Ver virasat - 35 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 35

વેર વિરાસત

ભાગ - 35

ઢળતી સાંજ હતી તો કેસરિયારંગે રંગાયેલી પણ ઉદાસ, બોઝિલ. પોત એનું સીસાની કણિકા ભરી હોય એવું ભારેખમ હતું.

'ડરવાની કોઈ વાત નથી. સામાન્ય તાવ છે. શક્ય છે એ થાક અને સ્ટ્રેસ બધું ભેગું થઇ ગયું હોય. મેં ઇન્જેક્શન આપી દીધું છે. થોડો આરામ જરૂરી છે. ' ડોક્ટર ભાવેએ નાનીને સૂચના આપીને પોતાની બેગ બંધ કરી.

લિફ્ટ સુધી ડોક્ટરને વળાવીને આવેલી આરતીને ચિંતા થઇ આવી આ નવી ઉપાધિની.

રિયા તો બાળપણમાં પણ કોઈ તાવ કે શરદીનો ભોગ બની હોય તેવું પણ સ્મરણમાં નહોતું ને આમ ગ્રહણ ટાંકણે સાપ નીકળ્યો ?

આરતીએ ડોક્ટર ભાવેએ લિફટમાં પ્રવેશીને ઉચ્ચારેલા શબ્દો વાગોળી લીધા, કોઈ ગંભીર વાત તો હતી નહીં. છતાં, બે એક દિવસમાં ફરક ન પડે તો બ્લડ રીપોર્ટસ કરાવી લઈશું.

વિચારમગ્ન અવસ્થામાં રિયાના બેડરૂમમાં પ્રવેશી રહેલી આરતીની પાછળ પાછળ કુસુમ પણ દાખલ થઇ.

' દીદી, કંઇક વધુ ગંભીર સમસ્યા તો નથીને ? ' આરતીની પાસે આવીને બેસી ગયેલી કુસુમે પૂછી લીધું. એની આંખોમાં રહેલા ભાવ બાકીની વાત છતી કરી દેવા પૂરતાં હતા. એ વાત આરતીની નજર બહાર ન રહી. એ વિષે વધુ વાત કરવાને બદલે ચૂપ રહેવું બહેતર સમજ્યું આરતીએ. એને આંખો બંધ રાખીને સુતેલી રિયાના કપાળ પર મૂકી જોઈ લીધું. કલોન વોટરના પોતાંએ કે પછી ડોક્ટર ભાવેના ઇન્જેક્શને પોતાની કામગીરી બજાવી હોય તેમ ટેમ્પરેચર ઓછું જણાયું.

કુસુમે એક નજર આંખો બંધ કરીને પડેલી રિયા પર નાખી.

'દીદી, આ પ્રીમિયરની તારીખ પછી તો આપણે નીકળી શકીશું ને ? માધવી દીદીએ તો કહ્યું જ છે ને ! ને બાકી હોય એ તો અઠવાડિયામાં આવે જ છે ને !! ' રિયા ભર ઊંઘમાં હશે એવી ધારણાથી એ હળવેકથી બોલી.

આરતી ઠંડી નજરે કુસુમને જોઈ રહી. કેટલી સ્વાર્થી હતી આ કહેવાતી સંન્યાસિની, આ એ જ કુસુમ હતી જેને એક અજનબી માણસની લાલચમાં આવી પોતાને દૂધમાંથી માખી કાઢે તેમ ઊંચકીને ફેંકી દીધી હતી ને આજે એ સુકેતુ સામે ચોકો માંડવાની ઈચ્છાથી પોતાને ફરી આશ્રમમાં ઊંચકી જવા ઉધામા કરતી પડી રહી હતી.

આરતીની નજરમાં તોળાતા તાપનો સામનો કરવા અસમર્થ હોય તેમ કુસુમે નીચું જોઈ જવું પડ્યું.

