Aarti books and stories free download online pdf in Gujarati

આરતી

આરતી

વિશ્વાસના ચહેરાના ભાવ પત્ર વાંચતા વાંચતા એકદમ બદલાતા જતા હતા. વિશ્વાસને વિશ્વાસ નહતો આવતો કે આ પત્ર આરતીએ લખેલ હશે.

વિશ્વાસ.

તને આ પત્ર વાંચી ને વિશ્વાસ નહિ આવે, પરંતુ ખરેખર આ એક નક્કર સત્ય છે. હું એક મહેશ નામના યુવાનને પ્રેમ કરું છું. તારી સાથે પ્રેમનું ફક્ત નાટક જ કરેલું તેમ તું માની લે તો તે જરા પણ અતિશયોક્તિ ભરેલું નહિ કહેવાય. તારી સાથે કઈ બન્યું તેનું મને દુઃખ છે. પરંતુ હવે તારી લાગણીઓ સાથે વધારે નાટક કરી શકું તેમ નથી.

બસ, વધુ કશું લખતી નથી. એક બેવફા પ્રેમિકાને ભૂલવા આટલું ઘણું છે.

‘ બેવફા આરતી ‘

પત્ર વાંચી વિશ્વાસ પોતાના રૂમ માં આમથી તેમ આટાં મારતો હતો. ટેબલ પર પડેલ સોનેરી ફ્રેમવાળો આરતીનો ફોટો જાણે તેના તરફ હસી તેની મજાક ઉડાવતો હતો. અચાનક કંઇક યાદ આવતા તે ઉભો રહી ગયો અને કપડાં બદલી આરતીના ઘર તરફ ચાલ્યો. તેની કાર ફૂલસ્પીડમાં આરતી ના ઘરની નજીક ને નજીક જઈ રહી હતી. આરતી નું ઘર આવતા કાર ચિચિયારી કરતી ઉભી રહી ગઈ. વિશ્વાસ ઝડપથી કારમાંથી નીકળી આરતીના ઘરની કોલબેલ દબાવી થોડીવારે આન્ટી એટલેકે આરતીની મમ્મીએ દરવાજો ખોલ્યો. વિશ્વાસે આવકારની રાહ જોયા વગર જ પૂછ્યું ‘આન્ટી, આરતી નથી ?’ હા બેટા, આરતી તેના રૂમમાં છે. આન્ટી એ જવાબ આપ્યો. વિશ્વાસ તરત દાદરા તરફ વળ્યો અને ઝડપથી ઉપર પહોંચ્યો. તેને ઉપર જતો જોઈ આન્ટીની આંખમાંથી આંસુ સારી પડ્યા !

વિશ્વાસે આરતીના રૂમ પાસે પહોંચી અંદર નજર કરી તો આરતી તેના બેડ પર બેફિકરાઈથી સૂતા સૂતા કોઈ મેગઝીનના પેઈજ ઉથલાવી રહી હતી. વિશ્વાસ અંદર જવા દાખલ થયો પણ ફરી ઉભો રહી ગયો અને બોલ્યો. ’શું હું અંદર આવી શકું છું ?’ આરતીએ અચાનક જાણીતો આવાજ સાંભળી સહેજ ધ્ર્રુજારી અનુભવી, પર્રતું સ્વસ્થ થઈ બોલી ‘કેમ વિશ્વાસ, તું ભૂલી ગયો કે તારે અંદર આવવા માટે આ રીતે પૂછવાનું ન હોય. .

