Backfoot Panch - 4 books and stories free download online pdf in Gujarati

બેકફૂટ પંચ

પ્રકરણ-૪

(આગળ ના પ્રકરણ માં જોયું કે આદિત્ય કઇ રીતે ક્રિકેટ ની દુનિયા નો ઉગતો સિતારો બની ગયો. કરોડો ની સંપત્તિ તો મલિક થયા પછી પણ એ પહેલાના જેવો સામાન્ય જ હતો. આદિત્ય વૃંદાવન આશ્રમ કરી ને એક સ્થળે જાય છે. આશ્ચર્ય ની વાત તો એ છે કે આશ્રમ માં સૌના એના પરિચિત છે. ત્યાં આદિ અત્યારે શું કરવા ગયો હતો અને આ આશ્રમ સાથે એનો શું સંબંધ છે એ જાણવા પ્રસ્તુત છે આ પ્રકરણ. ),

આદિ ગુરુજી ના રૂમ માંથી નીકળી જયા માસી ની પાછળ પાછળ નીકળી પડ્યો, ગુરુજી પણ ધીરે ધીરે આદિ ની સાથે ચાલતા હતા. આગળ વધી એ સ્કૂલ ની જમણી બાજુ ના ભાગ માં ગયા. એ બાજુ આશ્રમ ની હોસ્પિટલ હતી. આ હોસ્પિટલ માં મેઈન ડૉક્ટર તરીકે સેવા આપતો હતો ડૉ. તુષાર ત્રિભુવન દેસાઈ. જાણી ને નવાઈ થઈ કે ત્રિભુવન દેસાઈ તો ગુરુજી નું મૂળ નામ છે તો તુષાર પાછળ એમનું નામ કેમ છે?

તો એની પાછળ પણ એક કહાની છે આ ડૉ તુષાર ગુરુજી ને મુંબઇ રેલ્વે સ્ટેશન પર મળ્યો હતો ત્યારે એ ભીખ માંગતો હતો અને એક પગે થોડો અપંગ પણ હતો. ગુરુજી ને એના પર દયા આવી અને એને પોતાની સાથે આશ્રમ માં લઇ આવ્યા. તુષાર ભણવામાં બહુ પાવરધો હતો, એની પ્રતિભા ને અનુરૂપ ગુરુજી એને આગળ ઉચ્ચ જગ્યાએ ભણાવવા માંગતા હતા, પણ ભવિષ્ય માં નામ માં લીધે કોઇ સમસ્યા ઉભી ના થાય એ માટે ગુરુજી એ તુષાર ને પોતાનું નામ આપ્યું.

તુષાર ૧૨ સાયન્સ માં સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયો અને બેંગ્લોર જઈને MBBS ની ડિગ્રી પ્રાપ્ત કરી. આમ તો એ સારી હોસ્પિટલ ખોલી શહેર માં ક્યાંક સેટ થઈ ગયો હોત, પણ આશ્રમ ના સંસ્કારો અને આશ્રમ ના લોકો માટે કંઈક કરવાની ભાવના ના લીધે એને આશ્રમ માં જ સેવા આપવાનું નક્કી કર્યું. ભણતા ભણતા એને રાધિકા નામ ની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો, તુષાર અપંગ હોવા છતાં રાધિકા એ એના જોડે લગ્ન કર્યા અને પોતે પણ તુષાર સાથે બધી મોહ માયા મૂકી આશ્રમ માં આવી ગઈ.

બંને પતિ પત્ની પુરી નિષ્ઠા થી આશ્રમ ના સર્વ લોકો ની સેવા કરતા હતા. આદિ ની નાણાકીય સહાય ના લીધે હવે તો આશ્રમ ની આ નાનકડી હોસ્પિટલ માં અત્યંત અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ થઈ ગઈ હતી. ઓપરેશન થિયેટર પણ હવે હોસ્પિટલ માં ઉપલબ્ધ હતું.

