Nankadu Yuddh books and stories free download online pdf in Gujarati

નાનકડું યુદ્ધ

નાનકડું યુદ્ધ

એ યુદ્ધ હતું નાનકડું, પણ ભયંકરતામાં મોટા યુદ્ધને ટપી જાય તેવું હતું. હોડીઓમાં ભાગનારની જે દશા સોમનાથ સમુદ્રમાં સુલતાને કરી હતી. તે જ દશા અત્યારે આંહીં ભાગનારાઓની થાય તેમ હતી, ભાગે તેમને દરિયા આઝીમ ગળી જવા માટે તૈયાર હતો. ન ભાગે તેમને રેતરણમાં મૃત્યુશય્યા ઢાળવાની હતી.

થોડી વાર તો સામસામે તીરો છૂટ્યાં, પણ પછી ભેંટભેટા થઈ ગઈ. ભાલા, ગદા, તલવારો, કુહાડીઓ, જેમ જેને ઠીક પડ્યું તેમ દરેક જણ પોતાના જીવન માટે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ એ એક જ સૌને માટે છેલ્લામાં છેલ્લો આનંદ બની ગયો. મરવા મારવા સિવાય બીજી કોઈ વાત ન હતી. શબ્દો યુદ્ધના પડકારારૂપે આવતા હતા. હથિયારો ઊપડતાં હતાં. અચૂક ઘા થઈ રહ્યા હતા. માથાં ફૂટતાં હતાં. છૂટા પડેલા હાથપગોએ હવામાં ઊડવાનું શરૂ કર્યું હતું. કૈંક ઢળી પડતા હતા. કૈંક મરતા હતા. કૈંક મરવા માટે નીચે છૂંદાતા હતા, માણસ, ઘોડાં, સાંઢણીઓ, હથિયારો, બધાંની ભયંકર ભેળંભેળા થઈ ગઈ હતી. કોઈ ક્યાં છે તે જાણવાની કોઈને દરકાર ન હતી. સામે આવે તેને મારવો. પડખે હોય તેને મારવો, ભાગે તેને મારવો. હરકોઈ પ્રકારે સામાને મારવો, એ એક જ વ્યાપક જીવનવ્યવહાર બની ગયો.

રા’ નવઘણે હદ કરી નાખી હતી. એ સાંઢણી ઉપરથી નીચે જ કૂદી પડ્યો હતો. એણે ભાલાની અણીથી સેંકડોને એક પછી એક વીંધવા જ માંડ્યાં. જે સામે આવ્યો તે વીંધાઈને ભોં ઉપર પડ્યો જ છે. રા’ ની પાછળ ચાલ્યા આવતા અનુચરો પડનારને પૂરો કરી દેતા હતા. મહારાજ ભીમદેવે રુદ્રરૂપ ધારણ કર્યું હતું. તેણે જેમ ખેતરમાં કાપણી શરૂ કરે તેમ, માથાં વધેરવા માંડ્યાં હતાં. યુદ્ધ થોડો વખત જ ચાલ્યું. ભેળંભળા એવી ભયંકર થઈ પડી કે દુશ્મનમિત્ર વચ્ચે ભેદ પાડવા જેટલો પણ કોઈને વખત કે વિવેક ન રહ્યો. એ તો જે ભેટ્યો તે ગયો છે, એવી જ વાત ચાલી, યુદ્ધ યુદ્ધ ન રહ્યું. મૃત્યુ માટેની મહેફિલ રૂપ થઈ ગયું.

આ નાનકડા ભયંકર યુદ્ધને, સામે કાંઠેથી સુલતાન નિહાળી રહ્યો હતો. દરિયા આઝીમનાં પાણી માણસોની આ ભયાનક સંહારલીલાને અને પરવશતાને નિહાળીને કેવળ અટ્ટહાસ્ય કરી રહ્યાં હતાં !

પંડિત ધૂર્જટિ જેવો કોઈ શંકરભક્ત તો આ વાતને ભગવાન રુદ્રની એક છૂટી લટનું તાંડવ સમજીને આનંદસમાધિમાં પડી ગયો હોય !

માણસનો જીવનવ્યવહાર અદ્‌ભુત છે; પણ એણે માંડેલી મરણલીલા તો એના કરતાં પણ અદ્‌ભુત છે.