‘ના આરતી ના, હું કશું ભૂલ્યો નથી, પરંતુ તારા આ પત્રએ મને વિવશ કરી દીધો છે. શું આરતી આ વાત સાચી છે ? ના આરતી ના, કહી દે કે મેં તો તારી મજાક કરી છે. કહી દે આરતી, આ વાત તદ્દન ખોટી છે. ’

આવેશમાં વિશ્વાસ આબધુ એકીશ્વાસે બોલી ગયો. આરતી બોલી, ’હા વિશ્વાસ, તે ખરેખર સાચું છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ’વિશ્વાસ નો ચહેરો એકદમ સફેદ થઇ ગયો અને જાણે કોઈએ તેને સ્વર્ગમાંથી ગબડાવી પૃથ્વી પર ધકેલી દીધો. તેણે ગુસ્સાભર્યા આવજે કહ્યું ‘તો શું તે સાચે જ મારી સાથે પ્રેમનું નાટક કર્યું. . . શા માટે તે મને આટલો પ્રેમ આપ્યો ?’ શા માટે તે મારી જિંદગી સાથે નાટક ખેલ્યું ?શા માટે ? આટલું કહેતા તેના અવાજમાં દર્દ આવી ગયું અને બાજુમાં પડેલી ખુરશી પર ફસકાઈપડ્યો. આરતીએ સ્વર માં કઠોરતા સાથે કહ્યું ‘ હું તેનું કોઈ કારણ તને આપી શકું તેમ નથી. ’વિશ્વાસે ક્રોધમિશ્રિત આવજે કહ્યું, ’ શા માટે આરતી, તેનું કારણ આપી શકે તેમ નથી ? તારે તેનો જવાબ આપવો જ પડશે. ’ આરતીએ પણ ક્રોધ સાથે જવાબ આપ્યો, ’ હું તારા દરેક સવાલનો જવાબ આપવા બંધાયેલ નથી. . . અને તું કોઈ પણ જાતનું દબાણ મારા પર લાવી શકે તેમ નથી, તું જઈ શકે છે. ’

છતાં પણ વિશ્વાસને ત્યાં જ બેસેલો જોઇને મોટેથી બોલી, ‘ I say get out. ’

વિશ્વાસ તરત ઉભો થઇ પોતાના ઘર તરફ રવાના થઇ ગયો, અને આરતીએ પણ વિશ્વાસના ગયા બાદ ખુબ જ આંસુ સાર્યાં. . . .

વિશ્વાસ ઘરે જઈ પોતાના રૂમમાં ભરાઈ ગયો અને નોકર ને બોલાવી બે ત્રણ પાકીટ સિગરેટ લાવવાનું કહ્યું. નોકર ને પણ વિચાર આવ્યો કે અચાનક ભાઈને શું થઇ ગયું, ભાઈએ સિગરેટ તો છોડી દીધી હતી તેને ઘણો સમય થયો છે શું ભાઈ શું ફરી સારું કરશે ?પરંતુ તે કઈ બોલ્યો નહિ અને પહેલા જે બ્રાંડ પીતો હતો તે બ્રાંડની સિગરેટ લાવી વિશ્વાસને આપી ચાલ્યો ગયો. વિશ્વાસને પણ જાણે બધી સિગરેટ એક સાથે ખતમ કરવી હોય તેમ એક પછી એક ફુંકવા માંડ્યો, તેનો રૂમમાં સિગરેટના ધુમાડાનું એક પડળ રચાઈ ગયું હતું. અચાનક નોકરે આવી લાઈટ કરી, વિશ્વાસે તેના તરફ જોયું, એટલે નોકરે કહ્યું, ’ભાઈ, નીચે બધા જમવા માટે તમારી રાહ જુએ છે. ’વિશ્વાસ ની ભૂખ મારી ગઈ હતી પરંતુ ફરી મમ્મી ઉપર આવશે એમ વિચારી નીચે આવ્યો. ટેબલ પર મમ્મી પપ્પા તેણી રાહ જોઈ બેઠા હતા. વિશ્વાસે નીચી નજરે કહ્યું, ’મારી તબિયત બરોબર નથી મારે જમવું નથી. હું સૂઈ જાઉં છું. આમ કહી તે ફરી પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને દરવાજો બંધ કરી અર્ધનિંદ્રાવસ્થામાં પોતાના અતીતમાં ખોવાઈ ગયો. . .

