Premagni - 8 books and stories free download online pdf in Gujarati

પ્રેમાગ્નિ - 8

આજે વહેલી સવારથી મોક્ષની આંખો ખૂલી ગઈ છે. તે વરંડામાં આવી પોતાની ઝૂલણખુરશી પર બેઠો. એ પોતાની અંગત ડાયરી લઈને બેઠો હતો. મનસાની વાડી પર જઈ આવ્યા બાદ મોક્ષને મનસા માટે, પ્રકૃતિ માટે કંઇક કહેવાનું-લખવાનું મન થયા કરતું હતું. એને થતું હતું મારા હદયને અને સ્પંદનોને શબ્દોથી વાચા આપવી છે.

“તારી આંખોમાં ઊતરીને તારા દિલમાં સમાઈ જવું છે.

તારાં હોઠોને સ્પર્શીને મારે શબ્દ બની જવું છે.

તારા શ્વાસોમાં રહીને મારે ધડકન બની જવું છે.

તારા પ્રેમમાં પડીને મારે ‘પરવાના’ બની જવું છે.

મારી વહાલી મનસા મારે તારા પ્રેમમાં પરવાન ચઢવું છે.”

મોક્ષને સવારથી એક અજીવ બેચેની છે. મનસા તરફ એ વધુ ને વધુ ઢળી રહ્યો છે. એ પોતાની જાતને રોકી નથી શકતો. શિખાના મૃત્યુ પછી કેટલાય સમયે એને લાગે છે મારું હદય પ્રેમથી ભીંજાઈ રહ્યું છે. એનાં ખાલીપામાં કોઈ જોશ ભરી રહ્યું છે. એનું હિમગિરિ જેવું હદય પીગળવા માંડ્યું છે. કયા સંબંધે મારા લાગણીનાં તાર ઝણઝણવા માંડ્યા છે ? મારું દિલ કેમ આટલું ધડકી રહ્યું છે ? મારી સંવેદના કેમ આટલા પ્રેમમય સૂર ગાઈ રહી છે ? હવે વળી પાછું મારું હદય કોનાં કયા ઋણાનુબંધમાં બંધાવા જઈ રહ્યું છે ? આ કેવી સ્થિતિ છે કે જેના પર મારો કાબૂ જ નથી. મારું શરીર શિથિલ થાય છે. કોઈ કામમાં મારું ચિત્ત નથી ચોંટતું. કઈ એવી અગમ્ય સૃષ્ટિમાં હું જઈ રહ્યો છું. ક્યા આટાપાટા મારું હદય ખેલી રહ્યું છે. આ શું થઈ રહ્યું છે ? પ્રો. મોક્ષે મનોમન નક્કી કર્યું – આજે કોલેજ નહીં જાય, આજે એનું દિલ કાબૂમાં નથી. ફોન કરીને સુરેશને સૂચના આપી દઈશ કે ઓફિસમાં જાણ કરી દે પછી પોતાની આરામ ખુરશીમાં છાતી પર પોતાની ડાયરી મૂકીને લંબાવ્યું. ક્યારે આંખમાં નીંદર આવી ગઈ ખબર જ ના પડી.