'શું કરું દીદી પણ હવે બીજો કોઈ રસ્તો જ ક્યાં બચ્યો છે ?, ને દીદી તમે તો જાણો છો કે જેની પર હું આશા કે વિશ્વાસ રાખી શકું એ માત્ર ને માત્રને તમે જ છો...' કુસુમ બોલતાં તો બોલી ગઈ પણ સાથે આરતીના ચહેરા પર શું હાવભાવ છે તેની નોંધ લેવાનું ન ચૂકી.

'હા, કુસુમ પણ તને એ વાત હવે સમજાઈ છે જયારે સુકેતુએ તને ઊંઘતી વેચી નાખી, બાકી વર્ષો પહેલા તું ક્યાં આ સ્થિતિ સમજવાની સ્થિતિમાં હતી ?' આરતીએ કહેલા વચન કુસુમને ચૂભાયા તો તીરની જેમ હતા પણ એ ગળી જવા સિવાય કોઈ વિકલ્પ પણ નહોતો ને !

' બિલકુલ સાચી વાત દીદી, પણ હવે ઢોળાયેલા દૂધ પર શું રડવું ? '

કુસુમની નફ્ફટાઈ પર આરતીને રહી રહીને ગુસ્સો આવી રહ્યો હતો. આટલા સમયમાં બીજું કંઈ નહીં પણ સુકેતુની જેમ ભ્રમણામાં નાખી દેતા ચતુર જવાબો આપતા તો એ બરબર શીખી ગઈ હતી.

ઘડીભર માટે તો આરતીનું પણ મન લલચાઈ ચુક્યું હતું આશ્રમ જવા માટે. આખરે કેટલી લાંબી પ્રતીક્ષા પછી આ ઘડી આવી ને સમીપ ઉભી હતી ત્યારે સંજોગ ખલનાયક થઈને રસ્તો રોકી ઉભા હતા. આમ માધવીની ગેરહાજરીમાં ચાલી નીકળવું યોગ્ય પણ નહોતું ને બાકી હોય તેમ રિયાનું પ્રીમિયર, ને આ નાની સરખી માંદગી ધ્યાન માંગી લેતી હતી ને.

આરતીને વિચારમગ્ન જોઇને કુસુમ જવાબ તો સમજી શકી કે એ હા તો પણ સાથે સાથે પોતાને સ્ફુરેલો વિકલ્પ પણ આપી દીધો .

'જો તમે જરા આશ્રમની ભૂમિ જોઈ લો ને તો પછી અહીં બેસીને પણ જરૂરી અનુષ્ટાન ને ક્રિયા તો કરી જ શકો ને, પણ મને લાગે છે કે દોષ આશ્રમમાં જ છે. પેલો સુકેતુ છેલ્લે છેલ્લે ન જાણે શું ટોણાં ટૂચકા કરતો રહેતો પણ કશોક દોષ તો રોપીને જ ગયો છે એ વાત તો નક્કી.અમે આશ્રમનો ખૂણો ખૂણો તપાસ્યો પણ દોષ ન મળ્યો એટલે જ તમારી પાસે આવી કે હવે જે કરી શકો તે તમે જ કરી શકો......'

સામે બેડ પર પડેલી રિયાની આંખો તાવના ભારથી બંધ જરૂર હતી પણ નાની અને કુસુમ વચ્ચે થઇ રહેલી વાતચીતનો અંશે અંશ પામી શકતી હતી.

રહી રહીને કુસુમ એકની એક વાત કરી રહી હતી અને નાની કોઈ પણ રીતે ટાળી રહ્યા હતા. આખરે કોઈક વાત તો જરૂર હતી. એનો અર્થ ચોખ્ખો એ જ થતો હતો કે દોષનિવારણ ક્રિયા જો કોઈ કરી શકે તો તે માત્ર ને માત્ર નાનીના હાથની વાત હતી. નાનીની એ સિધ્ધીઓને પેલી મધરાતવાળી પૂજા સાથે કોઈ જોડાણ હશે ? ને જો આવા ચમત્કાર નાની કરી શકે તો કરણનું મગજ ન બદલી શકે ?

