Birbal badam khato hato books and stories free download online pdf in Gujarati

બીરબલ બદામ ખાતો હતો...???

બીરબલ બદામ ખાતો હતો...??

અંકિત પંચાલ "વહાલો"

બીરબલ તો તમને યાદ જ હશે..? અકબર રાજા નો દરબારી ! હા, જે બુદ્ધિશાળી, હોંશિયાર અને ચતુર હતો. તમે નાનપણમાં અકબર - બીરબલ ની વાતો સાંભળી જ હશે યાદ છે ને...? શું..... નથી યાદ ? તો બદામ ખાવાનું રાખો! બીરબલ ને ચતુરાઈ ના ઘણાં કિસ્સા વાંચ્યા છે પણ મને સવાલ થાય છે કે એ આટલો બુદ્ધિશાળી હતો તો એ વૈજ્ઞાનિક,ડોક્ટર કે એન્જીનીયર કેમ ના બન્યો...? પણ મે નોટીસ કર્યુ છે કે મહાન માણસો બુદ્ધિશાળી નથી હોતા કે વધારે ભણેલા નથી હોતા ભલે બીરબલ ચતુર હતો પણ મહાન તો અંગુઠાછાપ અકબર જ હતો ને...? (વાહ એક નવો વિષય જડી ગયો આગળ ના લેખ નો - અકબરે અંગુઠો મારેલા..?) ભલે બીરબલ ચતુર હતો છતાં અકબર નું નામ બીરબલ ની આગળ લેવાય છે. અકબર મહાન હતો..! ને અભણ હતો તોયે મારો બેટો રાજા હતો ! હું નાનો હતો ત્યારે સમજતો કે અકબર બેટો અને બીરબલ અકબર નો બાપ છે કેમકે અકબર નું નામ આગળ ને બીરબલ નું નામ પાછળ હતું એટલે... પણ પાછળ થી જાણ થઈ કે બીરબલ તો અકબર રાજા ના નવ રત્નોમાં નો એક રત્ન હતો. પણ એક વાત તો સાબિત છે કે અકબર રાજા ને બીરબલ પ્રિય હશે ( પણ જોધાબાઈ કરતાં વધારે પ્રિય નંઈ હોય) એટલે જ તો અકબર રાજા સાથે બીરબલ નું નામ લેવાય છે. કેમ બીજા દરબારી ઓનું નામ નથી લેવાતુ ? (હાલ મને રાજા અકબર ના નવરત્નો માંથી બીરબલ નું જ નામ યાદ છે બીજા આઠ નંગો (રત્નો) નુ નામ યાદ નથી એટલે અંહી લખી શકતો નથી હા હવે એમ ન કહેતા કે વહાલા તારે પણ બદામ ખાવા ની જરૂર છે. હા, બદામ ખાઉ પણ તમે તમારા પૈસે લઇ આપતા હો તો,,,!)

મને નાનપણમાં લાગતું કે આ અકબર રાજા કેટલો ડફોળ છે અને બીરબલ કેટલો બુદ્ધિશાળી છે, નાનો હતો ત્યારે અમારા માસ્તર કિધા કરતાં કે, " બદામ ખાવાનું રાખો તો બુદ્ઘિ નો વિકાસ થશે... " ત્યારે તો મને વિકાસ શબ્દ નો અર્થ પણ નહોતો ખબર.. ( અરે હા વિકાસ શબ્દ પર થી મને મોદી સાહેબ યાદ આવ્યા... એ પણ હંમેશાં કંઈક વિકાસ ની વાત કરે છે...! ) નાનપણ માં હંમેશાં મને સવાલ થતો કે બીરબલ આટલો બુદ્ધિશાળી હતો તો એ શું બદામ ખાતો હશે..?? એટલે હું મમ્મી ને પુછતો, " મમ્મી બીરબલ બદામ ખાતો હતો..? " મમ્મી કહેતી, " એની બૈયરી ને ખબર...! " પછી મારા મનમાં નવો સવાલ ઉત્પન્ન થતો અને બદામ વાળો સવાલ ભુલી જતો ને હું પુછતો, " બીરબલ ની બૈયરી કોણ હતી...? " મમ્મી કહે, " બીરબલ ને ખબર "

