Prem Kand books and stories free download online pdf in Gujarati

પ્રેમ-કાંડ - ભાગ-1

પ્રેમ-કાંડ

ભાગ ૧

નક્કી કર્યું હતું કે આજે તો નવ વાગ્યા સુધી ધાબળામાં પડ્યું રહેવું છે, પણ કહેવાય છે ને કે અમુક અણધારી આફતના એંધાણ ન હોય, મારી સાથે પણ એવુંજ થયું, રાત્રીનાં મોડે સુધી ફેસબુક અને વ્હાટસએપ્પ નું જબરું એડીકસન થઇ ગયું હતું. અને એમાં પણ પાયલ! અરે પાયલનો અડધી રાત્રે પણ મેસેજ આવે એટલે જવાબ આપવોજ પડે, એના ગુડ મોર્નિંગનો જો હું જવાબ ન આપું, તો કહેશે કે તને એટીટ્યુડ છે! એટલેજ હું એને પાયલ કમ પાગલ કહેતો. દેખાવે બહુ ગોરી નહી પણ કાળી પણ નાં કહી શકાય, નમણો ચહેરો, હરણી જેવી આંખો, હળવા ઉપસેલા ગાલ ઉપર જયારે એ સ્માઈલ કરતી ત્યારે ખાડા પડી જતાં,

અરે પાગલ થઇ ગઈ હતી મારી પાછળ, જોકે હું પણ એ પાગલના પ્રેમમાં ગળાડૂબ હતો. રાત્રે ત્રણ વાગ્યા સુધી વ્હાટસએપ્પ ઉપર ચેટ કર્યું. તોય સવારમાં છ વાગ્યામાં ગુડમોર્નિંગનો મેસેજ તો આવીજ ગયો! હજુ એ પાગલને જવાબ આપી અને ધાબળામાં પોઢી સુતો હતો, ત્યાં કાર્તિકનો ફોન આવ્યો. ત્રણ ચાર રીંગ વાગી માંડ માંડ આંખ ખુલી ફોન ઉઠાવ્યો.

“હા, બોલ કાર્તિક,”

“ભાઈ ક્યાં છે તું ?, જેમ બને એમ જલ્દી હીરાકાકાની હોટલ પર આવી જા,”

“અલ્યા કોઈ ઈમરજન્સી છે ?,”

“હા ઈમરજન્સી જ છે, એમ સમજ તું, સવાલ નહી કર, આવી જા પ્લીઝ.”

ટુ.. ટુ... ટુ...ટુ...

“સાલ્લા બંને મારી ઊંઘના દુશ્મન પાક્યા! ચાલો જવું પડશે. સાલ્લો નફફટ કંઈ બોલતો પણ નથી કે બ્રશ કરીને આવું કે સીધો ઉઠીને આવી જઉં? કેવી ઈમરજન્સી? એની ઈમરજન્સી પણ એના જેવીજ હોય છે.

હું તો ફ્રેશ થઈ પહોંચ્યો હીરાકાકાની હોટલપર, એ સ્ટુલ ઉપર વીલું મો કરી લમણે હાથ દઈને બેઠો હતો.

“બોલ કાર્તિક શું થયું, તારી નાની મરી ગઈ કે?”

“ભાઈ મજાક નહી કર, અહી મુસીબત આવી પડી છે.”

“કેમ શું થયું?”

“આ બાજુ મારી સગાઇની વાતો ચાલી રહી છે અને આ સીમુડી મારો જીવ લેશે. મારી તો ઊંઘ હરામ થઇ ગઈ છે.

“ઓહ! ડફોળ એ વાત માટે તે મારી ઊંઘ ખરાબ કરી? સાલ્લા સેમ પ્રોબ્લેમ મારે છે. ગઈ કાલે રાત્રે પાયલને ખુબ સમજાવીને કીધું, કે ચાલ ભાગી જઈએ. તો કહે છે ના ! મારે ભાગીને લવ મેરેજ નથી કરવા. ત્યારે શું કરવાનું ? અલ્યા આ મમ્મી અને પપ્પા એકજ વાત પકડીને બેઠા છે કે એ પાયલ આપણી જ્ઞાતિની નથી, તો! હવે હું શું કરું? બોલ. અને તારી પાસે તો સમય છે ને? મારે આવતા અઠવાડિયે નક્કી જ છે. આ પાયલ સમજતી નથી. કહે છે કે જો તું સગાઇ કરીશ તો હું મંડપમાં આવીને હોબાળો મચાવીશ. બોલ એનાથી મોટી ઉપાધી તો નથીને તારે ?”