કરણનું નામ મનમાં આવતા જ એક ચચરાટ મનને ઘેરી વળ્યો . છેલ્લીવાર કરણને મળ્યા પછી અંદર કંઇક તૂટી ગયું હતું એવા અહેસાસથી શરીરમાં કંઇક અજબ કડવાશ આરોપાઇ ચૂકી હતી.. તનમનને શેકી રહેલા તાવ કરતાં દિલમાં ભડભડ થઇ રહેલી ઉપેક્ષાની લાગણી કંઈ ગણી વધુ દાહક હતી. નાનીને આ આખી વાત કહેવી જરૂરી હતી પણ કઈ રીતે ? ઘરે મહેમાન થઈને આવેલી કુસુમ આંટી તો નાનીને પળવાર માટે પણ એકલા મૂકે તો કહેવાય ને ?

કુસુમની આ ટોણાં ટુચકા ને ચમત્કારવાળી વાત સાંભળીને રિયાના કાન સરવા થયા એ વાત આરતીથી છાની નહોતી રહી. આંખો તો બંધ હતી છતાં એમાં કોઈ હલનચલન વર્તાયું હોવું જોઈએ, આરતીએ તરત જ હાથ ઉંચો કરીને કુસુમને બોલતી અટકાવી.

'શશશ... એ બધી વાતો અહીં નહીં, ને જો કુસુમ , હું તને એકની એક વાત હવે કેટલીવાર કહું ? માધવી આવશે એમ કહે છે પણ એ ન આવે ત્યાં સુધી હું ઘર નહીં છોડી શકું એ વાત પણ નક્કી છે. એક તો આ છોકરી માંદી ને બીજી બાજુ માધવી બહારગામ , શક્ય જ નથી કે હું આશ્રમ આવી શકું... હા, માધવી આવી જાય પછી વાત....'

'તો તો પછી હવે મારે અહીં રહેવાનો કોઈ અર્થ જ સરતો નથી.. દીદી, તો હું રજા લઉં, આવતીકાલે જ નીકળી જાઉં ?'

'એ તો તારી મરજી કુસુમ, એમાં હું શું કહું ?' આરતીએ સિફતપૂર્વક જવાબ વાળીને જવાબ તો આપી જ દીધો હતો.

બીજે દિવસે કુસુમ આરતીની મંજૂરી લઈને નીકળી ગઈ હતી, અલબત્ત, આરતી દીદી બને એટલી ત્વરાથી આશ્રમ આવશે તેવા આશ્વાસનને ગાંઠે બાંધીને.

કુસુમના જવાથી જો કોઈને જબરી રાહત થઇ હોય તો એ રિયા હતી.

પેરીસથી પછી ફરી તે રાત્રે જોયેલા દ્રશ્ય દિવસો સુધી નજર સામેથી ખસ્યા નહોતા, ક્યારે આ કુસુમ આંટી જાય ને નાનીને પૂછી લઉં એ વાત તો મનનો કબજો લઈને બેઠી હતી ને બાકી હતું એમ આ કરણનું અણધારેલું કોકડું ખરેખર પરેશાન કરી રહ્યું હતું.

***

જેની રાહ જોવાઈ રહી હતી એ પ્રીમિયરનો દિવસ આખરે આવીને ઉભો હતો ત્યારે હવે એ રિયાને એ બોજ જેવો લાગ્યો. કારણ સીધું હતું. જયારે આ દિવસની રાહ જોઈ રહી હતી ત્યારે આંખોમાં કેટલા સપના રમી રહ્યા હતા.એમાં પણ પેરીસ જઈને તો એ ચાહનાને સોનેરી રંગ ચઢ્યો હતો. રોમા ને મીરો સહજીવન શરુ કરે તો પોતે તો કરણ સાથે એ વિષે ચર્ચી જ ચૂકી હતી. ચાહ તો હતી કરણ સાથે બંધને બંધાવાની. ને અચાનક જ એ ગુલાબી સપનું બ્લેક એન્ડ વ્હાઈટ થઇ ગયું ? જાણે કોઈ ભૂલાયેલું ગીત ?

