Shel We go books and stories free download online pdf in Gujarati

શેલ વી ગો

શેલ વી ગો

આજે શનિવાર હતો. ભારતથી પાછા ફર્યાને આજે બીજો દિવસ હતો. મુસાફરીનો થાક પૂર ઓસરતાં હોય તેમ ઊતરી રહ્યો હતો ઘીરેઘીરે. હું અને જેની બેગ બિસ્તર ને ઠેકાણે પાડી રહ્યાં હતાં. અચાનક જેનીએ પૂછ્યું- શેલ વી ગો.. અને જેની ખોવાઈ ગઈ વિચારોમાં. હું પણ વિચારોમાં ખોવાઈ ગયો કે જેની ક્યાં જવાની વાત કરે છે. હજી એક દિવસ ભારતથી પાછા ફર્યાને થયો છે. મેં જેની ને પૂછ્યું કે તે ક્યાં જવાની વાત કરે છે. તે મને જોઈ રહી કોઈ ઉલઝનમાં હોય તેમ. ફરી પાછી તે તેનાં કામમાં પરોવાઈ ગઈ. પણ મારી જેમ તેનું મન પણ તેનાં કામમાં લાગેલું ન હતું તે સ્પષ્ટ જોઈ શક્યો. હું તેની પાસે ગયો . તે ઊભી થઈ, કિચનમાં ગઈ. બે ગ્લાસ કોલ્ડ કોફી લઈને મારી પાસે બેઠી. એક ગ્લાસ મને આપ્યો. મેં પૂછ્યું કે તે કશું પૂછવા હતી. તે હસી પડી. હું તેને બાઘાની જેમ જોઈ રહ્યો. કેમ તું હસે છે. બસ, આમ જ. મને વિચાર આવ્યો કે.. અને વળી પાછી તે અટકી ગઈ. જેની, કોઈ ગંભીર બાબત તો નથી ને? મને ટેનશન થાય છે. ઓહ.. તું પણ .. ટેક ઈટ ઈઝી..

પણ તું જે રીતે વાત કરે છે તે ખરેખર ટેંશન ઊભું કરે છે. પ્લીઝ, તારી વાત ક્લીયર કર..

. કે. બાબા. તો હું એમ કહેવા માંગતી હતી કે આપણે ભારત પાછા ફરીએ તો? શેલ વી ગો ઈન્ડીયા?

ઈન્ડીયા? સ્ટીલ આઈ એમ કન્ફ્યુઝ? તું શું કહેવા માંગે છે!

વેરી સિમ્પલ. શેલ વી ગો ઈન્ડીયા.. આઈ લવ ઈન્ડીઆ.. કહી મને વળગી પડી અને હું ખોવાતો ગયો શમણાંમાં.. મને ફૂટવા લાગી પાંખો અને ઊડવા લાગ્યો યાદોની યાદો બનાવતો.. .

કોલેજમાં આવ્યાં પછી મેં નક્કી કરી લીધું હતું કે મારે મારી કેરિયર બનાવવા માટે યુ. એસ. . જવું જ પડશે. એ માટેની પ્રાથમિક જરુરિયાતની તૈયારી કરી લીધી હતી. ભણવા પર ધ્યાન પરોવ્યું. પરદેશ જવા માટે કોણ કઈ રીતે મને મદદ થશે તેની વિગતો ભેગી કરી. મારા કાકાને આ વાત કરી. તેઓ મારી વાત સાંભળી ખુશ થયાં . મારા ઘરમાં આ વાત છેડી તો ઘરમાં જાણે કે ધરતી કંપ સર્જાઈ ગયો. પૈસા ક્યાંથી લાવશુંથી લઈને ઘરની જવાબદારી શું છે તેનું ભાન મને કરાવડાવ્યું. ઘરનું વાતાવરણ બોજિલું બની ગયું. મેં સમજાવ્યું કે આ તો મારો વિચાર છે. આજે ને આજે હું ક્યાં જવાનો છું. હજી તો ત્રણ ચાર વર્ષની વાર છે. મેં મારા કાકાને વાત કરી. તેઓએ મારા માબાપને સમજાવ્યાં. પણ ઘરમાં ન સમજાય તેવું ડંખીલું વાતાવરણ સર્જાઈ ગયું. મારા કાકાએ મને સમજાવ્યું કે હું ભણવા પર ધ્યાન આપું. વખત આવશે ત્યારે બધું થાળે પડી જશે.

