Prasang ek pravah be 1.2 in Gujarati Fiction Stories by Pramod K Pandey books and stories PDF | પ્રસંગ એક પ્રવાહ બે - 1.2

Featured Books
Categories
Share

પ્રસંગ એક પ્રવાહ બે - 1.2

પ્રવાહ પહેલો - 2

પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

સુચના : આ વાર્તાના પાત્રો લેખકની કલ્પના છે. એનુ જીવિત કે મૃત કોઈ વ્યકિત સાથે સબંધ નથી અને જો આમ થાય તો એ માત્ર એક સંજોગ સમજવો

પ્રવાહ પહેલો - 2

સપના અને ઉર્વશીના પગમાં જાણે જીવ આવ્યો તુરંત એમણે ગાયત્રીબેનને પકડી. સપનાએ એક લાફો ગાયત્રીબેનને માર્યો. અબ્બાસે કચકચાવીને અવિનાશના પેટમાં મુક્કા મારવા લાગ્યો. ત્યાંજ ઝુપડાનો દરવાજો કોઈકે ખટખટાવ્યો. અચાનક બધા જાણે સાપ સુંઘી લીધો હોય તેમ ચૂપ થઈ ગયાં. વિક્રમરાયે પ્રશ્નાર્થ નજરે અબ્બાસ તરફ જોયું. અબ્બાસે હિંમત કરી પૂછ્યું “કોણ છે?” બાહરથી કોઈકનો અવાજ આવ્યો “અવિનાશભાઈ પેલા છોકરાનું શું કરવું છે?”

કરંટ લાગ્યો હોય તેમ વિક્રમરાયે અવિનાશને તથા સપના અને ઉર્વશીબેને ગાયત્રીબેનને છોડી દીધા...

અવિનાશ શું કહે છે તે સાંભળવા હવે ચારે આતુર થઇ ગયાં. શર્ટ ઠીક કરતાં અવિનાશ બોલ્યો “એક મીનીટ.. મુન્ના કહું તને”

ગુસ્સાથી વિક્રમરાય તરફ જોતાં અવિનાશ બોલ્યો “બેવકૂફ સમજ્યો છે મને? ગાંડો છું હું? છ છ મહિનાથી આ ઝુંપડામાં આવી યોજના બનાવું છું ત્યારે મામુલી કેમેરો લગાવવાનું પણ નહી સુઝ્યું હોય એવો મૂર્ખ લાગુ છું હું?” વિક્રમરાય અને તેના પરિવારવાળા કાપો તો લોહી ન નીકળે એવા સડક ઊભા રહ્યા.

અવિનાશ બોલ્યો “શું કહું હવે મુન્નાને? બોલો? શું કહું? મારી નાખ પેલા નાના અબોધ બાળકને આવી સુચના આપું?”

વિક્રમરાય અવિનાશના પગે પડતા બોલ્યા “માફ કરી દે અવિનાશ આવો જુલ્મ ન કરીશ એ નાનું બાળક છે.”

અવિનાશ બોલ્યો “નાના મોટાનો ભેદ મને સમજાય છે વિક્રમ પણ આ તારી બહેન સપનાએ મારી વૃદ્ધ માતાને લાફો માર્યો એનું શું?” વિક્રમરાય બોલ્યા “તારી માતાને કહે બે લાફા એ પણ સપનાને ચોપડી દે, પણ કૃપા કરી મારા બાળકને કંઈ ન કરીશ”

સપના ગુસ્સાથી બોલી “ભાઈ....”

વિક્રમરાય બોલ્યો “ચુપ... બિલકુલ ચુપ”

અવિનાશ બોલ્યો “વિક્રમ તું ચુપ... અરે બેવકૂફ આ છોકરી એ મારી માતા પર હાથ ઉઠાવ્યો પોતાનાથી ત્રણગણી ઉમરની સ્ત્રી પર હાથ ઉઠાવ્યો એ અપમાનનું શું? મારી માતા તારી બહેનને મારે તો શું નવાઈ મોટેરાઓ તો નાના ને મારતાં જ હોય છે એમાં શું નવાઈ? નવાઈ તો ત્યારે થાય જયારે નાના મોટાને મારે, મજા ત્યારે આવે, જેમકે આ અબ્બાસ તને લાફો મારે ત્યારે ખરી મજા આવે. સમજ્યો?”

વિક્રમરાય બોલ્યા “અબ્બાસ...ચલ...મને લાફો માર...”

અબ્બાસ બોલ્યો “નહિ શેઠ .....”

વિક્રમરાય બોલ્યા “અબ્બાસ આ નાટક કરવાનો સમય નથી...”

અવિનાશ શાંતપણે બોલ્યો “મુન્ના........”

