...Ane - Of The Record - Chapter 2 books and stories free download online pdf in Gujarati

...Ane - Of The Record - Chapter 2

‘...અને..’

ઑફ ધી રેકર્ડ

(પ્રકરણ ૨)

પરિચય :-

ભવ્ય રાવલ ગુજરાતી અને ખાસ તો સૌરાષ્ટ્રનાં પત્રકારત્વ અને સાહિત્યજગતમાં તેમની ઉમરનાં પ્રમાણમાં મોટું નામ અને નામનાં પ્રમાણમાં સમાન કામ ધરાવે છે. ૧૫-૧૦-૧૯૯૧નાં રોજ હરિદ્વારમાં જન્મ થયા બાદ પરિવાર સાથે છેલ્લા બે દસકથી રાજકોટમાં રહેતા ભવ્ય નાનપણથી જ લેખન અને વાંચનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

સ્કુલકાળથી કોમર્સ અને કોમ્યુનિકેશનનાં વિદ્યાર્થી ભવ્ય રાવલે શાળા - કોલેજ - યુનિવર્સિટી કક્ષા એ લેખન કારકિર્દી પ્રારંભ કરી શરૂઆતમાં અનેક ઈનામો અને પરાક્રમો જીત્યા-કર્યા છે. સાથોસાથ ‘અઢી અક્ષર’ (૨૦૦૮-૯), ‘ઓહ..જિંદગી’ (૨૦૧૧-૧૨) લઘુ નવલકથા લખી પોતાની લેખન ક્ષમતા યુવા વયે સાબિત કરી છે. આ ઉપરાંત તેઓ વાર્તા, લેખ, કવિતા, ચર્ચા અને નવલકથામાં હાથ અજમાવી અનેક ગણું લખી ચૂક્યા છે, લખી રહ્યા છે.

ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા સંપાદિત શ્રેષ્ઠ ૧૦૧ કવિતાનાં પુસ્તકમાં તેમની કવિતા ‘આવુ છે ગુજરાત’ પ્રસિદ્ધ થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં દૈનિક ‘કાઠિયાવાડ પોસ્ટ’માં ભવ્ય રાવલની નવલકથા ‘અન્યમનસ્કતા’ ધારાવાહિક સ્વરૂપે પ્રસિદ્ધ અને લોકપ્રિય બની પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ ચૂકી છે. વિશેષમાં યુવા સર્જક ભવ્ય રાવલ કેટલાક અખબાર અને સામાયિકમાં કોલમ/મંતવ્યો પણ લખી ચૂક્યા છે.

લેખક, કવિ, ભવ્ય રાવલ પત્રકાર પણ છે. આ દરમિયાન તેઓ એ અનેક લોકોની મુલાકાત લઈ ઈન્ટરવ્યૂ કરેલા છે. તથા પત્રકારત્વનાં અભ્યાસ દરમિયાન ‘કાજલ ઓઝાનાં કટાર લેખન’ પર સંશોધન કરેલુ છે. હાલમાં તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રત્યાયન અને પત્રકારત્વનાં એમ.ફિલ. (માસ્ટર ઑફ ફિલસૂફી) અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે.

પોતાના જીવન અનુભવ અને આસપાસની વ્યક્તિ, સમાજ અને દુનિયાને ધ્યાનમાં રાખી લેખન-ચિંતન કરતાં ભવ્ય રાવલની એક સર્જક તરીકેની ક્ષમતા અને વધુ પરિચય માટે તેમની રચના અને રજૂઆતથી આત્મસાત થવું અનિવાર્ય છે.

