Bhadram Bhadra - 23 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 23

ભદ્રંભદ્ર - પ્રકરણ - 23

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૨૩. તંદ્રાચંદ્રનો અને જોશીનો મેળાપ

વૈશાખ સુદી બારસને બુધવારે સંયોગીરાજને ઘેર મંગળ વાદ્યનો ધ્વનિ થઈ રહ્યો હતો. નોતરેલા અને નહિ નોતરેલાની ઠઠ જામતી હતી. મંડપ તોરણાદિથી ઢંકાયેલું અને ગાડીઘોડાથી ઘેરાયેલું ઘર ગ્રહણમાંથી મુક્ત થવા બૂમો પાડતું હતું. અને આવવાનું એવું બહાનું જોઈ લોકો ત્યાં વિવિધ ભાવે ધસી આવતા હતા. કોઈ માન મેળવવા ઉત્સુક હતા, કોઈ તમાસો જોવા ઉત્સુક હતા, કોઈ પાનસોપારી ખાવા ઉત્સુક હતા, કોઈ ચોરી કરવા ઉત્સુક હતા; એમ આશાકારણ અનેક છતાં સર્વના મુખ ઉપર એક જ પ્રકારના હર્ષની મુદ્રા જણાતી હતી. સંયોગીરાજના અને તેમના અશસ્વી પરોનાના સુભાગ્યની વાતો ચર્ચવામાં કેટલાક ગૂંથાયા હતા. કેટલાક એવા પણ પ્રયત્ન વિના વિદ્યાથી અને ધાંધલથી અનિચ્છાપૂર્વક પ્રસન્ન થઈ જઈ મોં પહોળાં કરી લક્ષ્ય વિના ચારે તરફ જોતા હતા.

આખા ઘરમાં એક જ મનુષ્યના ચિત્તમાં વ્યગ્રતા જણાતી હતી. સંયોગીરાજ સાજનની સરભરામાં હતા અને તેમના પાર્શ્વચરો વરઘોડાની ગોઠવણમાં હતા તે સમયે ઘરની અંદરના ભાગમાં બે ઓરડા વચ્ચેના ઉમરા પર બેસી તંદ્રાચંદ્ર ઊંડું મનન કરતા હતા; મનની વૃત્તિમાં તે સાધારણ રીતે જોવામાં આવતા નહોતા અને આ પરાક્રમનો આરંભ કર્યો પછી તો તે હર્ષમામ્ અને ઉલ્લસમાં જ રહેતા હતા. તેથી તેમને આ અવસ્થામાં જોઈ મને આશ્ચર્ય લાગ્યું. એક બાજુએ ઊભો રહી હું તેમના તરફ જોઈ રહ્યો હતો; એવામાં એક પાર્શ્વચરે પછાડીથી આવી મારો કાન ખેંચ્યો અને હું એકાએક ખિજાઈ પાછું જોઈ બોલવા જતો હતો તેવામાં મોં પર મુક્કો મારી તેણે મને મૂંગા રહેવાની નિશાની કરી અને તંદ્રાચંદ્ર તરફ નજર ફેરવી મને ઇશારતથી સમજાવ્યું કે તેમની દૃષ્ટિ આપણા તરફ થાય નહિ માટે શબ્દનો ઉચ્ચાર કરવાનો નથી. એકલો માર ખાવો અને તે વખત મૂંગા રહેવું પડે એમાં દુ:ખ છે એમ ભદ્રંભદ્ર ઘડી ઘડી કહેતા હતા તે મને આજ સનુભવથી સમજાયું. ઉદ્‌ગાર કરવો ઇષ્ટ ન હોવાથી હું પાર્શ્વચર સાથે તેની ઇચ્છા પ્રમાણે દૂર હયો. ત્યાં જઈ જાને અપમાનથી હું ક્રુદ્ધ થયો છું એ વાત તે ભૂલી ગયો હોય તેમ મને વિશ્વાસસ્થાન બનાવી તે બોલ્યો:

'પેલા ઓરડામાં જોશીએ ઘડી માંડી છે ત્યાં જઈને એ બેઠો છે. જોશીને ભેદ કહેલો નથી અને તે લગ્નનું જ સમજે છે. તેથી જોશી કંઈ લગ્નનું બોલી જશે તો ખેલ ખરાબ થઈ જશે. એ તો એવો ગદ્ધો છે કે તે પછી પાછો સમજાવી દેવાય, પણ મુશ્કેલી થઈ જાય અને આવેલા લોકો સુધી વાત જાય તો અઘરું પડે. હવે જોશીને સમ્જાવાય તેમ નથી અને એ મુહૂર્તનો એવો વહેમી છે કે ઘોડે ચઢતાં સુધી ત્યાંથી ઊઠવાનો નહિ. માટે આઘે રહ્યો રહ્યો શું થાય છે તે જોયા કર. અને ફાટે ત્યાં થીંગડું દેજે, નહિ તો પછી થઈ રહેશે. સંયોગીરાજે મહાદેવને સાધેલા છે. ગમે તે રીતે પણ ગમ્મત થાય એટલે પાર. લે તાળી ! મારે કામ છે, હું જાઉં છું. તું પણ બુબક થઈ ગયો જણાય છે તો.'

