Amdavad Roming books and stories free download online pdf in Gujarati

અમદાવાદ રોમીંગ

અમદાવાદ રોમીંગ

પાર્થિવી અધ્યારુ શાહ

બસ હવે લગાવો ‘યુ ટર્ન !’

યાર આ શું ? મેગાસિટીમાં રહેવું એટલે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવું જ ને યાર ! એક તો આટલું મોંઘુ પેટ્રોલ ને તેમાં પણ હવે લાંબા ‘યુ ટર્ન’ મારવા જવાનું ? આ તે કંઇ રીત છે ? ઠેરઠેર રસ્તાઓ પર સેન્ટરવર્જ ચણાઇ રહી છે. કોઇપણ એક ગલીમાંથી મુખ્ય રસ્તા પર આવો તો સામે જવા કોઇ પેસેજ જ નહીં. બધા પેસેજ એક પછી એક બંધ થવા લાગ્યા છે. ! યાર આપણે તો બેધડક ઘૂસ મારવા ટેવાયેલા છીએ, આમ શિસ્તબદ્ધ રીતે વાહનવ્યવહાર જાળવવાનું તો કેમ ફાવશે ? આ તો ભરાય દોસ્ત ! ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’ એવી દશા થઇ રહી છે આપણી ! આ તો એમ કે ચાલો મેગાસિટીના નામે સુંદર રસ્તાઓ ને સુવિધાઓ મળશે પણ આ તો ‘બાવાનાં બે ય બગડ્યા.’ યાર, ના રહેવાય કે ના સહેવાય, એવી દશા થતી જાય છે. આમથી તેમ જવા બસ ‘યુ ટર્ન’ જ માર્યા કરવાના ! આ તો નથી હજી મેગાસિટી ગણાતું કે નથી હજી એવી સુવિધાઓ મળતી પણ આપણા પેટ્રોલના ધુમાડા તો બસ ચાલુ જ થઇ ગયા ને ! બહુ થયું હવે, તો એક કામ કરીએ. આપણું નાનકડું શાંત અમદાવાદ જ સારું હતું, તો ચાલો ને અહીંથી પાછો તે તરફ જ ‘યુ ટર્ન’ લગાવીએ !

અમદાવાદ રાત્રે પણ જાગે છે !

પહેલાનાં વખતમાં જેમ રાત પડે ને રાજા પ્રજા સુખી છે કે નહીં તે જોવા છૂપા વેશે નગરચર્યા માટે નીકળતા. તેમ આજે આપણા અમદાવાદમાં તો જાણે દરેક નગરજન પોતે જ સજા હોય તેમ રાત પડતાં જ નગરચર્યા કરવા નીકળી પડયા હોય તેમ ફરવા નીકળી પડે. રાત પડતાં જ શહેરનું રૂપ રાતરાણીની જેમ ખીલી ઊઠે. રાત થતાં જ મસ્તીભરી ચહલપહલ મચવા લાગે. કર્ણાવતીના શોખીન આનંદી નાગરિકો પોતપોતાની રીતે આંનંદ લેવામાં મસ્ત થવા લાગે. રોજિંદા કામકાજથી પરવારીને કોઇ લહેરીલાલા પાન ખાવા નીકળી પડે, તો કોઇ લટાર મારવા, તો વળી કોઇ ખાવા-પીવા કે પછી મિત્રો સાથે ટોળટપ્પાં હાંકવા ! આનંદી અને મોજીલા સ્વભાવના અમદાવાદીઓ દરેક રીતેનો આનંદ વિવેકથી લઇ જાણે છે. રાત્રે બિન્દાસપણે ઊડતી જ્યુસની જ્યાફત, ખાણી-પીણાની મિજબાનીઓ એ અમારું અમદાવાદ સલામત છે એવો પ્રજાનો વિશ્વાસ દર્શાવતાપ્રતીક છે. કોઇ મહોલ્લો કે શેરી, કોઇ ગલી કે પછી પોળ... રાત્રે પણ કોઇ આમદાવાદીના ઉચ્છવાસ વગર શ્વાસ નથી લઇ શકતાં. સલામ છે તને હે અમદાવાદના પાણી.... જેના ટીપેટીપે વસેલી છે એવી આઝાદી... કે જે કરાવે છે.રોજરોજ મસ્તીની લહાણી !

અમદાવાદનો મોબાઇલ મેનિયા...

અમદાવાદીઓ મોબાઇલ ક્ષેત્રે બે બાતમાં આગળ પડતા કહેવાય છે. એક તો ‘મિસકોલ’ કરવામાં ને બીજું ‘મિસને કોલ’ કરવામાં ! તાજેતરમા જ છાપામાં એક લેખમાં વાંચ્યું હતું. કે, અમદાવાદીઓ ફોન ‘ડાયલ’ કરવા કરતાં ‘મિસકોલ’ આપવામાં વધારે માહિર છે.’ પહોંચીને નીકળતાં, ઘરની કે ઓફિસની બહાર આવીને... એમ કંઇ કેટલીય વખત ‘મિસકોલ’ દ્વારા જ કામ પતાવતા અમદાવાદીઓ કોઇ ‘મિસ’ ને અઢળક કોલ કરવામાં જરાયે અચકાતા નથી. એસ.એમ.એસ. કરતાં પણ અહીં ‘મિસકોલ’ નુ ચલણ વધારે જણાય છે. એક ‘મિસકોલ’ એટલે કામ થઇ ગયું છે. બે ‘મિસકોલ’ એટલે કામ નથી થયું.... એવી તો કંઇ કેટલીય નિશાનીઓ દ્વારા કેટલાંય કામો આટોપી લેતા ચતુર અમદાવાદીઓ ‘હાઇટેક’ મોબાઇલો વાપરી જાણે છે. શાકવાળા, પસ્તીવાળાથી માડીંને વજુભાઇ વાળા સુધીના બધા જ આજે મોબાઇલના બંધાણી બની રહ્યાં છે. આમ ‘બાઇ,’ ‘બાઇક’ અને ‘મોબાઇલ’ એ ત્રણે ‘બાઇ’ વાળા આજે ‘હાઇફાઇ’ ગણાઇ રહ્યા છે. !

આજની ગરમાગરમ ચર્ચા !

અમદાવાદ એવું શહેર છે કે જ્યાં એક વાત એક છેડેથી બીજા છેડે પળવારમાં રોકેટગતિએ પહોંચી જાય ! આને અમદાવાદનો સંપ કહો, પંચાતિયો, સ્વભાવ કહો કે પછી ગમે તે, પણ અમદાવાદમાં કોઇ પણ વાત છાની ન રહે તે વાત સો ટકાની ! આજકાલ અમદાવાદમાં ગાંધીજીનો પૌત્ર તુષાર ગાંધીએ કરેલા નિવેદનની ચર્ચા જોરમાં છે, કે 27 જાન્યુ. 1948 ના દિવસે જયારે ગાંધીજીએ એલાન કર્યુ હતું કે કોંગ્રેંસને રાજકીય પક્ષ તરીકે વિખેરી નાખો ને માત્ર સેવાકીય સંસ્થા તરીકે રહેવા દો ને એ પછીના ત્રણ દિવસમાં જ એમનું ખૂન થયું. ! તો સંદેહ બ્રાહ્મણ પર શા માટે ? કે પૂનાના બ્રાહ્મણો પર પણ શા માટે ?આ બેહૂદા પ્રહારથી અમદાવાદ ખિન્ન છે ! બીજી વાત જોરમાં એ છે કે શિલ્પા શેટ્ટીના અપમાન સામે કેમનો વળતો જવાબ આપોવ જોઇએ ? ગોરાઓ દ્વારા આ રંગભેદનું વલણ એ ભારતનું અપમાન છે ને એ અમદાવાદની આઝાદ પ્રજા જરાયે સાંખવા તૈયાર નથી. ને ત્રીજી વાત ઊડી રહી છે. ફિલ્મ પરઝાનિયા પર ! ગુજરાતી-અમદાવાદી દિગ્દર્શક રાહુલ ધોળકિયા દ્વારા ગુજરાતના કોમી રમખાણો પર બનાવાયેલી આ ફિલ્મ દ્વારા અમદાવાદના એક યુગલે પોતાનો પુત્ર પાછો મળે તેવી પ્રાર્થના સાથે અમદાવાદના ગોધરાકાંડ. ને બીજાં રમખાણોની યાદથી કંપી ઊઠ્યું. પરઝાનિયાની જેમ જ ‘કોઇ કોઇને મારે જ નહી’ તેવી સુંદર કાલ્પનિક દુનિયા ખરેખર સૌને મળે તેવી હર અમદાવાદીઓને શુભેચ્છા. !

અમદાવાદ એક મિનિટમાં !

2258 ઉત્તર અક્ષાંશવૃત અને 7235 પૂર્વ-ઉત્તર રેખાંશવૃત પર આવેલો પ્રદેશ... સમથળ જમીન અને વિષમ આબોહવા ધરાવતો પ્રદેશ... દરિયાની સપાટીથી લગભગ 49 મી.ની ઊંચાઇ પર સ્થાન ધરાવતો પ્રદેશ... ઉનાળામાં મહત્તમ 45 સુધીના તાપમાનમાં રાચતો પ્રદેશ... વાર્ષિક સરેરાશ 750 મિ.મી જેટલા વરસાદમાં નહાતો પ્રદેશ... લગભગ 40 લાખ જેટલી વસતિને પોષતો પ્રદેશ... આશરે 1290 સ્કેવર કિ.મી. નો વિસ્તાર ધરાવતો પ્રદેશ... પોતાની પાણીની તાકાતથી આઝાદી તાણી લાવી સ્વાતંત્ર્યસેનાની બનેલો પ્રદેશ... મિલ,મહાલય ને મોલથી માલદાર બનેલો પ્રદેશ... ધરતીકંપ, રોગચાળો ને બીજી અનેક આફતોના હસતા મોંએ સામનો કરતો પ્રદેશ... દરેક વાર-તહેવારને મોજમસ્તીથી માણતો પ્રદેશ... પદ્મભૂષણ ને પદ્મશ્રી જેપા ખિતાબ ધરાવતી હસ્તીઓના પ્રદેશ... મહાન કવિઓ અને લેખકોની જન્મભૂમિ બની ચૂકેલો ગૌરવવંતો પ્રદેશ... સાહસિકો અને ઉદ્યોગપતિઓના સાહસને સફળતા અપાવતો પ્રદેશ... શેરબજારમાં ઊંચા મૂડીરોકાણો દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત બનાવતો પ્રદેશ... સુંદર હેરિટેજ ધરાવતો વૈભવશાળી પ્રદેશ... ધાર્મિક શ્રદ્ધાથી તરબતર પ્રદેશ... કલાકારીગીરી અને નૃત્યકલામાં આગવું સ્થાન ધરાવતો એક અનોખો પ્રદેશ એટલે અમદાવાદ ! અમદાવાદ એટલે અમદાવાદ !

‘‘રાસ્તા રાસ્તા’’ દેખો આંખ મેરી લડી હૈ !

અરે, કયાં યાર... અહીં આંખ કયાં લડાવીએ અત્યારે ? આ જુઓને આવતાં-જતાં રસ્તામાં લડવામાંથી ઊંચા આવીએ તો ને ? જો ને ભાઇ, આ શહેર ‘મેગાસિટી’ બની રહ્યું છે એમાં તો અમારી ‘સિટી’ મારવાની બંધ થઇ ગઇ છે. ! અરે આવા ‘ટેરિફિક ટ્રાફિક’ વાળા રસ્તા પર ધ્યાન રાખીએ કે આંખ લ઼ડાવીએ ? એક બાજુ રસ્તાઓ પહોળા થઇ રહ્યા છે તો બીજી બાજુ ‘ફૂટપાથો’ બની રહી છે, તો વળી કોઇ જગ્યાએ ‘ફ્લાયઓવર’ બંધાઇ રહ્યાં છે. તો ક્યાંક-ક્યાંક રસ્તા પર ‘સેન્ટવર્જ’ ચણાઇ રહી છે. ! ને આ બધાને કારણે રસ્તાની વચ્ચોવચ્ચ મોટાંમોટાં પથરા, પીપડાં વગેરે પડી રહ્યાં હોય છે. ક્યાંક આડુંઅવળું જોવા જઇએ તો પડીએ હઠા ! અરે, આંખ લ઼ડાવાની વાતો તો દૂર રહી, અહીં તો એક પલકારો મારતાં યે બીક લાગે છે.! અને આ બધું ઠીક પણ આ બમ્પથી યે તોબા હો ! કોઇપણ ‘બમ્પનું’ કોઇ ‘લમ્પસમ’ માપ જ નહીં ! કોઇક બમ્પ ચોરસ તો કોઇ ગોળ, કોઇ ઊંચી તો કોઇ ઘસાઇ ગયેલો... અરે, આ ‘બમ્પ’ ના જમ્પથી યે ત્રાસ થઇ ગયો છે ! ‘આ જળ ત્યાં સ્થળ’ ને ‘સ્થળ ત્યાં જળ’ તો સાંભળ્યું છે પણ આ ‘બમ્પ ત્યાં ખાડો’ ને ‘ખાંડો ત્યાં બમ્પ’ તો અમે અહીં જ જોયું ! એક કામ કરીએ આમા આપણે અમદાવાદનાં બાળકોની ઓળખાણ લગાવીએ અને એમના ‘સુપરમેન’ કે શક્તિમાનને આ કામ સોંપીએ તો જ આ રસ્તાઓનો ઉદ્ધાર થશે ! નહિતર તો આ આંખો યે જવા આવશેનું ધૂંધળૂં દેખાવા લાગશે ત્યાં સુધી આ રસ્તાઓના વહીવટનો પાર નહીં આવે. રસ્તાઓ જોવામાં ને જોવામાં ઉંમર વીતી જશે ને ‘આંખ લડાવવાનું’ રહી જશે !

હજી પણ લગ્નો-વાસ્તુમાં વ્યસ્ત અમદાવાદ...

ના, હજી અમદાવાદીઓ નથી થાક્યા... અને થાકે પણ શેના ? મોજીલા અમદાવાદીઓના મન એમ કંઇ ભરાય ? એક પછી એક ઉત્સવોની વણઝારમાં વ્યસ્ત અમદાવાદના લોકો ગરમી સિવાય કશાયથી ત્રસ્ત ન થાય ! ચારેકોર આ ફટાકડાના અવાજોના ધૂમધડાકા, રોશનીથી ઝળઝળતા પાર્ટીપ્લોટ, ફૂલોની નાજુક ગૂંથણીથી સજાવેલી વરરાજાની ગાડીઓ, હાથણા ચાંલ્લાના કવરો કે ભેટસોગાદો લઇને દોડતા લોકો. બેન્ડવાજાંના મ્યુઝિક, દિરાયનાં મોજાંની જેમ નાચતાં જાનૈયા.... આહાહાહા... આ બધાથી અમદાવાદ ખુશખુશાલ છે. ! શુભ મુહૂર્તો અને ચોઘડિયો, લગ્નો, ગ્રહશાંતિ, કન્યાવિદ્યા,વાસ્તુપૂજન વગેરેમાં ધીમેધીમે પસાર થઇ રહ્યા છે. વાસ્તુપૂજનના મંત્રોચ્ચાર વાતાવરણને પવિત્રતા અને શાંતિ આપી રહ્યા છે. માંગલિક પ્રસંગોથી અમદાવાદ આજે ધન્યતા અનુભવી રહ્યું છે. ‘સર્વમંગલ માંગલ્યે શિવે સવાર્થે સાધિકે’ અને ‘કસ્તૂરી તિલકં લાલાટપટલે’ જેવા મંગલાષ્ટકોથી અમદાવાદની ભૂમિ પાવન બની રહી છે. વ્યવહાર સાચવવાનાં એક્કા એવા હોશિયાર અમદાવાદીઓ એકમેકના પ્રસંગ શોભાવતા ખૂણેખાંચરે ફરી વળે છે. એક દિવસમાં અનેક પ્રસંગો સાચવતાં પણ તેઓ થાકતા નથી. લગ્નોના આગામી દિવસોમાં યોજાતી ‘બેઠક’ એ આપણા શહેરનો એક માનીતો રિવાજ બની રહ્યો છે. દરેક પ્રસંગને ‘શાહી’ રીતે ઊજવતા ‘ઉત્સાહી’ અમદાવાદીઓ એક-એક પ્રસંગને ખરેખરો માણી જાણે છે. ! ખરેખર, અમદાવાદમાં રહેવું એ લહાવો છે. !

અમદાવાદ અને આઇસ્ક્રીમ !

હાઉ કૂલ ! આઇસક્રીમ ! વળીવળીને શોધીએ પણ અમદાવાદમા એક પણ ઘર શોધ્યું ન જડે કે જ્યાં આઇસક્રીમના શોખીન ન રહેતા હોય ! આઇસક્રીમ અને અમદાવાદી એટલે એક સિક્કાની બે બાજુ ! વડીલોના મોંએ જનતા, પટેલ, વાડીલાલ, કે શ્રદ્ધાનંદ આઇસક્રીમના નામે આજે પણ પાણી આવી જાય ! આઇસક્રીમનો શોખ એ અમદાવાદનો પુરાણો શોખ છે. અમદાવાદની જાણીતી કંપનીઓ હેવમોર, વાડીલાલના દરેકદરેક પાર્લર પર રાત પડે આઇસક્રીમની લિજ્જત ઊડતી જ હોય ! શિયાળામાંને ચોમાસામાં પણ આઇસક્રીમ ખાતાં ને ખવડાંવતા અમદાવાદીઓ માટે શરદીની દવા એ આઇસક્રીમ જ છે ! ‘ઠંડુ ઠંડીને મારે’ એ જાણીતો નુસખો અમદાવાદીને જ માફક આવે ને ખરેખર એમની શરદી ગાયબ પણ થઇ જાય ! અમદાવાદના આઇસક્રીમના આ ગાંડા શોખને પોષવા આજે અહીં વિશ્વની જાણીતી કંપનીઓ જેવી કે બસ્કિનરોબિન, નેચરલ્સ પણ પોતાનાં પાર્લરો ખોલી રહી છે. આવી કંપનીઓના મોંઘા આઇસક્રીમ હોય કે જાણીતી-માનીતી સ્થાનિક કંપનીઓ જેવી કે કલાસિક, અશર્ફી કે શંકરવિજયના આઇસક્રીમ હોય... અમદાવાદીઓ તો રોજરોજ આઇસક્રીમનો આનંદ માણ્યા જ કરવાના !

ઝૂલતા મિનારા હજી ઝૂલે છે. ?

એક મિનારાને હલાવવામાં આવે તો બીજો મિનારો આપોઆપ હાલવા લાગે તેવી કમાલની કારીગરીવાળા બે ઝૂલતા મિનારા આજની પેઢીમાં ભલે બહુ પ્રચલિત નથી. પણ તે આજે પણ અમદાવાદની શાન તો છે જ ! વારંવાર તો નહીં પણ જ્યારે જયારે વિદેશી મિત્રો મુલાકાતે આવે ત્યારે ત્યારે અમદાવાદીઓ આ મિનારાઓને શહેરના બેનમૂન શિલ્પ-સ્થાપત્યના નમૂના તરીકે યાદ કરી લે ! કાલુપુર રેલ્વે સ્ટેશનની નજીક આવેલા ખાસ બનાવટના આ મિનારા આશરે સો એક ફૂટ જેટલાં ઊંચા છે આજદિન સુધી જેની કરામત વિશે કોઇ ઇજનેર ખ્યાલ નથી મેવળી શક્યા તેવા આ મિનારા ખરેખર અદભૂત છે. જોવાલાયક સ્થળ તરીકે આ જગ્યાને બંધ કરવામાં આવતાં આ મિનારાનું આજકાલ ‘દૂરદર્શન’ જ શક્ય છે. ઇ.સ. 2001માં આવેલા ઊંચા... સ્કેલવાળા ધરતીકંપના આંચકાથી વર્ષો બાદ એ મિનારા ઝૂલ્યા હશે, ત્યારે તેઓ અંદરથી તો ખરેખર ઝૂમી ઊઠ્યાં હશે. ત્યારે તેમને પણ તેમની જવાનીના દિવસો યાદ આવી ગયા. હશે ! એ કંપનથી આજનાં બંધાયેલા મકાનો તોડી ગયાં હોવા છતાં અડીખમ ઊભેલા એ ‘ઝૂલતાં’ મિનારાની એનાથી વધારે મોટી કઇ અગ્નિપરીક્ષા હશે? આવી પરીક્ષામાંથી પસાર થઇને ‘ઝૂલે ઝૂલેલાલ દમ મસ્ત કલંદર’, કરતા એ ઝૂલતા મિનારા આજે પણ મનોમન ઝૂલ્યા જ કરતા હશે. !

કૂતરાઓને રાત્રે ‘સેડેટિવ’ આપો !

અમારા અમદાવાદ તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનને તાકીદે વિનંતી કરવાની કે પ્લીઝ-અમને શાંતિથી સૂવા દેવા માટે કંઇક ઉપાય કરો. આખા દિવસની દોડાદોડી પછી માંડ પથારીભેગા થઇએ ને ઊંઘ આવે ત્યાં કૂતરાં કાળો કેર વર્તાવાનો ચાલુ કરે ! કૂતરાના કકળાટથીઅમે કોઇ ઊંઘી શકતા નથી. તેઓ સેલફોન જેવા કે તેમને સ્વીચઓફ કરી શકીએ ! પાછાં ભસે ત્યારે બધાંયે બેગાં ટોળામા ભસે ! આખી ગલીઓ ગજાવી મૂકે ને ચીસાચીસ કરી મૂકે ! એ.સી. ચાલુ હોય કે ટી.વી મોટેથી ચાલતું હોય પણ તેમના ભસવાનો અવાજ વગર માઇકે પણ કાંનમાં અથડાયા જ કરે ! બહારથી મોડા ઘેર આવતા હોઇએ કે બહાર જતા હોઇએ. એ લોકોની પાછળ ભસતા-ભસતા બાજુમાં રીતસર દોડે.! સમજ નથી પડતી કે તેઓ મૂકવા આવે છે, ભગાડવા આવે છે.-આ છે શું ? નથી આજે કોઇ એકલ્વ્ય જેવો બાણાવાળી કે જે ભસતા કૂતરાનું મો બંધ કરવા તને માર્યા વગર બાણ મારી શકે ! આ કૂતરાંને પણ જાણે ખબર પડી ગઇ લાગે છે કે આ શહેર તેમના પરની લોકવાયકાએ વસ્યું છે.ને એટલે કદાચ બતાવવા માંગે છે કે તેઓ કાયર નથી, ને એ વખતે જે સસલું અમારા પૂર્વજો પર કૂદ્યું તે અકસ્માત પણ હોઇ શકે છે ! પણ આ બધી વાતની એક જ વાત કે જેમ તમે મચ્છરો મારવા દવા છંટાવો છો, તેમ આ કૂતરાંને ચૂપ કરવા શું એમને રાત પૂરતા ‘સેડિટિવ’ આપી ‘ડિએક્ટિવ’ ના કરી શકે ?

નારીઓ હવે પગભર બની રહી છે

અવિનાશ વ્યાસ રચિત ‘અમે અમદાવાદી’ ગીતની ઉપર લખેલી પંક્તિને સાર્થક કરે તેવી સન્નારીઓનો આપણા અમદાવાદમાં તોટો નથી ! દરેક ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાને પહોંચી જગતભરમાં નામ કમાઇ ચૂકેલી નારીઓનો ઇતિહાસમાં પણ સમાવેશ છે, તેમજ આજે પણ સાહિત્યક્ષેત્રે, વિજ્ઞાનક્ષેત્રે,ઉદ્યોગક્ષેત્રે આઇ.ટી. ક્ષેત્રે મોખરાનું સ્થાન પામી રહી છે. આજે ઉજવાઇ રહેલું ‘વીમેન્સ વીક’ એ સજોગોવશતા ‘વીક’ પડી ગયેલી કે પાડવામાં આવેલી સ્ત્રીઓ માટે એક ‘આહવાન છે કે, ઊઠો, જાગો અને ધ્યેયની પ્રાપ્તિ માટે લગન અને મહેનતથી કામ કર્યા કરો ! મલ્લિકા સારાભાઇ, વિનોદિની નીલકંઠ, પુષ્પાબહેન મહેતા, ઇલા ભટ્ટ જેવી અમદાવાદમાં આગળ પડતું સ્થાન ધરાવતી મહિલાઓનો દાખલો આજે પણ આપણી સમક્ષ છે. અહીંની કેટલીય નામાંકિત મહિલાઓ દુનિયાભરમાં પંકાયેલી છે. અમદાવાદની જયોતિસંઘ, વિકાસગૃહ જેવી કંઇ કેટલીય સંસ્થાઓ આજે નારી પર થતા જુલમ સામે પડકાર ફેંકવા ને નારીઓની વહારે રહેવા ખડેપગે ઊભી છે. વધુ ને વધુ બહેનો માટે રોજગારીની તકો ઊભી કરતી મહિલાસંસ્થાઓ પણ આજે અમદાવાદમાં ઘણી સક્રિય છે.

‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે દેવતા.’

જયાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પણ રમણ કરે છે તેવા શ્વલોકને સાર્થક કરતા આપણા શહેરમાં મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ને સન્માન પામી રહી છે. આજની નારીઓ હવે ખાલી ‘ભારે પગ’ નહીં પણ ‘પગભર’ પણ થઇ રહી છે !

રવિવારે રજા ‘હનુમાનજી’ કરે મજા !

અમદાવદમાં શનિવારે દર્શનાર્થીઓની વધુ પડતી ‘ભીડ’ ને કારણે ‘ભીડ’ માં મૂકાતા ‘શ્રી ભીડભંજન’ ની સમસ્યાથી ‘હનુમાનજી એસોસિયેશન ઓફ અમદાવાદ’ હવે અમદાવાદની પ્રજાને તેમને રવિવારે રજા રાખવા દેવાની અરજી પ્રસ્તુત કરે તો નવાઇ નહીં ! શનિવારે પડતા ‘ઓવરરલોડ’ ને કારણે હનુમાનજી ખૂબ થાકી જતા હોય તો કદાચ તેઓ થોડીઘણી ભીડ બાદ કરતાં તેઓ ઘણીવાર ખૂબ જ એકલા પડી જતા હોય ને ઇચ્છતા પણ હોય કે ચાલુ દિવસોમાં પણ થોડાઘણા ભક્તોને તેમને મળવા આવવું જોઇએ. ! ચાલુ દિવસોમાં તેઓ કદાચ એકાદ ‘સ્કીમ’ મૂકે કે તેમના ભક્તો માટે ‘એક આશીર્વાદ પર એક આશીર્વાદ ફ્રી’ પછી તેમને ચઢાવવામાં આવતા ટોપરું, આંકડાના ફૂલ, તેલ, સિંદુર, વગેરેમાં ભવ્ય ડિસ્કાઉન્ટની ઓફર ! આ બધા ઉપરાંત તેમને કદાચ ચિંતા પણ થતાં હોય કે અચાનક ભક્તોના થયેલા આટલા બધા ‘ ફૂગાવા’ નું કારણ શું ? શું ખરેખર ભક્તો ને શ્રદ્ધાળુઓ વઘ્યા હશે કે દુઃખ અને દંભ ! આ માટે તેઓ અમદાવાદની જનતા પર એકાદ સર્વ પણ કરાવડાવે તેવી શક્યતા નકારી ન શકાય ! તો આપણે ‘સર્વજનો’ તેમને પોતે જ પોતાની જાતને સાથે જવાબ આપીને તેમના ‘સર્વ’ માં મદદરૂપ બનીએ !

‘પવન તનય સંકટ હરન, મંગલમૂર્તિ રૂપ !

રામલખન સીતા સહિત હૃદય બસઉ સુરભૂપ’

સિયાવર રામચંદ્ર કી જય ! પવનસુત હનુમાન કી જય !

ગલી ગલી ઘૂમો...ઘૂમતે રહો....