“સટાક...” જોરદાર તમાચો વિક્રમરાયના ગાલ પર પડ્યો. વિક્રમરાયની આંખો સામે થોડીવાર માટે અંધારૂ છવાઈ ગયું. અવિનાશ બોલ્યો “અરે બેવકૂફ અબ્બાસ.. મેં ફક્ત વિક્રમરાયને મારવાનું ઉદાહરણ આપ્યું તે તો સાચે જ ચોપડી આપી, અરે ભાઈ ગુનો કર્યો કોણે અને તે સજા આપી કોણે? તારે લાફો તો આ નકચઢી સપનાને મારવાનો હતો.”

વિક્રમરાયને કાપો તો લોહી ન નીકળે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અવિનાશ બોલ્યો “ખેર વાંધો નહિ જે થઈ ગયું તે થઇ ગયું” સપનાએ પળવાર માટે હાશકારો અનુભવ્યો. ત્યાંજ આગળ અવિનાશ બોલ્યો “હવે ભૂલ સુધાર ચાલ, જલ્દી કર એક લાફો સપનાને માર.” ધ્રુજતે પગે અબ્બાસ સપનાની નજીક ગયો. સપના ક્રોધ અને અપમાનથી થરથર કંપવા લાગી. અબ્બાસ નીચું જોઈ ગયો.

ત્યાંજ અવિનાશ બોલ્યો “મુન્ના........”

“સટાક...”

“બાળકને કંઈ ન કરતો” અવિનાશે આગળનું વાક્ય પૂર્ણ કર્યું.

સપનાનો ગુલાબી ગાલ લાલ-લાલ થઈ ગયો. એ કમરામાં કોઈ જ્યોતિષ હોત તો નક્કી સપનાનો ગાલ જોઈ અબ્બાસનું ભવિષ્ય કહી દેત! ગાયત્રીબેન બોલ્યા “બેટા તારી ચરબી અમને બીજી ઘણી રીતે ઉતારતા આવડે છે.. સમજી...”

અવિનાશ બોલ્યો “એકવાત બરાબર સમજી લો તમે અહીંયા કૈદ છો બરાબર ત્રણ દિવસ માટે... સમજ્યા? થોડીપણ ચાલાકી કરી છે તો એનું પરિણામ તમારે જ ભોગવવું પડશે.... અબ્બાસ અહીં મારી પાસે બેસી તારા માલિકની બધી મુખ્ય ઓફિસોમાં અને ખાસ માણસોને ફોન કરીને કહી દે કે વિક્રમસાહેબ ત્રણ દિવસ માટે પરિવાર સાથે બાહર ફરવા ગયાં છે. એમણે કોઈ ખલેલ ન પોહોચાડે. બધા ફોન થઈ જાય એ પછી વિક્રમનો ફોન એમની પેલી સેક્રટરીના મોબાઈલ પર ડાઈવર્ટ કરી એણે ફોન કરી સમજાવી દે કે વિક્રમરાયના મોબાઈલ નંબર પરથી કોઇનો પણ ફોન આવે તો તેઓ બાહારગામ ગયાં છે એમ કહી દેવું. એ પછી તમારે બધાએ તમારા ફોન સ્વીચઓફ કરી મને સોંપી દેવાના...સમજ્યા?”

***

બધાના ફોન કબજે કરી અવિનાશ અને ગાયત્રીબેન બાજુના ઓરડામાં જતાં રહ્યા. ઉર્વશી એ ધીમેથી વિક્રમરાયને પૂછ્યું “વિક્રમ આ લોકો જોડે તે આવું તો શું કર્યુ કે તેઓ આટલી હદે વિફર્યા છે. નથી એમણે મૃત્યુનો ડર કે નથી એમણે પોલીસનો ડર! બસ મનમાં બદલાનો જ ફિતૂર સવાર છે?”

વિક્રમરાયે કંઈપણ બોલ્યા વગર મોઢું ફેરવી દીધું. ત્યાંજ કમરામાં ગાયત્રીબેને પ્રવેશ કર્યો અને ઉર્વશી તથા સપના તરફ જોતા બોલ્યા “અમારે તમારી સાથે કોઈ લેવાદેવા નથી. અમને સપને પણ ખ્યાલ નહોતો કે તમે બંને પણ આ લોકો જોડે આવશો? અમારે તો બસ આ બન્નેને સબક શીખવાડવાનો છે”