આદિ જયા માસી ની સાથે એમના પાછળ પાછળ હોસ્પિટલ સુધી પહોંચ્યો. જયા માસી એ ડૉ. તુષાર ના કેબીન નો દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યાં, ગુરુજી પણ એની સાથેજ અંદર પ્રવેશ્યા.

આ બધા ને જોઈ તુષાર સસ્મિત ઉભો થઇ ગયો અને બધાને આસન ગ્રહણ કરવા માટે જણાવ્યું. આદિ, ગુરુજી અને જયા માસી એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

તુષારે આદરપૂર્વક ચા નાસ્તા માટે પૂછ્યું, પણ બધા એ એને કંઈપણ ફોર્મલિટી કરવાની ના કહી અને કીધું તુષાર કઇ મંગાવું નથી હમણાં જ અમે ચા નાસ્તો કરી ને આવ્યા છીએ.

તુષારે વાત ની શરૂવાત કરી અને આદિ ને એની છેલ્લી સિરીઝ ના ઉત્કૃષ્ઠ પ્રદશન માટે બધાઈ આપી. પછી તુષારે કીધું "આદિ તને ખબર છે જ્યારે ભારત ની કોઈ મેચ હોય અને એમાપણ જો તારી બેટિંગ ચાલુ હોય તો આખો આશ્રમ મેઈન હોલ માં મેચ ની મજા લે અને જો તારૂ શતક થાય તો રીતસર તહેવાર નો માહોલ બની જાય. "

આ વાત સાંભળી આદિ ને આનંદ થયો અને એને કીધું "આતો તમારા લોકો નો પ્રેમ અને દુવાઓ છે જે મને સતત સારું ને સારું કરવાની હંમેશા પ્રેરણા પુરી પાડે છે. "

ગુરુજી એ કીધું"આદિ અમારી દુવાઓ કરતા પણ એક બીજી વસ્તુ છે જે તને આ કરવાની પ્રેરણા પુરી પાડે છે એ છે તારી મા નો આશીર્વાદ"

"હા બેટા રીમા એ તારા માટે જે સંઘર્ષ કર્યો છે અને તું કૈક કરીશ એવી તારામાં હંમેશા શ્રદ્ધા રાખી છે એના લીધે જ તું અહીં સુધી પહોંચી શક્યો" જયા માસી એ ગુરુજી ની વાત ને સમર્થન આપતા કીધું.

"જ્યારે તું અહીં આવ્યો ત્યારે તું રીમા ના પેટ માં હતો. મેં જ્યારે રિમા ને જોઈ ત્યારે એ ગર્ભવતી હોવા છતાં એક નવા બનતા મકાન જોડે સખત પરિશ્રમ કરી માથે વજન ઉપાડી લઇ જતી હતી, મેં તેને જોઈ ત્યારે એ કોઈ અગમ્ય કારણોસર આ કરતી હોય એવું મને લાગ્યું કેમકે દેખાવ અને પેહરવેશે એ સારા ઘર ની લાગતી હતી. મને એની આ સ્થિતિ જોઈ દયા આવી અને હું એને આશ્રમ માં લઇ આવ્યો"ગુરુજી એ આદિ ની માં રિમા વિશે વાત કરી.

"અહીં આવીને પણ રિમા એ પોતાની જાત ને નવરી બેસવા ના દીધી. એ ક્યારેક સ્કૂલ માં ભણાવતી તો ક્યારેક ફેક્ટરી ની બધી વસ્તુઓ નો હિસાબ રાખતી. " જયા માસી એ આદિ ને જણાવ્યું.

આદિ ગુરુજી અને જયા માસી ની વાત સાંભળી રહ્યો હતો, આ માંથી ઘણી વાતો એને સાંભળેલી પણ જ્યારે આ બધું સાંભળતો ત્યારે એના હૃદય માં પોતાની માં માટે સ્થાન વધી જતું.

