Premagni - 9 books and stories free download online pdf in Gujarati

પ્રેમાગ્નિ - 9

સવારે મનસાને મોક્ષને ફોન કરીને સંદેશ આપ્યો કે આજે એ કોલેજ નહીં આવી શકે. વડોદરાથી મામા-મામી અને એમના મિત્ર વાડી પર આવવાના છે એટલે વિનોદાબા કહે અમારી મદદમાં રહેજે. મહેમાન આવવાના છે એટલે રસોઈથી માંડીને દરેક કામમાં તારી મદદની જરૂર પડશે. મનસા કહે, “મોક્ષ ! હવે તમારી જુદાઈ નથી સહેવાતી. મને હવે તમારા વિના નથી ગમતું, પળ પળ તમારા સાનિધ્યની ભૂખ રહે છે. મોક્ષ, I Love You.” મોક્ષ કહે, “માને મદદ કરવી પણ જરૂરી છે. તું કામમાંથી પરવારે એટલે ફોન કરજે. આપણે વાત કરીશું. આજે હું મારા કોલેજનાં બધા પેન્ડિંગ કામ પૂરા કરી નાખું.”

મામાની ગાડી વાડીમાં પ્રવેશી. મામા-મામી સાથે બીજી બે વ્યક્તિ હતી જે મહેમાન બનીને આવી હતી. ગાડી ઘર પાસે આવી અને મનસાએ કેશુબાપાને સાદ પાડીને દૂબળાને મોકલવા કહ્યું. મામા-મામીની ગાડીમાંથી સામાન ઉતારવાનો છે અને થોડો સામાન લાવી આપવાનો છે. મામા-મામી સાથે એમના મિત્ર મનસુખભાઈ અને માલતીબેન ગાડીમાંથી ઉતર્યા. વિનાદાબા-શાંતાકાકી અને મનસા વરંડામાં જ એમને આવકારવા પગથિયાં પાસે ઊભા હતા. મનસા દોડીને મામાને પગે લાગી અને મામીના ગળે વળગી –મામી પણ ખૂબ ખુશ થઈ ગયા. આવનાર મહેમાનને નમસ્કાર કર્યા. વિનોદાબા પણ હસુભાઈ અને હિનામામીને જોઈને ખુશ થઈ ગયા. બધાને ઘરમાં આવકાર્યા. હસુમામા બોલ્યા, “મોટાબેન ! આ મારા ખાસ મિત્ર મનસુખભાઈ અને એમનાં પત્ની માલતીબેન છે. તેઓ મુંબઈ રહે છે. તેઓ કોઈ કામસર વડોદરા આવેલા. બે દિવસ રોકાઈને પાછા જઈશું.” વિનોદાબા કહે, “હસુ ! તેં સારું જ કર્યું ચાલો મારું ઘર ભરાયું.” હસતાં હસતાં બધા દીવાનખંડમાં આવ્યા. મનસુખભાઈએ વિનોદાબાને નમસ્કાર કર્યા અને કહ્યું “હસુ સાથે મારે ખૂબ નિકટનો સંબંધ – વારંવાર તમારી વાતો કરે, વાડીનું વર્ણન કરે, મન કાયમ લલચાય કે ક્યારે જોવા જઈશું ? આ વખતે આવ્યો ત્યારે નક્કી જ કર્યું કે આ વખતે તો જઈશું જ.” વિનોદાબા કહે, “ખૂબ જ સારું કર્યું. આ હસુનું જ ઘર છે ને.” મનસાએ બધાને પાણી પીવરાવ્યું. વિનોદાબા કહે, “થોડો આરામ કરીને મનસા તમને વાડી બતાવવા લઈ જશે. હસુએ પણ આખી વાડી જોઈ જ છે.” મનસુખભાઈ કહે, “અમે ચા પીને તરત બહાર નીકળીએ. વાડી જોવાની ઘણી તાલાવેલી છે, તમારા તો ઘરની બાંધણી પણ ખૂબ સરસ છે. આવી બાંધણી તો બીજે જોવા પણ મળતી નથી. અહીં ખૂબ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.”

