Aandhado Prem - 5 books and stories free download online pdf in Gujarati

આંધળો પ્રેમ 5

આંધળો પ્રેમ

-રાકેશ ઠક્કર

૧ થી ૪ પ્રકરણમાં આપે વાંચ્યું કે પ્રોફેસર નિલાંગ સાથે ચંદાને ક્યારે પ્રેમ થઇ ગયો તેનો તેને ખ્યાલ જ ના રહ્યો. તેના પ્રેમમાં એટલી આંધળી બની હતી કે નિલાંગ પરિણીત છે એ જાણ્યા પછી તેને કોઇ ફરક પડ્યો ન હતો. એક દિવસ નિલાંગ અને ચંદા પ્રેમમાં ભાન ભૂલે છે. ચંદા નિલાંગના બાળકની મા બનવાની હોય છે. પણ નિલાંગે ચંદાને બાળકનો મોહ ના રાખવા સમજાવી ગર્ભપાત કરાવી લેવા સલાહ આપી. તે બાળકને જન્મ આપવા માગતી હતી. પરંતુ નિલાંગ એકનો બે ના થયો. ચંદાએ પણ સમાજમાં બદનામીના ભયથી આખરે તેની સામે નમતું જોખવું પડ્યું. ગર્ભપાત માટે નિલાંગે પોતાની ડોક્ટર પત્નીના નામની ચિઠ્ઠી લખી આપી. દરમ્યાનમાં નિલાંગને વાઇસ પ્રિંસિપલ બોલાવે છે. અને ચંદા સાથેના જાહેર થયેલા પ્રેમસંબંધને કારણે કોલેજની બદનામી થતી હોવાનું જણાવી મેનેજમેન્ટ સસ્પેન્ડ કરવા માગતું હોવાની જાણ કરે છે. સમજાવટથી નિલાંગ માફી પત્ર લખી આપે છે. આ તરફ ચંદા માયાની ક્લીનીક પર પહોંચી તેની સામે બેસે છે....

હવે આગળ વાંચો.....

પ્રકરણ-૫

નિલાંગને લાગતું હતું કે ચંદાને પ્રેમ કરીને તે એક ચક્રવ્યુહમાં ફસાઇ ગયો છે. તે ચંદાને છોડી શકે એમ નથી. અને પત્ની માયાથી જલદી છૂટી શકે એમ નથી. ચંદા સાથેના સંબંધને કારણે આજે તેણે નોકરીથી હાથ ધોવાનો સમય આવી ગયો હતો. હજુ તેની મા બનવાની સ્થિતિ ચિંતાનું કારણ હતી જ. તેણે પત્ની માયાને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. છેલ્લા ઘણા સમયથી માત્ર કામ પૂરતી વાત કરતા નિલાંગને એક યુવતીની તરફેણ કરતો જોઇ માયાને નવાઇ લાગી હતી. માયાએ પહેલાં તો ચંદાનો ગર્ભપાત કરવાની ના પાડી દીધી હતી. પરંતુ નિલાંગે તેની સામાજિક પરિસ્થિતિ અને ભવિષ્યનો વિચાર કરી મદદ કરવાનું કહેતા માયા ઢીલી પડી હતી. અને નિલાંગને હા પાડી હતી. ત્યારે નિલાંગને રાહત થઇ હતી. જ્યાં સુધી ચંદા બાળકમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી તે આગળનું કશું વિચારી શકે એમ ન હતો.

બીજા દિવસે નિલાંગ કોલેજ જવા થોડો વહેલો નીકળી ગયો હતો. આજથી તેણે ચંદાને કોલેજમાં પોતાના રૂમમાં આવવા દેવાની ન હતી. અને તેને બહાર મળીને જ માર્ગદર્શન આપવાનું હતું. તે કોલેજ પર પહોંચ્યો ત્યારે સામે જ વાઇસ પ્રિંસિપલ મળ્યા. તે હસ્યા. નિલાંગે પણ હસીને પ્રતિભાવ આપ્યો. અને પોતાની વાત યાદ હોય એ બતાવવા ડોકું પણ નમાવ્યું. નિલાંગને ખ્યાલ હતો કે જો માયા આજે જ તેનું બાળક પાડી દેશે તો ચંદા મળવા માટે કદાચ જ આવશે. પણ આવે ત્યારે પોતાને હવે પછી કોલેજમાં મળવાનું શક્ય ન હોવાનું સમજાવવાનું સરળ ન હતું.

