Ver virasat - 42 books and stories free download online pdf in Gujarati

વેર વિરાસત - 42

વેર વિરાસત

ભાગ - 42

સામે ઘૂઘવી રહેલો સમુદ્ર તો પોતાની મસ્તીમાં ગુલતાન હતો. ધીરે ધીરે આગોશમાં આવી રહેલો સૂરજ એની આણ સ્વીકારતો હોય એમ તોરમાં વધુ ઉછળી રહ્યો હતો. સાંજના આગમનની છડી પોકારતો હોય પવન અચાનક જ ઠંડો થઇ રહ્યો હતો. પંખીઓના ઝુંડ બેબાકળા થઈને માળાભેગાં થવા ઉડી રહ્યા હતા. રિયા બેઠી બેઠી ક્ષિતિજ તાકી રહી હતી, એક ન સમજાય એવો અજંપો મનમાં ઘર કરી ગયો હતો. જેના બીજ વાવી ગઈ હતી નાનીની વાત. બે દિવસ થઇ ગયા હતા છતાં મનના એક ખૂણે જલી રહેલો દવ શમવાનું નામ નહોતો લેતો.

રિયાને હમેશા ફરિયાદ રહી હતી મમ્મી સામે, રોમા સામે, ટીચર્સ સામે અને જિંદગી સામે... અને અચાનક જ લાગવા લાગ્યું હતું કે પોતાની વાતમાં તો કોઈ અસ્તિત્વ જ નહોતું.

નાનીની જિંદગીનું પાનું શું ઉજાગર થયું એની સામે પોતાની જિંદગી તો પરીકથા જેવી મુલાયમ લાગવા માંડી હતી... નાનીએ જોવી પડેલી જિંદગીની થપ્પડો સામે પોતાના દુઃખનું તો કોઈ વજૂદ જ નહોતું, આ કોઈ દુ:ખ દુ:ખ હતા ?

નાનીએ જે વેઠયું એની સામે તો એનું કોઈ વજન નહોતું ને એટલી અવહેલનાને કેવી ધારદાર સમજી લીધી હતી. પોતે સાધના શીખી કોને શિક્ષા કરવા માંગતી હતી ?

એક જિંદગી કેટલા સ્વરૂપ લઈને આવતી હોય છે ?

એમાં પણ નાનીની જિંદગીના વણકહ્યા પાનાંઓ વાંચ્યા પછી સમજાતું રહ્યું કે જિંદગી કંઈ એક વત્તા એક બેનો ખેલ હરગીઝ નથી હોતી બલકે સમય અને સંજોગો ધારે તો અગિયાર પણ કરે ને એકવીસ પણ...

પોતાના મનમાં ચાલી રહેલા પ્રશ્ન ને ઉત્તર પણ પોતે જ આપવાનો પ્રયત્ન કર્યા પછી થોડી રાહત તો અનુભવતી રહી પણ હજી રાખ નીચે ઢંકાયેલો અંગાર પૂરેપૂરો બૂઝીને રાખ ન થયો હોય તેમ કોઈક વાત ચચરાટ કરાવી રહી હતી.પણ હવે રિયા સ્પષ્ટપણે એક વાત સમજી શકતી હતી કે એનું કારણ કરણ તો નક્કી નહોતો.

નાનીએ કહ્યું હતું એમ જો નાના ને આરુષિનાની એરક્રેશમાં મૃત્યુ ન પામ્યા હોત તો ? તો મમ્મીએ કેવી જિંદગી વિતાવી પડતે..એ કલ્પના જ રિયાને ધ્રુજાવી ગઈ.

દગાબાજ પિતાની કરતૂત જાણ્યા પછી રિયાનો માધવી પરત્વેનો રહ્યોસહ્યો અભાવ પણ ઓસરવા લાગ્યો હતો. એ વિચાર આવ્યો તે જ ઘડીએ વ્યાકુળતાનું કારણ પણ મળી ગયું. જેને કારણે મમ્મીએ જીવનભર એકાકી જિંદગી ગાળવી પડી તે માણસને પોતાની કરણીની કોઈ સજા નહીં ?

