The Criminals - 4 books and stories free download online pdf in Gujarati

ધ ક્રિમિનલ્સ - 4

"ધ ક્રિમિનલ્સ - 4"

અમે બધા સાબદા થયા, મેં થેલો ખોલ્યો, દરેકે ડોક્ટર ઓપરેશન વખતે પહેરે તેવા ગ્લોવ્ઝ પહેર્યા અને બુકાનીઓ પહેરી જે આંખ અને નાક પાસેથી જ કાણી હતી. શશી તેની જગ્યાએ બેસી રહી, હું ગોઠણ પર, ને હાથ અને હડપચી બાઉન્ડરી વોલ પર ટેકવીને બેઠો. અમર અને શકીલ વોલ કૂદીને ફાર્મ-હાઉસની ડાબી દીવાલ તરફ આગળ વધ્યા. તેઓ બંને કેમેરા પોલની સીધમાં અને એકબીજાની પાછળ જઈ રહ્યા હતા. અમર થોડો આગળ હતો. શકીલ પાછળ અને ધીરે જતો હતો. અમર પોલ નીચે પહોંચીને સહેજ કૂદકો મારીને કમ્પાઉન્ડ વોલની ધાર પકડીને લટક્યો અને જાણે પુલ-અપ્સ કરતો હોય તેમ ઊંચો થઈને અંદર થોડીવાર જોતો રહ્યો. હિલ-ચાલ ન જણાતા તે દીવાલે ચઢીને પછી અંદર કૂદી પડ્યો. હવે શકીલ પોલ નીચે પહોંચી ગયો હતો અને અમરના સિગ્નલની રાહ જોતો હતો. અમર બધું બરાબર લગતા પથ્થર ફેંકીને સિગ્નલ આપવાનો હતો.

શકીલને સિગ્નલ મળ્યું હશે એટલે તેણે હાથ ઊંચો કરીને મને સિગ્નલ આપ્યું, અને તે પણ અમર ની જેમ જ અંદર ઉતરી પડ્યો. અમે પણ પોલ તરફ ચાલવા લાગ્યા. શશી ને આગળ કરી હતી. બરાબર તેની પાછળ હું ચાલી રહ્યો હતો. પોલ નીચે પહોંચીને શશી કૂદીને દીવાલની ધારે લટકી, નીચેથી તેના પગ ઊંચકીને મેં તેને ટેકો આપીને દીવાલ પર ચઢાવી દીધી, બીજી તરફથી શકીલે તેને હાથ આપીને કુદાવી દીધી. છેલ્લે હું પણ અંદર આવી ગયો.

અમરે ધીરેથી મને માહિતી આપી કે "બંને ગાર્ડ નશામાં ખુરશી પર સુતા છે, માળી અને નોકર પણ ત્યાં જ જમીન પર ધૂત પડ્યા છે."

કૂતરાને અણસાર કે અમારી ગંધ મળી હશે એટલે તે તેના ઘરમાંથી ઘૂરકાટ કરી રહ્યો હતો. તે પુરાયેલો હતો, અને ભસે તો પણ કોઈ વાંધો નહોતો, કેમકે ગાર્ડ અને નોકરો ધૂત હતા, શેઠ-શેઠાણી જોવા બહાર આવે તે તો અમને ગમતી વાત હતી. એટલે અને નિશ્ચિન્ત હતા. અમે ઝાડની પાછળ લપાતા પણ કેમેરાને પીઠ પાછળ રાખીને ઘાસમાં વાંકા વળીને આગળ વધ્યા. હવે અમે લગભગ પ્લોટની વચ્ચે હતા, અને ડાબી તરફ અમને ઘરનો મુખ્ય દરવાજો જોવાઈ રહ્યો હતો. અમારાથી આગળ ડ્રાઈવ વે હતો જે મહેંદી ની વાડથી શણગારેલો અને થોડે થોડે અંતરે મોટા કાચના દુધિયા ગોળામાં બલ્બ સળગતા હતા, તે સિવાય અંધારું હતું.

અમે હવે લપાતા અને નીચા વળીને ઘર તરફ આગળ વધ્યા. મારુ મગજ દોડી રહ્યું હતું, બધાને મેં રોક્યા, અને શકીલને કહ્યું કે "ટાઇમિંગમાં ફેરફાર કર્યો છે, એટલે તારું કામ હમણાં જ કર..." શકીલ સવાલ પૂછ્યા વગર પાછો વળ્યો, ને અમે ત્રણે ઘરની નજીક એક ઝાડ પાછળ ઉભા રહીને અણસાર મેળવવાની કોશિશ કરી. બધું શાંત અને ભેંકાર હતું.

આઠ હેલોજન લેમ્પ ફાર્મ હાઉસને બહારથી ચારે તરફ અજવાળતા હતા.

