11462 Kilo meter books and stories free download online pdf in Gujarati

11462 કિલોમીટર

૧૧,૪૬૨ કિલોમીટર
———————

ઋષિકેશમાં આવેલા ‘ ગ્લાસહાઉસ ઓફ ગેંજીસ ‘ રીસોર્ટનો નઝારો કંઈક અલગ જ હતો . મંદમંદ વાતી તાજી ખુશનુમા હવા, માસૂમિયતથી ડોલી રહેલાં લીલાછમ વૃક્ષો , વૃક્ષો પર ઝળુંબી રહેલાં ફૂલોનાં ઝૂમખાં , સ્પર્શીને જતાં ભીના વાદળ અને પૂરજોશમાં વહી રહેલી ગંગાનદી !

નદીનાં તટ પર પડેલાં વિશાળ પથ્થરોની આગોશમાં બેઠેલી પારેવી આ રોમાંચક ચિત્રપટ સમા આહલાદક વાતાવરણને જાણે આંખોથી પી રહી હતી . હાથમાં પકડેલી કલમ અને સામે પથ્થર પર લહેરાતાં કાગળ સાથે પારેવી , સામે જ ઊછળકૂદ કરી રહેલી ગંગાનદીની રમતિયાળ લહેરોને એકીટશે તાકી રહી હતી . લહેરોને જોઈને એનાં મનમાં બીજી તરફ કવિતાની છોળો ઊડી રહી હતી ! કવિયત્રી પારેવીની કલમની લહેરો વહી રહી હતી ને શબ્દાકારે કવિતા રુપે કોરા કાગળ પર આકાર લઈ રહી હતી .

“ સરિતાની મસ્ત લહેરો
ને એમાં છલકાય
એક સૌમ્ય ચહેરો !
પહેરીને જાણે
સોનેરી કિરણોનો સહેરો ! “

પારેવીનાં હાથની કલમમાંથી ગંગાનાં પ્રચંડ પ્રવાહ કરતાં પણ ધસમસતો શબ્દવેગ વહી રહ્યો હતો . એના ચહેરા પર દેખાતી લાલી ઊગતા સૂર્યનાં આકાશમાં છવાતી લાલીથી કંઈ કમ ન હતી . વર્ષોથી એની આંખોનાં આકાશમાં વરસતા વાદળ જાણે જીંદગીની નાની-મોટી થપાટોથી થીજી ગયા હતા . એની કાજલભરી આંખોમાં પેલાં લહેરો પર દેખાતા સૌમ્ય ચહેરાનું પ્રતિબિંબ ઝળકી રહ્યું હતું . એની કલમ બસ વહી રહી હતી ...

“ દિલમાં છે પ્રેમ
ઘણો ગહેરો!
કિસ્મત તું ઊઠાવને 
મારા પરથી
હવે તારો પહેરો !
સરિતાની લહેરો
ને એમાં છલકાય
એક સૌમ્ય ચહેરો !”

પારેવી ઋષિકેશનાં રીસોર્ટનાં ગંગાકિનારે બેઠેબેઠે હજારો માઈલ દૂર આવેલાં કેનેડાનાં કેલગરી શહેરમાં પહોંચી ગઈ હતી . આકાશ સાથે થયેલાં અગણિત પ્રેમભર્યા સંવાદો એનાં માનસપટ પર ભીની હલચલ મચાવી રહ્યાં હતાં . 

“પારેવી આપણે સૌ પ્રથમ ઋષિકેશ જઈશું . ત્યાંનાં મધુર વાતાવરણમાં આપણાં સહજીવનની શરુઆત કરીશું . તારી સાથે મારા સપનાને જીવવાની શરુઆત મારે ત્યાંથી જ કરવી છે ”

“હા , આકાશ ! બસ હું અને તું ! ગંગાનાં પવિત્ર ધસમસતાં વેગવંતા પ્રવાહની જેમ જ આપણો પ્રેમ ત્યાંથી જ એકબીજા સંગ પમરાટ
પાથરશે .” 