ઉર્વશીએ પૂછ્યું “તમે કેમ આમની સાથે બદલો લેવા માંગો છો?” ગાયત્રીબેન બોલ્યા “એ તમને વિક્રમે નહિ કહ્યું? કેમ વિક્રમ કહે ને અમે કેમ આવું કરી રહ્યા છીએ તે? તારા કુકર્મો કહેવામાં તને પોતાને જ શરમ આવી રહી છે? ખેર, આ તો કંઈ નહી બોલે પણ તમે બન્ને કોઇપણ ચાલાકી વગર બાજુના કમરામાં આરામથી રહી શકો છો. તમને ખાવાપીવાની કે બીજી કોઈ તકલીફ અહીં નહી થાય. અમે કોઈ તકલીફ પડવા નહિ દઈએ. ચાલાકી નહી કરો ત્યાં સુધી તમને અહીંયા કોઈપણ પ્રકારનું જોખમ નથી” આખરી વાક્ય ગાયત્રીબેન ભારપુર્વક બોલ્યા હતાં. ત્યાંજ કમરામાં અવિનાશ આવ્યો એના એક હાથમાં દોરી અને બીજા હાથમાં ટાયર હતું. દોરીને એણે કમરાની છત સાથે બાંધી એના બીજા છેડે ટાયર લટકાવ્યું. વિક્રમરાયને એણે ટાયરમાં પ્રવેશવાનું કહ્યું, લટકતા ટાયરમાં વિક્રમરાય પ્રવેશ્યા એમનું અરધું શરીર ટાયરમાં પ્રવેશતાં જ એ અદ્ધર લટકવા લાગ્યાં. એક મોટો જાડો ચામડાનો પટ્ટો એણે અબ્બાસના હાથમાં આપતા ગાયત્રીબેનને પૂછ્યું “મા આ બન્ને તારી સાથે આવે છે કે બીજા ટાયરોની વ્યવસ્થા કરું?” ઉર્વશી અને સપના ફટાફટ કમરાની બાહર નીકળી ગયાં. ગાયત્રીબેન બાહર જતી વખતે ઓરડાનો દરવાજો બંધ કરી દીધો. અવિનાશે અબ્બાસને કહ્યું “અબ્બાસ જ્યાંરે હું ઈશારો કરું ત્યારે તને તારા સાહેબને આ જાડા પટ્ટા વડે ફટકા મારવાના આજે સવાર સુધીમાં આ લોહીલુહાણ થઇ જવો જોઇએ. અવિનાશ લટકતા વિક્રમરાયની સામે બેસી ગયો. અબ્બાસ વિક્રમરાયની પાછળ ઊભા રહી અવિનાશના આદેશનો ઇન્તેજાર કરવા લાગ્યો. પોતાને પટ્ટાના ચાબખા પડવાના છે એ વિચાર માત્રથી વિક્રમરાયનું સમગ્ર દેહ ધ્રુજી ઉઠ્યું. એ મનોમન ભગવાનને પ્રાર્થનાઓ કરવા લાગ્યો. વિક્રમરાય આમ જ લટકતી હાલતે પડી રહ્યો હતો. ઊંઘ એની આંખોમાંથી ભયને લીધી ક્યારની ઉડી ગઈ હતી. આમ જ કેટલાક કલાક થઇ ગયાં બાદ વિક્રમરાયની ધીરજ ખૂટી તે અવિનાશને બોલ્યો “અવિનાશ તારે જે કંઈ કરવું હોય તે જલ્દી કર, થનાર પીડાની કલ્પના વધારે નથી સહેવાતી.”

અવિનાશે હસતાં હસતા કહ્યું “ધીરજ, શ્રધા, સબુરી વિક્રમ આપણી પાસે પુરી રાત પડી છે ધીરે ધીરે ખેલનો મજા લઈએ.”

થોડા સમય પછી અવિનાશે કહ્યું “અબ્બાસ......” અબ્બાસે હાથમાંનો પટ્ટો ઘટ્ટ કર્યો. વિક્રમરાયે પટ્ટાનો ઘા સહેવા સમગ્ર શરીર કસી લીધું. આંખો મીંચી લીચી. મુઠીઓ વાળી દીધી. ત્યાંજ અવિનાશે વાક્ય પૂર્ણ કર્યું “હું માર કહું ત્યારે જ મારજે.. હમણાં રહેવા દે...” આમ ને આમ સવાર થઇ ગઈ. અવિનાશે કહ્યું “હત્ તેરી સવાર પડી ગઈ. વચન પ્રમાણે ચાબખા ટાઈમ પુરો! વિક્રમરાય તું તો બચી ગયો બકા. ખેર હું આરામ કરવા જાઉં છું. પણ યાદ રાખો અબ્બાસ અને વિક્રમરાય તમારા બેઉમાંથી કોઈએ સુવાનું નથી. મુન્ના, મહેમાનોનો ફુલટાઈમ કર એમની જરીક પણ આંખ લાગવા દેતો નહી!”

