Bhadrakdhada - Chapter - 24 in Gujarati Comedy stories by Ramanbhai Neelkanth books and stories PDF | ભદ્રંભદ્ર - પ્રકરણ - 24

ભદ્રંભદ્ર - પ્રકરણ - 24

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૨૪. તંદ્રાચંદ્રનો વરઘોડો

પાશ્વચરો તંદ્રાચંદ્રને ઉપાડીને બહાર લઈ ગયા. અનેક હર્ષનાદ તથા પુષ્પવૃષ્ટિ સાથે તેઓ અશ્વારૂઢ થયા. એ અશ્વની ગતિ મંદ હતી; પણ બીજા કોઈ વધારે ત્વરિત ગતિવાળા અશ્વ પર આરૂઢ થઈ તેમની બુદ્ધિ તેમના પહેલાં ગોઠવણ કરવા સારુ અગાડી ગયેલી જણાતી હતી, કેમ કે અમેક મનુષ્યો હાસ્ય કરતા જણાતા હતા. તોપણ તંદ્રાચંદ્ર તો મૂછોના આંકડા વાળવાના મિથ્યા પ્રયત્નમાં અને પોતાનો પ્રતાપ જોઈ વિસ્મય પામતાં નયનોની ભ્રમિત શોધમાં જ ગૂંથાયેલા હતા. સવારી ક્યાં જવાની છે તે તંદ્રાચંદ્ર જાણતા હ્તા જ નહિ. અને તે પૂછી જોવાની તેમને જરૂર જણાઈ નહોતી, કારણ કે તેઓ સ્થળોથી અજાણ્યા હતા અને પાશ્વચરો તેમની પેઠે કેટલી વાર કહેતા હતા તેમ, 'નરક સિવાય બીજાં બધાં સ્થળોથી તે અજાણ્યા જ રહેવાના હતા.' વરઘોડો ક્યાં જવાનો છે એ પ્રશ્ન પૂછનાર સાજનોના પાશ્વચરો સંયોગરાજને પૂછી જોવાનું કહેતા હતા અને સંયોગીરાજ સર્વને એ ઉત્તર આપતા હતા કે 'એ તો તંદ્રાચંદ્ર જાણે. એમનામાં એવો રિવાજ છે કે કન્યાનું ઘર છેલ્લી ઘડી સુધી બધાથી છાનું રાખવું. ફક્ત વરનો એક માણસ અગાડી ચાલે તે જાણે અને સહુથી છેલ્લો વર હોય તે જાણે-જાણે 'ઇંજિન' ને 'ગાર્ડ' વચ્ચેના લોક કંઈ જાણે જ નહિ કે ક્યાં જવાનું છે. ઉત્ત્રની વળી એવી રૂઢિ છે. સુધારો થતો હોય અને રૂઢિઓ નીકળી જતી હોય તો આવી ગમ્મત ક્યાંથી પડે ? હું તો ઉત્તરના લોકોની ઉસ્તાદગીરી પસંદ કરું છું કે સુધારાવાળાને એ લોકો ગણતા નથી અને હોળીની રીત ખરેખરી શુદ્ધ સ્વરૂપમાં રાખી રહ્યા છે. અહીં તો હોળી ખેદાનમેદાન થઈ ગઈ છે. સુધારાવાળા બધાને સાધુ અને સંન્યાસી બનાવવા માગે છે. પણ એમનાથી તો સધુએ ભલા. કોઈ કોઈ સાધુ તો વળી એવા ઇશ્કી હોય છે !'

એવી એવી વાતોમાં નાખી સંયોગીરાજ સર્વ લોકોને પ્રશ્ન ભુલાવી દેતા હતા. 'ઇંજિન'-રૂપ જોવાની મને જિજ્ઞાસા થઈ અને આગળ જઈને જોયું તો આખા જગતના 'ઇંજિન'-રૂપ બનેલા વલ્લભરામ જે આજે જ ઘરમાંથી બહાર નીકળ્યા હતા. તે વરઘોડો ચલાવતા હતા. ઈર્ષ્યાથી કે કોણ જાણે શાથી ભદ્રંભદ્ર હવે ઘણી વાર કહેતા કે વલ્લભરામ જગતને ખાડામાં નાખવા લઈ જાય છે તે હજી જણાવવાનું હતું પણ જો ખાડામાં પડવાનું હોય તો 'ગાર્ડ'થી કોઈને બચાવાય તેમ નહોતું કેમ કે તે સાથે પડે તેમ હતું.