આથી પ્રસ્તુત છે યુવા નવલકથાકાર ભવ્ય રાવલની પવિત્રતા, પાગલપણા અને પેશનથી ભરેલા સાહિત્ય અને પત્રકારત્વ જગતની વિષયવસ્તુ પર આધારિત પેજ-થ્રી પડદાં પાછળની જમીની હકિકતને બેબાક દિલધડક રીતે રજૂ કરતી નવલકથા – ‘…અને’ – ઑફ ધી રેકર્ડ

‘...અને’ – ઑફ ધી રેકર્ડ

સંબંધોનાં પળેપળ બદલાતા પલડાઓની ઊંચ-નીચ અને યશ, ધન, સત્તા અને પદની અંદરથી ખવાઈ અને બહારથી ખોવાઈ ગયેલી જિંદગીઓની દાસ્તાન..

રાજકીય મહોરાઓની ચાલ અને ખોખલા કાયદાનાં ષડયંત્ર વચ્ચે સરસ્વતી અને લક્ષ્મીનાં ઉપાસકો અને આરાધકોની સંઘર્ષકથા..

વિબોધ જોષી અને સત્યા શર્મા નામનાં બે શૂરવીરની સાહસકથા.

‘…અને’ બીજું ઘણુંબધું ‘ઑફ ધી રેકર્ડ’ નવલકથામાં..... ભવ્ય રાવલની કલમે.......

Bhavya Raval

ravalbhavya7@gmail.com

‘...અને..’

ઑફ ધી રેકર્ડ

...અને રાતમાં ભળતી સાંજે રાજકોટના જમીની ફલક પર શ્રાવણનાં વાદળ ચીરતો સૂર્ય શહેર પર કાળાશ પડતી ગુલાબી આભા ફેંકતો લાલ ચમકી રહ્યો હતો. આલિશાન ઈમારતોની કાળી રૂપરેખાને ઉપસાવતા પડછાયા ભેદી લોકોનો અવિરત પ્રવાહ રસ્તા પર અવરજવર કરી રહ્યો હતો. વાતાવરણમાં રોજ જેવી જ સામાન્ય નિયમિતતા હતી.

રાજકોટની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ફોર્સ મહાગામનાં ગીચ ટ્રાફિકના માથું પકવતા ઘોંઘાટ વચ્ચે વેગથી સાયરન વગાડતી સુદર્શન અખબારના સરનામે પહોંચી.

સુદર્શન અખબારની ચહલપહલભરી ઑફિસમાં કામ કરતા કર્મચારીઓના એડિટરિયલ વિભાગમાંથી પસાર થઈને સેક્રેટરીએ ઉતાવળે ચેમ્બરનો કાચનો દરવાજો ધકેલીને પુશબેક ચેર પર બેચેનીથી સિગારેટનાં લાંબા કશ ખેંચી, પરિચિતની પર્સનલ ડાયરી વાંચવાની શરૂઆત કરી રહેલી અખબારની માલકણને જણાવ્યું,

‘મેડમ, બહાર પોલીસ આવી છે.’

‘હા.. હા.. હા..’ સત્યા મોટેથી હસી.

મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથેની ટીમ સત્યાની ઑફિસમાં ઘસી આવી. તેના હાથમાં પોતાના જ અખબારનાં તંત્રીને ગોળી મારી હત્યા કરવાના આરોપસર ગિરફ્તાર કરવાનો રિપોર્ટ સોંપ્યો.

સત્યાએ રિપોર્ટ હાથમાં લઈ જોયા વિના જ ફાડીને ડસ્ટબિનમાં નાંખ્યો, ‘ફોર્માલિટી મને પસંદ નથી. ચાલો જઈશું?’

પોતાને પકડવા આવેલી પોલીસ ફોર્સની જાણે પોતે જ આગેવાની કરતી હોય તેમ સત્યા સુદર્શન અખબારની વૈભવી ઈમારતમાંથી મર્દાના ચાલે બહાર આવી. કંપાઉન્ડમાં મીડિયાનો મેળો જામ્યો હતો.

ધક્કામુક્કી સાથે માઇક, અલગ અલગ ચેનલ્સના આગેવાનોનાં બૂમ સત્યાના મોં પાસે આવ્યાં.

‘મેડમ તમારી ધરપકડ કયા કારણોસર થઈ રહી છે?’

