Suneha - 14 books and stories free download online pdf in Gujarati

સુનેહા - ૧૪

-: ચૌદ :-

પવન,

નવાઈ લાગીને ખાલી પવન વાંચીને? જે સુનેહા તને ખુબ લાડમાં એસ એમ એસ માં પણ કાયમ પન્નું કહીને બોલાવતી એ આજે તને ફક્ત પવન કહીને બોલાવે છે, બરોબરને? મને તો જરાય નવાઈ નથી લાગી, એટલે નહીં કે આ પત્ર હું લખી રહી છું, પણ એટલે કે હું જાણું છું કે હું તને કાયમ ખોટાં લાડ લડાવતી હતી. કારણકે પવન, મેં ક્યારેય તને પ્રેમ કર્યોજ નથી, એવીજ રીતે જેવીરીતે તેં કેટલીય છોકરીઓને ક્યારેય પ્રેમ નહોતો કર્યો. તે કાયમ એક છોકરીને, એક સ્ત્રીને તારી ભૂખ સંતોષવાના મશીન તરીકે જ જોઈ હતી એમ મેં પણ તને કાયમ મારો બદલો લેવાના સાધન તરીકે જ જોયો હતો.જો જે એમ માનતો કે મેં તારો ઉપયોગ જગતાપે મારા પર કરેલા અત્યાચારનો બદલો લેવા માટે જ કર્યો છે. કારણકે તારી સાથે બદલો લેવાનો વિચાર તો આપણે સામસામે પહેલીવાર મળ્યાંને એના બે વર્ષ અગાઉજ લઇ લીધો હતો. અને મેં મારા બદલાને અંજામ આપવાનું તો મેં જયારે તારી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાનું નક્કી કર્યું તે દિવસે નક્કી કરી લીધું હતું. ત્યાંસુધીતો તનેય ખબર છે કે જગતાપ મને ક્યારેય નડ્યો ન હતો. કન્ફયુઝ થઇ ગયો ને? ચાલ તારી આ કન્ફયુઝન દુર કરી દઉં.

તું દિવ્યા દીદીને તો જાણે છે ને? અરે દિવ્યા મહેશ્વરી જે તારી કંપનીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી? હા બસ એ જ. તારા શબ્દોમાં કહું તો ‘ફટકો’, ‘માલ’ વગેરે વગેરે. એ દિવ્યા મહેશ્વરી મારા સગ્ગા માસીની છોકરી એટલેકે મારી બહેન છે. હવે જો તને દિવ્યા દીદી યાદ આવી ગઈ હોય તો તે તારી સાથે સૂવા માટે પાડેલી ફક્ત એકવારની ‘ના’ નાં બદલામાં તેં એના પર પેલી ગંદી, સડેલી લોઅર ક્લાસની હોટલના રૂમમાં એમના પર ગુજારેલા બળાત્કાર અને સિતમોની યાદ પણ આવી ગઈ હશે ને? કદાચ તને એ બાબતની ખબર નહીં હોય પવન, કે તું તો દિવ્યા દીદીને સિગરેટના ડામ આપીને અને એમના પર રેપ કરીને, બાંધેલી અવસ્થામાં વહેલી સવારે ઘરે જતો રહ્યો હતો, પણ તારા ગયા બાદ તારા પેલા ચમચા મુસ્તાકે પણ મારી દીદીને એની ઈચ્છા વિરુદ્ધ ભોગવી હતી. મારી દીદીએ મૂંગે મોઢે આ બધુંજ સહન કરીને માંડમાંડ હોસ્ટેલ પહોંચ્યા બાદ માત્ર એક કલાકમાં જ અમદાવાદમાં કોઈને પણ કશુંજ કીધા વગર મારે ઘેરે અહિયાં જોધપુર આવવા નીકળી ગઈ હતી.