આદિ પોતાની પ્રથમ ટેસ્ટ માં જ્યારે છેલ્લા દાવ માં બેટિંગ કરવા આવ્યો ત્યારે ઓસ્ટ્રેલિયન બોલર લેમ્બ એ આદિની માં વિશે અપશબ્દો કીધા હતા અને આથી ગુસ્સે થયેલા આદિ એ કપ્તાન અને કોચ ની ધીમી બેટિંગ કરવાની વાત ને અવગણી ફાટકબાજી શરૂ કરી કેમકે પોતાની માં વિરુદ્ધ એ કઈ સાંભળી શકતો નહોતો. પણ એ વાત એના માટે હંમેશા રહસ્ય જ રહી કે એની માએ ક્યારેય એના પિતા વિશે જણાવ્યું જ નહોતું.

"ગુરુજી મને ખબર છે મારી મા એ મારા ઉછેર માં કોઈ કચાશ બાકી નથી રાખી. "આદિ એ કીધું.

"તને જ્યારે ભણવામાં રસ ઓછો અને રમવામાં રસ વધારે હોતો ત્યારે એ ગુસ્સો પણ કરતી પણ એમાં એ એનો પ્રેમ જ હતો, કેમકે રીમા હંમેશા કહેતી કે મારો દીકરો મોટો થઈ ડૉક્ટર મેં એન્જીનીયર બનશે. " જયા માસી એ આદિ સામે જોઈ ને કીધું.

"પછી જ્યારે તને ભણવા બોર્ડિંગ સકૂલ માં મુક્યો ત્યારે બિચારી સાવ એકલી પડી ગઈ, ઘણીવાર રાતે તારું નામ લઇ રડી પણ લેતી"જયા માસી એ વાત ને આગળ વધરતા કીધું.

ગુરુજી બોલ્યા"બેટા આદિ પણ એ તો સાચી વાત છે કે તારી માં ના લીધેજ તું અહીં સુધી પહોંચી શક્યો, તારી બધી સફળતા નો સાચો શ્રેય એને જ મળવો રહ્યો. તે જ્યારે પ્રથમ મેચ માં પોતાના નામ ની પાછળ તારી માં નું નામ લગાડ્યું ત્યારે તું સાચે જ મોટો માણસ બની ગયો એવી લાગણી થઈ કેમકે માં ને માન આપે એજ મહાન બને".

પણ ગુરુજી આ બધી સફળતા, આટલા બધા પૈસા, આટલું નામ આટલો રુતબો મને ત્યારે નકામો લાગે છે જ્યારે મારી મા આ સફળતા ની ખુશી નથી માણી શકતી. "

આટલું બોલતા બોલતા આદિ ની આંખ માં આંસુ આવી ગયા અને ડોક્ટર તુષારે એને પાણી નો ગ્લાસ આપ્યો જે પીધા પછી આદિ થોડો શાંત થયો.

"તુષાર આદિ ને અહીં જોઈ તું સમજી જ ગયો હોઈશ કે આદિ અહીં કેમ આવ્યો છે? જયા માસી એ તુષાર ને પૂછ્યું.

"હા માસી કેમ નહીં, ૨ મહિના થયા આદિ ને અહીં આવે એટલે મને ખબર હતી કે એ ઇન્ડિયા માં છે તો ચોક્કસ અહીં આવશે એની માં ની ખબર અંતર પૂછવા. "તુષારે જવાબ આપ્યો.

"તુષાર ભાઈ હવે કેમ છે મારી મા ને? આદિ એ તુષાર ને સવાલ કર્યો

"આમતો સારું છે પણ" તુષાર ખચકાતા બોલ્યો.

"જે હોય એ મને સાફ સાફ જણાવો, અત્યારે મારી માની હાલત કેમ છે" આદિ એ ચિંતા ના સ્વર માં પૂછ્યું.

"આદિ તું અમારા પર વિશ્વાસ રાખ અમે દવા, દુવા, પ્રેમ, હૂંફ બધા નો ઉપયોગ કરી માજી ને સારા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ" તુષારે આદિ ને કીધું.

"તુષાર ભાઈ તમારા પર તો ભગવાન થી એ વધુ વિશ્વાસ છે, એટલે તો માને મેં અહીં રાખ્યા છે"આદિ એ કીધું.