અને થાળે પડી ગયું. મા બાપની નારાજગી, ભાઈ બહેનનાં હેત, કુટુંબીજનોના આર્શીવાદ, માભોમની રજ લઈને ઊડ્યો શમણાં સાકાર કરવા અજાણી ભૂમીમાં.. .

ધારણા મુજબ મહેનત કરતો ગયો. નવા મિત્રો મળતાં ગયાં, જેઓ મારા જેવા સરખે સરખાં હતાં. સૌની આંખોમાં સ્વપ્ન હતાં કશું ક કરવાનાં. એક નવી હવા, નવા અનુભવો વચ્ચે સૌ ખુશ હતા, મારા સિવાય. સૌથી મોટું દુ:ખ એટલે જેને મારા પ્રાણ કરતાં પણ અધિક ચાહતો હતો તે મારા માબાપ મુજથી નારાજ હતાં! ઘર ખર્ચ કાઢવા હું ટ્યુશન કરવા લાગ્યો. એમાંની એક છોકરી જેની, જેને ભણાવતાં ભણાવતાં અમે પ્રેમ કરી બેઠાં. અને પ્રેમ લગ્ન સંબંધ્માં પરિણ્મ્યો. અને તે પણ શરતી. મારે જેનીને ઈન્ડીયા આવવા માટે ક્યારે પણ કહેવું નહીં. અને જો હું ભારત જવા માગું શોર્ટ પિરિયડ માટે તો જેની તેનો વિરોધ ક્યારે પણ નહીં કરે તેવું વચન મને આપ્યું. અમારાં ગ્રુપનાં મોટાભાગનાં મિત્રો ભારત આંટો મારી આવ્યાં હતાં, સિવાય હું. ધણું મન થતું હતું વતન જવા માટે પણ માનો સ્વભાવ આડે આવતો હતો.. ફોન કરતો પણ મારી મા ફોન પર વાત કરતી નહીં. ભાઈબહેનની વાતચીત પરથી જાણી શક્યો કે મારા બાપુજીની તબિયત નાજુક છે. આ વાત જેનીને કરી. વાત સાંભળ્યાં પછી તે મને પૂછી બેઠી કે હું કેમ ભારત જતો નથી? યુ શુડ ઈમિજેટલી ગો ટુ ઈન્ડીયા. એન્ડ યોર મધર ચેન્જ. થીંક પોઝિટિવ.

હું તેને જોતો રહ્યો. મારી આંખોમાંનો પ્રશ્ન જેની વાંચી ગઈ. ધીમેથી તેણે કહ્યું કે હું તેની પ્રેગ્નસીની ચિંતા ના કરું.

જ્યારે જ્યારે ફોન કરતો ત્યારે મારા પપ્પા કહેતા કે તેઓ મારી માને સમજાવા અસમર્થ છે. ભલે મારી મા એ મારા માટે દરવાજો બંધ કર્યો હોય પણ મારા પપ્પ્પાએ બારી મારા માટે ખૂલ્લી રાખી છે. સવાર સાંજ તેઓ મારી રાહ જોતા જાગે છે અને સૂવે છે મારા આવવાનું સ્વપ્ન લઈને. આ સ્વપ્ન તેમનું તૂટે એ પહેલાં મારે રાહ જોતાં કુટુંબ પાસે જવું જ જોઈએ કોઈ પણ જાતનો વિલંબ કર્યાં વગર , અને તૈયારી કરી લીધી.. .. .