અમદાવાદથી જોધપુરના આખાયે રસ્તામાં દીદીને તેં આપેલા ડામ સતત એમને કેટલા ડંખ્યા હશે એનું દર્દ તો ફક્ત દીદી જ જાણતી હશે, પણ મારા ઘેરે ઉતરીને તરતજ એણે મને તે દીધેલા ડામથી દાજેલું એમનું આખું શરીર દેખાડ્યું અને હું તો ત્યારેજ લગભગ બેહોશ થવાની અણી પર હતી. પણ દીદીએ મને આ ડામ પર લેપ લગાડવાનું કીધું અને સાથેસાથે આ વાત કોઈને પણ ન કહીને આ વાત કાયમ માટે ભૂલી જવાનું વચન પણ લીધું. દીદી અને હું બે શરીર અને એક આત્મા હતા. ત્યાં અમદાવાદમાં રહીને પણ એ મારી નોકરી માટે સતત કોશિશ કરી રહ્યા હતાં, કારણકે એમને ખબર હતી કે મારા પપ્પાની પરિસ્થિતિ એટલી સારી નહોતો, વળી અમે બે એકબીજાથી વધુ સમય દુર રહી શકીએ એમ નહતા. પણ તે મારી દિવ્યા દીદીની જિંદગી કાયમ માટે બરબાદ કરી નાખી છે એ ગંભીરતાનો ખ્યાલ મને ત્યારે આવ્યો જયારે દિવ્યા દીદીએ એમના બોયફ્રેન્ડ મનીષ સાથે બધાંજ સંબંધો કાપી નાખ્યા. એ આખો દિવસ પોતાના ઘરનાં એક ઓરડામાં સુનમુન બેઠાં રહેતા. ધીરેધીરે તો એ મને પણ અવોઇડ કરવા લાગ્યા અને અહિયાં આવ્યા પછી લગભગ ત્રણ મહિના પછી એક રાત્રે એ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા, એવીજ રીતે જેમ આજે હું ક્યાંક દુર જઈ રહી છું.

દિવ્યા દીદીને આપેલા વચન બાદ હું પણ બધું ભૂલી ગઈ હતી. પણ જયારે જગતાપનું માંગુ આવ્યું અને મને ખબર પડી કે તે અમદાવાદ રહે છે એટલે મને તરતજ તું અને દિવ્યા દીદી પર તે ગુજારેલા ત્રાસની યાદ પાછી આવી ગઈ. મને થયું કે અમદાવાદ રહીશ તો એક દિવસ તો તને જરૂર શોધી લઇશ અને દીદી વતી જવાબ માંગીશ. પણ મારું નસીબ મારા વિચાર્યા કરતાં પણ કદાચ વધારે જોર કરતું હતું. જગતાપે મને નોકરી કરવાની છૂટ આપી અને લગ્ન થયાના ત્રણેક મહિના પછી મેં પેલા એન જી ઓ માં કામ પણ શરુ કર્યું. આ નોકરી દરમ્યાન હું સતત એવી કોશિશ કરતી હતી કે ક્યાંક મને નેશનલ કુરિયર સર્વિસ નો પવન રાઠોડ સામે જ મળી જાય, પણ એમ કાઈ સિંહના મોઢામાં હરણ સામે ચાલીને થોડું આવે? એ નોકરી પણ પોણા બે વર્ષે છૂટી ગઈ. પણ જયારે મેં છાપામાં તારી કંપનીમાં રીસેપ્શનીસ્ટની એડ જોઈ ત્યારે મને પાક્કી ખાતરી થઇ ગઈ કે ભગવાને મને દિવ્યા દીદીનો બદલો લેવા માટેજ અહિયાં અમદાવાદ મોકલી છે. મને મારાં રૂપ ઉપર તો વિશ્વાસ હતો જ પણ એના કરતા મને તારી વાસના પર પાક્કો વિશ્વાસ હતો અને એટલેજ મેં એ બાબતનું ધ્યાન રાખ્યું હતું કે ઇન્ટરવ્યુ વખતેજ હું કપડાં એવીરીતે પહેરું કે તું પહેલી નજરેજ ઘાયલ થઇ જાય અને કદાચ ભગવાન પણ એમ જ ઈચ્છતો હતો કે હું દીદીનો બદલો લઉં અને એટલેજ તે પણ મને વધુ કોઇપણ વિચાર કર્યા વીના પસંદ પણ કરી લીધી. તારી સાથે મારે સંબંધ તો વધારવો જ હતો, પણ મને ખબર નહોતી પડી રહી કે તને પાઠ ભણાવવા હું શું કરું. મેં આપણને બંનેને નજીક પણ આવવા દીધા અને અને એકબીજાને આઈ લવ યુ પણ કહી દેવા દીધું, પણ મારો બદલો?