તેને આરતીની પહેલી મુલાકાત યાદ આવી, જેને તે કદી ભૂલી શકે તેમ ન હતો. કોલેજ ની નવી ટર્મનો પહેલો જ દિવસ હતો. તે દિવસે વિશ્વાસ કોલેજે જવા માટે ઘરેથી વહેલો નીકળ્યો હતો. ખુશનુમા સવાર અને ઓછા ટ્રાફિકની મજા માણતો ફુલસ્પીડમાં કોલેજ તરફ આવી રહ્યો હતો. અચાનક તેની નજર થોડી દૂર રસ્તો ક્રોસ કરતી યુવતી પર પડી જેણે પીંક કલરનો પંજાબી ડ્રેસ પહેર્યોં હતો. ચાંદ ને પણ શરમાવે તેવી તેણીની રોનક હતી. તેના બોબ્ડ જાણે હવા સાથે વાતો કરતા હતા. તેણી પુસ્તક ઉપાડવાની પણ કોઈ આગવી સ્ટાઈલ હતી, તેને જોઈ જાણે વિશ્વાસનું મગજ બહેર મારી ગયું. તેના મોંમાંથી આહ નીકળી ગઈ અને તેને જોવામાં વિશ્વાસને એ પણ ખ્યાલ ન રહ્યો કે પોતાની કાર કેટલી ઝડપથી યુવતીની નજીક પહોંચી ગઈ.

તે કંઈ સમજે, તે પહેલા તો તેનો પગ બ્રેક પેડલ પર આવી ગયો, અને કારના પૈડા ચિચિયારી કરતા ઉભા રહી ગયા વાતાવરણમાં જાણે ગરમી આવી ગઈ તેમ માણસો એકઠા થઈ ગયા. જે યુવતીને જોઈ વિશ્વાસે સાનભાન ગુમાવ્યા હતા, તે યુવતી તેણી કારના આગળના ભાગમાં રસ્તા પર પડી હતી. તેના કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. વિશ્વાસ ને શું કરવું તે ખબર નહોતી પડતી. તેણે પોતાનો રૂમાલ કાઢી યુવતીના કપાળ પર બાંધી દીધો. યુવતી અર્ધબેભાન અવસ્થામાં પોતાનો ગોઠણ દબાવતી હતી કદાચ ત્યાં પણ તેને ચોટ આવી હશે. . . વિશ્વાસે બાજુ માં ઉભેલા માણસોની મદદથી યુવતીને કારમાં પાછળનીસીટમાં બેસાડી અને પોતે તેના પડી ગયેલા પુસ્તકો ઉપડ્યા. અનાયાસે પુસ્તકપરના કવર પર નજર પડી અને યુવતીનું નામ જાણવા મળ્યું “આરતી પારેખ “ અને વિશ્વાસ તુરંત કાર ચાલુ કરી પોતાના ફેમેલી ડોક્ટર શાહની કલીનીક તરફ વાળી, કલીનીક સુધી પહોચતા સુધીમાં વિશ્વાસ વાંરવાર પાછળ ની સીટ પર નજર કરી લેતો હતો. વિશ્વાસને થયું કે પોતે શા માટે આટલો અપસેટ થઇ ગયો છે. અકસ્માતના કારણે કે પછી આરતીને જોઈને.

કલીનીક પાસે કાર ઉભી રાખી. કારમાંથી ઊતરી કલીનીકમાં ગયો અને એક સિસ્ટરને બોલાવી લાવ્યો કારનો દરવાજો ખોલી સિસ્ટર આરતીને સહારો આપી કલીનીકમાં લઇ ગઈ.