મારો ઈશારો કરતા જ શશી દોડીને ઓટલો ચઢી ગઈ અને વરંડો પાર કરીને હોલની દીવાલ સરસી ઉભી રહી ગઈ. શશીએ હાથ લંબાવીને હોલનો દરવાજો ચેક કર્યો, ખુલી ગયો.. તેણે અમને ઈશારો કર્યો અને તે હોલમાં જતી રહી. અમારો પ્લાન પાછળ કિચનમાંથી ઘરમાં પ્રવેશવાનો હતો, પણ જો હોલનો દરવાજો ખુલ્લો હોય અને અંદરથી લોક ન હોય તો કિચનમાંથી પ્રવેશવાનો કોઈ અર્થ ન હતો, હા ગાર્ડ જો જાગતા હોય તો અમને ઓટલો ચઢતા અને હોલમાં જતા જોઈ શકે તેમ હતા. પણ અમરે કહ્યા મુજબ તેઓ નશામાં ધૂત હતા, એટલે મને કિચનમાંથી પ્રવેશવાનું યોગ્ય લાગ્યું નહિ.

અમર અને છેલ્લે હું પણ તે રીતે જ હોલ માં પહોંચી ગયા. અને અંદરથી દરવાજો લોક કરી દીધો. હોલમાં ઝાંખી બ્લુ લાઈટ ચાલુ હતી. શશી નીચે રહી, હું અને અમર દબાતે પગલે ઉપર પહોંચીને શેઠના બેડરૂમના દરવાજે બંને તરફ ગોઠવાયા. હું ડાબી તરફ હતો, અને દરવાજો ખુલતા જ પહેલા મારા ઉપર નજર પડે તેમ હતું. અમને એજ જોઈતું હતું. શેઠનું ધ્યાન મારા પર પડે અને બીજી તરફથી અમરને મોકો મળી જાય... પણ જો શેઠ ફાયર કરે તો મારા રામ રમી જાય તેમ હતા. દરવાજો અંદર, રૂમમાં ખૂલતો હતો.

બેડરૂમ નો દરવાજો કેવી રીતે ખોલવો કે ખોલાવવો તે માટે પણ અમને ઘણી બહેસ -ચર્ચા થઇ હતી. અમરનું કહેવું હતું કે સીધો નોક કરવો, પણ મારો મત જુદો હતો. હું માનતો હતો કે સીધો નોક કરવાથી શેઠ કોણ છે તે પૂછ્યા વગર દરવાજો ખોલે નહિ, અને જવાબ ન મળતા જ તે સાવચેત થઇ જાય અને શોર-શરાબો, કે ફોન કરી શકે.. એટલે મેં બીજો રસ્તો વિચાર્યો હતો. અને એ પ્રમાણે જ હમણાં કરવાનું હતું.

શશી નીચે લેન્ડ લાઈન ફોન પાસે બેઠી હતી, અને ઉપર મને જોઈ રહી હતી. મેં થેલા માંથી શશી બનાવી લાવી હતી તે કેનવાસનો નળાકાર કાઢ્યો, તેમાં ઝીણી રેતી ભરીને તેનું મોઢું દોરીથી સખત બાંધી દીધું હતું. તે જ અમારું હથિયાર હતું, તે રેતીની થેલી મેં અમરને આપી. અને અમરનો તૈયારનો ઈશારો મળતા જ મેં નીચે શશીને ઈશારો કર્યો. તેણે લેન્ડ લાઈનથી શેઠનો મોબાઈલ નંબર ડાયલ કરવાનો હતો. અમને બેડ રૂમમાંથી શેઠના ફોનની રિંગ સંભળાઈ રહી હતી. શશીએ કટ કરી દીધો. એકાદ મિનિટ પછી ફરી રિંગ વગાડી... અને ફરી કાપી નાખ્યો. બેડરૂમમાં લાઈટ થઇ, શેઠ ઉઠ્યો હતો અને તે પોતાના ઘરના જ ફોનથી આવેલ ફોનથી જરૂર ગૂંચવાયો હશે. હવે તે હોલમાં જોવા બહાર આવશે અથવા તે સામે રિંગ કરશે, અને જો સામે રિંગ કરે તો શશીએ બહાર આવો ડેડી, કહીને મૂકી દેવાનો હતો. મારા માથેથી પસીનો નીતરીને ગળામાં આવતો હતો, માસ્કને લીધે અકળામણ પણ થતી હતી, અમરની હાલત પણ મારા જેવી જ હશે.

મને રૂમમાં પગલાં નજીક આવતા સંભળાયા, શેઠ બહાર હોલમાં જોવા આવી રહ્યો હતો, તેણે સામે રિંગ કરી ને પૂછવાનું જરૂરી લાગ્યું નહિ હોય.., સારું કર્યું. મેં અમરને ઈશારો કર્યો, તેણે પણ સાંભળ્યા જ હશે. અને દરવાજો ખુલ્યો, અને શેઠ બહાર આવ્યો અને મેં જાણીને બારણાં વચ્ચે મુકેલ મારા થેલા સાથે તેનો પગ અથડાયો, તે શું છે તે જોવા સહેજ ઝૂક્યો અને અમરને મોકો મળી ગયો, અમરે લપકીને તેના માથાની પાછળ રેતી ભરેલી થેલી ફટકારી દીધી.