‘જેનું નામ જ સત્યા હોય તેણે એવું શું અસત્ય કર્યું?’

‘આ ક્યો નવો પબ્લિસિટી સ્ટંટ છે?’

અનેક પ્રહાર કરતાં સવાલો વચ્ચે સત્યાએ પોતાના હાથમાં રહેલી સિગારેટ ગુસ્સાથી જમીન પર ફેંકી લાંબી એડીના સેન્ડલ તેના પર પછાડી સિગારેટને રગદોળીને હોલવી. સૌ તરફથી નજર હટાવી ગોગલ્સ પહેરતાં તે પોલીસવાનમાં ઝડપથી બેસી ગઈ.

સત્યાને સીધું યાદ આવ્યું. જેલનો બફારો જીવ ઉકળાવનારો હોય છે. કોર્ટમાં જજ સમક્ષ તો હજુ છેક કાલે હાજર કરાશે. તેણે ખુદને પોલીસવાનના ડ્રાઈવર અને એસ.પી.ને મહિલા પોલીસ હેડ ક્વાર્ટર અથવા શહેર પોલીસ કમિશ્નરની કચેરીએ લઈ જવા સૂચવ્યું.

સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરના નામાંકિત સુદર્શન અખબારના તંત્રીની હત્યા અને માલકણની ધરપકડે રાતનું સામ્રાજ્ય પથરાતા સુધીમાં આતંક ફેલાવી દીધો. બધી જ નાની-મોટી લોકલ અને નેશનલ સમાચાર ચેનલ્સ આ ઘટનાની વિશેષ નોંધ સાથે સક્રિય બની. ટી.આર.પી.ની દોડમાં જોડાઈ.

પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે સુદર્શન સમાચાર પત્ર સાથે જોડાયેલી દરેક વ્યક્તિ રસ્તા પર ઉતરવા લાગી. કેટલાક વિરોધીઓએ સુદર્શન અખબારનું છાપખાનું સળગાવી દીધું. ક્યાંક પોલીસ સ્ટેશન પર પથ્થરમારો થયો. અમુક જગ્યાએ તોડફોડ થઈ સૌરાષ્ટ્રભરની સામાજિક અને કાયદાકીય સ્થિતિ સંકટમાં મુકાઈ ગઈ.

સત્યાને રાજકોટની કમિશ્નર કચેરીએ લાવવામાં આવી. તે કેદીઓના એક ખાસ ઓરડામાં જઈને બેઠી, અનોખી અદાથી પોતાના મોબાઈલમાં સેલ્ફી ક્લિક કર્યો. તેણે કરેલા કૃત્ય કે મનમાં ઉદભવેલા વંટોળની અસર તેના હાવભાવમાં સહેજ પણ પ્રદર્શિત થતી નહોતી.

‘અરે.. કોઈ છે કે નહીં? યાર.. એક અપરાધીની મહેમાનનવાઝી કરવાનું કોઈએ સૂચવ્યું નથી શું?’

એક સિવિલ ડ્રેસ પહેરેલો હવલદાર તુરંતજ સત્યાનો અવાજ સાંભળી ત્યાં હાજર થયો.

‘જી..’

‘વ્હોટ જી? મારી કોફીનો ઓર્ડર અપાવો. ફૂલછાબ ચોકમાં એક માણસ મોકલી સાંજના બધા અખબાર મારા માટે મગાવો.’ સત્યા થોડી રુકી. ‘ના સાંજના છાપાં નહીં. વધારો બહાર પડશે હમણાં એ મગાવી લો.’

‘જી...’

‘ફરી જી..? મને ઓળખતો નથી ઠુલ્લા?’ સત્યા ક્રોધે ચડી. ‘સત્યા નામ છે મારું... સત્યા શર્મા. એક તો ઓન ડ્યૂટી ઑફ ડ્રેસમાં રખડે છે. મહિલા કેદીનાં ઓરડામાં પરવાનગી વગર પ્રવેશે છે. અને ઉપરથી જી... જી... કહીને માથું પકવે છે? સાલા સરકારી શ્વાન હવે જી... જી... બોલ્યો છે તો અંદર કરાવી દઈશ.’

