Jivan Mrutyu books and stories free download online pdf in Gujarati

જીવન મૃત્યુ

જીવન મૃત્યુ

રાકેશ ઠક્કર

જીવન ખજાનો ભાગ-૨૨

મોતના ભયને આપો માત

એક સંત પોતાના આશ્રમની આસપાસ ફરી રહ્યા હતા. ત્યારે અચાનક એક કાળો આકાર તેમણે જોયો. તેમને આ વાત વિચિત્ર લાગી. તેને ગામ તરફ જતાં જોઇ સંતે તેને અટકાવીને હિંમતથી પૂછ્યું,''કોણ છે તું? ક્યાં જઇ રહ્યો છે?''

સંતનો અવાજ સાંભળી આકાર ઊભો રહી ગયો. અને સહેજ વિચારીને આકાર બોલ્યો:''હું મોત છું. અને ગામમાં મારા કામથી જઇ રહ્યો છું.''

સંત ચોંકી ગયા. અને બોલ્યા:''મોત! તારે અચાનક આ ગામમાં આવવાની જરૂર કેમ પડી? હમણાં કોઇ ગંભીર રીતે બીમાર નથી અને કોઇ વૃધ્ધ મરણાસન પણ નથી.''

મોત કહે:''મહારાજ, હું ક્યારેય બોલાવ્યા વગર આવતું નથી. આ ગામના ચાલીસ લોકોનો અંત સમય નજીક આવી ગયો છે. હું તેમને લેવા માટે આવ્યો છું.''

આ સાંભળી સંત ચિંતામાં પડી ગયા અને મોતને હાથ જોડીને કહ્યું:''તું આ ગામમાંથી પાછું જતું રહે અને ગામ પર દયા કર. કોઇ વાંક વગર આટલા બધા લોકોને મારીને તને શું મળશે?"

મોત કહે,''મહારાજ, મને રોકવાનો પ્રયાસ ના કરશો. હું શાશ્વત સત્ય છું. જેમનો અંત સમય નજીક છે એમને હું છોડી શકું નહીં. મને મારું કામ કરવા દો.''

સંત તેને રોકી શક્યા નહીં.

ગામમાં જતાં જતાં મોત કહેતું ગયું.''મહારાજ, હું વળતાં આપની મુલાકાત કરીને જઇશ.''

થોડી જ વારમાં ગામમાં હાહાકાર મચી ગયો. મોત પાછું ફર્યું ત્યારે તેની પાસે બસોથી વધુ લોકોના જીવ હતા.

સંતે નારાજ થઇને મોતને કહ્યું,''મોત, તારી વાત જૂઠી હતી. ચાલીસ કહીને તેં બસોથી વધુના પ્રાણ હરી લીધા છે. ગામ સાથે તેં અન્યાય કર્યો છે.''

મોત કહે,''મહારાજ, મેં જૂઠૂં કહ્યું ન હતું. અને કોઇ અધર્મ પણ કર્યો નથી. મારે તો માત્ર ચાલીસ લોકોના જ જીવ લેવાના હતા. બાકીના તો ભય પામીને ખોટા જ મારી પાસે આવી ગયા. મેં તો તેમને હાથ પણ લગાવ્યો નથી. મહારાજ, ભયભીત પ્રાણી કોઇ ક્ષેત્રમાં જીત મેળવી શકતું નથી. નીડર, ધીરજવાન અને દ્રઢ ઇચ્છાશક્તિવાળી વ્યક્તિ મને હરાવી શકે છે. તમારા ગામના એક ખેડૂતે પોતાની દ્રઢ ઇચ્છાશક્તિથી મને હાર આપી છે. મારાથી તેના પ્રાણ લઇ શકાયા નથી. હવે તમે જ કહો મારો શું વાંક છે? વાંક તો વ્યક્તિની અંદર રહેલા એ ભયનો છે જેના કારણે તે અનાયાસ મોતનો શિકાર બને છે.''

સંત પણ બોલી ઉઠ્યા,'' હા, ભયથી મોત જલદી આવે છે.''

*

બેફામ લ્યો મરણનો હવે ભય જતો રહ્યો,

મરજી મુજબ જીવાય હવે શક્યતા નથી…

– બરકત વિરાણી ‘બેફામ’

*

ભયને પાસે ના આવવા દો, જો છતાંય પાસે આવી જાય તો એની પર હુમલો કરો; એટલે કે ભયથી ભાગો નહિ પણ એનો સામનો કરો.- ચાણક્ય

* જીવનની પરેશાનીનો ઉકેલ

એક યુવાન પોતાના જીવનથી બહુ પરેશાન હતો. તે થાકી - હારીને તે એક સંત પાસે ગયો. અને પોતાના જીવનની સમસ્યાઓથી થતી પરેશાનીનો ઉકેલ આપવા કહ્યું.

યુવાનની વાત સાંભળી સંતે તેને સમજ આપવા કાચની એક બરણી મંગાવી. અને તેમાં સમાય એટલા રંગબેરંગી સુંદર દડા ભરી દીધા. પછી યુવાનને પૂછ્યું:''બેટા, શું આ બરણી ભરાઇ ગઇ છે?''

યુવાન તરત જ કહે, ''હા, મહારાજ, બરણી તો દડાથી ભરાઇ ગઇ છે. અને સુંદર પણ લાગે છે.''

યુવાનનો જવાબ સાંભળી સંત સહેજ હસ્યા અને નાના મોતીઓ મંગાવ્યા. મોતીને બરણીમાં નાખ્યા તો ઘણા મોતી સમાઇ ગયા. એ પછી યુવાનને પૂછ્યું:''બેટા, આ બરણી હવે તો ભરાઇ ગઇ છે ને? ક્યાંય જગ્યા દેખાતી નથી ને?''

યુવાન કહે, ''મહારાજ, બરણી તો સંપૂર્ણ ભરાઇ ગઇ છે. હવે એમાં ક્યાંય તસુભાર જગ્યા બાકી રહી નથી.''

સંતે કહ્યું,''બેટા, હજુ એમાં જગ્યા છે!''

યુવાન નવાઇથી બરણીને જોવા લાગ્યો.

સંતે પોતાની વાત સાબિત કરવા પોતાના એક શિષ્ય પાસે રેતી મંગાવી. અને તેમાં રેતી ભરવાનું શરૂ કર્યું. યુવાન એ જોઇને નવાઇ પામ્યો. કેમકે મોતીની આસપાસની જગ્યામાં રેતી સમાવા લાગી હતી. તે માનતો હતો કે બરણી ભરાઇ ગઇ છે. અને હવે તેમાં ઘણી રેતી સમાઇ રહી છે.

સંતે પછી યુવાનને તેના સવાલનો જવાબ આપતાં કહ્યું, ''બેટા, કાચની આ બરણીને તારું જીવન સમજ. એમાં જે રંગબેરંગી દડાઓ છે એ તારા જીવનનો આધાર એટલે કે પરિવાર છે. તેમાં જે અનેક મોતી છે એ તારું મકાન, શિક્ષણ, રોજગાર વગેરે છે. અને જે રેતી છે એ તારા જીવનમાં થતા ઝગડા, મનભેદ, સમસ્યાઓ, તણાવ, કલેશ, દુ:ખ વગેરે છે. જીવન પણ આવું જ હોવું જોઇએ. જો તું બરણીમાં માત્ર રેતી જ ભરી દઇશ તો તેમાં રંગબેરંગી દડા અને મોતી માટે જગ્યા રહેશે નહીં. એટલે પહેલાં પોતાના જીવનને રંગબેરંગી દડા અને મોતીઓથી ભરી દે.''

સંતની વાત સાંભળી યુવાનને સુખનો સાર સમજાઇ ગયો.