"આદિ આમ તો એમને સારું જ છે સમયસર જમી પણ લે છે, નિત્યક્રિયા ઓ પણ પોતાની રીતે પતાવી લે છે, સાંજે બગીચા માં બેસવા પણ જાય છે. તારી ભાભી રાધિકા પણ માજી ને પોતાની માં સમજી સેવા કરે છે. અમે તો એમને ૧૦ દિવસ પહેલા અહીં થી રજા પણ આપી દીધી હતી". તુષારે આદિ ને જણાવ્યું.

"તો પછી એવું શું થયું કે તમે અત્યારે ચિંતાતુર છો?આદિ એ ચિંતા ના સ્વર માં તુષારને પૂછ્યું.

"જે પેહલા થયું હતું એ" તુષારે ટૂંક માં જવાબ આપ્યો.

વાત સાંભળી આદિ એ આશ્ચર્ય સાથે તુષાર ને પૂછ્યું"પણ તુષાર ભાઈ હું તો છેલ્લા ૨ મહિના થી હોસ્પિટલ માં આવ્યો જ નથી, તો પછી મમ્મી ઉપર ફરીથી માનસિક હુમલો કઇ રીતે?

તુષારે સ્પષ્ટતા કરતા કીધું"આદિ તારી વાત સાચી, અમે અમારા અભ્યાસ પરથી એટલું તારણ કાઢ્યું છે કે માજી જ્યારે પણ તારો ચેહરો જોવે ત્યારે એમની માનસિક હાલત સાવ બદલાઈ જાય છે, આ વખતે એમને એક ન્યૂઝપેપર માં તારો ફોટો જોઈ લીધો અને એમની માનસિક સ્થિતિ પાછી ખરાબ થઈ ગયુ"

આદિ માટે આ એક વિચિત્ર સ્થિતિ હતી, આમ તો દરેક માં એના સંતાનો ને જોઈને ખુશ થઈ જાય, અને રિમા માટે તો આદિ સર્વસ્વ હતો. રિમા આદિત્ય ને જોઈને જ જીવતી હતી. પણ છેલ્લા ૧ વરસ થી આશ્રમ માં ના આવેલો આદિ જ્યારે આદિ પ્રથમ ટેસ્ટ માં ભારત ને જીત અપાવી પોતાની માં ને મળવા આશ્રમ માં આવ્યો ત્યારે એવું બન્યું જેની કોઈ એ કલ્પના પણ નહોતી કરી.

વાત જાણે એમ બની કે પોતાની ટ્રોફી લઇ આદિત્ય જેવો રિમા ના રૂમ માં પ્રવેશ્યો રિમા નું વર્તન સાવ બદલાઈ ગયું, એ બુમો પાડવા લાગી"આ વ્યક્તિ એ મારી જિંદગી બરબાદ કરી દીધી, મારા સપનાઓ વેરવિખેર કરી નાખ્યા. નર્ક માં પણ આ માણસ ને જગ્યા નહીં મળે, દૂર થઈ જા મારી નજરો થી"

આદિત્ય તો આ શું થઈ રહ્યું છે?, પોતાની માં શું બોલી રહી છે? એ વિચારી હેરાન થઈ ગયો.

રિમા ની બુમો સાંભળી બધા એની રૂમ માં દોડી આવ્યા. રિમા બુમો પાડી ને એક જ પ્રકારનું રટણ કરતી હતી"આ ને મારી આંખો આગળ થી દુર કરો"

"મમ્મી આવું કેમ બોલે? હું તારો આદિ છું. તું કેમ આવું બોલે? આદિ રીતસર નો કરગરવા લાગ્યો. એના માટે આ સ્થિતિ દયનિય હતી. એ જેના સપના પુરા કરવા રમતો હતો એ માં અત્યારે જે વર્તન કરી રહી હતી એ આદિ માટે અસહ્ય હતું.

રૂમ માં આવેલ બધા લોકો એ રિમા ને બહુ સમજાવી કે "આ તમારો દીકરો આદિ છે"સમજાવનારા લોકોમાં જયા માસી, તુષાર, રાધિકા પણ હતા.