સત્યા સામે ઉભેલા હવલદારના કપાળ પરથી પરસેવાની રેખા ખેંચાઈ. તે રૂમમાંથી ભાગ્યો.

સત્યા નગ્ન હસી.

તેણે પોતાની જગ્યા પર ટેબલ ખેંચીને ઘડિયાળમાં જોયું. રાતના આઠ વાગી રહ્યા હતા. ડાયરી વાચવાનું શરૂ કરતા પહેલાં તેણે ડાયરીને પોતાના ગાલે અડાડી. તેના પર હાથ ફેરવતાં સત્યાએ મોટેથી બોલી,

‘ખરેખર કમાલ છે અને એ કમાલને સલામ છે. લાઈટ્સ, કેમરા અને એકશનનું ગ્લેમરસ વર્લ્ડ... રિએક્શન, ફેશન અને પ્રમોશનની પ્રોફેશનલ ફિલ્ડ... સ્ટ્રગલ ટુ સક્સેસની હરદમ ધબકતી રહેતી આશાવાદી સફર... લપસી જવાય તેવી ચીકણી, અંજાઈ જવાય તેવી ચમકીલી અને આકર્ષણથી આપોઆપ મોહિત થઈ જવાય તેવી ચહીતી..’

ડાયરી ટેબલ પર મૂકીને તેણે જોયું કે ડાયરીનાં આગળના પાનાં કોરા હતા. સત્યાને થયું એ કોરા પાનાં ભરવા જોઈએ. કંઈક લખવું જોઈએ.

‘વિબોધ.’

સત્યાએ વિબોધ નામ લખીને નામની આગળ ત્રણ ટપકાં કર્યાં. પછી એક આશ્ચર્યચિહ્ન કર્યું અને પછી ફરી ત્રણ ટપકાં કરીને પ્રશ્નાર્થ કર્યું. પાનું ફેરવ્યું.

‘વિબોધ...!...?’

જો વિબોધનું વ્યક્તિત્વ કોમ્પ્યુટરમાં નાંખવામાં આવે તો પ્રિન્ટર મશીનમાંથી જયપ્રકાશ નારાયણ બહાર નીકળે. વિબોધનું જીવન જ સૌથી મોટો બોધ છે. વિબોધના જીવન પરથી એ ચોક્કસ જાણવા મળે કે શું-શું કયા કારણોસર કરવું? ન કરવું? શું કામ કરવું ને ન કરવું? આફ્ટર ઓલ સમાજ માટે વિબોધ એક સૌથી મોટો નમૂનો છે.

આટલું લખીને તેણે નીચે લાંબો લીટો તાણ્યો પછી લખ્યું - સત્યા.

તેણે ફરી એક પાનું પલટાવ્યું.

જિંદગીમાં જાતભાતના માણસો આવે છે. સૌ સાથે નિકટનો સંબંધ અને અંગત સંપર્ક સધાતો નથી. વિબોધ સાથે ‘તમે’થી ‘તું’ની યાત્રામાં સાહિત્ય અને પત્રકારત્વનો તફાવત હતો. સામ્યતાએ અલગતાનું સ્વરૂપ ઘારણ કર્યું ને તાલમેલ તફાવત બન્યો. જે તફાવત આગળ જતાં આજે જીવનભરનો તફાવત બની ગયો. તકરાર અને તહસનહસ - તબાહીનું કારણ બની ગયો.

સત્યાએ ડાયરીમાં પેન રાખી. પોતાના પોકેટમાંથી બ્લેક સિગારેટનું પેકેટ કાઢ્યું. બે કુમળા હોઠ વચ્ચે પોચું ફિલ્ટર દબાવીને ઝૂલતી સિગારેટ લાઈટરથી સળગાવી.