અમદાવાદમાં સરનામું શોધવું એટલે એક મોટી ખોજ ! આપણા શહેરમાં કે જ્યાં ચિત્ર-વિચિત્ર જાતનાં સરનામાંની આપ-લે અને એને કારણે સ્થાન શોધવામાં પડતી તકલીફ એ જાણે સામન્ય બાબત બની રહી છે. વિદેશમાં મોકલાતી ટપાલ પર લખતા સરનામાં જોઇને નવાઇ જરૂર લાગે કે આટલી ઓછી વિગતો દ્વારા ટપાલ સાચી જગ્યાએ હેમકેમ પહોંચી શકશે ખરી ? જો આપણે એ રીતે એટલી જ વિગતો લખીને કાગળ પોસ્ટ કરીએ તો તે કાગળ અવિરતપણે ઘૂમ્યા જ કરે ને ‘દાદા’ ને લખેલા કાગળ ‘દીકરા’ ને જર્જરિત અવસ્થામાં કદાચ મળે કે ન મળે ! રામભરોસે ભજિયા હાઉસની પાછળ, ડોશીની ખડકીમાં, નગરશેઠના વડે, ગોપાલકૃષ્ણ કોમ્પલેકસની સામે... વગેરે વગેરે, એમ બતાવેલાં સ્થાનો ખરેખર તો આપેલી વિગતો કરતાં જૂદે જ સ્થાને નીકળે ! આવાં સરનામાંની ભુલભુલમણીના કારણે વિદેશી કંપની ‘ડોમિનો’ એ અહીં મૂકેલી કે ‘ઓર્ડરની 30 મિનિટમાં પિત્ઝા ગ્રાહકને પહોંચાડી ન શકે તો ગ્રાહકને તેનો ઓર્ડર બિલકુલ ફ્રી આપશે.’ તેમાં તેમણે જાહેરખબરમાં બતાવેલા પરેશ રાવલની જેમ ખરેખર અમદાવાદીઓને નાચતા જોયા હશે ! ફલાણી જગ્યા તો અમારી સામે જ આવેલી છે. કે પાછળ જ છે તેમ માનીને જયારે ચાલતા ત્યાં જવા નીકળી પડીએ ત્યારે જ ખબર પડે કે તે જગ્યા ખરેખર કેટલી પાસે હતી ! આ બંધુ જોતાં એક વિચાર આવી જાય છે કે કોલંબસ કે જે ભારત શોધવા નીકળ્યો હતો ને શોધ્યું. અમેરિકા, તે સ્પેનનો નહીં પણ, કદાચ અમદાવાદનો જ તો નહીં હોય ને !

અમદાવાદનો લગ્નસરો !

બારણે બેલ મારીને બોણી પડાવતા લોકો તો હવે જાણે બંધ થયા ને બાબા-બેબી લગ્નની કંકોત્રી આપવા માટે કમાડો ખખડાવવા લાગ્યા. આપણે અમદાવાદીઓને ખરેખર જંપ જ નથી. કંઇ ને કંઇ ઉત્સવ ઉજવણી કર્યાં જ કરીએ તો આપણે અમદાવાદીઓ શાના ! હવે ચાલશે લગ્નોની ધૂમ મોસમ.... ખરીદી, પાર્ટીપ્લોટોના બુકિંગ, લગ્નગીતો ગાવાવાળાનાં બુકિંગ, મહારાજો ને ગોરમહારાજાઓના બુકિંગ, બેન્ડવાજાવાળાનાં બુકિંગ... પછી શહેરનો ‘કિંગ’ હોય તો યે આ લગ્નસરામાં ‘બુકિંગ’ કરાવ્યા વગર એનો મેળ ના પડે ! ‘આવતું અઠવાડિયું મારે તો લગ્નો છે’ જેવાં વાક્યો હવે કાને પડવા લાગશે ! કો’ક દિવસ લગ્ન તો કો’ક દિવસ સંગીતસંધ્યા. તો વળી કયારેય ગરબા કે જલસા કે પછી બેઠકોની વણઝાર... સંબંધો અને વ્યવહારો સાચવવા લોકો રીતરિવાજ પ્રમાણે ભેટ-સોગદો ને ચાંલ્લાની પદ્ધતિથી વર-કન્યાને નવાજી અભિનંદન આપે છે. આ પરંપરા જૂના વખતથી ચાલી આવે છે. બસ,એના રૂપમાં ખરેખર અણધાર્યા ફેરફાર થઇ રહ્યો છે. જમણવાર, રિસેપ્શન, ગરબા-સંગીતના જલસા વગેરેની ઊજવણીની રીત ઝડપથી બદલાઇ રહી છે. દરદાગીના અને વસ્ત્રોની ફેશન પણ લોકો ઝડપથી નવીનવી બદલી રહ્યાં. છે. દરેક વર્ષ લગ્નસરા કંઇક વસ્તુ નવું લઇને આવે છે. ટૂંકમાં દેવ ઉઠી અગિયારશથી દેવપોઢી અગિયારસ સુધીનાં લગ્નોનાં પ્રસંગોથી છલકાતો સરકતો ગાળો એટલે લગ્નસરો !

નિમંત્રણોની હારમાળા

લાડકીમાંથી લાડલી બનવું એ લગ્નનો શુભ લાભ ! સજનીના સોળ શણગાર ઉપર સત્તરમો શણગાર એ શરમનો શેરડો-તે લગ્નનું સૌદર્ય ! મંગલાષ્ટકંના મંગલ ગાન અને અગ્નિની સાક્ષીએ ઓઢણીમાં મહાલતી કન્યાનું વિધિવત સાડીમાં ફેરવાવું તે લગ્નના મંગલફેરા ! લાવણ્યમયી લલનાના લલાટે શોભતો કંકુનો ચાંદલો અ લગ્નનું પ્રતીક ! વર –વધૂમાં વિષ્ણું-લક્ષ્મીના દર્શન કરાવે તેવી પૂજા એટલે લગ્ન ! શરણાઇના સૂરો સાથે જાન લઇએ આવેલા વરરાજાના નવજીવનના આદર્શ અને ઓરતા તે જ લગ્નની મધુરતા ! કન્યાના મુખ પરનો હૃદય –રુદનનો મિશ્ર ભાવ તે લગ્નની લાવણી ! પાનેતર ઓઢેલી કન્યા અને છોગાવાળા વરરાજાને ઐક્યરૂપે પહેરાવાયેલી વરમાળા એ લગ્નનું પવિત્ર બંધન ! અંતરપટ, છેડેછેડી ને પાસાની રમત એ લગ્નનો આનંદ ! એક બીજાને ખવરાવતા ગળ્યા કંસારનો સાર એટલે સંસાર ! ચોરીમાં બેઠેલા વર-કન્યા એકમેકમાં દિલ ચોરી લેવાની સજારૂપે મળતી સુંદર આજીવન કેદ એ લગ્નનો મિજાજ ! ગોર મહારાજનો ‘કન્યા પધરાવે સાવધાન’ નો નાદ એ લગ્નનું મુખ્ય વિધાન ! કંકુ, ચોખા, સોપારી, નાગરવેલનાં પાન ને નાડાછડી એ લગ્નન શુકન ! પટોળાં, કાંજીવરમ, પૈઠાણી જેવી સાડીઓનો જીવંત મેળવાડો એ લગ્નનો શૃગાંર ! ફૂલોની ગૂંથણી અને ગોઠવણીનો ગજબનો સમન્વય એટલે લગ્નમંડપની સુંદરસજાવટ ! મોંઘેરા મહેમાનોની મહેમાનગતિ માટે બનાવાયેલી મધમધતી મીઠાઇઓ અને ફરસાળની રસલ્હાણ એટલે મિજબાની ! વર-કન્યાના હાથના ભીંતે લગાવાતા કંકુના થાપા એ લગ્નની નિશાની ! કન્યાદાન આપી વિદાયની વસમી વેળાને અંતરમાં સમેટી અપાતી કન્યાવિદાય અ લગ્નની સંવેદના ! ને વરવધૂનો સુખમય દીર્ધ સંસાર એ જ લગ્નની લગની !

હમણાં તો વાંરવાર જમણવાર...

‘‘કન્યા વરયતિ રૂપં માતા વિત્તં પિતા શ્રૃતમ

બાન્ધવાઃકુલમિચ્છન્તિ મિષ્ટાન્નમિતરે જનાઃ’’

શાસ્ત્રમાં કહ્યું છે કન્યાનો વિવાહ કરતી વખતે કન્યા વરના રૂપને ઘરના રૂપને વરે છે, માતા સંપત્તિનો વિચાર કેર છે, પિતા પરનું ભણતરનું જુએ છે. ભાઇ-બહેન કુળ કો મોભા જુએ છે. જ્યારે અન્ય લોકો ભોજન અને સમારંભનો આનંદ માણે છે. આપણા લગ્નપ્રસંગોમાં જમણવારનું સ્થાન મોખરે છે. ‘બૂફે’ એ જમણવારની સૌથી પ્રચલિત અને વ્યવહારું રીત છે. આજકાલ સો રૂપિયાથી માંડીને પાંચસો રૂપિયા સુધીની ‘ડિશો’ સમારંભોમાં ‘શો’ આપી રહી છે. સોમવાર, ગરુવારની જેમ ‘જમણવાર’ આજકાલ અઠવાડિયિનો જાણે આઠમો વાર જ બની ગયો હોય એમ વારંવાર આવ્યા જ કરવાનાં ને ચાઇનિઝ. પંજાબી.થાઇકુડ, કોન્ટિનેટલ ડિશ જેવી જુદી જુદી અફલાતૂન આઇટમોથી ભરેલા જમણવારને માણવા લોકો ઉત્સાહપૂર્વક તેમાં ભાગ પણ લેતા રહેવાના.

આવા જમણવારોને કારણે આમંત્રિત મહેમાનોમાં પોતે એક કુંટુંબ કે ગાંઢ સંબંધ ધરાવનાર છે તેવી ભાવના ઉભરાય છે. સામસામા વ્યવહાર સાચવવા એકમેકના પ્રંસંગે આમંત્રણોનો સિલસિલો ચાલુ રહે છે. આવા જાતજાતના પ્રસંગોમાં જુદા જુદા લોકોને અવનવી આઇટમો સાથે પરિચય થાય છે, પણ જયારે આમાં ‘દેખાદેખી’ નું પરિબળ ઉમેરાય છે ત્યારે અમુક લોકો પરેશાની પણ અનુભવે છે. મણ જેટલાં જમણવારોમાં જોઇએ. વારંવાર જમણવારોનાં નોતરાં પણ દઇએ પણ એક વાત ન ભૂલીએ. કે ગજા ઉપરાંતનો કે દેખાવનો ખોટો ખર્ચ ન કરીએ. બાકી જે થવાનું હોય તે થાય પણ કરેલા ‘વાર’ તોડીને પણ ‘જમણવાર’ તો જરૂર જઇએ જ !

અમદાવાદના મહારાજ અને ગોરમહારાજ...

મહારાજા અને ગોરમહારાજ વગર લગ્ન શક્ય નથી એ મહાસ્તય છે. આમ જોવા જાવ તો મહારાજ અને ગોરમહારાજ બંનેનું લગ્ન ટાણે સૌથી વધુ માહાત્મ ગણાય. વર-કન્યાની તારીખોની સુવિધા કરતાં આ બંને મહારાજાઓની જેમ વાર્તા તો યે તેમને નારાજ કર્યા વગર તેમનો પડયો બોલ ઝીલવો પડે. આ મહારાજાઓ સાથે મિટિંગો ગોઠવાય. તેઓ તેમનું લાંબુલચક લિસ્ટ બનાવડાવે. એક મહારાજ સીધું સન્માન મંગાવે તો બીજા પૂજાપાનું લિસ્ટ લખાવે. જોકે હવે તો જમણવાર ‘કોન્ટ્રાકટ’ ઉપર સોંપવામાં આવતો હોવાથી ‘ડિશ’ ના ભાવે કે જેનાથી ખાનાર ડિશ સફાચટ કરે કે ન કરે, પણ ખવડાવનાર તો મહારાજોના ધંધામાં જબરી ‘હાઇપ’ આવવાથી ગોરમહારાજો ‘માઇક’વાળાને ‘બાઇક’વાળા થઇ રહ્યા છે. આ બંને મહારાજોની તો વિદેશમાં પણ ઊંચી ડિમાન્ડ છે. બંને મહારાજોનું રૂપ હવે બદલાવા લાગ્યું છે. મોબાઇલ ફોનોને ઇન્ટરનેટને કારણે આ મહારાજો હવે ‘ઇન્ટરનેશનલ’ બનલા લાગ્યા છે. અરે, આજે આ ઇન્ટરનેટના જમાનામાં વર-કન્યા લગ્નમાં સાક્ષાત હાજર ન હોય તો ચાલે પણ આપણા આ મોંઘેરા મહારાજો વગર તો ન જ ચાલે. એવા દાખલા દુનિયામાં દેખાવા લાગ્યા છે ! લગે રહો મહારાજો !

અમદાવાદમાં લક્ષ્મી વસે છે !

અમદાવાદ સાથે ઘણી પ્રાચીન દંતકથાઓ જોડાયેલી છે. એક આવી જ દંતકથા સાથે અમદાવાદન જાહોજલાલી ને સમૃદ્ધિને જોડવામા આવ્યાં. છે. પ્રાચીન સમયમાં શહેરમા ભારેય દરવાજા પર રક્ષકો ગોઠવવામાં આવતા. એક રાત્રે ચોકીદારે એક જાજરમાન અને વૈભવશાળી સ્ત્રીને પૂછ્યૂં, ‘તું કોણ છે?’ ઉત્તરમાં તે સ્ત્રીએ જણાવ્યું કે તે લક્ષ્મી છે ને હવે તે શહેર છોડીને જવા માંગે છે.’ ચોકીદારે તેની ફરજ બજાવતાં તેને ત્યાં જ રોકીને કહ્યું. કે, ‘હુ રાજાને પૂછીને આવુ પછી જ તમે આ શહેર છોડી શકશો.’ લક્ષ્મીજી આથી ત્યાં રોકાઇ ગયા ને તેની રાહ જોવાનું વચન આપ્યું. આ બાજુ શહેરને આબાદ કરવા ચોકીદારે તેના જીવનનો ત્યાગ કરવાનું નક્કી કર્યું. કે જો તે પાછો ત્યાં જશે તો લક્ષ્મીજી ચોક્કસ શહેર છોડીને ચાલ્યાં જશે ને શહેર બરબાદ થઇ જશે. આથી તેણે પોતાની જાતનું બલિદાન આપ્યું અને ત્યારથી હજી આજે પણ લક્ષ્મીજી તેમના વચન પ્રમાણે આ જ શહેરમાં વસી રહ્યા છે. ગમે તેવી અડચણો પાર કરીને અમદાવાદ સતત સમૃદ્ધ શહેર બની રહ્યું છે. દંતકથા પાત્ર ચોકીદારના બલિદાન, સરસ્વતી અને લક્ષ્મીજીની કૃપા અને આશીર્વાદથી આપણું શહેર આજે ‘મેગાસિટી’ બની રહ્યું છે.

કોઇને કહેતા નહીં !

‘કોઇને કહેતા નહીં’ એમ સાંભળતાંની સાથે અમદાવીદના પેટમાં ખીચડી ખદબદ થવા લાગે કે ક્યારે વહેલી તકે કોઇ મળે અને કયારે અને આ વાતકહી નાખીએ ! અને જયાં સુધી વાત કહેવા ના મળે ત્યાં સુધી ઊંઘ હરામ થઇ જાય અને જેલું કોઇ સામે મળે કે તરત જ ‘અરે સાંભળ્યું ? પણ કોઇને કહેતા નહીં હો, આ તો તમને જ વાત કરું છુ, પટાક કરી પટકા દેતા વાત ઓકવા લાગે. બહેનો આ બાબતમાં ખૂબ શૂરી ભાઇઓ કરતાં ચઢિયાતી ભાઇ વિચારા સીધા સદેહે સ્વર્ગે સિધાવે એટલા સીધી આવી બધી વતોમાં, એટલે બહેનો આગળ આમાં એમનું બેઆની પણ આવી વાત સાંભળ્યા પછી બાજુવાળાનો બામ લગાડીને બાટલીઓ ખાલી કરતાં હોય પણ આવી વાત સાંભળ્યા પછી બાજુવાળાનો ઝાંપો યે ખખડે તો તે સાડીનો કછોટો વાળી યુદ્ધના ધોરણે વહેતી કરવા દોડી જાય...!

પણ ખરી વાત છે ને, આપણે ‘કોઇને કયાં કહ્યું. છે? આપણે તો આ માલતીબહેન, રમાબેહને વળી સામે મળી ગયાં ને વાત નીકળી એટલે થોડુંઘણું કહ્યું અને આ ‘કોઇ કયાં છે ? એ તો ઘરનાં કહેવાય. ને પાછી સૂચનાય આપી દીધો. હોય કે ‘કોઇને કહેતા નહી.’ ને આ સૂચના સાંભળતા જ એ લોકોની આંખો ય ચાર થાય. મામલો ગંભીર લાગે છે. એમ લાગતાની સાથે જ તેઓ પણ પેલી સૂચના સાથે ચારેબાજૂ ફરી વળે કે ‘‘એ કોઇ’ છે જ કયાં ᢽ! એ તો અમારા સામેવાળાના મામા નહીં, એમના છોકરાના સાળાનો ભત્રીજો...એને તો કહેવાય એ તો ઘરનો છોકરો થયો.’’

‘કોઇનો કહેતા નહી.’ એ શબ્દો વાત ફેલાવવાનો પાસવર્ડ છે. કોડવર્ડ છે. એ શબ્દો એન્ટર થતાંની સાથે જ આખો ય ‘પ્રોગ્રામ’ ખૂલી જાય ને ‘ડેટા’ બધો બહા આવવા લાગે. માટે હવે પછી જો ખરેખર વાતને ખાનગી રાખવીહોય તો આ ‘પાસવર્ડ’ આપવાનું બંધ કરી જુઓ કે, ‘કોઇને કહેતા નહી.’ અને હા, અહીં એ વાત યાદ રાખજો કે આ આખી યે વાત ‘કોઇને કહેતા નહીં હો !. ગુડ ડે !

મિનિસ્ટરોને મચ્છરાં કરડે ?

કાંઇએ એખ પણ મિનિસ્ટરને ડેન્ગ્યું કે ચિકનગુનિયામાં સપડાયેલાં સાંભળ્યાં ? સાંભળ્યા હોય તો જરૂરથી જણાવજો પણ એમને નહી, પેલા કરડેલા મચ્છરોને ! લાખો લોકોનું લોહી ચુસેલાંને જે મચ્છર કરડી જાય એનું થાય શું ? જો કે લાગતું નથી કે કોઇ મિનિસ્ટરને કર઼ડવાથી હિંમત આ મચ્છરો કરે ! એ પણ બિચારા ગભરાયને ! આપણે તો દવાદારૂ કરીએ ને ડોક્ટર પાસે યે જઇએ. પણ બિચારું આવડું નાનું મચ્છરું કોની પાસે જાય, જો એને કરડીને કંઇ થઇ જાય તો ! જોકે જાડી ચામડીના લોકોને તેઓ જલ્દી કરડે પણ ક્યાંથી ? માંડ અંદર સૂઢે પેસાડે ને કામ ચાલુ કરે ત્યાં તો ખબર પડે કે આ લોહીમાં કો ‘હિમોગ્લોબીન’ ની નહીં પણ ‘હાયમોગ્લોબીન’ છે. લોકોની ‘હાય’ લઇને એકઠું કરેલું લોહી તો મચ્છર જેવી તુચ્છ જાતને ય ના પોસાય કે જેનો તો એ પેશો છે ! જો કે મિનિસ્ટરોય છેવટે તો માણસ જ છે ને અને વળી માણસથી ભૂલ થાય તો શું મચ્છરથી ભૂલ ના થાય ! કોઇ વાર કરડી યે જવાય એમને ! ગમે તેવા સુરક્ષાબોર્ડ હોય, મચ્છરોને કયાં વાંધો આવવાનો છે. ગમે ત્યારે, ગમે ત્યાંથી એન્ટ્રી કરી શકતા મચ્છરાઓને ‘એપોઇન્ટમેન્ટ’ નો ‘આગ્યુમેન્ટ’ પણ કયાં નડવાનો છે !ટૂકમાં મચ્છરોથી બચવા શું મિનિસ્ટર બનવું પડે ? પણ મિનિસ્ટર બનવા કરતા તો મચ્છર બનવું સારું અને એ પણ એવો મર્દાના મચ્છર કે જે માત્ર ‘મિનિસ્ટરને’ જ શું આખી ‘મિનિસ્ટ્રી’ ને કરડે.

વર્ષો પછી આવી ગાંધીની આંધી....

‘રામ નામે પથરા તરે અને ગાંધી નામે ગઠિયાં તરે’ એ કહેવત તો સૌ માટે જાણીતી છે. ‘સત્યના પ્રયોગો’વાળા એ માણસના ગયા પછી ‘અસત્યના યોગો’ વધારે જોવા મળ્યાં. વિનમ્ર એવા પૂતળીબાઇના એ સંતાનના દાખલા પછી તો ઘણાં સંતાનોની માતાને ખરા અર્થમાં ‘પૂતળી’ બનીને જીવતી જોઇ. કસ્તૂરબાના એ આદર્શ પતિના જીવન પછી ઘણા પતિને કસૂરવાર પુરવાર થતા પણ જોયાં. ‘ગાંધીવાદો’ એ કોઇ માટે લડાઇ કર્યાં કરતા એની અંદર રહેલા સાર પ્રમાણે જીવવું વધારે જરૂરી છે. ગાંધીજીનું સુવર્ણ વાક્ય કે ‘કોઇ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવો.’ એ આંજે ‘તમાચા મારીને ગાલ લાલ’ રાખતા લોકો માટે અઘરું નથી રહ્યું. દંભી લોકો ‘ગાંધીગીરી’ કરે કે ‘દાદાગીરી’ તેઓ ‘ગીરેલા’ જ રહેવાના. ખરેખર તો વર્ષોથી ‘ગાંધી’ નામની ‘આંધી’ આવતી જ રહી છે.

ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીનાં નામ એમાં ખાસ ‘ગાંધી’ ભુલાઇ ગયાં, ખોવાઇ ગયા. પછી ગાંધીજયંતિ પૂરતા જે એ જીવી ઉઠે. ‘ખાદી પર વળતર’ ના રૂપે એ ઓક્ટોબર મહિનો જીવંત રહે ! એ ‘દાંડીકૂચ’ એ ‘જલિયાવાલા બાગ’ આજે પણ ઇતિહાસમાં જીવે છે! આજે રાજકરણીની ‘ગાંદીકૂચ’ હેઠળ જનતા કચડાયા છે.સર્વત્ર ‘સત્યાગ્રહ’ની જગ્યા હઠાગ્રહે લીધી હોય તેમ દેખાય છે. આજકાલની વંશપંરપરાગત ગાંધીની રેસમાં હજી ગાંધી વગર અને ગાંધી માટે ‘ગાંધી વડે’ આંધી આવે જ જાય છે. !

અમદાવાદની નજર ઉતારો !

આપણા હસતા,રમતા,ખેલતા, અમદાવાદને શું નજર તો નથી લાગી ને ! પિટી કે આપણું ‘સિટી’ છેલ્લા કેટલાક સમયથી અદમ્ય આફતોથી અસ્તવ્યસ્ત અને અધમૂઉ થઇ રહ્યું. છે. થોડાં વર્ષદ પહેલા અતિવૃષ્ટિથી થયું અતિનુકસાન. તે વખતે અડધું શહેર ડૂબ્યુ. ડામાડોળ થઇ ગયું પછી ધરતીકંપે હચમચાવ્યું ને નિર્દોષ અમદાવાદીઓ થયા નિરાશ્રિત, નિરાધાર અને નિરાશ ! એમ નાની-મોટી કુદરતી આફતોને સામનો કરતું તે જરીક શ્વાસ ખાય ત્યાં પુનઃપૂરબહાર પૂરમાં ડૂબ્યું. પાણી ઉતર્યા ત્યાં તો નિરંકુશ રોગચાળો. અમદાવાદના દિલ્હી દરવાજે, પ્રેમ દરવાજે, ત્રણ દરવાજે, લાલ દરવાજે, બાંધો લીંબુને મરતા ! લગાવો ઘોડાની નાળ દરેક સીમાડે ! એ એમ.સીમે શનિની સાડાસાતની પનોતીનો તબક્કો સોનાના પાયે બેઠેલો લાગે છે ! બંધાવો ગ્રહોનાં નંગોના તોરણો ! ચાલો, અગરબત્તી લઇને પહોંચીએ સાબરમતી ને ઉતારીએ અમદાવાદની આરતી !

જટા કર્ણાવતી માતા, જય કર્ણાવતી માતા,

અમદાવાદીઓના સંકટ, અમદાવાદીઓની આફત,

પળમાં દૂર કરો... અરે સૌનાં દુઃખ હરો.....

કરીએ આજે એક સમૂહ પ્રાર્થના આપણા અમદાવાદના ચાર ગ્રામદેવતાને કે હે નીલકંઠ મહાદેવ. હે (કેમ્પ) હનુમાનજી હે જગન્નાથજી, હે ભદ્રકાલી મા, આપની અમિર્દષ્ટથી અમદાવાદનું અમંગલ દૂર કરો.

અમદાવાદને અમર કરો !

સનરાઇઝ ‘હાઇડ’ કરે એવા હાઇરાઇઝવ !

અમદાવાદ વિસ્તરતું જ જાય છે. અમદાવાદનો વ્યાપ કૂદકે ન ભૂસકે વધતો જાય છે. જમીનો લેવાતી જાય છે. મોટા મોટાં કોમ્પ્લેક્સ અને હાઇરાઇઝ બિલ્ડીંગો બંધાતા જાય છે. મુંબઇ જેટલા નહીં પણ તેનાથી અડધા તો ખરાં જ. અમદાવાદમાં એ તરફથી જોઇએ તો દેખાય કે ‘સિમેન્ટનુ જંગલ’ વધતું જાય છે. અમદાવાદમાં એવી કોઇ જગ્યા નથી કે જયાં બેસીને માણસ બે ઘડી કુદરતને માણી શકે. કુદરતના સાનિધ્યમાં પોતે હળવાશ અનુભવી શકે. આજે માણસ ‘સનસેટ’ જોવા તો નથી પામતા કારણ કે સંધ્યાકાળે તે પોતે જ અનેક ઉપાધિઓથી ‘અપસેટ’ હોય છે પણ પરોઢિયે કદાચ તે બે ક્ષણ કુદરતેને આપી શકે તેમ હોવા છતાં આજે દરેક ઘરમાંથી ઊગતો સૂર્ય માણવો મુશ્કેલ બની રહ્યો છે. સવારે સૂર્ય ઊગ્યાં પછી અડધો કલાક સુધી તેના કિરણો તન-મન માટે આરોગ્યપ્રદ હોય છે. સૂર્યના તે કિરણો માણસને અનોખી શક્તિ પ્રદાન કરી શકે છે. સૂર્યનમસ્કાર અને દ્લાદશ આદિત્યામંત્રો જેવા સૂર્યાય નમ, મિત્રાય નમ.’ સ્વયે નમ.’ આદિત્યાય નમ.’ અર્કાય નમ.’ ભાનવે નમ,’ ભાસ્કરાય નમ.’ પૂષ્ણે નમ.’ ખગાય નમ.’ મરીચેય નમ,’ હિરણ્યર્ભાય નમ.’ સાવિત્રે નમ.’ દિવ્ય પ્રાણશક્તિના સંચાર કરે છે. પણ આજે સૂર્યનો કુમળો તડકો મેળવવા પણ માણસને કંયાક દોડવું પડે છે. દરેક ઘરમાંથી ‘સનરાઇઝ’ આજુબાજુના ‘હાઇરાઇઝ’ ને કારણે દેખાતો બંધ થઇ જાય છે.

કયાં જઇને અટકશે આ બધું ? સૂર્ય-જગનો તારણહાર દર્શન માટે પણ જયારે ખુલ્લી જગ્યા શોધવા જવું પ઼ડે ત્યારે થાય કે આ જગ તરશે કે ડૂબશે ???

ન્યારો આ તુલસીકયારો !

તુલસી... શબ્દ સાભળીને આજે ઘણુંબધું મનમાં આવી જાય. સાસ ભી કભી બહુથીવાળી ‘તુલસી’ કે પાનમસાલો તુલસી ? પણ ના, આ વાત છે, આપણું ઘરઆંગણું શોભાવતા પવિત્ર છોડ તુલસીની જે ભગવાનને પણ અતિપ્રય છે. તુલસી કે જેને જોવા માત્રથી પાપનો નાશ થાય, સ્પર્શમાત્રથી શરીર પવિત્ર થાય અને વંદન કરવાથી રોગ દૂર થાય. લક્ષ્મીદેવીની સખી મનાતી આ તુલસી કલ્યાણકારી, પાપ હરનારી અને પુણ્ય દેનારી છે.દેવર્ષિ નારદ પણ તુલસીને પ્રણામ કરવાનું ચૂકતાં નથી.

