Bhakt ke bhagidar books and stories free download online pdf in Gujarati

ભક્ત કે ભાગીદાર

પહેલા અંકમાં તમે વાંચ્યું કે ગોપાલ ગાય સોનકીને મંદિરમાં ઘાસ ખવડાવીને પોતાનો ગુઝારો ચલાવે છે. એક દિવસ સુધરાઈના માણસો ત્યાં એક છોડ વાવીને ત્યાંથી નીકળી જવાની ભલામણ કરે છે, જેથી ગાય છોડ ખાઈ ના જાય, પણ ગોપાલની વિનવણીથી તેણે ચેતવણી આપે છે કે છોડનું ધ્યાન રાખે નહિ તો દંડ પેઠે દસ હજાર વસૂલાશે.

સુધરાઈના માણસોની ચેતવણીથી હવે ગોપાલ ચિંતામાં દિવસો કાઢતો હતો. પહેલા ફક્ત ઘર ચાલવાની ચિંતા હતી જયારે હવે એક વધુ ચિંતા હતી. એક બાજુ સોનકી પર હેત ઉભરાતું તો એક બાજુ તેણે વશમાં રાખવી પડતી ક્યાંય છોડને ઇજા ના પહોંચાડી મૂકે .

રોજનો ઘાસચારો પૂરો થઇ ગયો હતો. પૈસા ગણ્યા રોજની જેમ આજે પણ કાશીબહેન પાસેથી સાત થેપલા લીધા. બે થેપલા ભિખારીને આપ્યા અને બાકી ઘર માટે લઇ ગયો. ગાય ગમાણે બાંધી અને પછી પોતે ઘરે ગયો. લક્ષ્મી જાણે તેની જ રાહ જોતી બેઠી હતી. પોતાના બાપને જોઈને હરખાઈ ગઈ. ગોપાલે ખીસામાંથી પડીકું કાઢ્યું અને દીકરીને પ્રેમથી જમાડવાનું શરુ કર્યું. મનમાં ભગવાનને એટલી પ્રાર્થના કરી કે બસ પોતે દીકરીનું પેટ ભરી શકે એટલી તાકાત તો આપે જ. હવે ગોપાલ બહુ સાવચેતીથી ગાયને રાખતો ખીલે તો બાંધી જ રાખતો, પણ ભૂલે ચુકેય મોં છોડ તરફ ના મારે એનું ધ્યાન રાખતો.