કરણે લગ્ન માટે ના નહોતી ભણી, પણ હા પણ નહોતી પાડીને !!

રિયાએ મનને મનાવવાની એક વધુ કોશિશ કરી જોઈ: એની વાત પણ ક્યાં ખોટી હતી? હજી તો પહેલે પગથિયે પગ મુક્યો હતો અને સામે હતી મંઝિલ જે આકાશમાં જતી હતી. એવા સંજોગોમાં આવું માતબર રોકાણ પહેલે પગથિયે લથડી જવા તો નહોતું કર્યું ને?

પહેલી ફિલ્મના અને આજના પ્રીમિયર ફંક્શનમાં તફાવત આસમાન જમીનનો હતો.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોચના કહી શકાય એવા તમામ લોકોની મોજૂદગી હતી, રિયાને લાગ્યું કે એ સાવ એકલી પડી ગઈ હતી. સાથે કરણ હતો, નાની હતા, છતાં કોઈક અધૂરપ અનુભવાતી રહી.

નાનીને આજના પ્રસંગ આવવાનું મન લગીરે નહોતું પણ રિયાની જીદ અને એની તબિયતને ધ્યાનમાં રાખી આવવું પડ્યું હતું એટલે કોઈક ખૂણો પકડીને બેસી ગયા હતા.

સહુના આકર્ષણનું કેન્દ્ર હતા રિયા ને કરણ .

કરણ તો કશું જ ન બન્યું હોય તેમ સ્વસ્થ લાગી રહ્યો હતો. ક્રીમ કલરના ટક્સીડો સૂટમાં જેલથી ચિપકાવીને સંવારેલા વાળમાં એનો ચહેરો વધુ ખીલ્યો હતો. ખુશખુશાલ ચહેરે સહુ સાથે વાતોમાં મશગૂલ થઇ જતો રહ્યો.

અકારણે રિયાનું મન ઉદાસીનતાથી ભરાતું ચાલ્યું. રોમાની જેમ પોતાના નસીબમાં ક્યારેય નોર્મલ જિંદગી નહીં લખી હોય ?

પાર્ટી સોળે કળાએ ખીલી હતી છતાં રિયાનું મન ઉદાસીનતાથી ભરાતું ચાલ્યું. કરણની સાથે થયેલી વિસંવાદિતા મનમાં ખારાશ એટલી હદે ઘોળાઈ ગઈ હતી કે પાર્ટીમાં ચાલી રહેલાં પોતાના વખાણ પણ રિયાને મૂડમાં લાવવા નાકામિયાબ રહ્યા.

અચાનક જ મનમાં આગિયાની જેમ એક ચમકારો થયો : કદાચ મમ જેવી જિંદગી તો નહીં લખાઈ હોય ને પોતાના ભાગ્યમાં ?

એ ખ્યાલથી જ રિયાના શરીરને કંપાવતી એક લહેર આરપાર પસાર થઇ ગઈ. સાથે જ એની નજર સામેથી આવી રહેલા આર.સેતુમાધવન પર પડી.

ભાગ્યે જ આવી પાર્ટીઓમાં જનાર સેતુમાધવનને આવેલો જોઇને ઘણાં ખુશ થયા હતા તેથી વધુ મહેમાનો અચરજમાં મુકાયા હતા.

'વેલકમ સર ...' અંગત રીતે ન જાણતો છતાં કરણ તરત એમને આવકારવા આગળ ધસી ગયો . એટલીવારમાં તો કુમારન અને સાથે સાથે કરણના બિઝનેસમેન ફાધર લલિત સોઢી પણ ક્યાંકથી પ્રગટ્યા હોય તેમ આવી પહોંચ્યા હતા.

માધવન સહુને પહેલીવાર મળતો હોવા છતાં એકદમ સૌજન્યશીલ વર્તનથી પ્રભાવિત કરી રહ્યો હતો. ભાગ્યે જ પાર્ટીઓમાં દર્શન આપતા આપતાં આર.માધવનનું આમ આવવું કુમારન ને તો ખરું પણ સોઢીને ગદગદિત કરી ગયું હતું.

