Aafat - 6 books and stories free download online pdf in Gujarati

આફત - 6

આફત

કનુ ભગદેવ

6: સાવિત્રીની કરૂણતા!

સુનિતાના મોંમાંથી વેદનાના ચિત્કારો નીકળતા હતા. એ બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી અમર, કમલા, હિરાલાલ વિગેરેએ તેને મારકુટ કરી હતી.

એ હમણા જ ભાનમાં આવી હતી. એણે પોતાની જાતને રૂમની જમીન પર પડેલી જોઈ.

સખત ઠંડી પડતી હતી. અને આમે ય સુનિતાને ટાઈફોઈડ થઈ ગયો હતો. જમીનની ઠંડકને કારણે તેના હાડકાંઓ થીજી ગયાં હતાં. એ ટાઢથી ધ્રુજતી હતી.

જમીન પરથી ઊભા થતાં તેને ઘણી વાર લાગી ગઈ. એના શરીરમાં ઊભા થવાની તાકાત નહોતી રહી. શરીરની સાથે સાથે એનું મન પણ ભાગી ગયું હતું.

ત્યારબાદ એની નજર પલંગ પર પડી. ત્યાં અમર ગાઢ ઊંઘમાં સૂતો હતો.

સુનિતાનું મન પીડાથી ભરાઈ ગયું. એ વિચારતી હતી

આ એ જ માણસ હતો કે જેણે પવિત્ર અગ્નિ સમક્ષ લગ્નના ફેરા ફરતી વખતે કેવા કેવા સોગંદ ખાધા હતા? કેવી કેવી પ્રતિજ્ઞાઓ લીધી હતી? આજે એ બધા સોગંદો, બધી પ્રતિજ્ઞાઓ ક્યાં ગઈ? હું કરિયાવર નથી લાવી એટલા માટે જ આજે એણે પોતે મને મારી છે તથા બીજીના હાથે મરાવી છે? મારો આટલો ગુનો તેઓ માફ કરી શક્યાં નહીં? આ માણસને માત્ર પૈસા સાથે જ પ્રેમ છે? મારી સાથે નહીં...? એને માત્ર કરિયાવર જ જોઈએ છે? પત્ની નથી જોઈતી?

એના દિમાગમાં એક પછી એક વિચારો આવતા હતા.

એને પોતાના પતિ પ્રત્યે ઘોર તિરસ્કાર છૂટ્યો. એનું મોં જોવામાં યે પાપ હોય એમ એણે તરત જ પોતાનું મોં બીજી તરફ ફેરવી લીધો.

પછી અચાનક જ પોતે હવે જીવતી નહીં રહે એવો મક્કમ નિર્ણય એણે કરી લીધો.

પોતાના સાસરિયા પક્ષના લોકો પોતાને મારી નાખે એ પહેલાં જ પોતે પોતાની જાતને ખતમ કરી નાખશે. પોતે માત્ર પોતાની ક્રોખમાં ઉછરી રહેલા બાળક માટે જ જીવવા માંગતી હતી. પરંતુ એ બાળકને પણ હવે પાપનું સંબોધન કરવામાં આવ્યું હતું. હવે જીવે તો પણ કોને માટે? શા માટે...?

પરંતુ મરતાં પહેલાં પોતે જરૂર એક વખત પોતાની માને મળીને તેને પૂછશે કે જો એની પાસે લગ્નમાં આપવા માટેનું કરિયાવર નહોતું તો શા માટે એણે મને આ શયતાનોને હવાલે કરી?

એણે ઘડિયાળમાં સમય જોયો.

સાડા ત્રણ વાગ્યા હતા.

મનોમન કંઈક નક્કી કરીને એ થોડા પૈસા લઈને ત્યાંથી બહાર નીકળી ગઈ.

બંગલામાંથી બહાર નીકળીને થોડે દૂર ગયા પછી તેને એક ખાલી ટેક્સી મળી ગઈ. ટેક્સીનો ડ્રાઈવર કોઈ બદમાશ નથી એની તેણે પહેલેથી જ ખાતરી કરી લીધી હતી.

એની મા સ્ટેશન પાછળની નવી કોલોનીમાં રહેતી હતી.

પંદર મિનિટમાં જ એ ત્યાં પહોંચી ગઈ।

ટેક્સીનું ભાડું ચુકવીને એ પોતાના મકાન તરફ આગળ વધી.

મા સાથે થોડી વાત કર્યા પછી પોતે આપઘાત કરી લેશે એવું તેણે નક્કી કરી નાખ્યું હતુ. આ સંસાર પરથી તેને મન ઊઠી ગયું. હતું.

ઠંડી સખત પડતી હતી.

ઘરના કમ્પાઉન્ડનું ફાટક ઉઘાડીને તે આગળ વધી.

અત્યારે અડધી રાતે પોતાની માના રૂમમાં લાઈટ ચાલુ જોઈને તેને આશ્ચર્ય થયુ હતું.

પછી સહસા તેની નજર માના રૂમમાંથી, ઝડપથી બહાર નીકળતા એક માણસ પર પડી. એણે પગથી માથા સુધી કાળા વસ્ત્રો પહેર્યા હતા. એણે ચ્હેરા પર નકાબ પહેર્યો હતો. આંખોના સ્થાને બે છીદ્રો હતા, જેમાંથી એની લાલઘુમ આંખો તગતગતી હતી. એનો એક પગ લંગડાતો હતો.

એ સુનિતાની બાજુમાંથી પસાર થઈને કંમ્પાઉન્ડના ફાટક તરફ આગળ વધી ગયો.

સુનિતા આશ્ચર્યથી તેને જતાં જોઈ હતી.

‘જમનાદાસ કાકા...!’ એણે ધ્રુજતા અવાજે તેને બૂમ પાડી. પરંતુ એ નકાબપોશ તેની બૂમ સાંભળ્યા વગર જ ફાટક ઉઘાડીને ઝડપથી બહાર નીકળી ગયો.