***

આમને આમ ત્રણ દિવસ પસાર થઇ ગયાં આ ત્રણ દિવસમાં વિક્રમરાય કે અબ્બાસ બન્નેને અવિનાશે કંઈ આપ્યું નહોતું. ન અન્ન, ન પાણી અને ન કોઈ શારરિક ત્રાસ! આપ્યો હતો તો માત્ર અને માત્ર માનસિક ત્રાસ, જુલ્મ પોતાના પર થશે એ સતત કલ્પનાના ભયથી. વિક્રમરાય પીડાતો હતો. ત્રીજે દિવસે સવારે ગાયત્રીબેન અને અવિનાશ બન્ને કમરામાં આવ્યા. એમની સાથે સપના અને ઉર્વશી પણ હતી. ગાયત્રીબેને કુટિલ હાસ્ય સાથે કહ્યું “વિક્રમ આજ સુધી તું જે બીજી છોકરીઓ સાથે કરતો હતો તે જ હવે આજે તારા ઘરની ઓરતો સાથે થવાનું છે. અવિનાશ જા મુન્નાને પણ બોલાવી લાવ” વિક્રમરાયે ચીખતા કહ્યું “મને માફ કરી દો પણ કૃપા કરી મારી ઉર્વશી અને સપનાને કંઈ ન કરો. હું તમારા પગે પડું છું” અવિનાશે કહ્યું “ફક્ત બોલીશ નહી મારી માતાના પગે પડ” લથડાતા પગલે વિક્રમરાય ગાયત્રીબેનના પગે પડ્યો. અવિનાશે કહ્યું “એમના ચરણોમાં તારું નાક પણ રગડ...અને નાક રગડતા રગડતા બોલ મને માફ કરો... મારા દીકરાને છોડી દો... છોડી દો...” વિક્રમરાયે ગાયત્રીબેનના પગે નાક રગડતા રગડતા કહ્યું “મને માફ કરો મારા દીકરાને છોડી દો .. છોડી દો....”

ગાયત્રીબેન એણે એક લાત મારતા કહ્યું “બિલકુલ નહિ છોડું.. તે જે મારા દીકરા સાથે કર્યું છે તે જ હું તારા દીકરા સાથે કરીશ, એમાં કોઈ ભૂલચૂક માફ નહિ થાય.” આમ બોલી ગાયત્રીબેન અને અવિનાશ કમરમાંથી નીકળી ગયાં. વિક્રમરાય પોતાની પત્ની ઉર્વશી અને બહેન સપના તરફ જોતા કહ્યું “હું તમને બન્નેને કઈ નહિ થવા દઉં. મારો જીવ આપીને પણ તમારો જીવ બચાવીશ.”

ઉર્વશી ગુસ્સામાં બોલી “બસ..બસ.. વિક્રમ આટલી મોટી મોટી વાતો કરવાની જરૂર નથી. એમપણ ગાયત્રીબેને અમને કમરામાં આવતા પહેલા જ કહેલું કે તમારા સાથે કોઈ બુરો વ્યવહાર નહિ થાય પણ વિક્રમ હવે તું એ કહે કે ગાયત્રીબેન તો માત્ર એટલું જ બોલ્યા કે તું આજ સુધી જે બીજી છોકરીઓ સાથે કરતો હતો તે જ હવે આજે તારા ઘરની ઓરતો સાથે થવાનું છે. તેમાં તું કેમ આટલો ગભરાઈ ગયો? એટલો ડરી ગયો કે એ ગાયત્રીબેનના પગે નાક રગડવા લાગ્યો? એવું તો તું શું કરે છે તે બીજી છોકરીઓ સાથે? બોલ વિક્રમ બોલ?” વિક્રમરાય નીચું જોઈ ગયો. સપના ક્રોધથી બોલી “આઈ હેટ યું બ્રધર, તમને ભાઈ કહેતા પણ મને શરમ આવે છે, તમારા કરતાં તો પેલો ગુંડો અવિનાશ કેટલાય ગણો સારો છે. કે જેણે કેટલીયવાર તક મળી હોવા છતાં મને સ્પર્શ સુદ્ધા કર્યો નહિ. અને તમે..છી....” બંને સ્ત્રીઓ ગુસ્સાથી ઓરડામાંથી બાહર જતી રહી. એમણે આમ જતાં જોઈ વિક્રમરાય અબ્બાસને બોલ્યો “અબ્બાસ આ છોકરાએ તો મને ક્યાંયનો નથી રાખ્યો, નથી એણે હાથ ઉપાડ્યો, નથી એણે ઈજા પહોચાડી, તે છતાં એણે આપેલ પીડા હવે મને જીંદગીભર ભોગવવાની છે. હું આણે નહી છોડું.” અબ્બાસે આંખોના ઈશારા વડે કેમેરાની હયાતીની જાણ વિક્રમરાયને કરી આપી. વિક્રમરાય પાછા ડાહ્યાડમરાં બની ઓરડાના એક ખૂણે ચુપચાપ જઈ બેસી ગયાં.