વિશ્વાસ પણ ડ્રેસીંગ રૂમમાં ગયો જ્યાં આરતીનું ડ્રેસીંગ ડો. શાહ કરી રહ્યા હતા. ફેમેલી ડોક્ટરને નાતે ડો. શાહ વિશ્વાસના ફેમેલીના સભ્ય જેવા હતા. જેથી વિશ્વાસ તેઓને અંકલ સંબોધનથી, બોલાવતો હતો. તેણે અંકલને અકસ્માત વિષે વાત કરી, ડો. અંકલે કહ્યું, ’ વિશ્વાસ મેં તને કેટલી વખત કહ્યું છે કે કાર ધીમે ચલાવ. ’દરમ્યાન આરતી થોડી સ્વસ્થ થઇ ગઈ હતી. તેણી ડોક્ટર અને વિશ્વાસ વચ્ચેનો વાર્તાલાપ સાંભળી રહી હતી. ડોકટરે આરતીને વિટામીન ટેબ્લેટ ખવડાવી. થોડીવારમાં તે સંપૂણ સ્વસ્થ થઈ ગઈ હતી. વિશ્વાસે આરતીને પૂછ્યું. ’હવે કેમ છે આરતી ? આરતીએ જવાબ આપ્યો. સારું છે ‘.

અકસ્માત પછી વિશ્વાસે જે ગંભીરતાથી પરિસ્થિતિ ધ્યાનમાં લીધી હતી તે જોઇને આરતીને પણ વિશ્વાસ પ્રત્યે આકર્ષણ થઇ રહ્યું હતું. ડોકટરે કહ્યું ‘હવે તમે બંને જઈ શકો છો. . ’વિશ્વાસે પૂછ્યું ‘અંકલ, વધારે દવાની જરૂર નથી ને ?. ‘ના, વિશ્વાસ, ચોટ સામન્ય જ છે ‘ડોકટરે જવાબ આપ્યો. પરંતુ બંનેના દિલપર કેવી ચોટ વાગી છે તે તો ડોક્ટર પણ નહોતા જાણતા. ડોક્ટર નું સામાન્ય ચોટનું કહેવું સાંભળી બંનેથી એકબીજા સામે જોવાઈ ગયું. પરંતુ ડોક્ટર પણ જોતા હોવાથી બંને નીચું જોઈ ગયા. ત્યાં ડોક્ટર આરતી તરફ જોઈ બોલ્યા, ’બેટી, વિશ્વાસ મારું કહેવું તો માનતો નથી પણ તું તેને સમજાવ કે કાર ધીમે ચલાવે. આરતી વિચાર્યું કે વિશ્વાસ સ્માર્ટ છે. પેંસાદાર છે, તેને સ્પીડ નો શોખ હશે છતાં તેણે કહ્યું ‘ભલે અંકલ. બંને બહાર નીકળ્યા અને કાર માં ગોઠવાયા. વિશ્વાસે પૂછ્યું ‘આરતી, તમારે ક્યાં જવાનું છે ? આરતી એ કહ્યું ‘ડી. કે. કોલેજ. કોલેજ નું નામ સાંભળી વિશ્વાસ આશ્ચર્યમાં પડ્યો કારણકે પોતે પણ તે જ કોલેજ માં જતો હતો, અને ફરી થી વિશ્વાસની કાર હવા સાથે વાત કરવા લાગી.

ત્યાં આરતી નો અવાજ સાંભળ્યો. ’તમે કાર જરા ધીમે ચલાવશો તો મને વધુ ગમશે, ’વિશ્વાસે તરત કારની સ્પીડ ધીમી કરી નાખી અને આરતી ને કહ્યું ‘હું પણ ડી. કે કોલેજમાં જ અભ્યાસ કરું છું પરંતુ તમને ક્યારેય તમને જોયા નથી. ”આરતી એ જવાબ આપ્યો, ડી. કે કોલેજમાં મારો આજે પ્રથમ દિવસ છે નવું એડમીશન છે. ‘Oh, I see. ” ત્યાં કોલેજ આવી ગઈ પાર્કિંગમાં કાર પાર્ક કરી બંને બહાર આવ્યા, ત્યાં જ કોલેજ શરુ થવાનો બેલ વાગ્યો. ‘ થેંકયું વેરી મચ ‘ કહી આરતી કોલેજ ના બિલ્ડીંગ તરફ ચાલી ગઈ. ત્યાં વિશ્વાસના મિત્રો વિલાસ, પંકજ, હરીશ, પરેશ વિગેરે હાય હેલો કહેતા વિશ્વાસ ને ઘેરીવળ્યા, વિશ્વાસે સિગરેટ કાઢી સળગાવી અને મિત્રોને પણ ઓફર કરી. બધા સિગરેટ પૂરી કરી કોલેજના બિલ્ડીંગ તરફ વળ્યા.