મારે બને ત્યાંસુધી તને મારા શરીરથી દુર રાખવો હતો. એવું ન હતું કે મારે મારા બદલા માટે મારા શરીરનો ઉપયોગ નહોતો કરવો, પણ મારે તને તડપતો જોવો હતો, મારા શરીર માટે, મારા સાથ માટે. બે-ત્રણ મહિના પછી મેં પણ જોયું કે તું મારા માટે પાગલ થઇ રહ્યો હતો, પણ મને સરપ્રાઈઝ એ વાતે થયું કે તું મારી સાથે ફિઝીકલી નહીં પણ ઈમોશનલી એટેચ થઇ રહ્યો હતો અને એ ત્રણ મહિનામાં બીજી છોકરીઓની જેમ તે મારી પાસે ક્યારેય મારા શરીરની ન તો માંગણી ન કરી કે ન તો એવી કોશિશ સુદ્ધાં કરી. સાચું કહું પવન તો તારી પાસેથી આવા વર્તનની મને જરાય આશા નહોતી, ખાસકરીને દિવ્યા દીદીએ મને તારા વિષે જે કહ્યું હતું એ મુજબતો તારે મને આ બે મહિનામાં તો ‘પાડી નાખવી’ જોઈતી હતી. તારા આવા વર્તનને લીધેજ લાંબા સમય સુધી બદલો લેવાનો કોઈ નક્કર આઈડિયા ન સુજતા હું મારી જાત ઉપરજ ખુબ ગુસ્સે થવા લાગી અને એક ભૂલ કરી બેઠી, પણ મારા સારા નસીબે તને મારી એ ભૂલ બાબતે ગંધ સુદ્ધા ન આવી, કારણકે તું મારા પ્રેમમાં પૂરેપૂરો પાગલ થઇ ચુક્યો હતો.