સ્વાગતની ઔપચારિકતા પતી પછી સેતુમાધવન એક ખૂણે સહુ સાથે વાતોમાં પરોવાયેલા રહ્યા.

'સર, નીકળી જવું છે કે પછી ??...' માધવનની જ સૂચનાથી કલાક પછી યાદ કરાવવા આવેલા શમ્મીને પણ સેતુમાધવને વાતોમાં જોડી દીધો : જવાય છે હવે, શમ્મી જો તો ખરો, આપણે ત્યાં શું નવા પરિમાણ સેટ થઇ રહ્યા છે !! સોઢી સાહેબે ખુદ હાથમાં થમાવેલા ગ્લાસમાંથી એક ચૂસકી લઇ આજુબાજુ નજર નાખી વાતાવરણને માપી લેવાની કોશિશ કરતા કહ્યું.

શમ્મીને લગીરે ન સમજાયું કે એના બોસ કહેવા શું માંગે છે. હજી એ સમજવાનો પ્રયત્ન કરે એ પહેલા જ સેતુમાધવને દબાયેલા અવાજે કહ્યું : અરે શમ્મી એ તો જો, આ હીરોના ફાધર લલિત સોઢી . અગ્રીકલ્ચર પ્રોડક્ટ્સના ઈમ્પોર્ટ એક્સપોર્ટનો જબરો બિઝનેસ છે પણ દીકરાને એ કરિયાણાની આયાતનિકાસમાં રસ નથી એટલે જબરદસ્ત રોકાણ કરીને દીકરાને હીરો બનાવવા કરી નાખ્યું ....છે ને ઇન્ટરેસ્ટીંગ ??

માધવને બોલતાં શમ્મી સામે એક નજર શું નાખી, બોસનો પડછાયો બની ચુકેલો શમ્મી સમજી ગયો મૂળ કારણ, અચાનક બોસને પાર્ટીમાં સમય વિતાવવાની વાત કેમ મનમાં આવી ગઈ છે. જો એવા સંજોગોમાં કોઈ કનેક્શન બેસી ગયું તો હવે તો બોસની ફાઈનાન્સની સમસ્યા પણ દૂર થઇ જાય એવા સંજોગોમાં નિર્માણ થઇ રહ્યા છે.

દુનિયા ભલે માને કે સેતુમાધવનને એવરગ્રીન મિડાસટચવાળો મહારથી માને પણ ચડતીપડતીના ક્રમથી કોણ બાકાત રહી શક્યું છે તે માધવન રહે ? હા, તે વાત જગજાહેર નહોતી થઇ ત્યાં સુધી તો બાંધી મુઠ્ઠી લાખની હતી ને !! એ વાસ્તવિકતા તો ઇન્ડસ્ટ્રીના ગણ્યાંગાંઠ્યા ફાઈનાન્સર્સ સિવાય ખબર પણ ક્યાં કોઈને હતી ?

ભાગ્યની દેવી માધવન પર રીઝે આવી તમામ પરિસ્થિતિ નિર્માણ થઇ રહી હતી.

પરિસ્થિતિ પામી ગયો હતો શમ્મી. એટલે કે આગામી ફિલ્મનું પ્લાનિંગ શરુ થઇ ચૂક્યું હતું.

એનો સીધો એક અર્થ એ પણ થતો હતો કે માધવનના મનમાં ચાલી રહેલા પ્લાન જો એ સમજી શક્યો હોય તો ફાઈનાન્સર હશે લલિત સોઢી, હીરો હશે કરણ...ને હિરોઈન...

માધવન, કુમારન અને લલિત સોઢીની વાત ખતમ જ નહીં થવાની હોય એમ ચાલી રહી હતી. ત્યાં અચાનક જ સોઢીએ અન્ય કોઈ ગેસ્ટને મળવા જવું પડ્યું.