‘કમાલ કહેવાય...’ સુનિતા સ્વગત બબડી, ‘લાગતા તો જમનાદાસ કાકા જેવા જ! પરંતુ અહીં તેઓ શા માટે આવ્યા હશે? મેં બૂમ પાડી છતાં તેઓ શા માટે ઊભા ન રહ્યાં?’

પછી ધબકતા હૃદયે તે પોતાની માના રૂમમાં દાખલ થઈ.

પરંતુ અંદરનુ ર્દશ્ય જોતાં જ તેની આંખો નર્યા નિતર્યા અચરજથી જ પહોળી થઈ ગઈ.

એની મા સાવિત્રી જમીન પર આડી પડી હતી. એણે લાલ સાડી પહેરી હતી. એના હોઠ પર લીપસ્ટીક કપાળ પર ચાંદલો કરેલો હતો. માત્ર એના સેંથામાં કંકુ જ નહોતું. બાકી તો તે સૌભાગ્યવતી જેવી જ લાગતી હતી.

સુનિતા ધબકારો તેનો આ દેખાવ જોઈને એકદમ વધી ગયા હતા. એને પોતાની આંખો પર ભરોસો નહોતો બેસતો. પોતે જાણે હકીકત નહીં પણ કોઈક સપનું જોતી હોય એવા ભાસ તેને થતો હતો. એણે પોતાની આંગળી બંને દાંત વચ્ચે દબાવીને જોરથી દબાવી.તરત જ તેના મોંમાંથી સીસકારો નીકળી ગયો. પોતે સપનું નથી જોતી એની તેને ખાતરી થઈ ગઈ. મા અને એ પણ લાલ સાડીમાં....? પરંતુ એણે તો પોતાનું જીવન વિધવા તરીકે જ વિતાવ્યું હતું તો પછી....? તો પછી....?

પછી સહસા એની નજર સાવિત્રીના એક હાથમાં જકડાયેલી કંકુની ડબ્બી તથા બીજા હાથમાં રહેલા એક ફોટો પર પડી.

‘મા....’ એ ઝડપથી આગળ વધીને તેની નજીક પહોંચી.

કોઈક અજાણી આશંકાથી તેનું હૃદય ધબકતું હતું.

એણે સાવિત્રીનું માથું પોતાની ખોળામાં લઈ લીધું. એની આંખો બંધ હતી.

‘ત...તું આવી ગઈ દિકરી...?’ સાવિત્રીએ પરાણે પરાણે આંખો ઉઘાડીને ક્ષીણ અને નંખાઈ ગયેલા અવાજે કહ્યું. ‘મારતા પહેલાં તારું મોં જોવાની મને ઘણી ઇચ્છા હતી. અને જોઈ લે... ઈશ્વરે મારી ઇચ્છા પૂરી કરી દીધી છે. હવે હું શાંતિથી મરી...’

‘નહીં....’ સુનિતા ચીસ જેવા અવાજે બોલી, ‘આવું ન બોલ મા...!’

‘મેં....મેં ઝેર પી લીધું છે દિકરી...! હવે હું બચી શકું તેમ નથી. હવે થોડી પળોની જ મહેમાન છું. સ....સંભાળ બેટા....! કરિયાવર માટે તારા સાસરીયાવાળાઓ તારા પર કેવાં જુલમ કરે છે. એની બધી જ મને ખબર છે. આજે મધુને કારણે તારે માર ખાવો પડ્યો છે, ગાળો અને અપમાન સહન કરવા પડ્યા છે, એ પણ હું જાણું છું. અને....અને એટલા માટે જ મેં ઝેર પી લીધું છે. હું મારી ઘણી ઇચ્છા હોવા છતાં પણ મારી દિકરી માટે કંઈ કરી શકી નથી એનો મને ખૂબ જ અફસોસ અને દુ:ખ થાય છે. તારાં લગ્ન વખતે કરિયાવરમાં આપવા માટેના જે ત્રણ લાખ રૂપિયા તે પેટીમાં જોયા હતા, એ લગ્નને આગલે દિવસની રાત્રે જ તેમાંથી ચોરાઈ ગયા હતા. મેં તારાં સસરાને એ રૂપિયા પાછળથી હું આપી દઈશ એવું કહ્યુ હતું. પરંતુ હું કેમેય કરીને આપી શકી નથી. અને આ કારણસર જ એ લોકો તારા પર જુલમ કરે છે અને તને મારી નાખવા માંગે છે.’

‘પરંતુ....મધુને કારણે આજે મારે માર ખાવો પડ્યો છે તથા એ લોકો મને મારી નાખવા માગે છે અને એ લોકો મારા પર જુલમ કરે છે. એની તને કઈ રીતે ખબર પડી?’