ચા નાસ્તો પરવારી હસુમામા – મનસુખભાઈ અને મનસા વાડીમાં લટાર મારવા નીકળ્યા. મનસુખભાઈ કહે, “તમારા બેનની વાડી ખરેખર નયનરમ્ય છે. વૃક્ષો ખૂબ ફળાઉ અને તંદુરસ્ત છે. ચારેબાજુ લીલોતરી જ છે.” હસુમામાએ કહ્યું, “મારા બનેવી ગોવિંદરામજીની મહેનત અને વૃક્ષો પસંદ કરવામાં દીર્ધદષ્ટિ છે. આ વાડીમાં જ એમનો આત્મા વસેલો છે.” મનસા બાપુને યાદ કરતાં કરતાં લાગણીશીલ થઈ ગઈ. મનસા બોલી, “બાપુની ગેરહાજરીમાં આ વૃક્ષો જ અમારો સહારો છે. અમારા જીવનની હાથલાકડી છે. મારી બાનું ભવિષ્ય છે. અમારા માટે અન્નદાતા છે. એ પૂજ્ય છે અમારા દેવ છે.” મનસુખભાઈ કહે, “હા બહેન, તમારી આત્મીયતા વાડીનાં દરેક વૃક્ષમાં જણાય છે.” એટલામાં કેશુબાપા તાજા લીલા નાળિયેર લઈને આવ્યા અને મામા અને તેમના મિત્રને આપ્યા. પીવા માટે બીજા નાળિયેર ઘર તરફ લઈને ગયા. મનસા એ લોકોને મૂકીને આગળ નીકળી ગઈ. હસુમામા અને એમના મિત્ર ઘર તરફ પાછા વળ્યા. મનસાએ તરત મોક્ષને ફોન લગાડ્યો. મોક્ષે હર્ષભેર ફોન ઉપાડ્યો. મનસાને કહે, “હું ક્યારનો તારા ફોનની રાહ જોતો બેઠો છું. તું તો આજે મહેમાનોની આગતાસ્વાગતા કરવામાં મને સાવ ભૂલી ગઈ.” મનસા કહે, “મારા મહાદેવ ! હું તમને કેવી રીતે ભૂલી શકું ? શ્વાસ લેવાનું ભૂલું તો તમને ભૂલું. તમે તો મારા આરાધ્ય દેવ છો. તમે ક્લાસમાં લેક્ચર આપતા આપતા કળી-ફૂલની વાતો સમજાવતા હતા વનસ્પતિશાસ્ત્રને એક પ્રેમકાવ્ય બનાવી દીધેલું. અહીં બધા વૃક્ષોનાં ફૂંલો પર ઊડતા પતંગિયાં મને એ જ યાદ કરાવી રહ્યા છે. તમારા પ્રેમનો જ અહેસાસ કરાવે છે. મોક્ષ, તમે મારા પ્રાણ છો. તમારા વિના હવે મારું જીવન જ નથી. હું તમને પળપળ યાદ કરું છું. દરેક ગીતમાં, કવિતામાં શબ્દોમાં તમને જ જોઉં છું સાંભળું છું. તમારો જ અહેસાસ કરું છું. હવે આ તમારી મનસાનું જીવન ફક્ત મોક્ષમય બની ગયું છે.” મોક્ષ પણ મનસાના પ્રેમભર્યા શબ્દોમાં ખોવાઈ ગયો. મોક્ષ કહે, “હવે તો મારા હદયના પ્રત્યેક ધબકારમાં તારું નામ છે. મારા આત્મા શરીરનાં તત્વની તું જ તત્વમસી છે. મનસા, હવે ફક્ત તને જ જીવીશ. મારા મન હદયની ગતિ હવે તારા જ ફોર્સથી છે. તું મારી કવિતાની પ્રેરણા છે, તું મારી શક્તિ છે. મનસા, હવે એક જીવ બે શરીર ધરાવે છે બસ હું એ તું અને તું એ હું એક જ ઓરા.” વાતો કરતા કરતા મનસા ઘરના વરંડા નજીક આવી ગઈ અને બોલી, “મારા વહાલા મોક્ષ ! હું હવે ફોન બંધ કરું ? મહેમાનોને જમવાનો સમય થઈ ગયો. હું ઘરમાં જઉં.” મોક્ષ કહે, “પણ સાંજે મહેમાન જાય એવી તરત મને ફોન કરજે અથવા હું ફોન કરીશ.” મનસાએ મોક્ષને કહ્યું, “ચોક્કસ પ્રોમિસ.” અને ફોન બંધ કર્યો.

હસુમામા અને મનસુખભાઈ બંને વરંડામાં બેઠા બેઠા ગપ્પા મારી રહ્યા હતા. રાજકારણ-શેરબજાર અને નિતનવી વાતોમાં ગરકાવ હતા. વિનોદાબા અને શાંતાકાકી રસોડામાં હતા – હિનામામી અને માલતીબેન વાતો કરતા હતા. મનસા ઘરમાં આવી ત્યારથી માલતીબેન એને જ નિરખી રહ્યા હતા. એમનું મન વિચારોમાં ઉતરી ગયું હતું. વિનોદાબાએ બધાને જમવા માટે ડાઈનિંગ રૂમમાં બોલાવ્યા. રસોડાની બાજુવાળો રૂમ, જ્યાં ડાઈનિંગ ટેબલ ગોઠવેલું હતું ત્યાં હસુમામા-મનસુખભાઈ-માલતીબેન-હિનામામી અને મનસા જમવા માટે ગોઠવાયા. વિનાદાબાએ મનસાને પણ સાથે જ જમવા બેસાડી જેથી એમની સાથે અહીં આગળ અંબાજી મંદિર અને મહાદેવનાં મંદિરે સાથે જઈ શકે. મનસાએ કહ્યું, “ના બા, તમે જાઓ સાથે તમે અને શાંતાકાકી દર્શને જજો હું બધાને પીરસું છું.” બહુ આનાકાની પછી મનસાએ બધાને સાથે જમવા બેસાડ્યા અને એણે ગરમગરમ રસોઈ બધાને આગ્રહ કરી કરીને પ્રેમથી જમાડી.