એક્સક્યુઝ મી કહીને ગયેલા લિત સોઢી ફરી આવીને વાતમાં જોડાય તે પહેલા સેતુમાધવને તક ઝડપી લીધી, કરણ અને રિયાને શુભેચ્છા આપતાં દોર પોતાના હાથમાં લીધો.

' લવસ્ટોરીની સફળતા ફળી ખરી !! પણ બીલીવ મી, આઈ વોઝ હન્ડ્રેડ પરસેન્ટ શ્યોર, મેં શમ્મીને કહ્યું પણ હતું કે આ છોકરી ગજું કાઢી જશે... કેમ શમ્મી યાદ છે ? ' એણે શમ્મીને પણ વાતમાં ખેંચ્યો.

શમ્મી જી જી કરી હામાં હા મેળવી રહ્યો હતો. હજી ગડ બેસતી નહોતી કે બોસનું ટાર્ગેટ તો કરણ હોવો જોઈએ તો પછી એને મૂકીને આ હિરોઈનમાં આટલો રસ કેમ બતાડી રહ્યા છે ? ક્યાંક હીરોગીરીના વજનદાર ઇગોના ગુબ્બરામાં એ ટાંચણી ભોંકવાનું કામ ન કરી જાય!!

' મેં ઘણી ટેલેન્ટને જોઈ પરખીને એમને સ્ટાર બનાવી છે... એક રફ ડાયમંડ પર પાસાં પડે ત્યારે એ ચમકી ઉઠે, પણ આ કેસમાં તો એવું ન લાગ્યું. એટલે હું માની લઉં છું કે તમારા ફેમિલીમાં કોઈને કોઈ આર્ટીસ્ટ તો જરૂર હશે જ ... એમ આઈ રાઈટ ?' સેતુમાધવને ગુગલી ફેંકી રિયાના ચહેરા પર બદલાતા હાવભાવ બારીકીથી નીરખવા માંડ્યા.

પણ, ઉત્તરમાં રિયા હળવું હળવું સ્મિત કરતી રહી. એને માત્ર હળવેકથી માથું ધુણાવ્યું : નો, નોટ રીયલી... સોરી...

'એટલે ? ફેમિલીમાંથી કોઈ આ ફિલ્ડમાં નથી ? કે પછી અન્ય કળા ક્ષેત્રે ? ' માધવનની કુતુહલતા માઝા મૂકી રહી હતી.

જો અંબરીશકુમારે આપેલી માહિતી પ્રમાણે માધવી સાથે કંઇક સંબંધ તો જરૂર હોવાનો આ છોકરીને, થોડા સમય પહેલા પોતાને ત્યાં ઓડીશન માટે જોઈ ત્યારે તો નહોતી લાગી પણ હવે એ આબેહૂબ તો નહીં પણ માધવીની આછી ઝલક તો ધરાવતી થઇ જ હતી.

' ફેમિલીમાં નાની છે. બસ...' રિયાએ ગોઠવેલો જવાબ આપી દેવો પડ્યો. મમ્મીએ એ માટે કેટલો ઉપાડો લીધો હતો !

'ઓહ ઓકે....' સેતુમાધવનના નાટકીયતા બીજું કોઈ સમજે કે ન સમજે શમ્મી સુપેરે સમજી રહ્યો હતો. આ બધી વાતચીત કોઈ નક્કર હેતુ વિના સંભવી ન શકે.

'એમ ? આવ્યા છે આજે ? ' માધવનનો પ્રશ્ન માત્ર રિયાને જ નહીં કરણને પણ વિચિત્ર લાગ્યો. ન લાગ્યો શમ્મીને, જે એના બોસની ફિતરતથી રગેરગ માહિતગાર હતો. : કોઈક તો વાત જરૂર હતી બાકી માધવન સર આવો રસ ન દેખાડે..

'શ્યોર, નાની અહીં જ હશે !! તમારી ઓળખાણ કરાવું, પણ જો કે એ કદીય ફિલ્મો જોતાં નથી,એટલે ...' રિયા હસી.

