Naari books and stories free download online pdf in Gujarati

નારી

ભલે આ સૃષ્ટિની ઉત્પત્તિ ઇવ અને આદમથી થઇ હોય, અને ભલે બંનેનો ફાળો સરખો રહ્યો હોય પણ જો હું એમ કહું કે ઈવનો ફાળો વધુ હતો તો શું તમે માનશો ખરા ? ત્યારથી લઈને અત્યાર સુધી સ્ત્રી જ આગળ રહી છે છતાં આજે સ્ત્રીની દશા શું છે ?? પુરુષ એક વાર સ્ત્રીમાં પોતાનું બીજ નાખી દે એટલે બસ તેનું કામ એટલેથી જ પૂરું થઇ જાય છે !!! ત્યાર પછીના નવ મહિના સ્ત્રી જ તે બીજને પાળે છે પોષે છે. અરે ફક્ત નવ મહિના જ નહિ પણ નવ મહિના પછી પણ સ્ત્રી જ તો બાળકને અમૃત સમું દૂધ પીવડાવીને પોષે છે !!! મારી સાથે અગર તમે સહમત ના હોવ તો વિચારો કે જો પુરુષ એકવાર સ્ત્રીમાં બીજ રોપી દે પછી અને પછી જો તેનું મૃત્યુ થઇ જાય તો શું ઉદરમાં શ્વસતા બાળકને પ્રત્યક્ષ રીતે કઈ ફરક પડવાનો છે ? ( એ વાત અલગ છે કે તેના કારણે સ્ત્રીને આઘાત લાગે અને તેને કારણે બાળકને અસર પહોંચે ) પણ જો સ્ત્રીને જરા પણ વાંધો આવે તો તેની અસર સીધી બાળક પર પડી જાય છે. સ્ત્રીનું ઉઠવું, બેસવું, ખાવું, પીવું, વાંચન- વિચાર બધું જ તેના બાળકને અસર કરે છે. (તમને ઇતિહાસના અભિમન્યુના કિસ્સાની તો ખબર જ હશે ને ?) જન્મ પછી સ્ત્રી તો પુત્રને સંસ્કાર આપે છે તેને શાળાએ મુકવા જાય છે તેનું લેસન કરાવે છે પિતા તરીકે પુરુષો કેટલા ટકા આ જવાબદારી નિભાવે છે ? મારા કહેવાનો આશય એ જરા પણ નથી કે પુરુષો સ્ત્રી કરતા ઓછા ઉતરે એમ છે પણ સ્ત્રીનો આટઆટલો ફાળો હોવા છતાં શા માટે હાંસિયામાં ધકેલાઈ ગઈ છે ?

સ્ત્રી જ આ જગતની જનની છે, છતાં સમાજ પુરુષ પ્રધાન ક્યારે અને કેવી રીતે બની ગયો ? ધરતી જેની ઉપર આપણે વસીયે છીએ, ધરતી જે આપણને અન્ન આપે છે તે આપણી માતા જ છે તો પછી આ કહેવાતા પિતા ક્યારથી આગળ આવી ગયા ?

શા માટે છાશવારે એવા સમાચાર આવે છે કે સ્ત્રી બળાત્કારનો ભોગ બની? સ્ત્રી શું અબળા છે કે તેને અબળા બનાવી દેવામાં આવી છે ? પુરુષોની ખરાબ નજરોથી બચવા પગથી માથા સુધી ઢાંકીને રહેનારી સ્ત્રીને શા માટે રાતના જલ્દી ઘરે આવી જવા દબાણ કરવામાં આવે છે ? જો પુરુષોના ડરથી રાતના જલ્દી ઘરે આવીશું તો એકલી અટુલી સ્ત્રી બળાત્કારનો ભોગ બનતી જ રહેશે !!! છોકરીઓ પણ હિમ્મત કરીને આગળ આવે અને બધે જ છોકરીઓ હશે તો આવા કિસ્સા દેખીતી રીતે જ ઓછા થવા માંડશે. વિચાર કરી જુઓ જરા.

અરે ખુદ કુદરત પણ ગર્ભમાં એક સ્ત્રીને વધુ જન્મ આપે છે એટલે તો આજે લોકો સોનોગ્રાફી કરીને બાળકી હોય તો પડાવી દે છે. આજુ બાજુ જોશો તો કેટલાય યુગલો હશે જેને ત્રણ ચાર છોકરીઓ હશે. તમે નોંધજો જે ઘરમાં છોકરી હશે એ ઘરની રોનક કંઈક જુદી જ હશે!!! એ ઘરમાં તહેવાર દેખાય આવે છે. આજકાલ સાસ બહુની સીરીયલ જોશો તો ત્યાં પણ મુખ્ય રોલમાં હીરોઇન તો હોય છે !!! લગ્ન થતા ઘરની શોભા સ્ત્રીથી તો દીપી ઉઠે છે એક ઘર સ્ત્રીની વિદાયથી તો રડી પડે છે અને બીજું ઘર એ સ્ત્રીના આગમનથી તો ઝગમગી ઉઠે છે એટલે તો સ્ત્રીને ત્રણ કુળને ઉજાળનારી કહેવામાં આવે છે. સ્વર સામ્રાજ્ઞિ લતા મંગેશકર એક સ્ત્રી જ છે ને ? રાજસ્થાનની મહેંદી ગુજરાતના ચણીયા ચોળી એક સ્ત્રીથી જ ઓળખાય છે.