કરણ સાથે સુખી જિંદગી શરુ કરવાના સ્વપ્ન જોવામાં એ ભૂલી કઈ રીતે ગઈ કે આ ફિલ્ડમાં લાવનાર બીજ તો એ વિરાસતે જ રોપ્યું હતું, જે ધિક્કાર, અવહેલનાએ બાળપણ છીનવી લીધું એ માટે જવાબદાર વ્યક્તિને કોઈ સજા નહીં ?

અંધારગલીમાં અચાનક કોઈ બત્તી થઇ હોય તેમ ઉજાસ થઇ ગયો.

રિયાએ ઉઠીને મહેરને ફોન લગાવ્યો. સામે છેડે રહેલી મહેર તો માની નહોતી શકી કે રિયાએ તેને યાદ કરી. એક વાર સફળ થયા પછી કોણ યાદ કરે છે ?

પૂરી વીસ મિનીટ પછી રિયાએ ફોન મુક્યો ત્યારે એના ચહેરા પર એક સ્મિત રેલાતું હતું.

***

'હલો શમ્મી..., એક ગૂડ ન્યુઝ છે....'

મહેરનો અચાનક ફોન આવ્યો ને તે પણ વળી શુભ સમાચાર આપતો, એ વાતે જ શમ્મીને હેરતમાં નાખી દીધો.

શમ્મીને વિચારમાં પડ્યો જાણીને મહેરે જ કહી દેવું પડ્યું .

'અરે, તમે જેને માટે મહેનત કરી રહ્યા હતા એ કામ સમજો મેં કરી આપ્યું....'

શમ્મીને તો ય સમજાયું નહીં કે મહેર શું વાત કરી રહી છે.

'અરે !! રિયાને મેં માનવી લીધી છે.... હા, એ વાત સાચી કે થોડું મોડું થયું પણ આમ જુઓ તો સારું જ થયું, હવે તો એના સ્ટારડમનો ફાયદો પણ મળશે...ને !!'

'એટલે મહેર તું એમ કહેવા માંગે છે કે રિયા માધવન સરની ફિલ્મ....'

'રાઈટ... તું બરાબર સમજ્યો.... મેં એને સમજાવી કે શો પીસ હિરોઈન બની રહેવું એક વાત છે અને જાનદાર અભિનય કરનાર એક્ટ્રેસ હોવું એ અલગ....કદાચ આ વાત પહેલાં એના મગજમાં ન જચી હોત પણ હવે એને પણ ઇન્ડસ્ટ્રીનો ભાગ બન્યા પછી તો અહીંનું ગણિત શીખતા વાર કેટલી ?'

મહેરની વાત સાંભળીને શમ્મી ખરેખર આશ્ચર્યચકિત થઇ ગયો હતો. બે સફળ ફિલ્મ કર્યા પછી મહેર જેવી અરેન્જરની વાત કોઈ હિરોઈન સાંભળે એ વાતની ગડ હજી મનમાં બેસી નહોતી રહી.

'શું વિચારે છે શમ્મી ? પ્લાન ઓન છે કે ઓફ ?'

'અરે ના ના, એવું કશું નહીં પણ હું આમાં શું કહી શકું ? હા, સરને આ વાત જરૂર જણાવી દઈશ. યેસ કે નો તો એમને કરવાની છે ને, મારે નહીં .....'

'તો હું તારા ફોનની રાહ જોઉં છું, ઓકે ?' મહેરે છેલ્લે પણ પોતાની મહત્તા જતાવવાની ન ચૂકી તે શમ્મીને થોડું ખટક્યું તો ખરું પણ એ વાત કોઈ વિચાર માંગી લે તેવી નહોતી,

ફોન મૂકીને સામે રહેલા આયનામાં પોતાના પ્રતિબિંબ સામે મહેરે આંખ મીંચકારી હસી લીધું : આને કહેવાય આમ કે આમ, ગૂટલીઓ કે દામ. શમ્મી કે માધવનને ક્યાં ખબર પડવાની હતી કે રિયાએ જ સામેથી સેતુમાધવન સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી? આખી વાતમાં બંનેનું કામ થઇ જવાનું હતું ને સાથે દામ નહીં તો નામ તો પોતાને મળવાનું હતું એ પણ નક્કી... મોટા લોકોની ગૂડ બુક્સમાં રહેવું એ પણ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ નહીં તો શું ?