તને યાદ તો હશે જ કે, જયારે તું તારા દોસ્તોની સાથે થર્ટી ફસ્ટની પાર્ટી કરવા જેરામ સરના ફાર્મ હાઉસમાં ગયો ત્યારે તેં જ મને કહ્યું હતું કે ત્યાં તું લગ્ન પહેલાં છેલ્લીવાર પોતાના ફ્રેન્ડસ સાથે બધીજ જાતની મોજમસ્તી કરી લેવા માંગે છે. હું આ ‘બધીજ જાતની’ શબ્દો નો મતલબ સમજી ગઈ અને તને મેં ખુશીથી ત્યાં જવા દીધો હતો. તને એમ થયું હશે કે હું બહુ મોડર્ન વિચારો ધરાવું છું એટલે મેં આમ કર્યું, પણ ખરેખર તો હું મારી લાંબા સમયની નિરાશાથી કંટાળીને બદલો લેવા ઉતાવળી થઇ ગઈ હતી. તમે લોકો જયારે ત્યાં ન્યુ યર ની મજા કરી રહ્યાં હતાં ત્યારે પોલીસ આવી હતી યાદ છે? એ પોલીસને મેં જ મોકલી હતી, એક પી સી ઓ ઉપરથી ફોન કરીને મેં જ પોલીસને પોતાનું નામ છુપાવીને જેરામ સરના ફાર્મ હાઉસનું એડ્રેસ આપ્યું હતું. તને યાદ તો હશેજ કે તે વખતે મેં તને ફોન કર્યો હતો? એ ફોન મેં તારી પાર્ટી શરુ થઇ કે નહીં એ કન્ફર્મ કરવાજ કર્યો હતો. મેં પોલીસને પણ કીધું હતું કે જો આલોકોને રંગેહાથ પકડવા હોય તો બાર વાગ્યાની આસપાસજ રેડ પાડજો. પોલીસે એમ કર્યું પણ ખરું અને મને શાંતિ થઇકે હવે પોલીસ તને પકડી જઈને બરોબરનો ઠમઠોરશે અને તું થોડા દિવસ જેલમાં રહીશ અને મારા હૈયાને થોડીક ટાઢક મળશે, પણ તું સ્માર્ટ નીકળ્યો અને તું એ પોલીસવાળાને પચાસ હજાર ખવડાવીને સાવ કોરેકોરો બહાર નીકળી ગયો. હું વધારે નિરાશ થઇ. પણ ત્યાંજ મારા સદનસીબે જગતાપે તરતજ એનું રૂપ બદલ્યું. તને મારી સાથે એકવાર એ જોઈ શું ગયો કે એણે મને વેશ્યા ની ઉપમા આપી દીધી અને મને પોતાના બેલ્ટથી ખુબ મારી.

તે રાતે મને જગતાપમાં તું દેખાયો અને મારા માં દિવ્યા દીદી, અને ત્યારેજ મેં નક્કી કર્યું કે કશુંક એવું કરું કે તારો અને જગતાપનો બદલો એક સાથે પૂરો થઇ જાય. પણ આ વખતે મારે જરાય ભાવનાઓમાં વહી જવું નહોતું અને ખુબ વિચારીને એક એવો પ્લાન બનાવવો હતો કે જેનો કોઈ તોડ ન હોય અને પછીજ તેને અમલમાં મુકવો હતો. જગતાપનાં સુઈ ગયા પછી ખુબ વિચાર્યા બાદ એ જ રાત્રે મેં તારા દ્વારા જ હું એક બાળકની માતા બનું એવો પ્લાન નક્કી કરી લીધો. આમ કરવાથી એક કાંકરે બે પક્ષી મરવાના હતાં. જગતાપને એની નામર્દાઈની શરમમાં ડૂબાડવાનો હતો અને તને, જે મારા માટે હવે કશુંપણ કરવા તૈયાર હતો, એ પવન રાઠોડને ઈમોશનલી ખતમ કરી દેવાનો હતો. બસ, મને મારો જ પ્લાન ગમી ગયો, અને મને ખબરજ હતી કે મારા પ્રેમમાં પાગલ થયેલો તું મને આ બાબતે ના નહીંજ પાડે. મારા અને મારી દિવ્યા દીદીના અપમાનનો બદલો એકસાથે લેવા માટે જો મારે મારા શરીરનો ઉપયોગ થવા દેવો પડે તો એમાં શું વાંધો છે? એમ વિચારીને હું યોગ્ય સમયની રાહ જોવા લાગી. જે દિવસે પેલી નાનકડી દેરી પાસે મેં તને મારા પ્લાન વિષે કીધું અને તે પછી ગુસ્સામાં આવી જઈને મેં પુરુષજાતી વિષે જે કાઈ પણ કીધું હતું એ ખરેખરતો તને અને જગતાપને ધ્યાનમાં રાખીને જ કીધું હતું પવન, કારણકે મને ખબર છે કે જગતના તમામ પુરુષો તમારા બંને જેવા નથી હોતા. તને મારા પ્લાનમાં આસાનીથી શામેલ કર્યા બાદ કેન્યા જતાં પહેલા જગતાપે મને જોધપુર મૂકી જઈને મારી એ સમસ્યાનો હલ પણ આપોઆપ આપી દીધો. ત્યારપછી શું થયું એનો તો તને ખ્યાલ છે જ ને?