કમ્પાઉન્ડનો ગેટ ખૂલવાનો અવાજ આવ્યો અને મોક્ષની આંખ ખૂલી. એણે જોયું તો સામે મનસા. મનસાને જોતાં જ શરીરમાં લોહી ઝડપથી દોડવા માંડ્યું. એણે સ્વસ્થ થતાં કહ્યું. “મનસા તું ? અત્યારે ? કોલેજ નથી ગઈ ?” મનસા કાંઈ બોલ્યા વિના જ મોક્ષની સામે પડેલી ચેર ખેંચીને બેસી ગઈ. મનસા કંઈ જ બોલી નહીં. એણે પોતાના હાથ મોઙનાં હાથમાં મૂકી દીધા અને આંખોમાંથી નીર વહેવા લાગ્યા. મનસા કહે, “મોક્ષ !કાલથી બધું જ જાણે બદલાઈ ગયું. મેં આખો દિવસ માંડ કાઢ્યો છે. હું મારા પ્રેમનો એકરાર કરવા આવી છું.” એ મોક્ષના પગમાં જ બેસી ગઈ. મોક્ષે ઊભા થઈને એને ખભેથી હળવા સ્પર્શે ઊભી કરી. બન્ને એકબીજાની આંખોમાં જોતા રહ્યા. બન્નેની આંખમાંથી પ્રેમસભર અશ્રુ વહી રહ્યા. બન્ને એકબીજા પ્રત્યે પ્રેમનો એકરાર કરતા રહ્યા. બન્ને આંખોથી દિલની સ્થિતિ જાણી લીધી. આંખો એકબીજામાં પરોવી આંખોથી સંદેશ દિલને પહોંચાડી બન્નેએ એકબીજાને પોતાના દિલમાં પ્રસ્થાપિત કરી દીધા. બન્નેએ કુદરતને સાક્ષી બનાવી એકબીજાનો પ્રેમ કબૂલ કર્યો. મોક્ષે મનસાને હૈયાસરસી ચાંપી દીધી. બન્ને ન જાણે ક્યાંય સુધી પ્રેમાશ્રુ વહાવતા રહ્યા અને પ્રેમ કબૂલતા રહ્યા. મોક્ષે થોડા સમય બાદ સ્વસ્થ થતાં પૂછ્યું, “મનસા, કેમ આવવાનું થયું ?” પૂછ્યા પછી લાગ્યું, આ પ્રશ્નનો શો અર્થ ? બન્નેની સ્થિતિ સરખી હતી. મનસા અને મોક્ષ આજે પ્રેમ અને સંવેદનાના વરસાદમાં જ સ્નાન કરતા રહ્યા. મનસા કહે, “હું કોલેજ ગઈ પરંતુ તમે આવ્યા જ નહોતા એટલે મારું દિલ મને અહીં ખેંચી લાવ્યું.” મોક્ષે કહ્યું, કાલે તને વાડીએ મળ્યા પછી દિલ માનતું જ નહોતું. તારા જે વિચાર અને અહેસાસમાં હતો. કંઈ કરવાનું મન જ નહોતું થતું. મોક્ષ કહે, હું પાણી લઈ આવું. મનસા કહે, હું લાવું. મોક્ષ કહે, હું લાવુ છું તું પ્રથમવાર આવી છે આપણા ઘરે. મનસા સાંભળી રહી. મોક્ષ અંદર ગયો. મનસાએ મોક્ષની ડાયરી ઉપાડી અને લખાણ જે થયું હતું એ જ પાનું ઉઘડ્યું. વાંચતા જ શબ્દ દિલમાં ઊતરી ગયા. દિલ ડોલી ઉઠ્યું. પ્રેમાવેશમાં ફરીથી આંખમાંથી નીર વહેવા લાગ્યા. એણે પેન ઉપાડી અને બાજુનાં પાના ઉપર પોતાની લાગણી ટપકાવી :

“તારા પ્રેમાગ્નિમાં બળીને ભસ્મ થવું છે મારે

તારી આંખોમાં સમાઈને પ્રેમ અમી પીવા છે મારે

તારી આંખોમાં સમાઈને જવા દશ્ય બનવું છે મારે

તારા પ્રેમમાં રંગાઈને તારી રંગીલી બનવું છે મારે

તારા હોઠને સ્પર્શવા શબ્દ બનવું છે મારે

તારી રાહમાં ચાલવા હમરાહી બનવું છે મારે.”