અશ્વ પર તંદ્રાચંદ્ર પ્રતાપી જણાવાનો ડોળ કરતા હતા અને ભરાયેલા લોકો સંયોગીરાજને નહિ પણ તેમને પોતાને માન આપવા આવેલા છે એમ માની હર્ષથી ચારે તરફ દષ્ટિ ફેરવતા હતા. પણ તેમના અંતરમાં એક ચિંતા હતી અને તેની અસ્વસ્થતા કદી કદી જણાઈ આવતી હતી. તેમના મનમાં એવી શંકા રહી ગઈ હતી કે નિશ્ચિત કરેલી મંગળ ઘડી વીતી ગયા પછી ક્ષણ વાર પછી તેમનું અશ્વારોહણ થયું છે. વાડકો ક્યારે ડૂબ્યો તે વિશે અશ્વારૂઢ થયા પછી તેમણે મને પૂછ્યું પણ મારી દષ્ટિ બીજી દિશામાં હતી તેથી તેમના આત્માને હું શાંત કરી શક્યો નહિ, બે-ત્રણ પાશ્વચરોને તેમણે પૂછી જોયું અને તેઓ જોશી પાસે નહોતા તોપણ વાડકો અશ્વારોહણને સમયે જ ડૂબતો પ્રત્યક્ષ જોવાનું તેમણે ખાતરીથી કહ્યું. પણ તેથી તંદ્રાચંદ્રને ખાતરી થઈ કે નહિ તે સમજાયું નહિ. વરઘોડો ચાલતાં તેમણે જોશી મહારાજને પાસે બોલાવી પૂછ્યું અને તે કંઈ કહેવા જતા હતા પણ એટલામાં એક પાશ્વચરે જોશી મહારાજ તરફ મોં ફેરવી એક આંખનો છેડો મીંચીને ઉઘાડવાની ક્રિયા કર્યાથી 'હા મહારાજ, બરોબર હતું' એટલું કહીને તે પાર્શ્વચર પાસે જતા રહ્યા. તંદ્રાચંદ્રથી ઘોડા પરથી ઊતરી જોશીની પાછળ જવાય તેમ નહોતું. તેથી તે મ્લાન મુખાકૃતિ કરી બેસી રહ્યા. વિજયયાત્રાને સમયે તેમની આવી નિરાધારતા જોઈ મને દયા આવી અને તેમને કંઈક સહાયતા કરવાની મને ઇચ્છા થ ઈ. પરંતુ તેમને મળવાનું ફળ નક્ષત્રોથી અને ગ્રહોથી નહિ પણ સંયોગીરાજથી નક્કી થયેલું છે, અને તેમ નહોતાં પ્રારબ્ધથી નક્કી થયેલું હોય તોપણ મુહૂર્તની પસંદગીથી તેમાં ફેરફાર થાય તેમ નથી એવો કંઈક વિચાર આવ્યાથી તંદ્રાચંદ્ર તરફ એક ભાવભરી દષ્ટિ નાખી મેં દયાવ્યાપાર બંધ કર્યો. તે કાગળના રમકડાંના ઘોડા પર બેઠા છે અને પાર્શ્વચરો દોરી ખેંચી લેશે એટલે હમણાં કાગળ ને સવાર બંને ભોંયે બેસી જશે એમ મને લાગ્યું. પણ આવી કલ્પનાઓ પ્રસંગને અયોગ્ય જાણી બંધ કરીને જ્યોતિષ વિરુદ્ધ થયેલા, સુધારાવાળાના સરખા વિચારનું પાપ ધોઈ નાખવા હું ભદ્રંભદ્ર પાસે ગયો. તેમને મેં તંદ્રાચંદ્રની હકીકત કહી. તંદ્રાચંદ્રની આ બધી મશ્કરી છે એમ તે હજી પણ અંતરથી માનતા નહોતા અને તેથી મુહૂર્તની ખામીથી તેમના વિજયમાં ભંગ ન થવા દેવો જોઈએ એમ તેમનો મત થયો. મારી શંકા સંબંધે તેમણે કહ્યું :