શેઠ કશો અવાજ કર્યા વગર કપાયેલા ઝાડની જેમ નીચે પડ્યો. સાલો નશામાં અને ઊંઘમાં હતો તો પણ પિસ્તોલ લાવવાનું ભુલ્યો નહોતો. તેના જમણા હાથમાં પિસ્તોલ અને ડાબા હાથમાં ફોન હતો. મેં તેને ઝડપથી ઘસડીને બાજુ પર નાખ્યો અને અમે ફરી બેડરૂમના ખુલ્લા દરવાજે ઉભા રહીને શેઠાણીની વાટ જોવા લાગ્યા, પણ પાંચ મિનિટ પછી પણ તે બહાર આવી નહિ કે સાદ પડ્યો નહિ, મતલબ તે ઊંઘી રહી છે. મેં રૂમમાં ડોકું નાખીને જોયું, તે ખરેખર બેડ પર ચત્તી સુઈ રહી હતી. અમરને ઈશારો કર્યો, તેણે શશીને પણ ઈશારો કરીને ઉપર બોલાવી લીધી.

મારો સ્ટ્રીક ઓર્ડર હતો કે શેઠાણીને જરાય ઇજા પહોંચાડવાની નહોતી, અમે ત્રણે રૂમમાં આવ્યા. થેલામાંથી હુએ ડક્ટ ટેપનો રોલ અને આંખે બાંધવાનો પાટો કાઢી લીધા હતા. ડક્ટ ટેપનો ટુકડો મારા હાથમાં હતો અને પાટો શશી પાસે હતો.

ત્રણ વસ્તુ એક સાથે બની. હું ઘોડે બેસે એમ શેઠાણીના પેટ પર પલાણીને ચડી બેઠો, તેના બંને હાથ મારા ગોઠણ નીચે દબાવ્યા હતા, અને ડક્ટ ટેપનો ટુકડો તેના મો એ ચોંટાડ્યો અને તે જ સમયે અમરે તેની આંખે હાથ દાબ્યો.

શેઠાણી ઊં ઊં ઉંકારા કરીને પગ પછાડતી હતી, તેના હાથ મારા ગોઠણ નીચે હતા અને તેની આંખ દબાવી રાખીને અમરે તેનું માથું પકડી રાખ્યું હતું.

શશીએ તેની આંખે પાટો મુક્યો પછી અમરે તેનો હાથ સેરવી લીધો અને આંખે સખત પાટો બાંધી દીધો. હવે અમર અને શશી બંને ફ્રી હતા. અમરે શેઠાણીનો એક હાથ પકડ્યો અને બીજો હાથ મેં પકડીને નીચે ઉતરી ગયો અને શેઠાણીને પલટાવીને ઉંધી કરી અને તેના બંને હાથ ભેગા કરીને ડક્ટ ટેપથી લપેટી લીધા. પછી તેને ખભેથી પકડીને ઉભી કરી અને ખુરશી પર બેસાડી, શશીએ ખુરશીની પીઠ સાથે શેઠાણીને ટેપ લપેટીને જકડી લીધી. શેઠાણી ખુરશી પર બેઠી હતી પણ તે ખુરશીની પીઠ સાથે બંધાયેલી હતી, અને તેના હાથ પણ અમે પાછળ બાંધ્યા હતા. તેના મોં પર ટેપ હતી અને આંખે પટ્ટો બાંધ્યો હતો.

હું મારો થેલો અને બધી વસ્તુઓ સમેટવા લાગ્યો, અમર અને શશી રૂમની ઝડતી લઇ રહ્યા હતા. રૂમમાં ક્યાંય સેફ જોવાતી નહોતી. બે મોટા લાકડાના વોર્ડરોબ હતા, તે ખોલવા અમરને ઈશારો કર્યો અને હું બહાર ગયો. બહાર શેઠ પડ્યો હતો, તેના હાથમાંથી પિસ્તોલ અને ફોન લીધા અને અંદર આવ્યો, અને બેડ પાસેના ડ્રોઅરમાં પિસ્તોલ મૂકી, અને ફોન મારા ખિસ્સામાં મુક્યો. અમરે ચાવી શોધીને એક વોર્ડરોબ ખોલ્યું હતું, તે ઠાંસોઠાંસ શેઠાણીના કપડાથી ભરેલ હતું. તેને ફરી લોક કર્યું અને બીજું વોર્ડરોબ ચાવીઓ અજમાવીને ખોલી નાખ્યું, તેમાં શેઠના કપડાં હતા અને નીચે મોટી સેફ હતી, તે જોઈને અમારી ત્રણેની આંખમાં ચમક આવી. હવે તેની ચાવી શોધવાની હતી. શશી અને અમર રૂમમાં શોધવા લાગ્યા અને મને આશા નહોતી તો પણ બહાર જઈને શેઠના લેંઘાના ખિસ્સા તપાસી આવ્યો.