ચાલતા ચાલતા વિશાલ વિશ્વાસને સંબોધી બોલ્યો, યાર, વિશ્વામિત્ર, આ મેનકા ને પણ ટપી જાય તેવી નવી સ્ટુડન્ટ તારી સાથે ક્યાંથી ? વિશ્વાસે તેને કહ્યું તું ક્યારેય નહિ સુધરે. ’વિલાસ વ્યંગમાં બોલ્યો. ક્યાં કરે યાર, આદતસે મજબુર હે. ’અને શાયરના અંદાઝમાં આગળ બોલ્યો “જીના ઉસે કહેતે હે યારો, જો મરકે નહિ મરતે. જબ વો મરતે હે તો, કોઈ યકીન નહિ કરતા યારો. ”અને બાથે પોતપોતાના ક્લાસ તરફ ચાલ્યા ગયા. વિશ્વાસ અને વિલાસ પોતાના કલાસમાં દાખલ થઇ પોતાની હંમેશની બેન્ચ તરફ ગયા તો ત્યાં તો આરતી બેઠેલ હતી. બાજુમાં એક ખાલી હતી ત્યાં વિશ્વાસ ગોઠવાઈ ગયો. વિલાસ આમતેમ નજર કરી પાછળની બેન્ચ પર બેસી ગયો. વિલાસ અભ્યાસમાં તો ખાસ હોશિયાર નહોતો પણ બાપકમાઈવાળા છોકરાની જેમ કોલેજમાં કઈ છોકરી કયો ડ્રેસ પહેરે છે, કયું પરફયુમ વાપરે છે. છોકરીની પસંદ નાપસંદ વગેરે તેના મગજમાં ડીક્ષ્નરિની જેમ છપાયેલા રહેતા, તેને પોતાને પણ યાદ ન હતું કે પોતે તેજ કલાસમાં કેટલા વરસથી બેસે છે ? થોડીવારે કલાસમાં પ્રોફેસર આવી ગયા અને લેકચર શરુ થઈ ગયું પરંતુ આરતી કે વિશ્વાસનું ધ્યાન લેકચરમાં જરા પણ ન હોતું તે તો બંને પોત પોતાના વિચારોમાં એટલા મગ્ન હતા કે લેકચર ક્યારે પૂરું થયું તેનું પણ તેને ભાન ન હતું. બેલ વાગતા બંનેની વિચારધારા તૂટી અને એકબીજા સામે જોયું. વિશ્વાસે આરતીને કહ્યું. ’ચલો કેન્ટીનમાં ચા પીવા જઈએ ‘આરતી કઈ જવાબ આપે તે પહેલા જ વિશ્વાસ બોલ્યો ‘હવે પછીનો આપણો પિરીયડ ફ્રી છે.

બંને કેન્ટીનમાં ખૂણાનું ટેબલ શોધી ગોઠવાઈ ગયા, વિશ્વાસે બે ચાયનો ઓર્ડર આપ્યો. બંને વાતો કરવાનો વિષય ખૂટી ગયો હોય તેમ એકબીજાની આંખોમાં કશું શોધતા હતા. ત્યાં વેઈટરે આવી બંનેનું ધ્યાન ચાય તરફ દોર્યું. ચા પીને વિશ્વાસે તો પોતાની આદત પ્રમાણે સીગરેટ સળગાવી અને કશ લેવા લાગ્યો. આરતી વિશ્વાસની આ ક્રિયા ધ્યાનથી નીખરતી હતી પણ તેને પોતાનો અભિપ્રયા આ પળે ઉચ્ચારવો યોગ્ય ન લાગ્યો.