'પ્રારબ્ધથી નિર્માણ થયેલું પરિણામ કશાથી ફેરવાતું નથી અને ગમે તે મુહૂર્તમાં કાર્યનો આરંભ થાય પણ તે આવીને ઊભું રહે છે એ ખરું છે. પણ તે પરથી મુહૂર્ત જોવડાવવું વ્યર્થ માનવું એ અપરાધ છે, કેમ કે સુધારો છે. વળી ગ્રહો હર વર્ષના આરંભમાં પ્રારબ્ધને મળીને તેની જોડે ગુપ્ત મંત્રણા કરી મૂકે છે, કે પછી સામસામી ખેંચાખેંચ ન કરવી પડે. કોઈ મનુષ્યના ભવિષ્ય વિષે જ્યારે પ્રારબ્ધને અને ગ્રહોને એકમત ન થતાં તેમના બલની પ્રવૃત્તિ સાથે થતી નથી અને તે મનુષ્ય તેમની તાણાતાણમાં આવી જાય છે ત્યારે તેની અસર તેના શરીર પર રહી જાય છે, કેટલાંક માણસો એકાએક સોટા જેવાં ઊંચા થઈ જાય છે અથવા કોઠી જેવાં ફૂલી જાય છે, તે આ ખેંચાખેંચ અને તાણાતાણનું પરિણામ સમજવું. મને સ્મરણ છે કે એક વેળા કાર્તિક સુદી પડવાને દિવસે હું ઊંઘતો હતો ત્યારે મારા પ્રારબ્ધને મારા ગ્રહો મળવા આવ્યા, પ્રારબ્ધ તેમને મળવા નીકળી પડેલું તેથી બંનેનો મેળાપ થયો નહિ. ગ્રહો પાછા ફરતા હતા તેવામાં પ્રારબ્ધ પાછું આવતું તેમને સામું મળ્યું. બંનેને ખોટું લગેલું હોવાથી તેઓ લઢવા લાગ્યાં. ગ્રહોએ મારા પગ ઝાલ્યા અને પ્રારબ્ધે મારી ચોટલી ઝાલી. હું તણાઈને લાંબો થવા લાગ્યો, પરંતુ લાંબા માણસને કોઈ વાર વૈકુંઠમાં પડતા ઘરના થાંભલા થવાને વેઠે પકડે છે તેથી લાંબા થવા મને ઇચ્છા નહોતી. અને શિખા ઊખડી જશે તો સંધ્યા કેમ કરાશે અને મોક્ષ કેમ મળશે એ ચિંતા થવાથી મેં વિગ્રહ કરનારને કહ્યું કે મને લંબાણને બદલે પહોળાણમાં ખેંચો. પછી તેમણે મને પેટની અને વાંસાની ચામડીથી ખેંચ્યો. તે દહાડાથી જેને સારા શબ્દના અભાવે લોકો દુંડ કે ફાંદ કહે છે તેની સહેજસાજ પ્રાપ્તિ થઈ છે. અને મને એ લાભ થયો છે કે વીસ-પચીસ લાડુ વધારે ખવડાવી શકાય છે. તેથી મુહૂર્તની સંભાળ ન રાખી ગ્રહોનું અપમાન કરવાનું સાહસ તો કરવું જ નહિ. આપણે પૂછીને નક્કી કરવું જોઈએ.

એમ કહી ભદ્રંભદ્ર આવેશથી ગભરાઈ દોડ્યા અને વરઘોડામાં ધસ્યા ધસ્યા ફરવા લાગ્યા. તેઓ મુહૂર્તને ખોળે છે, ગ્રહોને ખોળે છે કે જોશીને ખોળે છે એ તેમણે મને કહ્યું નહોતું. પરંતુ, અનુયાયીના ધર્મ પ્રમાણે હું પણ તેમના જેવી ગભરાયેલી મુખાકૃતિ કરી તેમની પાછળ ધસવા લાગ્યો. વરઘોડામાં ગરબડ થઈ રહી અને સર્વ કોઈ અમારી દોડાદોડનું કારણ પૂછવા લાગ્યા. ઉત્તર ન દેતાં અમારું લક્ષ્ય અગાડી છે એમ ઇંગિતથી સૂચવી અમે દોડ્યા ગયા. બીજું કોઈ એ પ્રમાણે દોડતું હોત તો અજાણતાં કેટલાકની પાઘડીઓ પાડત, કેટલાકને ધક્કા મારત અને કેટલાકને અફળાટમાં પાડી નાખત. પરંતુ ભદ્રંભદ્રે લીધેલી સાવચેતીને લીધે એવું કંઈ ન થયું. પણ, માત્ર તેમની પાઘડી કેટલીક વાર પડી. તેમને ધક્કા લાગ્યા અને આખરે કોઈ દુષ્ટ પુરુષે પોતાનું શરીર બહુ અક્કડ રાખ્યું હશે તેથી અથવા એવા કોઈએ જાણી જોઈને હાથ કે પગ લાંબો કર્યો હશે તેની અફળાટમાં આવતાં ભદ્રંભદ્ર ઊથલી પડ્યા. માનભંગ ઘણા ઓછાના જોવામાં આવે તે માટે તરત ઊભા થઈ તેઓ પાછા દોડવા લાગ્યા. પરંતુ આ બધી હકીકતથી ગભરાટ એટલો બધો વધી પડ્યો કે વરઘોડો ઊભો રહ્યો. વાજાં વાગતાં બંધ થયાં, સાજનના લોકો ટોળે વળ્યા અને પાણીની બહાર કહાડેલા તરફડતા માછલા પેઠે હું અને ભદ્રંભદ્ર બધાથી જુદા પડી એકલા દોડતા ચાલુ રહ્યા. આખરે કોઈએ ભદ્રંભદ્રને પકડીને ઊભા રાખ્યા અને આ બધી આકુલતાનું કારણ પૂછ્યું. કારણ સાંભળી કેટલાક મૂર્ખ માણસો હસ્યા. ભદ્રંભદ્રને ક્રોધ કરવાની ફુરસદ નહોતી તોપણ ઊભા રહી સહેજ ક્રોધ કરી લઈને બોલ્યા,