"તને કેમ ખબર નથી...? "

" હું બીરબલ નથી એટલે... "

"કેમ તુ બીરબલ નથી ?? "

" કેમકે હું બીરબલ ની જેમ બુદ્ધિશાળી નથી..! "

" તો મમ્મી બદામ ખાવા નું રાખ બુદ્ધિ નું પેલુ શું કહેવાય... હ.. વિકાસ થશે... "

" સારુ ભઈ હવે તું રમવાજા... "

એ વખતે મને થતું કે જો રાજા અકબરે પણ બીરબલ ની જેમ બદામ ખાધી હોત તો એ પણ બીરબલ ની જેમ ચતુર હોત ! પણ કદાચ અકબર રાજા ને ખબર નંઈ હોય કે બદામ ખાવાથી બુદ્રિ વધે છે. પણ બીરબલે એને કહેવું જોઈતું હતું ને કે " બદામ ખાઓ " પણ પાછળ થી સમજાયું કે જો બદામ ખાવાથી અકબર બુદ્ધિશાળી થઈ જાત તો પછી બીરબલ ની એને શું જરૂર હોત બિચારા બીરબલ નો ધંધો ભાંગી જાત...! એટલે બીરબલે અકબર રાજા ને બદામ ખાવાની સલાહ નંઈ આપી હોય...! બીરબલ જરૂર પ્રામાણિક હશે નંઈ તો બીરબલ બુદ્ધિ નો ઉપયોગ કરી ને રાજા અકબર નું રાજ્ય પચાવી ન પાડ્યું હોત પણ એણે એવું ના કર્યું સંતોષી જીવ હશે જે મળે એનાથી ખુશ રહેતો હશે એટલે એણે રાજગાદી ની ચાહ નહોતી. બીરબલ ને જરૂર કપટી કામ ની વસ્તુ પચતી નંઈ હોય ! અપચો થઈ જતં હશે એટલે! જો કે આજના નેતાઓ ની પાચનશક્તિ બહુ પ્રબળ છે એટલે તો બધું પચી જાય છે. જેમ જેમ મોટો થયો તેમ તેમ સમજણો થયો અને પછી હું આ બદામ વિશે વિચાર્યા કરતો મે કદી ક્યાંય આજ સુધી વાંચ્યુ નથી કે બુદ્ધિશાળી માણસો જેમકે આઈનસ્ટાઈન જેવા વૈજ્ઞાનિકો બદામ ખાતા હોતા..! જો બદામ ખાઈ ને સાચ્ચે જ સમજણ આવતી હોત, સમજદાર થવાતું હોત તો સમજદાર લોકો લગ્ન જ ના કરત..! સમજદાર બીરબલે પણ લગ્ન કરેલા બોલો ! સમજદાર માણસો પણ પરણી ને પછતાય છે તો સમજદારી નો ફાયદો શું..? જો કે હનુમાન દાદા એ લગ્ન નહોતા કરેલા તો એ સમજદાર કહેવાય પણ એ બદામ ખાતા હતાં કે નંઈ એ રામાયણ માં નોંધાયુ નથી..!

એવુ પણ હોઈ શકે કે બદામ ના વેપારી એ પોતાનો ધંધો વધારવા એવુ પ્રચલિત કરાવ્યું હોય કે બદામ ખાવાથી બુદ્ધિશાળી થવાય અને દરેક બીરબલ ની જેમ બુદ્ધિશાળી થવા માંગતા હોય એટલે બદામ ખરીદવા લાગ્યા હશે અને બદામ વધુ વેચાવા માંડી હશે એટલે બદામ નો ભાવ પણ વધાર્યો હશે જે આજ સુધી આજ ઘટ્યો નથી!