વિલાસ અને બીજા મિત્રોને પણ આશ્ચર્ય થયું કે કોઈ દિવસ કોઈ છોકરીની સામે પણ ન જોનાર વિશ્વાસ આરતીને પોતાની જોડે મિત્રોને ચાયની ઓફર કર્યા વગર એકલો જ લઇ ગયો. આમ સમય વીતતો ગયો, વિશ્વાસ અને આરતી એક બીજાની ખુબ જ નજીક આવી ગયા અને હંમેશા કેન્ટીનમાં ચા પીવાનો ક્રમ પણ આપમેળે જ ગોઠવાઈ ગયો હતો. એક વખત વિશ્વાસે આરતીને સાંજના ફરવા જવાનું નિમંત્રણ આપ્યું. જયારે સાંજે મળ્યા ત્યારે સુર્યાસ્ત થવાનો સમય હતો. પક્ષીઓ પણ પોતાના પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. વિશ્વાસ આરતીના ખોળામાં માથું રાખી રેતીમાં સૂતો હતો અને આરતીની આંખોમાં આંખ પરોવી પોતાના ભવિષ્યના સ્વપ્નાઓને મનમાં વાગળતો હતો. આરતી વિશ્વાસના માથામાં હાથ ફેરવતી વાળ સાથે રમત કરી રહી હતી. આરતીએ એકાએક વિશ્વાસને પૂછ્યું, ‘વિશ્વાસ મારી આંખોમાં શું શોધી રહ્યો છે ?. ’ વિશ્વાસે કહ્યું, ’આરતી તારી આંખના ઉંડાણમાં મારી તસ્વીર અને ભવિષ્ય જોઈ રહ્યો છું. ’ શું જોવા મળ્યું ?’ હું જે જોવા માગતો હતો. તે જોઈ લીધું. હા આરતી જરૂર જોઈ. . . ’

આરતી સંદેહ સાથે બોલી, ’વિશ્વાસ, મને ક્યારેક વિચાર આવે છે કે આપણું મિલન ક્યાંક અધૂરું. . . તે પૂરું બોલે તે પહેલા વિશ્વાસે આરતીના મોં પર હાથ રાખી દીધો અને બોલ્યો ‘ આરતી, એવું અમંગળ ન બોલ, મારું નામ વિશ્વાસ છે અને દરેક કાર્ય પૂરા વિશ્વાસ સાથે કરું છું. ’થોડા સમય બાદ બંને ઘર તરફ નીકળ્યા, રસ્તામાં વિશ્વાસે સિગરેટ સળગાવી અને આરતીએ કહ્યું, ’વિશ્વાસ આપણા બેની વચ્ચે બીજું કોઈ આવે તે મને જરા પણ પસંદ નથી. ’વિશ્વાસે આશ્ચર્યથી આરતી તરફ જોઈ રહ્યો અને બોલ્યો, બીજું કોઈ એટલે કોણ ?. આરતીએ ટુંકમાં જવાબ આપ્યો “સિગરેટ” આપણા બંને વચ્ચેની હું તેને શોક્ય ગણું છું.

વિશ્વાસને થયું જો આરતીને સિગરેટ પસંદ ન હોય તો આજથી બંધ, અને તેણે આરતી તરફ હસતા હસતા સિગરેટનું પાકીટ અને માચીસ ચાલુ કારમાંથી બહાર ફેંકી દીધા. એકાએક જોરદાર પવનના સપાટાથી ટેબલ પાસેની બારી ખુલી ગઈ અને ટેબલ પર પડેલો સોનેરી ફ્રેમમાં મઢાએલો આરતીનો ફોટો બારીના પડદાની ઝાપટથી ધડાકા સાથે નીચે પડ્યો અને તે અતિતમાંથી પાછો ફર્યો, જોયું તો ફોટો અને વેરવિખર કાચ પડ્યા હતા તે એક નિસાસો નાખી લાઈટ બંધ કરી સૂઈ ગયો.