મહેર જે કલ્પનાના કિલ્લા ચણી રહી હતી એવી જ સ્થિતિ શમ્મીની હતી. પ્રભાત ફિલ્મ્સને જરૂર હતી એક બિગ હિટની. જયારે રિયાને લેવાની વાત થઇ ત્યારે તો એને સાઉથની ફિલ્મ લઇ લીધી હતી. ઉપરાછાપરી નિષ્ફળતાનો દોર, ઘરમાં તંગ પરિસ્થિતિ ક્યાંક માધવન સરના પોલાદી દિલને કાચું ન પાડી દે એવો અમંગળ વિચાર શમ્મીને વારે વારે આવી જતો. લાંબા સમય પછી પહેલીવાર કોઈ ખરેખર સારા સમાચાર મહેરે સંભળાવ્યા હતા. જે માધવન સરને આપવા જરૂરી હતા.

'સર, એક ન્યુઝ છે..... ' શમ્મી માધવનની ઓફિસમાં ધસી ગયો ત્યારે એના ચહેરા પર જે આનંદ હતો તે જ આખી વાત બયાન કરી રહ્યો હતો.

'હા, શમ્મી.... ગુડ ન્યૂઝ તો હશે જ .... તારો ચહેરો તો એમ જ કંઇક બયાન કરે છે....'

'વેરી રાઈટ સર...' વર્ષોથી સરને રગેરગ જાણતો શમ્મી પામી ગયો કે ભલે સરે સમાચાર સારા છે એ સૂંઘી લીધું પણ શું છે એ સમાચાર એ જાણ્યા પછી તો નક્કી ઉછાળી પડવાના .

' મહેરનો ફોન હતો, કહેતી હતી કે રિયાને પ્રભાતની ફિલ્મ કરવા માટે એણે મનાવી લીધી છે....'

શમ્મીની વાત સાંભળતાં જ સેતુમાધવનના ભવાં ઉંચકાયા, કપાળ પર ત્રણ લકીર ઉપસી આવી.

'હું કંઈ સમજ્યો નહીં શમ્મી....'

'ઓહો, સર, તમને યાદ છે ? રિયાનું પહેલું ખાતું તો આપણે ત્યાં ખુલ્યું હતું, એને લાવનાર આ મહેર જ તો હતી ને !! પછી જયારે આપણે એને અપ્રોચ કર્યો ત્યારે તો એને પેલી સાઉથની ફિલ્મ લઇ લીધી હતી ને પછી આ કુમારનવાળી...'

'હા શમ્મી પણ તેમાં આપણને હા પડવાની વાત ક્યાં આવી ? આપણે ફરી ક્યારે એને અપ્રોચ કરી ?'

'એ જ તો વાત છે ને સર, મહેર તો આ બધું જાણતી હતી ને, એમાં એ ક્યાંક મળી ગઈ રિયાને ... આપણે તો રિયાને અપ્રોચ કરવાથી રહ્યા પણ મહેર કહેતી હતી એને તો બેધડક રિયાને કહી દીધું કે ગ્લેમરડોલ હોવું એક વાત અને જાનદાર એક્ટ્રેસ બનવું બીજી વાત છે.ને એની વાત શીરાની જેમ રિયાના મનમાં ઉતરી પણ ગઈ....' શમ્મી એ જ બધું બોલતો રહ્યો જે મહેરે વધારીચઢાવીને કહ્યું હતું.

શમ્મીની વાત માધવનને વિચારમાં મૂકી ગઈ. સમજમાં નહોતું આવી રહ્યું કે આ સમાચાર સાંભળીને હેરત પામવું કે ખુશ થવું ?

માધવનને વિચારમાં પડેલો જોઇને શમ્મી હેરતમાં પડ્યો, એને તો હતું કે આ વાત સાંભળીને બોસ ઝૂમી ઉઠશે ને સીધો ફાઈનાન્સર બાફનાને ફોન લગાવશે તેની બદલે તો એમનો આવો ઠંડો પ્રતિભાવ શમ્મી જરા ઓછ્પાઈ ગયો.