આ તરફ ડૉ.માયાએ ચંદાને સમજાવવાનું શરૂ કર્યું હતું. ચંદાએ નિલાંગનો કાગળ આપ્યા પછી માયાએ તેને કહ્યું કે નિલાંગે તેને ગર્ભપાત માટે ભલામણ કરી છે. પરંતુ તેને લાગે છે કે જો છોકરો સારા ઘરનો હોય તો તેણે લગ્ન કરીને તેને સુધારવો જોઇએ. માયા તેને સમજાવીને લગ્ન માટે તૈયાર કરી રહી હતી.

માયાએ લાગણીથી કહ્યું:"જો બહેન, હું મારા સિધ્ધાંત વિરુધ્ધ જઇને પણ તારું એબોર્શન કરી આપીશ. તું એની ચિંતા ના કરીશ. મને નવાઇ એ વાતની છે કે તેં આ છેલ્લો વિચાર કેમ કર્યો. તેં એ નીચને તારો ઉપભોગ કરવા દઇ છોડી કેમ મૂક્યો. ભલે તું એ મવાલી જેવા છોકરા સાથે લગ્ન કરવા માગતી નથી. પણ તેણે જે ભૂલ કરી તેનું તેને ભાન તો કરાવી શકે છે. સ્ત્રીના ચરિત્ર સાથે ખેલવાનો એને અધિકાર નથી. તેના વિરુધ્ધ પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી શકે છે. બલ્કે હિંમત પણ કરી શકે છે. તને જો ડર લાગતો હોય તો મારી બહેનપણીની મહિલા સંસ્થાની મદદ મેળવી આપું. જેથી આવા મવાલીઓ ભવિષ્યમાં બીજી કોઇ છોકરીની જિંદગી ના બગાડે. તારા જેવી ઉચ્ચ અભ્યાસ કરતી છોકરી આમ હથિયાર નાખી દે એ મારી સમજમાં આવતું નથી...."

ચંદા સંકટમાં મુકાઇ હતી. તે કહી શકે એમ ન હતી કે તમારો પતિ મવાલી નથી. તે બોલી:"તમારી વાત સાચી છે. પણ એ તો છોકરો છે, એને સમાજ હેરાન નહીં કરે. એ મોટા બાપનો દીકરો છે. પોલીસમાં તેમની પહોંચ હશે જ. મારા જેવી ગરીબ અને અનાથ છોકરીનું કોણ સાંભળવાનું હતું? વાંક મારો પણ નીકળશે. મારી જિંદગી જ ખરાબ થશે. ભવિષ્યમાં કોઇ મારી સાથે લગ્ન કરવા પણ તૈયાર નહીં થાય. તમારી લાગણીની કદર કરું છું. પણ મારી પાસે અત્યારે બીજો કોઇ રસ્તો નથી."

માયાને લાગ્યું કે ચંદા નિશ્ચય કરીને જ આવી છે. તે માનવાની નથી. છતાં છેલ્લો પ્રયત્ન કરતી હોય એમ કહ્યું:"ભલે આપણે પોલીસમાં તેની ફરિયાદ ના કરીએ પણ તેને ત્યાં જઇને તેના કૃત્ય માટે કહી તો શકીએ ને? મારા પર વિશ્વાસ હોય તો મને એનું નામ આપ. હું એની સાથે વાત કરીશ..."

માયાની વાત સાંભળી ચંદા ચમકી ગઇ. તેણે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો. ભૂલથી પણ નિલાંગનું નામ નીકળી ના જાય એ માટે તે સાવધ થઇ ગઇ. અને વાતને વાળી લઇ પૂર્ણવિરામ મૂકતી હોય એમ બોલી:"બેન, હવે હું એ પ્રકરણને જ ભૂલી જવા માગું છું. તમે આનો નિકાલ કરી દો એટલે હું છુટી થઇ જઉં...."