જવાબમાં માધવન હસ્યો : પણ હવે તો જોશે ને ! પોતાની દોહિત્રી નામાંકિત એક્ટ્રેસ હોય તો !!

રિયાએ ઉત્તરમાં સ્મિત કરી નાની બેઠા હતા એ દિશામાં જોયું. નાની ક્યાંય બેઠેલાં ન દેખાયા.

'અરે નાની ક્યાં ગયા ? હમણાં તો અહીં હતા? ' રિયાએ ચારે બાજુ નજર ફેરવી જોયું પણ આરતી ક્યાંય નજરે ન ચઢી.

હવે રિયાનું ધ્યાન વાતચીતથી પર થઇ નાની પર કેન્દ્રિત થયું હતું.

'કરણ, નાની નથી દેખાતા, હું જરા જોઇને આવું ?પ્લીઝ ... 'રિયાના સ્વરમાં ભૂલી પડી ગયેલી નાની બાળકીને થાય તેવી જેવી ફિકરનો પાશ હતો.

'અરે વોશરૂમમાં ગયા હશે, રિયા તું પણ.....' કરણને રિયાની બાલીશ હરકત પર ચીઢ આવી રહી હોય એમ લાગ્યું. આવી નાની વાતને મોટું સ્વરૂપ આપીને રિયા શું સાબિત કરવા માંગતી હતી ?

જમાનાના પારખું માધવને રિયા કરણ વચ્ચે કોઈ તણખાં ઝરે એના સાક્ષી ન બનવું હોય એવી સાવચેતી વર્તતા હોય એમ હળવેકથી ખસી જવું યોગ્ય સમજ્યું.

કરણ અને રિયા બાકીના મહેમાનોને મળવા સાથે સાથે ફોટોસેશનમાં મગ્ન રહ્યા પણ રિયાની નજર થોડી થોડીવારે નાનીને શોધતી રહી. : ક્યાં ગયા હશે ? ઘરે જાય તો પણ કહીને તો જઈ શકે ને ?

મધરાતે પાર્ટી પતી ત્યારે રિયાનું શરીર કળી રહ્યું હતું. કારમાં ઢગલો થઇ ગયેલી રિયા બોલવાના હોશમાં નહોતી છતાં ડ્રાઈવર કિશોરને પૂછી લીધું : નાનીને ઘરે ડ્રોપ કરી દઈ પાછો આવ્યો ?

'જી, નાનીજી એ કહ્યું કે તમને હજી ઘણો સમય લાગશે એટલે એમને ડ્રોપ કરીને પાછો આવ્યો..'

રિયાએ એક રાહતનો શ્વાસ લીધો : નાની કંટાળ્યા હશે આ શોરબકોરવાળા માહોલથી. એટલે ઘરભેગા થઇ ગયા હશે. ઠીક છે...

પણ, રિયાને ક્યાં ખબર હતી ખરાં કારણની ?

રિયા ઉપર પહોંચી ત્યારે ઘરમાં એ જ અંધકારનું સામ્રાજ્ય હતું જેવું સામાન્યરીતે મધરાતે હોય. નવાઈ એ હતી કે નાનીના પૂજાના રૂમનું બારણું ખુલ્લું દેખાય એ રીતે અટકાવેલું હતું, એમાંથી બહાર પ્રસરી રહેલા પીળો કેસરી પ્રકાશ રિયાને યાદ અપાવી ગયો એ મધરાતની જયારે એ ચેન્નાઈમાં જોયો હતો, બીજીવાર પેરીસથી અચાનક આવી જવાને કારણે હતો પણ આજે ? આજે તો નાનીને ખબર હતી કે પોતે ગમે તે ઘડીએ આવી પહોંચશે તો પછી ?

એ વિષે વધુ ન વિચારવું હોય એમ રિયા અધખુલ્લા અટકાવેલા બારણાને ખોલીને અંદર પ્રવેશી.

પહેલા જોયેલા દ્રશ્ય અને આ આજના આ દ્રશ્યમાં એક માત્ર પ્રકાશના રંગ સિવાય બીજી સામ્યતા નહોતી, ન તો તાજાં ફૂલોની સજાવટ હતી ના રંગોળી હતી.