'સર, મારું બોલવું મનમાં ન લેશો પણ છેલ્લાં થોડા સમયથી જે દૌરમાંથી આપણે ગુજરી રહ્યા છીએ એ જોતાં તો મને આ સમાચાર લોટરી લાગી હોય એવા લાગ્યા હતા. આમ પણ આપણે રિયાનો અપ્રોચ કર્યો જ હતો પણ ત્યારે એને બીજી ફિલ્મ લઇ લીધી હતી. ને એ પછી કોઈ સમીકરણ રાશ ન આવ્યું, બધા જ દરવાજા બંધ થઇ રહ્યા હતા તે વખતે આ વાત આશાનું કિરણ તો ખરી જ ને ?'

' બોલી લીધું તેં ? કે હજી કંઈ બાકી છે કહેવાનું ?' માધવનના ચહેરા પરના હાવભાવ ન સમજાયા શમ્મીને.

એ થોડી કુતુહલતાથી ભોંટપ અનુભવી રહ્યો હોય તેમ બોસનો ચહેરો તાકી રહ્યો.

' શમ્મી, મહેરે તને જે પણ કહ્યું તે સાંભળી તો લીધું પણ માની પણ લીધું ? '

માધવનના કહેવા પાછળનો અર્થ ન સમજ્યો હોય તેમ શમ્મી બોસનો ચહેરો તાકતો રહી ગયો. કોઈ ગડ ન બેઠી એટલે એમ જ માથું ધુણાવ્યું.

'અરે, એ હવે મહેરના હાથની વાત છે કે શું ? ' માધવને સિગાર જલાવી એક ઊંડો કશ ભર્યો .

'તને યાદ છે આપણે પાર્ટીમાં ગયા તારે લલિત સોઢીએ અછોવાનાં કરવામાં કોઈ કચાશ નહોતી વર્તી... યાદ છે કે નહીં ? '

શમ્મીએ ઉત્તરમાં ડોકું ધુણાવ્યું.

'સોઢીએ ત્યારે જ મારા કાને વાત નાખી હતી કે એને આપણી સાથે ફિલ્મ કરવી છે. એને તો બને એટલી જલ્દી મિટિંગ પણ કરી લેવી છે. તને કદાચ ખબર છે કે નહીં પણ સોઢી કદીય મુંબઈમાં વિકએન્ડ પર હોતો નથી. એ તો એના ફાર્મ પર જતો રહે છે. છેલ્લે એનો ફોન આવ્યો ત્યારે વાત પણ થઇ કે મુંબઈમાં શિડ્યુલ વ્યસ્ત હોય તો અલીબાગ મળી લઈશું...એટલે ગયા શનિવારે અમે મળ્યા પણ ખરાં....'

'ઓહ !!' શમ્મીના આશ્ચર્યમાં ઉમેરો થયો આ ડેવલપમેન્ટથી. પોતે તો સાવ અજાણ હતો આ ડેવલપમેન્ટથી.

'તો પછી એનો અર્થ એમ થયો કે રિયા આ ફિલ્મમાંથી આઉટ હશે ? એટલે મહેર મારફત આ ફીલર મોકલ્યું એમ ને ? '

'ના શમ્મી, એ તો મને પણ ન સમજાયું કે રિયાએ એવું કરવું શું કામ પડે ? કારણ કે કરણ અને રિયાની જોડી હિટ થઇ જ ચુકી છે એ જ તો સોઢીને કેશ કરવી છે.... '

માધવનની આ દલીલ પછી બંને ચૂપ થઇ ગયા. કોઈ કશું બોલી ન શક્યું, મહેરે આમ ફોન કેમ કર્યો એનો કોઈ તાળો જ નહોતો મળતો.

'આટલી નાની, નકામી વાત પર શું વિચારવાનું શમ્મી ? અરે મહેરને થયું કે નેમડ્રોપીંગ કરીને કોઈ ગોલ થઇ જતો હોય એમ કરીને હવામાં અધ્ધર જ તુક્કો લગાવ્યો હશે. બાકી એકવાર જેના નામના ડંકા પડતાં થાય એ હિરોઈન બીજા કોઈને નહીં ને મહેરના કહેવાથી માની જાય.....? અક્કલમઠી બાઈ ભૂલી ગઈ કે તિકડમ ચલાવવા પણ કાબેલિયત જોઈએ...'

બોસની વાતમાં દમ તો હતો એ શમ્મીએ સ્વીકારી લેવું પડ્યું .