હું બુબક થઈ ગયો નહોતો પણ પડેલા મુક્કાનું પ્રયોજન કહેવાવાની વાટ જોતો હતો, પરંતુ આ વાક્યો એક પછી એક બોલી જઈ તે એવી ત્વરાથી અદૃશ્ય થઈ ગયો કે એ વિષે ખુલાસો મેળવવાની આશા મૂકી દેવી પડી અને સંયોગીરાજના કાર્યમાં સહાય થવાનું સમજી તેમ જ કૌતુકથી આકૃષ્ટ થઈ તંદ્રાચંદ્રની પીઠ પાસેની ભીંતમાંની એક જાળીમાં ડોકિયું કરીને હું ઊભો. સલાહ આપવાને અને સંશય પડે ત્યાં નિર્ણય કરવાને ભદ્રંભદ્ર આ સમયે પાસે નહોતા. અને તમના ઉપદેશ વિના ડગલું પણ ભરવું ન જોઈએ, તેમના ઉપદેશના અભાવે જ મનુષ્યો, રાજાઓ તથા આર્યપક્ષ સિવાયનું આખું જગત ખરાબ છે અને રાત્રે દેવો તથા દેવીઓ પણ તેમનો ઉપદેશ લઈ જાય છે, એમ તમના કહેવાથી મારી ખાતરી થઈ હતી; કેમ કે શાસ્ત્રાનુસારી આર્યને તો આપ્તવાક્ય એ જ પ્રમાણ છે, જાતે વિચાર કરવાનું અને જાતે નિર્ણય કરવાનું જે સાહસ સુધારાવાળા કરે છે તેને આર્યશાસ્ત્રમાં ઘોર પાપ કહ્યું છે. પરંતુ, ભદ્રંભદ્રને બોલાવવા હરકત નથી એટલું ભદ્રંભદ્રથી મલેલા સંસ્કારને બળે સમજી તંદ્રાચંદ્રની શ્રદ્ધાળુતાની રક્ષા કરવા હું ધર્મવીર થઈને ઊભો.

જલપાત્રમાં ડુબવા મૂકેલા વાડકા સામે એકી નજરે બહુ વાર જોઈ રહ્યા પછી ચક્ષુને વિરામ આપવા જોશી મહારાજે પાસે ભીંત પર ચિતરેલા ગણપતિની દુંડ પર દૃષ્ટિ કરી. પોતાનું અંગ કૃશ હોવાથી કે બીજા કોઈ કરાણથી ત્યાંથી વિશ્રાન્તિસ્થાન ન જણાયાથી જોશી મહારાજે ત્યાંથી દૃષ્ટિ ઉપાડી તંદ્રાચંદ્ર તરફ નજર કરી. વાડકા પરથી તેમની દૃષ્ટિ ઉપાડવા જોશી મહારાજે જરા મોટે અવાજે કહ્યું, 'બહુ ચિંતાતુર જણાઓ છો, આજ તો મંગળ દિવસ છે તે પ્રસન્ન રહેવું જોઈએ.'

મારું હૃદય ધબકવા લાગ્યું અને કોઈ મંત્રોપચારથી જોશીની જીભ કપાઈ જાય કે બંધ થઈ જાય એમ હું ઈચ્છવા લાગ્યો.

પરમ્તુ તંદ્રાચંદ્રનો ઉત્તર સાંભળવા ધ્યાન તે તરફ દોરવાની જરૂર હતી.

'ચિંતા મને માત્ર મુહૂર્ત કો છૈ. માંગલ્ય ભી મુહૂર્તથી મિલે છૈ.'

'જ્યોતિષના ગ્રંથમાં પણ એ જ કહ્યું છે. જ્યોતિષશાસ્ત્ર વેદનું નેત્ર છે. માટે તે વિના સિદ્ધિ જ નથી. પણ મુહૂર્ત વિશે આપે ચિંતા કરવી નહિ. સમય આવશે ને હું આપને સાવધાન કરીશ.'