‘હું બધું જ જાણું છુ દિકરી... બધું જ જાણું છું.’ સાવિત્રી પૂર્વવત નંખાઈ ગયેલાં અવાજે પૂછ્યું કહ્યું, ‘પણ એક વાત કે જે તું નથી જાણતી એ હું તને આજે કહું છું.... સાંભળા આ દુનિયાનો પુરૂષ સદીઓથી સ્ત્રીને પોતાની ગુલામ માને છે... રમકડું માને છે... મારા હાથમાં તું આ કંકુની ડબ્બી જુએ છે ને? એક....એક પુરૂષે મારી સાથે શારિરિક સંબંધો બાંધીને મને કુંવારી મા બનાવી દીધી. પરંતુ આ ડબ્બીમાંથી ચપટી કંકુ કાઢીને હું મારા સેંથામાં પુરૂ એવો અધિકાર એણે મને આપ્યો નહી. અને હવે એક વધુ પૂરૂયે પવિત્ર અગ્નિ સામે સાત ફેરા ફરીને, મારી કમનસીબ દિકરીનાં સેંથામાં કંકુ પૂર્યા પછી પણ કરિયાવર ઓછું મળવાને કારણે તેને સ્ત્રી નહીં પણ રમકડું જ માન્યું. એક એવું જીવતું-જાગતું રમકડું કે જેની સાથે એ મન પડે ત્યારે રમ્યો, પોતાની વાસના સંતોષી લીધી અને પછી દૂધમાંથી કાંકરીની જેમ ફેંકી દીધી. પરંતુ તું મને વચન આપ દિકરી... કે તું હવે આપઘાત નહીં કરે! સ્ત્રી માત્ર વાસના પૂરી કરવાનું સાધન નથી. કોઈની ગુલામ નથી. તારે પુરવાર કરી દેવાનું છે કે જ્યારે સ્ત્રી પોતાની જાત પર ઊતરી આવે છે ત્યારે તે કરિયાવરના, પૈસાના ભૂખ્યા પુરૂષોને કીડીની જેમ મસળી શકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં તેને ધૂળધાળી કરી શકે છે. સ્ત્રીને રમકડું માનનાર પુરુષને એ પોતે પણ રમકડું બનાવી નચાવી શકે છે. મને વચન આપ દિકરી તું સ્ત્રીનું મહત્વ પુરવાર કરવા માટે જીવતી રહીશ અને પુરૂષને તેની હેસિયત દેખાડી દઈશ. અને....અને...આહ....હું હવે જઉં છું...દિકરી...કાયમને માટે આ દુનિયામાંથી જઉં છું....’ એનો અવાજ પ્રત્યેક પળે ક્ષીણ થતો જતો હતો, ‘ત...તું હંમેશા....મને પૂછતી....હતી.... ને....કે ત… તારો બ..… બાપ… ક.… કોણ છે....? તો..… જો.… અ.… આ..… છે તારો… બ… બાપ...… કે જેણે ત.… તારી આ અભાગણી..... મા ને..… માત્ર..… એક રમકડું જ માન્યું.… અને.… અને...’ એણે સુનિતા સામે ફોટાવાળો હાથ લંબાવ્યો.

પછી વળતી જ પળે તેની ગરદન એક તરફ ઢળી પડી. હોઠનાં ખૂણાંમાંથી ફીણ સાથે લોહીની ધાર નીકળી આવી.

એ મરી ગઈ હતી. પરંતુ તેની હથેળી હજુ પણ સુનિતા સામે જ લંબાયેલી હતી.

એનાં હૃદયમાં રહેલા ફોટો પર નજર પડતાં જ સુનિતા આશ્ચર્યથી ઉછળી પડી. એને પોતાના ગળામાં કશુંક અટકતું લાગ્યું. કલેજું મોંમા આવી ગયું. આંખોમાં નર્યા-નિતર્યા આશ્ચર્ય અને મુંઝવણના મિશ્રિત હાવભાવ છવાઈ ગયા.

ફોટામાં રહેલા માણસને તે ઓળખી ગઈ હતી.

એ ફોટો ભાનુશંકરનો હતો.

એ જ ભાનુશંકરનો કે જેની દિકરી કિરણ સાથે, પોતાને મારી નાખ્યા પછી અમરના લગ્ન કરી નાખવાનું હિરાલાલ સપનું જોતો હતો.

તે એકીટશે ફોટા સામે તાકી રહી.

પોતાના ખોળામા, પોતાની માનો મૃતદેહ પડ્યો છે, એ વાત પણ થોડી પળો માટે તે ભૂલી ગઈ હતી.

પછી એકસામટા અનેક પ્રશ્નો એના દિમાગમાં હથોડાની જેમ ઝીંકાવા લાગ્યા.

એ વિચારતી હતી.

જો પોતાને કરિયાવરમાં આપવાના ત્રણ લાખ રૂપિયા ચોરાઈ ગયા હતા. તો પછી મા ભાનુશંકર પાસેથી બીજી વાર રૂપિયા શા માટે ન લઈ આવી? એ દિવસે ભૂલથી તેનાથી બોલાઈ ગયું હતું કે ‘આ રૂપિયા હું, તારા પિતાજી પાસેથી...’ એટલો એ જરૂર રૂપિયા તેની પાસેથી જ લઈ આવી હતી. જે માણસે એકવાર મદદ કરી હોય તે બીજી વાર પણ કરી જ શકે છે.ભાનુશંકર અવારનવાર હિરાલાલને ઘેર આવતો હતો. એ જ્યારે આવતો ત્યારે વિદેશી કારમાં જ આવતો હતો. આ ઉપરાંત તેનો કીમતી પહેરવેશ, બંને હાથની ત્રણ ત્રણ આંગળીમાં ચમકતી હિરાજડિત વીંટીઓ, ગળાનો ચેન વિગેરે તેનાં ખૂબ જ પૈસાદાર હોવાની ચાડી ખાતું હતું. તો શું એ બીજી વાર માને ત્રણ લાખ રૂપિયા નહોતો આપી શકતો? જો ના, તો એણે પહેલાં શા માટે આવ્યા હતા?

ઉપરાંત પોતે અહીં આવી ત્યારે, કાળાં વસ્રોમાં પગથી માથાં સુધી સજ્જ થયેલો જે માણસ માના રૂમમાંથી બહાર નીકળ્યો તે કોણ હતો? માએ પણ મરતાં પહેલાં એને વિશે કંઈજ નહોતું કહ્યું.

પછી અચાનક તેને યાદ આવ્યું કે જ્યારે હિરાલાલ, કમલા વિગેરે રાત્રે ગેરેજ પાસે પોતાને મારકુટ કરતાં હતા, ત્યારે અમરે, પોતે કોઈક લંગડાને બંગલાની દીવાલ કુદીને જતો જોયા હતા. અને રાજેશે તપાસ કરી તો ત્યાં કોઈ જ નહોતું. એટલે અમરને નશાને કારણે ભ્રમ થયો હશે એમ તેઓએ માની લીધું હતું તો શું એ લંગડાને આવીને જ માને જણાવ્યું હશે કે આજે મધુને કારણે મારે માર ખાવો પડ્યો છે?