કહેવાય છે કે તુલસી ઠાકોરજીની પ્રિય છે. તેને દાંત વડે ચાવીને ખવાય નહીં. વૈજ્ઞાનિક રીતે જોવા જાવ તો તુલસીના પાનમા રહેલી ‘મરક્યૂરી’ દાંત વડે ચવાતાં, દાંતના ઇનેમાલ કોટિંગને નુકસાન પહોંચે છે માટે તુલસીને ચાવીને ખાવી જોઇએ નહીં. જો કે ધર્મ અને વિજ્ઞાન એ એખ સિક્કાની બે બાજુ જ છે. જ્યાં વિજ્ઞાન પૂરૂં થાય છે. ત્યાંથી ધર્મ શરૂ થાય છે. ઠાકોરજીએ ભોગ ધરાવેલી દરેક સામગ્રી પર તુલસીદલ પધરાવવાનું કારણ માત્ર એ જ નથી કે તે ભોગવાનની પ્રિયા છે, પણ તેની સુંગધથી ખુલ્લી રહેલી ધરાવેલી સામગ્રી પર તુલસીદલ પધરાવવા આવશ્યક છે. અમદાવાદમાં લગભગ દરેક હિન્દુ ઘરને આંગણે સરસ મજાનો તુલસીકયારો જોવા મળે.

‘‘તુલસી હેમરૂપાં. ચ રત્નરૂપમાં ચ મંજરીમ

ભવ્યમોક્ષપ્રદામ્ તુભ્ય, અર્પયામિ હરિપ્રિયે’’

શ્રી હરિની પ્રિય એવી તુલસી, સંસારમાંથી મોક્ષ આપનારી, રત્નરૂપી માંજરવાળી તથા સુવર્ણરૂપ છે હું શ્રી હરિન અર્પણ કરું છે.

ઊંચી અટારીએથી અમદાવાદ...

અટારી જોઇને એમ થાય કે લાવને બે મિનિટ મારા અમદાવાદને જોઇ લઉ ! તેની ખબર જોઇ લઉં ! તેની હવાની એક લહેરખી લઇ લઉં ! પણ અટારી પરથી આજે નજર ફેંકતા દેખાય છે શું ? નજર માંડતા જ ચારેબાજુ વાયર ને કેબલોના આટાપાટા... જાળાં... ગૂંચળા... જાણે ‘ઇન્ટરનેટ’મા જ રહેતા હોઇએ તેવો ભાસ થાય. ‘રિલાયન્સ’ ના કેબલોના રેલા, ‘ટાટા’ ના કેબલોના ‘આંટા’ ‘ભારતસંચારનિગમ લિમિટેડ’ ‘અનલિમિટેડ’ કેબલોની બારાત, અમદાવાદપર જાણે જુલ્મ ગુજારી રહ્યા હોય તેમ ખીચોખીચ મકાનો,વૃક્ષોને લપેટમાં લઇ હવામા વીંઝાતા હોય ! તો પણ વળી જાળાઓની અંદરથી નજરને માંડ નીચે ખસેડતા દેખાય કાળા ધુમાડાનું આવરણ ‘પોલ્યુશન’ જાણે ‘નહીં હટવાના નામે અનશન’ પર ઉતરી ખુંપાવતા વળી અમદાવાદનું ‘દૂરદર્શન’ કરતાં દર્શન થાય માટીમાં પડેલાં ભુવાના...ખાડાના... અસ્તવ્યસ્ત કચરાંના...પાણી ભરાયેલા ખાબોચિયાઓના... ખાડાખબૈયાવાળા રસ્તાના...! ‘શમણાંમાં ચૂંટેલું મોગરાનું એક ફૂલ પાનેતર પેહેરે પરોઢમાં બારીમાં દેખાતું અજવાળું પૂછે કે હાર્યું છે કોણ કહો હોડમાં !’ રૂપક તરીકે આ પંક્તિમાંથી સારો કટાક્ષ મળે છે... શમણું જાણે કે એમ હતું. અમદાવાદને ‘હાઇટેક’ બનાવી દુનિયા ‘ઓવરટેક’ કરીએ પણ તે ‘હાઇ’ બનવાનું સપનું પૂરું થતાં પહેલાં જ તે ‘ડાઇ’ થઇ રહ્યું છે અને ત્યારે અટારીમાંથી પસાર થતાં અજવાળું અમદાવાદીઓને જાણે પૂછી રહ્યું છે કે આ હોડમાં ખરેખર હાર્યું કોણ એની ખબર છે ???

પંચવટી- પદ્મશ્રી અવિનાશ વ્યાસ ચોક

ભગવાન રામે પંચવટીમાં નિવાસ કરીને ચૌદ વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. પંચવટી એટલે પાંચ રસ્તા જયાં ભેગા મળે તેવી જગ્યા ! રામનાં નિવાસ સાથે પંચવટીનું નામ સંકળાતા તે જગ્યા ખ્યાતનામ બની ઊઠી ! અમદાવાદમાં સી.જી. રોડ પર જયાં પાંચ રસ્તા મળે છે તે જગ્યા પણ પંચવટી નામે ઓળખાય છે. પદ્મશ્રી અવિનાશ વ્યાસનું નામ ઉમેરાંતા આજે તે જગ્યા પણ ખ્યાતનામ બની ઊઠી ! થોડાક વર્ષો પાછળ ઇતિહાસમાં ડોકિયું. કરતાં એ નાકા પર આવેલા કાચવાળા બંગલા ‘પંચવટી’ ને કારણે એ જગ્યા પંચવટી નામે ઓળખવા લાગી હતી. શ્રી અવિનાશ વ્યાસ એટલે સંગીત-જગતના પરમ ગુરુ ! તેમની કેટલીય રચનાઓ આજે પાશ્ચાત્ય સંગીતને વીંધીને પણ લોકજીએ ગણગણાતી રહે છે. સુંદર ગરબાઓ અને ગીતોથી સંગીતની દુનિયામાં પોતાનું નામ અમર કરનાર શ્રી અવિનાશ વ્યાસે પોતાનું નામ ખરેખર સાર્થક કરી જાણ્યું. ! ગીતોની રચના, ગીતોથી સ્વરચના, ગાયકીનો સંપૂર્ણ અવકાશ વાદ્યવૃંદનો સમન્વય એટલે સાચા અર્થમા સુગમસંગીતના રચયિતાં. આમ, આ પાંચેય વસ્તુઓનો સમન્વય સાધનાર સંગીતની ‘પંચવટી’ સમા વિસ્તારમાં એમના નામે નામકરણ પામેલા ચોક પર સંગીતના અર્દશ્ય દિવ્ય સૂરોથી અમદાવાદને ‘સૂરીલું’ બનાવી રહ્યા છે. આવા મહાન કલાકારો થઇ ગયા હોય તેવી ભૂમિ પર જન્મ થવો એ અમદાવાદીઓનું અહોભાગ્ય છે !

અમદાવાદનું હોટસ્પોટ – એરપોર્ટ

‘સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથક’ જેવા લાંબા નામથી ઓળખાતું એરપોર્ટ કે જે વાંચતાં વાંચતા તો ફ્લાઇટ ‘મિસ’ થઇ જાય ! અમદાવાદ મેગાસિટી બને કે ન બને પણ આપણું એરપોર્ટ ‘મેગા એરપોર્ટ’ તો જરૂર બની રહ્યું છે, તેમાં કોઇ શંકા નથી, આગમન અને પ્રસ્થાન એમ બે પાર્ટમાં વહેંચાયેલું એરપોર્ટ ઘણું સુવ્યવસ્થિત બની રહ્યું. છે. ચોખ્ખાઇનો ‘મોનિયો’ ઊભા થતા મુસાફરો ને કર્મચારીઓ દ્વારા તે જળવાઇ પણ રહ્યા છે. સ્નેક્સ અને ચા-કોફી જયુશના હારબંધ કાઉન્ટર, ટિકિટવિન્ડો, સિક્યોરિટી ગાર્ડ વગેરેથી શોભતા એરપોર્ટ પર જેટ, સ્પાઇસ, સહારા, ગોએર, ડેક્કન, કિંગફિશર, જેવી અનેક એરલાઇન્સ આગમન અને પ્રસ્થાન કરતી ઉભરાઇ રહી છે ! પોતપોતાના સ્માર્ટ યુનિફોર્મમાં સજજ ‘ગ્રાઉન્ડ સ્ટાફ’ અને ‘એરહોસ્ટેસ’ કેપ્ટનથી એરપોર્ટ શિસ્તબદ્ધ લાગી રહ્યું છે. લગેજ ટ્રોલીઓ અને કન્વેયર બેલ્ટ પરનો ઘૂમતો સામાન એરપોર્ટની શિસ્તતા અને વ્યસ્તતામાં વધારો કરે છે. મુસાફરોની સંખ્યા સાથે ફલાઇટોની સંખ્યા પણ વઘતા રનવે અને એરક્રાફ્ટની પાર્કિંગ પ્લસ પણ વધારવામાં આવી રહી છે. ટમટમતા રિફલેકટર્સને કારણે એરપોર્ટ રોજ રાત્રે દિવાળી મનાવતું. દિવસ-રાત નાના-મોટા એરક્રાફ્ટની ઘરઘરાટીથી ધણધણતું જ રહે છે. ટૂંકમાં, અમદાવાદના એરપોર્ટની લેવાતી સુંદર ‘કેર’ ને કારણે એ ‘હોટસ્પોટ’ બની રહ્યું. છે.

માણેકચોકની મસ્તી !

‘‘પોળની અંદર પોળ, ગલી પછી જાય શેરીમાં, ખડકીને અડકીને ખડકી વળી.’’ અરે, મુંબઇની કોઇ મહિલા જોવા જમાલપુર નીકળી ને વાંકીચૂકી ગલીગલીમાં ફરીફરીને મળી. અરે, માણેકચોકથી નીકળી પાછી માણેકચોકમાં મળી !

‘અરે, અમદાવાદી’ ગીતની એક પંક્તિ કે જે વારંવાર સત્ય હકીકત બની હશે એવા માણેકચોકની વાત આવતાં જ નજર સામે ચહલપહલ મચેલો વિસ્તાર દેખાય !અમદાવાદની પૂર્વવિસ્તારમાં આવેલો માણેકચોક એટલે એ વખતનો એક પ્રકારનો ‘મોલ’ ! કાપડ, અનાજ, સોનું-ચાંદી, શાકભાજી જેવી અનેક ચીજોનું ત્યાં મોટું બજાર !ઓપન ટુ સ્કાય’ મોલ જેવા અનેક નાની-નાની દુકાનોને આવરી લેતા આ માણેકચોકની રાતની ખાણીપીણીની મસ્તીને તો કેમ ભૂલાય ? પાણીપૂરી, ભાજીપાંઉ,પિત્ઝા અને મલાઇ ભરેલા કઢેલા દૂધની ખરી મઝા એટલે માણેકચોક ! લસ્સી તો એમ કહેવાતું કે માણેકચોકની જ ! આજના વડીલોને તેમની યુવાનીની મઝા તાર્દશ્યા કરાવતો માણેકચોક આજે પણ માનવમેદનીથી દિવસ-રાત છલકાતો નજરે ચઢે છે. સાંકડા રસ્તાઓનાં કારણે ત્યાં વાહનવ્યવહારમાં ઘણી મુશ્કેલી પડે છે. છતાં તે વાહનોથી ધમધમતાં જ હોય ! અમદાવાદના ‘માણેકબાવા’ ના નામ પરથી ઓળખાતું માણેકચોક એ આજના ‘મોલ’ નું જ રૂપ કહી શકાય !

અમદાવાદી પાર્કિંગ

લોકોથી લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી, બરાબર એ જ પ્રમાણે ફાવે તેમ, ત્યાં અને ફાવે ત્યારે કરવામાં આવતું રાજાશાહી પાર્કિંગ એટલે અમદાવાદી પાર્કિંગ ! લગભગ વાહન પાર્ક કરતાની સાથે જ કાનમાં ઘાક પડે તેવી પિપૂડી વાગી ઉઠેં ! જયાં વાહન પાર્ક કરીએ ત્યાં ‘ટોંઇગઝોન’ નું બોર્ડ દેખાય ! વળી વાહન ખસેડીએ બીજી જગ્યા શોધતા બધે વંચાય ‘નો પાર્કિંગ’ તો પછી ભાઇ, વાહન પાર્ક કરીએ કયાં ? વાહન માથે લઇને ફરીએ ? વાહન વધારે અને વાહન પાર્કિંગની સુવિધા ઓછી ને તેને કારણે ભોગવવાનું વાહનચાલકોએ ! બજારમાં હોય પાંચ મિનિટનું કામ પણ પાર્કિંગ મેળવવા માટે બીજી પંદરેક મિનિટ ફાળવવી-વેડફવી પડે ! ને કયાંક થોડું આડુંઅવળું પાર્કિંગ થઇ ગયું તો ગયા કામથી... વાહન અને વાહનચાલક બંનેના મોઢા રડતા હોય. ને ‘ટોંઇગવાન’ વાહન ‘ટો’ કરીને હસતીહસતી જતી હોય ! વાંક કોઇનો નથી ! નથી વાંક વાહન ‘ટો’ કરનારનો કારણ કે તે બિચારા ચિઠ્ઠીના ચાકર ! અમદાવાદને મેગાસિટી બનાવતા પહેલાં અત્રે લાગતા-વળગતાઓએ એ નોંધ લેવી જરૂર છે કે અમદાવાદને સૌથી વધારે જરૂર પાર્કિગની સુવિધાની છે.!

અમદાવાદની નવરાત્રિ એટલે...

અમદાવાદમાં રેલાવા લાગ્યા છે સૂરોના વાયરા ! ઝગારા મારતી રાત્રી એટલે આપણી નવરાત્રી ! પ્રજા રાજાની જેમ ધૂમવાની મજા લે ! ચોગાનો અને ચણિયાચોળી ચમકારાથી ચમકે ! રોડ રોશનીથી રંગાય ! ગીતકારની ગાયકી પર ગોરીઓ ગરબા ગાવામાં ગુલતાન ! છોરાઓ છલૈયા બનીને છલકે ! વાતાવરણમાં વેણુનાદ વાગે ! મનમોહક મોરલીથી મન મહેકે ! નગારાની નોબતે નૃત્યાંગના નાચે ! મનનાં માણિગારો મદમસ્ત બની મહાલે ! તબલાંના તાલે તાતાથૈયા અને ઠેસેઠેસ ઠુમરીનાં ઠેકાં ! ખૂબસૂરત ખલૈયાઓ ખાનપાનમાં યા ખૂબ ! હસતી હવાની હલકો સાથે હિલ્લોળે ચઢેં હીંચ ! દબદબાપૂર્વક દાંડિયાથી દીપી ઉઠેં ડાયરો.! કેડે કંદોરાવાળી કામણગારી કન્યાઓની કમનીય કળાઓ ! ઝળહણતા ઝાંઝર અને ઘુઘરીયાળા ઘૂંઘરું ! થંભે નહીં તેવો થનગનાટ ! ધરતી પણ જાણે ધમધમ ઉછળતો ધમધમતો ધોધ ! લલનાઓના લાખ લટકા ! સૂરાવલીના સાથે સનેડો ! જવાનીનું જોશ ! પ્લોટોના પાર્કિંગથી પ્રજા પરેશાન છતાં પ્રસન્ન ! આમ આ બારાખડીની બારાત અને સૂરાવલીના સૂરોના રાસ એટલે નવલી નવરાત્રિ. જેમાં માત્ર સાત સૂરો અસંખ્ય લોકોને નચાવે ! માતાજીની ઉપાસના, અખંડ દીવો, ગરબો, જપતપ, ઉપવાસ, હોમહવન એટલે નવરાત્રિની ધાર્મિક લાગણીઓ ! માં શક્તિની આરાધના કરવાનુ પર્વ એટલે નવરાત્રિ ! શ્રી અવિનાશ વ્યાસની રચનાની અર્ચના સાથે સમાપના...

‘માવડીના રથના ઘૂઘરા રે બોલ્યા

અજવાળી રાતે માએ અમૃત ધોળ્યાં,

ગગનનો ગરબો માનાં ચરણોમાં ઝૂકયો.’

માઇ, આ માઇકનું કંઇ કર !

ઓ માઇ ગોડ ! આટલું લાઉડ માઇક ! માઇ ઓ માઇ, નથી આજકાલ અમે ઊંઘી શકતા કે નથી એમે બાજું કંઇ કરી શકતા માઇ... કંઇ કર આ માઇકનું ! કાનમાં ખોસ્યા રૂના પૂમડાં, તકિયે યે ઘબ્યો કાન પર, અરે રજાઇ પણ ઓઢી માથાપછોડી પણ માઇ તારા આ ગરબાનો પ્રતાપ તો કંઇ ઓર છે. કાનમાં ગૂંજ્યા જ કરે છે. માઇકમાં પેલો મોટેથી હરખિ હરખાઇને ગાયા જ કરે છે. ‘મા એ પહેલે પગથિયે પગ મેલ્યો, ને માએ બીજે પગથિયે પગ મેલ્યો’ કહેતા હોવ તો હું ખભે બેહાડી તને ઠેઠ ઉપર મેલી જાઉ, તે પેલો ગાતો તો બંધ થાય ! પણ ઓ માઇ, આ માઇકનું કંઇ કર ! બીજા દહાડે ઓલો પાછો ગાવાએ ચઢ્યો કે, ‘મા તારો સોના-રૂપના બાજોઠિયો’ ને પછી એક પછી એક દરજી, લુહાર, સોની વગેરેની વણઝારને બસ બોલાવે જ જાય છે. અરે, માઇ, તું કહે એટલી આમંત્રણપત્રિકા છપાઇ આલું ને ગામ આખાય ને નોતરા દઇ આવું. કાલ ને કાલ, પણ ઓ મારી માઇ આ માઇકનું કંઇ કરને ! વળી, પાછો તાને ચઢયો ને ગાવાએ મંડ્યો કે, ‘મા પાવા તે ગઢથી ઉતર્યા મા અંબે મા’... માઇ થાય છે કે તુ ઉતરે કે ન ઉતરે પણ પેલા ત્રાડી ત્રાડીને ગાનારને તો સ્ટેજ પરથી ઉતારીને જ લાવું આજે ! માઇ, તું તારે શાંતિથી ઉતરજે નવ દહાડે ! કંઇ ખાટુંમોળું નથી થઇ જવાનું. પણ ઓ માઇ, હવે મારી ધીરજ ખૂટી છે એટલે હવે જો તું કંઇ નહીં કરીને તો માઇ હું એ સાઇકિક માઇકવાળા ગાઇકનું કાંઇક કરી નાખીશ હો ! ઓ ‘મહિષાસુર મર્દિની, બીજું કંઇ નહી પણ આ ‘માઇકસુર’નો ‘સૂર’ તો જરી મદ કરાવી આપ. જો કરાવી શકે ને તો તારું નામ આજથી ‘માઇકસુર’ મંદિની...

અમદાવાદ મેગાસિટી કે રોગાસિટી ?

દંગાફસાદ અને વરસાદ –બંનેન અમદાવાદમાં કોઇ ભરોસો નહીં. ગમે ત્યારે, ગમે તેવી ખબર લઇ જાય. વરસાદનાં ભરાઇ રહેલાં પાણીનો વ્યવસ્થિત નિકાલ ન થવાને કારણે અને કચરો ગમે ત્યાં પડી રહેવાને કારણે ઉદભવતા રોગોથી અમદાવાદના સપનાં ‘મેગાસિટી’ ને બદલે ‘રોગાસિટી’ ભેગા થઇ રહ્યાં છે. ચિકનગુનિયા, લેપટોસ્પાઇસેસિસ વગેરે નામોથી અજાણ્યું અદાવાદ છેલ્લા કેટલાક સમયથી તેનાથી જાણીતું બન્યું રહ્યું છે. ઠેરઠેર મચ્છર,માખી મસી જેવી જીવતોને કારણે માણસોમાં માંગદી ફેલાઇ રહી છે. એડિસ અને એનોપિલિપ્સનો ઉપદ્રવ વધી રહ્યાં છે. ભરાયેલાં ગંદા પાણીથી પશુ-પંખીમાં રહેલા વાઇરસ માણસોના શરીર તરફ વહી રહ્યાં છે. હોસ્પિટલોમાં ‘ખાટલા’અને ‘બાટલા’ ખૂટી રહ્યાં. છે. સફાઇના પાઠ માત્ર ભણતું આપણું યંત્રવત તંત્ર સફાઇની ઝુંબેશ પ્રજાન સહકાર વગર ઉઠાવી શકે તેમ નથી. આપણા ‘સિટી’ ને ‘મેગાસિટી’ કે ‘રોગાસિટી’ બનાવવામાં દરેકદરેક ‘સિટીઝન’ નો ઘમો ‘મેગા’ ફાળો હોય છે માટે સિટીને સ્વચ્છ અને સ્વસ્થ બનાવીએ અને તે ‘મેગાસિટી’ જ બની રહે તેવો સફળ પ્રયત્ન કરીએ. નોંધઃ હઠીલા રોગ પણ ધૂમથી મટી શકે છે. ગૂગળ લીમડાંના પાન, વજ, હરડે, સરસવ, જવ, ઘી વગેરે દ્રવ્યોના ધૂપ વગર વાંચવા જેવું છે. તેમાં પુરવાર કરવામા આવ્યું છે. કે ધૂપ, હવન વગેરેથી રોગ દૂર ભાગે છે. અને સ્વસ્થ જીવન પ્રાપ્ત થાય છે.

વાહનવ્યવહાર કે વાહનદુર્વ્યવહાર !

વાહનવ્યવહાર અને જીવનવ્યવહારમાં ઘણી સામ્યતાઓ છે. ‘શું કહેવું ને શું ના કહેવું’ એવી અસમજસમા જીવતો મણસ વળવાનાં સિગ્નલોનો ઉપયોગ કરતો જ નથી, ‘તારા જેવા બહુ જોયા’ એવી શેખી રાખતો માણસ ડાબી બાજુએથી ઓવરટેક કરવામાં બડાઇ અનુભવે છે. ‘દુકાન રખને બંધ થઇ જશે ને ને વસ્તુ નહીં મળે’ તેવી બીકવાળો માણસ લીલીબત્તી જોતા જ ઝડવ વધારે મૂકે છે. ‘પપ્પા જોશે તો લડશે’ એવી વિચારસરણીવાળો માણસ પોલીસ જોતા જ ટ્રાફિકના નિયમો પાળવા લાગે છે. બાકી નિયમોની ઐસી તૈસી ! આસપાસની ગાડી જાણે પટ્રોલ-ડીઝલથી નહીં પણ પોતાનાના હોર્નથી જ ચાલે છે. એમ માનનારો વર્ગ રસ્તા પર કાયમ હોર્ન જ વગાડતો રહે છે. ‘મારા જેવુ હોશિયાર કોઇ નથી’ એવા અભિમાનમાં જીવતા લોકો લાઇન તોડી રોંગસાઇથી આગળ ઘૂસ મારી ધે છે. ‘હમ કિસી સે કમ નહી’ એવી લઘુતાગ્રંથિ ધરાવનાર માણસો રેલ્વેક્રોંસિગ બંધ હોવા છતાં ગમે તેમ કરીને છેક ઝાંપા સુધી ઘસી જતા હોય છે. ‘મને કોઇની પડી નથી’ ને ‘મને કોઇની જરૂર નથી’ એવી ભાવનાવાળા લોકો ઝીકઝેક ડ્રાઇવ કરીને બીજાન ભોગે પણ આગળ વધવાના પ્રયાસ કરે છે. ‘પૈસા કે સત્તાના જોરે ગમે તે કરી શકાય છે’ તેવં માનનારા વનવેમાં પણ ઘૂસી જાય છે. આટલા ગંભીર અકસ્માતોની પરંપરા છતા, જેમ અરસપરસના સહકારથી જ સરળ બને છે. તેટલું લોકો કેમ નથી સમજતા ? બસસ્ટેન્ડ, શાળાઓ ગલ્લા વગેરે આગળ ગમે તેમ પોતાના વાહનો ઊભા રાખી દેતા લોકો જ્યારે સમજશે ત્યારે જ વાહનવ્યવહારની સમસ્યા ઘટશે. બાકી કાયદા અને દંડ ગમે તેવા કરો પણ ‘હું કોણ છું તેની ખબર નથી’ એવી લાગણી ધરાવનારા આગળ કોઇ કાયદો અસરકારક નહી નીવડે, જ્યારે બધા જ દુવ્યવહાર છોડીને વ્યવહારું બનશે ત્યારે આપોઆપ રસ્તાઓ દીધી ઉઠશે... માનવતા મહેંકી ઉઠશે !

જાણે ખરેખર ‘જાણતા રાજા’ અમદાવાદમાં !

કર્ણાવતી કલબમાં અશિયાખંડના સૌથી લોકપ્રિય અને મહાન નાટ્યખંડ ‘જાણતા રાજા’ પ્રદર્શિત થવાની શરૂઆત થઇ. દર્શકોને સદીઓ પાછલ ઇતિહાસના સમયમાં પહોંચાડી દેનાર આ નાટક તે જેમાં રંગીલા મરાઠાઓની સંસ્કૃતિનું આબેહૂબ વર્ણન તાર્દશ થયું છે. સાતસોને એકત્રીસ વાર ભજવાઇ ચૂકેલા આ નાટકમાં બહાદુર છત્રપતિ શિવાજી મહારાજનાં જીવનચરિત્રની ખૂબ જ સુંદર રજૂઆત કરવામાં આવી છે. ગુલામ માનસને કારણે ગુલામોના કેટલી હદ સુધીના લિલામ થઇ શકે છે તેને આમાં ભાવસભર રીતે દર્શાવાયું છે. ગર્ભણાં બાળક હોય ત્યારથી જ માતાની મનોદશા અને વિચારોની કેવીક અસર તેના પર પડે છે તે તેમાં રજૂ કરાયેલાં શિવાજીના જીવનચરિત્ર પરથી જાણી શકાય છે. જરીબોર્ડરવાળી રંગીન નવવારી સાડીઓથી શોભતી મહારાષ્ટ્રની સ્ત્રીઓના નૃત્ય અને તેની લચકાતી મોહક અદાઓથી મંચ શોભી ઊઠ્યો હતો. શ્રી નરેન્દ્ર મોદીના કહેવા પ્રમાણે કે ‘આજના વિદ્યાર્થીઓ ખરેખર ભાગ્યશાળી છે કે તેમને બાળપણમાં જ આ નાટક જોવા મોકો મળ્યો ‘શ્રી બાબાસાહેબ પુરંદરેએ પોતાનું આખું ય જીવન જ્યારે આ નાટક પાછળ આપ્યું ત્યારે આપણે જીવનના ત્રણ કલાક આ નાટક જોવામાં ખર્ચીને જીવનને સાર્થક બનાવવાની કોશિશ કરીએ !

વૃક્ષે વૃક્ષે વાદીલા વાંદરા

હજી તો આપણે સવારની મીઠી નિંદર માણતા હોઇએ ને બહાર ઘમસાણ ચાલુ થઇ જાય ને ‘હૂપ હૂપ’ ના અવાજો ને કિકિયારીથી વાતાવરણ ગાજી ઉઠેને ત્યારે ઘેનમાંથી અચાનક જાગી ઉઠતા ખ્યાલ આવે કે વાંદરાભાઇઓ ‘ગુડમોર્નિગ અમદાવાદીઓ’ કહેવા આવી ચઢ્યાં છે. ! ચેનચાલા કરતાં આખી યે ગેંગના સભ્યો કયાંક લટકાંતા હોય ને કૂદકાં મારતા હોય. કુમળા ઉગેલા છોડ ને ફૂલો ખેંચીને ચાવતા બેઠા હોય. હનુમાનજીનું સ્વરૂપ ગણાતા આ વાનરો માટે જાણે દરેક ઘર એ ‘લંકા જ હોય તેમ ચારેબાજુથી ખાદાનમેદાન વગરનાં થતાં જઇએ છીએ., તો તમારા ઘર પણ શા માટે સહીસલામત રહે ? જોઇન્ટ ફેમિલી માનતા આ વાંદરાઓ કાયમ પોતાના બહોળા પરિવાર સાથે જ આવે ને દાદાથી લઇને દીકરાના દીકરા સુધીના સૌ સાથે હળામળીને જ ઘરમાં અફડાતફડી મચાવે ! ધમધમ કરતા બહાર પાર્ક કરેલા વાહનો પર ભૂસકા લગાવતા હોય. જાણે બહાર ‘ગેંગવોર’ ચાલતી હોય ! નાના બચ્ચાઓ માને પેટે વળગી મા-બાપને અન્ય વડીલોનું તોફાન જોતા-અનુભવતા આરામથી કૂદકાઓથી મજાલેતા હોય ! લાંબી લટકતી પૂંછડીઓવાળા શાહી ઠાઠથી આપણા ઘરોના કોટ પર બેઠાલા વાંદરાઓને લગભગ આંતરે દિવસે આપણે જોતા હોઇશું. લાકડી ઉગામો કે પત્થર મારો તેઓ તો આપણા ઘરો પર ત્રાટકવાના જ ! વાંદરા કોને કીધા છે ને એ પણ પાંકા અમદાવાદી વાંદરા, જે એકવાર તોફાન ચઢે પછી કાબૂમાં લેવા મુશ્કેલ !

ચોરે ન ચૌટે ચાની કીટલી...