ઘરે પહોંચ્યોં હોંશે હોંશે. મને અચાનક જોતાં જ સો સ્તબ્ધ થઈ ગયાં. સાચું કહું તો જડવત! પળભરની ખામોશી તોડી મારી બહેને ગર્જના કરી કે ભઈલો આયો ભઈલો આયો.. અને મને વળગી પડી. હર્ષાશ્રુથી મને ભીંજવી દીધો. મારી નજર મારી માને શોધતી હતી. મારી આરતી ઊતારી. હું ઘરમાં પ્રવેશ્યો. મારા મનની વાત સમજી ગઈ હોય એમ મારી બહેને કહ્યું કે બાપુજી ને સવારે હોસ્પિતલમાં લઈ જવા પડ્યાં છે. જમવાની ના પાડી હોસ્પિતલ તરફ અમે ગયાં.

મને જોતાં જ બાપુજી મલકાયા. મારી માને પગે લાગ્યો. પણ એને મોં ફેરવ્યું. બાપુજી પાસે બેઠો. તમે બાપ દીકરો પેટ ભરીને વાતો કરો. હું આવું છું કહી તે ઘ્રરે ગઈ. મારો સંયમ જોઈ બપુએ મારો ખભો થબથબાવ્યો. પપ્પા તમે ખુશ છો ને?

હા.. બેટા. તને જોઈને આનંદ થયો. તારા પાછા આવવાની આશા રાખી ન હતી. તમે બેઉ મઝામાં છો ને?

હા, દુ:ખ એ વાતનું છે કે મા મારાથી હજી નારાજ છે. આ કારણે હું મારા સુખને માણી શકતો નથી. આટલે દુરથી આવ્યો છું તો પણ મારી માનો આવો વર્તાવ !

બેટા , નહીં સમજાય તારી માનૂં આવું વર્તન તને..

કેમ ?

તારી માએ તને જે પ્રેમ કર્યો છે તે એક પક્ષીય છે. તને જે રીતે ચાહ્યો છે તે તારી કલ્પનાની બહાર છે. તારી મા હજુ તને નાનો બાબો સમજે છે. તું મોટો થયો છે એ વાત તેની સમજમાં નથી. પરિણામે તે તારો પોતીકો નિર્ણય લીધો તે તારી મા સહન કરી શકી નથી. એક ઊંડો આધાત લાગ્યો છે. હું જે કહેવા માગું છું તે તું સમજી શક્યો હોઈશ. બાકી તારી મા હજી પણ તને ચાહે છે પોતાનાથી અધિક. પણ એક આક્રોશ છે પ્રેમનો. ક્યાં પ્રેમ કરે ક્યાં નફરત !

હું મારા બાપુને જોઈ રહ્યો. તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપરી જેવી લાગી. બાપુનો ગુલાબી ચહેરો અમારા ઘરમાં ખુશીનો ટહુકો લાવ્યો. હોસ્પિતલમાંથી રજા મળી. સૌ સાથે મળી જાત્રાએ જઈએ એવો પ્રસ્તાવ મૂક્યો. પણ બાપુએ ના પાડી. મારી સાથે ઘરમાં રહી મારા વિરહને ભૂલવા માગતાં હતાં .

ના ,એક તો તું માંડ માંડ આવ્યો છે. તારી સાથે મન ભરીને જીવી લઉં. ફરી તું પાછો ક્યારે આવીશ કોણ જાણે? અને.. કહી ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. એમની પીડા હું સમજી ગયો. કદાચ મારી મા ના પાડે આવવાની અને કારણ વગરનો કંકાસ ઊભો થાય એવું તેઓ ઈચ્છતા ન હતાં. અને મોજમઝા, સગાવહાલાંની અવરજવર વચ્ચે દિવસો ટૂંકા થતા ગયાં. આખરે જવાની તારીખ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ ન સમજાય તેવી ઉદાસીથી ઘરની દીવાલો ઝાંખી પડવા લાગી. અને એ દિવસ ઘંટડી વગાડતો આવી પહોંચ્યો. સૌએ ચહેરા પર મુખવટો પહેરી લીધો હતો. મારી માના રુમ તરફ ગયો. દરવજો બંધ કરી બેઠી હતી. લાખ કોશિશે દરવાજો ના ખોલ્યો તે ના ખોલ્યો! ઘડિયાળને ઈશારે ઘર છોડ્યું. સૌએ હસતાં હસતાં કહ્યું કે સારા સમાચાર જણાવે અને ભાભીને લઈને ફરી પાછો આવે.