'મારે લાંબી ચર્ચા થઇ હતી સોઢી સાથે. એની સાથે ફિલ્મ કરવામાં સૌથી મોટો ફાયદો એ છે કે ફાઈનાન્સ એ મેનેજ કરશે.. જો કે હજી ડિસ્ટ્રીબ્યુશન રાઈટ્સ અને અન્ય આર્થિક બાબતો ચર્ચવી બાકી છે પણ એક વાત નક્કી કે રિયાનો સિક્કો જામી ગયો છે એટલું સોઢી સમજે છે અને બાકી રહી વાત એના દીકરાની, તો એનો પગદંડો જમાવવા એ પાણીની જેમ પૈસા વેરવા તૈયાર છે. સો ફિલ્મ ઇઝ ઓન, કરણ ને રિયા સાથે...

શમ્મી ચૂપચાપ સાંભળતો રહ્યો. એના ચહેરા પરથી સાફ લાગી રહ્યુહતું કે મનમાં ચાલતી ગડમથલ યથાવત હતી.

' એની પ્રોબ્લેમ ? ' માધવને વિચારમાં પડેલા શમ્મીને પૂછ્યું.

'નો નો સર, જયારે તમે વાત કરો ત્યારે એમાં કંઈ કહેવાપણું તો શું રહેવાનું ? પણ મનમાં જરા વિચાર આવ્યો કે આપણી સ્ટોરી સાથે સોઢી સહમત કઈ રીતે થઇ ગયા ? સ્ટોરી તો જ એવી છે કે ફિલ્મ હિરોઈન પર ફોકસ થશે ને એ માટે સોઢી માની જાય ? ખાસ કરીને જયારે એ રોકાણ દીકરા માટે તો કરતો હોય.. એ વિષે જરા વિચારી રહ્યો હતો.'

શમ્મીની ચિંતા જોઇને માધવનના ચહેરા પર હળવું સ્મિત રેલાયું.

' તને એ તો ખબર છે ને કે હું મારા સિદ્ધાંતો અને સ્ટાઈલ ઓફ વર્કમાં કોઈ બાંધછોડ નથી કરતો ? '

'એક્ઝેક્ટલી, સર, એટલે જ મને આ વિચાર આવ્યો ને !!' શમ્મીએ મન મોકળું થયું હોય એમ બોલ્યો.

' હા, એટલે જ તને કહું છું. એ બધી જ ક્લેરિટી સોઢી સાથે થઇ ચૂકી છે. એ જાણે છે કે કરણ કરતાં રિયા વધુ ફૂટેજ ખાઈ જશે પણ હું એને એ વાત પણ સમજાવી ચૂક્યો છું કે કરણને એથી કોઈ નુકશાન નથી. ' માધવન થોડીવાર વિચારી રહ્યો : ને આખરે એ પણ બીઝનેસમેન છે, ફિલ્મ ધરખમ કમાણી કરી આપવાની ખાતરી

ચિંતા જવા દઈ હવે બાકીની તૈયારી પર લાગી જવું પડશે....

માધવનના એ આદેશને અનુસરતો હોય શમ્મી બહાર ગયો ને ફોનની રીંગ રણકી ઉઠી.

સામે છેડે લલિત સોઢી હતો. એની ઉતાવળ સમજી શકાય એમ હતી.

અરે સોઢીસાહેબ, આમ અથરાં થશો તો કેમ ચાલશે ? માધવનના ગાલમાં એક ખુશી આવીને બેસી ગઈ હતી. મનમાં સંતોષ પણ થઇ ચૂક્યો હતો. બાકી જે પ્રશ્ન શમ્મીએ કર્યો એ જ વાતની ચિંતા પોતાને ક્યાં નહોતી ?

' માધવન જી, એ બધું તો ઠીક પણ મને લાગે છે કે આપણે એક મીટીંગ કરવી જરૂરી છે....'

સોઢીની વાતથી માધવન વિચારમાં પડ્યો. જરૂરી કહી શકાય એવી તમામ વાતોની સ્પષ્ટતા તો થઇ જ ચૂકી હતી, બાકી રહી નાની નાની વાતો પણ એ તો ફિલ્મ પ્રદર્શિત થાય ત્યાં સુધી કેડો નહોતી મૂકવાની.

સોઢી ફોન પર સ્પષ્ટતા કરવાના મૂડમાં લાગ્યો નહીં. આખરે નક્કી થયું સાંજે એક મીટીંગ કરી જ નાખવી.