***

કમરામાંથી બાહર નીકળીને સપના સીધી ગાયત્રીબેન પાસે આવી બોલી “અવિનાશ કયા છે?” ગાયત્રીબેને કહ્યું “એ બાહર સમુંદર કિનારે બેઠો હશે કેમ શું થયું?” સપના બોલી “માતાજી મારા ભાઈએ તમારી સાથે જે કંઈ કર્યું હશે તે બદલ હું તમારી માફી માગું છું.” આમ બોલી સપના ઝુંપડાની બાહર નીકળી ગઈ. ગાયત્રીબેને એણે બિલકુલ રોકવાની કોશિશ કરી નહી કારણ તેઓ જાણતા હતાં કે સપના હવે ભાગવાની બિલકુલ કોશિશ કરે નહિ! સપનાએ બાહર આવી જોયું બાહર સમુંદર કિનારે અવિનાશ બેઠો હતો. સમુંદરની લહેરો ઉડતી હતી. સમુંદરના પથ્થરો પાસે જેકેટ અને ગાળામાં મફલર પહેરી બેસેલો અવિનાશ એકદમ સોહામણો લાગતો હતો. સપના એની પાસે જતા બોલી “અવિનાશ હું જાણવા માંગું છું કે વિક્રમે તારા ભાઈ સાથે શું કર્યું છે તે?” સમુદ્રની એક લહેર જોરથી ઉછળી શાંત થઈ. અવિનાશે સપના તરફ જોતા કહ્યું “સપના મારો ભાઈ એકદમ સીધો-સાદો હતો. હું આખા ગામમાં મારી આવારા પ્રવૃત્તિથી પંકાયેલો હતો. એજ કારણે મારા માતાજી એ મને ઘરની બાહર પણ કાઢી મુક્યો હતો. મારો ભાઈ એક સીધો સાદો પત્રકાર હતો. એકવાર સામચાર મળ્યા કે મારા ભાઈને પોલીસ પકડી લઈ ગઈ છે. આ સમાચાર મારા માટે આઘાતજનક હતાં. તેથી હું તાત્કાલિક ટ્રેન પકડી મારા ગામમાં આવ્યો. ગામમાં આવી જોયું તો મારી માતાની આંખોમાં સમસ્ત સંસાર અંધકારમય થઇ ગયો હતો. એણે કોઈ એનું મદદગાર જણાતું નહોતું. ક્યાંય આશાની ઝલક ન હતી. એ નિર્ધન ઘરમાં એકલી એકલી રડતી હતી. એના આંસુ લુંછનાર ત્યાં કોઈ હતું નહિ. એના પતિને મરણ પામ્યે ૧૦ વર્ષ થઇ ગયાં હતાં. ઘરમાં કોઈ ધન-સંપતિ ન હતી. એણે કોણ જાણે કેવી કેવી તકલીફો વેઠીને અમને મોટા કર્યા હતાં! એ મારી માનો વહાલસોયો દીકરો આજે છીનવી લેવામાં આવ્યો હતો અને એણે છીનવી લેનારા પણ કોણ હતાં? જો મૃત્યુ એ છીનવી લીધો હોત તો એ આશ્વાસન મેળવી લેત! મૃત્યુ માટે એણે કોઈ દ્વેષ ન હોત. પરંતુ સ્વાર્થીઓનાં હાથે જે અત્યાચાર થાય છે તે અસહનીય હોય છે. આ ઘોર સંકટમાં એ રહી રહીને આકુળવ્યાકુળ થઇ જતી. મારી માતા વેદનાથી ચીખી ચીખી બોલી ઉઠતી કે “હું અત્યારે જ ઘરમાંથી બાહર નીકળું અને એ અત્યાચારીઓનો બદલો લઉં. જેણે આ નિષ્ઠુર આઘાત કર્યો છે એમણે મારૂ અથવા મરી જાઉં. બનેમાં મને સંતોષ થશે.” સપના મારો ભાઈ અનુરાગ કેટલો સુંદર, કેટલો આશાસ્પદ યુવાન હતો. એ જ માનો વહાલો હતો, એના જીવનનો આધાર હતો. એની જિંદગીની કમાણી રૂપે હતો. એ પુત્ર અત્યારે કારાવાસમાં રહીને કેવી કેવી તકલીફો સહન કરતો હશે? એની કલ્પનાથી જ માનું હ્રદય દ્રવી ઊઠતું હતું. અને મારા ભાઈનો અપરાધ પણ શું હતો? કંઈ નહી! આખા મોહ્લ્લાનો એ લાડલો હતો. વિધાલયના અધાપક પણ એણે માન આપતા હતાં. પોતાના અને પારકાને દરેકને એ પ્યાર કરતો ક્યાંય એની કોઈ ફરિયાદ સંભળાતી નહોતી. આવા બાળકની માતા થવા બદલ બીજી માતાઓ મારી માને વધાઈ આપતી. કેવો સજ્જન, કેવો ઉદાર, કેવો પરમાર્થી! પોતે ભૂખે મરે પણ આંગણામાં આવેલ અતિથી ભૂખ્યો ન જાય. સપના ખબર છે મારા ભાઈએ શું અપરાધ કર્યો તે? એનો અપરાધ એટલો જ હતો કે અત્યાચારથી પીડિત લોકોની મદદ માટે તે હમેશાં તત્પર રહેતો, શું આ તેનો અપરાધ હતો? બીજાની સેવા કરવી એ અપરાધ છે? શું કોઈને ભૂખે ન રાખવું એ પાપ છે?