ચોર હોય કે ચોકીદાર લગભગ સૌ કોઇને ચા વગર નાચાલે ! ચાના સમયે જો ચા ન મળે તો ચાની રાહ જોતાં માથું ચઢી જાય કે ઝોકાં યે વી જાય. ચા વગર કંઇ સૂઝ સુદ્ધાં ન પડે. ચા પીતા ન હોય કે ચા ચાખી પણ નહોય, તેવા વિરલા બહુ ઓછા જોવા મળે. અમદાવાદમાં કડક-મીઠી ચાનાં શોખીનને માટે ચોરે ને ચૌટે ચાની લારીઓ ખડી થઇ છે. લાડપ્યારથી આવી ‘ચાની લારી’ ને ‘ચાની કેટલી’ એવા હુલામણા નામે ઓળખવામાં આવે છે. કદાચ ‘ચાની કીટલી’ એ અમદાવાદની સૌથી મોટી ‘ચેઇન શોપ’ ગણી શકાય ! જયાં જુઓ ત્યાં એ દેખાય ને ‘ઓફિસ ડિલિવરી’ પણ એટલી જ ચાલતી હોય. પારંગત એવા ‘કીટલી’ પર કામ કરતાં પોરિયા એકીસાથે કટલાંય કપરાબી પકડીને ચોક્કસ જાતની ‘ખણખણાટી’ બોલાવતા ‘ટી’ ના રસિયાઓને ટેસ્ટી ટી પિવડાવી, તપેલીમાંથી એલ્યુમિનિયમના ડબલાં વડે ચા ઉછાળતો ઉકાળતો ઊભો હોય કે ત્યાંથી પસાર થતો, એક પણ ચાનો રસિયો તેની પકડમાંથી ‘ચા ભૂખ્યો’ ન સરકી શકે ! બાદશાહી ચા, કટિંગ ચા ને અડધી કે આખી ચાના ઓર્ડરને આંગળીના ઇશારે સમજી-સમજાવી લેતા આ લોકોને સંબંધ પણ ચા જેવા જ કડક ને મીઠો બની રહે છે. આમ અમદાવાદીઓ ‘ચા’ની મીઠી ‘ચાહત’ ને કારણે ચોરે ને ચૌટે ‘ચાની કેટલી’ ઓ એવી તો ચોટીં ગઇ છે કે તેને આજે કોઇ ‘ચીફ મિનિસ્ટર’ પણ હટાવી શકે તેમ નથી ! વાહ ચા વાહ!

‘ચા’ માતા ચા પિતા ‘ચા’ બંધુ સખા ‘ચા’

‘ચા’ વિદ્યા દ્રવિણ ‘ચા’ સર્વમ મમ દેવ ‘ચા’

આ શ્વલોકનું પઠન કરવાથી અમદાવાદીઓને સમયસર ચા મળતી રહેશે ને ચાની ચાહત વધતી રહેશે એવી શુભેચા સહ...

દિવાળી અને ઘરવાળી

દિવાળીના દિવસો નજીક આવે ને ઘરવાળી કામમાં મશગૂલ થવા લાગે. દિવાળી પર ‘ઘરવાળી’ સિવાય લગભગ ઘણી બધી ચોજો નવી લાવવાનો મોકો મળે. ‘સ્કીમો’આવે ને એમાં ‘જૂની ઘરવાળી’ ચીજોના બદલામા ‘નવી ઘરવાળી’ ચીજો મળે. ઘરવાળીનો મિજાજ દિવાળીના દિવસોમાં ઊંચો પારો બતાવતા હોય. ફટાકડા ફૂટતા હોય ! રોકેટ કરતા યે વધુ ઝડપથી તે ફરી વળતી દેખાય ! ચકરઢી કરતાં પણ તેનું મગજ વધુ ચકરાવે ચડેલું હોય ! તારામંડળના તણખાં કરતાં યે વધારે તીખો તમતમાટ નાસ્તો બનાવતી એ ઘરવાળી દિવાળીના દિવસોમાં બે પાળી કે ત્રણપાળી કામ કરતી ફરી વળતી હોય ! પોતાના ફેશિયલની સાથેસાથે ઘરના દરેક ઓરડાનું ફેશિયલ, પેડિક્યોરને મેનિક્યોર એ કરતી-કરાવતી હોય ! દિવાળીના સપરમા દિવસોમાં એ ઘરવાળી મા કાળી કરતાં કંઇ કમ નથી લાગતી ! માઇ કાળીના જેમ ચારે હાથ ફેલાવતી અવળીસવળી સફાઇ સાથે ઘરને હાઇફાઇ બનાવતી ને પાઇપાઇની કરકસર સાથે કામમાં કોઇ અસર ન છોડતી, રાઇ જેટલો પણ કચરો ન રહે તેવી કાળજી સાથે પરિશ્રમ કરતી એ બાઇ દિવાળીની નાયિકા સમાન લાગે છે ! સરવાળે, ઘરવાળીથી જ દિવાળી ઝળહળતી છે... ને એક જૂની કવિતા યાદ આવી જાય છે...

‘‘ઇલા, દિવાળી દીવડાં કરીશું તારા ખર્યા વ્યોમ થકી મહી શું !’’

ભાગો... દિવાળી આવી !

દિવાળીમાં આજકાલ લોકોને ‘રામ’ ની યાદ કરતાં ‘રામા’ ની યાદ વઘારે સતત છે અને દિવાળીના દિવસો દેખાય એ પહેલા જ લોકોમાં ક્યાંક ભાગી જવાની યોજના ઘડાવા લાગે છે. લોકો હવે દિવાળીથી અકળાઇ રહ્યાં છે. દોડાદોડીથી ભરેલી જિંદગીને દિવાળીના પાંચ દિવસોની રજામાં તેઓ ‘આરામ’ કરી ‘રિચાર્જ’ કરી લેવા માંગે છે. પ્રદૂષણવાળા શહેરમાં ફટાકડાં એક દૂષણ સમાન બની રહે છે. નવરાત્રિના ઢોલના ધમાકાથી ઉજાગરા કરતાં લોકો હવે ફટાંકડાના ધડાકાથી પરેસાન થાય છે. લોકો ‘હિલ’ સ્ટેશનો પર ભાગીને પોતાને ‘હિલ’ થતા બચાવે છે. આટલી મોંઘવારીમાં દેખાવનો ખર્ચ કર્યા કરતાં પોતાના માટે સમય ફાળવી આનંદમાં શાંતિથી સમય અને પૈસા ખર્ચવા ઇચ્છતા લોકોની સંખ્યા હવે વધી રહી છે. ચોપડાપૂજન માટેના ચોપડા કમ્પ્યુટરનાં ‘માઉસ’ કોતરી ગયા હોવાથી ચોપડાપૂજનનો મહિમા ઘટતો ગયો છે. બેસતાવર્ષે પહેલાથી જ શરૂ કરીને કયાંય સુધી ‘કોણી’ મારીને ‘બોણી’ પડાવી જતાં સરકારી, અર્ધસરકારી, બિનસરકારી, લોકોમાં જ આપણી ‘પોણી’ કમાણી પૂરી થઇ જાય છે. તેલ,ઘીના ભાવ આસમાને પહોંચતા માત્ર પાંચ દીવા કરી દીપાવલીનો આચાર માત્ર જ કરતાં લોકોમાં ઉત્સાહનો અભાવ વર્તાઇ રહ્યો છે. વહેલી સવારે ‘સબરસ’ ના ‘પડીકા’ ખોલતા જ જયારે સરકારના ‘સબરસ’ યાદ વે ત્યારે લોકોના મોઢાં પડી જાય છે. વર્ષ દરમિયાન સુખદુઃખનું સરવૈયું કાઢતા જીવનરૂપી ભાગતા દરેક લોકો નૂતન વર્ષને વઘાવે તો છે પણ આનંદ કરતાં વધારે ચિંતા સાથે કે ભવિષ્યમાં ભાગીશું ? ભાગીશું ? ભટકીશું? કે ભર્યાભાદર્યા હોઇશું !

દિવાળી આવે છે ને જાય છે...

વર્ષની છેલ્લી અમાસઅને આસો માસનો છેલ્લો દિવસ એટલે દિવાળી નવરત્રિની ધમાલ શમે ન શમે ને દિવાળીનાં ધમાકા ચાલું થવા લાગે. જાણે ઝાકમઝોળમાં એક ચાંદ વધુ ઉમેરાય. ! ટમટમતાં દીવડાઓથી દિવાળી વધઉ દેદીપ્યમાન બને. શુકનનાં પાંચ દીવાથી માંડીને ઘરઆંગણે અસંખ્ય દીવાઓ ઝગમગે. જાણે આકાશનાં તારા પૃથ્વી પર નવાં વર્ષનો વધાવવા દોડી આવ્યા હોય તેવું લાગે ! દિવાળી એટલે લોકો માટે ખરીદીનો ઉત્સવ ! દિવાળી વતા પહેલા ઘર પણ સ્વચ્છ બની જાય. ઘરઘરનાં આંગણા ભાતભાતની રંગોળીઓથી દીપી ઉઠે ! કહે છે કે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી જયારે પોતાના નગરમાં પાછા ફર્યા ત્યારે લોકોએ આનંદઘેલા બની જઇ ઘરેઘરે દીવા પ્રગટાવ્યાં. હતા. ફટાકફા ફોડ્યા હતા ને ખૂબ આનંદ મનાવ્યો હતો. ત્યારથી દિવાળીનો ઉત્સવ ઉજવાય છે. આજે પણ રામ તો વનવાસે જ ગયેલા છે. અને રાવણ રાજ કરી રહ્યો છે. રામ પાછા આવતા નથી ને રાવણો રાજ છોડતા નથી. પણ પ્રજા પરંપરા પ્રમાણે દિવાળી ઉજવ્યા કરે છે ને ‘શબરી’ બનીને ‘રામ’ની રાહ જોયા કરે છે. કયારેક તો અમારા ‘રામ’ આવશે ને ! દિવાળી આવે છે ને જાય છે. રામ અને રાવણના અર્દશ્ય યુદ્ધો ખેલાયે જાય છે અને રામ આવે એ પહેલા લોકોના જ રામ રમી જાય છે.! અને તોયે આજે અમદાવાદનાં ટમટમતા દીવડા, ફટાકડાના ધમાકા, ઘરઆંગણની રંગોળીઓ સાથે લોકો ‘રામવાળી’ એ ‘દિવાળી’ ની જોઇ રહ્યા છે !

દિવાળીની દાસ્તાન !

દિવાસો દરવાજે દસ્તક દે ને સો દિવસે દિવાળી દેખાય ! દિવેટ, દિવેડિયું, દીવાસળી અને દિવેલ એટલે દિવાળી ! દુનિયાનાં દિવ્ય દિવસો એટલે દીપોત્સવ ! દશાનનનું દહન કરનાર દાશરથિની દેન એટલે દિવાળી ! દેદિપ્યમાન દિવસોનો દરબાર એટલે દીપાવલી ! દરદાગીના અને દાયેરિયું દમકાવતાં દિવસો અને દિવાલી કે જ્યારે દેવદેવાંગનાઓને પણ દુનિયાની દિર્દશા જાગે ! દિશેને જાણે દીવાં બની દુનિયા પર દોટ મુકી હોય તેમ દેખાય ! દીવડાઓની ધવતના દર્શનથી દિલોદિમાક રંક રહી જાય ! દિવાળી એટલે દીવાની દિવાની દાની ! જાણે દુનિયા પર દીવડાનો દુલિયો ! દરોબસ્ત દમકતાં દીપકનુ ર્દષ્ટાંત એ દિવાળી ! દીપોત્સવનો દીદાર એટલે દુન્યવી દુવ્યસ્થાને દુરસ્ત કરવાની દાનિશ દુઆ ! દીવાસવી અને દારૂખાનાનું દંગલ એટલે દિવાળી ! દિવેડિયા જાણે દુલ્હાને દિવેટ એ દુલ્હન, ને દિવેડિયા અને દિવેટનું દિવ્ય દાંપત્યજીવન એટલે દિવાળી !

‘‘દીપજયોતિઃપરબ્રહ્મ દીપજયોતિજર્નાદન

દીપો હરતુ ને પાપ દીપજોતિર્નમાસ્તુતે’’

બસસ્ટોપને નવો ઓપ !

વાહ ભાઇ વાહ ! હવે તો નવી પણ ફરી પાછો ખખડધજ થઇ ચૂકેલી બસો નવા નવા બનેલા સુંદર બસસ્ટોપ પર સેવા આપશે ! એએમટીએસનું જૂનું નામ ‘અમદાવાદ માથાફોડ ટાંટિયાતોડ સર્વિસ’ હવે અમદાવાદ માનવસેવા તત્પર સર્વિસ તરીકે બદલવું પડશે તેમ લાગી રહ્યું. છે એ તો થોડું સારું એનું નામ જ જિંદગી ! હવે તો વળી બસસ્ટોપને નવો ઓપ આપવાનો ચાલુ થાય તેથી બસસ્ટોપ જાણે નવજુવાન લાગી રહ્યા છે. બસસ્ટોપ તો ‘રિનોવેટ’ થઇ રહ્યા છે પણ લોકોમાં ‘વેઇટ’ થવાની ધીરજ ન હોવાને કારણે ચઢવા-ઉતરવા માટે ધક્કામુક્કી તો ચાલુ જ રહેવાની ! બધામાં ભલે પાશ્વાત્પ સંસ્કૃતિનું અનુકરણ થતું હોય તેમની જેમ લાઇનમાં શિસ્તબદ્ધ રીતે ઉભા રહેવાનું અનુકરણનું કરવું આપણે માટે ઘણું મુશ્કેલ છે. આવા સુંદર મજાના બસસ્ટોપ પર આવતી –જતી બસોને તે પણ ‘સીએનજી’ બસો.... તે જોઇને તો દિલ ખુશ થઇ ઉઠે છે. આકર્ષક હોર્ડિંગ અને સુંદરા આર્ચની ડિઝાઇનવાળી બસસ્ટોપથી અમદાવાદ શોભીતું લાગી રહ્યું છે. પહેલાં નજરે પણ ના ચઢે તેવા ટચૂકડાં ‘બસ થોભો’ ના પાટિંયા કે ખખડધજ બસસ્ટોપની જગ્યાએ ‘સુદામાની ઝૂંપડીમાંથી મહેલ’ ની જેમ શેડવાળા સુંદર બસસ્ટોપ બનવા એ મેગાસિટીનો એક લાભ ગણી શકાય. બરસેવાનો લાભ ન લેનારા પણ બેશક આવા બસસ્ટોપનો લાભ લેવા લલચાઇ શકે ! આવા ફાયદાઓ અમદાવાદની આન-બાનમાં ઉમેરો કરી રહ્યાં છે. સો ‘હોપ ફોર ધ બેસ્ટ’.... કે આપણું અમદાવાદના આજે નવા ‘ઓપ’ અપાયેલા ‘બસસ્ટોપને કારણે વધુ ‘ટોપ’ લાગી રહ્યું છે.

અમદાવાદની ઉતરાણની બુમરાણ...

એ કાપ્યો છે...લપેટ... કાપો... કાપો...ની બુમરાણ સાથે અમદાવાદમાં ઉત્તરાયણનું અવતરણ થાય છે. અમદાવાદનાં મકાનોના ધાબે ધૂમ મચવા લાગે. ઉત્સવપ્રેમી અમદાવાદમાં દરેક તહેવાર એક નવો રંગ જોવા મળે ! પશ્ચિમના ખુલ્લા વિસ્તારો કરતા પૂર્વનો ‘પોળવાળો’ વિસ્તાર આ તહેવાર ઉજવવા માટે ઘણો પ્રિય મનાય છે. ઉત્તરાયણ આવતાં પહેલાં જ આકાશ પતંગોથી છવાવા લાગે. અમદાવાદની કાયમી થતી ચડતી-પડતીની જેમ પતંગોમાં ચડતી-પડતીને વણદેખી કાપાકાપી ચાલુ થઇ જાય. ઘર કે શહેર સ્વચ્છ ન રાખનાર રસિયાઓ આકાશ સ્વચ્છ કરવામાં લાગી જાય. બચેલા છૂટાછવાયાં વૃક્ષો પતંગોથી ભરાવા લાગે. જો કે હવે કપાતાં જતાં વૃક્ષોથી પતંગરસિયાઓ માટે આકાશ ઘણુંખરું ખાલી દેખાવા લાગ્યું છે. સાંકળ 8, ગેંડા, જેવા અનેક જાતના માંજાઓની જાહેરાતો ઠેરઠેર દેખાવા લાગે. પતંગની ‘ગળાકાંપ’ હરીફાઇ માટે ઠેકઠેકાણે થાંભલીઓ માંજાને કાંચ પાવા નખાઇ જાય. ચલી, આંખિયો, ચાંદેદાર, ઢાલ, કુદી જેવા પતંગો ‘કોડીકોડી’ વેચાય. વર્ષમાં એકવાર ખુલતા ધાબાઓ, અગાશીઓ સાફ થવા લાગેં. તલચિક્કીને સીંગચિક્કી ઘેરઘેર બનવા લાગે. ઊંધિયું પૂરી અને ખીચડાની મિજબાનીની તૈયારીઓ દેખાવા લાગે. ફિરકી, ગમટેપ, ગોગલ્સ, વગેરે પતંગરસિયાઓની વહારે ધાવા દુકાનોમાં આવી જાય. આમ, ઉત્તરાયણની બુમરાણને ઘમસાણથી અમદાવાદ જોરદાર લપેટાઇ જાય.

સપ્તકનાં સૂરોથી સર્જેલું શહેર...

અમદાવાદના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલા કાશીરામ અગ્રવાલ હોલમા દર વર્ષે નિયમિતપણે ઉજવાતો સંગીતનો એક અનોખી સંગીત મહોત્સવ ‘સપ્તક’ અમદાવાદીઓને એના તાનમાં ગુલતાન કરવા પહોંચે. નવરાત્રીમાં ગરબે હિલોળા લઇ, નાતાલમાં ડાન્સ કરીને પણ ના થાકેલા ઉત્સાહી અમદાવાદને કડકડતી ઠંડીમાં પણ સપ્તકનાં સુરીલા સૂરોની અર્દશ્ય દોર તેમની તરફ દોરી જાય છે. ત્યારે એમ થાય છે કે અમદાવાદીઓ ખરેખર ખૂબ કલાપ્રેમી છે. આ યુગમાં પણ શાસ્ત્રીય સંગીતના આટલા મોટા પ્રમાણમાં ચાહકો છે તેનો ખ્યાલ તો હોલની બહાર પાર્ક થયેલા વાહનોની સંખ્યા પરથી જ આવી જાય ! આટલી મોટી સંખ્યામાં આવતા કલારસિકોને કારણે જગ્યાની અછત વર્તાવાથી ઘણા રસિયાઓ સંગીતના તાલે તાલ મિલાવતા બહાર પોતાના રવોહનોમાં બેઠાંબેઠાં ‘વાહવાહ’ પોકારતા નજરે ચઢે છે. સપ્તક એટલે શ્રેષ્ઠ સંગીતકારોનું અનોખું સંમેલન ! પ્રજા આજે આવા શ્રેષ્ઠ સંગીતકારોના સપ્તકના સૂરોની સુરમો આંજીને જાગરણ કરતાં તબલાં,સિતારસશહેનાઇ, મૃદંગ અને શાસ્ત્રીય સંગીતનાં આલાપના આરોહ-અવરોહમાં ખોવાઇ રહી છે ! કર્ણાવતી નગરીના નાગરિકો આજે ખરેખર કર્ણમધુર સંગીતનું રસપાન કરી ‘કર્ણાવતી’ ને સાર્થક કરી રહ્યા છે. આવા સુરીલા સૂરોની સંગત અને રંગત અર્પતા ‘સપ્તક’ની સોબત માણવાની ‘તક’ ભાગ્યે જ કોઇ સંગીતપ્રેમી ચૂકતું હશે !

આવી છે ગુનગુનાતી સવાર!

ઉગતા પરોઢનો ટાઢો ટાઢો વાયરો ને ‘મસ્ત પવન લહેરેલહેરે તરુવરની ડાળ ડોલે’ જેવા ગીતોની યાદ અપાવે ને રોમાંચિત કવિતાઓના શબ્દેશબ્દ જીવંત કરે તેવી સવાર ! પરોઢિયે ઠંડક આવીને આંખોમાં જાણે ઘનમાં ટીપાં નાખી જાય ને સંસાર સપનાની દુનિયામાંથી અપની દુનિયામાંથી ડોકાવાનું મન સુદ્ધાં ન કરે તેવી ઘેનભરી મદમસ્ત સવાર ! સૂર્યનારાયણ પણ જાણે ઠંડીમાં થીજી ગયા હોય તેમ મોડા ઊઠતા હોય તેવી ચાડી ખાતી થીજેલી અંધારી સવાર ! ગરમાગરમ ચા, કોફી ને કેસર ઘોળેલા દૂધથી તરોતાજગી બક્ષતી સવાર ! યોગાસન, વ્યાયામ, પ્રણાયમના શ્વાસ લઇ સ્ફૂર્તિ અર્પતી સવાર ! પંખીઓના મીઠા કલશોરથી ગાજતી સૂરીલી સવાર ! સુંદર તાજાં ખીલેલા રંગબેરંગીન પુષ્પોથી નૃત્ય અને તેનાથી આકર્ષાતા પતંગિયાઓની ઉડાઉડથી ફેલાતા ગુલાબી પરાગરજથી મઘમઘતી સવાર ! લીલાછમ-ઘાસ પર આ ગુનગુનાતી ગુલાબી સવારની રાહ જોતા ચમકતાં ઝાકળબિંદુઓથી ગૂથાયેલા ગાલીચા પર સવાર આ આહલાદક મીઠી કુમળી જોમભરી સવારને અમદાવાદીઓની સો સો સલામ !

સી.જી. રોડની લાંબીલચક રેલિંગ....

શહેરના હાર્દ સમા વિસ્તારમાં આવેલા સી.જી. રોડ પર વળી એક નવો નુસખો અજમાવવામાં આવ્યો છે. મોટામોટા શોપિંગ, કોમ્પ્લેકસો, પાર્કિંગ હવે બનાવવામાં આવ્યાં છે. રસ્તાથી વચ્ચે જ ચીનની દીવાલો જેવી લાંબી લાંબી રેલિંગ ! આવી રેંલિંગને કારણે ખૂબ વ્યસ્ત એવા સી.જી. રોડ પર રાહદારીઓને રસ્તો ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. લગભગ પાંચ મિનિટોમાં અંદાજે ઓછામાં ઓછાં પાંચ માણસ રસ્તો ક્રોસ કરતાં નજરે દેખાય તેટલી અવરજવર એક પારથી બીજે પાર જવા માટે હોય છે. પંચવડી પાંચ રસ્તાથી સમર્થેશ્વર ચાર રસ્તા સુધી રેંલિંગમાં એક પણ ‘કટ’ આપવામાં જ નથી આવ્યો કે રાહદારીઓ રસ્તો ક્રોસ કરી શકે ! આગળ જતાં ગિરીશ કોલ્ડ્રિવાળા ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા ને પછી સ્ટેડિયમ ચાર રસ્તા સુધી પાછી સંળગ પેસેજ વગરની રેલિંગ ! કેટલાય લોકો આજકાલ રેલિંગ કૂદીને રસ્તો ક્રોસ કરી રહ્યાં છે. જે ‘શક્તિમાન’ ની જેમ કૂદવાને અશક્તિમાન હોય તેમણે વાહનોની જેમ ચાર રસ્તેથી ‘યુ ટર્ન’ મારી ચાલતા સામે પાર આવવું પડે ને પરિણામે ચાલવાને પણ અશક્તિમાન બની જાય ! અશકતો કે અપંગોએ ગોળ ચક્કરો મારીને જ સામે જવું-આવવું પડે. લગભગ ઘણાખરા લોકો અત્યાર સુધીમાં આ રેલિંગ કૂદી ચૂક્યા હશે ને બાકીના હવે લાભ લેશે, વડીલોને પૂજનીય માનતા દેશમાં વડીલજનોને કૂદકા મારવાનો એક નવો પ્રયોગ ! કદાચ કોર્પોરેશન કૂદકા મરાવી અમદાવાદની જનતાની તબિયત સુધારવા માંગતું હશે ! મોટા પ્રમાણમાં ફેલાયેલાં ચિકનગુનિયાની અસર હેઠળ હજુ પણ દુખાવાની બૂમો મારતાં લોકો જો આ રેલિંગ સરળતાથી કૂદી શકે તો માનવું કે તેઓ આ રોગની અસરમાંથી સંપૂર્ણ મુક્ત ! આ શિયાળામાં યોગ કરો કે ન કરો પણ આ લાંબી રેલિંગ કૂદવાનો પ્રયોગ એકાદ વાર જરૂર કરી આવજો ! ઓલ ધ બેસ્ટ અમદાવાદ !

સૂની હો ગઇ શહેર કી ગલિયાં...

સૂનો રે સંસાર લાગે, ઓક્ટ્રોયનાકાઓ વગર સૂનો રે વ્યવહાર લાગે ! દાણચોરો સામે તલવાર ખેંચીને ઘોડેસવાર અવા ઝાંસીની રાણી હવે એકલાં પડી ગયાં છે. તેમની આજબાજુનો યુદ્ધ જેવો માહોલ ઠરી ગયો છે. દાણચોરીનો માલ ન લઇ જનારા ત્યાંથી જે આનંદપૂર્વક પસાર થતા હતા તે આનંદ છીનવાઇ ગયો છે, દાણચોરો હવે અ.મ્યુ.કો. ને લક્ષ્મી પ્રાપ્ત કરાવનારા લક્ષ્મીબાઇની તલવાર નીચેથી હર્ષપૂર્વક પસાર થઇ રહ્યાં છે. અમદાવાદની મ્યુ.કોર્પો.ની હદનો વિસ્તાર વધતાં જ જૂના ઓક્ટ્રોયનાકાઓ ખસી ગયા છે. તેના જૂના બુરજો, બમ્પોના નિશાન તથા અન્ય સાધનો ત્યાં જ હજી ‘સાપ ગયા ને લિસોટા રહ્યા’ ની જેમ પડી રહ્યાં છે. લાખોના ખર્ચે ખરીદાયેલા સાધનો પર વૈરાગ્ય આવ્યો હોય તેમ તરછોડી મ્યુ.કો. હવે નવા અનુરાગથી નવાં સાધનો વસાવી રહી છે. જ્યારે બીજી તરફ છ-બાર મહિનામાં ‘વેટ’ ના અમલીકરણને કારણે ઓક્ટ્રોય વસુલાત બંધ થઇ હશે તેવી હવા ફેલાવા લાગી છે. તો ફરી પ્રજાના નાણાં વ્યાય કરવાનો શો અર્થ, કે પછી બાંધકામવાળા, જમીનવાળા, તથા મ્યુ.કોર્પો.ના વહીવટીદારોનું ગાંધીવૈદ્યનું સહિયારું ? બમ્પો જવાથી રાહત જરૂર થઇ છે, પરંતુ વર્ષોની ટેવ મુજબ ત્યાં ‘બમ્પ હશે’ની બીકે અનાયાસે જ બ્રેક પર પગ જતો રહે છે ને સ્કુટરવાળા હોર્સરાઇડીંગ કરતા હોય તેમ સીટ પરથી થોડાક ઊંચા તો હજી પણ થઇ જાય છે. ઓક્ટ્રોય ચોરીમાં પકડાયેલા વાહન લખેલા ઝુલતા પાટિયાવાળા વાહનો વગર જૂના નાકોઓની જાહોજલાલી ખતમ થઇ ગઇ છે. ઓક્ટ્રોય બંધ થાય કે ના થાય પણ આવતા વર્ષે અમદાવાદીઓ તો કરશે નવે ‘નાકે’ દિવાળી !

જાગૃત વિદ્યાર્થીઓ.... જાગૃત શહેર...

પ્રજામાં ઘણી બાબતમાં જાગૃતિ આવી રહી છે ! અમદાવાદની જનતા ઇનોવેટિવની સાથે ક્રિયેટિવ પણ બની ફેશન શોમાં એક રચના પ્રદર્શિત થઇ ગઇ. આ શોમાં એક ડાન્સની થીમ હતી. ‘અપોઝિટ્સ’ ! એમાં તેઓની સાથે અસ્પૃશ્ય જેવું વર્તન દાખવવામાં આવે છે. કે જે અયોગ્ય છે. નૃત્યના અનોખા હાવભાવ અને એકશન દ્વારા તેઓ સમાજને સંદેશો પાઠવતા હતા કે સમાજે તેઓને સ્વીકારવા હકારાતમક અભિગમ અપનાવવો જરૂરી છે. અને બને તેટલા લોકને આ સચોટ પરિસ્થિતિ વાકેફ કરવા જોઇએ તે જરૂરી છે. આજના આ વિદ્યાર્થીમિત્રો ખરેખર ધન્યવાદને પાત્ર છે કે તેઓ એવા નૃત્યસંગીતના જલસા જેવા કાર્યક્રમમાં પણ કંઇક કરી છૂટવાની એટલે કે પરમાર્થની ભાવના દાખવી રહ્યા છે. દર્શકો દ્વારા પણ આ કૃતિને ખૂબ વખાણવામાં આવી. ઇન્ટરકોલેજ સ્પર્ધામાં આ કૃતિ પ્રથમક્રમે આવી. અમદાવાદના આવા વિદ્યાર્થીઓ એ કાલના પ્રતિષ્ઠિત નાગરિકો છે. કે ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ છે કે જેમની ઉંચી વિચારસરણી દ્વારા અમદાવાદમાં અનેક ક્ષેત્રોમાં જાગૃતિ અને ક્રાંતિ આવી રહી છે. !