'દક્ષના યજ્ઞમાં શિવ હરણ પાછળ દોડ્યા, ત્યારે પણ મૂર્ખ માણસો હસ્યા હતા, પણ શિવનું કે હરણનું લાઘવ લેશ માત્ર જણાયું નહોતું. સુધારાના નાશ અને આર્યધર્મના વિજય માટે મહાભારત પ્રયત્નમાં હું હાલ રોકાયેલો છું. તે છતાં તે જોઈ તમને હાસ્ય ઉત્પન્ન થાય છે તો તમારું જ લાઘવ જણાય છે. દોડવામાં આ નાશ અને વિજયની સિદ્ધિ શી રીતે સમાયેલી હોય એમ તમને સુધારાવાળા જેવી શંકા થશે. પરંતુ જેમ ગોમાતા પછાડી પુચ્છ હોય છે, ભોજન પછાડી દક્ષિણા હોય છે, ગદર્ભના ભૂંકવા પછાડી ડાંગ હોય છે, તેમ મારા દોડવા પછાડી મહોટું ફળ સમાયેલું છે.

સુધારાવાળા વેદને નથી માનતા તેથી તેઓ હું જે બ્રાહ્મણ હોઈ જન્મથી વેદમૂર્તિ છું, તેને ન માને, પણ, તમે વેદાનુયાયી છો તો તમારે તો મારા પર પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ, હું જે કહું તે માનવું જોઈએ, હું જે સિદ્ધાંત કહું તેનો અંગીકાર કરવો જોઈએ, કેમ કે વેદ શબ્દપ્રમાણ છે. મારી મૂઠીમાં સૂર્ય છે એમ હું કહું અને તમે મૂઠી ઉઘાડવા-આદિ તાર્કિક પ્રમાણોની અપેક્ષા કરો તો તમે વેદવિરોધી, સનાતન ધર્મના શત્રુ અને અનાર્ય જ ગણાઓ. મારા પર અશ્રદ્ધા રાખી તમે વેદનું લાઘવ કરો છો, સુધારાવાળાના લાઘવનું લાઘવ કરો છો, એમ જણાય છે.'

લાઘવ ગમે તેનું જણાયું હશે, પણ પછી વરઘોડામાં સ્વસ્થતા થઈ અને તે પહેલાંની માફક આગળ ચાલવા માંડ્યો.

જોશી મહારાજ ને ભદ્રંભદ્રે આખરે શોધી કહાડ્યા, અને કપોત પછાડી પડેલા શ્યેન માફક તેમણે ઝડપ મારી, પણ કલિયુગમાં જોશીને બચાવનાર કોઈ શિબિ રાજા નીકળ્યો નહિ. ભદ્રંભદ્રના મનમાં આ કથાની ઉપમા આવી નહોતી, તેથી તેનો દોષ તેમને લાગ્યો નહિ. એકાએક જોશીનો હાથ ઝાલી લઈ તે બોલી ઊઠ્યા, 'જૂઠાં વૃત્તાન્તો ઊભાં કરી મ્લેચ્છો આકાશમાંથી વીજળી શોધી લાવવાની વડાઈ કરે છે, પરંતુ મેં વીજળી કરતાં પણ મહોટી શક્તિની શોધ કરી છે; કેમ કે સૂર્યના બળનો જ્યોતિષમાં સમાવેશ થાય છે અને જ્ઞાતાજ્ઞેયના અભેદના સિદ્ધાંતથી એ બળનો જોશીમાં પણ સમાવેશ થાય છે, તેનું પ્રમાણ પણ જોશી-રૂપ પ્રમેય સાથે પ્રત્યક્ષ મારા હાથમાં છે, મ્લેચ્છો પેઠે પતંગમાં કે પતંગની દોરીમાં નથી.'

આ પ્રમાણે બેન્જામિન ફ્રાંકલિનથી પોતાનું શ્રેષ્ઠત્વ સિદ્ધ કરી ભદ્રંભદ્રે તંદ્રાચંદ્રની જે શંકા તેમને પીડા કરતી હતી તે વિશે ખુલાસો પૂછ્યો. ભદ્રંભદ્રની વર્તણૂકથી થયેલો ક્ષોભ શમાવવાનો ઉપાય જાણે જોઈ રહ્યા પછી જોશીએ ઉત્તર દીધો,

'મુહૂર્તની ન્યૂનતા રહી જ નથી. ન્યૂનતા છે માત્ર તંદ્રાચંદ્રની અને બીજા કેટલાકની બુદ્ધિની, અને તેનો પ્રતિકાર જ્યોતિષમાં નથી. ગ્રહોની પ્રસન્નતાથી રાજ્ય ન હોય તેને રાજ્ય મળે પણ, બુદ્ધિ ન હોય તેને બુદ્ધિ મળે એમ કદી બન્યું નથી અને બની શકે તેમ નથી. માટે એ બાબતમાં આપે ચિત્તને ક્લેશિત કરવું જ નહિ. તંદ્રાચંદ્રના ચિત્તનું સમાધાન શક્ય અને ઇષ્ટ આપને લાગતું હોય તો બેલાશક જઈને તેમની ખાતરી કરો કે અશ્વારોહણ યોગ્ય વેળાએ જ થયું છે.'

