Aandhado Prem books and stories free download online pdf in Gujarati

આંધળો પ્રેમ

આંધળો પ્રેમ

-રાકેશ ઠક્કર

એકથી ત્રણ પ્રકરણમાં આપે વાંચ્યું કે પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. તેના પ્રેમમાં એટલી આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. પણ એક દિવસ ચંદા અને નિલાંગ મોડી સાંજે કોલેજમાં સાથે બેઠા હોય છે ત્યારે નિલાંગની પત્ની માયા તેમની રૂમમાં આવે છે. પણ તેમની ગંભીરતાથી નોંધ લેતી નથી. એક દિવસ નિલાંગ અને ચંદા પ્રેમમાં ભાન ભૂલે છે, અને ચંદા નિલાંગના બાળકની મા બનવાની હોય છે. પણ નિલાંગે ચંદાને બાળકનો મોહ ના રાખવા સમજાવી ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી. તે પત્નીત્વ સાથે માતૃત્વની માંગણી કરી રહી હતી. પરંતુ નિલાંગ એકનો બે ના થયો. ચંદાએ પણ આખરે તેની સામે નમતું જોખવું પડ્યું. ગર્ભપાત માટે નિલાંગે આપેલ કાગળ ચંદાએ વાંચ્યો તો તેમાં લખ્યું હતું. "ડો.માયા... " તે ચમકી ગઇ. નિલાંગે પોતાની ડોક્ટર પત્નીના નામની ચિઠ્ઠી લખી આપી હતી.

હવે આગળ વાંચો.....

પ્રકરણ-૪

ચંદાની એકપણ દલીલ નિલાંગ સામે ચાલી નહીં. નિલાંગે તેને મા બનવાને કારણે ભવિષ્યમાં આવનારી મુસિબતો જણાવી ત્યારે ચંદાને ગર્ભપાત સિવાય કોઇ વિકલ્પ દેખાયો નહીં. ઇચ્છા વગર ગર્ભપાત કરાવવા તૈયાર થયેલી ચંદાને જ્યારે નિલાંગે પોતાની તબીબ પત્ની પર ગર્ભપાતની ભલામણનો પત્ર લખી આપ્યો ત્યારે ચંદાને લાગ્યું કે તેના પગ નીચેથી જમીન ખસી રહી છે. ચંદાએ ચિઠ્ઠીમાં હજુ નિલાંગની પત્નીનું નામ જ વાંચ્યું હતું. નિલાંગે કોઇ મજાક કરી હોય એમ તે આંખો ફાડીને નિલાંગ સામે જોઇ રહી. નિલાંગે તેને પહેલાં ચિઠ્ઠી વાંચવા કહ્યું. ચંદાએ વાંચ્યું તો તેમાં તેણે માયાને ચંદાનું એબોર્શન કરી આપવાની ભલામણ કરી હતી. ચંદાએ જોયું તો નિલાંગ બિલકુલ સ્વસ્થ હતો. તેના માથે આકાશ તૂટી પડ્યું હતું જ્યારે નિલાંગ બેફિકર લાગતો હતો. પણ પરિસ્થિતિની ગંભીરતા એને હતી. તેણે ફરી સમજાવ્યું કે કોઇ તબીબ ગેરકાયદેસર ગર્ભપાત કરી આપશે નહીં. માયા પણ આવું કામ કરતી નથી. છતાં પોતે તેને એવી વાર્તા કહેશે કે ના નહીં પાડી શકે. ચંદાને થયું કે આ માણસ કેવો છે જે પોતાની પ્રેમિકાને પોતાના બાળકની હત્યા માટે પોતાની પત્ની પાસે મોકલી રહ્યો છે. ચંદાને ગભરાટ હતો કે તે માયા સામે કંઇ બોલી શકશે નહીં. અને જો તે તેને ઓળખી જશે તો કેવી રીતે તેનો સામનો કરશે?