સપના મારા ભાઈ અનુરાગમાં દુર્ભાગ્યપૂર્ણ એ બધા ગુણ હતાં જે જેલના દ્વાર ખોલી નાખતા હતાં! એ નિર્ભીક હતો, સ્પષ્ટવાદી હતો, સાહસિક હતો, સ્વદેશપ્રેમી હતો, નિસ્વાર્થ અને કર્તવ્યપરાયણ હતો. આજના જમાનામાં જેલ જવા આવા ગુણોની આવશ્યકતા છે. મારા ભાઈ અનુરાગે રાજકીય લોકો સામે બળવો પોકાર્યો હતો. સેવાકાર્ય અને એના લોક જાગૃતિ લાવતા એના વ્યાખ્યાનો તથા એના રાજનીતિક લેખોએ એને સરકારી અધિકારીઓની નજરે ચઢાવી દીધો હતો. સમગ્ર પોલીસ વિભાગ ઉપરી અધિકારીથી નીચેના સામાન્ય પોલીસ સુધી એનાથી સતર્ક અને સાવધાન રહેતા હતાં. સૌની નજર એના પર રહેતી હતી. તારો ભાઈ વિક્રમ ત્યારે રાજકારણમાં સક્રિય થયો હતો. અનુરાગની વધતી લોકપ્રિયતા એના આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આખરે યોજના ઘડાઈ. એક યુવતીની થયેલી ગંભીર છેડતી એ એમણે અપેક્ષિત્ તક આપી સપના જાણે છે એ યુવતીને બેહોશ કરી એના પર કુકર્મો કરનાર તારો ભાઈ વિક્રમરાય તથા અબ્બાસ અને તેના સાથીઓ હતાં. આખરે વિક્રમે પોલીસને યોગ્ય લાભ આપી અને એનો ગેરલાભ લઈ મારા ભાઈને તથા એના બીજા સાથીઓને આ જુઠા કેસમાં ફસાવ્યાં. અનુરાગને મુખ્ય આરોપી ઠેરવવામાં આવ્યો. ખોટી સાક્ષીઓ ઉભી કરવામાં આવી. આજના બેકારી અને મોંઘવારીના જમાનામાં આત્માના વિક્ર્યથી સરળ બીજો કયો વ્યવસાય હોઈ શકે છે? નામમાત્રનું પ્રલોભન આપવાથી સારામાં સારી સવલતો મળે છે. કેટલાક પૈસાથી વેચાયા તો કેટલાક પોલીસના દમનથી! મારા ભાઈના સાથીઓને પ્રલોભન આપવામાં આવ્યું કે તેઓ અનુરાગ વિરુદ્ધ જો ખોટી સાક્ષી આપશે તો એમણે છોડી મુકવામાં આવશે નહિતર એ યુવતી સાથે ગેર વર્તણુંક અને તેના કતલના આરોપમાં જિંદગીભર જેલમાં સડાવવામાં આવશે. બિચારા! ગરીબ યુવાનો શું કરતાં? ખોટી સાક્ષી આપવા માટે માની ગયાં. તારા ભાઈની યોજના તો ફક્ત અને ફક્ત મારા ભાઈને ફસાવવાની જ હતી. અને આખરે એ એમાં સફળ થયો. મારા ભાઈ અનુરાગ પર ખોટા કેસ મુકવામાં આવ્યા. એ બહું પરેશાન હતો. તે દિવસે મારી મા તારા ભાઈના ઘરે ગઈ એને હાથ જોડીને વિનંતીઓ કરી પણ તારા ભાઈનું હૃદય ન પીગળ્યું આખરે તે નીચે મારી માને કહ્યું કે એના જુતા સાફ કરી આપ, બિચારી મારી માતા પુત્ર છૂટશે એ આશાએ પોતાના પાલવથી એના જુતા સાફ કર્યા. તારા ભાઈએ પગ આગળ કરતાં એના પગમાં મારી માતાએ જુતા પહેરાવ્યા. ત્યારે તારા નીચ ભાઈએ એણે એક લાત મારતા કહ્યું “જા નહિ છોડું તારા છોકરાને એ હવે જેલમાં જ સડશે” મારી મા રોતી કકળતી ત્યાંથી બાહર નીકળી. અમે પણ શું કરી શકવાના હતાં? અમે ગરીબ હતાં લાચાર હતાં. હું મારી માતા સાથે પોલીસ અને કોર્ટના શક્ય તેટલા તમામ દરવાજા ખખડાવ્યા પણ બધું વ્યર્થ. અમારો અવાજ એ લોકો સુધી પહોચ્યો જ નહી! કારણ તારા ભાઈએ પૈસાથી એ તમામના મોઢા અને કાન બંધ કરી દીધા હતાં. સપના સ્વમાની માણસ બધું સહન કરી શકે પણ જિલ્લત અને નાલેશી એની માટે આકરી હોય છે. મારો ભાઈ પણ આ જિલ્લત જીરવી ન શક્યો અને આ બધું થયાને ત્રીજે દહાડે જ જેલના પંખા સાથે ગળે ફાંસો લઈ....” આગળનું વાક્ય અવિનાશ પૂર્ણ ન કરી શક્યો નાના બાળકની જેમ એ રડવા લાગ્યો. સપનાએ એના પીઠ પર હાથ મૂકી એણે સાંત્વના આપી. અવિનાશ આગળ બોલ્યો “સપના હું કે મારા માતા ગાયત્રીબેન ક્રૂર નથી. તારો ભાઈ બાજુના ઓરડામાં જ સહીસલામત છે. એણે કોઈ વાતની અમે તકલીફ થવા ન દીધી. સપના મનમાં હતું કે તારા ભાઈની બરાબર ધોલાઈ કરું એણે ફાંસીના માંચડે લટકાવું પણ એમ કરવાનો અમારો જીવ ના ચાલ્યો. અન્યાયનો બદલો લેવા પણ અન્યાયી થવું પડે પણ તે અમે ન થઈ શક્યા. જે વિક્રમરાય બીજી છોકરીઓ સાથે કરે છે તે હું તારી સાથે કરી શક્યો હોત, જીવતેજીવ તારી જિંદગી હું નર્ક બનાવી શક્યો હોત પણ સપના મારા સંસ્કાર મારા આડે આવી ગયાં. સપના ભાઈનો જ બદલો લેવાનું મારે માથે ફિતૂર હોત તો એ ક્યારનો લીધો હોત. પણ અમે લાચાર શું કરી શકવાના હતાં? પણ સપના જયારે અમને ખબર પડી કે વિક્રમે જે મારા ભાઈ સાથે કર્યું તે અહીં આ શહેરમાં આવી એના ગુન્હા સામે માથું ઉચકતા દરેક ભોળા વ્યકિતઓ સાથે કરી રહ્યો છે ત્યારે એણે સબક શીખવાડવા અમે અમારી તમામ સંપતિ વેંચી અહીંયા આ ઝુંપડામાં આવી રહ્યા. હેતુ બસ એક જ હતો તારા ભાઈને તમારી સામે ઉઘાડો પાડવાનો તેથી અમે એક યોજના બનાવી. સપના, મારી માતાએ વિક્રમને ફસાવવા તમારી સામે ખોટું બોલી હતી કે વિક્રમરાયની સાથે તમે પણ આવશો એ અમને ખબર નહોતી! ખરેખર તો અમે એ જ ઇચ્છતા હતાં કે વિક્રમ સાથે ઉર્વશી અહીંયા આવે અને પતિનો વાસ્તવિક ચહેરો જુવે! અમને ૧૦૦% ખાતરી હતી કે એક મા પોતાના દીકરાને શોધવા આ ઝુંપડામાં જરૂર આવશે. સપના તું જાણે છે? શહરમાં જેટલા પણ છોકરીઓ પર કુકર્મો થયા છે તે ફક્ત અને ફક્ત વિક્રમરાયે પોતાની હવસ અને જીવનભાઈ જેવા સીધા લોકોના કાંટા કાઢવા માટે કર્યા છે. સપના પોલીસ જેમણે પણ પકડે છે તે નિર્દોષ છે તેઓ એવા લોકો છે જે કોઈકને કોઈક કારણસર તારા ભાઈને એની ગુનાહિત પ્રવૃતિઓ ચલાવવામાં નડતરરૂપ છે! સપના આ બધાનો અંત પોલીસ કે ન્યાયતંત્ર નહી લાવી શકે! કારણ પૈસા આપી પોલીસનું મોઢું બંધ અને પત્રકારનું ખોલવામાં આવે છે. એમાં એમનો બિચારાઓનો પણ કોઈ વાંક નથી. તેઓ પણ પરિવાર લઈને બેઠા છે જો તેઓ વિક્રમરાયના કહેવા પ્રમાણે ન કરે તો કાંતો એમની બદલી થાય અથવા અકસ્માતમાં જાન જાય! આ પાપલીલાઓનો કોઈ અંત લાવી શકે છે તો તે માત્ર અને માત્ર તમે લોકો છો!