*

જો સુખી થવું જવું હોય તારે,

તો જે થતાં સવાલ ભૂલી જા.

- મનોજ ખંડેરીયા

*

જે દુઃખી થવાની તૈયારી સાથે બેઠો છે તેને કોઈ સુખી નથી કરી શકતો અને જેને દુઃખી નથી જ થવું તેને ઈશ્વર પણ દુઃખી નથી કરી શકતો.

*દોસ્તીનો માર્ગ પ્રેમથી

એક દિવસ ડેલ કાર્નેગીએ અબ્રાહમ લિંકન વિશે રેડિયો પર કાર્યક્રમ આપ્યો. તેમના વિશે વાત કરતી વખતે શરતચૂકથી જન્મ તારીખ ખોટી બોલી દીધી. હજારો શ્રોતાઓએ એ કાર્યક્રમ સાંભળ્યો હતો. એ કારણે તેમના પર અનેક શ્રોતાઓના પત્રો આવ્યા. જેમાં તેમની આ ભૂલની સખત ટીકા કરવામાં આવી હતી.

તેમણે વારાફરતી પત્રો વાંચવાના શરૂ કર્યા. આવેલા પત્રોમાં એકમાં વધુ પડતી ટીકા સાથે અપશબ્દનો પણ પ્રયોગ થયો હતો. આ વાત ડેલને ખટકી ગઇ. તેમણે નારાજ થઇને એ શ્રોતાને સખત શબ્દોમાં પત્ર લખ્યો. પણ રાત પડી ગઇ હતી એટલે પત્ર રવાના કરી ના શક્યા.

સવારે ડેલને લાગ્યું કે પત્રમાં વધુ પડતા સખત શબ્દોનો ઉપયોગ કરી દીધો છે. એટલે તેમણે ફરીથી શ્રોતા માટે જવાબી પત્ર તૈયાર કર્યો. એ વાંચ્યો ત્યારે લાગ્યું કે એમાં પહેલાં કરતાં વિનમ્રતાથી લખાયું છે. તેમ છતાં તેમણે જવાબી પત્ર મોકલવાનું વધુ એક દિવસ માટે ટાળી દીધું.

ત્રીજા દિવસે તેમણે શ્રોતાના પત્ર વિશે વિચાર કર્યો ત્યારે થયું કે તેણે જવાબ માગ્યો જ નથી. તો પછી શા માટે નારાજગી વ્યક્ત કરવી? અને તેમણે એ પત્ર કચરાપેટીમાં નાખી દીધો.

થોડા દિવસ પછી ડેલને વિચાર આવ્યો કે એ શ્રોતાને પોતાનો મિત્ર બનાવવો જોઇએ. અને તેમણે શ્રોતાને પ્રેમથી દોસ્તીભર્યો પત્ર લખ્યો.

એ શ્રોતાનો તરત જ વળતો પત્ર આવ્યો. એમાં તેણે પોતાના પહેલા પત્ર માટે ક્ષમા માગી. અને કહ્યું કે ભૂલ કોઇનાથી પણ થઇ શકે છે. એ પછી તે ડેલ કાર્નેગીનો મિત્ર બની ગયો.

આ વાતને યાદ કરીને ડેલ લખે છે કે,''સમય વીતી ગયા પછી આપણો ઉકળાટ અને ગુસ્સો ઓછો થઇ જાય છે. એટલે આપણે તત્કાળ પ્રતિક્રિયા આપવાથી બચવું જોઇએ. એમ કરવાથી અનેક અપ્રિય પરિસ્થિતિઓ અને ટકરાવથી બચી શકાય છે. જો મેં એ જ દિવસે એ શ્રોતાને પત્ર લખી દીધો હોત તો હું એક વ્યક્તિને મારો દુશ્મન બનાવી દેત. આજે એ મારો મિત્ર છે.''

*તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,

એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?

– જલન માતરી

* દુશ્મન માટે સળગાવેલી આગ,

દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.