સવારે વિશ્વાસ ખુબજ મોડો ઉઠ્યો. ૧૧ વાગ્યે તેણે નોકરને ચા માટે બોલવ્યો, નોકર ચા સાથે મમ્મી નો સંદેશો પણ આપ્યો કે ‘ભાઈ, બા નીચે બોલાવે છે. ’ ભલે નાહીને આવું છું. ’કહી ચા પી વિશ્વાસ બાથરૂમ તરફ વળ્યો, ફ્રેશ થઇ નીચે આવ્યો, ફ્રેશ થવા છતાં ગઈ કાલે થયેલા ઉજાગરાને કારણે તેની આંખો રતાશ દેખાતી હતી. વિશ્વાસને જોઈ તેના મમ્મી બોલ્યા, ’બેટા તારી તબિયત ખરાબ છે કે શું ?તારી આંખો કેમ લાલ છે ?’ ના મમ્મી, એવું કઈ નથી, ગઈ કાલે જરા ઉંઘ મોડી આવી હતી. વિશ્વાસે ખુલાસો કર્યો. તેણે આરતી વિશે મમ્મીને કાંઈ વાત ન કરી તે જાણતો હતો કે મમ્મી પપ્પા પોતાના આરતી સાથેના સંબંધથી કેટલા બધા ખુશ છે. . . મમ્મી એ આગળ કહ્યું, ’બેટા તારા અંકલ નો બોમ્બેથી કાગળ આવ્યો છે, તને થોડા દિવસ ત્યાં બોલાવ્યો છે. ’વિશ્વાસનું મન પણ અહીં કશામાં ચોંટે તેમ નહોતું તેથી તેને જવાબ આપ્યો ‘મમ્મી હું બપોરની ફ્લાઈટમાં જ રવાના થાઉં છું. ’વિશ્વાસના મમ્મી ને આશ્ચર્ય થયું કે વિશ્વાસ બોમ્બે જવા માટે તરત જ માની ગયો, કે પછી આરતી પણ ત્યાં જવાની હશે. પરંતુ તેમણે તે પૂછવાનું ઉચિત ન જણાતા વિશ્વાસને કઈ પૂછ્યું નહિ. વિશ્વાસે મમ્મી ને કહ્યું ‘તું મારી બેગ તેયાર કરી રાખ હું હમણાં આવું છું. ’

આમ કહી વિશ્વાસ કાર લઇ પોતાના નજીકના મિત્રોને મળી પાછો આવ્યો ત્યાં પપ્પા પણ લંચ ટાઈમમાં ઘરે આવી ગયા હતા. લંચ લેતા લેતા વિશ્વાસે પપ્પા ને કહ્યું. પપ્પા, હું થોડા દિવસો માટે અંકલ પાસે જાવ છું. હા, ’બેટા થોડા દિવસ ફરી આવ તારી મમ્મી એ મને વાત કરી ‘, તેના પપ્પા કહ્યું. અને આમ વિશ્વાસ તે દિવસે સાંજે બોમ્બે પહોંચી ગયો. પંદર દિવસ થયા હશે ત્યાં એક વહેલી સવારે પપ્પાનો ફોન આવ્યો, કે ‘આરતી સીરીયસ છે, જલ્દી આવ. તેને તો પહેલા થયું કે આરતીએ પત્ર લખીને તેની સાથેના સંબંધો તેજ દિવસે કાપી નાખ્યા હતા. હવે ત્યાં જઈને શું કરવું, પરંતુ વળી કશો વિચાર આવતાં તે પહેલી ફ્લાઈટમાં ઘરે આવવા રવાના થઈ ગયો. ઘરે આવી મમ્મીને પૂછ્યું, ’શું થયું આરતીને ?”મમ્મીએ જવાબ આપ્યો, બેટા આરતીને બ્લડ કેન્સર છે, કહેતા વિશ્વાસ ને ભેટી પડ્યા. . અને ચોધાર આંસુએ રડવા લાગ્યા. કારણકે તેમણે આરતીને પોતાની પુત્રવધુના રૂપમાં જોવાના સ્વપ્ન સેવ્યા હતા.