નિલાંગને લાગ્યું કે ચંદામાં હિંમત આવી રહી નથી. એટલે તેણે તેને એક દિવસ પછી માયા પાસે જવા કહ્યું. આજે તે માયાને સમજાવી લેશે એવી ધરપત આપી ત્યારે ચંદાને થોડી રાહત થઇ. પણ માયાને પોતાની કેવી વાર્તા કહેશે તે જણાવવા નિલાંગને તેણે આગ્રહ કર્યો. એટલે નિલાંગે સમજાવ્યું કે તે ચંદાને એક વિદ્યાર્થીની તરીકે રજૂ કરશે. જેને કોલેજના એક મવાલી છોકરાએ પોતાની પ્રેમજાળમાં ફસાવીને ગર્ભવતી બનાવી દીધી છે. છોકરો મવાલી જેવો હોવાથી તેની સાથે લગ્ન કરી જીવન બરબાદ કરવાનું યોગ્ય નથી. ચંદા પોતાની પાસે પીએચડી. કરતી હોવાથી તેનું જીવન અને કારકિર્દી બચાવવાની ફરજ બને છે એમ સમજાવશે.

નિલાંગે ઘડી કાઢેલી વાર્તા ચંદાને યોગ્ય લાગી. પણ ચંદાને રહી રહીને બાળકને પડાવવાની વાત ખટકતી હતી. પોતાનું જ કોઇ અંગ દૂર કરવા જેવી એ પીડા હતી. તેણે ફરી નિલાંગને આગ્રહ કર્યો કે તે માયાને છૂટાછેડા આપી પોતાની સાથે લગ્ન કરીને બાળકને આ દુનિયામાં આવવા દે. નિલાંગ થોડો ગંભીર બની ગયો. તેને ચંદાની લાગણી સમજાતી હતી. પોતાની ભૂલનો ભોગ બની હોવાથી જવાબદારી બનતી હતી. પરંતુ તે જાણતો હતો કે છૂટાછેડા તે તરત માગી શકે છે. પણ માયા તેને છૂટાછેડા આપવા જલદી તૈયાર થશે નહીં. તે આ લગ્નજીવનથી કંટાળ્યો છે પણ માયા માટે હવે બધું સ્વાભાવિક બની ગયું છે. તે પોતાની રીતે જિંદગીને જીવી રહી છે. નિલાંગે નક્કી કરી લીધું કે તે માયાને છૂટાછેડા માટે મનાવશે. પરંતુ આ તબક્કે ચંદાનું માતા બનવું યોગ્ય નથી. પોતાનું નામ પણ ખરાબ થઇ શકે. તેણે ચંદાને આશ્વાસન આપ્યું કે કોઇ નિર્ણય જલદીથી લઇને તેને અપનાવી લેશે. બંનેની કારકિર્દી અને સામાજિક પ્રતિષ્ઠા બચાવવા બાળકને આ દુનિયામાં લાવી શકાય એમ નથી. બાળક ગુમાવવાનું પોતાને વધુ દુ:ખ છે એ વાત નિલાંગ વ્યક્ત કરી શક્યો નહીં. આજે તેમને બાળક હોત તો જિંદગી કોઇ અલગ મોડ પર હોત. એક બાળક બંને વચ્ચે પુલનું કામ કરી ગયું હોત. હવે પ્રેમિકાનું બાળક તેને પત્નીથી અલગ કરી શકે છે. એ વિચારને તેણે ત્યાં જ દાટી દીધો.

ચંદાએ આખરે નિલાંગનો નિર્ણય સ્વીકારવો પડ્યો. તે આવતીકાલે સવારે માયાની ક્લીનીક પર જવાનું કહી કાકાના ઘરે જવા નીકળતી હતી ત્યાં કોલેજની ઓફિસનો પિયુન આવ્યો અને નિલાંગને કહ્યું કે વાઇસ પ્રિંસિપલ બોલાવે છે. નિલાંગે ચંદાને કાળજી રાખવાની સલાહ આપી રવાના કરી.

નિલાંગ વાઇસ પ્રિંસિપલની ઓફિસમાં પહોંચ્યો ત્યારે તેમના સિવાય ત્યાં કોઇ ન હતું. તેમણે ઇશારાથી દરવાજો બંધ કરવાની સૂચના આપી એટલે નિલાંગને થયું કે કોઇ ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરવાની હશે. નિલાંગ દરવાજો બંધ કરી વાઇસ પ્રિંસિપલ સામેની ખુરશીમાં ગોઠવાયો. વાઇસ પ્રિંસિપલ ઊભા થયા અને તેના તરફ હાથ લંબાવી "કોલેજમાં અશિસ્ત માટે તેને કોલેજમાંથી સસ્પેન્ડ કેમ ના કરવો?" તેનો ખુલાસો માગતો પત્ર પકડાવ્યો.