માયાને લાગ્યું કે ચંદા નક્કી કરીને જ આવી છે એટલે તેને અંદર બોલાવી અને શારીરિક તપાસ કરી. બહાર આવ્યા પછી તેમના કપાળ પર ચિંતાની રેખાઓ ઉપસી આવી એ ચંદાને સ્પષ્ટ દેખાયું.

માયાએ લાગણીથી તેના ખભા પર હાથ મૂક્યો અને આશ્વાસન આપતી હોય એમ બોલી:"જો ચંદા, અત્યારે ગર્ભપાત કરવામાં મને જોખમ લાગે છે. કેટલાક ટેસ્ટ પછી આપણે છેલ્લા નિર્ણય પર પહોંચી શકીશું. અત્યારે ગર્ભ ક્રિટિકલ સ્થિતિમાં લાગે છે. ઉતાવળ કરી શકાય એમ નથી. તું ચિંતા ના કર. હજુ એટલો સમય નથી થઇ ગયો કે ગર્ભપાત કરી ના શકાય. પણ તારા પર જોખમ આવે એ રીતે આ કામ કરી શકાય નહીં. તારા આરોગ્યની પણ ચિંતા કરવી પડે. મારા પર વિશ્વાસ રાખ હું બનતા બધા જ પ્રયત્ન કરીશ."

ચંદાએ માયાની વાતનો સ્વીકાર કર્યા વગર કોઇ છૂટકો ન હતો. માયાએ તેને દવા લખી આપી. ટેસ્ટની પણ વ્યવસ્થા ગોઠવી આપી. માયાએ તેને બધા ટેસ્ટના પરિણામ આવી ગયા પછી બે દિવસ બાદ મળવાનું કહ્યું અને પોતાના તરફથી બધી જ મદદની ફરી ખાતરી આપી. માયાનું હેતાળ વર્તન ચંદાને ગુનાની લાગણીનો અનુભવ કરાવી રહ્યું હતું. એક પ્રેમાળ સ્ત્રીનો પતિ છીનવીને પોતે કેટલું યોગ્ય કરી રહી છે ? એવો પ્રશ્ન તેને કોરી ખાવા લાગ્યો. પોતે એક પરિણીત પુરુષને પ્રેમ કરવાનો અપરાધ કર્યો હોય એવી લાગણી અનુભવવા લાગી. પરંતુ હવે સંજોગો એવા ઊભા થયા હતા કે અત્યારે તેના હાથમાં કંઇ ન હતું.

ચંદા નિરાશ મનથી ક્લીનીકમાંથી નીકળીને બહાર આવી. તેને થયું કે હમણાં નિલાંગને મળવું નથી. ડો.માયા ગર્ભપાત કરી આપે પછી જ નિલાંગને મળવું જોઇએ. અને આગળનું વિચારવું જોઇએ. નિલાંગ પોતાની સ્થિતિ માયા પાસેથી જાણી જ લેશે. એટલે નિલાંગને મળ્યા વગર તે આજે પણ ઘરે વહેલી પહોંચી ગઇ. ઘરે કોઇ જ ન હતું. બધા કોઇ પ્રસંગમાં બહાર જવાના હતા અને રાત્રે મોડા આવવાના હતા એ તેને યાદ આવ્યું. તેણે રાહતના શ્વાસ લીધા.

નિલાંગે સાંજ સુધી ચંદાની રાહ જોઇ. પણ તે આવી નહીં. તેણે માની લીધું કે માયાએ તેનું એબોર્શન કરી દીધું હશે. તે ઘરે પહોંચ્યો ત્યારે માયા આવી ન હતી. થોડીવાર તે પુસ્તક લઇને બેઠો. તેનું ચિત્ત ચંદામાં જ હતું. માયા ક્યારે ઘરે આવે અને તેની પાસેથી માહિતી મેળવે એની તાલાવેલી વધી ગઇ હતી.