યુ. એસ. . પાછો ફર્યો. મારા આશ્ચર્ય વચ્ચે જેની એક પુત્રની માતા બની હતી. સમય પહેલાં પુત્રને જન્મ આપ્યો હતો. કશું પૂછું એ પહેલાં મારા મનનું સમાધાન કરી લીધું. મને ચિંતા ન થાય એ માટે સમાચાર ન આપ્યાં. ચાલો જે થયું એ ઠીક છે એમ મન મનાવી જાતને ખુશ કરી. ઘરે સમાચાર આપ્યાં, સૌ ખુશ હતાં . ઘણાં વર્ષો પછી અમે નિકટ આવ્યાં. જેનીએ પુત્રનું નામ સુચવ્યું. મેં કહ્યું તેની ચોઈસ મુજબ. તે ચુપ રહી. મારી સામે જોઈ રહી . તે મને મીસ કરી હતી એમ કહ્યું. મારા ઘરનાં સમાચાર પૂછ્યાં. એ સાંભળવા માંગતી હતી મારી મા વિશે. મેં દુ:ખી સ્વરે કહ્યું કે મેં મારી માને ખોઈ નાખી છે, જેની, જે મા મને પોતાનાથી અધિક ચાહતી હતી તે મારુ મોઢું જોવા રાજી નથી. મારી ઈચ્છા મારા કુટુંબને સુખી કરવાની હતી, આજે પણ છે. મારી માની આંખોમાં સદા હેતની ધારા છલકાતી રહે એ ઇચ્છું છું. પણ મારી મહેનત પર પાણી ફરી વળ્યું. જેની, મેં ક્યારે પણ આવું થશે એમ વિચાર્યું ન હતું. જે દિકરો માનો પ્રેમ પામી ના શકે એનું જીવન નર્ક સમાન છે. જેની, આઈ લોસ્ટ એવરીથીંગ! જેની મને જોઈ રહી. મારા ખોળામાં પડી મારા ગાલ પર ફૂલની પાંખડી જેવી મુલાયમ હથેળી ફેરવતી રહી. હું તેને જોતો રહ્યો. મેં હળવેથી એનાં કપાળ પર વ્હાલનું ઝાકળ જેવું ચુંબન ચોડી દીધું. અને ક્યાં સુધી એકબીજાને પંપાળતા રહ્યાં. તે ધીમેથી મારી લગોલગ ઊભી થઈને બેઠી. ધીમેથી મને પૂછ્યું કે મા દીકરા વચ્ચે જે કડવાશ છે તેમાં તે કારણરુપ તો નથી ને? હું તેને જોતો રહ્યો. તે મને જોતી રહી. મેં કોઈ જવાબ ના આપ્યો. હું હસ્યો. તે ધીમેથી બોલી કે તેનાં લીધે જ મા બેટા વચ્ચે ના સમજાય તેવી દરાર પડી ગઈ છે. હું ફરી હસ્યો. તે બરફ જેવા ગુસ્સ્સાથી બોલી કે ડોન્ટ સ્માઈલ.. પ્લીઝ ઓપન યોર માઉથ. મેં એને મારી બાહુમાં લઈને પૂછ્યું કે દરેક સ્ત્રી શા માટે શંકાશીલ હોય છે? એન્ડ વાય ધે બીલ્ડ અ સ્ટોરી બી ફોર ટાઈમ? તે ઝટકા સાથે મારી બાહુમાંથી છૂટી થઈ અનેએનાં પુત્રને જોઈ રહી. હું તેની પાસે ગયો. એનાં ખભે હાથ મૂકીને કહ્યું, જેની, મારી મા મને અનહદ ચાહે છે. તે ઈચ્છે છે કે હું તેની આસપાસ રહું. જેની, યુ નોટિસ વનથીંગ ?

વોટ ? તેને ઉત્સાહ થી પૂછ્યું.

