Prem Vivah Ek Yuddh books and stories free download online pdf in Gujarati

પ્રેમ વિવાહ એક યુદ્ધ

પ્રેમ વિવાહ એટલે કે લવ મેરીજ કરવા શું ગુનો છે?? ભારત એક એવો દેશ છે જ્યાં પશ્ચિમ દેશ જેવી સ્વચ્છન્દતા નથી અને આપણા પાડોશી દેશો જેવી સંકુચિતતા પણ નથી હા પરંતુ પ્રેમ વિવાહ માટે રીતસરનો સત્યાગ્રહ કરવો પડે છે. ભારત આઝાદ થયો, સ્ત્રી સશક્તિકરણની વાતો કરવી ગમે છે, વુમેન્સ ડે ઉજવીયે છીએ પણ જ્યાં છોકરી પોતાની મરજીથી છોકરો પસંદ કરે એટલે જાણે કાળા પાણીની સજા આપવાની હોય એમ લોકો તૈયાર થઇ જાય છ!!!! મોટાભાગે પ્રેમ વિવાહમાં છોકરા કરતા છોકરીને વધુ સહેવાનું આવે છે. બહુ થોડા અંશે એવું સાંભળવામાં આવે છે કે છોકરાના ઘરવાળાએ છોકરીને ના સ્વીકારી હોય. કેટલીક જગાએ એ જોવામાં આવે છે કે છોકરા પ્રેમ વિવાહ કરે તો તેની પત્નીને ઘરવાળા વહુ તરીકે સ્વીકારતા જ નથી, ઘણા લોકો બાપદાદાના ધંધામાંથી કાઢી નાખવાની ધમકી સુદ્ધા આપે છે જે બિલકુલ યોગ્ય નથી.

મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે શા માટે પ્રેમ વિવાહના નામે લોકો આટલો મોટો હોબાળો મચાવી દે છે. પ્રેમ વિવાહ એ કઈ એકવીસમી સદીની ભેટ નથી આપણા પુરાણોમાં જોશો તો યાદ આવશે કે કન્યા માટે સ્વયંવર યોજવામાં આવતા હતા. જેમાં કન્યા પોતાને પસંદ પડે એને જીવનસાથી બનાવતી હતી કાળક્રમે આપણે દરેક વાતમાં પ્રગતિ કરી છે, તો છોકરી આજે મનપસંદ યુવક સાથે જીવન વિતાવવા પસંદ કરે તો શા માટે વિરોધ કરવો જોઈએ ? આપણે અહીં પ્રેમ વિવાહ સારા કે ગોઠવેલા લગ્ન સારા એ ચર્ચા નથી કરવી, કારણ કે દરેક લગ્ન એકબીજાની પરસ્પર સમજૂતી, વિશ્વાસ, કેટલું જતું કરવું એ બધી વાતો પાર નિર્ભર હોય છે. ફક્ત લગ્ન જ નહિ દુનિયાનો દરેક સંબંધ નિભાવવા આ જ વસ્તુની જરૂર હોય છે . મુદ્દો એ છે કે શા માટે પ્રેમ વિવાહનો સમાજમાં આટલો વિવાહ કરવામાં આવે છે ? દરેક છોકરા છોકરીને મનપસંદ સાથી પસંદ કરવાનો અધિકાર છે અને એટલે જ કાનૂને તે લોકોને ટેકો આપવા કોર્ટ મેરેજ નામનો કાયદો બનાવ્યો છે.

સામાન્યપણે એવું જોવામાં આવે છે કે વડીલોને ભવિષ્યનો ડર લાગતો હોય છે કે છોકરીએ પસંદ કરેલો યુવક ભલે અત્યારે ઠરીઠામ હોય કાલે શું થશે એની શું ખબર ? સીતાજીએ પણ શ્રીરામને પસંદ કરીને ચૌદ વર્ષ વનવાસ ભોગવ્યો જ હતો ને?! દમયંતીએ નળને પસંદ કરીને નળ દ્વારા જ ત્યાગિત અવસ્થા ભોગવી હતી !!! મોટાભાગે એ પણ જોવાનું હોય છે કે પ્રેમ વિવાહમાં છોકરીએ પસંદ કરેલા યુવકને ઘરવાળા બરાબર ઓળખતા નથી હોતા એટલે ના પાડી દેતા હોય છે, પણ ગોઠવેલા લગ્નમાં પણ યુવક અજાણ્યો જ હોય છે. હા ફક્ત એટલો કે સમાજ દ્વારા તેની માહિતી મળી હોય છે જયારે પ્રેમ વિવાહમાં છોકરી પ્રત્યક્ષ છોકરાને જાણતી હોય છે. જેમ દરેક ગોઠવેલા લગ્ન સફળ નથી હોતા બસ એમ જ દરેક પ્રેમ વિવાહ નિષ્ફળ નથી જતા. જેટલું માન સન્માન, ઈજ્જત, આબરૂ ગોઠવેલા લગ્નમાં મળતાં હોય છે તેટલા જ પ્રેમ વિવાહમાં પણ મળવા જોઈએ કારણ કે લગ્ન માત્ર બે આત્માનું મિલન છે. ઉન્માદમાં છકીને કરવામાં આવતા પ્રેમ વિવાહ અને એકાદ પાત્ર દગો આપી દે એવું સમાજમાં કે ફિલ્મમાં જોઈને લોકો પ્રેમ વિવાહને ખરાબ દ્રષ્ટિથી જોતા થઇ ગયા છે.