લો –ગાર્ડનની ફાંકડી ફૂટપાથ

સમર્થેશ્વર મહાદેવના મંદિરવાળા હવામાં અધ્ધર લટકતાં નળવાળા ચાર રસ્તાથી ખાઉ ગલીવાળા ઠાકોરભાઇ હોલવાળા ચાર રસ્તાને જોડતો ગુજરાત લો સોસાયટીના શૈક્ષણિક સંકુલની સામેના ભાગમાં આવેલો લો ગાર્ડન એટલે અમદાવાદનો એક સુંદર બાગ ! આ ગાર્ડનની ફૂટપાથ પર આવેલું અવનવી વસ્તુઓનું બજાર એટલે અમદાવાદનું જાણીતું માનીતું સ્થળ ! હારબંધ કપડાંથી બાંધેલા સ્ટોલમાં અઢળક જાતજાતની ગામઠી ચીજો ત્યાં વેચાય. ગામઠી ચાકડા, તોરણો, બેડશીટ, ભરેલા કુશન કવર, ગામઠી પંજાબી સુટ, આભલાને કિડીયા કામના ચણિયાચોળી, બાંધણી ને લહેરિયાની ઓઢણીઓ, લટકણિયા, ઓક્સિડાઇસ કરેલા વ્હાઇટમેટલનાં ઘરેણાં, કેડિયા, જેવું કંઇ કેટલુંય ત્યાં બમણે ભાવે બોલાય પછી અડધાભાગે વેચાણ ! મોટાપ્રમાણમાં ત્યાં બાર્ગેઇનિંગ થાય , કચ્છીકામ, રબારીકામ, આરીકામ, મિરરવર્ક, બાદલાકામ, ઉનનું કામ જેવી સુંગર કારીગરીવાળી ચીજો ત્યાં ઉપલબ્ધ હોય. વિદેશી અને એન.આર.આઇ.ની સિઝનમાં ત્યાં ભારે ચહલપહલ દેખાય. સાંજ પડતાં જ પોતપોતાના માલનાં પોટલા સાથે આવીને પોતાના સ્ટોલ સજાવી ‘બોણી’ થવાની રાહ જોતા આ માલધારીઓ પોતાનો માલ ઘણી ખૂબીથી વેચતા હોય છે. ફાનસની લાઇટોના પ્રકાશથી એ તેનાથી ઝળઝળતા હજારો આભલાના ઝગમગાટથી સર્જેલી આ ફૂટપાથ રાત્રે એક રાજમાર્ગ સમી લાગે છે. !

મેન એટ વર્ક, ગો સ્લો !

આપણા શહેરને એક અનોખું વરદાન છે કે, શહેરના રસ્તાઓ પર અનંત ને અખંડ સમારકામ ચાલ્યા જ કરે ! કાડાઓ ખોદાયા જ કરે ને વળી પાછા પૂરાય ન પૂરાય ત્યાં ફરી ખોદકામ ચાલુ થઇ જાય. કયાંક પુરાણી ફૂટપાથો રિનોવેટ થવા લાગે તો ક્યાંક નવી જ જડેલી લાદીઓ ઉખાડાવી નંખાય. આ બંધા ઉપરાંત કેબલોવાળા પાછા ખાડા ખોદાવી કાળો કેર વર્તાવે કે પછી ગટરલાઇનોના સમારકામ માટેના ખોદાણો ચાલુ થાય... ટૂંકમાં, કોઇને કોઇ કારણોસર નિતનવું ખોદકામ ચાલ્યા જ કરે. ગમે ત્યારે અચાનક મુખ્ય રસ્તાઓ પરની સેન્ટરવર્જની આસપાસ ખોદકામ ચાલુ થઇ જાય ને દિવસો સુધી પથરા ને લાદીઓ બેધડક રસ્તાની વચ્ચે પડ્યા હોય ! ક્યાંક અચાનક બમ્પ ઉગી નીકળી. તો ક્યાંક બમ્પ અર્દશ્ય થઇ જાય ! કયાંક વળી પાર્કિંગ વે બનવાના ખોદકામ ચાલુ થઇ જાય. આમ, જંતરમંતરના જાદુની જેમ રસ્તાઓ પર નિત્ય નવા ફેરફારો થયા જ કરે. બારેમાસ લગભગ આ કામ ચાલુ જ દેખાય ! આખરે આપણું અમદાવાદ મેગાસિટી બની રહ્યું છે તો તેના રંગરૂપ તો બદલવા જ પડશે ને ! ઉનાળાને ચોમાસાની ઋતુ કરતાં શિયાળાની ઋતુ આવા કામો માટે શ્રેષ્ઠ ગણાય. કામ ચાલતું હોય તેવી જગ્યાએ કામ પરનાં માણસો વાહનોની અડફેટમાં ન આવી જાય. તેથી તેમની સલામતી માટે વાહનચાલકોને સંદેશો આપતા બોર્ડ ત્યાં મુકાય છે. કે ‘મેન એટ વર્ક ગો સ્લો.’ એટલે કે ‘વાહન ધીમે હાંકો. માણસો કામ કરી રહ્યા છે.’ પરંતુ કેટલીક જગ્યાએ આનો અર્થ ‘મેન ગો સ્લો એટ વર્ક’ થઇ ગયા હોય, એમ કીડીગતિએ કામ ચાલતું હોય છે, પરંતુ ત્યાં ‘મેન ગો ફાસ્ટ એટ વર્ક એન્ડ ડ્રાઇવ સ્લો’ નો અર્થ લઇ ઝડપથી કામ પૂરું કરી લેવું જોઇએ, નહીંતર ઠંકની ઋતુમાં તો ફટાફટ પૂરી થઇ જશે ને પછી અમદાવાદની કાળઝાળ ગરમી શરૂ થતાં કામ કરવું કપરું બની જશે.

અમદાવાદનો પિઝાવાદ

અમદાવાદ એટલે ખાણીપીણીનાં શોખીનોની નગરી પણ એમાં યે જ્યારે પિઝાનું નામ પડે એટલે મોંમા આવે પાણી અને મને દોડે પિઝા ભણી... અહીં રૂ. પંદરથી માંડીને રૂપિયા અઢીસો રૂપિયા પિઝા મળે ! રાત પડે ને હોટલો ને ફાસ્ટફૂડની જગ્યાઓ શોખીનોથી ભરવા લાગે. પ્રખ્યાત જશુબહેન શાહના ઓલ્ડપિઝા જેવા દેશી પિઝા, ઘરઘરમાં ગૃહિણિઓ દ્વારા બનાવતા જાતજાતના પિઝાથી માંડીને ડોમિનો ને પિઝાહટ કે યુ.એસ. પિઝા જેવી દેશી-વિદેશી કંપનીઓના પિઝાની લોકો પોતપોતાના ટેસ્ટ પ્રમાણે મઝા માણતા જોવા મળે છે. અમદાવાદના પિઝા શોખીનોને ધ્યાનમાં રાખીને આખી દુનિયામાંથી માત્ર અમદાવાદના ‘પિઝાહટ’ ની પ્યોરવેજ રેસ્ટોરન્ટ સી.જી. રોડ અને એસ.જી. રોડ પર ખોલવામાં આવી છે. પહેલાં જ્યારે વિદેશી કંપનીઓનું ચલણ ન હતું ત્યારે દેશી અમૂલ કે વેરકા ચીઝ જ પિઝા પર ખાતા શોખીનો આજે ‘મોઝરેલા’ ચીઝ તરફ વળી રહ્યાં. છે. ઓનિયન કેપ્સિકમ, કન્ટ્રી સ્પેશિયલ અનિયન કેપ્સિકમ, ટોમેટો, ફાર્મહાઉસ, પેપે પનીર, ડિલક્સ, વેજી. વગેરે પ્રકારના પિઝા ડોમિનો જેવી વિદેશી કંપની છે. કે જે ઝાઝા પ્રમાણમાં અમદાવાદને પિઝાના સ્વાદનો રસાસ્વાદ કરાવી રહી છે. થીનક્રાસ્ટ પિઝા ને પેનક્રાસ્ટ પિઝા કે પછી ભાખરી પિઝા, કોઇપણ જાતના પિઝા સાથે ઓલિવ, મશરૂમ, ચિલી ફલેકને ઓરેંગોની લીવ્સ ખાવાની મઝા પણ કંઇ ઓર જ હોય છે. પિઝા હોય ત્યારે આપણાં વહાલાં જંતુનાશક નાખેલા કોક ને પેપ્સી કે થમ્સએપ. થોડા ભુલાય ? જૈનબંધુઓ માટે સ્પેશિયલ એવા જૈનપિઝા પણ અમદાવાદમાં જ ખાસ બનાવવામાં આવે છે. અમદાવાદમાંથી જ્ઞાતિવાદ, કોમવાદ બધાં જ ‘વાદ’ દૂર થશે પણ આ પિઝાવાદ તો કાયમ અમર રહેશે !

અમદાવાદીઓની બેલી –દાબેલી

પહેલાં એમ લાગ્યું કે આ કોઇ ચાઇનીઝ વાનગી દાબે-લી છે ! તમે જાણો છો. આ દાબેલી શું છે. ? અહીં ક્યાંથી આવી ? અરે, તો કચ્છની એક પ્રખ્યાત વાનગી છે. તો પછી એ અહી અમદાવાદમાં ક્યાંથી આવી ને પાછી ઠેરઠેર વેચાવા પણ લાગી... અરે દાબીદાબીને ખવાવા યે લાગી ! હં... કદાચ પેલા ભયાનક ધરતીકંપ પછી આફ્ટરશોક આવતા જ ગયા ને આ દાબેલી કદાચ એ કંપનોથી અહીં આવી પડી લાગી છે, કારણ કે એ પહેલાં તો એને અમદાવાદમાં ક્યાંય સાંભળી નથી. ચોક્કસ માળું એમ જ થયું લાગે છે ને પછી આ ‘આફ્ટરશોક’ ઝાટકા તો ગયા પણ ઝાડા-ઉલટીના રૂપમાં એ વાત સાચી ! ના, યાર.... આપણને આમદાવાદીઓને તો બધું યે હજમ થઇ જાય. આપણે તો યાર બે-ત્રણ દિવલે બહાર ના ખાઇએ તો માંદા પડીએ ! દાબેલી ખાવાથી પેટ ફૂલી જવાને બદલે ખાલી થવાની સંભાવના કદાચ વધારે હશે તો એમ કે દાબેલી ખાવાથી ‘જાડા’ને બદલે ‘ઝાડા’ થવાના ચાન્સ વાધારે ગણાય ! ને પાછું શું આ તો સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા જેવુ. દાબેલી ખાવાથી બહુ ખર્ચો યે ના થાય ને બહાર ખાધાનો આનંદ ને હોંશ પૂરી થાય. તે આ વાનગીનું નામ દાબેલી શા માટે રાખ્યું હશે એનું કંઇ લોજિક સમજાતું નથી. તે સમજીને કામે ય શું છે.... એમ જ માનો ને કે આપણા અમદાવાદીઓની ‘બેલી’એ જ ‘દાબેલી’

વહાલા અમદાવાદીઓ...

આશીર્વાદ ! આયુષ્યમાન ભવ ! ‘હવે તમે નહીં મરો’.... ‘પ્રદૂષણ તમને નહીં મારે’... તમે લોકો ખૂબ સમજુ છો. પાણી પહેલાં પાળ બાંધવી એ જ સમજદારી છે. કેરોસીનને ડીઝલવાળા પ્રદુષણ ફેલાવતા જાહેર વાહનો પર મોડો મોડો પણ પ્રતિબિંબ લાવી તમે સી.એન.જી વાપરવાની પરેજી પાળવાની ચાલુ કરી એ એક ખૂબ ડ઼હાપણભર્યું પગલું છે. અરે, જકાલ તો તમે પ્લાસ્ટિક પણ શક્ય એટલું ઓછું વાપરવાનો જે પ્લાન બનાવ્યો તે તો અભિનંદનને પાત્ર છે. ઘણી જગ્યાએ શોરૂમમાં ‘ઇકોફ્રેન્ડલી’ કાગળની થેલીઓ વપરાતી જોઇ આજે અંતરમાં આનંદ સમાતો નથી. ચાલો જાગ્યા ત્યાંથી સવાર ! ભલે આટઆટલા વૃક્ષો તમે સમજયા વગર કાપી નાખ્યા પણ આજે ‘વૃક્ષો વાવો’ ના પાટિયા વાંચી તમારા પર વહાલ વરસાવવાનું મન થાય છે. રસ્તાની આજુબાજુ ‘મેયરશ્રીના ફંડમાંથી’ કે ‘ધારાસભ્ય’ કે એમ.એલ.એ. રાજયસભા-લોકસભાના ફંડમાંથી જેવા બોર્ડો ઘણા સ્થળોએ ને ‘ટ્રીગર્ડ’ પર વાંચીને તો ‘હેટ્રિક’ માર્યા જેટલો આનંદ થાય છે. ચાલો, લોકો કે વૃક્ષો બચે કે ના બચે પણ પ્રતિનિધિઓના નામો તો અમર થઇ જશે ! કહેવું પડે હોં. ! અચાનક તમે લોકો વાહનવ્યવહાર પર શિસ્ત પાળવા લાગ્યા છો પછી ભલે એમાં સામ,દામ કેદંડની બીક હોય પણ વ્યવહાર થોડો વ્યવહારુ તો બન્યો જ છે! રસ્તાઓ પણ ગમે તેમ કપાતા કરીને પણ પહોળા બનાવી રહ્યા છો પછી ભલે તેમાં ‘એનક્રોચમેન્ટ’ હોય ! ફ્લાયઓવર્સ પણ બનાવ્યા, પછી ભલે તે ઉબડખાબડ બન્યા પણ એ બધાથી અહેમદાબાદ ‘આબાદ’ તો થવા લાગ્યું ! જમીનોના ભાવ પણ આસમાને ઉંચકાઇ રહ્યા છો. બહું મહેનત ને લગનથી કામ કરી રહ્યા છો ! આ દાવ પર લાગેલા અમદાવાદનો ઉદ્ધાર કરોવો એ કંઇ નાનીસૂની વાત નથી ! એક નાનો પ્રયત્ન તમને લઇ જશે તમારા ઉજજવળ ભવિષ્ય ભણી... એક નવી સફળતા સપનાં સાથે... ચાલો ત્યારે આવજો... વિચારજો મારા પત્ર પર... લિ.અમદાવાદ

નાતાલના તાલે ડોલતો ડાન્સિંગ ડિસેમ્બર

ડાંડિયા ગયા ને અમદાવાદના પગ ડોલવા ડિસ્કો માટે ! ચણિયાચોળીની જગ્યા લીધી શોર્ટ ટોપ, ટ્યુનિક્સ, ટયુબ્સ, હોલ્ટર, સ્પેંગેંટી ને શોર્ટ-લોંગ સ્કર્ટ જેવા ફેન્સી ને ચમકીલા પાર્ટીવેર ! બ્રાઇટ કલર્સ, બ્લેક ને વ્હાઇટ આઉટફિટમાં ટીકીવર્ક, કોઇનવર્ક, સિલ્વર થેડવર્ક ચમકી રહ્યા છે. ને સાથે શોરૂમોમાં ફેશનેબલ યુવતીઓના મુખડાંએ શોભાવવા લટકી રહ્યા છે. લોંગ ઇયરિંગ્સ ! ચમકીલા મોટા બક્કલવાળા લેધર બેલ્ટના બીડેડ પર્સ ફેશનમાં મોખરે છે. શિફોન, લીનન. લાઇકા, જયુટ, જ્યોર્કેટ, કેપસિલ્કથી બનેલા પાર્ટીવેર મોલોમાં લહેરાઇ રહ્યા છે. જાણે મસ્તીથી ડાન્સ કરી રહ્યા હોય ! અલગઅલગ વર્કથી લદાયેલા સાતસોથી સાત હજાર સુધીના વેસ્ટર્ન ‘આઉટફિટ’ આજે ‘ઇન’ છે. સિલ્વર, વ્હાઇટ, પ્લેટેડ, પ્લટિનમ, ‘ઓર્નામેન્ટ ડાન્સિંગ માટે વધારે ‘એક્સાઇમેન્ટ’ ઉમેરી રહ્યા છે. સિલ્વર સ્ટેટડને ડાયમંડજહિત ફુટવેર ડાન્સિંગના એકએક સ્ટેપને ઓપ આપવા બજારોમાં સજજ થઇને રસિયાઓની રાહ જોઇ રહ્યા છે ! એવરગ્રીન જીન્સ, કેપ્રીને કુર્તી આજે પણ સૌનો ફેવરિટ પોશાક બની રહ્યો. છે. બેલે કરો કે બોલડાન્સ પણ ખૂબસૂરત પાર્ટીવેરથી ડાન્સ વધી રોમાંચિત બની ઉઠે છે. ડી.જેના. તાલની કમાલ સાથે ડાન્સની બેમિસાલ ધમાલ કરવા મ્યુઝિકની સી.ડી. ફાર્મહાઉસનોના ડાન્સફલોર પર પહોંચી રસિયાઓની રાહ જોતી હોય છે. ટી.વી. રેડિયો સૌ કોઇ જાણે સંગીતના સૂરો રેલાવે છે. ને નવું વર્ષ સાત સૂરો પર સવાર થઇને સફળતાથી હરણફાળ ભરવા થનગની રહે છે. અરે, એ વખતે એક-એક અમદાવાદીઓના ધબકારા પણ રિધમમાં ધબકી રહે છે. !

HI નવું વર્ષ !

વેલકમ ન્યૂ યર યુ આર હાર્ટિલી વેલકમ ! આ વર્ષ તો આવીને જતું યે રહ્યું ને સાથે કંઇ કેટલાય સંભારણા મૂકતું ગયું. કોઇ સંભારણાં ખાટાં તો કોઇ મીઠાં ! તે જાણે અમારાથી થાકી ગયું હતું પણ અમારી ભૂલો સમજાતા જ અમે તેને સુધારતા પણ રહેતા હતા. આજે તું આવ્યું. કંઇક નવી આશાએ અને અરમાનો લઇને ! અને અમદાવાદીઓ તને વચન આપીએ છીએ કે તને દુઃખી નહીં થવા દઇએ. તારું નામ રોશન કરીશું. આખરે તારા સુખમાં જ અમારું સુખ રહેલું છે. તારો સમય અને તારા થાકી અમારો સમય બરબાદ નહીં થવા દઇએ. તારા આવતા સુધીમાં અને ઘણા પાઠ ભણી ગયા છીએ ! તારે ગયા વર્ષની જેમ પ્રદૂષણ, ગંદકી વાહનવ્યવહારનો સમસ્યાઓ, ભષ્ટ્રાચાર, રોગચાળો... એ બધું સહન કરવાનું નહીં આવે, તે માટે અમે સદા પ્રયત્નશીલ રહીશું. અમે તને આપેલા વચનને વફાદાર રહીને, તારા સાંનિધ્યમાં રહીને ઉજજવળ ભવિષ્ય બનાવવાની કોશિશ કરીશું ખૂન, ચોરી, લૂંટફાટ વગેરે ન થાય તેવી સંવાદિતા રચીશું. આપણા આ સંવાદમાં કોઇ અપવાદ ના રહે તેમ આપણા અમદાવાદને આબાદ બનાવીશું. ધીરજ ધરજે નવ વર્ષ ! સૌ સારા વાનાં થશે !

ચિકનગુનિયા, તું ફરી ના આવતો....

ઓ મારા બાપ રે.... પ્લીઝ તું ફરીવાર ના આવતો... નવાઇ તો એ લાગે છે કે તું અમદાવાદમાં ક્યાંથી ? સાંભળ્યું છે કે તું તો ચોખ્ખાઇ હોય ત્યાં જ દેખા દે છે તો પછી અમારા શહેરમાં ક્યાંથી ? તેને ફેલાવનારા મચ્છરો

તે ચોખ્ખાઇમાં જ ફુલેફાલે તો સાંભળ, એક ફસ્ર્ટકલાસ જગ્યા છે ! ત્યાં તારા માટે સારા એવા પ્રમાણમાં જગ્યા છે ! તું ત્યાં તારો સારા એવા પ્રમાણમાં ફેલાવો કરી શકીશ. પાટનગર ગાંધીનગર, દિલ્હી એટલે ઘણી ચોખ્ખી જગ્યા ગણાય ! ક્યાંય દેખીતી ગંદકી જોવા તો ન જ મળે ! વળી તારા પુનિત પગલે તો રહેલીસહેલી ગંદકી યે સાફ તઇ જશે ! આખરે તારી પકડમાંથી છૂંટવુ મુશ્કેલ તો ખરું જ ને ! તારું તો નામ રોશન થઇ જશે કે પાટનગરની ગંદકી સાફ કરી ! બાકી અમારા અમદાવાદમાં તને નહીં ગાઠે ! ખાસ નહીં ફાવે ! આજે તને ગયે વખત થયો પણ જાણે હમણાં આવીને ગયો તેમ લાગ્યા કરે છે ! અરે હજીયે તને આંખોમાં પાણી સાથે સૌ યાદ કરી લે છે. નારે ના, ભાઇ તને તો કેમ ભુલાય ! જેમને ત્યાં તું મહેમાન બનીને આવેલો તે સૌમાં આજે પણ હજી થોડેઘણે અંશે તું જીવંત છે ! અમે સૌ તને કાયમ યાદ કરીશું. પણ માફ કરજે હો, પ્લીઝ ફરીવાર તું ન આવતો ! અલવિદા !

ઇન્કમટેક્સ ચાર રસ્તે ગાંધીજી હવે કંટાળી ગયા છે !

વર્ષોથી ઇન્કમટેક્સ ચાર રસ્તે હાથમાં લાકડી લઇને દાંડીકૂચે નીકળેલા ગાંધીજીની પ્રતિમા આજે તેમની વ્યથા બહાર કાઢતા અમદાવાદીઓ પૂછી રહી છે કે મારો એવો તો શું વાંકગુનો હતો કે તમે મને આવા ભ્રષ્ટવિભાગ આગળ સ્થાન આપ્યું ? આજુબાજુમાં આકાશવાણી, વિદ્યાપીઠ, રિઝર્વ બેન્ક પણ છે, પરંતુ બધે જ લોકો પોતાના સિદ્ધાંતો નેવે મૂકી જાણે જીવી રહ્યા છે ! આવા પ્રદૂષિત વિસ્તારમાં ધૂમાડા ખાઇને હવે હું ગૂંગળાઇ રહ્યો છું. જુઓને કેવો કાળો પડી ગયો છુ. ! આટલા લોકોની વચ્ચે રહીને પણ જાણે એકલો પડી ગયો છું. ગાંધીજયંતિ સિવાય કોઇ સમ ખાવા પૂરતું યે મારી તરફ ફરકતું નથી. ઘણીવાર તો આડેધડ વાહનવ્યવહારથી અડફેટે ચઢી જવાનો ડર લાગી જાય છે ! વસ્તી આ તરફથી ખાલી થઇને પશ્ચિમ તરફ પ્રયાણ કરી રહી છે ને સાથે પશ્ચાતાપ સંસ્કૃતિમાં ચૂર બનતી જા છે ત્યારે મારા વિચારોને અનુસરવાનો ખ્યાલમાત્ર પણ કોને આવે ? એક મોસ્ટ સિનિયર સિટિઝન તરીકે મારો પણ કંઇક કહેવાનો હક બને છે ! ઉપવાસો, સત્યાગ્રહ ને આંદોલન કર્યા પછી થાકેલો પાકેલો હું આજે વર્ષોથી ટાઢ, તાપ અને વરસાદ સહન કરતો અહીં ઊભો ઊભો બધાં તાલ જોઇ રહ્યો છું. ડર તો એ વાતનો છે કે પહેલાં તો એક ગોડસે હતો જેણે ગોળીથી મને માર્યો, પઁણ આજે તો અનેક ‘ગોડસે’ જન્મી ચૂકયા છે ને અનેક ‘ગાંધી’ મરાઇ રહ્યા છે ! શો મતબલ છે આ મતલબી આઝાદીનો ? એના કરતાં અંગ્રેજોના રાજમાં પ્રજા વ્યવહારું અને શિસ્તબદ્ધ તો હતી ! આજે જયારે મારા આદર્શોનો દેખીતો અનાદર થઇ રહ્યો છે ત્યારે ‘લગે રહો મુન્નાભાઇ’ ફિલ્મ દ્વારા મારા સિદ્ધાંતોને ફેલાવવાની કહેવાતો પ્રયાસ પણ થઇ રહ્યો છે ! જે દિવસે અહીં મારું સ્થાન ખાલી દેખાય ત્યારે એમ જ માનવું કે ગાંધી જરૂરથી ‘લગે રહો મુન્નાભાઇ’ જોવા ગયા છે ! કાળાં કામ, ધામ ને નામ જોઇ જોઇને આજે હુંયે રામ નામ લગભગી ભૂલો ગયો છુ. ત્યારે આ ફિલ્મ જોઇને હું યે મારા આદર્શનું જરા પુનરાવર્તન કરી લઇ !

અમદાવાદીઓ છો ક્યાં ?

અમદાવાદીઓ છો ક્યાં ? મેગાસિટીના નામે હસાવ્યા !

સી.એન.જી. એ જીવાડ્યા ! પણ, બેહદ ગરમીએ પરસેવામાં નવડાવ્યા !

ધરંતીકંપના આંચકાઓએ હચમચાવ્યા ! નદીના પૂરે ડુબાડ્યા !

મોંઘવારીએ માર્યા ! સોનાના ભાવ ઊંચકાયા !

પેટ્રોલના ભાવે ફસાવ્યા ! શેર બજારે થોડાઘણા માર્યા ને તાર્યા !

વેટમાં લપેટાયાં ! પ્રદૂષણે ગુંગળાવ્યા !

ચિકનગુનિયાએ રડાવ્યા ! ગંદકીએ હંફાવ્યા-

રોગચાળાએ હરાવ્યા ! અમદાવાદીઓ હાર્યા કે જીત્યા ?

કહો શું શીખ્યા ? કે પછી હતા ત્યાં ના ત્યાં ?

વાનમાં પકવાન !

ચતુર અમદાવાદીઓને કોઇ ના પહોંચે ! વધતા જતા જમીનના ભાવોને કારણે અપનાવેલો એક નવો વિકલ્પ અમદાવાદીઓને ધૂમ કમાણી કરાવી રહ્યો છે. એ નવો વિકલ્પ એટલે ઠેરઠેર ફૂટપાથો પર ઊભી રહેલી વાનોમાં વેચાતાં અવનવાં સ્વાદિષ્ઠ પકવાનો ! આ વાનો સ્વચ્છતા રાખીને પોતાનો ધંધો કરે છે તે એક મહત્વની બાબત છે. કોઇ વાનમાં દાબેલી તો કોઇ વાનમાં ઢોંસા-ઇઢલી.... કોઇ ઠેકાણે વડાપાંઉ તો ક્યાંક કોલ્ડકોફી... આ દરેક વાનની પોતાની એક ફિક્સ જગ્યા હોય છે. જગ્યા ખરીદવામાં રોકણ ઘણું મોટું થઇ જાય, આથી વાન ખરીદીને પાર્કિંગ-બેમા પાર્ક કરીને મહિનાનું ભાડું પાર્કિંગવાળા સાથે ‘સેટિંગ’ કરીને ધંધો સેટ કરવામાં આવે છે. ગેસની સગડી,વાસણો સીધુસમાન વગેરે વાનમાં જ ગોઠવીને એક નાનકડી હોટેલ જેવો જ માહોલ ઊભો કર્યો હોય ! રાત્રે તો આવી વાનોને કારણે રોડ વધારે ભર્યો ભર્યો લાગે. થોડાક ખાલી પડેલા પાર્કિંગ-બેમાં રાત પડતાં તો વાનની આજુબાજુ ખુરશીઓ નાંખીને ગ્રાહકો માટે ‘સિટિંગ એરેજમેન્ટ’ પણ કરવામાં આવે ! ખાવાના શોખીન અમદાવાદીઓ લગભગ દરેક વાનગી આઇટમના સ્વાદથી પરિચિત હોય ! અટિરા, એ.એમ.એ., આઇ.આઇ.એમ., એચ.એલ., એચ.એ., વગેરેના વિદ્યાર્થીઓ તો કંઇ વાનની આઇટમ સારી, એનો શું ભાવ ને વાનની જગ્યા ને સમય વિશે તેમાં યે ‘સ્નાતક’ થઇ શકે તેટલું બહોળુ જ્ઞાન ધરાવતા હોય છે !