નિલાંગ ખુરશીમાંથી ઊભો થઇ ગયો. "સાહેબ આ શું? મેં ક્યારે કોલેજના નિયમોનો ભંગ કર્યો? ક્યારે કોની સાથે ખરાબ વર્તન કર્યું? એક બુધ્ધિજીવી માણસ તરીકે મારું નામ-સમ્માન છે."

"તમે ખરાબ નહીં વધારે પડતું પ્રેમાળ વર્તન કરી રહ્યા છો! અને મને તમે બુધ્ધિજીવી નહીં પણ બુધ્ધિના...." વાઇસ પ્રિંસિપલ અલગ ટોનમાં બોલીને અટકી ગયા.

"હું સમજ્યો નહીં સાહેબ!"

"મિ.નિલાંગ, તમારી પીએચડીની વિદ્યાર્થીની ચંદા સાથેના તમારા પ્રેમપૂર્ણ વ્યવહારને કારણે કોલેજની પ્રતિષ્ઠા ખરાબ થઇ રહી છે. મેનેજમેન્ટને તમારા વિરુધ્ધ ઘણી ફરિયાદો મળી છે. અગાઉ પણ મેં તમને આ કારણે ખાનગીમાં ચેતવ્યા હતા. અને ઇશારો કર્યો હતો કે કોલેજ પૂરી થયા પછી મોડે સુધી કોઇ વિદ્યાર્થીની સાથે બેસવું યોગ્ય નથી. તમે નિયમોનો ભંગ કરી રહ્યા છો. પરંતુ તમે એ વાતને ગંભીરતાથી લીધી નહીં. અને તમારી પ્રવૃત્તિ ચાલુ રાખી. મેનેજમેન્ટનું કહેવું છે કે તમારા કારણે કોલેજમાં ખોટો સંદેશ જઇ રહ્યો છે. અને તે ચલાવી શકાશે નહીં. તમે એ છોકરીના માર્ગદર્શક છો, મિત્ર કે પ્રેમી નથી. તેમણે તો સસ્પેન્ડ કરવાની જ સૂચના આપી દીધી છે. પરંતુ હું નથી ઇચ્છતો કે તમારી કારકિર્દી રોળાઇ જાય. એટલે ફક્ત બે દિવસમાં ખુલાસો માગ્યો છે. જો તમે કોલેજના નિયમોનું પાલન કરશો અને ચંદાને મળવું હોય તો બહાર જ મળવાનું ગોઠવશો તો હું આ સસ્પેંશન રોકવાની ખાતરી આપું છું. મને તમારા અંગત જીવન સાથે કંઇ લેવાદેવા નથી. હવે તમારી ખાનગી "મિત્રતા"ને આ સરકારી કોલેજ નિભાવી શકે એમ નથી." ક્લાસમાં પિરિયડ લેતી વખતે સતત બોલવાનો અનુભવ ધરાવતા વાઇસ પ્રિંસિપલ લાંબું બોલીને થોડીવાર શ્વાસ લેવા રોકાયા.

નિલાંગ પાસે બીજો કોઇ રસ્તો ન હતો. તેણે વિચાર્યું કે જો તેને કોલેજમાંથી પાણીચું મળશે તો તે ક્યાંયનો રહેશે નહીં. તેણે એ જ સમયે કાગળ લખી ખાતરી આપી દીધી કે તે કોલેજના નિયમોનું પાલન કરશે અને ભવિષ્યમાં ફરિયાદ કરવાનો મોકો આપશે નહીં.

નિલાંગ કોલેજમાંથી નીકળ્યો ત્યારે ચંદાના વિચારોમાં જ ખોવાયેલો હતો. તે પોતાને જ પ્રશ્ન કરી રહ્યો હતો. "પોતે જેને પ્રેમ કરી રહ્યો છે એ ચંદાને અન્યાય તો કરી રહ્યો નથી ને?"