જુના જમાના પ્રમાણે પ્રેમ વિવાહનો સીધો અર્થ એ થાય છે કે ભાગીને કરવામાં આવતા લગ્ન. જેમાં છોકરો છોકરી એકબીજાને પાડોશમાં કે સ્કૂલ કોલેજમાંથી ઓળખતા થાય, આંખ મળે, છાના છપનાં મળે, થિએટરમાં કે બગીચામાં શારીરિક છેડછાડ કરે જેમાં ફક્ત શારીરિક આકર્ષણ સિવાય કઈ જ ના હોય. ઘરવાળાને ખબર પડે કે છોકરી ફલાણા છોકરા સાથે ફરવા ગઈ હતી કે ફરતા જોઈ લે એટલે ભણવાનું બંધ. ઘરની બહાર જવાનું બંધ. જેની સીધી અસર છોકરી પર એવી પડે અને ડરી જાય કે છોકરા સાથે ભાગી જવા સિવાય કોઈ વિકલ્પ બચે જ નહિ. અહીં આઘાતનો પ્રત્યાઘાતવાળો નિયમ બંધ બેસે છે

ફરી પુરાણોમાં નજર નાખો. ઓખાહરણ વાંચ્યું હોય તો ખ્યાલ આવશે જેમાં ઓખા ક્યારેય નાં મળેલા અનિરુદ્ધને ચાહવા માંડે છે પાર્વતી સ્નાન કરવા બેઠા અને દ્વારે ગણપતિ અને ઓખાને ચોકી કરવા મુક્યા. તપ પુરૃ કરી શંકર ભગવાને જયારે ગણપતિને ઓળખ્યા નહિ અને અંદર જવાની અનુમતિ ના મળી તો ભગવાન શંકર અને ગણપતિનું યુદ્ધ થયું. આ યુદ્ધ જોઈએ ઓખા ડરને કારણે છુપાઈ ગઈ. જયારે પાર્વતીએ બહાર આવીને જોયુંને ગણપતિનું શિરચ્છેદ થઇ ગયું છે તો ગુસ્સામાં ઓખાને રાક્ષસના ઘરે જન્મ થાય એવો શ્રાપ આપ્યો. જેથી ઓખાનો જન્મ બાણાસુર નામના રાક્ષસના ઘરે થયો તેના જન્મ સમયે જોશીએ આગાહી કરી કે, ઓખાના ગંધર્વ વિવાહ એટલે કે પ્રેમ વિવાહ થશે. બસ ત્યારથી જ બાણાસુરે ઓખાને બહાર જવા દીધી જ નહિ. ઊંચા ઊંચા મિનારા બંધાવ્યા અને ઉપલે મળે ઓખાને સખી ચિત્રલેખા સાથે રાખી. જન્મતા વેંત જ ઓખા માળિયામાં કેદ હતી. યુવાવસ્થામાં તેને સપનું આવ્યું, જેમાં અનિરુદ્ધ એટલે કે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન અને તેમના પુત્ર અનિરુદ્ધને પોતાનું દિલ આપી ચુકે છે પછી સખી ચિત્રલેખાને જે સપનું આવતું હતું તે સ્વપ્નપુરુષનું ચિત્ર દોરવા કહ્યું, આખરે સપનામાં જોયેલા પુરુષનું ચિત્ર જોયુ પછી નારદજીની મદદથી અનિરુદ્ધ એ માળિયામાં સુતેલી અવસ્થામાં જ ઢોલિયા સાથે લાવે છે ઘણા ઝગડા થાય છે અંતે બંને લગ્ન કરે છે