'હાં સાવધાન તો કરોગે. પણ યાવની ત્વરા ક્યાં છે ? યાવનો સહારો હોવો ચાહીએ. તે વિના ક્યા ભી થશે ?'

'એમની સાથે આપને સમાગમ કેમ થયો ? અને આ શહેરમાં આ પ્રસંગ આપને ક્યાંથી આવ્યો ? આપનો સંબંધ તો સર્વ ઉત્તરમાં થતો હશે ?'

જોશીને અટકાવવા સારુ ઉપાય શોધવા લાકડી ખોળતો હોઉં તેમ હું આસપાસ જોવા લાક્યો. શું ખોળું છું તે હું જ જાણતો નહોતો. પણ તંદ્રાચંદ્રે તર ઉત્તર દીધો.

'નહિ, હમે ઉત્તરના કવ્હરાઈએ છૈયે તે ભૂલ છૈ. હમે આ મુલકના છૈયે. નોકરી પ્રયોજન ઉત્તર જાવું પડે તો કૈ નિવાસ ફિરાસે ? સંબંધ હમારો આંહી છૈ. ઔર નથી.'

'મેં તો જાણ્યું આપની ઉંમર વધારે છે તેથી આ તરફ ઊતરવું પડ્યું.'

'ઉંમર મારી પેંતાલીસથી જાસ્તી નથી. નોકરી ઢૂંઢવા આંહીં આવ્યા નથી, અચ્છા તનખા મિલૈ છૈ. કુટુંબીસે ભેટનો મૈકો હોવા આવાવા હેતુ છૈ, વેતનકી ગરજ નથી.'

વાત આડિ ગઈ જાણી હું જરા સ્વસ્થ થયો, પણ જોશી મહારાજ લેશ માત્ર સ્વસ્થ થયા નહોતા. સભ્ય થઈ તે બોલ્યા, 'સ્થિતિએ સારી હશે નોકરી પણ મહોટી હશે. નહિ તો સામો કોઈ સહેજ આવે છે. કુંટુંબે હશે. શા માટે ન હોય ? પન વૃદ્ધિએ થવી જોઈએ. સગાં હોય તે તો ગમે તે મિષે તેડાવી પેરવી કરે, સંયોગીરાજ આપના સગામાં છે ?'

'સગા તો ક્યાં ? સ્નેહી છૈ. ત્યાવનું સામને આવવું, હમારું સામને જવું. એ પ્રકારની બડાની મૈત્રી પ્રતિષ્થાની આ વૃદ્ધિની પેરવી તો ત્યાવની જ છૈ. પ્રીતૈ આ સબ બણવાવ્યા.'

'પ્રતિષ્ઠા' શબ્દથી જોશીની ભ્રાંતિ દૂર થવાનો આરંભ થશે એમ મેં ધાર્યું પણ તે ધારણા ખોટી પડી. ભાસ્કરાચાર્યના અવતારે તરત પોતાના પૃચ્છાવ્યાપારનું અનુસંધાન કરી લીધું અને તે બોલ્યા,

'પત્ની એ પન પ્રતિષ્ટ્ઃઆ જ છે, અને આપને મેં જે મુહૂર્ત આપ્યું છે તે એવું અત્યુત્તમ ફલદાયક અને સિદ્ધિદાયક છે કે પુત્ર પરિવારથી કુટુંબવૃદ્ધિ થયા વિના રહે નહિ.'

'એ તો ભગવાનની કિરપાની બાત છૈ. હિંતુ હમારે ગૃહમેંથી ગત છૈ. આપ બેખબર તેથી અમે કહ્યા. આપ જ્યોતિષી ને આપને માલૂમ નહિ એ કેસા ?'