પણ હા તું વારેવારે જયારે જગતાપને મારવાની વાત કરતોને ત્યારે મને ખુબ ટેન્શન થઇ જતું. તારું કે જગતાપનું નહીં પણ મેં નક્કી કરેલા પ્લાનના ફેલ જવાનું અને એટલેજ તું જયારે જયારે જગતાપને મારવાની વાત કરતો ત્યારે ત્યારે હું તને પ્રેમથી સમજાવીને કાયમ શાંત કરી દેતી, કારણકે તને અને જગતાપને પાઠ ભણાવ્યા પહેલાં મારે તમને બંનેને મારા પ્લાનની પકડમાંથી એમ સહેલાઈથી જવા દેવા નહોતાં. બાકી કુદરતે પણ તારી સાથે કેવો ન્યાય કર્યો નહીં પવન? જે સ્ત્રીને તું ખાલી પોતાની વાસના સંતોષવાનું રમકડું માનતો હતો એ જ સ્ત્રીએ તને પહેલાતો પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો, તને ઈમોશનલી યુઝ કર્યો, તારા થકી એ સ્ત્રી માં પણ બની અને તારો યુઝ થઇ જતાં તને તરછોડી પણ દીધો એને વળી પાછી એક છોકરીજ આવી! તારી આખી જિંદગી એક આખું વર્તુળ ફરી ગઈ, પવન.

પવન, તું કે જગતાપ અને તમારા જેવા પુરુષો અમને સ્ત્રીને મનુષ્યજાતનો એક ભાગ ગણવા પણ તૈયાર નથી. દુઃખની વાત તો એ છે કે, તમારા જેવા પુરુષો તો આ દુનિયામાં ખૂણેખૂણે જોવા મળે છે. અમે સ્ત્રીઓ અખૂટ સહનશક્તિ ધરાવીએ છીએ અને એને લીધેજ તમારા જેવા પવનો અને જગતાપોને પોતાના કરેલા કર્મો પર કોઈજ શરમ કે પસ્તાવાની લાગણી થતી નથી. જો બધીજ સ્ત્રીઓ મૂંગી રહીને તમારો ત્રાસ સહન કરી લેશે તો તમારા લોકોનાં ત્રાસનો અંત નહીં જ આવે, કોઈકે તો તમારા જેવાઓને પાઠ ભણાવવો પડશે ને? મેં આમ જ વિચાર્યું હતું પણ જયારે તું પોલીસને હાથેથી પણ છટકી ગયો ત્યારેજ મેં નક્કી કરી નાખ્યું હતું કે મારે હવે તને ઈમોશનલી ખતમ કરવો છે. તને મારે એ દેખાડી આપવું હતું કે જયારે કોઈ સ્ત્રી એનું તન અને મન કોઈ સાથે જોડી દે અને સામે એજ વ્યક્તિ એને માત્ર પોતાનો સંતોષ પૂરો થઇ જવાથી એના પર ખુબ ત્રાસ ગુજારે ત્યારે અમારી શું હાલત થતી હોય છે? અમે તો ન ઘરનાં રહીએ છીએ કે ન ઘાટના. પછી જમાનો શું કહેશે એમ વિચારીને અને પરિસ્થિતિ સાથે સમાધાન કરીને કે પછી અત્યારસુધી આમ જ ચાલ્યું છે અને ચાલુ રહેશે એમ સ્વીકારી લઈને અમે અમારી જિંદગી પૂરી કરી દઈએ છીએ, પણ સુનેહા એ કરોડો સ્ત્રીઓ માંથી નથી. સુનેહા જો કોઈને પ્રેમ કરે છે તો એને સામે એટલોજ પ્રેમ એના સાથી પાસેથી માંગતા પણ આવડે છે. દિવ્યા દીદીનું શરીર વાપર્યા સીવાય તને એનામાં બીજો કોઈજ રસ નહતો. હા, એણે એમની આર્થિક મજબૂરીને લીધે પોતાની જાતને તને સોંપી હતી, પણ એનો મતલબ એ બીલકુલ નહોતો પવન, કે તું એના શરીરને ચારણી જેવું બનાવી નાખે જયારે તે તને માત્ર એક વાર એની મજબૂરીને લીધે ફક્ત મળવાની ના પાડે?

દિવ્યા દીદીની ના સાંભળીને તે એની જિંદગી ખતમ કરી નાખી હતીને? ચાલ હવે આ સુનેહા પણ તને ના પાડે છે તારી સાથે જોડાવા માટે, બોલ હવે તું મારું શું બગાડી લેવાનો છે? જે બાળકને તું નવ-નવ મહિના ‘બાબુ’ ‘બાબુ’ કહીને એની સાથે ઈમોશનલી પૂરેપૂરો અટેચ થઇ ચુક્યો છે, એ જ તારા ‘બાબુ’ ને હું લઈને ક્યાંક જઈ રહી છું અને તને ખબર પણ નથી કે જયારે તું આ લેટર વાંચતો હોઈશ ત્યારે હું કેટલાય કિલોમીટર દુર ક્યાંક પહોંચી ગઈ હોઈશ. કદાચ મારે તને એપણ કહેવાની જરૂર નથી કે મને શોધવાની કોશિશ ન કરતો, કારણકે તું કોશિશ કરીશ તો પણ હવે હું તને આ જિંદગીમાં તો નહીં જ મળું. મને ખબર છે કે તને માનસિક રીતે ખુબ મોટો ધક્કો વાગશે, પણ મને એનો જરાય પસ્તાવો નથી, કારણકે દિવ્યા દીદીના શરીર પર તારી સિગરેટના એક એક ડામ પર મેં મલમ લગાડ્યો હતો પવન. જગતાપને તોડ્યા બાદ આજે પવન રાઠોડના દિલોદિમાગને ધીમેધીમે ભાંગી અને એનો છેવટે એનો નદીની રેતી જેવો ભુક્કો કરીને મને અત્યંત આનંદ થઇ રહ્યો છે. તું જયારે આ વાંચતો હોઈશ ત્યારે હું મારી દીકરી સાથે ક્યાંક બેઠી હોઈશ અને તારી માનસિક હાલત વિચારી ને હું મનમાં ખુશ થતી હોઈશ અને આપણી, સોરી, મારી દીકરી સાથે પણ એ ખુશી શેર કરતી હોઈશ.

છેલ્લે એક સલાહ આપું? જો તારા માટે પોસીબલ હોય પવન તો જયારે તું આ આઘાતમાંથી ઉભો થાય ત્યારે એક સારી છોકરી જોઇને એની સાથે પરણી જજે અને તારી બાકીની જિંદગી એને ખુબ સુખી કરીને તારા આ જન્મના પાપનું પ્રાયશ્ચિત કરવાની કોશિશ કરજે. મેં જે તારી સાથે કર્યું એનો જો બદલો લેવાનું વિચારીશ તો એટલું ધ્યાન રાખજે કે કોઈને કોઈ બીજી સુનેહા તારા જીવનમાં ફરીથી ચોક્કસ આવશે, એટલે બાકીની જિંદગી બદલો લેવાનો વિચાર ન કરીને કોઈ સાથે સુખેથી વિતાવ. હું પણ મારી ક્રિશ્ના સાથે, હા મેં મારી દીકરીનું નામ ક્રિશ્ના પાડ્યું છે, સુખેથી આ દુનિયાના કોઈક ખૂણે જીવી લઈશ.

તારી નહીં એવી,

સુનેહા.