કોણ છે આ લંગડો માણસ...?

શું એ જમનાદાસ કાકા હતા કે પછી બીજું કોઈ....?

જરૂર જમનાદાસ કાકા જ હશે.... એને જ મારા પ્રત્યે લાગણી અને હમદર્દી છે. એણે વિચાર્યુ. પછી અચાનક તેને સાવિત્રીની અંતિમ ઇચ્છા યાદ આવી. પોતે આ દુનિયાને કંઈ રીતે દેખાડી દેશે કે સ્ત્રી કોઈની ગુલામ નથી... રકમડું નથી....? પોતે એકલી-અટુલી તેમની સામે કઈ રીતે લડી શકશે?

ગમે તે થાય...? પોતે હવે આપઘાત નહીં કરે....અને બનશે તો માને આપેલું વચન પૂરું કરવાનો પ્રયાસ કરશે...!

આ વિચાર આવતા જ સુનિતાનો ચ્હેરો કમાનની જેમ ખેંચાઈને પથ્થર જેવો સખત થઈ ગયો. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. જડબાં ભીંસાઈ ગયા. આંખોમાં લાલાશ ધસી આવી અને ચ્હેરા ક્રુર થઈ ગયો.

એણે ધીરેથી ખોળામાંથી પોતાની માનું માથું ખસેડી લીધું.

પછી ઊભા થઈ બંને હાથ જોડીને તેને વંદન કર્યા પછી તેનાં ચરણ સ્પર્શ કર્યા.

ત્યારબાદ તે ર્દઢ નિર્ણય સાથે મક્કમ પગલે ત્યાંથી વિદાય થઈ ગઈ.

એ ચૂપચાપ પોતાનાં સાસરાનાં ઘેર પહોંચી ગઈ.

પોતાની રૂમમાં જઈને એણે જોયું તો અમર હજુ પણ ગાઢ ઊંઘમાં સૂતો હતો.

દીવાલ પર લટકતી ઘડિયાળમાં વહેલી સવારના પાંચ વાગ્યા હતા.

પહેલાં તો એણે સૂઈ જવાનો વિચાર કર્યો. પરંતુ પછી એણે એ વિચાર માંડી વાળ્યો. પોતાને ઊંઘ નહીં જ આવે એ તે જાણતી હતી. પોતાની માને મૃતદેહ હજુ પણ એની નજર સામે તરવરતો હતો. રહી રહીને એના શબ્દો તેના કાનમાં ગુંજતા હતા.

એની આંખોમાં આંસુ ધસી આવ્યા. દીવાલ સાથે માથું પછાડીને તેને રડવાનું મન થઈ આવ્યું.

પરંતુ તેને રડીને મનનો ભાર હળવો કરવા જેટલોક હક પણ કયાં આ લોકોએ આપ્યો હતો? તેના રડવાના અવાજથી અમરની ઊઁઘમાં ખલેલ પહોંચે તેમ હતું. અને જો એકવાર તેની ઊંઘ બગડશે તો નાહક જ પોતાને મારકુટ કરશે. ગાળો ભાંડશે એ તે જાણતી હતી.

અને હવે સૂવાનો વખત પણ રહ્યો નહોતો. પાંચ તો વાગી ગયા હતા અને છ વાગ્યે તેને બધા માટે ચા બનાવવાની હતી. જો પોતે સમયસર ચા નહીં બનાવે તો પોતાની સાસુ પોતાના પર ગુસ્સો ઠાલવશે એની તેને ખબર હતી.

છેવટે એક ઊંડો નિ:સાસો નાંખી, પોતાના બેડરૂમમાંથી બહાર નીકળીને સુનિતા કીચન તરફ આગળ વધી.

એ જ વખતે સહસા તેની નજર સામેથી, હાથમાં ચાંદીના થાળીમાં પૂજાનો સામાન લઈને આવીત પોતાની સાસુ કમલા પર પડી.

સુનિતા પર નજર પડતાં જ જાણે બિલાડી આડી ઊતરી હોય અને અપશુકન થયાં હોય તેમ કમલાએ મોં મચકોડ્યું.

સુનિતાનું હૃદય ચીરાઈ ગયું. કમલાની આવી વર્તુણૂંકથી તેનું સ્વમાન ઘવાયું હતું. પરંતુ એ કરી પણ શું શકે તેમ હતી!

કમલા ચાલી ગઈ હતી.

એ મંદિર ગઈ છે, તેની સુનિતા જાણતી હતી. કોણ જાણે કેમ હમણાં થોડા વખતથી કમલા દરરોજ મંદિરે જતી હતી. સવારના પાંચ વાગ્યમાં જ તે ચાંદીની થાળીમાં પૂજાનો સમાન લઈને નીકળી જતી અને છ વાગ્યે પાછી ફરતી હતી. પોતાની વહુ જલ્દીથી સાજી-સારી થઈ જાય એટલા માટે જ પોતે દરરોજ સવારે પૂજા કરવા માટે જાય છે. એવી વાતો એણે પોતાના આડોશી-પાડોશીઓમાં ફેલાવી દીધી હતી. આમ કરીને, પોતાને સુનિતા પ્રત્યે ખૂબ જ લાગણી અને પ્રેમ છે એ વાત તે તેમના મગજમાં ઠંસાવી દેવા માંગતી હતી જેથી સુનિતાના મૃત્યુ પછી કોઈ તેઓ પર શંકા ન કરે!

સુનિતા કીચનમાં જઈને ચા બનાવવા લાગી.

ચા બનાવી, એક ટ્રેમાં કપ મૂકીને તે સીધી જ પોતાના બેડરૂમમાં ગઈ.