મોક્ષે ઊભા થઈને મનસાને પાણી આપ્યું. પોતાની ડાયરી મનસાનાં હાથમાં જોઈને કહ્યું, “સવારથી દિલમાં જે ઘુંટાતું હતું તે શબ્દો બનીને ડાયરીમાં લખાઈ ગયું.” મનસા પોતાની ડાયરી લઈ પોતાના મુક્તકો નીચે મનસાએ લખેલી પંક્તિઓ એને સ્પર્શી ગઈ. હૈયુ હાથ ના રહ્યું. એણે મનસાને હદયસરસી ચાંપી દીધી અને મનસાના ચહેરાને પોતાના બન્ને હાથમાં લઈ જતો રહ્યો. એ ખૂબ પ્રેમના આવેગથી મનસાના હોઠને ચૂમતો રહ્યો. આજે એનું દિલ દરિયાની જેમ હિલોળે ચઢ્યું છે. પ્રેમની પરાકાષ્ઠા એને ક્યાં લઈ જશે ખબર નથી. બન્ને એકબીજાના સ્પર્શનું સ્વર્ગીય સુખ અનુભવતા રહ્યાં.

મોક્ષે મનસાને પ્રેમથી ખુરશી પર બેસાડી. પોતે સામે બેસી ગયો અને કહ્યું, “આજે તો કોલેજ જવાયું નથી. પરંતુ આમેય મારે ત્રણ દિવસ માટે પૂના જવાનું છે.” મનસાએ પ્રશ્નાર્થ નજરે જોયું અને પૂછ્યું, “અચાનક ?” મોક્ષે કહ્યું, “અચાનક નથી જતો. બે કારણ છે. પૂના યુનિવર્સિટીમાં 2 દિવસ પ્લાન્ટ ફિઝિયોલોજી ઉપર સેમિનાર છે. એમાં બધી યુનિવર્સિટીમાં થતા સંશોધનો પર ચર્ચા છે. મારા ગુરુ સ્વામી મુક્તાનંદજી પણ પૂના પધાર્યા છે. મારે એમના દર્શને જવું છે. તે મહાન યોગ ગુરુ છે. હું એમને ખૂબ માનું છું. આપણી કોલેજના વિદ્યાર્થીઓને યોગનું શીખવાનો લહાવો મળે તે માટે વિનંતી કરવાનો છું. આમ તો તેઓ કાયમ હરિદ્વારમાં જ હોય છે ત્યાં એમણે સ્થાપિત કરેલો મુક્તાનંદ આશ્રમ છે. આમ પણ હવે સંવત્સરી અને ગણેશ ઉત્સવ આવી રહ્યાં છે. એક સાથે બે કામ પૂરા કરી આવું.” મનસા આ સાંભળીને અત્યારથી જ મોક્ષનાં વિરહમાં પીડાવા લાગી. સતત ત્રણ દિવસ મોક્ષ વિના હવે કેમ રહેવાશે ? એ વિચારથી એનું શરીર શિથિલ થવા લાગ્યું. મનસા કહે, “હાલમાં વરસાદ ચાલુ છે તમને અગવડ નહીં પડે ?” મોક્ષ કહે, “વરસાદ તો આજે પણ આવે એવું લાગે છે.” અને એટલામાં જ વરસાદ વરસવો ચાલુ થઈ ગયો. આકાશમાં વાદળો ઉમટી આવ્યા ગડગડાટ ચાલુ થઈ ગયો. મોક્ષ કહે, “મનસા હવે મને પણ તારા વિના બિલકુલ નહીં ગમે. મને હરપળ બસ તારી જ ધૂન લાગી છે. મારા આત્માને ચોક્કસ એવું લાગે છે કે તું જ એ વ્યક્તિ છે જેની મારા દિલને શોધ હતી. પ્રભુનાં આશીર્વાદ છે કે આપણું મિલન થયું. પરંતુ મારે તારી સાથે અગત્યની વાત કરવી છે.” મનસાને ખુરશીમાં બેસાડી પોતે સામે બેઠો અને કહ્યું, “આપણે પ્રેમના પથ પર આગળ ચાલવા લાગ્યા છીએ પરંતુ મારી સાથે મારો ભૂતકાળ છે, જેના વિશે મારે તને બધું જ જણાવવું છે. હું એ ભારથી મુક્ત થઈને જ તારી સાથે આગળ ચાલવા ચાહું છું, કારણ કે તારા પ્રેમના વર્ણન માટે શબ્દો ખૂટે છે. અસીમ પ્રયાસો ઓછા પડે.” મનસાએ અધવચ્ચે એમની વાત કાપીને જણાવ્યું, “તમારો ભૂતકાળ કાંઈ પણ હોય, મને એ જાણવામાં રસ જ નથી. મોક્ષ, મને આપણા ભવિષ્યમાં રસ છે. વર્તમાનમાં આપણે એકબીજાને મળ્યા, એકબીજાનાં થયા. હવે ભૂતકાળ જાણીને શું કરવો છે ?” મોક્ષ કહે, “વર્તમાનકાળનો પ્રેમ ભવિષ્યકાળમાં ખૂબ ઘેરો બને અને ઘેરા બનેલા પ્રેમ પર ભૂતકાળની કોઈ કાલિમા ના લાગે એ માટે મને જણાવવાની જરૂર લાગે છે. શિખા મારો ભૂતકાળ છે.” એ મનસાની નજીક આવી, એને ખુરશીમાં બેસાડી મનસાના ચહેરા પર હાથ ફેરવી પ્રેમથી કહ્યું, “હું હાલ વિધુર છું. મારા ભૂતકાળમાં શિખા મારી પત્ની હતી...” મોક્ષે પોતાના લગ્નથી શિખાના મૃત્યુ સુધીની બધી જ વાત કહી દીધી. “મારે તારાથી કોઈ વાત છૂપાવવી નથી શિખા સાથે મારો ઋણાનુબંધ પૂરો થયો. જે ભોગવટો હતો તે પૂરો થયો શિખાના ગયા બાદ આટલા સમયમાં ક્યારેય મને કોઈ ઈચ્છા નહોતી થઈ – કોઈના માટે ન કોઈ પ્રેમ અને ન લાગણી. તારી સાથે, તને જોઈને પ્રથમ જ દિવસે મને તારા માટેનું ખેંચાણ અને આકર્ષણ અનુભવાયું હતું. મારો અને તારો મેળાપ પણ કુદરતની ઇચ્છા જ સમજી રહ્યો છું.”