મોડી સાંજે શમ્મી અને માધવન સન એન્ડ સેન્ડના બારમાં પહોંચ્યા ત્યારે સોઢી એમની વાત જોતો બીયર પી રહ્યો હતો.

'આવો આવો માધવનજી, તમારી રાહ જોવામાં બે કેન પતાવી નાખ્યા....' વાત તો સલુકાઈથી માંડી સોઢીએ, બાજુમાં બેઠેલો કરણ પિતાનો આજ્ઞાંકિત દીકરો હોય તેમ જરા હસીને આવકાર આપવા ઉભો થયો. સહુ કોઈ ગોઠવાયા ને ઓર્ડર અપાઈ ગયો પછી પિતાની હાજરી વિસરી જઈને કરણ શરુ થઇ ગયો. જાણે કોઈ વાત એને દિવસોથી પરેશાન કરી રહી હોય અને એમાંથી એક ઝાટકે છૂટકારો જોઈતો હોય.

' આમ તો જાણે કોઈ ખાસ વાત નથી પણ થયું કે એકવાર ક્લેરિટી થઇ ગઈ હોય તો પછી કોઈ મનભેદ ન રહે...'

કરણનું આ બયાન માધવન અને શમ્મીના મગજમાં ખતરાની ઘંટડી વગાડી ગયું. શમ્મી સૂચક નજરથી માધવન તરફ જોઈ રહ્યો હતો.

એ જ સમયે વેઈટર ઓર્ડર કરેલા ડ્રીન્કસ લઈને આવી પહોંચ્યો અને સહુએ ચૂપ થઇ જવું પડ્યું .

'કરણ, તું રહેવા દે...' પિતાએ પુત્રને વારીને આખી બાજી હાથમાં લીધી.

કોઈ પંટર ખેલાડી બાજી માંડતો હોય એ પહેલાની પૂર્વ તૈયારી કરી લે તેવા હાવભાવ સોઢીના ચહેરા પર નહોતા છતાં માધવનના મગજે નોંધી લીધા. જવાબ આપવાને બદલે માધવન વારાફરતી કરણ ને લલિત સોઢી સામે જોઈ રહ્યો.

'અરે અરે, તમે તો નાહકના ટેન્સ થઇ ગયા....સામે મૂકાયેલાં ગ્લાસ ઉઠાવીને સોઢીએ માધવનના હાથમાં થમાવ્યો : આઈસ કેટલા ક્યુબ્ઝ ?

'એટલે ? કમ અગેઇન... હું સમજ્યો નહીં...મનભેદ ? શા માટે ? ' સોઢીના મનમાં શું ચાલી રહ્યું હશે એની અટકળ માધવન અને શમ્મી બંને કરી ચૂક્યા હતા છતાં એને જ મોઢે સાંભળવી જરૂરી હતી.

વેઈટર ત્યાંથી ખસ્યો એટલે સોઢીએ રીલેક્સ થવું હોય તેમ જરા આરામથી શરીર ઢીલું મુક્યું.

' ના ના, મનભેદ નહીં મતભેદ... સોઢીએ આશ્વાસન આપી રહ્યો હોય તેમ વાતમાં ઝુકાવ્યું . કોઈ વાત ઘૂમાવી ફેરવી કરવાની તો મને ફાવટ નથી એટલે જે છે તે સ્પષ્ટરીતે જ કહું તો આપણી વાત પર મેં લાંબો વિચાર કર્યો....'

માધવન જોઈ રહ્યો હતો કે સોઢી પૂર્વ તૈયારી સાથે જ આવ્યો હશે, અને વાત કદાચ હોવાની પારોઠના પગલાંની.. કદાચ કોઈએ રોડું નાખ્યું હોય કે પછી બજેટમાં કાપકૂપી...

'મારે તમને કંઈ સમજાવવાનું ન હોય પણ પ્રોજક્ટ પર વિચાર કરતાં મારું મન જરા પાછું પડી ગયું...' સોઢીએ બિયરની એક ચૂસકી લઈને ટ્રીમ કરેલી ગોટી સ્ટાઈલ દાઢી પસવારી.

'એટલે ?? ' માધવને અધીરાઈથી પૂછ્યું ને અછડતી નજર શમ્મી પર પણ નાખી. એ પણ માધવનની જેમ સહેમી ગયો હતો.