મેં માસ્ક ઉતારી લીધો, મને જોઈને અમર અને શશીએ પણ માસ્ક ઉતાર્યા, અમને હવે જરૂર નહોતી, શેઠાણીની આંખે પટ્ટી હતી. અમે ત્રણે સેફની ચાવી શોધી રહ્યા હતા, ન મળે તો મને જરાય ટેંશન નહોતું, શેઠાણી અમને બતાવી શકે એમ હતી, પણ તે છેલ્લો ઉપાય હતો. અમે અમારો અવાજ શેઠાણીને સંભળાવવા માંગતા નહોતા, તેથી જ વાતો કરવાની મનાઈ હતી અને ઇશારાથી જ એક-બીજા સાથે વાતો કરતા હતા.

અને શશીને પથારી નીચેથી ચાવી મળી ગઈ...

અમરે સેફ ખોલી, અને મારા મોં પર વિજયી મુસ્કાન આવી... સેફ માં બે હજારની નોટોના બંડલ ભર્યા પડ્યા હતા, મેં એક નજરમાં અનુમાન લગાવી લીધું કે સિત્તેર થી એંસી બંડલ હશે..

નીચે ખાનામાં ઘરેણાં ભરેલો મોટો ડબ્બો હતો અને તેની પાછળ વિસ ગ્રામ સોનાની બિસ્કિટની થપ્પી હતી, તે પણ ચાલીસ-પચાસ તો હશે જ..

અમર અને શશી બધું ભરી રહ્યા હતા. મેં બારી ખોલીને બહાર જોયું, જે પાછલી બાજુ એ પડતી હતી. બહાર કાલી ડિબાંગ રાત હતી, હેલોજન ના અજવાળામાં ફુદા અને જીવડાં ઉડતા જોવાતા હતા, અને તમરાઓનો અવાજ આવી રહ્યો હતો. કમ્પાઉન્ડ પછી પણ દૂર દૂર સુધી અવાવરું જમીન હતી, જે ઝાડ-ઝાંખરાંથી છવાયેલી હતી. નીચે જોયું તો મકાન અને કમ્પાઉન્ડ વોલ વચ્ચે ત્રણેક ફૂટ ની જગ્યા રાખેલ હતી અને તેમાં ટાઇલ્સ જડેલી હતી. કેમેરા પોલ બારીથી ડાબી બાજુએ ત્રાંસમાં હતો, જે બાજુના દીકરીના રૂમની બારીની બિલકુલ સામે જ હતો.

દીકરીના બેડરૂમની બારી ખોલીને અમે નીચે ઉતરીને કમ્પાઉન્ડ વોલ પાર કરી લઈએ તો કેમેરા અમને જોઈ શકે નહિ. જોકે મારો પ્લાન તો જ્યાંથી આવ્યા ત્યાંથી જ જવાનો હતો, પણ કશું અજુગતું બને તો આ એસ્કેપ પણ સારો હતો. હું બહાર જઈને દીકરીનો બેડરૂમનો દરવાજો ધકેલ્યો, તે પણ ખુલ્લો જ હતો, જો લોક હોતો તો પણ તેને ખોલવામાં મને તકલીફ પડતી નહિ, બધો સરંજામ હું લઈને જ આવ્યો હતો. પણ સંજોગો અને સમય અમારી ફેવરમાં હતા અને બધું પ્લાન મુજબ અને સહેલાઈથી થઇ રહ્યું હતું. હું બિન્દાસ દીકરીના રૂમમાં ઘુસ્યો અને લાઈટ ચાલુ કર્યા વગર ટોર્ચથી બધું ચેક કર્યું, અને બારી ખોલી નાખી. પોલ સામે જ હતો. નીચે જોયું, ઉતરવામાં તકલીફ પડે એવું નહોતું. છત પરથી આવેલ પાઇપ પકડીને ઉતરી શકાય તેમ હતું.

હું નીચે હોલમાં આવ્યો અને ટોર્ચનો અજવાળે બધું ચેક કરવા લાગ્યો, કે અમારાથી કશું આડું-અવળું તો થયું નથી ને? બધું બરાબર હતું.

હોલની ફર્શ મોંઘા માર્બલની હતી. મોટું ટેબલ, ખુરશીઓ, દીવાલે નીચા સોફા, ટૂંકમાં પાર્ટી માટે આદર્શ ફર્નિચર હતું. હું ઝાડુ શોધવા લાગ્યો, જે મને કિચનમાંથી મળી. હોલના દરવાજાથી લઈને કે સ્ટેર સુધી મેં કચરો વાળ્યો અને તેને વરંડામાં કાઢી આવ્યો. વરંડામાં પણ અમે જ્યાંથી ચઢીને આવ્યા હતા ત્યાં ઝાડુ ફેરવી.

શકીલે તેનું કામ પતાવ્યું હશે, અને તે પછી પણ તેને ગેટ પર જ રહેવાનું હતું, જો કદાચ શેઠની દીકરી આવી જાય તો તેને ગેટ પર જ ઝબ્બે કરીને કાબુમાં લેવાની હતી. હું ચાલતો ગાર્ડની કેબીન નજીક આવ્યો. શકીલ એક ઝાડ પાછળથી બહાર આવ્યો, તેણે પણ માસ્ક કાઢી નાખ્યું હતું. તે બોલ્યો "ભાઈ ઉપર કેવું રહ્યું? બરાબર?"