માયા ઘરે આવી કે તરત જ તેનો જીવ ઉછળીને ચંદા વિશે પૂછવા ઉતાવળ કરવા લાગ્યો. પણ માયા કોઇ બીજી ધારણા બાંધી ના લે કે શંકા ના કરે એટલે તેણે સામે ચાલીને કંઇપણ પૂછવાનું ટાળ્યું. અને પોતે વાંચવામાં મશગૂલ છે એવો ડોળ કરવા લાગ્યો. માયાએ જમતી વખતે ચંદાની વાત શરૂ કરી. ચંદા આવી અને તેની શારીરિક સ્થિતિ જોતાં ગર્ભપાત આજે શક્ય બન્યો ન હોવાનું તેણે નિલાંગને ટૂંકમાં જણાવી દીધું. નિલાંગના મનમાં તણાવ વધી ગયો. જો ચંદાનો ગર્ભપાત શક્ય ના બન્યો તો? માયાને ચંદા પર શંકા ગઇ તો? ચંદા ભેદ ખોલી તો નહીં નાખે ને? પ્રશ્નોના વમળમાં ફસાયેલા નિલાંગની ઊંઘ હરામ થઇ ગઇ.

ચંદાએ પણ વિચારોમાં જ આખી રાત વીતાવી અને સવારે નિલાંગને મળવાનું નક્કી કરી લીધું. ચંદા અત્યારે શ્રમ પડે એવા કામ કરી શકે એવી સ્થિતિમાં ન હતી. સવારે પોતાના કામ પરવારીને ઘરના બીજા કામ કરવા ના પડે એટલે અભ્યાસ માટે શહેરમાં ફરવાનું અને મુલાકાતો લેવાની હોવાનું બહાનું બનાવી વહેલી નીકળી જવામાં સફળ રહી. તેણે રીક્ષા પકડી અને કોલેજ પહોંચી. કોલેજના નાના દરવાજામાંથી તે અંદર જતી હતી ત્યારે સીક્યુરીટી ગાર્ડે તેને અટકાવી.

"બહેનજી, આપ અંદર નહીં જા સકતે..."

ચંદાને નવાઇ લાગી. સીક્યુરીટી ગાર્ડ જૂનો જ હતો. તે તેને સારી રીતે ઓળખતો હતો.

તેણે કહ્યું કે આજે વધારે વાંચવાનું હોવાથી તે લાઇબ્રેરીમાં જલદી પહોંચવા માગે છે.

તેના કારણ સાથે સીક્યુરીટી ગાર્ડને કોઇ લેવાદેવા ના હોય એમ ફરીથી બોલ્યો:"બહેનજી, માફ કરના. આપ કો અંદર જાના મના હૈ."

ચંદાને પહેલાં એમ હતું કે કોલેજમાં સમયથી વહેલા કોઇને જવા દેવામાં આવતા ન હોવાથી તેને રોકવામાં આવી હશે. પણ જ્યારે તેની વાતમાં માત્ર તેના માટે મનાઇ હોવાનું સાંભળ્યું ત્યારે તેને નવાઇ લાગી.

ચંદાએ જાણવા માગ્યું :"મેં ક્યોં અંદર નહીં જા સકતી?"

"બસ હમે બોલા ગયા હૈ કી ચંદા મેડમ કો કોલેજ મેં પ્રવેશ ના દીયા જાયે. હમેં કારન બતાયા ગયા નહીં હૈ. હમે અપની ડ્યુટી કરની હૈ."

"કારન નહીં હૈ લેકિન યે તો પતા હોગા ના કી કિસને ના બોલા હૈ?"

"જી... નિલાંગ સરને..." સીક્યુરીટી ગાર્ડે સહજતાથી કહી દીધું.

નિલાંગનું નામ સાંભળી ચંદાને ધરતી ગોળ ગોળ ફરતી લાગી. તેને થયું કે તે અહીં જ ઢળી પડશે...

વધુ હવે પછી...