ફરી તેણે પેન ચલાવી. કોઈપણ વ્યક્તિ માટે ભીરૂતા એ મર્યાદા નહીં સમસ્યા છે. એ જ રીતે વિબોધ માટે તેનું વધુ પડતું સાહસ સમસ્યાનું કારણ બની ગયું હતું. ગમે ત્યારે, ગમે તે માટે જોખમ વહોરી લેવાની તૈયારી અને ક્યારેય પરાજય કે પલાયન ન સ્વીકારી શકવાની ભાવના તેને અલગ પ્રકૃતિનો સાબિત કરતી હતી. એ સહ્રદયી હતો. મળતાવડો અને નમ્ર હતો. વિબોધ મિલનસાર હતો છતાં બધાથી અલગ, અળગો હતો.

ઓહ... યા... પહેલી નજરે તેના પ્રત્યે આકર્ષણ જન્મી જાય તેવું કશું વિબોધમાં ન હતું. હા, તેની આંખોમાં એક તેજ હતું. તેના સીધા-સાદા ચહેરા અને વ્યક્તિત્વ પાછળ જે માણસ છુપાયેલો હતો તેની બુદ્ધિ અને પરિપક્વતાનું ધોરણ બીજા માણસો કરતાં ઉચ્ચ હતું. એનો નેચર એના નામ જેવો જ હતો.

પાનું પલટાવતા સત્યાએ સિગારેટનો ફરી એક ઊંડો કશ ખેંચ્યો ને અંગૂઠા અને આંગળી વચ્ચે દબાવી તેની પર જામેલી રાખને ફર્શ પર ખંખેરી. વિબોધ માટેનાં લખાણે તેને થોડી ભૂતકાળમાં હડસેલી દીધી.

‘સત્યા...’ વિબોધનો મર્દાના છતાં મીઠો અવાજ તેના કાને પડ્યો તેવું સત્યાને જણાયું. તેણે આસપાસ નજર કરી પણ કમિશ્નર કચેરીનાં એક ઓરડામાં સિગારેટનાં ધુમાડીયા વાતાવરણમાં વિબોધનો ઘઉંવર્ણો ચહેરો સત્યાને ન દેખાયો. વિબોધના અવાજની ગંભીરતા અને ઠહેરાવ ફરી ન સંભળાયા.

સત્યાએ ડાયરીના આગળનાં ખાલીખમ પાનાંઓ પર લખતાં-લખતાં વિચાર્યું કે, વિબોધ દુનિયા પાસે ગમે તેટલો નિખાલસ અને પારદર્શક હોય, તેના માટે કાયમ શંકાજનક રહ્યો છે. વિબોધને સમજી શકવાની ત્રેવડ કોઈમાં હતી નહીં. વિબોધનું એ સૌથી મોટું વિલક્ષણ હતું.

સત્યાએ ડાયરીનું પાનું ફેરવ્યું.

વિબોધ કોઈને પસંદ ન હતો. તેમ છતાં ખરેખર બધાંને એની સાથે મજા આવતી હતી. તેની પાસે જીવનની હરેક વિડંબણાના જટિલ કોયડાઓનો ઉકેલ હંમેશાં હાજર રહેતો. એની કાર્ય પ્રત્યેની કુશળતા, સંબંધો પ્રત્યેની કટિબદ્ધતા અને કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે વિચાર માટેની તટસ્થતા અને સિદ્ધાંતો - આદર્શો માટેની પ્રતિબદ્ધતા બહુ જ ચોક્કસ હતી. વિબોધ એ વિબોધ હતો.

સત્યાએ ફરી એક પાનું પલટાવ્યું ત્યાં મરોડદાર અક્ષરે લખેલું આવ્યું - વિબોધ.

‘વિબોધ જોષી...’

સત્યાની કૂણી આંગળીઓ મરોડદાર અક્ષરો પર ફરી. તેણે પાનું પલટાવ્યું.

એ યાદસ્તાનમાં સરી પડી. અને..