વર્ષોથી દસમા ધોરણના પરિણામમાં હંમેશા છોકરી જ આગળ આવે છે. (આખરે વિદ્યાની દેવી સરસ્વતી છે !! ) હંમેશા શાંત રહેતી સ્ત્રી અસલમાં શાંત નથી હોતી પણ બધું સહી લેતી હોય છે અને જતું કરતી હોય છે. મિત્રો સ્ત્રીમાં કામવાસનાને કાબુ કરવાની પણ તાકાત હોય છે એટલે જ વિધવા થયેલી સ્ત્રી એકલ પંડે કમાઈને બાળકનો ઉછેર કરી લે છે. તેમાં સંસ્કારો પણ સીચી શકે છે પણ એક વિધુર તરત જ બીજા લગ્ન કરી લે છે !!! એક પુરુષ સ્ત્રી વગર જીવી નથી શકતો અને વળી કહેવાય કે આ પુરુષ પ્રધાન સમાજ છે કેવું વિચિત્ર લાગે નહિ ??

આજે એવી હાલત થઇ ગઈ છે કે એક સ્ત્રી ખુદ એક બાળકીના જન્મ પર મોં બગાડતી હોય છે . અને જે દીકરો જન્મે તે ગજ ગજ છાતી ફુલાવીને સમાજમાં ફરતી હોય છે શા માટે આવું ?? સ્ત્રીમાં અખૂટ શક્તિનો ભંડાર હોય છે તે કામ કરી પૈસા પણ કમાઈ શકે છે અને ઘર પણ સંભાળી શકે છે સાડી પહેરી શરમાઈ પણ છે અને જીન્સ પહેરી મહાલી પણ શકે છે શું પુરુષો સાડી પહેરી શકશે ?? અને જે પુરુષો સાડી પહેરે છે તેને લોકો સમાજમાં ત્રીજી જાતિમાં ખપાવી દે છે !!!

સાડીઓથી ધમધમતી સુરતની માર્કેટ સ્ત્રીના કારણે જ તેજીમાં હોય છે સ્ત્રીઓ માટે સાડીની માર્કેટ છે પુરુષો માટે શર્ટ કે પેન્ટ બજાર સાંભળી છે !!?? હીરાનો બિઝનેસ સ્ત્રીને કારણે જ હોય છે. સોનાની માંગ સ્ત્રીને કારણે જ વધુ હોય છે. મુંબઈમાં દિવસમાં બે થી ત્રણ વખત ફક્ત લેડિઝ ટ્રેન દોડવામાં આવે છે હજી સુધી ફક્ત જેન્ટ્સ ટ્રેન આવી જ નથી !!! અથાણાં શાકભાજી લાલી લિપસ્ટિક બધુ જ સ્ત્રીને કારણે જ તેજીમાં છે. પુરુષો તો ફક્ત આ માર્કેટના કહેવાતા રખેવાળ છે (વળી આ રખેવાળી કરીને ધનનું ઉપાર્જન કરે છે તેને કહેવાય તો લક્ષ્મી જ છે ને!!?? ) હા એટલે તો કહેવાય છે કે ગ્રાહક ભગવાન છે સાચે જ સ્ત્રી ભગવાન જ છે ને !!!

આપણી માનવ સૃષ્ટિમાં પુરૂષોનું મહત્વ વધુ છે બાકી કુદરતમાં તો સ્ત્રી જ સર્વોપરી છે એટલે જ વર્ષ ઋતુઓની રાણી છે, ગાયને માતા કહેવામાં આવે છે, તબેલામાં ૧૦-૧૨ ભેંસ દીઠ એક બે પાડા રાખવામાં આવે છે તે પણ ફક્ત પ્રજોત્પાદન માટે જ. દરિયો તો ખરો હોય છે જયારે નદીનું પાણી મીઠું મીઠું હોય છે !!! વળી ગંગા, નર્મદા અને તાપી જેવી નદીઓનું તો માહાત્મ્ય પણ છે. સ્ત્રીના ગર્ભમાંથી પેદા થયેલો એક પુરુષ બાળપણમાં ખુદ સ્ત્રૈણ હોય છે તેનો અવાજ મધુર હોય છે તેનો સ્પર્શ કોમળ હોય છે અને બાર તેર વર્ષની ઉંમરથી તેનો પુરુષ તરીકે વિકાસ થાય છે અવાજ ઘેરો થાય છે દાઢી મૂછ ઉગે છે.

ખુદ ભગવાન પણ ત્યાં વાસ કરવાનું પસંદ કરે છે જ્યાં સ્ત્રીની ઈજ્જત થતી હોય સન્માન મળતું હોય એટલે જ કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે તત્ર રમન્તે દેવતા

આ સમય છે સ્ત્રીએ આગળ આવવાનો, આ સમય છે તમામ સ્ત્રીએ જાગવાનો અને એ લોકો સામે પોતાના હક માંગવા, જે તમને ફક્ત એક સ્ત્રી હોવાને કારણે પાછા પાડવાની કોશિશ કરતા હોય. સ્ત્રી હોવું બોજરૂપ નથી, નાલેશી નથી. સ્ત્રી હોવું એ કમજોરી નથી પણ એક તાકાત છે જે તમને દરેક કામ કરવા સક્ષમ બનાવે છે ફક્ત એક દિવસ વુમેન્સ ડે ઉજવી જ ના શકાય કારણ કે ૩૬૫ દિવસ સ્ત્રીની જરૂર પડતી જ હોય છે !!!

***