"હા, આપણા પ્લાન મુજબ જ બધું ચાલી રહ્યું છે, અને આપણી ધારણા કરતા ઘણું વધારે છે. અહીંનું બધું ગોઠવી કાઢ્યું ને?"

"હા, ભાઈ, તમે અહીંનું પતાવવા મને વહેલો મોકલ્યો તે બહુ સારો નિર્ણય હતો.."

મને ધ્રાસ્કો પડ્યો, "કૈંક ખોટું છે?"

"મોડો આવતો તો ખોટું જરૂર થતું.. કેરબો સહેજ જ ખાલી થયો હતો, માળી અને નોકરે બરાબર ઢીંચ્યો હશે, પણ બંને ગાર્ડે એક-બે પેગથી વધારે પીધા લાગતા નથી, તે ઊંઘી ગયા તે પણ તમારી વેલિયમ ને કારણે જ.. હમણાં બંને જાગી રહ્યા છે, જયારે માળી અને નોકર બેશુદ્ધ પડ્યા છે."

"જાગી રહ્યા છે? બાપ રે.. મતલબ આપણે જ્યાંથી આવ્યા ત્યાંથી જવાશે નહિ, અને શેઠની દીકરી પણ આવી જાય તો તેને હોલમાં જ પકડીશું, હવે તારે અહીં રહેવાની જરૂર નથી. ઝડપ કરવી પડશે, ચાલ.." કહીને અમે બંને ઝાડને ઓછાયે ઓછાયે થઈને ઘર તરફ આવ્યા. "પણ તેઓ જાગ્યા તે પહેલા આપણું કામ પતાવી દીધું હતું ને? ખાસ તો આપણે એન્ટર થયા તે સમયનું ફૂટેજ જોયું?"

"હા ભાઈ, વહીસ્કીનો કેરબો સિન્કમાં ધોળીને ધોઈ કાઢ્યો છે, ગ્લાસ પણ ધોઈને આપણે લાવેલ દેશી દારૂની પોટલી ના દારૂમાં ગ્લાસ પલાળીને મુક્યા છે અને પોટલી ખાલી કરીને ત્યાં જ ડસ્ટબીનમાં ફેંકી છે."

"કેરબો ક્યાં ફેંક્યો?"

"ફેંક્યો નથી, મારી બેગમાં લીધો છે. પહેલા ફૂટેજ જ જોયું હતું, કોઈ જ જોવાતું નથી, ભાભી અંદર આવી તે સમયે સહેજ લાઇટિંગમાં ફેરફાર થાય છે, બસ."

"તને કેમ લાગે છે? કઈ વાંધા જેવું ખરું?"

"ના ભાઈ, જરાય વાંધો નથી, આ તો મને સમય ખબર હતો એટલે હું ફક્ત તે સમયનું જ જોઈ રહ્યો હતો એટલે લાઇટિંગનો ખ્યાલ આવ્યો, બાકી તો સો વાર જુએ તો પણ ખ્યાલ આવે તેમ નથી."

"સરસ.. ગાર્ડ જાગી ગયા તેની મને કોઈ ચિંતા નથી, શેઠની દીકરી ન આવવી જોઈએ.. જોકે બહાર નીકળવાનો રસ્તો તો પાછલી દિવાલેથી છે જે મેં જોઈ લીધો છે. હવે આપણે ઝડપ કરીએ અને દીકરી આવે તે પહેલા રવાના થઈએ. અને કુતરા ઘરનું લોક?"

"ભાઈ તે પણ ખોલી લાવ્યો છું, સાલું લપ્ક્યું હતું. પણ ભાઈ દીકરી આવી જાય તો પણ શું ટેંશન? નશેડી છોકરીને કાબુ કરતા વાર કેટલી?"

"ટેંશન તો કશું નથી, પણ તેની એન્ટ્રી થાય તો તો પછી આખી વાર્તા જ ફેરવવી પડેને..." અને અમે હોલમાં થઈને હોલનો દરવાજો લોક કરીને ઉપર આવ્યા. શકીલે શેઠને પડેલો જોયો, તે નીચે બેઠો અને શેઠને તપાસ્યો, અને ઊંચે મારી સામે જોયું, ને બોલ્યો, "ભાઈ...બધું ફેરવી કાઢવું પડશે..."

"હા, સાલો આખો પ્લાન ફેરવવો પડશે." કહીને હું બેડરૂમ જઈને શશી અને અમરને બહાર બોલાવ્યા અને અમરને કહ્યું "લાવ, શેઠનું વોલેટ કાઢ."

"કેમ?" કહેતા અમરે મને શેઠનું ડ્રેસિંગ ટેબલ પરથી ઉઠાવેલ વોલેટ ખિસ્સામાંથી કાઢીને આપ્યું.