પ્રેમ વિવાહ કરવાથી ઇજ્જતમાં ઓછપ આવે, સમાજમાં નામ ખરાબ થાય, લોકો ચર્ચા કરે એ બધી વાતો જૂની છે એમ તો નહિ કહું પણ ખોટી ચોક્કસ છે. છોકરા છોકરી ભાગી જાય એની કરતા કારણ કે હસી ખુશીથી સંમંતિ આપીને ધામધૂમથી પણ પ્રેમ વિવાહ થઇ શકે છે. વડીલ વાચકવર્ગને એક વિનંતી કે તમે સંતાનોને ઓળખો. તેની દિનચર્યા સમજુ, નોંધો શું તમારો પુત્ર કે પુત્રી એક થી વધુ મિત્રો સાથે ઇશ્કબાજી ના કરતા હોય નિયત સમયે ઓફીસથી કે કોલેજ થી ઘરે આવી જતા હોય વર્તારો સહજ હોય અને પસંદ કરેલા પાત્ર માટે બીજા સાથે જીવન ગાળવાની તૈયારી ના બતાવે તેની માટે રાહ જોવે અને સામે પક્ષે પણ આમ જ હોય તો સમજી જવું જોઈએ કે સંતાને સાચો જીવનસાથી પસંદ કર્યો છે, તો સાથે સાથે યુવાવર્ગે પણ પોતે શોધેલા પાત્રની યોગ્યતા, ગુણ, જીવનની સુરક્ષિતતા જોઈ છે તે વાલીને જણાવવા હિમ્મત કરવી જોઈએ તેમજ સક્ષમ અને નમ્રપણે ઉલ્લેખ કરવો જોઈએ જેથી વડીલ વર્ગને સંતાનો પ્રત્યે જે ભવિષ્યનો ડર છે તે દૂર થાય, કારણે મોટા ભાગે વડીલો મંજૂરી નથી આપતા કારણકે તેમને તેમના બાળકોની ચિંતા હોય છે. યાદ રાખો માતાપિતાને યુવાન થયેલા સંતાનોની એટલી જ ફિકર હોય છે જેટલી તેમના જન્મ પર અને બાળપણમાં હતી, પણ યુવાવસ્થામાં આવેલા લોકોની વિચારધારા બદલાઈ જાય છે અને વિચારે છે કે અમે જ સાચા અમે મોટા થયા અમે અમારા જીવનસાથી સાથે જીવવાનો અધિકાર છે, પણ સબૂર… આગળ કહ્યું તેમ તમે તમારા પાત્રમાં જોએલી પાત્રતા, ગુણ તમારા માતાપિતાને સમજાવો. તે લોકો સમજે, માને, મંજૂરી આપે તેની રાહ જુઓ. કારણ કે જેટલો તમને તમારા લગ્નનો લ્હાવો લેવો જે એનાથી વિશેષ તમારા માતાપિતા તમને લગ્નસૂત્રમાં બાંધવા ઉત્સુક હોય છે એવું પણ ઘણીવાર બની જતું હોય છે કે આવેશમાં આવીને માતાપિતા બાળકોની મારપીટ કરે છે જેથી નાછૂટકે ભાગી જવા સિવાય કોઈ એ ઉપાય બાકી રહતો નથી જે બહુ જ ખોટું છે કારણ કે આમ કરવાથી લગ્ન તો થઇ જશે પણ સાચા લગ્નનો લ્હાવો નહિ લઇ શકાય છોકરી ભાગીને લગ્ન કરી લેશે અને પછીના દિવસોમાં તાણ અનુભવશે છુપાઈ છુપાઈ ને રહેવું પડે છે તો સામે પક્ષે માતાપિતા પણ સમાજમાં પોતાના બાળકો ભાગી ગયા તે માટે નાલેશી અનુભવશે થોડા વખતે માબાપ માની પણ જાય અને ઘી ના ઠામમાં ઘી પડી રહે પણ આ કિસ્સો જીવનભર છોકરીના દિમાગમાં ઘુમતો રહેશે કારણ કે જયારે લોકોના લગ્નની ધામધૂમ જોશે તો પોતાના દિવસો યાદ કરીને ઉદાસ થઇ જાય છે

માટે માતાપિતાએ કોઈ કડક પગલાં ના લેવા અને યુવાવર્ગે પણ ઉતાવળ ના કરવી. બસ એકબીજાને સમજવા, વિચારોની આપ લે કરવી પસંદ કરેલા પાત્રની માહિતી મેળવો, પોતાના સંતાન સાથે સુરક્ષિત ભવિષ્ય છે કે નહિ તેની તપાસ કરો, અદ્દલ તેમ જ જેમ ગોઠવેલા લગ્નમાં કરવામાં આવે છે, અને જો કોઈ ખામી વર્તાય તો પોતાના સંતાનોને સમજાવો ના સમજે તો તે ચકાસો તે પોતાનું સંતાન પસંદ કરેલા પાત્રની ખામીને સહવા માટે કેટલું સક્ષમ છે ક્યાંય પ્રેમના આવેગમાં આવીને તો હા નથી પાડતું તેના પ્રેમના ઊંડાણને ચકાસો.

બસ જુઓ પછી પ્રેમ વિવાહને પણ અદ્દલ ગોઠવેલા લગ્નની જેમ જ ઢોલ નગારાં વગાડીને મનાવી શકશો અને હા સગા સંબંધીઓને પણ મન સન્માન સાથે આમન્ત્રણ આપો પાત્ર પરભાષી હોય કે પરધર્મી એકબીજાને હલકા ના પાડો એકબીજાની રીતરિવાજોને એટલું જ મૂલવો જેટલું તમે તમારી માટે અપેક્ષા રાખો છો