સાડા પાંચ વાગ્યા હતા. પરંતુ અમર હજી પણ સૂતો હતો. તેને ઉઠાડવાનું સુનિતાને યોગ્ય લાગ્યુ નહી. જો પોતે તેને ઉઠાડશે તો નાહક જ એ ગુસ્સો કરીને પોતાનો દિવસ બગાડશે એ તે જાણતી હતી.

ત્યાંથી નીકળીને તે સીધી મધુના રૂમમાં ગઈ. પરંતુ એ પણ સૂતી હતી. એને જોઈને અનાયાસે જે એનું મન પીડા અને ઘૃણાથી ભરાઈ આવ્યુ. ઇચ્છા હોવા છતાં પણ એ તેને ઉઠાડીને ચા પીવાનુ કહી શકી નહીં.

પછી તે રાજેશના રૂમમાં ગઈ.

એ જાગતો હતો. એના હાથમાં સિગારેટ સળગતી હતી.

‘ચ...ચા લાવી છું....’ સુનિતા માંડ માંડ બોલી શકી, કારણે કે જે નજરે રાજેશ તેની સામે જોતો હતો, એ નજરનો ભાવાર્થ તે સમજી ગઈ હતી. એ નજરમાં વાસના સિવાય બીજું કશું જ નહોતું.

રાજેશ કેટલી યે વાર સુધી એકીટશે વાસના ભરી નજરે તેની સામે તાકી રહ્યો.

‘આવ સુનિતા....!’ હાથમાં રહેલી સિગારેટને એશ ટ્રેમાં પધરાણીનું ચ્હેરા પર સ્મિત ફરકાવતાં એણે કહ્યું, ‘તું ચા લાવી છો? વેરીગુડ....! અત્યારે ચાની ખૂબ જ તલપ લાગી હતી. સારૂ થયું તું આવી ગઈ.

‘મોટાભાઈની પત્નિને નામથી અને એ પણ એક વચનમાં નહીં પણ ભાભી કહીને બોલાવવામાં આવે છે. શું આટલી નાની વાત પણ મારે તને સમજાવી પડશે? સુનિતાએ ચીસ જેવા અવાજે પૂછ્યું.

‘શું રાકેશ પણ તેને ભાભી કહીને બોલાવતો હતો.?’ રાજેશે નફટાઈ ભર્યું સ્મિત ફરકાવતાં પૂછ્યું

‘રા....જે....શ’સુનિતા ક્રોધથી કાળઝાળ બની ગઈ. એનું રોમેરોમે સળગી ઉઠ્યું. ગરમાગરમ ચાનો કપ રાજેશ પર ઊંધો વાળી દેવાનું તેને તીવ્ર મન થઈ આવ્યું. એણે તેને કેટલી મોટી ગાળ આપી હતી?

‘તું મને ચા પીવડાવવા આવી છો કે મારી સાથે ઝઘડો કરવા?’ રાજેશના ચ્હેરા પર હજુ પણ પૂર્વવ્રત નફટાઈભર્યુ સ્મિત ફરકતું હતુ. એની વાસનાભરી આંખો સુનિતા યૌવન પર ફરતી હતી.

સુનિતા ચાનો કપ, પલંગ પાસે પડેલા સ્ટૂલ પર મૂકીને પાછી જવા લાગી.

‘ઊહૂં...આવી રીતે નહી....!’ રાજેશે તેનું કાંડુ પકડીને કહ્યું ‘ તું તમારા હાથેથી મને ચા નહીં પીવડાવે ત્યાં સુધી હું ચા નહી પીઉં એવા સોગંદ મેં ખાધા છે.’

‘રાજેશ...’ સુનિતા ક્રોધથી બરાડી. પછી એક આંચકો મારીને એણે તેના હાથમાંથી પોતાનું કાંડુ છોડાવી લીધું. ત્યારબાદ તે દોડીને તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ.

એનું રોમેરોમ ક્રોધથી સળગતું હતુ. પોતાનું ચાલત તો એ વખતે તે કોણ જાણે શું યે કરી બેસત.

રાજેશની વર્તુણક વિશે વિચારતી. મનોમન ગુસ્સે થતી તે પોતાના સાસરા હિરાલાલના રૂમ તરફ આગળ વધી ગઈ.

ખૂબ જ તાવને કારણે તેના પગ ધ્રુજતા હતા. હમણાં જ પોતે ગબડી પડશે એવો ભાસ તેને થતો હતો.

એ ચાની ટ્રે ઉંચકીને હિરાલાલના રૂમમાં પહોંચી ત્યારે એ પોતાની ખિસ્સા ઘડિયાળમાં સમય જોતો હતો.

‘ચ...ચા લાવી છું પિતાજી...!’

‘હે...?’ હિરાલાલે માથું ઊંચું કરીને તેની સામે જોયું. પછી થોડી પળો માટે તે એકીટશે એની સામે તાકી રહ્યો ત્યારબાદ ઘડિયાળને ગજવામાં મૂકતાં બોલ્યો, અત્યારે સાડા પાંચને ઉપર પાંચ મિનિટ થઈ છે. કમલા તો મંદિરે ગઈ હશે?’

‘જી....હા...’ કહીને સુનિતાએ ટ્રેમાંથી ચા નો કપ ઉંચકીને તેની સામે લંબાવ્યો.

‘આજે સવારના પહોરમાં કોણ જાણે કેમ મારું માથું સખત રીતે દુ:ખે છે. હિરાલાલે એના હાથમાંથી કપ લેવાનો જરા પણ પ્રયાસ કર્યો નહીં’’તું....જરા મને માથું દાબી દે સુનિતા...!

સુનિતા મનોમન ધ્રુજી ઊઠી. હિરાલાલની આંખોમાં છવાયેલી ચમકનો અર્થ તો તે સમજી ગઈ હતી. એ હિરાલાલની નજર સામે પોતાની નજર મેળવી શકી નહીં. તે તરત જ નીચું જોઈ ગઈ.