અમારા એક વૃદ્ધ સ્વજન ના દાંત પડી ગયેલાં બદામ ચવાય નંઈ એટલે એમને એક ઉપાય કર્યો એમણે બદામ નુ તેલ માથામાં નાખવાનું શરૂ કર્યું એ મને કહેતા કે, " બદામ નું તેલ ઝડપી કામ કરે છે. જો આપણે બદામ ખાઈએ પછી ચાવીએ પછી એ પેટમાં જાય અને એ પચે પછી એના પોષકતત્તવો મગજ સુધી જાય કેટલી બધી વાર લાગે આ તેલ માં આવી કોઈ જંજટ જ નંઈ ! માથામાં થી ડાયરેક્ટર મગજ માં જાય ! " મારા આ સ્વજન ની વાત મને થોડી સમજાઈ ને થોડી ન સમજાઈ પણ હા, એમના માથામાં માંડ દસ-પંદરેક વાળ હતા. અને એ તેલ ચોપડતા તો એ જ્યારે બહાર નીકળતા ત્યારે એમની ટાલ પર સુરજ ના કિરણો પડે તો ટકલું એવું ચમકે કે નાનો સુરજ પૃથ્વી પર ના ફરતો હોય ! તમે દુર થી એ ટકલુ જોવો તો એ પ્રકાશ ના કિરણો તમારી આંખ માં આપાત થાય તો બે ઘડી તમારી આંખો અંજાઈ જાય ! એ સ્વજન ને લગભગ તેલ લગાવતા દોઢ વર્ષ થવા આવ્યું એમની બુદ્રિ વધી કે નંઈ એની મને જાણ નથી પણ મારી બુદ્રિ ને એટલું સત્ય જાણવા મળ્યું કે દોઢ વર્ષ થી એ તેલ લગાવે છે છતાં એમના ટકલા માં પોષકતત્વ બદામ યુક્ત એ તેલ થી એક પણ વાળ ઉગ્યો નથી ! જે દસ-પંદરેક હતા એ પણ હવે "હતા" થઈ ગયા ! બસ ત્યારથી આ ટીવીમાં બતાવતી જાહેરાતો પર થી મારો વિશ્વાસ ઉઠી ગયો.

મે ક્યાંક સાંભળેલુ કે જેના વાળ લાંબા હોય-ચોટલી હોયએની બુદ્રિ વધારે હોય ઉદાહરણ તરીકે - ચાણક્ય ને ચોટલી હતી. તેનાલીરામન ને ચોટલી હતી. બીરબલ ને ચોટલી હતી કે નંઈ એ વિષે ખબર નથી હા, ગુગલ પર સર્ચ મારી લે જો બીરબલ ને ચોટલી હતી કે નંઈ ! જુનાજમાના ના બધાં પંડિતો ચોટલી રાખતા ને મને પણ વચમાં થયેલુ કે હું પણ વાળ વધારુ પણ પછી થયું જો ચોટલી હોવાથી બુદ્ધિ વધતી હોત તો આ સ્ત્રીઓ ને તો મોટા મોટા ચોટલા છે તો બધી સ્ત્રીઓ બુદ્ધિશાળી કહેવાય ! તો સ્ત્રી ઓ માટે એમ કેમ કહેવાય છે કે, " સ્ત્રી ની બુદ્ધિ પાની એ ! " (???) તો શું આ ચોટલા વાળી વાત પણ ખોટી...?? અને બદામ ખાવાથી બુદ્ધિશાળી થવાય તો પાગલો ને બદામ ખવડાવો પાગલખાના જ બંધ દુનિયામાં કોઈ પાગલ નંઈ રહે ! જો બદામ ખાવાથી બુદ્ધિ વધતી હોત તો પાગલખાના હોત જ નંઈ ! અને હા એક વાત યાદ આવી મારી પત્ની મારી માટે બદામ લાવી પણ એ ભુલી ગઈ કે બદામ નો ડબ્બો ક્યાં મુક્યો છે એને યાદ જ નથી આવતું એટલે એ ફરી થી બદામ લેવા ગઈ છે જેથી એ બદામ ખાઈ ને એને યાદ આવે કે પહેલાં વાળી બદામ ક્યાં મુકી છે તમે પ્રાથના કરો કે બદામ નો ડબ્બો મળી જાય બદામ બહુ મોંઘી આવે છે યાર...