મનસા કહે, “તમારો ભૂતકાળ જે હોય એ તમે મારી સમક્ષ બહુ જ સ્પષ્ટ કર્યુ મોક્ષ પણ મારા માટે તમે મારા આરાધ્ય છો. મારા દિલે – મારા મને તમને સંપૂર્ણપણે સ્વીકાર્યા છે. ક્યાંય કોઈ અપેક્ષા નથી, નથી કોઈ ગેરસમજ. મોક્ષ તમે મારા માટે એક પવિત્ર વ્યક્તિ છો. મારા દિલ આત્માએ તમને સ્વીકાર્યા છે. મોક્ષ, હવે તમારો જ સાથ રહેશે ‘મોક્ષ’ સુધી.” મોક્ષે મનસાને પકડીને પોતાની બાંહોમાં સમાવી લીધી. બંને શરીર એકબીજામાં ઓગળી ગયા. બસ એક જીવ બની ગયા. મનસા કહે, “હવે મારું દિલ તમારા શ્વાસથી જ ધબકશે.” મોક્ષ અને મનસા આ પૃથ્વી પર એક યુગ્મ જીવ બની ગયા. પ્રેમસ્વરૂપે ઈશ્વરનો જાણે સાક્ષાત્કાર થઈ રહ્યો છે એવું અનુભવી રહ્યા.