‘અ...તમે ચા પી લેશો તો તમારા માથાનો દુ:ખાવો તરત જ દૂર થઈ જશે.’ એણે ધ્રુજતા અવાજે કહ્યું.

‘તું થોડી વાર દાખી દઈશ તો કંઈ દૂબળી નહીં પડી જાય!’ હિરાલાલ કઠોર અવાજે બોલ્યો. એની આંખો હજુ પણ સુનિતાના ભરાવદાર દેહનું નિરીક્ષણ કરતી હતી.

‘મ...મેં એવું તો નથી કહ્યું કે હું દૂબળી પડી જઈશ...’ એનો કઠોર અવાજ સાંભળીને સુનિતાએ ભય અને ગભરાટભર્યા અવાજે કહ્યું.

‘તો પછી ચાલ....મારા પાસે બેસીને થોડી વાર માથું દાબી દે!’ હિરાલાલના અવાજમાં આદેશનો સૂર હતો.

મરતો શું ન કરે?

જો પોતે તેની વાત નહીં માને એ પોતાની પત્નિને ફરિયાદ કરશે તો નાહક જ સવારના પહોરમાં માર ખાવો પડશે, કમલા પોતાની ચામડી ઉતરડી નાખશે એ વાત સુનિતા જાણતી હતી.વહુ પોતે જ બિમાર છે એવું કોણ વિચારશે? બધાં એમ જ કહેશે કે વહુએ, સાસરાનું માથું શા માટે દાબી દીધું?

ચાની ટ્રે સ્ટૂલ પર મૂકીને, સુનિતા પલંગના માથા તરફના ભાગ પર વસ્ત્રો સંકોચીને બેસી ગઈ. પછી તે હિરાલાલનું માથું દાબવા લાગી.

‘ઉહૂં.... આવી રીતે નહીં...!’ હિરાલાલે તેનો હાથ પકડતાં કહ્યું, ‘તું મારા ખોળામાં મારું માથું લઈને પછી દબાવ!’

‘આમ જ બરોબર છે પિતાજી...! હું દાબુ તો છું જ!’

‘ના...આમ મજા નથી આવતી! અને સાંભળ...જ્યારે કોઈ ન હોય ત્યારે તું મને પિતાજી કહીને બોલાવવાને બદલે માત્ર નામથી જ બોલાવજે. બરાબર?’

‘ક...કેમ....? શા માટે....?’ સુનિતા પગથી માથા સુધી ધ્રુજી ઊઠી.

જવાબમાં હિરાલાલે તેનો હાથ પકડીને પોતાના હોઠ પર મૂક્યો.પછી વાસનાથી ઉત્તેજીત અવાજે બોલ્યો, ‘તારા મોંએથી, મારે માટે વારંવાર પિતાજીનું સંબોધન મને સાંભળવું નથી ગમતું.હું તને કઈ નજરે જોઉં છું, એની તને શું ખબર પડે? મને થાય છે કે...’

‘ પિતાજી....!’ હિરાલાલની વાતને વચ્ચેથી જ કાપી નાખીને સુનિતાએ ચીસ જેવા અવાજે કહ્યું, ‘આવી ગંદી વાતો કરતાં તમને શરમ આવવી જોઈએ. જરા તો વિચાર કરો... હું તમારા દિકરાની વહુ છું અને વહુ દિકરી સમાન જ હોય છે!’

‘ન તો તું મારી વહુ છે કે ન તો દિકરી....! વહુ તો ત્યારે જ ગણાત કે જ્યારે તું મારા કહ્યા મુજબ કરિયાવર લાવી હોત...! અને તે મારી પત્નિની કૂખેથી જનમ નથી લીધો એટલે તું મારી દિકરી પણ ન ગણાય!’ હિરાલાલે કહ્યું. પછી એણે સુનિતાના હાથને આંચકો મારીને તેને પોતાની નજીક ખેંચી લીધી. ત્યારબાદ એનાં ગાલ પર પોતાનાં હોઠ મૂકીને વાસનાથી થરથરતાં અવાજે બોલ્યો, ‘તારે જીવતાં રહેવું હોય તો મારી વાત માની લે! કમલાને મંદિરેથી આવવાને હજુ થોડી વાર છે. અને આટલો સમય મારી પ્યાસ બૂઝાવવા માટે ઘણો છે તું..’

‘છ...છોડી દો મને...છોડી દે....નહીં તો હું બૂમો પાડીને ઘરનાં લોકોને અહીં ભેગાં કરીને તમારાં કાળા કામો વિશે જણાવી દઈશ.’ સુનિતા ચીસ જેવા અવાજે બોલી. એને પોતાનાં સાસરા પર ખૂબ જ ક્રોધ ચડ્યો હતો. એ નાલાયકનું ગળુ દબાવીને તીવ્વ લાલસા તેની નસેનસમાં ઉછાળા મારતી હતી. પરંતુ તે પોતાના મનનું ધાર્યુ કરી શકે તેમ નહોતી.

‘તો તું બૂમો પાડીશ? બધાંને મારા કુકર્મ વિશે જણાવી દઈશે એમને....? બરાબર છે... તું આવું જરૂર કરી શકે તેમ છે તેની હું ના નથી કહેતો. પરંતુ તારી વાત પર કોણ ભરોસો કરશે? કહીને એણે ફરીથી સુનિતાને પોતાની નજીક ખેંચવાનો પ્રયાસ કર્યો, ‘તું કેટલા પાણીમાં છો એની બધાંને ખબર છે. તે દિવસે તે રાજેશ પર પણ આવો ભરોસો મૂક્યો હતો. પરંતુ કોઈએ તારી વાત પર ભરોસો કર્યો હતો? હવે આજે મારા પર આવો આરોપ મૂકીશ તો એમાં શું થઈ જવાનું હતું. મારા પર આવો આરોપ મૂકીશ તો એમાં શું થઈ જવાનું હતુ મારું કંઈ જ બગડતું નથી ઊલટું એ લોકો તારો જ વાંક કાઢશે. અને સાંભળ, તું પેલા બે બદામના રાકેશ સાથે શારિરિક સંબંધો રાખી શકે છે તો મારી સાથે શા માટે નથી રાખી શકતી? એની પાસેથી તો તને કંઈ જ મળતું નથી. જો તું મને ખુશ કરી દઈશ તો એના બદલામાં તમે નવી આરામ ભરી જિંદગી મળશે. તને કોઈ જ તકલીફ નહીં પડે હું તને રાણીની જેમ.....’