ઘૂમાવી ફેરવીને વાત કરવાની ટેવ નથી એમ કહ્યા કરતા બાપદીકરાના મનમાં તો કોઈ વાત નક્કી હતી પણ વિનાકારણે વાત ઘૂમાવી રહ્યા હતા એ તો માધવન અને શમ્મીને સુપેરે સમજાઈ રહ્યું હતું પણ એ પાછળનું કારણ નહોતું સમજાઈ રહ્યું,પણ થોડી જ ક્ષણમાં સમજાયું.

'હું આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરું ને ફિલ્મ હિરોઈનસેન્ટ્રીક હોય એ વાત મને કોઈ રીતે મને મગજમાં બેસતી નથી...' આખરે સોઢીએ મનની વાત બોલી જ નાખી.

હવે સ્તબ્ધ થઇ જવાનો વારો માધવનનો હતો. છેલ્લી મીટીંગમાં આ વિષે ફોડ ન પાડનાર સોઢીને અચાનક આ ક્યાંથી સ્ફૂર્યું ?

પણ કારણ એક જ ઘડીમાં સમજાયું.

કારણ અન્ય કોઈ નહીં ને કરણ જ હતો.

'અમે શું વિચારીએ છે કે કહાની તો છે એ વન પણ, એને હિરોઈનસેન્ટ્રીક ને !! ' કરણ ન આગળ વધુ ન બોલ્યો પણ આખી વાત પામી ગયા પછી માધવન માટે બોલવા જેવું બચતું જ નહોતું.

માધવને કરણ પરથી નજર લલિત સોઢી પર ઠેરવી. નવોસવો હીરો બનેલો નબીરો પોતે પોતાની નબળાઈઓ ન જાણતો હોય શક્ય છે પણ કરોડો દાવ પર લગાડતો એનો કાબો બિઝનેસમેન બાપ લાખના બાર હજાર થાય એવું થોડું સહી શકવાનો હતો ?

માધવનની નજર પોતાનો મત જાણવા આતુર છે એ સમજ્યા પછી પણ લલિત સોઢીના ચહેરા પરની સ્વસ્થતા એક ક્ષણ માટે વિચલિત થઇ નહોતી.

સમય સાથે ઘડાઈને દુનિયાદારી શીખી ગયેલા માધવનને ખ્યાલ આવી ગયો કે બાપદીકરા બંનેના મત પણ એક છે અને મકસદ પણ. નામી ડાયરેક્ટર સાથે ફિલ્મ બનાવવી છે પણ પોતાની રીતે.

એ પછી વધુ ચર્ચાનો અવકાશ જ ન રહ્યો હોય તેમ અર્થહીન વાતો થતી રહી. ન કોઈ નિષ્કર્ષ આવી શક્યો ન કોઈ સ્પષ્ટતા થઇ શકી.

મધરાતે ઘરે પાછા વળતાં ન શમ્મી કંઈ બોલવાની સ્થિતિમાં હતો, ન માધવન..

'સર, એક વાત તો છે. સ્ટોરીમાં આ લોકો જે રીતે ફેરફાર માંગે છે તે રીતે તો આ ડ્રીમ પ્રોજેક્ટનું તો બાળમરણ થયું જ સમજો...'

' એ વાત તો સાચી શમ્મી, પણ હવે દરેક દિશામાં હાથપગ માર્યા વિના છૂટકો પણ નથી. હવે રસ્તો એ શોધવો પડશે કે સાપ પણ મરે ને લાઠી પણ ન ભાંગે...'

શમ્મી થોડી હેરતથી પોતાના બોસને તાકી રહ્યો. આ એ જ માણસ હતો જે ફિલ્મમાં કોઈ સમાધાન કરતાં શીખ્યો નહોતો. ક્લોઝ અપ સીનમાં હિરોઈનની જ્વેલરી પર ફરતો કેમેરા ક્યાંક ઈમિટેશન મેકિંગ પકડી ન શકે એ માટે કરોડ રૂપિયાની રીયલ જડાઉ જ્વેલરી પહેરાવનાર માણસ આમ કહી રહ્યો છે ?

સમય અને સંજોગ માણસને કેવો પછાડી શકે છે તેનું ઉદાહરણ માધવન બની રહ્યો હતો.

ક્રમશ :