પાથ વગરની ફૂટપાથ...

‘ડસ્ટ ફ્રી’ અમદાવાદ બનાવવાનું એક સ્વપ્ન ! મેગાસિટી બની રહેલા આપણા અમદાવાદને ‘ડસ્ટ ફ્રી’ બનાવવામાં લોકોને ઘણાં કષ્ટમાંથી પસાર થવું પડ્યું છે. ‘ડસ્ટ ફ્રી’ બનાવવા માટે વોલ ટુ વોલ કાર્પેટ કરવામાં આવ્યું છે. વોલ ટુ વોલ કાર્પેટ એટલે ફૂટપાથ પછી તરત ડામરની પાકી સડક ને પાછી તરત બીજે છેડે ફૂટપાથ. એટલે ધૂળવાળો ભાગ રહેવા દેવાનો જ નહીં. ઊંચી ઊંચી ફૂટપાથે કે જેના પર ચઢવા-ઊતરવાની મુશ્કેલી. ફૂટપાથની વચ્ચે બત્તીના થાંભલા, ટેલિફોનની લાઇનોનાં ડબલાં, જાહેરાતનાં હોર્ડિગ્સના ટેકા વગેરેથી રાહદારીઓ ફૂટપાથ ચાલવા માટે વાપરી શકતા જ નથી. મોટી ફૂટપાથો પર લારી,ગલ્લા ને ફેરિયા સ્થાન જમાવી રહ્યા છે. બિલ્ડસે દ્વારા થતાં ગેરકાયદેસર બાંધકામોખી ખૂટતા પાર્કિંગ માટે નગરજનોનાં મકાનો કે જમીનોમાં કપાત કરવી તે કેટલા અંશે યોગ્ય ? પાડાના વાંકે પખાલીને ડામ ? રોડ નાના ને ઉપરથી ફૂટપાંથોનાં બાંધકામથી પાર્કિંગને કારણે અવરજવરમાં પણ મુશ્કેલી ! વરસાદનાં પાણી શોષાઇને જમીનમાં ઊતરવાને બદલે આવા પ્લાનિંગને કારણે તે ભરાઇ રહેવાનાં ને તેથી લોકોએ ‘પરલોકેશનવેલ’ પ્રયોજન પોતાના ખર્ચે કરવાનું અથવા તો ભરાયેલાં પાણીને કારણે પરેશાન થવાનું...! આ બધું જોતાં એમ થાય કે શું આ પ્લાનિંગ કોઇ આકિટેક્સ કરી રહ્યા છે કે નોનટેકનિક્લ માણસો ? આ બધું રાહદારીઓને સગવડતા આપવા થઇ રહ્યું છે કે પછી મેગાસિટી માટે આવેલા ફંડ ગમે તેમ ખર્ચાઇ રહ્યા છે ??

રસ્તે રસ્તે રખડતાં કૂતરાં

તમને નથી લાગતું કે દિવસે ને દિવસે આપણા અમદાવાદમાં રખડતાં કૂતરાઓનો ત્રાસ વધી રહ્યો છે ? ક્યાંય પણ જવા-આવવા ઘરની બહાર નીકળો કે અકાદ-બે કૂતરાં તો આપણું સ્વાગત કરવા દોડી જ આવે ! દરેક કૂતરાંઓને પોતાની નક્કી કરેલી ચોક્કસ ‘ટેરિટરી’ હોય અને જો ભૂલથી પણ બીજી ‘ટેરિટરી’ માંનું કૂતરું એમાં આવી ચઢે તો બસ ખેલ ખલાસ, કૂતરાંઓમાં કારમા રુદન જેવા ભસવાના અવાજથી વધુ ભેંકાર બની ઉઠે ! કહે છે કે કૂતરાંને યમરાજા દેખાય છે. એમને યમરાજા દેખાય છે કે નહીં તે તો ખબર નથી. પણ જયારે આવાં કૂતરાં ભસતાં દોડતાં આપણી સામે આવે ત્યારે આપણને તો ચોક્કસ યમરાજા દેખાવા લાગે ! પાળેલાં કૂતરાઓને જોતાં જે શેરીના કૂંતરા જોરદાર ભસવાનું ચાલુ કરી નાંખે. વાંદરાં અને વાહનો બંને કૂતરાંનાં દુશ્મન ! વાંદરાં ને વાહન બંનેને જોઇએ તેઓ ભડકે ને ચાલુ વાહનની બાજુમાં પૂરપાટ ગતિથી દોડવા લાગે. ખબર નથી પડતી કે અમદાવાદમાં આટલાં બધાં સરકારી કૂતરાં છે કે બિનસરકારી કૂતરાં ? એની કસોટી કરવાની એક જ રીત છે કે, ખાવા માટે ‘કટકો’ આપો ને દોડી આવે એ સરકારી કૂતરાં ને બાકીના બિનસરકારી ! કોર્પોરેશન કૂતરાં પકડવાની ગાડી ફેરવે છે કે કૂતરાં છોડવાની ગાડી એ વધતા જતા કૂતરાંના ત્રાસથી કહેવું મુશ્કેલ બનતું જાય છે ! ટૂંકમાં અમદાવાદની સંખ્યાબંધે ‘રોમિંગ’ કૂતરાઓના ત્રાસથી અમદાવાદીઓ ‘રોમિંગ’ કરવામાં ખરેખર પરેશાની અનુભવી રહ્યા છે !

ગલી ગલીએ ગલ્લા...

મહોલ્લે મહોલ્લે મલ્લામાતાનું મહાત્મા તો ઘટી રહ્યું છે અને ગલીએ ગલીએ ગલ્લાંના ગાણાં વધુ ને વધુ ગવાઇ રહ્યાં છે. અમદાવાદની વાંકીચૂકી ગલીઓમાંની એકાદ જ એવી ભાગ્યાશાળી ગલી હશે કે જેના નાકે ગલ્લાનો હલ્લો નહીં થતો હોય ! આજનું યુવાધન પોતાનું ‘ધન’ ‘વા’ની પેઠે ગલ્લે ગુમાવી પોતાન જ તાનમાં ગુલતાન થઇ રહ્યું છે.

ગલ્લામાંથી વિકાસ પામીને બનતા ‘પાનહાઉસ’ થી તમાંકુ, મસાલા ને નશાકારક દ્રવ્યોના વધુ વપરાશનો ‘હાઉ’ વધતો ગયો છે. ગલ્લો એટલે ખબરોની ખાણ ! બધી જ જાતની ખબર તમને ગલ્લા પરથી મળી રહે. ગલ્લાવાળા ભાઇઓ પણ હોય હોશિયાર ! ઘરાકનું મોઢું જોઇને જ જાણે ‘ફેસરીડિંગ’ કરી નાખે ને ભાઇનું પાન તેના ચોક્કસ ‘ઇનગ્રેડિયન્ટ્રસ’ સાથે તેને યાદ આવી જાય. કલકત્તી, કપૂરી ને બનારસી પાન વેચતા આરસિયા પાનવાળાઓના ગલ્લા પાનના રસની પિચકારીથી અર્ધરંગાયેલા હોય ! નેત્યાં ઉભેલા બૂરી આદતવાળા લોકો અર્ધનંખાયેલા હોય ! ‘લો’ પ્રમાણે ઘણા ઓછા ગલ્લા લીગલ હશે. ગમે એટલી સમજાવટ કે લખાણ જેવાં કે ‘પાન,મસાલો,તમાંકુ ચાવવી એ સ્વાસ્થયને હાનિકારક છે.’ એ જાણ્યા પછી પણ ગલ્લાંતલ્લાં કરતાં યે પાનના ‘રસિયા’ ને સિગારેટના ‘રસિયા’ ગલ્લે જેવા ‘કજિયા’ કરવાના જ ! મોટેથી રેડિયો કે ફિલ્મી ગીતોની કેસેટો વાગતી હોય... સિગારેટના કસ પર કસ ફૂંકાતા હોય... ગાલમાં પાનનાં ગલેફા દબાયેલા હોય... પાનવાળો ચીલઝડપે પાનમસાલા બનાવતો હોય... બે-પાંચ નવરાઓ ટાઢાપહોરનાં ગપ્પા હાંકતાં હોય... આવા ગલ્લાઓ ગલી-ગલીએ ગામ ગજવતા હોય.

ટીવી-એક ટેરિબલ વાઇરસ

વાઇરસનું નામ સાંભળતા જ સૌ કોઇનાં રસકણ ઊડી જાય અને ‘એન્ટિબાયોટિક’ ‘બાય’ કરીકરીને લોકો ‘પેનિક’ થઇ જાય આ ‘ટીવી’ નામના વાઇરસને કોઇ પિછાણી શક્યું છે ? એના ‘એન્ટેના’ તો ફટાફટ ‘બાય’ થતાં હોય છે, ટોનિકની જેમ ! જો આ વાઇરસે એકવાર ઘરમાં ઘૂસ્યા મારી પછી તેને કાઢવો મુશ્કેલ થઇ જાય છે. નથી એની કોઇ દવા કે નથી કોઇ દુવા ! સિરિયસલી, આ ચેનલરૂપી સિરિંજમાંથી નીકળતો સિરિયલપી સિરપ લોકોનાં સિર જામ કરે છતાં પણ લોકો એનો ત્યાગ નથી કરી શકતા. પતિદેવને એ ખબર ના હોય કે એમના પત્નીની સાડીનો રંગ કયો હતો પણ ‘કોમોલિકા’ ની સાડીની એમને ડિટેઇલમાં જાણકારી હોય ! આખું યે ગામ એક નિયત સમયે હસતું કે રડતું જ હોય તેવી ‘મોનોટોનસ’ લાઇફનું નામ આપનાર આ વાઇરસે ઘરની વહાલ મને રમૂજો અને સામાજિક જીવનને ભરડામાં લીધાં છે. ઝી ટીવી એટલે એના નામ પ્રમાણેના ગ્રેડવાળી સિરયલોનો ધોધ. સ્ટાર પ્લસમાં ખરેખર માઇન ગ્રેડની સિરિયલો ચાલે. ખરેખરા જીવનમાં વહુ એ સાસુ બની જાય પણ સિરિયલની સાસુ તો યે જવાન જ દેખાય ! આ માધ્યમ ઝડવી પ્રસાર માટે ઘણું અગત્યનું છે, પણ લોકોને તેનું ‘અજીર્ણ’ થઇ ગયું છે. કાર્ટૂન નેટવર્ક તો ઘણીવાર કાર્ટૂન નેટવસ્ટ હોય છે. એના કરતાં તો ખરેખરી ‘ટુનટુન’ જોઇને વધારે હસવું જરૂરી આવે. આ વાઇરસથી બચવા માટે બીજું કંઇ નહીં પણ એકતા. ‘કપૂર’ ની આરતી ઉતારવી જરૂરી છે. ઘરમાં એકસાથે બેસો, હળવી જ્ઞાનસભર વાતોને પ્રોત્સાહન આપો. મને પ્રફુલ્લિત થાય તેવી રમૂજો કરો અને બનાવો ખરેખર ઘર એક મંદિર !

‘વંદે માતરમ્’

ચાલો, આટલાં વર્ષે પણ લોકોને ખબર તો પડી કે આ રાષ્ટ્રગાન શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચ્યું હતું. આટલું અલંકારિત ગીત ગાવાની તે કંઇ ફરજ પાડવી પડે ? ‘ભીગે હોઠે તેર, પ્યાસા દિલ મેરા’ ગીત તો આજે ચપ્પેચપ્પે છોકરું યે ગણગણતું હોય છે. કે પણ એવું જ ને ! રાજા તૃપ્ત છે ને પ્રજા પ્યાસી છે. પછી એ જ ગવાય ને ! આ ‘વંદે માતરમ્’ ને ફરજિયાત કરવું પડયું એ જોઇને તો આજે ચંદ્ર પણ કાળો પડવા લાગ્યો. આજે ભારતમાતાને વંદન કરવાનું મન તો જરૂર થાય છે પણ તે ખૂબ દુઃખ સાથે કે મા તારી આ દશા ! નથી રહી તું આજે ‘સુજલા’ કે નથી તું આજે ‘સુફલા’ ! નથી રહેવા દીધી તને આજે ધાન્યથી લચેલી હિરયાળી ‘...શામલા’ શ્વેત ચાંદનીવાળી રાતની જગ્યાએ ધૂમાડા બેસેલું આકાશ ગૂંગળાવે છે. મા ! ખીલેલાં પુષ્પો, પર્ણો એટલે કે ‘ફુલ્લસુમિત દ્રુમદલ શોભિની’ આજે છે ક્યાં ? જંગલો ને વૃક્ષે તો કપાઇ રહ્યાં છે તારું સુંદર હાસ્ય મા આજે આતંકવાદ સામે રાઇ રહ્યું છે ઓ સુમધુર ભાષિણિ મા, આજકાલ ક્યાં વચનો નિભાવ્યાં છે. કોઇએ ? તું અમને સુખ આપતી રહી પણ અમે તને દુઃખી કરી નાખી. આજે કોટિ-કરોડ કંઠમાંથી નીકળતો ઘોષ રુંધાઇ રહ્યો છે. તું જ ધર્મની રક્ષક છે. હે વિદ્યાની દેવી આ અનામત દ્વારા વિદ્યાની ઉપાસના નહીં પણ અવગણના થઇ રહી છે. મા, આજે તને નમું છું પણ એવા પ્રણ સાથે કે તને ખરેખર પાછી સુસ્મિતા, સરલા, ભૂષિતા બનાવીશું. તારું આંતરિક સૌદર્ય તને પાછું અપાવીશુ. તારા ઉચ્ચ વિકાસના સંકલ્પ સાથે તને અમારા અમદાવાદીઓના કોટિ-કોટિ વંદન !

નવરાત્રિમાં અમદાવાદ કે ગોકુળિયું ?

અમદાવાદની પ્રજા એટલે ઉત્સવપ્રેમી પ્રજા ! કેટકેટલીય મુશ્કેલીઓનો હસતે મોઢે સામી છાતીએ સામનો કરતી આ પ્રજા એકેય ઉત્સવને આનંદભેર મનાવવાનું ચૂકતી નથી. શોક હોય ત્યારે સાદગીથી નહિતર દબદબાપૂર્વક ઉત્સવ તો ઉજવાયા જ ! બારેમાસ રખડતી-ફરતી ગાયોને કારણે હંમેશા ‘ગોકુળ’ ની ઝાંખી કરાવતું અમદાવાદ નવરાત્રી ટાણે તો ખરેખર ‘ગોકિળિયુ’ જ બની જાય છે. હજી તો શ્રાદ્ધપક્ષ આવતા પહેલાં જ નવરાત્રી જામવા લાગે છે. કહેવાતી નવરાત્રી ખરેખર પંદર કે સોળ-રાત્રી ઊજવાય છે. રાત પડતાં જ અમદાવાદનું રૂપ છલકાવા લાગે છે. ચોરે ને ચૌટે લોકો ગોપ-ગોપીઓના વેશમાં મલકાતાં ને છલકાંતા જોવા મળે છે. માતાજીના આરતી પછી લચકાતાં ને મચકાતાં નાચતાં કોઇના મોઢા પર થાક સુદ્ધાં નથી વર્તાતો, પછી છો ને એ ‘બા’ હોય પણ ગરબાના એક-બે ચક્કર તો મારી આવે જ ! અને શોખીનો ગરબા-રાસની રંગત માણતાં છેલ્લે કરે ભાંગડા ને ત્યાં સુધી કે જ્યાં સુધી એમના પગ ના થાય લંગડા ! ‘આ શરદપૂનમની રાતલડીએ ઘેર મારે જાવું નથી’ જેવા શેરી ગરબા સાથે ઢોલનાં ઘમાકા, ગોરીઓના લટકા ને ખાવાપીવાના ચટકા એટલે અમદાવાદની નવરાત્રી. જ્યારે અમદાવાદની પ્રજા ગરબે ધૂમે છે ને ત્યારે આકાશ પણ આસમાની ઓઢણી પહેરી ચાંદનીના અજવાળે તારલા ચમકાવતું જાણે ગરબા રમવા આવે છે અને ત્યારે હિલોળે ચઢે છે શ્રી અવિનાશ વ્યાસના ગરબાની પંક્તિ.

‘‘તાલીઓના તાંલે ગોરી ગરબે ધૂમી ગાય રે,

પૂનમની રાત ઊગી પૂનમની રાત’’

શ્રાદ્ધપક્ષ અમદાવાદમાં !

સ્વર્ગસ્થ પિતૃઓનું ‘તર્પણ’ કરવાના દિવસો એટલે શ્રાદ્ધપક્ષ. માન્યતા છે કે શ્રાદ્ધપક્ષમાં આવનારા તિથિ મુજબ જો બ્રહ્મભોજન કે અમુક દાન-ધર્માદા કરવામાં આવે તો સદગતના આત્માને શાંતિ મળે છે. ઘણાનું એમ પણ માનવું છે. કે કાગડાનો ખીર-પૂરી ખવડાવવાથી સ્વર્ગસ્થનો આત્મા તૃપ્ત થાય છે. શાસ્ત્ર પ્રમાણે બ્રાહ્મણોમાં સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે ‘વૈશ્વદેવ’ કરાવવામાં આવે છે. એમાં નાનકડો ‘હોમ’ કરી ઘીની આહુતિ આપવામાં આવે છે. અને ત્યારબાદ બ્રાહ્મણ ‘અપોષણ’ કરી ખીર-પૂરી અડદનાં વડાનું ભોજન લે છે. ઘણા લોકોમાં ‘લાડવા’ ખવડાવવાનો રિવાજ હોય છે. કોઇ કોઇ જ્ઞાતિઓમાં કૂતરા કે ગાયને ખવડાવવાનો નિયમ હોય છે. ટૂંકમા, દરેક લોકો પોતપોતાની માન્યતા અને રિવાજ મુજબ આ ક્રિયાકાંડ નિભાવતા હોય છે. શ્રાદ્ધ એ શ્રદ્ધાનો વિષય છે. કદાચ એક વાતથી ઘણા લોકો અજાણ હશે. શાસ્ત્ર પ્રમાણે પિતા, દાદા વગેરેનું શ્રાદ્ધ પુત્રના ઘરમાં જ થાય છે. પણ જ્યારે પુત્રીની પતિ અને પુત્ર બંને હોય ત્યારે તે પોતાના પિતાનું શ્રાદ્ધ કરવાનું ભાગ્ય પ્રાપ્ત કરી શકે છે. આ શ્રાદ્ધ નવરાત્રીના પહેલા દિવસે થાય છે, જેને ‘આજા’નું શ્રાદ્ધ કહેવાય છે. કહેવત છે કે ‘‘જો ત્રણ હોય તાજા, તો ઘેર આવે આજા’’ ધરતીકંપ, રોગચાળો, અતિવૃષ્ટિ, અકસ્માતોના અનેક લોકો ભોગ બનતા હોય છે. તો આપણે સૌ એ લોકોના આત્માને શાંતિ મળે તેવી શ્રદ્ધાપક્ષમાં પ્રભુ પાસે પ્રાર્થના કરીએ-ગીતાનો આ શ્વલોક યાદ કરીએ, કારણ કે મૃત્યુ પછી સદગતની શાંતિ માટે શ્રાદ્ધ તો થાય છે પણ આત્મા તો અમર છે.

‘‘નૈનમ્ છિન્દનિત શસ્ત્રાણિ નૈનમ્ દહતિ પાવકઃ!

ન ચૈનમ કલેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ’’

‘કર’થી કરમાયેલા અમદાવાદીઓનાં કર....

કરાગ્રે વસતે ‘ઓક્ટ્રોય’, કરમૂલે ‘એકસાઇઝ

કરમધ્યે તુ ‘વેટમ’ ચ, ‘કર’ના તુ કર દર્શનમ ।।

દરેક મનુષ્ય સવારે ઊઠીને સૌ પ્રથમ પોતાના ‘કર’ એટલે કે હાંથના દર્શન કરીને આ શ્વલોક બોલવો જોઇએ. તેનો ખરો અર્થ છે કે... કરના અગ્ર ભાગમાં લક્ષ્મીજીને વાસ છે. કરનાં મૂળમાં સરસ્વતી રહેલી છે. કરના મધ્યભાગમાં હે ગોવિંદ તું છે. માટે રોજિંદુ કામ શરૂ કરતાં એ ‘કાર’ હું પ્રણામ કરું છું પણ આજે તો સવારે ઊઠીને ‘કાર’ના દર્શન કરતાં તો બિચારા માણસને લક્ષ્મી સરસ્વતી અને ગોવંદની જગ્યાએ ‘કર’ એટલે કે ટેક્સ જ યાદ આવે છે. પ્રજા જાણવા માગે છે કે આટલી મહેનતથી કમાયેલા પૈસા ઉપર ભરેલા ‘કર’ના નાણાંનુ કરવામાં આવે છે. શું ? ક્યાંયે દેખાય છે એ પૈસા કે જે કરમાં ચૂકવાય છે. દરેક કામોમાં કરકસર ઠેરઠેર કરપ્શન કરનારા ખરેખર પ્રજાનું કામ નથી કરતા પણ પ્રજાનું શોષણ કરી રહ્યા છે અને એટલે પ્રજા દ્વારા શરૂ થવા લાગી કરચોરી... પ્રજા કરના બોજ હેઠળ દટાઇ છે. મરી ને આજે એને છે ‘વરી’ કે કરનારા પૈસાનું શું ગયાં છે કરી, આજે પ્રજા ‘કર’ ઉપર વિશ્વાસ મૂકે કે ‘કમળ’ ઉપર છતાં પણ એમના ‘કરકમળ’ કરથી લદાયેલા જ શા માટે ? પ્રજાના કરકમળને કરમાવવા ના દો, કંઇ કરો...

મોબાઇલ યુગ...

સવાર ઊગ્યું ના ઊંગ્યું, ભગવાનનું નામ બે ઘડી લીધું –ના લીધું, નાહ્યા ના નાહ્યા, બે કોળિયા ખાધું-ના ખાધું અને જયારે માણસ ઘરમાંથી બહાર દોડવા માંડે છે. ત્યારે પ્રશ્ન થાય છે કે ફોન મોબાઇલ છે કે માણસ મોબાઇલ છે ! બે ગાડી હોય તેને ત્રણ ગાડી અને દસ સાડી હોય તેને વીસ સાડી લેવાની વૃતિએ માણસને ખરેખર દોડતા કરી મૂક્યો છે. આજકાલના આ મોબાઇલ યુગમાં મણસને ક્ષણભર પણ એ પ્રતિતિ નથી થતી કે, એનામાં સંતોષ જેવો પણ ગુણ રહેલો છે. બે કલાકથી ઢંકાયેલું રાહ જોતું ભાણું જ્યારે છેવટે ખાળે જાય ત્યારે કે માણસ શેના માટે આટલી બધી દોડતી કરતો હશે ! એ પોતે તો શાંતિથી બે પળ પણ નથી પામતો. એમ થાય કે આ ઉપર બેઠાંબેઠાં આપણા બાપદાદા યે નવાઇ પામતા હશે કે આ મારા પ્રપૌત્રો શું કરે છે ! નથી કોઇ એમની આસપાસ તો યે હસે છે વાતો કરે છે. કોઇકવાર ઘાંટા પાડવા લાગે છે ! આ કંઇ ગાંડા તો નથી થઇ ગયાને બધા ! કે કોઇ ભૂતપ્રેમનુ વળગણ તો નથી લાગ્યું ને ! પણ એમને શું ખબર કે આ ભૂતપ્રેમનું નહીં પણ મોબાઇલનું વળગણ છે. મોબાઇલ ફોન તેઓને પાગલ બનાવ્યા છે. બહુ બિઝી હોઇએ ને ત્યારે એમ કહેવાય કે મને તો મરવાની યે ફુરસદ નથી પણ આજે ખરેખર જોવા જાવ તો એને જીવવાની ફુરસદ નથી એમ કહી શકાય. મોબાઇલ બ્રહ્માંડ, આસપાસના મોબાઇલ ગ્રહો, મોબાઇલ પૃથ્વી પર રહેતા મોબાઇલ માણસના હાથમાં રહેલા ‘મોબાઇલ’ ફોન સિવાય ખરેખર બધું જ મોબાઇલ છે. મોબાઇલ ફોન ‘સ્વિચ ઓફ’ થાય છે. મોબાઇલ માણસ ‘ઓફ’ થાય છે. બાકી બધું શાશ્વાત છે સનાતન સત્ય છે...

અમદાવાદનું જીન્સફેમિલી

આજકાલ દુનિયાભરમાં એક કાપડે નામ કાંઢ્યું છે. નામ છે તેનું જીન્સ. ‘ડેનિમ’ તેનું હુલામણું નામ છે. ગામડાગામથી માંડીને દૂર દેશાવર સુધી તે લોકપ્રિય બની રહ્યું છે. શું ‘જીન્સ’ નો શોખ ‘જીન્સ’માં આવતો હશે ! પ્રશ્ન થાય છે. કદાચ જીન્સમાં આવતો હોય તેનાથી ય આગળ તો તે ‘અખિયા મિલાકે’ જેવો ચેપી શોખ છે. આજે દાદા, દીકરો, વહુ છોકરા બધાં જીન્સમાં હોય ! આખું જીન્સ ફેમિલી હોય ! લિવાઇસ, ક્લિસ, ન્યૂપોર્ટ, રફ એન્ડ ટફ જેવી કંઇ કેટલીય બ્રાન્ડના જીન્સોએ તો દુનિયામાં ધૂમ મચાવી છે પણ ખરું જોવા જાવ તો આ જીન્સના ફાયદા કેટલા ? અરે ગણ્યા ગણાય નહીં એટલા. પૂછો કયા ? તો સાંભળો. સૌથી પહેલાં તો મહિના સુધી તેને ધોવો નહિં તો ચાલે. મેલું ઝટ થાય નહીં. ઇસ્ત્રીની જરૂર નહી, ફાટે તો પણ એ ફેશનમાં ગણાય. કેમ ‘ગનશોટ’ જીન્સ નથી આવતા ? ડાઘા પડે તો જલદી દેખાય નહીં, ઝાંખું થાય તો ‘...જીન્સ’ પણ ફેશનમાં ! એ જોઇએ તો જીન્સનો ‘એજિંગ પ્રોસેસ’ ઘણો ધીમો છે. વચ્ચે જીન્સમાં ‘મંકીવોશ’ ની ફેશન આવેલી ઘણાં મંકીઓએ એ પહેરવાની માત્ર મઝા માણી હશે અને આજે તેઓ આ વાંચવાની મઝા પણ માણશે !

હોટેલ... અમદાવાદીઓ ભરેલી !

સાચું કહેજો હોં... જૂઠું નહીં બોલવાનું. આજકાલ સન-ડે હોટેલોમાં અંદર ‘વેઇટર’ કરતાં બહાર ‘વેઇટર’ વધારે હોય છે. કેમ ના સમજયા ? અંદર લોકોના ઓર્ડર લઇને ખાવાનું પીરસતા ‘વેઇટરો’ અને બહારથી અંદર જવા માટે ‘વેઇટિંગ’ માં ઉભેલા ‘વેઇટરો’ ! કેમ વેઇટરો જ કહેવાય ને ! નંબર બોલાય એમ બહાર ઉભેલા ‘વેઇટરો’ અંદર ટેબલ ખાલી થાય એ પ્રમાણે જાય અને અંદરના ‘વેઇટરો’ ને ઓર્ડર આપે. કલાકે કાચું-પાકું જમવાનું આવે. પણ પોતે ઉલ્લુ બન્યા હોય એટલે બીજાને શા માટે કહે ? માનો કોઇ બોલે જ નહીં અને ‘ટેસ્ટી ફૂડ’ છે એમ લેબલ આપીને એક જાતનો આનંદ લીધા કરે. ઘરેઘરે ઉપમા પણ એવી જ અપાય કે વાહ ! આજે તો એકદમ ‘હોટેલ’ જેવું જમવાનું બન્યું છે હોય હોટેલોમા પડે એના ‘કટકા’. તો યે લોકો કરીને આવે ‘લટકા’ કરવા મોંના ‘ચટાકા’, ઓર્ડર કરે ‘ફ્રેન્ચફ્રાઇસ’ અને હોય એમાં ખાલી બટાકાં અને છેલ્લે પાછાં બિલ ચૂકવવા કરવાના ક્રેડિટકાર્ડના ‘લસરકા’... અને પાછું એમાંયે હોટેલમાં ‘કાંદા’ ને ઠેકાણે ‘વાંદો’ યે આવે ને તો યે ‘ટેસ્ટી’ જ લાગે. પણ વાંધો નહી, કારણ કે ઉપાય તો આવી જ ગયો છે આપણી પાસે. છેલ્લે પી લેવાની પેપ્સી કે કોકાકોલા એટલે ઘરે બેઠાંબેઠાં વાંદાના તો થઇ જશે નિકાલ ‘લોપામાઇડ’ લેતાં લેતા ! તો કરો કંકુના ! ... સ્વાહા !