જોશીના મુખમાંથી નીકળેલા 'બેલાશક' અને 'ખાતરી' એ ફારસી શબ્દો હ્રદય ચીરી નાખનારા બાણ સરખા હતા. પણ, રણસંગ્રામમાં ઘૂમતા યોદ્ધાઓ વ્રણોની ગણના ન કરતાં ધસ્યા જાય છે, તે પ્રમાણે ભદ્રંભદ્ર આન ઘવાયેલા છતાં તંદ્રાચંદ્રને ઉત્સાહિત કરનારી વાર્તા કહેવા વિલંબ વિના નીકળ્યા. પરંતુ તંદ્રાચંદ્ર પાસે તે પહોંચી શક્યા નહિ.

વરઘોડામાં એકાએક હૂલકું પડ્યું અને નાસાનાસ થઈ. 'ઇંજિન' રૂપ વલ્લભરામના નાયકત્વથી કે બીજા કોઈ કારણથી વરઘોડો ઢેડવાડામાં જૈઇ પહોંચ્યો હતો અને ત્યાંથી તે સ્થળના પુરવાસીઓનું મહોટું ધાડું સામું ધસી આવ્યું. ઢેડ લોકો જે સમર્પણી અને મરજાદી પેઠે સર્વ કોઈને પોતાના સ્પર્શથી દૂર રહેવાની વિનંતી કરતા સર્વત્ર વિચરણ કરે છે તેમને એકદમ આ સાજન મંડળ સાથે મૈત્રી કરવાની પ્રેરણા થઈ આવી હોય એ મને અસંભાવ્ય લાગ્યું અને પાર્શ્વચરોનો આમાં કંઈ સંકેત છે એમ સંશય થયો. પણ ભદ્રંભદ્રને એ ધારણા રુચી નહિ અને આર્યપક્ષને સ્પર્શથી દૂષિત કરવાની પાપી ઇચ્છા થઈ આવ્યાથી જ ઢેડ લોકોએ આવી કુચેષ્ટા કરી એમ ઘેર જઈ ઘણી વાર સુધી ઊંડો વિચાર કરી તેમણે ઠરાવ્યું. પરંતુ, મંદબુદ્ધિઓ વિચાર કર્યા પછી કૃતિ કરે છે તેમ ન કરતાં ભદ્રંભદ્રે વિચાર કર્યા પહેલાં કૃતિ કરી, અને અપવિત્રતાની રેલ આવતી જોઈ તેના અવગાહનમાંથી બચવાને સર્વ પવિત્રતાની મૂર્તિઓ નાઠી; તેમની સાથે ભદ્રંભદ્રે પણ તે જ ક્રિયા કરી. ઢેડનો શ્વાસ મલિન તેથી તે લોકની પાસે જઈ પ્રશ્ન પૂછવાની કોઈની હિમ્મત ચાલે નહિ; ઢેડની છાયા મલિન તેથી તે લોક સાંભળે એટલે અંતરેથી ધમકાવવાની કોઈની હિમ્મત ચાલે નહિ; અને ઢેડનો સ્પર્શ મલિન એટલે તે લોકને બળ કરી પાછા કાઢવાની કોઈની હિમ્મત ચાલે નહિ. વરઘોડામાં અગાડી પાર્શ્વચરો હતા તેમણે પ્રયત્ન કર્યો હોત તો આ વિકટ આપત્તિ અટકત, પણ ભંગાણ પાડવાને તેઓ તો તત્પર જ હતા, અને વખતે આ કાર્યમાં તેમની જ ઉશ્કેરણી હશે તેથી થાય તે કરતાં વધારે ત્રાસ પ્રદર્શિત કરી તેમણે જ ઉદ્વેગનો આરંભ કર્યો.