'જોશીથી તે વળી કંઈ અજાણ્યું રહે ? वेदचक्षु किलेदं स्मृतं ज्योतिषं मुख्यता जाड़गममध्यस्य | વેદના ચક્ષુ એવા જોતિષશાસ્ત્રને સર્વ અંગમાં મુખ્ય અંગ કહ્યું છે. શાસ્ત્રીઓ અમારી નિન્દા કરે છે કે વ્યાકરણ સિંહે ડરાવેલાં અશુદ્ધિરૂપી હરણાં નાસીને જ્યોતિષશાસ્ત્રમાં પેસી ગયાં. તેથી અમે ઝાઝા શ્લોક બોલીએ નહિ એટલું જ. પણ જ્યોતિષ વિના વેદ આંધળા છે અને વેદ વિના દેવો આંધળા છે. તેથી જ્યોતિષ જાણે તેને ત્રણ કાલનું અને ત્રણ લોકનું જ્ઞાન થાય છે, સુધારાવાળા જ્યોતિષ નથી માનતા, પણ, મહોટી રેલ આવી ત્યારે કલેક્ટરે બાધાની બંગડીઓ પહેરી હતી અને મારે ઘેર પૂછવા આવ્યો હતો કે તમારા શાસ્ત્ર પરથી પાણી ક્યારે ઊતરવાનું નીકળે છે. હું તો ઘેર નહોતો પણ એ રસ્તે થઈને એ ગયો તે લોકોએ જોયો. આપણા લોકોના ઘર આગળ એને બીજા શા સારુ આવવું પડે ? સુધારાવાળા કહે છે કે ગ્રહોમાં કંઈ સમજણ છે કે સારું-ખોટું કરે ? પણ સમજણ ન હોય તો ગ્રહોનો ગણિત પ્રમાણે નિયમસર રાશિભોગ કેમ બને ? અને સારું કરવા કે નડવા સારુ અમુક વખતે તે અમુક રાશિમાં આવીને ઊભા રહે છે તે એમને કોઈ કહેવા જાય છે ? સાહેબ લોકો તો હજી ગ્રહોમાં વસ્તી છે કે નહિ, પાણી છે કે નહિ, પર્વત છે કે નહિ એવું બધું ખોળવાનાં ફાંફાં મારે છે, પન, અમને તો ગ્રહોના અંતરની ખબર પડેલી છે અને તેમનો ક્રોધ તથા તેમની પ્રિતિ અમે જાણી શકીએ છીએ, તો પછી આપની વાત કેમ ન જાણિએ ? મુહૂર્ત આપતાં પહેલાં આપનાજન્માક્ષર મેં જોયછે. આપની પત્ની ગત થઈ તેથી જન્માક્ષરથી એમ ન નીકળે કે આપને પત્નીનું સુખ નથી. સ્ત્રીનો ધણી મરી જાય ત્યાર પછી જોઈએ છીએ તો એના જન્માક્ષરમાંથી નીકળે છે ખરું કે એને ધણીનું સુખ નથી. પણ સ્ત્રીની જાત જુદી છે અને સુધારાવાળા વિધવાઓને ફરી પરણવાનું કહે ત્યારે એ બતાવવાનું છે. આપ બીજી કરો તેમાં કશી હરકત નથી. ખુશીથી લગ્ન કરો.

'ખરચો થાય અને આપ સરખાને લાભ પહુંચે એવા આપને તો સોચા; પરંતુ એવા ભાષણ બંદ રાખ્યા ગયા ઠીક છૈ. સબબ સબ સબકી મુખત્યારીકી એ બાત છૈ.'

જોશી મહારાજને લેશ માત્ર પણ ખોટું લાગ્યું હોય એમ જણાયું નહિ. વાત કરવાની તેમની ઇંતેજારી કશાથી ખળાય તેમ નહોતી અને હવે પછી મળવાની ગમ્મતનું ગમે તે થાય, પણ મને તો આ સૌ સંભાષણમાં જ એટલી ગમ્મત પડતી હતી કે તેમાં વિક્ષેપ કરવા મારી બિલકુલ ઇચ્છા નહોતી અને ક્યાંથી વચ્ચે પડવું એ મારાથી નક્કી પણ થઈ શકતું નહોતું તંદ્રાચંદ્ર અને જોશી એકબીજાનો ભાવાર્થ સમજવામાં એવા આડે રસ્તે ચઢી ગયા હતા કે તેઓ અથડાઈ પડે અને ખરી વાત તેમને જણાઈ જાય એવો સંભવ બહુ ઓછો હતો. તેથી મારી ચિંતા જરા દૂર થઈ હતી. જોશીએ કહ્યું,