*

પૂના યુનિવર્સિટીમાં પ્લાન્ટ ફિઝિયોલોજી સેમિનારમાં અલગ અલગ કોલેજ અને સંસ્થાઓમાંથી આવેલ ડેલિગેટોએ પોતાના સંશાધનનાં તર્ક રજૂ કર્યા અને વિજ્ઞાન પ્લાન્ટની નવી નવી જાત – એનાં ઉપરથી ફળફળાદિનાં વૃક્ષો – આયુર્વેદિક પ્લાન્ટની જાતો, એનાં ગુણધર્મ અને તેની ગુણવત્તા કેવી રીતે વધારી શકાય ? વેલ્યુ એડેડ પદ્ધતિઓનો વિકાસ કરી શકાય એના પર ચર્ચા થઈ. મોક્ષે પણ પોતાના તર્ક અને સંશોધન રજૂ કર્યા. સફળતાપૂર્વક પરિસંવાદ પૂરો થયો. મોક્ષ ત્યાંથી પરવારી સીધો પૂના – મુક્તાનંદજીના આશ્રમ પર આવ્યા. ત્યાં ગુરુજીના દર્શન કર્યા અને ગુરુજીના ચરણસ્પર્શ કર્યા. ગુરુજીએ ક્ષેમકુશળતા પૂછી. પૂના સેમિનાર-પરિસંવાદ કેવો રહ્યો એની પૃચ્છા કરી. મોક્ષે ગુરુજીને કહ્યું, “ગુરુજી તમારા આશીર્વાદથી ખૂબ સફળતાપૂર્વક પૂરું થયું છે. મેં મારી ‘પ્રકૃતિ અને તેનું સંચાલન’ની Ph.D.ની થીસિસ પણ ડૉ. વાલિયાને સબમીટ કરી દીધી છે. હવે મારી એક પ્રાર્થના છે. આપ હરિદ્વાર આશ્રમ પર જાઓ તે પહેલાં અમારી કોલેજના વિદ્યાર્થીઓને યોગ પર જ્ઞાન અને સમજ વિશે પ્રત્યક્ષ યોગની શિબિરનું આયોજન કરો. અમારા આચાર્યશ્રી પણ આપના શિષ્ય છે તેથી આપની અનુકૂળતા પ્રમાણે અમે શિબિરનું આયોજન કરીએ.” ગુરુજીએ કહ્યું. “ચોક્કસ કરીશું હું આચાર્યશ્રીને જાણ કરી દઈશ.”

ગુરુજીની નિશ્રામાં બોધવચન સાંભળી મોક્ષ પોતાના ઉતારા પર આવ્યો. હોટલ શાલીમારમાં આવીને ફ્રેશ થઈને એ જમવા ગયો. જમ્યા પછી પોતાના બેડ પર આડો પડ્યો. પાછો મનસાના વિચારોમાં ખોવાયો. ત્યાં જ નીચે મુખ્ય સડક પર જય ગણેશ જય ગણેશ દેવાની ધૂનો સંભળાવા લાગી. એ ઉઠીને સડક બાજુ પડતી રૂમની બારી પાસે આવીને બારી ખોલીને નીચે જુએ છે. ઘણા લોકો સરઘસ સ્વરૂપે નીકળ્યા છે. સુંદર ગણેશજીની મૂર્તિને રથ પર બિરાજમાન કરાવીને, ગણેશના નામની ધૂનો બોલતા ચાલી રહ્યા છે. કેટલા બધા લોકો યુવાન છોકરા-છોકરીઓ એકસરખા તાલથી ધૂન સાથે નૃત્ય કરી રહ્યા છે. ખૂબ સરસ લયબદ્ધ ગાઈ રહ્યા છે. ગુલાલની છોડો ઉડાડી રહ્યા છે. મોક્ષ બધાને ભાવમય રીતે જોતો રહ્યો. એને લાગ્યું કે ગણેશોત્સવ ચાલી રહ્યો છે, હવે પછી નવરાત્રી આવશે. વળી પાછો મનસાના વિચારમાં ખોવાઈ ગયો. પાછો બેડ પર આવીને સૂઈ ગયો – મનસાના વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી.