"કેમ શું? આ લેવાનું નથી...અને ચાલો હવે, હજુ કેટલું લેશો? ગાર્ડ જાગે છે, જ્યાંથી આવ્યા ત્યાંથી નથી જવાનું, અને દીકરી પણ કદાચ આવી જાય."

અમર બોલ્યો "જાગી પણ ગયા? એટલા જલ્દી?"

"વધારે પીધું નહોતું, ચાલ તારા શેઠને ઉંચક."

અમે શેઠને ટીંગાટોળી કરીને બેડના છેડે ઊંધો સુવડાવ્યો. અને મેં બેડ શીટ ખેંચીને બહાર લઇ લીધી. શેઠાણી ખુરસી પર ઢળીને, હારીને બેઠી હતી. સેફ ખુલ્લી અને ખાલી હતી. રૂમમાં અમને કશું બોલવાનું નહોતું, મેં શેઠનું વોલેટ ટેબલ પર મૂક્યું અને ઇશારાથી માલ ક્યાં છે તે પૂછ્યું, શશીએ મને થેલો બતાવ્યો, તે ઊંચકીને હું સેફ પાસે ગયો અને થેલાની ઝીપ ખોલીને તેમાંથી બે હજારના દસ બંડલ કાઢીને સેફમાં મુક્યા. અને ઘરેણાંનો ડબ્બો શોધવા લાગ્યો, શશીએ બીજો થેલો મારી પાસે મુક્યો. તેમાંથી મેં ઘરેણાંનો ડબ્બો કાઢીને તેને પણ સેફમાં બરાબર મુક્યો અને અમરને સેફ બંધ કરવા કહ્યું. તે આશ્ચર્ય ચકિત થઈને મને જ જોઈ રહ્યો હતો, તે કશું બોલવા ગયો પણ મેં નાકે આંગળી મૂકીને તેને બોલવા દીધો નહિ. તે ક-મને આવ્યો અને સેફ લોક કરી, અને ચાવી જ્યાં હતી ત્યાં મૂકી. થેલામાંથી મેં શેઠની ઘડિયાળ, બ્રેસલેટ અને શેઠાણી એ રાતે કાઢેલો હાર કાઢીને ટેબલ પર મુક્યો.

ત્રણે ને ઇશારાથી બહાર લઇ જઈને ધીરા અવાજે હવે કેવી રીતે બહાર નીકળીશું અને કેવી રીતે વાન પાસે પહોંચવું તે સમજાવ્યું. અમર ચડ-ભડ કરતો હતો, તે અંદર ગયો અને શેઠના વોલેટમાંથી પાંચ નોટ કાઢી લાવ્યો, ને બોલ્યો "આટલા તો હું ચા-પાણી માટે રાખીશ જ, તારાથી થાય તે કરી લે."

"ભિખારી સાલો..." શકીલ અને શશી હસ્યાં. બંને થેલા ઊંચકીને અમે દીકરીના બેડરૂમમાં આવ્યા. હવે વાત કરી શકતા હતા. મેં બારી ખોલીને નીચે જોયું, અને બહાર નીકળતા પહેલા એક વાર ગાર્ડ પર નજર નાખી આવવા માટે અમરને મોકલ્યો. કદાચ રાઉન્ડ મારતો હોય તો??

અમર જોઈને ઝડપથી ઉપર આવીને બોલ્યો "એક ગાર્ડ કેબિનમાં છે, અને બીજો બહાર ખુરશી પર બેઠો છે, પણ પણ તેના પગ પાસે કૂતરો પણ બેઠો છે."

"એટલે તેમને છૂટો કર્યો છે.. હવે તો પાછળ સિવાય કોઈ આરો નથી, ચાલો ફાસ્ટ.." કહીને મેં શકીલને ઈશારો કર્યો, તે બારી પર ચઢીને પાઇપ નો ટેકો લઈને આસાનીથી નીચે ઉતરી ગયો. મેં બંને થેલા તેને નીચે ઝીલાવ્યા. હવે શશીને ઉતરવાનો ઈશારો કર્યો, તે બારી પર તો ચઢી પણ પાઇપ પકડીને નીચે ઉતરતા ડરતી હતી. તે શકીલ જેમ ઉતરી શકે તેમ જ નહોતી. મારા થેલા માંથી મેં જાડા સુતરના દોરડાનું ગૂંચળું કાઢીને ખોલીને નીચે લબડાવ્યું. અમર તેનો છેડો બારીની વચમાં આવેલ બારીને બે ભાગમાં વહેંચતા લાકડાના બારસાખ સાથે બાંધવા લાગ્યો, મેં તેને રોક્યો અને બાથરૂમમાંથી ટુવાલ લાવીને બારસાખે લપેટ્યો અને તેની ઉપર દોરડું બાંધ્યું. શશીને કહ્યું "હવે ઉતરાશે ને?” તે હજુ પણ ડરતી હતી, તેને ધક્કો મારીને મેં દોરડે લટકાવી દીધી, તેણે ગ્લોવ્ઝ પહેર્યા હતા એટલે રસ્સી પર મજબૂત પકડ બનાવી શકી નહિ અને લસરી પડી. તેની બંને હથેળીઓ છોલાઈને ચચરી ઉઠી હશે.. પણ મને કોઈ પડી નહોતી. હું દોરડું છોડી રહ્યો હતો ને મારા ખિસ્સામાં શેઠનો ફોન વાગ્યો, અમે બંને ચમકી ગયા. અમરે ફોન જોયો ને બોલ્યો "ગાર્ડ છે...." મેં અમરને શું વાત કરવી તે સમજાવ્યું. અમરે ફોન ઉઠાવ્યો અને નશામાં હોય તેમ અને ઘોઘરા અવાજમાં શેઠની સ્ટાઇલમાં બોલ્યો "શું છે, "