ઢેડ લોકો વિનાકારણે સ્પર્શ કરશે એમ માનવાની કેટલાકની ઇચ્છા પ્રથમ ન જણાઈ તેથી સંયોગીરાજે અને પાર્શ્વચરોએ તત્કાળ વાત ચલાવી કે હવે માલૂમ પડ્યું છે કે તંદ્રાચંદ્ર પોતે જ ઢેડ છે, તે ઢેડવાડામાં પરણવા જાય છે, અને તેના ઢેડ વહેવાઈઓ રીત મુજબ સાજનને ભેટીને આવકાર દેવા આવે છે. આ ખબરની અસર જાદુઈ થઈ; સાજનમાંથી કોઈ ઊભું રહ્યું જ નહિ. આ નવા ખુલાસાની હકીકત જેમના સુધી જઈ પહોંચી નહોતી તેઓ પણ દેખાદેખી નાઠા. ઢોલી નાઠા, હજામ નાઠા, છત્ર ધરનારા નાઠા, ચમ્મર ફેરવનારા નાઠા, શુ કોઈ નાઠા, ફક્ત મુસલમાન વાજાંવાળાનું એક મંડળ ઊભું રહ્યું અને તેનાથી થોડે આઘે ઘોડા પર બેઠેલા તંદ્રાચંદ્ર ઊભા રહ્યા. તેમનો ઘોડો ઝાલનાર પણ ઊભો રહ્યો નહોતો. હું પાસેના એક ઝાડ પર ચઢી ગયો અને સાજન વર્ગની તથા પાછળ પડેલા ઢેડ વર્ગની સૂરત જોવા લાગ્યો. પાઘડી પર હાથ મૂકી દોડતા, અને ઠોકર ખાધાથી પાઘડી પડી ગયા પછી તે પડતી મૂકતા, છતાં ભૂલમાં માથે હાથ મૂકી દોડ્યા જતા ગૃહસ્થો કોઈ અમુક જાતના સપલાયન નૃત્યનો અભ્યાસ કરતા હોય એમ લાગતું હતું. અને દેખાવ રમણીય નહોતો એમ તો ન કહેવાય. ભદ્રંભદ્ર માટે મને ચિંતા હતી, પણ શરીરે ભારે છતાં તેઓ સપાટામાં નીકળી ગયા એટલે મેં તંદ્રાચંદ્ર ભણી દૃષ્ટિ કરી. એક વિદ્વાને અંધારી રાતમાં રસ્તા વચ્ચે એકલા ઊભેલા કૂતરા વિષે કવિતા લખી છે તેવા જ ઉચ્ચ કાવ્યના વિષયને યોગ્ય તંદ્રાચંદ્ર મને જણાયા. પણ કવિત્વવૃત્તિ દબાવી રાખી તેમની મુખમુદ્રા તથા ચેષ્ટાની નિરીક્ષામાં મેં લક્ષ રાખ્યું, શું બન્યું છે તેની સહુથી મોડી ખબર તેમને પડી હતી; શાથી બન્યું એ તેમને હજી પણ સમજાયું નહોતું. 'લુચ્ચો છે,' 'કારભારી નથી,' 'ઢેડ છે,' 'ઢેડવાડામાં પરણે છે,' 'એના ઢેડ વહેવાઈ આવ્યા,' 'કંઈકને અભડાવી માર્યા,' ઇત્યાદિ છૂટાંછવાયાં વાક્યો નાસતા મનુષ્યોના મુખમાંથી નીકળતાં સાંભળી આશ્ચર્ય પામતા પામતા, અને અનેકને બોલાવ્યા છતાં કોઈને પોતાની પાસે ન આવતા જોઈ ખિન્ન થતા આખરે દિડ્મૂઢ બની ગયા હતા.

નાસનારા સર્વ દૂર નીકળી ગયા પણ તંદ્રાચંદ્રની સ્તબ્ધતાનો અંત આવે તેમ જણાતું નહોતું. આખરે કાર્યશૂન્યતાથી કંટાળી વાજાંવાળા નાયકે પાછા ફરી પૂછ્યું,

'ક્યોં શેઠ, બજાવે ?'

તંદ્રાચંદ્ર ખેદાકુલ અવસ્થામાંથી કંઈક કોપાકુલ અવસ્થામાં આવ્યા અને વાજું વગાડવાનું પૂછવામાં માન આપવાને બદલે અપમાન કરવાનો હેતુ છે તેમ એમને લાગ્ય્ં હોય એમ જણાયું; પણ કશું ન બોલતાં વાજાંવાળા સામું જોઈ રહ્યા. વાજાંવાળો તેમની સામે જોઈ રહ્યો. ઘૂરકવાનો આરંભ કરતાં પહેલાં એવી સ્થિતિમાં કૂતરાને મેં જોયા છે, પણ તંદ્રાચંદ્ર જેવા મહોટા માણસને કૂતરાથી કોઈ મહોટા પ્રાણીની ઉપમા ઘટે છે. આખરે ધીરજ ન રહ્યાથી વાજાંવાળો ફરીથી બોલ્યો, 'અબ કહાં તક ખડે રખોગે ? ચલનેકા હુકમ દો.'

હુકમ આપવાની તંદ્રાચંદ્રમાં તાકાત જ નહોતી. તેમણે જવાબ પણ ન દીધો. શિથિલ મુખાકૃતિ કરી ઘોડો વાજાંવાળા પાસે લઈ ગયા અને પછી પાછું મુખને ઉજ્જવલ કર્યા વિના તેને પ્રશ્ન પૂછ્યો,

'મહેફિલ કાં હોને વાલી હયે યે તુમકુ માલૂમ હયે ?'

'શાદી હોયગી વાંહી શાયદ હોગી. હમકુ ક્યા ખબર ?'

'કીસકી શાદી ?'

'કીસકી-તો આપકી. યે બી કૈસા સવાલ ?'

'મેરી શાદી ?'