સપના એ આશ્ચર્યથી કહ્યું “અમે?”

અવિનાશે કહ્યું, “હા સપના, જો પાપી વ્યક્તિના પાપની કમાઈને ઘરના લોકો જ હાથ લગાવવાનું છોડી દે તો એ દિવસે નક્કી આ દેશમાં રામરાજ્ય આવશે. વિક્રમરાયને કોઈ સજા આપી શકે છે તો તે ફક્ત તમે છો. તું અને ઉર્વશીભાભી! અને જો તમે આ કઠોર નિર્ણય નહિ લો તો આવનાર દિવસોમાં કઈ કેટલી છોકરીઓ ભોગ બનશે અને કઈ કેટલાય નિર્દોષોને જેલ ભોગવવી પડશે, અને યાદ રાખજે સપના આ બધા પાપના ભાગીદાર સૌથી વધારે તમે હશો.” સપનાએ અવિનાશનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું “અવિનાશ તું ચિંતા કરતો નહી હું અને ભાભી અમે બન્ને મળીને મારા રાવણ જેવા ભાઈને સજા કરાવીશું. ખરેખર જો દેશને પાપમુક્ત કરવું હોય તો પહેલા ઘર પાપ સાફ હોવું જોઇએ. અવિનાશ શું તું મારી સાથે લગ્ન કરીશ? મારા ભાઈએ જે તારા જીવનને અંધકારમય બનાવ્યું છે તેણે હું મારા પ્રેમથી ફરીથી રોશન કરવા માંગું છું. અને આજ હશે મારો પશ્ચ્યાતાપ. અવિનાશ મને પ્રાયશ્ચિત કરવાની તક આપીશ?” અવિનાશે મુસ્કુરાતા કહ્યું “આટલી સુંદર તક કોઈ જવા દે?” સપના અવિનાશને ભેંટી પડી.

***

બીજા દિવસના અખબારમાં વિક્રમરાયની ધરપકડના સામચાર હતાં. વિક્રમરાયે પોતાના તમામ ગુન્હા કબુલી લીધા હતાં. જેથી જીવનભાઈ સાથે અત્યાર સુધી જેટલા નિર્દોષો પકડાયા હતાં તે બધા છોડી દેવામાં આવ્યા હતાં. અવિનાશ અને તેની માતા જે ફિતૂર લઈને નીકળેલા તે આજે સફળ થયું હતું. અવિનાશ ભાઈને તો બચાવી ન શક્યો પણ તેણે કંઈ કેટલાય નિર્દોષોનો જીવ બચાવ્યો હતો. આ બધું સારાવાના થવા પાછળનું મુખ્ય કારણ ઉર્વશી હતી. સપના પાસેથી સઘળો વૃતાંત જાણી લીધા પછી ઉર્વશી એ પોતાના કાળજા પર પથ્થર મૂકી જે છોકરીઓને કુકર્મ કરી મારી નાખવામાં આવેલી એમના કેસમાં અંગત રસ લીધો. સાચી માહિતીઓ કઢાવવા એણે ધૂમ પૈસા અને પોતાના પિતાની રાજકીય વગ વાપરી. પોલીસને પણ છૂટ મળતાં તે પોતાના અસલ મિજાજમાં આવી ગઈ. અને ટૂંક જ સમયમાં અપરાધી વિક્રમરાય સામે સબુતોનો ઢગલો ખડો કરી દીધો. જેની સામે વિક્રમરાયને હથિયાર હેઠા મુકવા જ પડ્યા. બાજુના જ કમરામાંથી મોહિત પણ ઉર્વશીને સહીસલામત મળી ગયો હતો. સપના અને અવિનાશના લગ્ન પણ સારા ચોઘડીયામાં લેવાયા. જીવનભાઈએ પોતે સપનાનું કન્યાદાન કર્યું.

(સમાપ્ત)