"સાબ, લાઈટ ચાલુ છે એટલે.... પૂછ્યું..."

"તું તારું કામ કર ને...." કહીને અમરે ફોન બંધ કર્યો.

"બહુ મસ્ત... " કહીને મેં તેને શાબાશી આપી. અને બોલ્યો "હવે તારી શેઠાણીને તૈયાર કરીને આપણે પણ નીકળીએ."

"તેને શું તૈયાર કરવાની? તેને એમ જ રહેવા દે, આપણે નીકળીએ."

"તારું માથું દુખવા આવી જશે બચ્ચું... વધારે દિમાગ પર જોર ન આપ." કહીને હું શેઠના રૂમમાં આવ્યો, તે પણ પાછળ આવ્યો. શેઠાણીની આંખ પર પાટો અને મોં પર ટેપ હતી અને તેને ખુરશી સાથે ટેપ થી બાંધી હતી. શેઠ બરાબર સૂતો હતો, મને જેમ જોઈતું હતું તેમ જ.. એક પાતળો અને લમ્બો ફ્લાવરવાઝ ઉઠાવીને મેં નીચે પટકીને તોડી નાખ્યો. રૂમમાં ફરી એકવાર નજર ફેરવી, કશું અજુગતું દેખાવું ન જોઈએ. હું બાથરૂમમાં ગયો અને ત્યાં જોયેલી કપડાં સુકાવતા ભરાવવામાં આવતી બે ચાંપ લઈને બહાર આવ્યો. શેઠાણીની ખુરશી ખસેડીને જગ્યા કરી, તે જગ્યાએ નીચે બેડ-શીટ પાથરીને અમર સામે જોયું. અમરે શેઠાણીને ટેપ ખોલીને ખુરશીથી અલગ કરી. અને તેને ઉભી કરીને ધકેલીને બેડ-શીટ પર લાવ્યો અને તેને પગે આંટી આપીને તેને બેડ-શીટના છેડે ઉંધી સુવડાવી દીધી. અને તેના પાછળ બાંધેલ હાથ પણ છુટા કર્યા, શેઠાણી ફરી હાથ-પગ ઉલાળવા લાગી, મેં તેના બંને હાથ સીધા તેના શરીર સાથે ચોંટાડીને પકડી રાખ્યા, અને અમરે ચાદર વીંટવાની શરુ કરી, પછી મેં મારા હાથ કાઢી લીધા. હવે શેઠાણી ચાદરમાં વીંટળાયેલી હતી, અમે તેને ગબડાવીને તેના શરીરને સખત ચાદરમાં વીંટી દીધું, જાણે મમી જોઈ લો.... તેના ચાદરમાં હાથ-પગ છુટા જ હતા, પણ તેના શરીર પર ચાદર એટલી સખ્ત લપેટી હતી કે ખુબ ધમ-પછાડા કરે અને આળોટે ત્યારે જ તે છૂટી થઇ શકે તેમ હતું. અને તે માટે પાંચ-સાત મિનિટ તો સહેજે ય લાગી જાય તેમ હતી. અમને બસ એટલો સમય પૂરતો હતો. અમર શેઠાણીની મમીને એક પગે દબાવીને ઉભો હતો, મેં ડક્ટ-ટેપના ટુકડા વીણ્યાં અને ડૂચો વાળીને ખિસ્સામાં નાખ્યા. ફરી એકવાર નજર ફેરવી, કશું રહી તો નથી જતું ને? મેં અમરને ઈશારો કર્યો અને અમે બંને શેઠાણીની મમીના મોં પાસે ગોઠવાયા. અમરે શેઠાણીના ગાલે એક હાથે અંગુઠો અને આંગળા દબાવીને તેનું જડબું ભીંસ્યું, મેં તેના મોઢેથી ટેપ ઉખાડીને ખિસ્સામાં નાખી. જડબું ભીંસાયેલું હોવાથી શેઠાણીનો અવાજ બરાબર નીકળતો નહોતો કે તેનું મોઢું બંધ પણ થઇ શકતું નહોતું. તેના ખુલ્લા મોઢામાં મેં મારા ડાબા હાથનો અંગુઠો અને પહેલી આંગળી નાખીને તેની જીભ પકડવાની કોશિશ કરવા લાગ્યો, થોડા પ્રયત્ન પછી હું સફળ થયો ને ખેંચીને તેની જીભ સહેજ બહાર લાવ્યો અને તેના પર કપડાં સૂકવવાની ચાંપ ભેરવી દીધી. હું બે ચાંપ લાવ્યો હતો, પણ બીજી ભેરવવાની મને કોઈ જરૂર લાગી નહિ. મેં જીભ છોડી દીધી, અમરે પણ તેનું જડબું છોડી દીધું.