આજે સવારથી મોક્ષ ખૂબ રોમાંચિત થઈ રહ્યો છે. આજે મનસા મળશે, એની સાથે વાતો કરીશ એને હું આજે શું કહીશ ? એ આજે શું કહેશે ? રૂટિનથી ફટાફટ પરવારીને કોલેજ જવાની તૈયારી કરવા લાગ્યો. કોલેજ તો એ વર્ષોથી જાય છે, પરંતુ હવે કંઈક નવું જોમ હોય છે. નવા વિચારો, નવા તરંગ, નવી કવિતા, નવા મુક્તક રચવાનું મન થાય છે. એક ગીતની કડી યાદ આવી ગઈ –“મૈં કહીં કવિ ન બન જાઉં તેરે પ્યાર મેં એ કવિતા...” એ ગણગણતો કોલેજ જવા નીકળી ગયો. કોલેજ પહોંચી ગાડી પાર્ક કરી. પ્રથમ સ્ટાફરૂમમાં જઈ પુસ્તકો લઈને પ્રથમ જ લેક્ચર આજે પોતાનું હોવાથી ક્લાસરૂમમાંપહોંચી ગયો. ક્લાસમાં પ્રવેશવા સાથે જ એની નજર ચોક્કસ વ્યક્તિની શોધમાં લાગી ગઈ. એક ક્ષણ માટે એની નજર થોભી ગઈ. મનસા સાથે આંખી મળતાં જ શરીરમાં એક લહેર દોડી ગઈ. મુખ પર મુસ્કાન આવી ગઈ. ચહેરો ખીલી ઉઠ્યો. મનસા અને મોક્ષની નજર મળી અને જાણે વસંત છવાઈ ગઈ. બંનેના ચહેરા મહોરી ઉઠ્યા.

પ્રો. મોક્ષે ક્લાસને સંબોધીને કહ્યું, “વનસ્પતિની રચના પુષ્પથી શરૂ થઈને બીજ બંધાવા સુધીની બધી જ ક્રિયાઓ તમે અત્યાર સુધી ભણી ચૂક્યા છો. આજે વનસ્પતિશાસ્ત્રના અભ્યાસ દરમ્યાન તમને એ બધું રસમય કેવી રીતે બને એ સમજાવવું છે. વનસ્પતિ એક જીવ છે. એક સંસ્કાર છે. ભગવદગીતાના એક શ્લોકમાં વર્ણવેલ અદભૂત જીવ છે. વનસ્પતિશાસ્ત્રમાં વનસ્પતિમાં સમગ્ર જીવન ચક્રમાં જ્યારે તેમાં વસંત આવે છે એટલે કે પુષ્પ એક કળીમાંથી પરિવર્તિત થયા બાદ ફળમાં પરિણમે છે, એ આખો સમય એમના જીવનમાં પ્રેમ ભરી વસંત છે.” વિદ્યાર્થીઓને આજે વનસ્પતિશાસ્ત્ર નવીન સ્વરૂપે ભણવા મળી રહ્યું હતું. મોક્ષ એ વિષયને ખૂબ રસપ્રદ બનાવી રહ્યો છે. દરેક વિદ્યાર્થી- વિદ્યાર્થિની જાણે ગળાડૂબ રસમાં તરબોળ છે. મોક્ષની વાણીના રંગમાં રંગાયા છે. જાણે એક સંમોહન ક્રિયા ચાલી રહી છે. મોક્ષે કહ્યું, “કળીમાંથી પુષ્ય જ્યારે ખીલે છે ત્યારે આજુબાજુ એમની જ પ્રજાતિનાં વૃક્ષોમાં પણ એક સાથે કળીઓ બેસે છે અને પુષ્પ બની ખીલી ઊઠે છે ત્યારે વનસ્પતિ પ્રેમના રંગે રંગાય છે. એમનામાં વસંત આવે છે. આ પ્રેમીઓને પતંગિયા અને ભમરાઓ મદદ કરે છે. આ લોકો એક પુષ્પના પરાગરજને પુંકેસરમાંથી લઈને બીજા ફૂલના સ્ત્રીકેસર પર પ્રસ્થાપિત કરે છે. આમ, એમના કુદરતી મૈથુનમાં મદદ કરીને સ્ત્રીકેસરને ફલિત કરે છે. સાથે સાથે મંદમંદ પવન અને ભમરાઓનો ગુંજારવ સરસ વાતાવરણ સર્જે છે. ફૂલોને ઉત્તેજિત કરે છે. આમ, સ્ત્રીકેસર અને પુંકેસર એમની પ્રેમવસંત ભોગવે છે અને પછી બીજ બંધાય છે અને પુષ્પમાંથી ફળમાં રૂપાંતરિત થાય છે અને પકવ સમયે એ ફળમાંથી બીજનું નિરૂપણ થાય છે. આમ, પોતાની પ્રજાતિનો વિકાસ કરે છે.”