આ નાનકડું યુદ્ધ ભાગ્યે જ થોડો સમય ચાલ્યું હશે. એટલામાં તો ત્યાં માણસોનો, પશુઓનો, સરસામાનનો, ભંગરાનો અને છિન્નભિન્ન થયેલાં અવયવોનો મોટો ઢગલો થઈ ગયો. સુલતાનની સેનામાંથી જે કાંઈ થોડા બચ્યા હતા તે જેમ જેને ઠીક પડે તેમ ભાગ્યા, એમને એમના ભાગ્ય ઉપર છોડીને આંહીં જે કાંઈ રહ્યું હતું, તેની વ્યવસ્થા કરવાની હવે જરૂરિયાત હતી, આંહીં વધુ વાર ટકી શકાય તેવું તો હતું નહિ. દરિયા આઝીમનાં પાણી એમને ક્યારે ઘેરી વળે તે કહેવું મુશ્કેલ હતું.

એટલે યુદ્ધ બંધ થયું અને સામનો કરનાર કોઈ રહ્યા નહિ. કે તરત જ ઉતાવળે રા’ નવઘણ અને મહારાજ ભીમદેવ રહીસહી અર્ધ જીવતી સૃષ્ટિની વ્યવસ્થામાં પડી ગયા. જે જીવતા હતા તેમને સાંઢણીઓ ઉપર ુપાડી લીધા. જે કાંઈ રહ્યું હતું તે બધું ફરીને વ્યવસ્થિત કર્યું. એટલામાં ગોગદેવ ચૌહાણ દોડતો દોડતો આવ્યો. ‘મહારાજ ! મહારાજ !’ તે ઉતાવળે ઉતાવળે બોલી ઊઠ્યો : ‘ભગવાનની કેવી લીલા છે. ત્યાં જુઓ તો ખરા, પેલી સાંઢણી ુપર !’

‘શું છે ગોગદેવજી ?’

ગોગદેવજી બોલ્યા વિના મહારાજને અને રા’ ને ત્યાં દોરી ગયો.

સાંઢણી ઝોકારેલી હતી. તેના ઉપરના ખડકેલા સામાનમાં મહારાજે દૃષ્ટિ કરી. તે છક્ક થઈ ગયા. રા’ ચોંકી ગયો. સુલતાનની મૂલ્યવાન લૂંટનો કેટલોક ભાગ આંહીં રહી ગયો હતો. તેમાં સોનું હતું. રૂપું હતું. હીરામાણેક ને મોતી દેખાતાં હતાં. મૂલ્યવાન વસ્ત્રો હતાં. બીજું શું હશે તે જાણવું મુશ્કેલ હતું.

ત્યાં ઝોકારેલી બે-ચાર સાંઢણીઓના સામાનમાં ગોગદેવે દૃષ્ટિ કરી. અસંખ્ય મૂલ્યાન વસ્તુઓ એમાં પડી રહી હતી. સુલતાને લૂંટેલી સમૃદ્ધિનો એક નાનકડો શેષ ભાગ આંહીં રહી ગયો હતો.

એ જોતાં રા’ નવઘણ ને ભીમદેવ બંને આનંદમાં આવી ગયા. એક ભયંકર રણયુદ્ધ થઈ ગયું છે, એની પ્રતીતિ આપવા માટે, આ જેવી તેવી વાત ન હતી.

પણ એમના માથા ઉપર ભયંકર તલવારો લટકતી હતી. એમને પોતાને પણ, આ બધું આંહીં ફેંકી દઈને ચાલ્યા જવાનો વખત ન આવે, એને પાછા ફરતાં રણમાં તળ રહી ન જવાય, એ જોવાનું હતું. એમણે પળપળનો હિસાબ ગણીને તરત ભાગવાનું હતું.

રા’ નવઘણ આ થર રણના પંખી હતા એ ખરું, પણ રણમાં જો ભયંકર પાણી રેલાઈ રહે, તો આંહીંથી એક ડગલું પણ ખસાય તેવું ન હતું. ઉનાળાનો પાછલો ભાગ ચાલતો હતો. ને વર્ષાનાં મંડાણ થઈ ચૂક્યાં હતાં. એક દિવસનો શું, એક ઘડીનો વિલંબ પણ ભયંકર બની જાય તેમ હતો.

એટલે ગોગદેવ ચૌહાણની સાંઢણીની પાછળ આ બધી લંગરને લગાવી દેવાનો તાત્કાલિક નિર્ણય લેવાયો. સાંઢણી ુપર એક એક હોંશિયાર ઓઠી આવી ગયો. રહી સહી વસ્તુઓ ઝપાટાબંધ ભેગી કરી લીધી. ઘાયલ માણસોને તરત જ ઉપાડી લીધા. ભયંકર રીતે ઘાયલ થયેલાઓને મૂકી દીધા વિના બીજો કોઈ ઉપાય ન હતો. નાનકડું દળ થોડી વારમાં જ પાછું વ્યવસ્થિત થઈ ગયું.