તંદ્રાચંદ્ર વિચારમાં પડ્યા. વાજાંવાળાએ પોતાના સોબતીઓ તરફ નજર કરી જાણે તંદ્રાચંદ્રમાં ગાંડપણનાં ચિહ્^ન પ્રકટ થતાં હોય એવા અભિપ્રાયનું આશ્ચર્ય દર્શાવ્યું, પણ તે વિચારમગ્ન તંદ્રાચંદ્રના જોવામાં આવ્યું નહિ. તેમને બધું સમજાઈ ગયું હોય એમ પણ તેમની મુખરેખા પરથી લાગ્ય્ં નહિ. થોડી વાર ગુંચવાઇને તે બોલ્યા,

'મહેફિલ શાદીકી નહિ હયે એસી ઈ મિજલસ-સભા-હયે. તુમકુ કાં જાનેકી વરદી હયે ?'

જહાનમમેં. આગુ ચલતે થે શો જનાબ બિચમેં ભાગ ગયે, નહિ તો સબ વાં જ પહોંચતે.'

તંદ્રાચંદ્રની આકૃતિ હવે એવી રહી જ નહોતી કે તેથી તેમને વરરાજા જાણીને કે મોટા માણસ જાણીને કે ધનવાન માણસ જાણીને તેમને માન આપવાની કોઈને પણ ફરજ લાગે. તેથી વાજાંવાળો દુષ્ટ થઈ બોલ્યો,

'કિતનેક લોગકુ તો જહાનમમેં લે જાનેકી બી શેતાન તસ્દી ના લેવે. યે ઢેડવાડા ઈ ઉનકું મુબારક હયે. ઢેઢવાડે મેં હી મુકામ કરનેકા હયે ના ?'

છેલ્લો પ્રશ્ન અતિ ગહન તર્કનો વિષય હોય એમ તંદ્રાચંદ્રની આંખો સ્થિર થઈ. તે બહુ મનન કરવા લાગ્યા. ઘણી વારે જાણે કંઈ ન સૂઝ્યાથી નિરાશ થયા હોય તેમ ખિન્ન થઈ તેમણે વાજાંવાળાને કહ્યું,

'તુમ જાઓ. યે ઘોડા બી લેતે જાઓ.'

'ઘોડા કુછ હમારે બાપકા હયે ? ઔર્ તુમારે ચચેકા હયે ? ઘોડા લે જાનેકા હમકા ક્યા સબબ ?'

'મેં પ્યાદલ જાને મંગતા હું.'

તંદ્રાચંદ્રની જડતાથી કંટાળ્યો હોય તેમ ખીજવાઈ જઈ વાજાંવાળો બોલ્યો,

'એસા હોવે તો ઘોડેકું રસી પકડ કે લે જાના. અલો યારો.'

વાજાંવાળા ચાલ્યા ગયા. જતાં જતાં તેમનામાંથી કોઈ બોલ્યું, 'કૈસા હેમકે હયે !' તંદ્રાચંદ્રે તે સાંભળ્યું ખરું પણ નહિ સાંભળ્યાનો ડોળ કરી ન છૂટકે કરી તે લોક ચાલ્યા જવાની વાટ તે જોઈ રહ્યા. તેઓ દષ્ટિ બહાર ગયા એટલે પોતે ધીમે રહીને ઘોડા પરથી ઊતર્યા, પણ ઘોડો દોરીને ચાલવાની મહેનત કરવી પડી નહિ. પેંગડામાંથી બીજો પગ કાઢતાં તે ભરાઈ ગયો અને તંદ્રાચંદ્ર ગભરાટમાં એક પગે લટકી પડ્યા. ઘોડો અસાધારણ ઠંડાઈવાળો હતો તે પણ ગરમ થવા અને પાખર સાથે પેંગડું ઘસાઈ ખડખડાટ થવાથી ચમકીને નાઠો....ચાલતા ઘેર જવાનો વિચાર તંદ્રાચંદ્રને હશે હ નહિ અને ઘોડા ઉપરથી ભાર ઓછો કરવાને આમ કર્યું હશે કે ઢેઢવાડામાં ઘોડે બેસીને જવુનહિ એવો 'પોલિટિકલ' માણસનો નિયમ હશે તેથી આમ કર્યું હશે તે સમજાયું નહિ; કેમ કે ઘોડા પર બેસવાની તેમની કુશળતા વિશે તો તેમણે પોતે જ સર્વની ખાતરી કરેલી હતી. 'ઘોડે બૈઠવા એ કાંઈ અઘરા નથી, બદનકો જોર એકઠો કરવો લાગે છે, તો કર્યા ફીર બસ.' એમ એમણે ઘણી વાર વરઘોડો નીકળ્યાના દિવસ પહેલાં કહી પાર્શ્વચરોને વિશે ઊંચો અભિપ્રાય બંધાવવાનો પ્રયત્ન કર્યો હતો.