“તો? તે શું નક્કી કર્યું?”

“નક્કી શું કરવાનું હોય? સરન્ડર! જ્યાં મારું નક્કી કર્યું છે એ છોકરીનો મેં ફક્ત ફોટો જોયો છે, કેવી? એ પણ કેવી ખબર ? એડિટ કરેલો હશે કે શું? કાળી છે કે કાબરચીતરી છે, સ્વભાવની કેવી છે, કે શું એ કશુંજ ખબર નથી, આવતા રવીવારે બલીનો બકરો બનીને કારમાં બેસી જઈશ, હલાલ થઇ જઈશ.”

“અલ્યા હું તને મારી મુસીબત કહેવા આવ્યો અને તું! તું મને તારા ઉઠા ભણાવે છે? હું મારી પ્રોબ્લેમ લઈને તારી પાસે આવ્યો, મને એમ હતું કે તું કોઈક રસ્તો કાઢીસ, અહિયાં તારી હાલત તો મારાથી પણ ખરાબ છે,”

“શિખ, કંઇક શિખ મારાજેવી મહાનઆત્મા પાસેથી, આટલી વાત માટે મારી ઊંઘ ખરાબ કરી સાલ્લા નફફટ. ચાલ ચાય મંગાય, અને સીગરેટ નું પણ કહેજે,”

બીચારો કાર્તિક વીલું મો કરી અને ચાય માટે હિરાકાકાને ઈશારો કરે છે, પણ એની હાલત જોવા જેવી હતી, અરે લૈલા-મજનું, સીરી-ફરહાદની જેમ શહીદ તો નહી થવાયને? એ ચુપચાપ ચાયની ચૂસકી લેતો રહ્યો, મારે માટે સીગરેટ લાવ્યો સળગાવી આપી. દિલનો સાફ મારો દોસ્ત કાર્તિક. મને ખબર હતી કે આવીજ ઈમરજન્સી હશે, પણ કાર્તિકનો ફોન આવે એટલે હું પહોંચી જ જાઉં, કોઈ પણ કામ મુકીને, અને એ પણ એવોજ, અરે કોલેજમાં એક છોકરાએ મને ખાલી ગાલ ઉપર હાથ લગાવ્યો હતો, આ કાર્તિ એ એના હાડકા ભાંગી નાખ્યા હતા.

હવે હું અમારી ફેકટરીમાં સેટ થઇ ગયો હતો, અને કાર્તિક એના પપ્પાની દુકાનમાં. સાલ્લો એ સીમુડી માટે કોલેજમાં પણ કોઈ કોઇ છોકરીઓને ભાવ નહોતો આપતો, અને હવે ! હવે એના મમ્મી અને પપ્પા એનું બીજે ક્યાંક નક્કી કરવા જઈ રહ્યા છે, બસ એટલેજ મુંજાયો છે. ખેર એ તો જેને બળવો કર્યો હોય એનેજ ખબર હોય. હું પણ મારા ઘરમાં બળવો કરી ચુક્યો છું, પણ? માં બાપની એકજ વાત સમાજમાં આપણું નામ ખરાબ થાય, બીજી જ્ઞાતિમાં નો જવાય, અને બીજું! અમે તને આટલો મોટો કર્યો, તને ભણાવ્યો અને તું અમારી વિરુધ્ધમાં જઈને મેરેજ કરીશ? બોલો, આવું થાય ત્યારે એમ થાય કે આના કરતા કોઈ માથા ઉપર ગન રાખીને મારી નાખવાની ધમકી આપતો હોય ને! એને પણ થોડીક તો દયા હોય.