સામે કાંઠે નજર કરી. તો ત્યાં પણ હવે કોઈ રહ્યું ન હતું, દરિયા આઝીમનાં પાણી ઉલ્લંઘવાં એ હવે માનવશક્તિ બહારની વાત હતી.

એક સવાલ આવીને ઊભો રહ્યો. આગળ જવું કે પાછું ફરવું ? આગળ જવું હોય તો મુકામ હવે છેક ભટ્ટીરાજાના મુલકમાં થાય તેમ હતો. સુલતાનને પણ જવા માટે એ જ રસ્તો હતો. ત્યાં ઝાઝા લોકો દરિયા આઝીમમાં હોડીઓ રાખી યુદ્ધને ખેલવા તૈયાર ઊભા હોવા જોઈએ.

રા’ નવઘણે કહ્યું : ‘આપણા ઉપર પાછળથી વખતે કોઈક આવી ચડે તો આપણે એની પણ તૈયારી કરવી પડશે. આ તો નપાણિયો રેત મુલક છે.’

‘અત્યારે કોઈ દેખાતો ન હોય, ‘બે પળ પછી મોટી લંગર આવી પડે. હમ્મુક સુમરો જાણે કે આપણે આ બાજુ છીએ તો એ આવ્યા વિના નહિ રહે.’

શું કરવું ?

નિર્ણય તાત્કાલિક લેવાનો હતો. અને એ નિર્ણય અતિ અગત્યનો હતો. હવે તો એમની સાથે જોખમ હતું. એ જોખમને પાટણને રસ્તે રવાના કરવાનું હતું. એનો અર્થ એ થાય કે આગળ વધવું હોય તો આ નાનકડું દળ વિભક્ત કરવું પડે !

એને વિભક્ત કરતાં બળ ઓછું થઈ જાય. એટલા નાના દળને જોઈને વખતે ભટ્ટીરાજાઓ, પોતાની મશ્કરી કરવા માટે આ આવ્યા છે, તેમ ગણે. નામના આવવું એમ કરીને આવ્યા લાગે છે. આવી કોઈ ને કોઈ ગેરસમજૂતી ઊભી થાય.

શું કરવું ?

એક પળભર ભીમદેવ મહારાજ, ગોગદેવ ચૌહાણ વિચાર કરવા ઊભા રહ્યા. રણના કણેકણને જાણનારો રા’ નવઘણ આકાશ સામે જોઈ રહ્યો હતો. હવાની લેરખીએ લેરખીને નિહાળી રહ્યો હતો.

એ સમજતો હતો કે ક્યાંક પણ વરસાદ પડશે તો આ દરિયા અઝીમ કોઈની શેહ નહિ રાખે.

અથવા તો જો હમ્મુક સાંઢણીદળ લઈને આવી ચડ્યો, તો જે સ્થિતિ અત્યારે સુલતાનના સેનની થઈ, એક બાજુ દરિયા આઝીમનાં પાણી, બીજી બાજુ દુશ્મનનાં દળ, એ જ સ્થિતિ આપણી પોતાની થઈ રહેશે.

એણે હાથ જોડીને કહ્યું : ‘મહારાજ ! આપણે એક વખત હમ્મુક તરફ આવવાનું તો છે જ. તે વખતે લોદરવા સુધી આંટો મારીશું ! અત્યારે તો આ આસમાની આકાશના પેટાળમાં મને મરશિયા સંભળાય છે. રેતના રણને પણ મહારાજ ! પોતાનાં અનોખાં ગીત હોય છે. આપણી ભેગું જોખમ છે. આપણે આટલું બધું કરીને, પાછા ફરીએ !’

રા’ નવઘણનો રેતરણનો અનુભવ જાણીતો હતો. એમનો શબ્દ આ બાબતમાં ઘણો મૂલ્યવાન હતો. તે સમુરા સાથે કેટલીયે વાર આથડી ગયો હતો.

મહારાજ ભીમદેવ પણ આકાશ સામે જોઈ રહ્યા. એ શું કહેતું હતું એની એમને કાંઈખબર પડી નહિ. પણ રા’નો શબ્દ બરાબર હતો.

થોડી વાર પછી એ નાનકડા દળે પાછું પ્રયાણ શરૂ કર્યું.