જેને આપણે ચાહિયે તે આપણાથી દૂર જાય તો ના ગમે.. કહી હું તેનાં હાવભાવ જોતો રહ્યો. તે મલકાઈ. મારા ગાલ પર પ્યાર ભરી ચીમટી ભરી કહ્યું કે હું બદમાશ છું. મેં તેના મનની વાત જાણી લીધી છે. રિયલી હું તને મીસ કરતી હતી. હું તને કહેવા માંગતી હતી કે તું ઈન્ડીયા ન જા. પણ મેં તને વચન આપેલું. પણ હું તારા વગર તડફડતી હતી. રિયલી પ્યાર એક્બીજાને બાંધી રાખે છે.

બસ, આજ રીતે મારી મા મને તેનાં બંધનમાંથી મુક્ત કરી શકતી નથી. તે હજી મને નાનું બાળક સમજી રહી છે. અને આ બાબતે હું કેવી રીતે મારી માને સમજાવી શકું કે હું નાનું બાળક નથી. હું મોટો થયો છું. મારી પાંખો ફૂટી છે. મારે પણ આકાશમાં ઊડવું છે જેની સાથે. કહી હું હસી પડયો, અને વચલી આંગળી થી મારા લટકતાં આંસુ નીચે ખરે એ પહેલાં જેની એ ઝીલી લીધાં.

જિંદગી પણ કેવી અજનબી જેવી છે! સુખ દુ:ખ,તડકો છાંયડો, ચઢાવ ઊતરાવ, ન જાણે જાતજાતનાં ભાતભાતનાં, ન કલ્પેલાં પ્રસંગો આવે છે ને જાય છે અને આપણે એ પાર પણ કરી નાંખીએ છીએ! જેનીએ પુત્રનું નામ નીરવ રાખ્યું. જેની માંથી ની લીધો અને મારું નામ રવિ માંથી રવ લઈ ને નીરવ બનાવ્યું. કોણ જાણે નીરવનાં આવ્યાં પછી સમયની ખેંચ પડવા લાગી. માતૃત્વનો અહેસાસ જેનીને થવા લાગ્યો. મારી જાણ બહાર ઈન્ડિયા લેપ ટોપ દ્રારા વાતો કરવા લાગી. લેપ ટોપ દ્રારા નીરવને જોતા ઘરવાળા ખુશ થવા લાગ્યા. જે દિવસે મારી માએ નીરવ સાથે વાતો કરવા પ્રયાસ કર્યો અને નીરવે સામેથી હોંકારો આપવાનો પ્રયાસ કર્યો ત્યારે તો જેની ની આંખોમાંથી રીતસરનો આંસુઓનો ધોધ ઊછળેલો. આમ ન કલ્પેલી બહાર અમારા ઘરમાં નવોઢાની માફક પ્રવેશી. અને સમાચાર આવ્યાં કે પિતાજી થોડા દિવસનાં મહેમાન છે. આ સમાચાર મને જેનીએ આપ્યાં ,

સમાચાર સાંભળી હું બેચેન થઈ ગયો. જેનીને પૂછ્યું હવે શું કરશું? જેની એ જવાબ આપ્યો વી શેલ ગો.. નો ઓપ્શન..

જેની નો જવાબ સાંભળી હું ચોકી ઊઠ્યો. ! જેની મને વળગી હસી પડી. રવિ, હું તમારી સાથે ઈન્ડિયા આવીશ. મમ્મી, પપ્પાને, ફ઼ેમિલીને મળીશ અને આશિષ પણ લઈશ. ઈટ ઈઝ નોટ ફોર યોર પ્લેઝર બટ ફોર માય પ્લેઝર, કહી નીરવ સાથે વાતો કરવા લાગી. ની.. વી વીલ ગો પાપાઝ હોમ, પાપાઝ હોમ.. અને હું જેનીને જોતો રહ્યો બદલાતાં શારિરીક તેમજ માનસિક પરિસ્થિતિમાં! સમય ની સાથે સાથે માનવી ઉધ્વગતિએ જો બદલાય તો તે ખરેખર માણવા જેવો લાગે છે.