લાંબી જ્યોતથી જલી રહેલા દીવાના ઉજાસમાં રિયા જોઈ શકી નાનીની બિડાયેલી આંખો અને મંત્રજાપ કરતા હોય તેમ ફફડી રહેલા હોઠ.

બે ઘડી ચૂપચાપ ઉભા રહ્યા પછી પણ નાનીએ આગમનની નોંધ લીધી હોય એમ ન લાગવાથી રિયા ત્યાંથી ખસી ગઈ. રૂમમાં જઈ ડ્રેસિંગ ટેબલ સામે બેસી પડી. હળવે હળવે ઘરેણાં ઉતાર્યા, કપડાં ચેન્જ કર્યા, ચહેરા પર કરેલો મેકઅપ સાફ કર્યો. એ બધામાં કલાક વીત્યો છતાં પણ નાની ઉઠ્યા હોય તેમ ન લાગ્યું એટલે રિયાએ બેડમાં લંબાવ્યું.

થાક અને બે દિવસથી આવી રહેલી નબળાઈએ અચાનક જ હલ્લો કર્યો હોય તેમ શરીર ભારે લાગવા માંડ્યું હતું. આંખો બીડાઈ રહી હતી અને ત્યાં જ નાનીનો અવાજ કાને પડ્યો : રિયા, દીકરા... ઊંઘી ગઈ કે ?

નાનીનો અવાજ કાને પડ્યો છતાં રિયા પ્રતિસાદ આપ્યા વિના પડી રહી. શરીરનું અણુએ અણુ કળતું હતું. ગુસ્સો પણ ભારે ચઢ્યો હતો. : આવી હાલતમાં નાની એકલી મૂકીને ઘરે આવી ગયા ? એમને લગીરે વિચાર ન આવ્યો હોય ?

રિયા પાસેથી કોઈ જવાબ ન મળ્યો એટલે આરતીએ એના કપાળ પર હાથ ફેરવ્યો. કપાળ સ્પર્શતાં જ હાથ ખેંચાઈ ગયો. રિયાનું શરીર તો ધગી રહ્યું હતું.

વધુ સમય ગુમાવવાને બદલે વિના કંઈ બોલે આરતીએ ઝડપભેર બરફના પોતાં મુકવા માંડ્યા. રિયાની આંખો બંધ હતી અને એ કંઇક લવી રહી હતી.

'નાની તમે પણ મમ્મી જેવું જ કર્યું ને ? મને કહ્યા વિના નીકળી ગયા... હું થોડી મહત્વની હતી ? પૂજા વધુ મહત્વની હતી. '

રિયા તાવના ઘેનમાં બોલી રહી હતી પણ હતી તો એના મનમાં ઘુમરાઈ રહેલી વાત જે વિચલિત થયા વિના આરતી શાંતિથી એ સાંભળી રહી.એને શું કહેવું ? કેમ એ ત્યાંથી નીકળી ગઈ ?

મનોમંથન કાર્ય પછી પણ કોઈ જવાબ ન માન્યો ત્યારે આરતીએ મનને જ તૈયાર કરવું પડ્યું, સાચી વાત રિયાને કકરી દેવા માટે.

આખરે એક દિવસ તો આવવાનો જ હતો ને !!

ક્યાં સુધી બધું ગોપિત રાખવું ?

રાજાની સામસામે થઇ જવાય ને એ માધવીની માસી તરીકે જો ઓળખી ગયો તો રિયા કોણ છે એ રાઝ એક જ ઘડીમાં ખુલી જવાનો હતો, એટલે તો પોતે ખસી ગઈ હતી ત્યાંથી પણ અત્યારે હવે સાચું કારણ કહેવું એટલે માધવીની પરવાનગી વિના જ રિયાને એનો પિતા કોણ છે એ કહી દેવું ...

એ કેટલા અંશે ઉચિત હતું ?

ક્રમશ :