જીભ અંદર લીધા પછી પણ ચાંપ અડધી બહાર જોવાતી હતી, શેઠાણી મોંમાંથી ચિત્ર-વિચિત્ર અવાજો કરવા લાગી. ટૂંકમાં તેને મોટેથી ચીસો પાડવા માટે ચાદરમાંથી છૂટ્યા પછી જીભેથી ચાંપ દૂર કરવી જરૂરી હતી. બીજી ચાંપ જ્યાંથી લાવ્યો હતો ત્યાં મૂકી આવ્યો. શેઠાણી કશું બોલી રહી હતી, પણ અમરે તેના મોઢે હાથ દાબ્યો હતો.

બસ અમને નીકળવાનો સમય થયો હતો, મમીને ઉંધી સુવડાવી. અમરને જવાનો ઈશારો કર્યો, તે બાજુના રૂમની બારીથી બહાર નીચે ઉતરી ગયો. મેં સેફટી માટે ફરી માસ્ક ચઢાવ્યું, લાઈટ બંધ કરી, ખિસ્સામાંથી શેઠનો ફોન કાઢીને ટેબલ પર મુક્યો, અને ઉંધી સુવડાવેલ શેઠાણીની આંખે થી પટ્ટી ખોલીને હું પણ ઝડપથી બાજુના રૂમની બારી બહાર લટક્યો. અને નીચે ઉતરતા પહેલા બારી બંધ કરી અને નીચેની સ્ટોપર સહેજ ઠેસી પર અટકાવી અને બહારથી ધક્કો મારીને બારી બંધ કરી. અટકાવેલી સ્ટોપર પડી ગઈ અને બારી અંદરથી લોક થઇ ગઈ.

હવે આળોટી-આળોટીને શેઠાણી પોતાને મુક્ત કરાવીને જીભેથી ચાંપ કાઢીને પછી બુમા-બૂમ કરી મુકશે, પણ એટલીવાર મને વાન સુધી પહોંચવા પૂરતી હતી. નીચે ઉતરીને હું કેમેરાની બિલકુલ નીચેથી કમ્પાઉન્ડ વોલ ઓળંગી અને કેમેરાને પીઠ તરફ રાખીને નેવું ડિગ્રીએ ચાલતો રહ્યો, લગભગ એક કિલોમીટર મારે એજ દિશામાં જવાનું હતું. મને સંતોષ થયો ત્યારે હું ડાબી તરફ ફરીને કાટખૂણે ચાલવા લાગ્યો. હવે હું સડકને સમાંતર ચાલી રહ્યો હતો. મનમાં ગણતરી કરીને ચાલ્યા પછી હું ફરી ડાબી બાજુએ વળ્યો, અને મારુ અનુમાન સાચું હતું, હું બરાબર વાન પાસે પહોંચ્યો હતો. મારી પહેલા અમર પણ આવી ગયો હતો, શશી અને શકીલ વાનમાં જ હતા. હું તેમને જોતા જ તાડૂક્યો, "તમે બાઘાની જેમ અહીં કેમ બેઠા છો? તમને નીકળી જવું જોઈએ ને.."

શશી બોલી "તમને કેટલી વાર થઇ, અમે તો થાકી ગયા..."

અમર બોલ્યો "આ તારો ધણી.... ફાલતુ અને નકામી વાતો પર ટાઈમ બગાડ્યો...સાલી શેઠાણીને લગનમાં મોકલવાની હોય તેમ અડધો કલાક તેને તૈયાર કરવામાં કાઢ્યો...."

શકીલ હસ્યો, પણ કશું બોલ્યો નહિ. અમર આગળ બોલ્યો "મને તો રાજુ પર એટલો ગુસ્સો છે કે જો દોસ્તી ન હોતી તો હું આ માલ લઈને ભાગી જ જતો... સાલો, વિસ લાખ, હા પુરા વિસ લાખ અને ડબ્બો ભરીને ઘરેણાં પાછા મૂકી આવ્યો.. હદ કરી નાખી... ભાગ કરતી વખતે આ વાત ધ્યાને લેવામાં આવશે, ધ્યાન રાખજે." કહીને મારી સામે પહેલી આંગળી તાકી.

"તારે લીધે છોડવા પડ્યા."

"શું? મારે લીધે?"

"હા, તારે લીધે જ... પણ તેની ચર્ચા પછી કરીશું, પહેલા તમે નીકળો."

શશી બહાર આવી, અને અમર વાન માં બેઠો.

------- બાકી છે.