જમીને પરવાર્યા પછી મનસા સિવાયના બધા જ હસુમામાની મોટી ગાડીમાં ગોઠવાયા અને ગામ નજીકના મંદિરે દર્શન કરવા નીકળી ગયા. ગાડીમાં માલતીબેને વિનોદાબા સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. તમારી વાડી ખૂબ જ સરસ છે. વ્યોમનાં પપ્પા ખૂબ વખાણ કરતા હતા. તમારી દીકરી પણ ખૂબ હોંશિયાર છે. સુંદર સુશીલ સંસ્કારી છોકરી ગોતવી આ સમયમાં ઘણું અઘરું છે. વિનાદાબા કહે, “મારી એકની એક દીકરી છે. ઈશ્વરે એના માટે ઉત્તમ વર શોધ્યો હશે.” વાતો કરતા કરતા મંદિર ક્યારે આવી ગયું ખબર જ ના પડી. માલતીબેને હિનામામીને કહ્યું, “મેં તમારા નણંદબાને ઈશારામાં કહ્યું પણ કંઈ ખ્યાલ ના આવ્યો એમને. હું તમને ફોડ પાડીને કહું છું, તમારી મનસા મને મારા દીકરા વ્યોમ માટે ખૂબ પસંદ પડી છે. તમે તમારા નણંદને વાત કરજો. મારો વ્યોમ પણ દેખાવડો – ભણેલો અને સુખી સંસ્કારી ઘરનો એકનો એક વારસ છે. સોનામાં સુગંધ ભળે એવા બે કુટુંબ છે. તમે વાત કરી જોજો અને મને જણાવજો. કદાચ કોઈ ઋણાનુબંધ હશે એટલે જ અહીં આવવાનું ગોઠવાયું લાગે છે. આ મંદિરમાં કહું છું એમની દીકરી મારે ત્યાં રાજ કરશે.” હિનામામી કહે, “તમારા જેવું ઘર અને કુટુંબ મળે એ અમારું નસીબ જ છે. હું વિનોદાબેનને વાત કરીને તમને જણાવીશ.” બધા દર્શન કરી પાછા વાડીએ આવ્યા. મનસા પોતાના રૂમમાં કોઈ મેગેઝિન વાંચી રહી હતી. તે ઉઠીને બહાર આવી. બધા વરંડામાં સોફા-મુડા અને હીંચકા પર ગોઠવાયા. મનસા બધા માટે પાણી લઈ આવી. માલતીબેનની નજર મનસા ઉપર જ હતી. એનું ઝીણવટથી નિરીક્ષણ કરી રહ્યા હતા. એમણે મનસાને પૂછ્યું, “તું શેમાં ભણે છે. શેનું ભણે છે ? કઈ કોલેજ ?” મનસાએ બધા જ જવાબ આપીને કહ્યું, “મને મારા અભ્યાસમાં ખૂબ રસ છે.” માલતીબેન કહે, “ભણવામાં પછી રસોઈ વિસરાઈ ગઈ છે કે આવડે છે ?” વિનોદાબા કહે, “મનસા અમારા કરતાં પણ સરસ રસોઈ બનાવે છે. મારી દીકરી તો કોહિનૂરનો હીરો છે. એના બાપુનાં ગયા પછી – કાકાબાપુનાં ગયા પછી હવે વાડીનો બધો જ હિસાબ – વેચાણ ખર્ચ – જાળવણી બધું જ સંભાળે છે, કેશુબાપાને પણ બધા કામમાં મદદ કરે છે.” માલતીબેન બધું જાણીને સંતોષ પામી રહ્યા. એમનો નિર્ણય વધુ ને વધુ સબળ બનતો ગયો.

સાંજે પાંચ વાગ્યાના સુમારે હસુમામા-મામી તથા બન્ને મહેમાન પાછા જવા માટે નીકળ્યા. માલતીબેને મનસાના હાથમાં પૈસા મૂક્યા. વિનોદાબા કહે, અરે એવું ના હોય. માલતીબેન કહે, “તમારી દીકરીને મારા આશીર્વાદ છે. ઈશ્વર બધાને આવી દીકરી આપે. એણે મારું દિલ જીતી લીધું છે.” વિનોદાબા વધારે કંઈ બોલ્યા નહીં અને તેઓની ગાડી વાડીમાંથી બહાર નીકળી ગઈ. ગાડીમાં હિનામામીએ માલતીબેન અને મનસુખભાઈની સામે જ હસુભાઈને વાત કરી, “માલતીબેનની ઇચ્છા એમના વ્યોમ માટે મનસાનું માગું નાખવાની છે. એમને મનસા ખૂબ પસંદ પડી ગઈ છે.” હસુમામા કહે, “મારી મનસાના નસીબ ખૂલી ગયા. મારા જેવું ઘર કુટુંબ અમે ક્યાં ખોળવા જવાના હતા ? હું કાલે જ મારી બહેનને વાત કરીને એમની ઇચ્છા જાણી લઈશ. ચાલો, મિત્રતા એક નજીકના સંબંધમાં ફેરવાશે.”