'હું કાંઈ મશ્કરી નથી કરતો. પ્રસ્તુત હોય ત્યારે સર્વ કોઈને બોલવાનો પ્રસંગ હોય અને તેમાં કંઈ આપને શરમાવાનું નથી. સંસારવ્યવહાર તો ચાલ્યો જ જાય. મેં કહ્યું તે તો એટલા માટે કે મારા જોયેલા જોશ પર આપની શ્રદ્ધા કંઈ કમ જણાઈ અને અમારો તો ખેર પણ જ્યોતિષનો મહિમા તો સાચવવ્તો પડે. સુધારાવાળા અમારા શાસ્ત્ર પર શ્રદ્ધા નથી રાખતા અને મુહૂર્ત વિના બધાં કાર્ય કરે છે તેથી તેઓ મૃત્યુ પામે છે. વૈદ્યૃત, વ્યતિપાત સંભાળે નહિ તેથી એવું થાય છે. કહેશે કે ત્યારે જોશ જોઈને વર્તનારા કેમ મરતા હશે ? પણ મોત કોઈથી અટકાવાય છે ? અને તેમાંએ એમ તો ખરું કે રોગાદિ કારણથી મૃત્યુ થાય છે તે ઘડીએ અને પલકે જોશ ન જોવાથી થાય છે. છીંક ખાવાથી માંડીને બધાં કામમાં લોકો જો જોશીને પ્રથમ પૂછી જોતા હોય તો રોગાદિ ઉપદ્રવ થાય હ નહિ અને કોઈની હાનિ કે પરાભવ કદી જોવામાં આવે જ નહિ. સત્‌યુગમાં યુદ્ધ સમયે બંને પક્ષવાળા મુહૂર્ત જોઈને નીકળતા તો બંનેનો સંપૂર્ણ જય થતો. જોશીઓ ધારે તો મૃત્યુથી ખસ્યા ને ખસ્યા જ રહે ને અમર થઈ જાય. અમારા પાડોશીનો છોકરો અંગ્રેજી ભણ્યો છે તે તો કહે છે કે સુધારાવાળાને તો એવો જવાબ અપાય કે સૂર્ય જેમ આકર્ષણથી તથા તાપથી પૃથ્વીના જીવો પર અસર કરે છે તેમ ગ્રહોની પન એવી અસર મનુષ્યના શરીર પર તથા વ્યવહાર પર થાય છે. અમારા જ્યોતિષમાં તો ગ્રહોના અહીં સુધી પહોંચતા એવા આકર્ષણ કે તાપ વિષે લખ્યું નથી અને અંગ્રેજી ચોપડીઓમાં લખ્યું છે કે નહિ તે આપણને ખબર નથી. પન હશે તો ખરું અને તેમાં એમ પણ હશે કે વેપારીનું વહાણ ડૂબે અથવા તેની દુકાન બાળે તેમાં વેપારી પર થયેલી ગ્રહોની અસર દરિયા અને પવન સુધી તથા સળગાવનારના મન સુધી પહોંચતી હશે અને તેમને પ્રેરતી હશે. પરંતુ જ્યોતિષ પર શ્રદ્ધા હોય તો જડશાસ્ત્રની એવી યુક્તિપ્રયુક્તિની કડાકૂટની જરૂર જ ન પડે. અને ગ્રહોને જડ ગણવા એ તો નાસ્તિકતા છે. ગ્રહો તો દેવતા છે અને ધારે તે કરે છે. એમનામાં બળ ક્યાંથી આવે એ પૂછવાની જ ધર્મશાસ્ત્રમાં ના કહી છે. તેમના ક્રોધથી બચી જવાની લોકોની યુક્તિ તે નહિ સમજતા હોય એમ કેમ જાણ્યું ! પણ જોશીઓના ગણિતથી બંધાયા તે શું કરે ? જોશીઓનો મહિમા એવો છે. જોશીઓ પર શ્રદ્ધા રાખવી જોઈએ, મહારાજ.'

નાસ્તિકતાનો આક્ષેપ સહન ન થઈ શકવાથી તંદ્રાચંદ્ર એકદમ બોલી ઊઠ્યા, 'શ્રદ્ધા તો હમારી જ્યોતિષ બિષે દૃઢ છે. એભી વિશ્વાસ છૈ કિ સુમુહૂર્તથી કાર્યસિદ્ધિ તુરન્ત થાશે. કિન્તુ—'

એવામાં ઘડીનો વાડકો ડૂબવાનો સમય પાસે આવ્યો જોઈ જોશી મહારાજ 'સાવધાન'ની બૂમો પાડવા લાગ્યા અને 'અક્ષરસમય'નો ઘોષ કરતા અડધો અક્ષર ન થાય એટલામાં અક્ષર 'વીસના અંતર સમય'થી ક્રમશ: અક્ષર 'પાંચના અંતર સમય' પર આવી લાગ્યા. તેમની ગર્જના સાંભળી પાર્શ્વચરો દોડી આવ્યા અને અક્ષરના અંકનો એક પછી એક ભારથી ઉચ્ચાર થતો સાંભળી સંભ્રમ પામતા તંદ્રાચંદ્ર પણ મહાકાર્યની પ્રવૃત્તિ માટે ઊભા થયા.

***

Rate & Review

Dinesh Anjara

Dinesh Anjara 3 years ago

Bharat soni

Bharat soni 4 years ago

Mitesh Vachheta

Mitesh Vachheta 4 years ago

Vanita

Vanita 5 years ago

makwana gopal

makwana gopal 5 years ago