મોક્ષે પ્રેમકાવ્ય રૂપે આજે વનસ્પતિશાસ્ત્રમાં કળીમાંથી પુષ્પ અને ફળમાં કેવી રીતે નિરૂપણ થાય એ સમજાવ્યું. વિદ્યાર્થીઓ આફરિન પોકારી ગયા. સાથે સાથે કાવ્યરચનાઓ પણ સંભળાવી એટલે બધા જ વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લીધા.

કોલેજના લેક્ચર્સ પતાવીને મોક્ષ ઘર તરફ જવા નીકળ્યો. ઘરે પહોંચીને સુખદ આશ્ચર્ય સાથે જોયું – મનસા ગેટ પાસે એની રાહ જોઈ રહી હતી. મોક્ષનું હદય ધબકાર ચૂકી ગયું. ગેટ ખોલીને મોક્ષે મનસાને ઘરમાં લીધી. મોક્ષે મનસાને ખુરશી પર બેસવા ઈશારો કરી ઘરના મુખ્ય દરવાજાનું લોક ખોલીને દરવાજો ખોલ્યો. મોક્ષે કહ્યું, “મનસા અચાનક જ ? મને જાણ પણ ન કરી ?” મનસા કહે, “તમે બેસો, હું પહેલાં પાણી લઈ આવું.” મોક્ષ બહાર વરંડામાં જ બેઠો. મનસા પાણી લઈ આવી, મોક્ષને આપ્યું. મનસા મોક્ષ પાસે આવીને મોક્ષના શર્ટના કોલર સરખા કરતા કહ્યું, “મારા રંગીલા પ્રોફેસર ! આજે તો વિજ્ઞાનને પણ કળામાં ઢાળી દીધું. હવે મારા મોક્ષ, તમે આ કળીને ક્યારે ફૂલ બનાવો છો ?” એમ મજાક કરીને જોરથી હસી પડી. મોક્ષ મનસા પાસે આવીને કહ્યું, “હું તો એવો ભ્રમર છું કે કળી કળી જવાનો નથી, ફક્ત મારા દિલની રાણી આ જ કળી પર મોહી ગયો છું, સર્વસ્વ લૂંટાવીને તને પ્રાપ્ત કરી લેવાનો છું.”

મોક્ષ અને મનસા એકબીજાની આંખમાં આંખ પરોવીને જોતાં જ બેસી રહ્યા – એકબીજાને એકબીજાના શ્વાસમાં પરોવી રહ્યા. મોક્ષ જાણે પ્રેમસુધા પીતો પીતો ભાન ગુમાવી રહ્યો છે. મોક્ષે મનસાના હાથમાં પોતાનો હાથ પરોવીને પોતાની તરફ નમાવી એનાં થરકતા હોઠ પર પોતાના હોઠ મૂકી દીધા અને બન્નેની આંખો બંધ થઈ ગઈ. પ્રેમના સાક્ષી બનેલા નયનોએ બન્નને એકાંત આપ્યું, બંને એકબીજાનો રસ પીતાં ખોવાઈ ગયા. મોક્ષે મનસાને પ્રેમભર્યા શબ્દોમાં કહ્યું, “મારા દિલને ગુલમહોર બનાવનાર મારી રાણી, હવે મારા જીવનનો આધાર ફક્ત તારા ઉપર જ છે. સ્વયં પર મારો કોઈ જ કાબૂ નથી તું જ માલિક છે. હવે પછીના જીવનની પ્રત્યેક ક્ષણ તારા નામે લખી દીધી છે.” અને બંને પ્રેમસમાધિમાં ખોવાઈ ગયા.