આ ઈમોશનલી બ્લેક-મેઈલ થવું એટલે જિંદગી હારી જવી, બસ આર-પાર ની લડાઈ જેવું લાગે ક્યારેક તો. જોકે કાર્તિક મારા સંપર્કમાં કોલેજનાં પહેલા વર્ષથી આવ્યો હતો, પણ જાણે અમે બચપન ના દોસ્ત હોઈએ એવી દોસ્તી હતી. કાર્તિક સ્ટુલ ઉપરથી ઉભો થયો અને ખિસ્સા માંથી પાકીટ કાઢી હીરાકાકને પૈસા આપી રહ્યો હતો.

ઉદાશ ચહેરે રૂમાલથી મોં સાફ કરતા કરતા એ સ્ટુલ ઉપર બેઠો,

મેં પૂછ્યું.

“શું કરવું છે તારે? બોલ”

આ સાંભળી એના ચહેરા ઉપર કોઈ તેજ આવી ગયું એમ કહેવા લાગ્યો..

“લગ્નતો સીમુડી જોડેજ કરવા છે. પણ મમ્મી અને પપ્પા મને વલસાડ મોકલવા માંગે છે.”

“વલસાડ કેમ?”

“મમ્મી કહે છે કે ત્યાં મામા જોડે રહીશ તો થોડો કંટ્રોલમાં રહીશ, અને મારું જ્યાં નક્કી કરવાનું છે તે મામાની દુકાનની બાજુમાંજ રહે છે,”

“તો જતો રહે વલસાડ. ફિર દેખા જાયેગા, છોકરી તો જોઈ આવ! ફિર દેખા જાયેગા, હું પણ જઈ આવું પેલીને. થોડા નાટકતો કરવાજ પડશે”

ત્યાંતો મારા ફોનની રીંગ વાગી, મને ખિસ્સામાં હાથ નાખતાજ ખ્યાલ આવી ગયો હતો, કે આ પાયલ નોજ ફોન હશે. અને એનોજ ફોન હતો.

“શું નક્કી કર્યું? રાત્રે મેં કીધું હતું એ કંઈ સમજમાં આવ્યું કે ભૂલી ગયો? અને ક્યાં છો તું?” સામેથી પાયલ એ સવાલોનો મારો કર્યો.

“અરે મારી વ્હાલી હું અહીં બીજી મુસીબતમાં ફસાયો છું, અને તને તારી રાતની વાતની પડી છે?”

“કેમ ક્યાં છો તું?”

“અહીં કાર્તિકની સાથે બહાર છું,”

“સવાર સાંજ કાર્તિક સાથેજ ફરતો હોય છે, બીજું કશું કામ છે કે નહી ?,”

“અરે યાર પાગલ, સોરી પાયલ તું સમજવાની કોશિષ કર, ડીયર,”

ટુ... ટુ... ટુ... ટુ...

પાયલએ ગુસ્સામાં ફોન કટ કરી મુક્યો.

અને એ વાતો સાંભળી કાર્તિક જતો રહ્યો, ઘણી બધી આશાઓ લઇ ને આવ્યો હતો, પણ બીચારો નિરાશ થઇને ગયો, અને હું ઘરે જઈ ફ્રેશ થઇ અને ફેક્ટરીએ જતો રહ્યો.

એ પાંચ દિવસોમાં પાયલના પચાસ જેટલા ફોન અને દોઢસો જેટ;અ મેસેજ આવી ગયા, એકજ વાત, તું પેલીને રીજેક્ટ કરી દેજે, અને એક વર્ષ થોભી જા, એક વર્ષ થોભી જવા મમ્મી પપ્પાને કહેવું એટલે? માંડ માંડ છ મહિના બહાના કરી કરીને કાઢ્યા હવે એક વર્ષ? અને પપ્પા સાથે ફેકટરી સંભાળવા લાગ્યો હતો, એટલે સમાજમાં પણ એક નામ થયું, કે છોકરો પપ્પાની ફેક્ટરી સંભાળે છે, અને ખાધે પીધે શુંખી છે, બસ આ સમાજનાં અમુક પંચાતીયાઓને તો જોઈએજ એટલું, અને પાછા ન હોય એવા માંગા લઇ ને પહોંચી આવે. અને છેલ્લે એ દિવસ આવીજ ગયો. એ દિવસની આગલી રાત્રેજ પપ્પાએ મારો ફોન લઇ લીધો, અને સીમ બદલાવી નાખ્યું, અને ધમકી પણ આપી, જોકે મમ્મી તો પ્રેમથી સમજાવી રહ્યા હતા, પણ પપ્પાએ તો ખુલ્લી ધમકી આપી દીધી હતી, જોકે મારે એ ધમકીઓથી કોઈ ફર્ક નહોતો પડતો. મેં પણ નક્કી કરી લીધું હતું. બસ હલાલ થઇ જવું છે.