***

સુનેહાના આ પત્રનો એકએક શબ્દ વાંચતી વખતે પવનનાં અંગો સુન્ન થઇ રહ્યા હતાં. એને એવું લાગતું હતું કે એના શરીરની બધીજ તાકાત ક્યાંક ઓગળી રહી છે. જો દોઢેક વર્ષ પહેલાનો પવન રાઠોડ હોત તો એ જરૂર ગુસ્સે થઇ ને કશુંક કરી બેસત, પણ એજ પવન રાઠોડને તો સુનેહાના જ શબ્દોમાંજ કહીએ તો, સુનેહાએ જ એના દિલોદિમાગને ધીમેધીમે ભાંગી અને છેવટે એનો નદીની રેતી જેવો ભુક્કો કરી નાખ્યો હતો. પત્ર વાંચ્યા પછી પણ લાંબા સમય સુધી પવન આંખોમાં આંસુઓ ની ધાર સાથે એ પત્ર સામે સતત તાકતો રહ્યો અને મગજમાં વિચારતો રહ્યો કે સુનેહા, પહેલી એવી સ્ત્રી જેને તેણે તનમનથી ચાહી હતી એણે એની સાથે આવું કેમ કર્યું? પવનનું મગજ વધુ વિચાર ન કરી શકતા છેવટે પવને કાર સ્ટાર્ટ કરી અને શહેરથી દુર, હાઈવે પર નિર્જન વિસ્તારમાં આવેલા એક દેસીદારૂના ઠેકા પર રોકી. ઠેકા પરથી દેસીદારુની એક મોટી બોટલ ખરીદીને પવન પોતાની કારમાં ફરીથી બેઠો અને એક શ્વાસે આખીયે બોટલ ગટગટાવી ગયો અને થોડીવાર પછી એ એનીજ કારમાં એ સુઈ ગયો.

બીજે દિવસે બપોરે લગભગ બાર વાગે એની આંખ ખુલી ત્યારે એણે જોયું એ નિર્જન વિસ્તારમાં એ પોતાની કારમાં જ સુતો હતો અને આખી રાત પેલો દેસીદારૂનો ઠેકો ચાલુ રહ્યો હોવા છતાંય કોઈએ એની કદર સુદ્ધાં લીધી ન હતી. સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં પાછા ફરતાં પવનને ફરીથી સુનેહાનો પત્ર યાદ આવી ગયો અને ફરીથી એની આંખોમાં આંસુ આવી ગયાં. થોડી હિંમત ભેગી કરીને પવને કાર સ્ટાર્ટ કરી અને અમદાવાદ તરફ મારી મૂકી.

સાંજે અમદાવાદ પહોંચતાજ પવન સીધો સુનેહાને સાસરે પહોંચ્યો. સુનેહા પોતાને છોડીને જતી રહી એની પાછળ પવન હવે જગતાપનો વાંક જોઈ રહ્યો હતો. સુનેહાના પત્રમાં લખેલી બેબાક વાતો પછી પણ પવનને એવું લાગી રહ્યું હતું કે જો જગતાપે સુનેહા પર ત્રાસ ન ગુજાર્યો હોત તો પવનના પ્રેમથી સુનેહા દિવ્યાનો બદલો પણ કદાચ ભૂલી ગઈ હોત. પવનને જોધપુરથી અમદાવાદ આવતાં રસ્તામાંજ નક્કી કરી લીધું હતું કે એ અમદાવાદ પહોંચતાની સાથેજ જગતાપને બરોબરનો મારશે અને પોતાનો ગુસ્સો હળવો કરશે, પછી ભલેને એને પોલીસ લઇ જાય, કારણકે સુનેહાના જતાં રહેવાથી હવે એને પોતાની જિંદગીમાં કોઈજ રસ રહ્યો ન હતો. પરંતુ નસીબ હવે કદાચ કાયમ પવનથી બે ડગલાં આગળ રહેવાનું હતું,

=: પ્રકરણ ચૌદ સમાપ્ત :=