"આને મારી નજરો આગળ થી દુર કરો નહીં તો હું આને મારી નાખીશ એમ કહી રિમા તો ફળ કાપવા રાખેલી છરી લઈ આદિ ને મારવા ઉભી થઇ, આતો બાલુ અને તુષારે એને પકડી ના હોત તો આદિ ને છરી પેટ માં ઘુસી જઇ હોત.

બધા માટે આ દ્રશ્ય સમજ બહાર નું હતું. રિમા બેન આ શું કરી રહયા છે એ કોઈને સમજાય એવું નહોતું. આદિત્ય માટે પોતાની જાન ન્યોછાવર કરતી રિમા આજે આદિત્ય ને મારવા કેમ પ્રયાસ કરી રહી છે એ વિચાર પણ કોઈ કરે એમ નહોતું પણ આ હકીકત એમના સામે હતી.

"આદિ તું બહાર નીકળી જા"તુષારે આદિ ને જણાવ્યું.

"પણ તુષાર ભાઈ મમ્મી આ શું કરી રહી છે?"આદિત્ય બોલ્યો.

"આદિ તું અત્યારે બહાર જા, જ્યાં સુધી તું અહીં છે માજી ને સાંભળવા બહુ ભારે છે. "તુષારે ઊંચા અવાજે કીધું.

રિમા અત્યારે બાલુ અને તુષાર ની પકડ માંથી છૂટવા ધમપછાડા કરી રહી હતી. તુષારે રાધિકા ને બેહોશી ની દવા નું ઈન્જેકશન લાવવા કીધું. રાધિકા એ ફટાફટ ઈન્જેકશન લાવી આપ્યું જે લગાવ્યા પછી રિમા શાંત થઈ અને સુઈ ગઈ.

આ ઘટના બાદ આશ્રમ માં સૌ કોઈ ચિંતિત હતું. આદિ ની ખુશી પણ અત્યારે દુઃખ માં પરિવર્તિત થઈ ગઈ હતી. અત્યારે એ તુષાર સાથે પોતાની માં ની સ્થિતિ વિશે વાત કરી રહ્યો હતો.

"તુષાર ભાઈ માં ને શું થયું અચાનક, એમને સારું તો થઈ જશે ને?

"ચિંતા ના કર આદિ માજી ને ૧૦૦% સારું થઈ જશે, એમની કઇ વાત નો આઘાત લાગ્યો એ ખબર નથી પણ એક વાત તો છે એ તને જોવે એટલે એમને કાંઈક થઈ જાય છે"તુષારે પોતાનો મત રજુ કર્યો.

"હા પણ એવું કેમ બને, મમ્મી આવું કેમ કરે એજ નથી સમજાતું? આટલું બોલતા બોલતા તો એ રડવા લાગ્યો.

"સમય આવે બધું સારું થઈ જશે"તુષારે આદિત્ય ને આશ્વાસન આપતા કહ્યું. તું ચિંતા ના કર રિમા માસી મારી પણ મા જેવી છે હું એમનું પૂરતું ધ્યાન રાખીશ તું તારી ઉજ્જવળ કારકિર્દી પર ધ્યાન આપ. અત્યારે તું અહીં થી ચાલ્યો જા કેમકે તને જોઈ એમનું માનસિક સંતુલન ફરીવાર બગડી શકે છે. "

તુષાર ની વાત સાંભળી આદિત્ય ને રાહત તો થઈ, એને અત્યારે આશ્રમ માંથી જતું રેહવું ઉચિત લાગ્યું. આદિત્ય જયા માસી અને ગુરુજી ની રજા આશ્રમ માંથી નીકળ્યો. ગુરુજી અને જયા બેન માટે પણ રિમા નું આ વર્તન વિચિત્ર હતું, એમને આદિ ને આશ્વાસન આપી આશ્રમ માંથી જવાની છૂટ આપી હતી.