એક દિવસ એક ભક્તે મંદિરમાં બધાને એક એક પડિયો શિરો વહેંચ્યો. ભિખારીઓ પડાપડી કરવા મંડ્યા. ગોપાલનું પણ મન લલચાયું . આહ શિરો ... મારી લક્ષ્મી પણ શિરો ખાય તો ખુશ ખુશ થઇ જાય. તે ઉભો ઉભો અંદર નજર કરી રહ્યો હતો ત્યાં જ તે ભક્તે તેને ઈશારો કરીને શિરો લેવા બોલાવ્યો અને હરખાઈ ઉઠ્યો તે લગભગ ભાગ્યો જ પ્રસાદ લેવા. પ્રસાદનું પડિયું હાથમાં આવ્યું કે તેનું નાક શુદ્ધ ઘીની સોડમથી ભરાઈ ગયું. દસ વાગ્યા જેવું થયું હતું અને હજી ઘાસ પૂરું વેચાયું પણ નહોતું, એટલે હમણાં ઘરે જઈ શકાય તેમ નહોતું મન તો ક્યારનું ઘરે પહોંચી ગયું હતું કે ક્યારે ઘરે જાવ અને લક્ષ્મીને શિરો ખવડાવું. હરખાતો હરખાતો તે પોતાની જગા પર આવ્યો અને ત્યાં જ તેના પગ ખોડાઈ ગયા. બાપરે!!!!! પોતે આ શું જોઈ રહ્યો છે, સોનકી ટેસથી પેલું છોડવું આરોગી રહી હતી જે સુધરાઈવાળા રોપી ગયા હતા…. તેના પેટમાં ફાળ પડી ઑય બાપા હવે શું ? તે થરથરવા મંડ્યો શીરાની ખુશી ઉડી ગઈ હતી. બચેલું ઘાસ વેચાય ગયું એટલે ગમાણેથી ઘર ગયો. લક્ષ્મીને પડિયું હાથમાં આપી દીધું અને સુનમુન એક ખૂણામાં પડી રહ્યો . લક્ષ્મી શિરો ખાઈને ઝૂમી ઉઠી પણ તેને આષ્ચર્ય થયું રોજ પાપા કેટલા પ્રેમથી ખવડાવે છે આજે આટલો મીઠો શિરો ખવડાવતી વખતે કેમ ઉદાસ છે ? પણ એવું કઈ બોલવાની તેની ઉંમર જ ક્યાં હતી. દસ દિવસે સુધરાઈના માણસો છોડની તપાસ કરવા આવ્યા. ગોપાલ નીચું મો ઉભો રહ્યો. માણસોની કરડી આંખો જોઈને એ પાણી પાણી થઇ ગયો. માણસોએ તેનો ઉધડો લેવાનું ચાલુ કર્યું. કહ્યું હતુંને અહીં ના ઉભો રહેતો બોલ હવે ?? આપ દસ હજાર રૂપિયા. ગોપાલ રોવા લાગ્યો, “ સાયબ દસ હજાર રૂપિયા તો મેં મારી ઝીંદગીમાં નથી જોયા. મને માફ કરો.” “ અચ્છા એમ તને માફ કરું ચાલ તારી ગાય જ જપ્ત કરી લઈએ છે અમે” હવે ગોપાલ તેના પગે પડી ગયો., “ સાબ , સાબ ગાય ના લઇ જાવ એ મારી નથી મારા શેઠની છે. અને આ સોનકી મારી જાન છે. મારે માટે એ જનાવર નથી એની સાથે મારી લાગણી બંધાઈ ગઈ છે. સાબ માફ કરો.” “ અચ્છા ચાલ લઇ જા તારા શેઠ પાસે અમને.” એટલે ભારે પગલે ગોપાલ તેને ગમાણે લઇ ગયો. મંદિરના પૂજારી બીજા હાજર ભક્તો ગોપાલને છોડી દેવા વિંનતી કરતા હતા પણ આ તો સુધરાઈના માણસો બસ એક જ વાત કહેતા હતા અમારા કામમાં દખલગીરી ના કરો. અમને ઉપરથી ઓર્ડર છે એમ જ કામ કરવાનું છે. ગમાણના શેઠે તેને એક હજારનો દંડ ભરીને પાછા મોકલ્યા. ગોપાલ નીચા મોં એ ઉભો રહ્યો હતો, “ શેઠ મને માફ કરો.” “ હા જા માફ કર્યો “. ગોપાલના મોં પર આનંદ છવાઈ ગયો . “ આભાર શેઠ આભાર “ કહેતા એ જવા પગ ઉપાડ્યા અને શેઠે તેને રોક્યો, “સાંભળ કાલથી અહીં આવતો નહિ “ હે ?? ગોપાલ ના ડોળા ફાટી ગયા. “હા કાલથી અહીં આવતો નહિ મારે તને હવેથી ગાય નથી આપવી.” “ શેઠ…….. “ કહેતો ગોપાલના ગળામાંથી ચીસ નીકળી ગઈ. “હા હું મારા નિર્ણયમાં અફર છુ તને બીજું કામ મળે એટલે તારા કારણે ભરેલો એક હજારનો દંડ મને ભરપાઈ કરી દે જે.” ગોપાલને એક બીજો ઝાટકો લાગ્યો તેને સોનકીને માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને ત્યાંથી ઝડપથી ચાલી નીકળ્યો. વળી મંદિરમાં ગયો અને બધા તેને ઘેરી વળ્યાં શું થયું ની પૃચ્છા કરવા લાગ્યા. કોઈએ દિલાસો આપ્યો તો કોઈએ ભૂલ કાઢી. તે ભગવાન સામે આવીને ઉભો રહી ગયો હે પ્રભુ આ શું થઇ ગયું. તમને તો ગાય પ્રિય છે હું તેની સેવા કરતો હતો, અને તમને એ ના ગમ્યું તે ગાય મારાથી છીનવી લીધી ?? અને હવે હું મારુ ઘર કેવી રીતે ચલાવીશ ? કોણ આપશે મને કામ મને આવડે પણ શું છે ?? મારી લક્ષ્મીનું શું થશે ? તમને લક્ષ્મી પણ પ્રિય નથી કે શું ?? હવે તો પૂજારી પણ દ્રવી ઉઠ્યા તેણે પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો, “ બેટા ધીરજ રાખો તારા આ પરીક્ષાના દિવસો છે જો અત્યારે તારી શ્રદ્ધા ડગમગી તો કેમ ચાલશે તું ખરો ભક્ત છે તો આજ વખત છે સાબિત કરવાનો હિમ્મત રાખ બેટા. હિમ્મત રાખ”. ગોપાલ પ્રાંગણમાં આવ્યો અને ચુપચાપ ભિખારીઓની લાઈનમાં બેસી ગયો. આજે તો પૈસા પણ નહોતા એટલે નાસ્તો લેવો પ્રશ્ન જ ના હતો . નસીબની બલિહારી તો જુઓ કે તે એક વાગ્યા સુધી બેઠો મંદિર બંધ થવા આવ્યું પણ ભીખમાં કઈ જ ના મળ્યું. . તેણે રોજના ભિખારીઓ પણ તેમને દયા ભરી નજરે જોતા હતા અને આજે તો તેમને પણ ગોપાલ તરફથી કંઈજ મળવાનું નહોતું. લક્ષ્મીને શું ખવડાવવું એ યક્ષ પ્રશ્ન તેની સામે ઉભો જ હતો!!!!!

( ક્રમશ)