રમકડાં કે મરકડાં

આજે રમકડાં શબ્દનો અર્થ બદલાઇ રહ્યો છે. આકર્ષક પેકિંગવાળા રમકડાંની વિવિધ વેરાઇટીથી દુકાનો અને મોલ ઊભરાઇ રહ્યા છે. પણ એ રમકડાં વડે બાળકો પોતાનું બાળપણ ખોઇ રહ્યાં છે. આજના એ મોંઘાઘાટ રમકડાંઓએ તો આપણો દાટ વાળી નાખ્યો છે. આપણાં બાળકોનું બાળપણ, બાર્બીડોલના નખરા, એક્શન ફિગરોની એસેસરીઝ, ગેમબોય જેવી એડિકેટ વીડિયોગેમ્સ, મગજ ખલાસ થઇ જાય તેવાં શોરબકોરવાળાં ને ચિપ ફિલ્મીગીતોના કર્કશ મ્યુઝિકવાળાં રમકડાઓથી બળી રહ્યું છે અને આ બધાથી કાન, આંખ જેવી ઇન્દ્રિયોનું તેજ બાળકો બાળપણમાં જ ગુમાવી ઘરડાપો વહોરી રહ્યાં. છે આ બધી કુટેવ પડે તેવા સમકડાને કારણે બાળકો શારીરિક કસરત મળે તેવી રમતોનો અનાદર કરી રહ્યાં છે, કે જે શેરીરમતોમાંથી શિસ્ત, ખેલદિલીને, ટીમસ્પિરિટ, જેવી ભાવનાઓ કેળવાતી હતી. જ્યારે આજનાં આ રમકડાઓ બાળકોને હરીફાઇ, આક્રમક્રતા અને એકલપેટાપણું જ શીખવે છે. બે-બ્લેડ તો રમકડાંની દુનિયામાં પ્રવેશી બાળકોની બુદ્ધિ અને બળ પર બ્લેડ મારી છે. પાવરરેન્જરને પાવર પફગલ્સ્ જેવા રમકડાં તો જાણે ખરેખર બાળકોને ગ્રાસ્પિંગ પાવર છીનવવાં જ આવ્યાં હોય તેમ લાગે છે. રમકડાં લેવા જાવ એટલે આપણે મરો ને સાથે બાળકની બુદ્ધિ અને સર્જનાત્મક શક્તિનો પણ મારો ! તો પછી એને રમકડાં શા માટે કહેવાય ? એ તો થયાં મરકડાં ? પેલી જૂની કવિતા છે ને-

‘ટરરર ટરરર ઢમ ઝમ ઝમ કરો રમકડાં કૂચકદમ

હાથીભાઇ ચાલે આગળ પાછળ ઊંટસવારી

ખડાક ખડકદ ઘોડા દોડે ને શી છટા અમારી

ચલો સૈનિકો કદમ કદમ, કરો રમકડાં કૂચકદમ’

આમાં કવિએ કહ્યા મુજબ જ જાણે એ બધાં જૂનાં રમકડાં કુચ કરતાં –કરતાં બાળપણથી ક્યાંય આગળ નીકળી ગયા ને આપણે સૌ ‘રાખના રમકડાં’ એક્શન ફિગર જેવાં રમકડાંઓની વેચાણ કિંમતની ફિગર સામે ટગર ટગર જોતાં બેસી રહ્યાં !

બાળવાર્તાઓનું બેસણું

અત્રે સૌ વાલીઓએ આ દુઃખદ નોંધ લેવી જરૂરી છે કે શ્રી હરિપ્રસાદ વ્યાસ અને સ્વ.શ્રી જીવરામ જોષીના માનસપુત્રો બકોર પટેલ, શકરી પટલાણી, મિયાં કુસકી, તભાભટ્ટ, અડુકિયો-દડુકિયો, છઠ્ઠો અને મકો ‘કાર્ટૂન નેટવર્ક’ નામના ધીમા ઝેરથી મૃત્યુ પામેલ છે. સૌ બાળકોના આ વહાલા કાલ્પનિક કલાકારોએ દાયકાઓ પહેલાં બાળકોને જીવનમાં ખૂબ ગમ્મત સાથે જ્ઞાન આપેલું છે. જેઓ આજનાં વાલીઓ છે. તે વખતના સુપરમેન કહો કે સ્પાઇડરમેન તે આ કલાકારો જ હતા કે જેમની નિર્દોષતા અને મીઠી રમૂજોથી તેઓ તે વખતના બાળકોના પ્રિય એવા માનસમિત્રો બની ગયા હતા એ મિયાં કુસકી-તભાભટ્ટની અતૂટ દોસ્તી, છઠ્ઠા-મકાની ચતુરાઇભરી યુક્તિઓ, અડુકિયો-દડુકિયોના કુતૂહલભર્યા તોફાનો ને બકોર પટેલ-શકરી પટલાણીંના ગમ્મતભર્યા છબરડાઓ આજના અશિષ્ટતા અને મારામારી શિખવાડતાં કાર્ટૂનોમાં કયાં જોવા મળે છે. ? આજના સૌ વાલીઓને વિનંતિ કે આ કલાકારોને શ્રદ્ધાંજલિ રૂપે તેમના વિશે બે શબ્દો પોતાના બાળવાર્તાના કાલ્પનિક કલાકારોને હતા ન હતા કરી નાખ્યા તે આપણા ફૂલ જેવાં બાળકોને કેટલું નુકસાન પહોંચાડી શકે છે ! જે કાર્ટૂન નેટવર્કને કારણે બાળકો હોમવર્ક પણ નથી કરી શકતાં તેઓ આગળ જતાં શું જોબવર્ક, સોશિયલવર્ક કે રિસર્ચવર્ક પણ કરી શકશે ? જાગો ઊઠો... હટાવો આ કાર્ટૂન નેટવર્કને આપો, હૃદયથી શ્રદ્ધાંજલિ આપણા પુરાણા બાણમિત્ર કલાકારોને અને વસાવો એવી જ્ઞાનસભર ને ગમ્મતવાળી ચોપડીઓ કે જેનાથી પુષ્ટ થાય આપણાં બાળકોની ખોપરીઓ !

સીટબેલ્ટ અને હેલ્મેટ... હવે અમદાવાદમાં ફરજિયાત !

આજકાલ અમદાવાદમાં વાહનવ્યવહાર ક્ષેત્રે ઘણી ક્રાંતિ થઇ રહી છે. તમે ‘સ્માર્ટ’ હો કે ના હો, તમારી પાસે ‘સ્માર્ટકાર્ડ’ હોવું જરૂરી છે. નહિતર આપો રૂપિયા બસો દંડ પેટે ! ના ભાઇ, ના પોસાય. એટલામાં તો આપણે એકાદ મસ્ત મૂવી ના જોઇ નાખીએ ! તમારી ગાડી ‘પી.યુ.સી’ કરાવેલી પણ હોવી જોઇએ નહિતર વળી પાછો દંડ ! હમણાં હમણાં તો વળી ગાડીવાળા માટે ‘સીટબેલ્ટ’ અને સ્કૂટરવાળા માટે ‘હેલ્મેટ’ ફરજિયાત કર્યાના નિયમે તો ઊહાપોક મચાવી દીધો છે. આલ્યા ભાઇ, આજકાલ લોકોને જયારે પેન્ટનો બેલ્ટ પહેરવાનો સમય નથી. હોતો ત્યારે આ ‘સીટબેલ્ટ’ પહેરવાનો સમય વળી ક્યાં કાઢવો ? આખાયે શહેરમાં ‘રોબોટ’ ફરતા હોય તેમ ‘આઇએસઆઇ’ ના માર્કવાળી હેલ્મેટો પહેરેલા લોકો તો ગાંડા જ થઇ ગયા છે ! પણ એ ખબર નથી પડતી કે રિક્ષાવાળાઓએ આ ટ્રાફિકના નિયામક પર શું જાદુ કર્યો છે ! ચાર પૈડાં માટે ‘બેલ્ટ’ બે પૈડા માટે હેલ્મેટ –તો પછી ત્રણ પૈડા વાળી રિક્ષાઓ માટે કશું જ નહીં ? એમ કેમ ચાલે ? એ લોકો પણ સૌના વહાલાં છે. તો ચાલો આપણે સૌ એમની સલામતી ઇચ્છીએ અને સત્તાને સલાહ આપવાનું સાહસ કરીએ કે એમના માટે હેલ્મેટ, સીટબેલ્ટ અને સાથે લોખંડનો મજબૂત બૂટ પણ ફરજિયાત કરવાં જરૂરી છે, કારણ કે વળતી વખતે ‘સાઇડ’ બતાવવા માટે તો તેઓ ‘પગ’ નો જ ઉપયોગ કરે છે.

હાશ, હવે કંઇક ઠંડક થઇ અમદાવાદમાં !

‘શિયાળે શીત વા વાય, પાનખરે ઘઉં પેદા થાય.’ અમદાવાદની કાળઝાળ ગરમી, વરસાદ, અતિવૃષ્ટિ ને ત્રાસદાયક બફારા પછી માંડ શિયાળાંના એંધાણ દેખાંતાં જ મનમાં યે ટાઢક વળે કે હાશ, હવે કંઇક ઠંડક થઇ ! બળબળતી બપોરોથી દાઝ્યા પછી ને બફારાથી પરસેવામાં નાહ્યા પછી આ ઠંડકની ઋતુંથી સૌને મન આનંદિત થઇ જાય છે. અમદાવાદમાં શિયાળો માંડ બે મહિના હોય ! અને શિયાળામાં યે બપોર તો ગરમ જ રહે. રાત અને વહેલી સવાર ખરેખર ઠંડકનો અનુભવ કરાવે. કેટલાય વખતથી કબાટમાં ગોધાઇ રહેલાં ગરમ કપડાંઓને બહાર કાઢવાનો મોકો મળશે એ વિચાર તાજગી આપી જાય. અમદાવાદીઓ પણ એવા ખુસમિજાજ કે તેઓ આ ઠંડકને માણવાનો એક પણ મોકો નહીં ચૂકે. આદુવાળી માસેલાદાર ગરમાગરમ ચા ને ગાજર-આમળાનો રસ મસ્તીથી પીવાશે. શાકબજારમાં લીલાછમ શાકભાજીની વણઝાર દેખાશે. ઊંધિયું ને પૂરી ખવાશે. શોખીનો માલિશની મોજ લેશે. શરીર પર લસસલતા ‘ક્રીમીલેયર’ દેખાશે કસરતવીરો સવારે ઠંડકમાં જોગિંગ, યોગા વગેરેની વીરતા દેખાડશે. કર્ણાવતી કલબ, રાજપથ કલબ, પરિમલ ને લો ગાર્ડન ‘જોગર્સ પાર્ક’ બની જશે. રંગબેરંગી ટ્રેક્સુટોથી અમદાવાદ શિયાળાની ઠંડકમાં વધારે રંગીલું બની રહેશે. ઠંડીના ચમકારામાં પીવાશે ઘંઉના જવારાનો પૌષ્ટિક રસ, દીઘાર્યુભવ શિયાળો !

આવી ઋતુ સાલમપાક, બદામપાક ને ગુંદરપાકની...

શિયાળાનાં વહાણાં પાય ન વાય ને અમદાવાદીઓમાં વસાણા ખવાવાનાં શરૂ થઇ જાય. તેજાનાથી ભરપૂર આ વસાણાં શરીરમાં ઠંડી સામે લડવા માટે ગરમી ઉત્પન્ન કરે છે. ‘બડી બહુ કા નામ ઔર ઘી કરે કામ’ની કહેવત અનુસાર આ વસાણાં ઘીથી ભરપૂર હોય. અમદાવાદીઓને ઘી ખાવામાં કોઇ ન પહોંચે એમ કહેવાય છે. પ્રાચીન સમયથી ચાલ્યાં આવતાં પૌષ્ટિક વસાણાં એ શિયાળાનો ઉત્તમ ખોરાક કહી શકાય. લગભગ અમદાવાદનાં દરેક ઘરમાં આમાંનો એકાદ પાક તો જોવા મળી જ જાય ! ગુણોથી ભરપૂર એવાં આ વસાણાં ખાવાનું એક પણ ટાણું અમદાવાદીઓ ના ચૂકે. બદામપાકમાં આવે ઘી, બદામ, સાકર, કેસર વગેરે શક્તિ અને યાદશક્તિ વધારનારા આ વસાણું ઘણું પૌષ્ટિક ગણાય. સાલમ એટલે એક વનસ્પતિનું મૂળિયું, સાલમપાકમાં આવે સાલમ, સૂંઠ, ગંઠોડા, ઘી વગેરે. આ વસાણું પુરુષો માટે ફાયદાકારક ગણાય. બાવળ, ખેર વગેરે ઝડપમાંથી ઝરતો રસ (એટલે) ગુંદર ગુંદરપાકમાં આવે. ઘી, ગુંદર, બદામ, ટોપરું, ખારેક, સૂંઠ, ગંઠોડા, ખસખસ વગેરે. આ પૌષ્ટિક ગુંદરપાક એટલે સ્ત્રીઓમાં કમરનાં દુખાવાનું ઓસડ. સુવાવડ પછી ગુંદરપાક ખવડાવવાની પ્રજા આપણાંમાં ચાલી આવે છે. આ બધાં જ વાસણાં કેલેરીથી હોય. મલ્ટિ વિટામિનની ગોળીઓ કે કેલ્શિયમની ગોળીઓ કરતાં પણ વધારે ગુણકારી વસાણાં સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનો પુરાણો કીમિયો છે.

હોર્ડિગની હારમાળા... અમદાવાદમાં !

આજે જ્યાં જુઓ ત્યાં આપણા અમદાવાદમાં હોર્ડિંગ ઊભાં કરેલાં દેખાઇ રહ્યાં છે. અમદાવાદ જાણે હોર્ડિંગની હારમાલાનાં કાટમાળ હેઠળ દટાઇ રહ્યું છે. ‘જયાં જયાં નજર મારી ઠરે,’ યાદી ભરી ત્યાં આપની’ ની જેમ ‘જયાં જયાં નજર મારી ઠરે, હોર્ડિંગ જ હોર્ડિંગ નેડ’ની યાદી મનમાં ઘણીવાર રોષ ફેલાવી દે છે. ક્યાંક મોબાઇલ કંપનીઓની લોભામણી જાહેરખબરો તો ક્યાંક વળી ગાર્મેન્ટ સ્ટોર્સની જાહેરાતો, તો કયાંક હાઉસિંગ સ્કીમો ને લોનોની ખબરો ! અરે, હોસ્પિટલોની અને સારવાર પદ્ધતિઓની પણ જાહેરાતો હોર્ડિગમાં લટકતી હોય ! હારતો, રસ્તે જતાં રાહદારીઓનું હોર્ડિંગ વાંચવામાં ને વાંચવામાં ‘ડાઉનલોડ’ થઇ જાય તો હોસ્પિટલોનું અપલોડિંગ’ થાય ને ! બિચારાં પખીઓની હાલત તો રાહદારીઓ કરતાં પણ બૂરી છે. વૃક્ષો વગરના વાંઝણા શહેરમાં તેઓ તેમના માટે આવાં વૃક્ષોની ખોટી ગરજ સારતાં હોર્ડિંગ કરે છે ને હોર્ડિંગના ‘હૂડ’ પર બેસીને પોતાનું ચણવવાનું ‘ફૂડ’ શોધવાનો મૃગજળ સમો મિથ્યા પ્રયાસ કરતાં વાહનોનાં ‘શોર’ માં પોતાનો ‘કલશોર’ દબાવતાં ગૂંગળાતાં ફફડતાં બેસી રહે છે. ઘણા વગર વિચારે લગાવેલાં હોર્ડિંગથી તો વાહનવ્યવહારનું નિયમન કરતાં સિગ્નલ સુદ્ધાં ઢંકાઇ ગયેલાં હોય છે. વસ્તુ એક જ છે કે આવી કંપનીઓ આવાં ‘હોર્ડિંગ’ લગાવી પોતાની ‘ડિંગ’ હાંકવાની હોડમાં લોકનું જીવન, ‘હોડ’માં મુકાઇ શકે તેવું શા માટે કરતી હશે ?

સુસ્વાગતમ્ NRI અમદાવાદી સ્ટાઇલ !

આપણો દેશ એટલે ભારતની બહાર સ્થાયી થયેલા દરેક ભારતવાસીઓનું પિયર ! શિયાળાંની મોસમ આવતાં જ તેઓ માનો ખોળો ખૂંદવા સ્વદેશ આવે. આપણું અમદાવાદ પણ આવા એનઆરઆઇથી આ ઋતુમાં જાણે ઊભરાવા લાગે. અમદાવાદમાં આવીને દૂધમાં સાકરની જેમ ભળી જતા આ એનઆરઆઇઓ દૂર રહે પણ આપણી પરંપરા અને સંસ્કૃતિને નિભાભવવાની કોશિશ કરે છે. અમદાવાદમાં એવા પણ ઘણાં એનઆરઆઇના દાખલા મોજૂદ છે કે જેઓ જોબની જવાબદારી ઉઠાવતાં તેઓ પોતાનાં બાળકોને આપણાં દેશની માટીની સુગંધથી પૂરા વિશ્વને મહેકાવે છે. અને ત્યારે તેમના માટે બનેલા ‘નોન સિલાયેબલ ઇન્ડિયન’ ના લેબલ કરતાં ‘નો ડાઉટ રિયલ ઇન્ડિયન’ વધારે યોગ્ય લાગે છે. પ્રતિજ્ઞાનપત્રમાં માત્ર લખાઇ રહેલા શબ્દો કે ‘ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારાં ભાઇ –બહેન છે’ એ સૂત્ર સ્વદેશને સતત યાદ કરતાં ભારતીયોમાં ‘ભારતીય’ નો સંબંધ જ જાણે એક લોહીનો સંબંધ જેવા બની રહે છે. આવા ઘણાં એનઆરઆઇઓ આજે આપણા અમદાવાદના માનવતાં મહેમાનો બની રહ્યા છે. લગ્નોના પ્રસંગોને માણવા, ટ્રેડિશનલ શોપિંગ કરવા ને સ્વદેશને માણવા તેઓમાંના ઘણાં અમદાવાદમાં અનેરો આનંદ મેળવી રહ્યાં છે.

અમદાવાદના વિવાદી રસ્તા !

‘‘ચોમાસું તો ખાસું ખૂબ, દિસે દુનિયા ડૂબાડૂબ’’

દુનિયાની તો ખબર નથી પણ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ બિચારું તો ડૂબાડૂબ થતું દેખાઇ રહ્યું. છે ક્યાંક ક્યાંક ખાબોચિયામાંથી રસ્તા દેખાઇ જાય છે. પણ જ્યારે ‘રસ્તા’ ‘શ્વાસ’ ખાવા માટે ખાબોચિયામાંથી મોટું બહાર કાઢે ત્યાં સુધીમાં તો બિચારા બેહાલ થઇ ગયા હોય ! ખબર નથી પડતી કે રસ્તાઓ બનાવવાના ‘માલ’ માં શું ‘ગોલમાલ’ કરવામાં આવે છે ! જો કે અમદાવાદીઓ ‘આનંદી કાગડો’ થતાં તો શીખવું જ પડશે. એમ માનવાનું કે તમે આ વરસાદી ઋતુમાં જાણે રસ્તાઓ ઉપર ‘ટ્રેડિંગ’ કરી રહ્યાં છો. તમે જો કલાક અમદાવાદના રસ્તા પર ફરો તો સાહેબ તમારી કલાક કસરત કરવા જેટલી જ કેલરી બળે, બીજી એક રીતે આનંદ લેવો હોય તો તે એમ કે, અમુક વિસ્તારોમાં પાણી એટલા બધાં ભરાઇ ગયાં હોયછે કે મકાનની બહાર બધે પાણી જ પાણી દેખાય. ત્યારે ત્યાંના રહીશો તેઓ ‘લેકપેલસ હોટેલ’ માં રહેવા ગયા હોય તેવા મફતમા ‘આઉટટિંગ’ નો આનંદ માણી શકે. ટૂંકમાં, આજે તમે ઇન્ટરનેટ પરથી વસ્તુ ‘ડાઉનલોડ’ કરી શકો છો. ઇન્ટરનેટ પરથી કોઇપણ વસ્તુ ‘સેવ’ કરવી સહેલી છે. પણ આમાંથી કોઇકને ‘સેવ’ કરવાનું ઘણીવાર અઘરું થઇ જાય છે. તો સૌ રાહદારીઓને તેઓ ચોમાસામાં ‘સેફ’ રહે તેના માટે ઓલ ધ બેસ્ટ !

છરો અને મચ્છરો ! અમદાવાદમાં બંને દેખાય !

આજકાલ દુનિયામાં બે વસ્તુઓ ભારે ડર ફેલાઇ રહી છે. એક છરો અને બીજાં મચ્છરો ! છરાથી થાય મરો અને મચ્છરોથી પણ થાય મરો. મચ્છરો કરતાં છરો સારો. એક ઝટકે ખેલ તો ખલાસ થાય. મચ્છરો તો ત્રાટકે વારેવારે. ચટકે ગમે ત્યારે, અરે મટકું ના મારવા દે. એનોફિલિસ નામના મચ્છર કરડે ત્યારે થાય ફાલ્સીપારમ, એડિસ નામનાં મચ્છર કરડે ત્યારે થાય ડેન્ગ્યૂ. હમણાં હમણાં વળી વાંદરાને ચટકેલો એડિસ મચ્છર માણસને કરડવાથી થતો રોગ ચિકુનગુનિયા સારા એવા પ્રમાણમાં ફેલાઇ રહ્યો છું. આ બધા ય ખતરનાક રોગ ! પછી એમાં ‘ક્વિન’ હોય એના પણ ‘ક્વિનાઇન’ ખાધા વગર છૂટકો નહી. બંને વસ્તુમાં સામાન્ય બાબત એ છે કે છરો લઇ લઇ કોઇ સામે ઊભું રહે ત્યારે પણ ધ્રુજારી. થાય અને મચ્છર કરડવાથી તાવ આવતાં પણ ધ્રુજારી જ થાય. મચ્છરો જોતાં હવે તો જાણે છરો લઇને કોઇ ખૂની આવતો હોય તેવો ફફડાટ થવા લાગે છે. મચ્છરનો ચટકો એ જાણે છરાનો ઝાટકો લાગે છે. આતંકવાદમાં દેખાય ‘છરો’ અને અમદાવાદમાં દેખાય ‘મચ્છરો’ ! મચ્છરોથી થાય મેલેરિયા અને છરો જોઇને થાય ડાયેરિયા ! મચ્છરોથી બચવા જોઇએ મચ્છરદાની અને છરીથી બચવા જોઇએ મર્દાનગી ! છરા અને મચ્છરાથી બચવા લોકો થાય છે શૂરા..... કે અમે તો ભારતમાંના વીરાં... પણ જયારે આવે છે કરવાનો સામનો છરા અને મચ્છરાનો... ત્યારે આવી જાય છે મૂર્છા !

શોપિંગ તો અમદાવાદીનું જ !

શોપિંગ કરતાં એ મુદા પર ખાસ ધ્યાન આપવું જોઇએ કે તેમાં તમારી આવક અને જાવકની ‘પિંગ’ મળવી જોઇએ. નહીંતર તો શોપિંગનો ‘શો’ ભારે પડી જાય. કોઇક સિરયલમાં ‘પાર્વતી’ એ ચંદેરી સાડી પહેરી એટલે તમે પણ ચંદેરી સાડીમાં ‘પાર્વતી’ જ લાગો એ જરૂરી નથી. કોઇ ફિલ્મમાં હીરો કલરપ્લસનું ઓરેન્જ શર્ટ પહેરે એ જોઇ એવું શર્ટ લાવતાં પહેલાં આપણો પોતાનો ‘કલર’ જોવો ય જરૂરી છે. ટ્રાયલરૂમમાં ટાયલાવેડા કરતાં કપડાં ટ્રાય કરીકરીને જયારે બિલના મશીનનો બહુ લાંબો ખરખરાટ સંભળાય ને તે સાથે જ મનમાં અફાટ ગભરાટ પેદા થવા લાગે છે. મોલમાં મળતી શેવિંગની બ્લેડથી માંડીને બે-બ્લેડ, ટોપથી માંડીને લેપટોપ અને કટલરીથી માંડીને જવેલરી... આવડા મોટા મસ ‘મોલ’ કે જયાં ન કરાય લોકોનો ‘છોલ’ ! પૈસા કમાવવામાં પસીનો પડે છે. એસી શોપિંગ મોલમાં પૈસા ખર્ચવામાં નહી ! ગાડીને એક્સિલેટર આપવાં પટ્રોલ બળે છે. નહીંતર ખાલી થવા લાગશે બેંક... સમજી –વિચારીને ‘શોપિંગ’ કરવાથી શોપિંગ દીધી ઊઠે છે અને પૈસા ઊગી નીકળે છે.

ઓમ કાકા કોલાય નમઃ અમદાવાદી મંત્ર !

કોકા કોલામાં જંતુનાશક ઘાતક પ્રમાણમાં છે. એમ જાહેર થયા પછી એના પ્રત્યાઘાતો વિશે થોડી ઝાંખી... એ પેપ્સી લેજો... કોકાકોલા લેજો... એક બોટલ સાથે એક ફેટ તદન ફ્રી... છેલ્લો ભાવ પાંચ રૂપિયા... એક બોટલે એક કેટ તદન.. મફત... મફત... મફત.. આવી ઓફર છતાં કોઇ વકરો નહીં... પસ્તીવાળા, શાકવાળા સાથે કોક-પેપ્સીની લારીઓ પણ રસ્તા પર ફરતી લાગી... પણ આ જંતુનાશકવાળી કોકાકોલા કરતાં આપણી જંતુવાળી સાબરકોલાં શું ખોટી ? અરે, કોકાકોલા તો આપણાં માટે બહુ જ સારી. આવા સરસ ટેસ્ટી જંતુનાશક આપણને ખૂબ જ જરૂર છે. આ કોક તો આપણને કયાં મળવાનું હતું કે જેની આપણને ખૂબ જરૂરત છે. આ કોક તો આપણી તારણહાર છે... ઓમ કોકાકોલાય નમ., ઓમ જંતુનાશકાય નમઃ આ એને ત્રણ ચાર બાટલી કોક જ પીવડાવી દઊં એટલે એનો ખેલ ખલાસ કંઇ નહીં તમ તમારે ઉપરના મંત્રોના જાપ ચાલુ રાખજો ને કંપની ઊંચી આવી જશે. સી.ઇ.એસ. લેબ દ્વારા થોડા સમય પહેલાં પણ કોક વગેરેમાં ઘાતક પ્રમાણમાં જંતુનાશક છે તેમ પ્રકાશમાં આવ્યું. હતું. પણ દુઃખનું ઓસડ દહાડા તેમ લોકોના મનમાંથી તે ભૂંસાતું ગયું ને કોક પાછી પીવાવા લાગી. ફરીથી જંતુનાશકનું ભૂત ભરાતાં વળી વેચાણ ઠપ્પ. બિચારા ભારતવાસીઓ ખૂબ ભોળા છે. એમના મનમાં પાપ નથી. થોડા સમય પછી પાછું બધું ભૂલીને જેવા હતા તેવા થઇ જશે પછી ભલેને ‘કોક’ ના કારણે ‘કો’ ક ના જાનનું જોખમ હોય !

બસ, હવે પાછા પંખા ચાલુ !