આ ઘટના ના ૪-૫ દિવસ પછી રિમા ની તબિયત ઘણી સારી હતી. આદિ રોજ ફોન કરી ડૉ. તુષાર જોડે સંપર્ક માં રહેતો. આ વાત ને ૧ મહિના જેટલો સમય થઈ ગયો. ભારત ની એક મેચ હતી બધા હોલ માં મેચ જોતા હતા. આદિત્ય ના ભારત ની સિનિયર ટીમ માં આવ્યા પછી આશ્રમ ના લોકો માટે આ રોજિંદા કામ જેવું હતું.

એ દિવસે બધા હોલ માં એકઠા થયા અને રિમા પણ ત્યાં આવી. ભારત ની પ્રથમ વિકેટ પડી ને જેવો આદિ રમવા આવ્યો ત્યારે બધા ઉત્સાહિત હતા પણ રિમા એ જેવો આદિ ને જોયો એને પોતાના જોડે પડેલો એક લોખંડ નો સળિયો મારી t. v તોડી નાખ્યું અને ગાંડા ના જેમ "આ માણસે મારી જિંદગી બરબાદ કરી દીધી છે"એવી બુમો પાળવા લાગ્યા.

પછી તો આ રોજ નું થયું આદિ ૩-૪ વાર મળવા આવ્યો ત્યારે પણ આ થતું. એટલેજ આદિ એ આશ્રમ માં આવવાનું ઓછું કર્યું. અને તુષાર પણ એ ધ્યાન રાખતો કે રિમા બેન આદિ નો ફોટો પણ ના જોવે. પણ અચાનક ન્યૂઝ પેપર માં આદિ નો ફોટો જોઈ એ ફરીવાર બેકાબૂ બની ગયા.

તુષારે આદિ ની માફી માંગતા કીધું "સોરી આદિ અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે તારો ચેહરો એમની સામે કોઈ રીતે ના આવે પણ કોણ જાણે ક્યાંથી જૂનું ન્યૂઝપેપર એમના હાથ માં આવી ગયું અને એમની માનસિક સ્થિતિ બગડી ગઈ".

આદિત્ય એ કીધું"તુષાર ભાઈ તમારે માફી માંગવાની જરૂર નથી, તમે અને રાધિકા ભાભી મારી મમ્મી ને પોતાની માં ના જેમ સાચવો છો એ હું જાણું છું, સાચું કહું તો મારા નસીબ જ ખરાબ હશે. મારી આ સફળતા જેના લીધે છે જેના માટે એની દુનિયા એનો દીકરો હતો એ આદિ અત્યારે એનો દુશ્મન લાગે છે એને" આટલો માંડ બોલતા બોલતા તો એ રડી પડ્યો.

જયા માસી એ ઉભા થઇ આદિ ના માથે હાથ ફેરવ્યો અને કીધું"બેટા જે થયું એ કુદરત ની ઈચ્છા છે, મનુષ્ય તો એના હાથ ની કઠપૂતળી છે. તારા કે મારા હાથ માં કઇ નથી. બધું સારું થઈ જશે બેટા તું હિંમત ના હાર. "

"પણ માસી માં આવું કેમ કરે છે, કેમ એનું વર્તન મને જોઈ સાવ બદલાઈ જાય છે?આદિ એ જયા માસી ને સવાલ કર્યો.

"આદિ આ વાત તો હવે રિમા જ જાણે"જયા માસી એ નિરાશ સ્વરે જણાવ્યું.

આદિ અને જયા બેન ના સંવાદ દરમ્યાન ગુરુજી ચૂપચાપ બેઠા હતા. એ કાંઈક તો જાણે છે જે જણાવવા નથી માંગતા એવું આદિ ને એમના ચેહરા પરથી લાગ્યું. પણ ગુરુજી જોડે આ વાત કરવાનો અત્યારે સમય નથી એમ વિચારી આદિ ચૂપ રહ્યો.

"તુષાર ભાઈ મમ્મી અત્યારે ક્યાં છે?હું એને જોઈ શકું?"આદિ એ પોતાની માને જોવાની ઈચ્છા દર્શાવતા કીધું.