ઘોડા સાથેની આ ત્વરિત મુસાફરીમાં તંદ્રાચંદ્રને બહુ ઈજા થઈ નહિ, શું થયું એ કહેવા તે ફરી સંયોગીરાજને ઘેર આવ્યા જ નહિ પણ સંયોગીરાજે છૂપી રીતે ખબર કહડાવી તથા વલ્લભરામ 'મારાથી વરઘોડા વખતે ઉઠાય તેવું નહોતું' એમ કહી અજાણ્યા થઈ તંદ્રાચંદ્રને પૂછી આવ્યા, તેથી જણાયું કે શૂરવીર છતાં અપવિત્ર થઈ જવાની બીકે લાચાર થઈ નાસતા સાજનને ઘરનો રસ્તો જડે ત્યાં સુધી વળાવી પાછા ફરેલા ઢેઢવાડાના વંશપરંપરાના માલિકો તંદ્રાચંદ્રને માર્ગમાં મળ્યા અને તેમણે તંદ્રાચંદ્રનો અને ઘોડાનો વિયોગ કરાવ્યો. ઘોડાએ અને તંદ્રાચંદ્ર બંની પોતપોતાનાં ઘર વગર સહાયતાએ શોધી કહાડ્યાં, પણ બંનેની કૃતિમાં એટલો ફેર પડ્યો કે તંદ્રાચંદ્રે પ્રતિજ્ઞા લીધી કે હવે ફરી એ ઘોડા પર ન બેસવું. પરંતુ ઘોડાએ તંદ્રાચંદ્રને ફરી પીઠ પર ન બેસાડવા સંબંધે એવી દ્વેષી પ્રતિજ્ઞા ન લીધી. એ ઘોડાનો કોઈ દોષ કંઈ નહોતો પણ વલ્લભરામના કહેવાથી માલૂમ પડ્યું કે તેના ત્રણ પગ જ દૂધે ધોયેલા (ઘૂંટી આગળથી ધોળા) હતા, ચોથો પગ લાલ હતો, તેથી તે અમંગલ હતો. અને તે જ એ સર્વ વિપત્તિનું કારણ હતું, એમ તંદ્રાચંદ્રે છેવટે નિશ્ચય કર્યો, મુહૂર્તમાં કંઈ ખામી રહી એમ ભદ્રંભદ્રે નિશ્ચય કર્યો પાર્શ્વચરોએ તે ન માન્યું, પણ તંદ્રાચંદ્રના નસીબમાં ખામી હતી એમ ઠરાવ્યું. તંદ્રાચંદ્રની બુદ્ધિમાં ખામી છે એમ જોશી સિવાય બીજા કોઈએ ન કહ્યું.

ખરેખરી સભા ભરાઈ હોત તો તંદ્રાચંદ્ર શું બોલત એ કલ્પના કરવી તો અશક્ય છે. પણ ઘોડા પર બેઠા વિના ઘોડાની ગતિથી તંદ્રાચંદ્ર ચાલી નીકળ્યા પછી હું ઝાડ પરથી ઊતરી તેમની પાછળ જતો હતો ત્યારે તેમના ગજવામાંથી નીકળી પડેલો એક કાગળ મને જડ્યો. તે ઘણે ઠેકાણેથી ફાટી ગયો હતો પણ જેટલું વંચાતું હતું તેટલા પરથી સમજાયું કે ભાષણમાં બોલવાનાં વચનો એમાં લખી રાખેલાં હતાં. તેમાંથી ઊકલી શકાયાં તે આ પ્રમાણે હતાં :

'.....આઈ ન્યાતમાં બંદોબસ્ત ન હોવાથી ઘણી દિક્કત હથી....કણબી ન્યાતબ્હારો નહિ. એ જો કહેવત કહા ગયા તિમાં જો સૌન્દર્જ....મંદિરમાં તુફાન સમય સુધારાબાલાભી આવતા જાવતા હોવા ચાહીએ....સુધારાબાલા કૈસા લોગ છે ? આપણે પાસ ધન નિકાલવા તેમના દિલ છૈ.... બિલાયતસે પટાટે લાવવાના સુધારાબાલા બોલે છૈ ? કોન સબબ....અખબારમેં છપ્યા તુમને ભણ્યા હસે. સુધારાનો ફૈલાવ જમાવવા સારુ તે લોગ પાણીના નલ હડ્ડીના બનાવવા લાટ સાહેબને અર્જ કર્યા છે....પોલિટિકલ સાબ કભી નાત બંધ નહિ ફરમાવ્યા....સુધારાબાલા કૈસા ફરમાવે ? ...સુધારાસે ન્યાતકા એસાન જ્યાસ્તી માનવાવાલા હમને તકલીફ દીધી ગઈ છે તો....ગ્યારહસૈ રૂપૈયાની હમને એ કાલમાં જરૂર છે... તી રકમ ઉપકારસે સ્વીકાર્યા હશે....

***

Rate & Review

Jaypalsinh / dedkadi/

કોઈ નો ઘટે

Mitesh Vachheta

Mitesh Vachheta 4 years ago

Kiran Rathva

Kiran Rathva 5 years ago