અમદાવાદની જનતાને સખેદ જણાવવાનુ કે બસ, હવે ઠંડી ગઇ... આવી ગઇ ત્રાસદાયક ગરમીની ઋતુ... હવે તો પાછા પંખા ચાલુ ! કહેવાતો શિયાળો કે જે જોતજોતામાં ચાલ્યો ગયો... કહેવાતો એટલા માટે કે શિયાળો હોવા છતાં કડકડતી ઠંડીનો અનુભવ તો ન જ કરાવે છે. જે ગુજરાતની આબોહવાને આભારી છે. ગરબા, નાચગાન, ફટાકડા, ડાન્સપાર્ટી, ઉત્તરાયણ વગેરેની ઉજવણીમાં રસભર્યો શિયાળો કયાંય પસાર થઇ ગયો ! હવે ગરમી આવતાંની સાથે પંખાઓ, એરકૂલરો ને એરકંડિશનમાંથી નીકળતો બહારની બાજુનો ગરમ પવનને ઘોંઘોટ આસપાસના વાતાવરણને વધુ ગરમ બનાવવાનો ! દિવસ લાંબો ને રાત ટૂંકી થતી જવાની... લીલા શાકભાજીની લારીઓમાં દુકાળ પડવાનો ને ઋતુઓની રાજા ‘કેરી’ રાજ જમાવવાની ! અમદાવાદનાં રસ્તાઓ બપોરે સૂમસામ થવા લાગવાના ને સૂતરાઉ ટોપીને લાંબા હાથમોજાઓ તડકામાં રક્ષણ આપવા લોકોની વહારે આવવાના ! તરબૂચ, સક્કરટેટી ને બાફલોં એ ત્રણોનો ઉપયોગ વધવાનો ! ગરમીથી બચવા નળસરોવર અને અમદાવાદ બંને જગ્યાના ‘એન.આર.આઇ.’ જીવો ભાગી જવાના ! ધમાકાભેર આવતી વાર્ષિક પરીક્ષાઓના નગારાં સભંળાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ વધુ પરસેવો નહાવાના ! ટૂંકમાં, હવે ડામરની ગોળીઓ મૂકીને ‘સ્વેટરો’ ઊંચા મૂકી દેવાના કારણ કે પાછા પંખા, એ.સી. ચાલુ કરવાના દિવસો આવી રહ્યા છે.

આડોશ-પડોશ તો અમદાવાદનાં !

‘પહેલો સગો તે પડોશી’ આ કહેવત તો સૌ માટે જાણીતી છે. પણ જયારે તે હકીકત બંને છે ત્યારે એમ થાય કે આ કહેવતો કંઇ એમને એમ નહીં બનતી હોય ! અમદાવાદમાં બનેલાં અને સાંભળેલા દાખલા પ્રમાણે અડોશ-પડોશની વ્યાખ્યા કંઇક આમ આપી શકાય... પાડોશી સાથે શરૂ થયેલો ‘વાડકી વ્યવહાર’ ઘણીવાર ‘લાડકી વ્યવહાર’ સુધી પણ પહોંચતો હોય છે. ‘વાડકી’દાળ –ચોખાની લેવડ-દેવડ ક્યારેક ‘લાકડી’ યે લેવી દેવી પડે છે ! કોઇ વાર ‘લાડકી વ્યવહાર’ અનુકૂળ ન હોય તો તે ‘લાડકી વ્યવહાર’ માં પણ પરિણમતો હોય છે. ને પછી તો તે પડોશીઓ કરેલાં શીરાની સુંગધ સિવાય બીજી કોઇ પણ વાતની ગંધ.સુદ્ધાં બાજુમાં ન પહોંચે તેવા સંબંધો વણસી જતા હોય છે. રોજિંદા જીવનની વાત કરીએ તો પાડોશીઓ ઘણી બાબતમાં ખૂબ મદદરૂપ બનતા હોય છે. ઘરે હાજર ન હોઇએ ત્યારે ટપાલ, રજિસ્ટર, વગેરેની લેવડ-દેવડ કે મહેમાનનાં સંદેશાનો આપ-લે થી માંડીને ઘણીવાર નાના છોકરાઓનું ધ્યાન રાખી તેઓ હૂંફ આપતા હોય છે. છાપાં –મેગેઝિનોની લેવડ-દેવડ કે વાડકી લોટ કે ખાંડની આપ-લે તો જાણે સામાન્ય બાબત બની રહે છે. પાડોશી પણ ભગવાનની જ દેન છે. એમ માનીએ ‘આપ ભલા તો જગ ભલા’ ની કહેવત પ્રમાણે સૌ સાથે હળીમળીને નિઃસ્વાર્થભાવે જ રહીએ તેવાં નિયમ સાથે અમદાવાદનાં બધા ‘અડોશી’, ‘પડોશી’ ‘સામેડોશી’ અને ‘પાછળડોશી’ ને હેલ્ધી નેબરહૂડ !

અમદાવાદની મીઠી પંચાત !

અમદાવાદ એટલે ચાટ અને પાણીપૂરીનું શોખીન શહેર ! અહીં નાનામાં નાની લારીથી માંડીને મોટી હોટેલમાં ચાટ ખાવાના શોખીનો મસાલેદાર ચાટની મઝા માણ્યા જ કરતા હોય ! આલુચાટ, દહીંચાટ, દિલ્હીચાટ, વગેરેની સાથે અહીં બીજી એક જોવા મળતી ગરમાગરમ મસાલેદાર ચાટ એટલે પંચાત ! બધા થોડાઘણે અંશે તો એનાથી પરિચિત હોય જ ! આ ચાટ આગળ તો ભલભલી સ્વાદિષ્ટ ‘ચાટ’ પણ પાણી ભરે ! આ ચાટમાં પાંચ જાતનાં રસ આવે. ખારો, ખાટો, તીખો, તૂરો અને મોળો પાંચે રસથી ભરેલી ચાટ એકમાત્ર મીઠામધુર રસથી જ વંચિત રહી જાય એમાં હોય ‘કોણ’, કોનું,ક્યારે કેમ ને એમ નામના પાંચ શાબ્દિક-માર્મિક મસાલા ! ‘હાય હાય’ નામની રાઇનો વધાર એમાં સરસ મજાનો જોરદાર તડતડાટ બોલાવે ! અમદાવાદ માટે કહેવાય છે કે ‘જયાં મળે ચાર ચેટલાં એ ઓટલા પર હોય પંચાતના પોટલા’ ! અહીં આ પંચાત નામની ‘ચાટ’ મળવાના ઘણાં સ્થાન છે. બગીચાનાં બાંકડા, સોસાયટીના નાકા, મંદિરનાં ઓટલાં વગેરે વગેરે એમાં પહેલો આવે આપણાં મંદિરનો ઓટલો ! હાતમાં ગૌમુખી અને મોઢામાં સરસ્વતી સાથે ‘ચાટ’ ની મઝા માણતા મંદિરને ઓટલો થાય લોકોની આરતી ! જોડે થાય સાસુ-વહુના ‘મહિમ્નસ્તોત્ર’. નણંદ –ભોજાઇનું ‘દેવી અપરાધરતોત્ર’ પતિદેવોનાં ‘હનુમાનચાલીસા’ અને અડોશ-પડોશની ‘ભગવદગીતા’ ! બધાંયના ‘રામાયણ’ ના ‘પારાયણ’ પછી પ્રસાદ વહેંચાય આખા ગામમા ને ઠેરઠેર ગામ આખું ભગવત્કૃપાથી ચાટની મઝા માણે ! આ ‘ચાટ’ ગમે તેટલી મસાલેદાર હોય પણ તેનાથી દૂર રહેવું જ સારું તેના ‘ઓવરઇટિંગ’ ને કારણે ઘણીવાર મનદુઃખ, ઇર્ષા, ક્રોધ, રુદન જેવી વ્યાધિઓનો સામનો પણ કરવો પડે ! માટે, આ ‘પંચાત’ નામની ‘ચાટ’ ને જ ધૂળ ચાટતી કરી દેવામાં માલ છે.!

નવું નવું નવ દહાડા !

નવું વર્ષ ધમાકાભેર આવ્યું ને જૂનું યે થવા લાગ્યું નવું નવું પણ કેટલાં દિવસ હોય ? માણસ નવીનતા વગર જીવી શકતો નથી. પ્રત્યેક વસ્તુમાં તેનાવીન્ય અને પરિવર્તન માગતા રહે છે. નવી વસ્તુ આજનો માનવી તરત જ પચાવી લે છે ને નવું વર્ષ પોતાનું નવાપણું ખોવા લાગે છે. આજના આ ઝડપી યુગમાં માનવીને નવ દહાડા પણ નવી વસ્તુ માટે વધારે લાગે છે. આજે વિજ્ઞાનક્ષેત્રે એક શોધ થાય, તે જનતા સમક્ષ મુકાય ત્યાં તો બીજા દિવસની બીજી શોધ તરત જ તેને જૂની બનાવી દે છે. એક નવી વસ્તુ બજારમાં મૂકાય ન મૂકાય ત્યાં તો હરીફાઇના આ ઝડપી યુગમાં તેનાથી વધારે સગવડતાભરી ચીજો ઉપલબ્ધ થઇ છે. આમ ને આમ, આજે નવી વસ્તુઓનું આયુષ્ય શોધો જેવાં ‘ફાસ્ટ’ એજિંગ પ્રોસેસ’ ને કારણે ટૂંક ને ટૂંકૂં થતું જ જાય છે. નવી વસ્તુના ટૂંકા આયુષ્યની જેમ આજે માણસ-માણસ વચ્ચે પણ ટેલિકોમ્યુનિકેશન અને ઇન્ફરમેશન ટેક્નોલોજીની ઝડપી પ્રગતિને કારણે નવા પણ ટૂંકા આયુષ્યવાળા કહેવાતા સંબંધો રચાવા લાગ્યા છે ને માણસો પોતે નવા નવા યુગમાં જૂનો થાય એ પહેલાં જ ક્યાંક ખોવાઇ જવા લાગ્યો છે !

દિવાળી તો આવીને જતી યે રહી પણ...

પણ હજી યે દિવાળીની અસરો બેસુમાર વર્તાઇ રહી છે. વાતાવરણમાં ફટાકડાના ઘુમાડાની ગંધ હજી પણ લોકોને ગૂંગળાઇ રહી છે. દિવાળીમાં રાખેલા મીઠાઇઓના મારાથી વજનનો કાંટો ઉધ્વગતિ કરી રહ્યો છે. સુગર હાઇ લાગવા લાગી છે. ઘીથી મધમધતી મીઠાઇઓ અને તેલમાં ફાલેલા ફરસાણોથી ફૂલેલી ફાંદોને કારણે ઘરમાં રંગોળીને બદલે દવાની ગોળીઓ દેખાવા લાગી છે. નવીનવી કોકરી અને વાસણો પાછા શોભા બનીને કાચના શોકેસમાં મુકાવા લાગ્યા છે.

રહીસહી મીઠાઇઓ અને નાસ્તાઓ ઠેકાણે પાડવાના પ્લાનો અમલમાં મુકાઇ રહ્યા છે. નવા નવાં કપડાં ડ્રાયક્લીન થઇને ખીસા યે ‘કલીન’ કરીને પાછા કબાટોમાં ગોઠવવા લાગ્યા છે. નામ માત્રની શુભ કામના કરતાં લોકો હજી પણ બોણી માટે બેલો મારી રહ્યા છે. કંપનીઓની જાહેરખબરોરૂપે આવેલા નવા વર્ષના તારીખિયા ખીંટીઓ પર લટકવા લાગ્યાછે. ને હવે બોમ્બને બદલે તારીખોનાં પાનાં ફાટવા લાગ્યાં છે. પંચાગોમાના ચોઘડીયા ધીમેધીમે સરી રહ્યા છે ને ભૂતકાળ પણ બનવા લાગ્યા છે. ને દિવસો પાછા આવતા દિવાળી તરફ ગતિ કરવા લાગ્યા છે. ઠેરઠેર જઇને કે ફોન દ્વારા લોકોને નૂતનવર્ષાભિંનંદન પાઠવ્યા પછી ફોન અને પેટ્રોલનાં બિલ જોઇને દિલમાં પૈસાનુ નિકંદન નીકળી ગયાનાં સ્પંદનો અનુભવાઇ રહ્યા છે. જાણે કે બધી ચીજોના બિલોનાં બ્યુગલો હવે વાગવા લાગ્યા છે. આ બધા ઉપરાંત લોકોના દેખીતા ભલા માટે કરાતાં ખોટાં લખલૂંટ ખર્ચાઓના ઘડાકા ને ધુમાડા ચાલતાં જ રહેવાના જાણે કે કોના બાપની દિવાળી બ્યુગલો હવે વાગવા લાગ્યા છે. આ બધા ઉપરાંત લોકોના દેખીતા ભલા માટે કરાતાં ખોટાં લખલૂંટ ખર્ચાઓના ઘડાકા ને ધુમાડા ચાલતાં જ રહેવાના જાણે કે કોના બાપની દિવાળી બ્યુગલો હવે વાગવા લાગ્યા છે. આ બધા ઉપરાંત લોકોના દેખીતા ભલા માટે કરાતાં ખોટાં લખલૂંટ ખર્ચાઓના ઘડાકા ને ધુમાડા ચાલતાં જ રહેવાના જાણે કે કોના બાપની દિવાળી

મફત… મફત… મફત...

અમદાવાદી માટે પંકાયેલ ખાસ શબ્દ !

‘મફત’ શબ્દ સાંભળતા જ આપણા અમવાદીઓની આંખો ચાર, કાન સરવા, મોં પાણી-પાણી અને પગમાં સળવળાટ થવા લાગે, પછી મફતની જયાફત ઉડાડવા માટે ભલેને ગમે તેવી આફ્તોને સામનો કરવો પડે ! ખબર પડે કે ફલાણી વસ્તુની ખરીદી પર અમુક વસ્તુ ‘ફ્રી’ મળે છે. તેની સાથે જ બધી ઇન્દ્રિયો સતેજ થઇ જાય. ભલે પછી મફતમાં મળેલી વસ્તુમાં કશો જ દમ ન હોય, છતાં પણ તે મફતમાં મળ્યાનો આનંદ અને સંતોષ અનેરી હોય. ઘણીવાર જાહેરખબરોમાં લોભામણી ‘ઓફરો’ આવતી હોય છે કે એક શર્ટની ખરીદી પર એક શર્ટ ફ્રી કે રૂ. હજારની ખરીદી પર રૂ. સોની વસ્તુ ફ્રી પણ આ બધામાં ખરેખર ફ્રી કેટલું તે તો ઓફર મૂકવાવાળા જ જાણતાં હશે.

પણ વાંધો નથી. આપણને તો મફતનું હમજ થાય છે ! દર એક ઘર છોડીને એક ઘરે કોઇપણ જાતોનો નાનો-મોટો ધંધો કરનારા હુન્નરપ્રેમી શહેરમાં સામસામી લેવડદેવડમાં ‘મફત’ના સમીકરણોને ઉકેલાતા જ રહે છે. અને મફત નો આનંદ લગભગ સૌ કોઇને મળી રહે છે. ભાઇચારાને કારણે આજે આ પૈસાનું તો કાલે પેલો એનું એમ સામસામે વાળીને જ રહે છે. ટૂંકમાં, મફતમાં લીધેલા કે આવેલાની સામે આપવા-દેવાથી જ માણસને મફતનો મર્મ સમજાય છે.

જીજે-1 એએચડી-380006

ગુજરાતના પહેલાં નંબરના શહેર અમદાવાદનો ‘પોશ’ વિસ્તાર એટલે એલિસબ્રિજ જેનો પિનકોડ છે 380006 એટલે આમ લખી શકાય કે જીજે-1-એચડી-380006. આપણા આ પોશ વિસ્તારને હમણાં-હમણાં ઉપરઉપરથી ઘણું પોલિશ કરવામાં આવ્યું. છે આ વિસ્તારનો મુખ્ય રોડ સી.જી. રોડ તો ઠેરઠેર જાણીતો છે. ઘણાં લોકો તેને ‘શ્રીજી રોડ’ પણ કહે છે. ખરેખર તો શેઠ ચીમનલાલ ગિરધરલાલ શ્રીજીચરણ પામ્યાં પછી તેમના નામ પરથી જાણીતા થયેલા આ સી.જી.રોડની જાહોજલાલી બસ વધતી ને વધતી જ ચાલી. છેલ્લાં દસ-પંદર વર્ષમાં તો આ રોડની સૂરત જ બદલાઇ ગઇ. મોટા-મોટા શોપિંગમોલ, હોટલો, ફાસ્ટફૂડ, રેસ્ટોરન્ટ, જવેલસ્સ, ઓફિસ કોમ્પલેક્સો વગેરેને કારણે તે ‘સુપર’ રોડ બની રહ્યો. જેમ સુપરમાર્કેટમાં બધુ જ મળી રહે તેમ આ સુપર રોડ પર બધું જ મળી રહે. પરિમલ ગાર્ડન અને લોગાર્ડન આ વિસ્તારની શાન છે. લાજવાબ હેન્ડક્રાફ્ટની ચીજો માટે જાણીતી બનેલી લોગાર્ડનની ફૂટપાથ અમદાવાદીઓ અને એનઆરઆઇઓ પણ વિદેશીઓની માનીતી છે. આ વિસ્તારમાં આવેલા સમર્થેશ્વરના મંદિરની આરતીનો ઘંટાસ્વ ત્યાં પવિત્ર વાતાવરણ આપે છે. રવિવારે કે જાહેર રજાના દિવસે આ રોડ ઉપર જાણે માનવમહેરામણ ઉમટે. દિવાળી નવરાત્રી ટાણે અહીં એ જુદી જ ચમક જોવા મળે. વારેતહેવારે રોશનીથી ઝળહળતો આ રોડ અમદાવાદના ‘નેકલેસ’ સમો બની રહી છે. રોડ પર બનાવેલા પાર્કિંગ બેમાં વ્યવસ્થિતપણે પાર્ક થયેલી ગાડીઓ અમદાવાદની શાનમાં વધારો કરે છે. દરેક સિગ્નલ પર પોલીસો ‘સાવધાની’ ની અદામાં વાહનવ્યવહારો અંકુશમાં રાખવાની કોશિશ કરતાં દેખાય છે. અમદાવાદને આ ધમધમતો ધોરીમાર્ગ ધમધોકાર વરસાદ કે ધોમધખતા તાપમાં પણ ધસમસતાં વાહનોથી ધીકતો જ હોય !

અમદાવાદી બચત

‘એ આ બટાકા આપ્યા ?’ ‘એ બેનજી દસ રૂપિયે કિલ્લો’ ‘અરે જા જા હોતા હશે?’ ચલા સરખો ભાવ કર. અરે ના બા, નવ રૂપિયે તો અમને ઘેર પડે છે. ના પોસાય –આ દસ રૂપિયામાં લેવા હોય તો લો. અરે, હું તો રોજની ઘરાક છું. ચલ સરખો ભાવ લઇ લે. ચલ લે, નવ રૂપિયા અને બરાબર જોખજે. પાછો. અરે બંને, મારા તોલમાં કંઇ ના કહેવું પડે, લ્યો આ કિલ્લો બટાંકા, અરે જા આટલાં જ ? ચલ પેલો પાતળી છાલવાળો બટાકો ય મૂક ચલ. બને પણ કિલ્લો થઇ ગયાં અરે કહું છું એક રૂપિયો તો ઓછો કરાવ્યો જ અને ઉપરથી એક બટાકો વધારે રળીને ખુશ થતાં એ આગળ ચાલ્યાં. એ આ કેળાં શું ભાવ આપ્યા ? એ બેન તમારા માટે છ રૂપિયાનાં છ બસ ! અરે નથી લેવાં. એ પેલી બાજુ તો છ રૂપિયાનાં આઠ આપે છે. સારું બા, આજે ઘરાકી નથી. લ્યો છનાં આઠ લઇ જાવ, પણ લઇ જાવ. વળી એ ખુશખુશાલ. બીજાં બે કેળાં પણ વધારે મળ્યાં. એંમની આવક થઇ દિવસનો એક બટાકો, બે કેળાં ને પેલો ઓછો કરાવેલો એક રૂપિયો ! પછી માંડી ગણતરી એક બટાકો બે કેળાં એટલે લગભગ દોઢ રૂપિયો. એટલે કુલ કમાણી થઇ અઢી રૂપિયા અને અઠવાડિયામાં લગભગ ચારેક દિવસ ખરીદીનું નીકળું તો સહેજે દસેક રૂપિયાની બચત તો પાકી જ ! એ દબાયેલા દસ રૂપિયાની આધી એમણે દાબેલી ને પછી ચાલીસ રૂપિયા ડોક્ટરની ફી ને સાંઇઠ રૂપિયાની દવા.

હિસાબઃદસ બચાવ્યા, સો ખોયા. ખૂબ રોયા.

ઇતિહાસના ‘સત્યના પ્રયોગ’ આજે અમદાવાદમાં!

આજનાં યુગમાં જયારે ગાંધીજી ફિલ્મનાં પાત્ર માત્ર બની રહ્યાં છે. કે ‘ખાદી પર વળતંર’ પૂરતાં સીમિત થઇ રહ્યા છે ત્યારે આજે ‘ગાંધી નિર્વાણ’ પર થઇ રહેલો ‘ગાંધી-ટાગોર’ વચ્ચેનાં અલૌકિક સંબંધ પરના વિવેચનનો એક નવતર પ્રમાણે આજે ગાંધી આશ્રમમાં થઇ ગયો. આપણી યુવાનપેઢી કે જે આજે આવા મહાનપુરુષને ફિલ્મોના પાત્ર પૂરતા જાણે તેના કરતાં તેઓ વચ્ચેના આવા’વિરલ સંબંધ’ દ્વારા જાણે તેની તાતી જરૂર જણાય છે. ગાંધી –ટાગોર જીવનચરિત્ર મહાન અભ્યાસી અને વિદ્ધાન સ્વપ્ન મજુમદાર અને બંગાળી ફિલ્મોના સર્જક દેવવ્રત રોય દ્વારા લોકો સમક્ષ જે ફિલ્મ રજૂ કરવામાં આવશે તે પ્રયોગ ખરેખર આવકારને પાત્ર છે. ગાંધીનિર્વાણ દિનની સાંજે સાબરમતી આશ્રમ ઇતિહાંસના ‘સત્યનાં પ્રયોગ’ની એક લેબોરેટરી સમાન બની રહી. અમદાવાદમાં એક જોવાલાયક સ્થળ તરીકે ઘણાંએ ‘ગાંધી આશ્રમ’ જોયો હશે પણ આવા પ્રસંગે ત્યાંના માહોલને ઊંડી અને વિરાટ ર્દષ્ટિએ માણવાનો લહાવો તો અમદાવાદીઓએ ન જ ચૂકવો જોઇએ. લેખક નિરંજન ભગતનું એક વિધાન કે ‘ટાગોર અને ગાંધીજી’ ભારત અને મનુષ્યજાતિનાં ભાગ્યવિધાતા છે.

અમદાવાદ ‘ઓન વ્હીલ્સ’

કૂદકે ને ભૂસકે વધતી જતી અમદાવાદની વસતિની અનેક જરૂરિયાતોને પહોંચી વળવા અહીં લોકો દ્વારા જાતજાતના અને ભાતભાતના નુસખાં અજમાવાઇ રહ્યા છે. મોકાનાં સ્થળોએ જગ્યાની અછત અને ઊંચા દામોને કારણે અમદાવાદીઓ આજે જમીન કરતાં બે-ચાર ફૂટ અદ્ધર ચાલવાનું વિચારી રહ્યા છે. જયાં બળદગાડાંને ઉંટગાડાંઓ માલની હેરફેરમાં વપરાતા એવા અમદાવાદમાં આજકાલ એક નવો પ્રયોગ થઇ રહ્યો છે. બિલિંગ પેમેન્ટ, લાઇબ્રેરી, આઇ.સી.યુ., કેસેટ-સીડી, ખાણીપીણી, કપડાં, જાહેરાતો માટે હોર્ડિંગ ફ્લોરિસ્ટ શોપ અને હવે સિગ્નલો પણ ‘ઓન વ્હીલ્સ’ આવી રહ્યા છે. સમસ્ત અમદાવાદી નગરી આજે પૈડા પર દોડી રહીછે. હુન્નરપ્રેમી અમદાવાદીઓ આજે દરેક બાબતમાં સરળ ને સારો વિકલ્પ શોધી કાઠવામાં જાણે માહીર થઇ રહ્યાં છે. ‘પૈડું’ ફેરવવામાં હોશિયાર એવા અમદાવાદમાં નજીકના ભવિષ્યમાં શું-શું ‘ઓન વ્હીલ’ હશે તો તે આવતા દિવસો જ કહી શકાશે ! મુંડે મુંડે મતિભિન્ના કહેવતની જેમ પૈડે પૈડૈ ગતિભિન્ના ની કહેવતે ગમે તે રીતે પણ અમવાદીઓની આ ઓન વ્હીલ્સ યોજના દ્વારા અમદાવાદના આજે ખરેખર જે મેગાસિટી બનવા તરફ ઝડપી ગતિ કરી રહેલું દેખાય છે ! વિશ યુ એ સેફ જર્ની અમદાવાદ !

અમદાવાદનાં આ ટ્રાફિક પોલીસને સલામ પણ....

સાહેબજી ! અરે, હમણાં હમણાં આ તમને પોલીસને થયું છે શું ? બહુ કડક થઇ ગયાં છો હોં ભઇ ! વાતવાતમાં લાકડી બતાવો છો ને ‘મેમો’ ફાડો છો ! અમે બધા તો તમારા લોકોથી બહુ ડરી ગયા છીએ ! હેલ્મેટ ને સીટબેલ્ટ ફરજિયાત ! વળી પી.યુ.સી. નું પેલું રદ્દી કાગળિયું ને ‘લાઇસન્સ’ સોરી ‘સ્માર્ટકાર્ડ’ બધું એકદમ હાથવેંતમાં વ્યવસ્થિત રાખવું પડે. એ તો ઠીક પણ પાછો અમારો ભૂલમાયે કોઇ વાંકગુંના હોય તો જડબેસલાક ઊભા રહી જાવ ને દંડ ભરપાઇ કરાવો. સીટબેલ્ટ લગાવીએ તો ગળે ફાંસો ખાધા જેવું થાય છે ને હેલ્મેટથી તો ભઇસા’તો તોબા ! કોઇકવાર તો એમાં થોડી છૂટછાટ આપો યાર ! દૂરથી જ તમને લોકોને જોઇને ડર લાગવા માંડે ને અમે મોબાઇલ ખોળામાં સરકાવીને ‘એલર્ટ’ તો થઇ જ જઇએ છીએ. ખબર છે કે તમે લોકો પણ અમને પકડવા માટે ખૂબ મહેનત કરો છો પણ એક વાત તો કહેવી પડે હોં, આ ટાઢ-તાપ કે વરસાદ હોય પણ તમે લોકો શિસ્તબદ્ધ રીતે સફેદ-ખાખી ગણવેશમાં સજજ વાહનવ્યવહારનું નિયમન કરતાં ખડેપગે ઊભા જ હોવ ! પણ એક વિનંતી છે કે અમારો કંઇ વાંકગુનો હોય તો અમને દબડાવતા પહેલાં એકવાર શાંતિથી તો કહી જુઓ. અમારે પણ કંઇ કોઇ નિયમ નથી તોડવાં. અમે પણ તમને સહકાર આપવા તૈયાર છીએ. પણ ભઇ ટ્રાફિક પોલીસ, જુઓ ખોટું નહીં લગાડતા પણ તમારે થોડા’પોલિસ’ થવાની જરૂર છે. બાકી તો તમે બહુ સારા છો ! પાછા આ વાંચીને દંડ નહીં ફટકારતા હોં ! સલામ !

અમદાવાદનું અંતિમધામ....

અસિતગિરિ સમં સ્યાત્ કજ્જલં સિંધુપાત્રે

સુરતરુવરશાખા લેખિની પત્રમુર્વી !

લિખતિ યદિ ગૃહિત્વા શારદા સર્વકાલં

તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ !!

સમુદ્રરૂપી પાત્રમાં નીલપર્વત જેટલી શાહી હોય. શ્રેષ્ઠ કલ્પવૃક્ષની ડાળીની કલમ હોય, પૃથ્વીરૂપી કાગળ હોય અને સ્વયં શારદાદેવી સદાકાળ લખ્યા જ કરે તો પણ હે ઇશ, આપના ગુણોનો પાર ન આવે તેવા અપાર ગુણવાળા શિવજીની વિરાટકાય મૂર્તિ આજે આપણા અમદાવાદના નવાં બાંધવામાં આવેલા સ્મશાન ‘અંતિમધામ’ માં પ્રસ્થાપિત કરવામાં આવે છે. રસ્તા પર આવતા –જતા લોકોને આવી સુંદર ભાવવાળી વિરાટ મૂર્તિના દર્શ કરાવતું ‘અંતિમધામ’ ઘણું જ રમણીય બનાવવામાં આવ્યું છે. ઇલેક્ટ્રિક અને લાકડાં પર બંને રીતે અગ્નિદાહ આપી શકાંતાં આ સ્મશાન તરફથી શબવાહિનીની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આસપાસની ઓફિસવાળા લોકો માટે આ અંતિમધામનો બગીચો એ ઘણું માનીતું સ્થળ બની રહ્યું છે. વસતિ સાથે અમદાવાદ વિસ્તરતાં બીજી અન્ય સુવિધાઓની જેમ સ્મશાન ની સગવડ પર વધારવી પડે. અંતિમ કાળે શિવજી દ્વારા જીવને આપવામાં આવતાં તારક મંત્ર ને જાણે પ્રત્યક્ષ સ્થૂળરૂપે આપતી મૂર્તિથી અંતિમધામ એ શાંતિધામ બની રહે છે.

***