"હા , એ અત્યારે ઊંઘ માં છે તો તું એમને દરવાજા માં રાખેલા કાચ માંથી જોઈ શકે છે" તુષારે આદિ ને રજા આપી.

ત્યારબાદ આદિત્ય અને તુષાર હોસ્પિટલ ના સ્પેશ્યલ વોર્ડ તરફ આગળ વધ્યા.

રસ્તા માં જતા જતા તુષારે કીધું"આદિ રિમા માસી ના ભૂતકાળ ની કોઈ ઘટના એમનો પીછો નથી છોડતી અને એના લીધેજ એમની આ સ્થિતિ છે"

" મને પણ એવુંજ લાગે છે અને આ વિશે કોઈ જાણતું હોય તો એ છે ગુરુજી, અને હું સમય આવે એમના જોડેથી એ વાત કઢાવીને જ રહીશ. કેમકે એ વાત જ મારી અને મમ્મી વચ્ચે ની દુરી નો અંત કરશે. "આદિત્ય એ ધીમા પણ મક્કમ અવાજે કીધું.

તુષાર અને આદિ સ્પેશ્યલ વોર્ડ ના દરવાજા આગળ આવ્યા. ત્યાં આવીને તુષારે કીધું "જો આદિ ત્યાં પલંગ પર માજી ને સુવડાવ્યા છે, અને રાધિકા પણ અત્યારે જોડે છે"

આદિત્ય એ અંદર નજર કરી ને જોયુ તો પોતાની માં એક પલંગ માં સુતા હતા, બાજુમાં જ રાધિકા ભાભી બેઠા હતા. અત્યારે તો મમ્મી ઊંઘે છે એ જોઈ આદિ ને હાશ થઈ પણ અચાનક એ તુષાર ને વળગી રડી પડ્યો.

"બધું સારું થઈ જશે, સુખ પછી દુઃખ તો દુઃખ પછી સુખ આવે. પણ સુખ માં છકી ના જાય અને દુઃખ માં તુટી ના જાય એજ જિંદગી ની જંગ જીતી શકે. અમે અહીંયા એમની સાથે જ છીએ" તુષારે આદિ ને હિંમત આપવા કીધું.

થોડા સમય પછી આદિ ગુરુજી અને જયા માસી ની રજા લઇ મુંબઇ જવા નીકળ્યો. ગુરુજી એ એને વિજયી ભવ ના આશીર્વાદ આપી વિદાય આપી. જયા માસી એ પણ સુખી થાજો એમ કહી આદિ ને રજા આપી.

આદિ ના જવાની સાથે ગુરુજી બોલ્યા"જયા આદિ ને મારે હવે સાચી હકીકત જેમ બને એમ વહેલા જણાવવી પડશે, અને એની કુંડળી ના યોગ પ્રમાણે આવનારો સમય એના માટે મહામુસીબત લઈને આવશે એ મેં જોયું છે એના ભાગ્ય માં. ભગવાન કૃષ્ણ હંમેશા આદિ ની રક્ષા કરે એવી પ્રાર્થના કરું છું, બસ એકવાર આ સંકટ એના માથે થી ટળી જાય પછી એની જિંદગી માં ફક્ત ખુશીઓ નો વરસાદ વરસતો રહેશે" આટલું કહી ગુરુજી પોતાના રૂમ માં ચાલ્યા ગયા.

ક્રમશઃ

(આદિત્ય ની માં ની આવી હાલત કેમ બની? આદિત્ય ના ભવિષ્યમાં શુ બનવાનું છે?આદિત્ય ની માનો ભૂતકાળ શું હતો? ગુરુજી આદિ થી કઇ વાત છુપાવતા હતા? ભારત ની ટીમ ને આદિત્ય ચેમ્પિયન ટ્રોફી જીતાડી શકશે? આ બધું જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ. નવો ભાગ ટૂંક સમય મા આપ માટે લાવી રહ્યો છું. આ નવલકથા અંગેનો આપનો કિંમતી અભિપ્રાય આપ મારા whatsup નંબર 8733097096 પર આપી શકો છો. )

-જતીન. આર. પટેલ

Share

NEW REALESED