આવાં તો કંઈ કેટલાંય તારલે મઢેલાં અગણિત વહાલભર્યા સંવાદોથી પારેવી અને આકાશનો પ્રેમ તરબતર હતો . જીવનનાં મધ્યાહ્નમાં ફુટેલો આ પ્રેમ સમજદારીભર્યો હતો ને રોજેરોજ ગાઢ બનતો જતો હતો .આટલે દૂર રહીને પણ તેઓનો પ્રેમ શબ્દો અને સંવાદોથી દ્રઢ ને દ્રઢ બનતો ગયો હતો . એકબીજાથી ૧૧,૪૬૨ કિમીનાં અંતરે પણ આ સારસબેલડી શબ્દસેતુથી અખંડ અને અવિરતપણે બંધાઈ ચૂકી હતી. અલૌકિક સ્પર્શરહિત આ પ્રેમની એક અદભૂત કહાની સુંદર આકાર પામી રહી હતી . 

પારેવીનાં કેનેડાનાં પ્રવાસ દરમ્યાન એ અને એંન્જિનિયર આકાશ મળ્યા હતા ને પારેવીનાં સ્વદેશ પરત  આવ્યા બાદ ,  તેમની દોસ્તી છેવટે અતૂટ પ્રેમમાં પરિણમી હતી . સામાજિક બંધનોથી લદાયેલાં આકાશ પાસે સમાજને આપવાનાં કોઈ જવાબ ન હતાં . અતીતનો વસવસો જ તેમનાં વર્તમાનનો ચિતાર હતો . બંનેને એક થવાનો કોઈ જ માર્ગ ન દેખાતા , તેમના સપનાને જીવવાં , મનને શાંત કરવાં આકાશે પોતાના અતીતનાો ત્યાગ કરીને હવે કાયમ માટે પારેવીની સાથે થવાનો નિશ્ચય કર્યો હતો . 

ગંગાકિનારે પારેવી , શબ્દોથી જડાયેલી , જકડાયેલી સ્વપ્નવત્ પથ્થરને અઢેલીને બેઠી હતી . એનાં મનમાં શબ્દો દોહરાઈ રહ્યાં હતા - “ આકાશ તને જોયે વર્ષ થઈ ગયું , તું ક્યારે આવીશ ? “ કાગળ પર ઘૂમી રહેલી પારેવીની કલમ કેનેડાથી ઈન્ડિયા સુધી રચાયેલાં એમનાં શબ્દસેતુને જાણે રામસેતુમાં પરિવર્તિત કરી રહી હતી ! 

આકાશ , આકાશમાર્ગે એની પારેવી પાસે આવવા નીકળી ચૂક્યો હતો . આકાશ દિલ્હી લેન્ડ થઈ ચૂક્યો હતો ને પવનવેગે ઋષિકેશ આવવા રવાના પણ થઈ ચૂક્યો હતો . જીવનની બધી જ જવાબદારીઓ નિભાવીને , ભવિષ્યમાં આવનારી જવાબદારીઓનાં જથ્થા સાથે આજથી એકબીજાનો સહારો બનવા તરફ સમય આજે તેઓને ગતિ કરાવી રહ્યો હતો !

બસ , શબ્દોનાં સહારે , શબ્દોનાં વિશ્વાસે બંને એકીશ્વાસે આ પળની રાહ જોઈ રહ્યાં હતાં .પારેવી આકાશનાં આલિંગનમાં સમાઈ જવા અને આકાશ પારેવી પાસેથી પ્રેમનો પ્રાણવાયુ પામવા કિસ્મતને પ્રાર્થી રહ્યાં હતાં . 

આકાશ આવ્યો - એની પારેવી પાસે ! ગંગાની લહેરોની પડઘમમાં બંનેનાં ડૂસકાં અને સંવાદો ક્યાંય સુધી ઓગળતા રહ્યાં  અને ત્યારે અલૌકિક શબ્દાવલિએ એક સુંદર પ્રેમમઢી કવિતાનું જાણે સર્જન થઈ રહ્યું હતું - જે કવિતાનાં સર્જનહાર હતા સ્વયં વિધાતા !

- પાર્થિવી અધ્યારુ શાહ