અમે ભારત આવ્યાં. સંજોગો બદલાઈ ચૂક્યાં હતાં. આનંદ, કિલ્લોલ, લીલીવાડી વચ્ચે પિતાએ દેહ છોડ્યો. તે ખુશ હતાં . ખાસ કરી મારી મા વચ્ચે બોલવા ચાલવાનો વહેવાર જોઈને. જેનીને જોઈને તો તે કહેતા કે જેની ખરેખર લક્ષ્મી થઈને આવી છે. જેવી જેની ઘરમાં પ્રવેશી કે જેનીએ નીરવને મારી મા ના હાથમાં સૌંપી પગે લાગી અને મારી માની આંખોમાંથી સંધરાયેલાં આંસુનો ધોધ તૂટી પડ્યો. અને વાત્સલ્યનો માંડવો બંધાઈ ગયો.

સમય હંમેશા ટૂંકો પડે છે. જેની ઘરમાં ભળી ગઈ હતી. નીરવ એક હાથમાંથી બીજા હાથમાં રમી રહ્યો હતો. જેની અને મારી વચ્ચે પણ સમયનો અભાવ વર્તાતો હતો. પણ તે ખુશ હતી. અને એ ઘડી આવી પહોંચી જુદાઈની. મા ને કહ્યું અમેરીકા ચાલ. પણ પછી કહી વાત માંડી વાળી. અને પ્રથમ વાર ખુશી ખુશી એ વિદાય લીધી.

પ્લેનમાં પાસ પાસે બેઠાં હોવા છતાં એમ લાગ્યું કે જેની અને મારી વચ્ચે ખાસ્સું અંતર છે. તે વિચારો માં હતી. હું પણ વિચારોમાં હતો. મેં પૂછ્યું પણ ખરું કે તે શું વિચારે છે. તે મારા તરફ જોઈને હસી. મારા હાથ પર હાથ મૂકીને કહ્યું કે તે હું જે વિચારું છું તે વિચારે છે. હું કશું જ ના બોલ્યો અને જોઈ રહ્યો જેનીના ખોળામાં સૂતાં નિશ્ચિંત નીરવને. ના કોઈ ફિકર ના કોઈ ભવિષ્ય નો ડર.

અચાનક અમે જિંદગી વિશે વિચારવા લાગ્યાં. જિંદગીમાં જીવવા માટે કેટલાં પૈસા જોઈએ. અમે હિસાબ કરવા લાગ્યાં . ઓહ.. અમે એકબીજાને જોતાં રહ્યાં. કદાચ એ પણ મારી જેમ વિચારતી હશે! મર્યા પછી પણ બે પેઢી સુધી પૈસા ચાલે તો આટલી ધમાલ કરવાની જરુર શું? શું અમે પાગલ છીએ?

અએ અમેરિકા પાછા ફર્યાં ને એક વીક વીત્યું હતું. પણ જેની ખોવાયેલી ખોવાયેલી રહેતી હતી. અને તે બોલી ગઈ કે શેલ વી વીલ ગો ઈન્ડિયા..

તેને અનુભવે સમજાયું કે પ્રેમ એટલે શું . કુટુંબ એટલે શું . લાગણી એટલે શું . બંન્ને દેશ વચ્ચે લાગણીની વ્યાખ્યા ની જે સમજણ છે તેમાં આસમાન જમીન જેટલો ફરક છે. ભારતમાં કૌટુંબિક જે ભાવના છે તે અફલાતૂન છે. એક્બીજા માટે મરી મીટવાની ભાવનાથી જેની એવી પ્રભાવિત થઈ કે જેનીએ ભારત પાછા ફરવા મારા પર દબાણ કર્યું. મેં દલીલો વડે સમજાવ્યું કે તે ઈમોશનલી ના વિચારે. ટેક ટાઈમ ટુ થીંક. પણ જેની તેનાં વિચારોમાં અટલ હતી. આખરે એક વાત નક્કી કરી કે મા, ભાઈ,બહેન ને એકવાર અમેરિકા તેડાવી તેમની સાથે ભારત પાછા ફરે તો?

અને એજ રાતે જેની એ ફોન કરી પૂછ્યું કે શેલ ધે રિટર્ન ઈન્ડિયા?

- સમાપ્ત -

પ્રફુલ્લ આર શાહ.