આગલા દિવસે રાત્રે નક્કી થયા મુજબ હું તો કારની પાછલી સીટ પર ગોઠવાઈ ગયો, અને અમે નીકળી પડ્યા બરોડા, ઘર ગોતવામાં થોડી તકલીફ પડી, પણ એ છોકરીનો મોટોભાઈ રોડ ઉપર લેવા આવ્યો.,

ઘર જોઈને તો લાગ્યું અમારી જેમ પૈસે ટકે સુખી લગતા હતા, પણ મારે શું? મારે તો એ છોકરી જોવાની હતી જે મારા માટે પસંદ કરવામાં આવી હતી, મોટા બેઠક ખંડમાં અમે ગોઠવાઈ ગયા, આલીશાન હોલમાં ત્રણેય બાજુ મોટા મોટા પાક્કા લાકડાનાં સોફાસેટ અને વચ્ચે મોટી ટીપોઈ, મારા ભાવી સ્વસુર તો મને એમ જોઈ રહ્યા હતા જાણે હું એમના ઘરમાં ધાડ મારવા કેમ ન ગયો હોઉં?

વાતચીતનો દોર શરુ થયો, ઔપચારિક વાતચીત થઈ મારા ભાવી સાસુએજ સરુઆત કરી..

“અમારી વૈશાલીએ સી.એ કર્યું છે., અને બધીજ રસોઈ બનાવવામાં માસ્ટર છે. પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન હોય કે પછી ગુજરાતી.”

અચ્છા તો મેડમ નું નામ વૈશાલી છે એમ, અને ભાવી સાસુએ સરુઆત તો એવી રીતે કરી જાણે અમે કોઈ માસ્ટર-સેફનું ઓડીસન કરવા ગયા હોઈએ. મારી મમ્મીએ વચ્ચેજ ટોકતા કહ્યું.

“અરે બેન એ તો આજકાલના છોકરા છોકરીઓ પોતેજ બધું એકબીજાને પૂછી લેશે,”

“હા એ વાત ખરી.” ભાવી સ્વસુર એ સુર પુરાવ્યો.

ત્યાંતો વૈશાલી મેડમ પાણીના ગ્લાસની ટ્રે લઇને પહોંચી આવી. દેખાવે તો સુંદર હતી, પણ મારી પાયલ જેટલી સુંદર નહીં, પણ મને એકવાર વાત કરવાની ઈચ્છા થઈ, એકવાર વૈશાલીનો આવાજ સાંભળવાની ઈચ્છા થઇ. મેં ધીમેથી મમ્મીને કાનમાં કહ્યું..

“મમ્મી મારે વાત કરવી છે.”

“તું ચુપ બેસ હું એજ ગોઠવું છું.”

વાહ! મારી મમ્મી મારા દિલની વાત સમજી ગઈ હતી, એ પણ એજ ગોઠવણમાં હતી કે મારી અને વૈશાલીની એકવાર વાતચીત થાય, તો હું વૈશાલીને કંઇક કહી શકું, કે એજ સામેથી મને રીજેક્ટ કરે અને મામલો અહીજ પૂરો થાય. મમ્મીએ પપ્પા સામે જોયું અને કંઇક ઈશારો કર્યો, અને પપ્પા જાણે એકજ ઇશારામાં હરકતમાં આવી ગયા અને મારા ભાવી સ્વસુરને કહ્યું.

ક્રમશ: