ્યો.
સાહિલનું હૃદય જોર જોરથી ધડકી રહ્યું હતું. અચાનક નતાશાનું માથું સાહિલના ખભા પર ઢળી પડ્યું. તનાવ, દર્દ અને ડરને કારણે તેના મન શરીરે જવાબ દઈ દીધો હતો અને તે બેહોશ થઈ ગઈ હતી.
સાહિલના મનમાં તેના માટે અપાર ચાહનાની સાથે અનુકંપાની લાગણી ઊભરી આવી.

(ક્રમશ:)