ચંદા આજે વહેલી ઘરે પહોંચી હતી. કમલકાંત કાકાને થોડી નવાઇ લાગી. તેમણે અભ્યાસ વિશે થોડું પૂછયું. ચંદાએ અભ્યાસ બરાબર ચાલતો હોવાનું કહ્યું અને સહેજ ઉબકા જેવું લાગતા વોશરૂમમાં દોડી ગઇ. તેને હવે થયું કે બાળક વિશે કાકાના ઘરનાને ખબર ના પડે તો સારું. તેણે અરીસામાં પોતાના શરીર પર નજર નાખી. સારું છે કે તે શરીરે થોડી ભરાવદાર છે. નહીંતર તેના શરીરમાં આવી રહેલા પરીવર્તનો તેની સ્થિતિની ચાડી ખાય એમ હતા. ખાસ કરીને કાકીના ધ્યાન પર આવી શકે એમ હતું. પણ તે ચંદા સાથે ઝાઝી વાત કરતા ન હતા એટલે ખ્યાલ આવ્યો ન હતો. ઘરના કામમાંથી પરવારી ભોજન કર્યા બાદ તે પોતાના રૂમમાં આવી. તેણે આવતીકાલે જ ગર્ભપાત માટે ડો.માયાની ક્લીનીક પર પહોંચી જવાનું નક્કી કર્યું. ડો.માયાનો વિચાર આવતા ચંદાને ફરી ગભરામણ થઇ આવી. તે વાંચવા બેઠી પણ તેનો જીવ ના લાગ્યો. તેણે ઊંઘવાનો પ્રયત્ન કર્યો. ઊંઘ તેનાથી રીસાઇ હતી. તેને નિલાંગ વિશે જ વિચારો આવતા હતા. ગર્ભપાત પછી તે પોતાનાથી દૂર તો નહીં ભાગી જાય ને? કાલે પોતે માયાનો સામનો કેવી રીતે કરશે? ક્યાંકથી કાકાને આ વાતની ખબર પડી જશે તો શું થશે? તેના મનમાં ચારે બાજુથી વિચારોનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું હતું. તે પોતાને અસહાય મહેસૂસ કરી રહી હતી. વિચારોમાં ને વિચારોમાં તેની આંખ ક્યારે મળી ગઇ તેનો ખ્યાલ જ ના રહ્યો.

સવારે મોડી ઊઠી પણ ઝડપથી પરવારી તે ડો.માયાના ક્લીનીક તરફ જવા રવાના થઇ. તે પહોંચી ત્યારે માયા આવી ન હતી. બીજી બે ગર્ભવતી મહિલાઓ પણ માયાની રાહ જોઇ રહી હતી. તેમના ચહેરા પર અજબ ખુશી હતી. માતૃત્વનો આનંદ માણવા તે તત્પર દેખાતી હતી. જ્યારે તે આજે એ આનંદને ગુમાવવાની હતી.

ડો.માયાએ આવીને પોતાના રૂમમાં પ્રવેશ કર્યો. અને અંદર જતાં પહેલાં તેણે બહાર બેઠેલી મહિલાઓ પર એક સરકતી નજર નાખી. સેકંડના અમુક ભાગ માટે માયાની નજર ચંદા પર પડી હતી. પણ તેણે કોઇ પ્રતિભાવ આપ્યો ન હતો. ચંદાને થયું કે માયા તેને ઓળખી શકી નથી. તેનો વારો આવ્યો એટલે થડક્તા હ્રદયે ડો.માયાના રૂમમાં પ્રવેશી. માયાએ તેને બેસવા કહ્યું. ચંદાએ નિલાંગનો ભલામણપત્ર માયાને ધર્યો. માયાએ પત્ર પર નજર નાખી અને ચંદાની આંખમાં આંખ નાખી જોવા લાગી. ચંદાને થયું કે માયા તેને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. ચંદાને કોલેજમાં માયા સાથે એકવખત મિલાવેલી નજરનો પ્રસંગ યાદ આવી ગયો. ત્યારે માયાના હોઠ ફફડ્યા."ઓહ! તો તું જ કુમારી ચંદા છે....?!"

વધુ હવે પછી...