વિશ્વાસને વિશ્વાસ નહોતો આવતો કે તેમની મમ્મી એ કહ્યુકે આરતીને બ્લડ કેન્સર છે તેણી હાલત પણ મમ્મી જેવીજ થઇ રહી હતી પણ પોતાની જાતને સંભાળી કાર લઇ મમ્મી ને લઇ હોસ્પીટલ પહોંચ્યા. જ્યાં આરતી છેલ્લા શ્વાસ લઇ રહી હતી. આરતી તો સાવ હાડપિંજર જેવી થઇ ગઈ હતી. તેણી ગોરી ચામડી એકદમ સફેદ થઇ ગઈ હતી. વિશ્વાસની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. તે આરતી પાસે જઈ ને બોલ્યો, ’આરતી, આ શી હાલત બનાવી દીધી કે તારી. ”

આરતી માંડ માંડ બોલી. વિશ્વાસ મને વચન આપ. . . . તેનાથી બરોબર બોલાતું પણ નહોતું. . ”મારા મરણ બાદ તું લગ્ન કરી. . . તારો. . સુખી સંસાર બનાવીશ. . .

ના આરતી ના. . . . . હું તને આમ નહિ જવા દઉ, ત્યાં તો ફરી આરતી બોલી ‘વિશ્વાસ મને વચન આપ, મને મારું મૃત્યુ સામે જ દેખાય છે. . . . એક મારતા માણસનું મન નહિ જાળવે ?” વિશ્વાસે વ્યથિત હ્દયેં બોલ્યો, ’ આરતી હું તને વચન. . . પરંતુ પૂરું બોલે તે પહેલા જ તેના હાથમાંથી આરતી નો હાથ સરી ગયો. વિશ્વાસે મોટેથી બૂમ પાડી, આરતી. . . અને આરતી ને વળગી પડ્યો, પરંતુ આરતી તો તેને કાયમ મને અલવિદા કરી ગઈ હતી. હ્રદય પર પથ્થર મૂકી આરતીની અંતિમ ક્રિયામાં તેણે ભાગ લીધો.

ધીમે ધીમે દિવસો પસાર થતાં ગયા, તેમ તેમ વિશ્વાસ પર થોડા મહિના બાદ કુટુંબીજનો તથા આરતી ના મમ્મી પપ્પાનું દબાણ થવા લાગ્યું, ”ભાઈ થવાનું હતું તે થઇ ગયું, હવે આરતીની અંતિમ ઈચ્છાને મન આપી તું લગ્ન કરી લે. ”

એક દિવસ વિશ્વાસે વડીલો દ્વારા પસંદ કરાયેલ યુવતી સ્નેહા સાથે લગ્ન કરી લીધા. લગ્ન બાદ માતાપિતાના આશીર્વાદ લઇ સ્નેહાને, પોતાના રૂમમાં લઇ ગયો જ્યાં આરતી હાર ચડાવેલ ફોટો પાસે દીવો બળતો હતો.

વિશ્વાસ, આરતી ના ફોટા પાસે આવી બોલ્યો ‘આરતી, તારી અંતિમ ઈચ્છાને માન આપી સ્નેહા સાથે લગ્નગ્રંથી થી જોડવ છું. મને હિંમત આપ કે સ્નેહાને પણ તારા જેટલો જ પ્રેમ આપી સુખી કરી શકું. ’અને બંને ની આંખમાંથી આંસુ સારી પડ્યા.

અનિલ ભટ્ટ. જામનગર

૯૪૨૮૦૭૪૫૦૮