‘ હે ઈશ્વર....’ સુનિતાએ બંને કાન પર હાથ મૂકીને કહ્યું,

‘તમે બધાં કેટલાં નીચ અને નાલાયક છો.... ઈશ્વરને ખાતર તમારો બકબકાટ બંધ કરો. મારાથી એ સંભળાય તેમ નથી. કેટલું બધું નીચ અને હલકી કોટિનું છે તમારું આ ખાનદાન કુટુંબ! અહીં બધાં સ્ત્રીને રમકડું જ માને છે કે જેનાથી મન પડે ત્યારે રમી શકાય! પછી એ સ્ત્રી ઘરની વહુ કેમ ન હોય? ધિક્કાર છે તમને લોકોને...! વહુ કરિયાવર નથી લાવી એટલે તમે તેને તમારી હવસ બૂઝાવવાનું સાધન સમજી બેઠાં? કાલે તમે તમારી દિકરીને, એનાં સાસરિયાના કહ્યાં પ્રમાણે કરિયાવર નહીં આપી શકો અને તેના સાસરા તથા દિયર તમારી માફક જ તેની આબરૂં લૂંટવાનો પ્રયાસ કરતો તો તમારા પર શું વીતશે? તમને કેવું લાગે છે? બોલો....જવાબ આપો....!’ એના અવાજમાંથી નફરતની આંધી ફૂંકાતી હતી.

‘ચૂપ...’ હિરાલાલ એટલાંબધાં જોરથી બરાડયો કે તેનો અવાજ ફાટેલા વાસની જેમ તરડાઈ ગયો. સુનિતાની વાતો તેની પાસે કોઈ જવાબ નહોતો.

સુનિતા પોતાની આબરું લૂંટાતી બચાવીને બારણા તરફ ધસી ગઈ. એના ગુસ્સાનો પાર નહોતો રહ્યો. પરંતુ તે કંઈ જ કરી શકે તેમ નહોતી. એની આંખોંમાં લાચારીને કારણે આંસુ ઘસી આવ્યા હતા.

હિરાલાલના રૂમમાંથી બહાર નીકળીને એ સીધી જ સામેથી આવતી કમલા સાથે અથડાઈ પડી. કમલાના હાથમાંથી પૂજાની થાળી છટકીને નીચે જઈ પડી અને તેમાં રહેલા પૂજાનો સામાન જમીન પર વેર-વિખેર થઈ ગયો.

‘આંધળી છો કે શું? દેખાતું નથી....તને? કમલા ક્રોધથી બરાડી ઉઠી.

પરંતુ એની વાતનો જવાબ આપ્યા વગર કે તેની સામે જોયા વગર જ પોતાના રૂમ તરફ દોડી ગઈ.

‘કમાલ કહેવાય...’ કમલાએ હિરાલાલ સામે જોતાં આશ્ચર્યથી કહ્યું, ‘સુનિતાને શું થયું...?’

હિરાલાલ હજુ પણ એકટીશે બારણા તરફ જ તાકી રહ્યો હતો.

‘કમલા....’ છેવટે એ કઠોર અવાજે બોલ્યો. ‘માકડાને આંખો આવી ગઈ છે! એટલે હવે એની આંખોનો ઈલાજ કરવો પડશે. હવે ડોક્ટર આનંદને બોલાવવાનો વખત આવી ગયો છે.

***

સાંજનો સમય હતો.

સુનિતાએ આજે કંઈજ ખાધું કે પીધું નહોતું.

તે આખો દિવસ પલંગ પર પડીને વિચાર કરતી રડતી હતી.

ઉફ...કેટલા નીચ અને કમજાત આ લોકો....!

દિયર તેને ભાભી નહોતો માનતો. સાસરો તેને વહુ નહોતો માનતો. બંને તેની સાથે જાણે તે કોઈ રમકડું હોય એ રીતે રમવા માંગતા હતા. બંને એના પવિત્ર શરીરને વાસનાની ધગધગતી ભઠ્ઠીમાં ફેંકી દેવા માંગતા હતા. એને કલંકિત કરી નાખવા માગતા હતા. દિયર એવી હઠ પકડીને બેઠો હતો કે એ પોતાના હાથે તેને ચા પીવડાવે અને સાસરો એવી જીદ પકડીને બેઠો હતો કે એ પોતાના ખોળામાં લઈને તેનું માથું દાબે.

અને મધુ...?

આ ઘરમાં એનાથી વધુ નીચ અને ભયંકર બીજું કોઈ નહોતું.

અને કમલા...?

ઉફ.... ભગવાન ક્યારેય, કોઈને ય આવી સાસુ ન આપે. એ સાસુ નહીં પણ સાસુના રૂપમાં સાક્ષાત ચુડેલ જેવી હતી.

અને પતિ અમર....?

એની તો વાત જ જવા દો. એ પતિ નહીં પણ મા-બાપના ઈશારે નાચનારો એક જીવતો –મૃતદેહ જ હતો. પોતે જેને પરણીને આ ઘરમાં લઈ આવ્યો છે, એના પર શું વીતે છે એની તેને કંઈ જ પડી નહોતી. એ મન પડે ત્યારે સુનિતાને નજીક ખેંચીને પોતાની વાસના સંતોષી લેતો અને મન પડે ત્યારે તેને ધક્કો મારી દેતો. સુનિતાને તે પોતાની હવસ સંતોષવાનું સાધન માત્ર જ સમજતો હતો. એની સાથે જાણે તેને બીજો કોઈ સંબંધ જ નહોતો.

સાસરીયે સુનિતાનું જીવન નરક જેવું બની ગયું હતું.

પરંતુ એના કમનસીબે તે આ ઘર છોડીને બીજે ક્યાંય જઈ શકે તેમ પણ નહોતો. એ ક્યાં જાય? આવડી મોટી દુનિયામાં માત્ર તેની એક મા જ હતી. પરંતુ હવે તો તે પણ આ ફાની દુનિયા છોડીને ચાલી ગઈ હતી.

સવારે દસેક વાગ્યે તેની માના પાડોશીએ હિરાલાલના ઘેર આવીને તેના મૃત્યુના સમાચાર આપ્યા હતા. સુનિતા આ હકીકત જાણતી હોવા છતાં પણ અજાણ જ રહી હતી. એણે માના અંતિમ સંસ્કારમાં જવા માટે પલંગ પરથી ઊભા થવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઊભી થઈ શકી નહી. પલંગ પર બેઠા થતાં જ તેને ચક્કર આવવા માંડ્યા. આંખો સામે અંધકાર ફરી વળ્યો. અને પછી તે પુન: પલંગ પર જ ઢળી પડી.

દિકરીની ગેરહાજરીમાં જ પાડોશીઓએ સાવીત્રીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

અલબત્ત, કમલા જરૂર તેના અંતિમ સંસ્કારમાં ગઈ હતી. એની તો આ એક જ ખાસિયત હતી. લોકો પોતાના ગુણગાના ગાય, વખાણ કરે એવાં દરેક કામ માટે તે હંમેશા તૈયાર જ રહેતી હતી.

અને હવે...?

અત્યારે હિરાલાલ, અમર અને રાજેશ આ ત્રણેય ડોક્ટર આનંદને બોલાવવા માટે ગયા હતા.

આનંદે પોતાનું દવાખાનું હિરાલાલનાં બંગલાવાળા વિસ્તારમાં જ બનાવવું એવી ચોખ્ખી શરત હિરાલાલે તેને સાઠ હજાર રૂપિયા આપતી વખતે તેની સાથે કરી હતી.

દવાખાનું બનાવવા માટે હિરાલાલે પોતાની લાગવાગ વાપરીને પોતાના જ વિસ્તારમાં આનંદને એક દુકાન પણ અપાવી દીધી હતી.

અને હિરાલાલે નક્કી કર્યુ હતું એ મુજબ જ થયું.

આનંદની પ્રેક્ટિસ ખૂબ જ સારી ચાલવા લાગી.

કોલોનીના બધાં લોકો પોતાની સારવાર કરાવવા માટે તેની પાસે જ જતા હતા.

થોડા વખતમાં જ આનંદનું નામ એ વિસ્તારમાં એક હોંશિયાર ડૉક્ટર તરીકે ગુંજતુ તઈ ગયું.

હિરાલાલના પાડોશીઓએ પણ સુનિતાની સારવાર કરવા માટે ડૉક્ટર આનંદને બોલાવવાની સલાહ આપી. એટલે હિરાલાલને તો ભાવતુ ન વૈદે બતાવ્યું એના જેવો ઘાટ થયો. એ પણ તેની પાસે જ સુનિતાની સારવાર કરાવવાના બહાને તેને ઝેરનું ઇંજેક્શન આપીને મારી નંખાવવા માંગતો હતો. આનંદની હોંશિયારી અને ખ્યાતિ જોઈને સુનિતાની સારવારમાં કશી યે કમી નહોતી રાખવામાં આવી એ વાત તે આજુબાજુમાં રહેતા લોકોના મગજમાં ઠસાવી દેવા માગતો હતો. સુનિતાના મૃત્યુ પછી પાડોશીએ કે પોલીસ એનું મૃત્યું ડૉક્ટરની બેદરકારીને કારણે અથવા તો પછી સારવારમાં કચાશને કારણે થયું હતું એમ હવે કોઈ જ કહી શકે તેમ નહોતું. સુનિતાના મૃત્યુ પર કોઈને ય શંકા આવે તેમ નહોતું.

સુનિતાનું ખૂન કરવા માટે હિરાલાલે ફુલપ્રૂફ યોજના બનાવી હતી? અને બને પણ શા માટે નહીં? છેવટે કેટલા દિવસોની મહેનત પછી એણે યોજના બનાવી હતી. એણે કાંઈ જ કામમાં ઉતાવળ નહોતી કરી. બધું જ કામ નિરાંતે સમજી-વિચારીને જ કર્યું હતુ.

સુનિતા પલંગ પર સૂતી સૂતી શૂન્ય નજરે છત સામે તાકી રહી હતી.

બીજી તરફ એની સાસુ કમલા પૂજાના રૂમમાં બેઠી હતી. એના હાથમાં રૂદ્રાક્ષની માળા હતી.

‘હે ઈશ્વર...’ તે મનોમન બોલી, ‘તું ગમે તેમ કરીને આ કમજાત સુનિતાથી છૂટકારો અપાવી દે. જો બધું યોજના મુજબ વ્યવસ્થિત રીતે, રંગે ચંગે પતી જશે અને લાખોના કરિયાવર સાથે કિરણ, અમરની પત્નિ બનીને આ ઘરમાં આવશે તો હું તને સોનાનો મુગટ કરાવી આપીશ!

વાહ રે નસીબ...!

માણસ પોતાનું કામ કઢાવવા માટે ભગવાનને પણ લાંચની ઓફર કરતો થઈ ગયો હતો.

***